બીજો કાળવૃત્તાંત
૨૯ હિઝકિયા+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૨૯ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અબિયા હતું અને તે ઝખાર્યાની દીકરી હતી.+ ૨ હિઝકિયા પોતાના પૂર્વજ દાઉદની જેમ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.+ ૩ તેણે પોતાના શાસનના પહેલા વર્ષના પહેલા મહિને યહોવાના મંદિરના દરવાજા ખોલ્યા અને એ દરવાજાઓનું સમારકામ કરાવ્યું.+ ૪ પછી તેણે યાજકો અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં ભેગા કર્યા. ૫ તેણે તેઓને કહ્યું: “લેવીઓ, મારું સાંભળો. પોતાને શુદ્ધ કરો+ અને તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાના મંદિરને શુદ્ધ કરો