બીજો કાળવૃત્તાંત
૨૪ યહોઆશ રાજા બન્યો ત્યારે સાત વર્ષનો હતો.+ તેણે યરૂશાલેમમાં ૪૦ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ સિબ્યાહ હતું, જે બેર-શેબાની હતી.+ ૨ યહોયાદા યાજકના જીવન દરમિયાન યહોઆશ એ જ કરતો રહ્યો, જે યહોવાની નજરમાં ખરું હતું.+ ૩ યહોયાદાએ યહોઆશના લગ્ન બે સ્ત્રીઓ સાથે કરાવ્યા અને તેને દીકરા-દીકરીઓ થયાં.
૪ પછી યહોઆશના દિલમાં એવી ઇચ્છા જાગી કે પોતે યહોવાના મંદિરનું સમારકામ કરાવે.+ ૫ તેણે યાજકો અને લેવીઓને ભેગા કરીને કહ્યું: “યહૂદાનાં શહેરોમાં જાઓ. તમારા ઈશ્વરના મંદિરના સમારકામ માટે આખા ઇઝરાયેલમાંથી દર વર્ષે પૈસા ભેગા કરો.+ તમારે આ કામ ઝડપથી કરવું.” પણ લેવીઓએ ઉતાવળ કરી નહિ.+ ૬ રાજાએ મુખ્ય યાજક યહોયાદાને બોલાવીને કહ્યું:+ “યહોવાના સેવક મૂસાની આજ્ઞા પ્રમાણે લેવીઓ યહૂદામાંથી અને યરૂશાલેમમાંથી પવિત્ર કર લાવ્યા નથી.+ એટલે કે સાક્ષીકોશના* મંડપ+ માટે ઇઝરાયેલના લોકો* પાસેથી પવિત્ર કર લાવ્યા નથી. તમે કેમ તેઓને કંઈ કહેતા નથી? ૭ પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના+ દીકરાઓ સાચા ઈશ્વરના મંદિરમાં ઘૂસી ગયા હતા.+ તેઓએ યહોવાના મંદિરની બધી પવિત્ર વસ્તુઓ બઆલ માટે વાપરી હતી.” ૮ પછી રાજાના હુકમથી એક પેટી+ બનાવવામાં આવી. એને યહોવાના મંદિરના દરવાજાની બહાર મૂકવામાં આવી.+ ૯ ત્યાર બાદ આખા યહૂદામાં અને યરૂશાલેમમાં ઢંઢેરો પીટવામાં આવ્યો કે યહોવા આગળ પવિત્ર કર+ લાવવામાં આવે. એ કર સાચા ઈશ્વરના ભક્ત મૂસાએ વેરાન પ્રદેશમાં ઇઝરાયેલ પર નાખ્યો હતો. ૧૦ બધા આગેવાનો અને લોકોમાં આનંદ આનંદ છવાઈ ગયો.+ તેઓ દાન લાવીને પેટીમાં નાખતા ગયા. અરે, એ પેટી દાનથી ભરાઈ ગઈ.*
૧૧ જ્યારે લેવીઓ જોતા કે પેટીમાં ઘણા બધા પૈસા ભેગા થયા છે, ત્યારે તેઓ એ પેટી રાજા પાસે લઈ આવતા. રાજાનો મંત્રી* અને પ્રમુખ યાજકનો* સહાયક આવતા અને એ પેટી ખાલી કરતા.+ પછી તેઓ એ પેટી એની જગ્યાએ મૂકી દેતા. દરરોજ આમ કરીને તેઓએ ઘણા બધા પૈસા ભેગા કર્યા. ૧૨ રાજા અને યહોયાદા એ પૈસા યહોવાના મંદિરમાં થતાં કામની દેખરેખ રાખનારાઓને આપતા. તેઓ એ પૈસાથી યહોવાના મંદિરના સમારકામ માટે કડિયાઓ અને પથ્થર કાપનારાઓને મજૂરીએ રાખતા.+ યહોવાના મંદિરના સમારકામ માટે લોઢા અને તાંબાનું કામ કરનારા કારીગરોને પણ એમાંથી મજૂરી ચૂકવતા. ૧૩ આ રીતે કામની દેખરેખ રાખનારાઓએ કામ શરૂ કરી દીધું. તેઓના હાથ નીચે એ કામ ચાલતું રહ્યું. તેઓએ સાચા ઈશ્વરના મંદિરનું સમારકામ કરીને એને મજબૂત બનાવ્યું. તેઓએ એને અગાઉ જેવું કરી નાખ્યું. ૧૪ એ કામ પૂરું થયું કે તરત તેઓએ બાકી રહેલા પૈસા રાજા અને યહોયાદાને પાછા આપ્યા. એ પૈસાથી યહોવાના મંદિર માટે વાસણો બનાવવામાં આવ્યાં. એમાં સેવા માટેનાં અને અર્પણો ચઢાવવા માટેનાં વાસણો, પ્યાલાઓ અને સોના-ચાંદીનાં વાસણો હતાં.+ યહોયાદા જીવ્યો ત્યાં સુધી લોકોએ યહોવાના મંદિરમાં રોજ અગ્નિ-અર્પણો ચઢાવ્યાં.+
૧૫ યહોયાદા યાજક લાંબું અને સુખી જીવન જીવીને ગુજરી ગયો. તેના મરણ સમયે તે ૧૩૦ વર્ષનો હતો. ૧૬ તેણે ઇઝરાયેલના લોકો માટે, સાચા ઈશ્વર માટે અને ઈશ્વરના મંદિર માટે સારાં કામો કર્યાં હતાં.+ એટલે લોકોએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, જ્યાં રાજાઓને દફનાવવામાં આવતા.+
૧૭ યહોયાદાના મરણ પછી, યહૂદાના આગેવાનોએ રાજા આગળ આવીને નમન કર્યું. તેઓએ જે કહ્યું એ રાજાએ માન્યું. ૧૮ લોકોએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાના મંદિરને ત્યજી દીધું. તેઓ ભક્તિ-થાંભલાઓની અને મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. યહૂદા અને યરૂશાલેમે કરેલા આ પાપને લીધે ઈશ્વરનો ક્રોધ સળગી ઊઠ્યો. ૧૯ તેઓ યહોવા પાસે પાછા ફરે એ માટે તેમણે વારંવાર પ્રબોધકો મોકલ્યા. પ્રબોધકોએ તેઓને ચેતવણી આપી,* પણ તેઓએ આંખ આડા કાન કર્યા.+
૨૦ ઈશ્વરની શક્તિ યહોયાદા+ યાજકના દીકરા ઝખાર્યા પર આવી. તેણે લોકો આગળ ઊભા થઈને કહ્યું: “સાચા ઈશ્વર કહે છે, ‘તમે યહોવાની આજ્ઞાઓ શા માટે તોડો છો? તમે ક્યારેય સફળ નહિ થાઓ. તમે યહોવાને છોડી દીધા છે, એટલે તે પણ તમને છોડી દેશે.’”+ ૨૧ પણ તેઓએ ઝખાર્યા વિરુદ્ધ કાવતરું ઘડ્યું.+ તેઓએ રાજાના હુકમથી તેને યહોવાના મંદિરના આંગણામાં પથ્થરો મારીને મારી નાખ્યો.+ ૨૨ ઝખાર્યાના પિતા યહોયાદાએ બતાવેલો અતૂટ પ્રેમ યહોઆશ રાજાએ યાદ રાખ્યો નહિ અને તેના દીકરાને મારી નાખ્યો. ઝખાર્યાએ મરતાં મરતાં કહ્યું, “યહોવા તને જોઈ લેશે અને તારી પાસેથી હિસાબ માંગશે.”+
૨૩ વર્ષની શરૂઆતમાં સિરિયાનું સૈન્ય યહોઆશ સામે ચઢી આવ્યું. તેઓએ યહૂદા અને યરૂશાલેમ પર હુમલો કર્યો+ ને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા.+ તેઓએ બધી લૂંટ દમસ્કના રાજાને મોકલી આપી. ૨૪ હુમલો કરનાર સિરિયાનું સૈન્ય બહુ નાનું હતું. તોપણ યહોવાએ યહૂદાનું બહુ મોટું સૈન્ય તેઓના હાથમાં સોંપી દીધું,+ કારણ કે તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો. આમ ઈશ્વરે સિરિયાના સૈન્ય દ્વારા યહોઆશને સજા કરી. ૨૫ તેણે યાજક યહોયાદાના દીકરાઓનું*+ લોહી વહાવ્યું હતું. એટલે સિરિયાનું સૈન્ય પાછું હટ્યું ત્યારે (તેઓ યહોઆશને સખત ઘાયલ કરીને* છોડી ગયા હતા), તેના સેવકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું. તેઓએ તેને પથારીમાં જ પતાવી દીધો.+ તેના મરણ પછી તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો,+ પણ રાજાઓને દફન કરવાની જગ્યાએ નહિ.+
૨૬ યહોઆશની સામે કાવતરું ઘડનારા આ હતા:+ આમ્મોની સ્ત્રી શિમઆથનો દીકરો ઝાબાદ અને મોઆબી સ્ત્રી શિમ્રીથનો દીકરો યહોઝાબાદ. ૨૭ યહોઆશના દીકરાઓ વિશે, તેની વિરુદ્ધ થયેલી ભવિષ્યવાણીઓ વિશે+ અને સાચા ઈશ્વરના મંદિરના સમારકામ વિશેની+ માહિતીનું વર્ણન રાજાઓના પુસ્તકનાં લખાણોમાં જોવા મળે છે. તેનો દીકરો અમાઝ્યા તેની જગ્યાએ રાજા બન્યો.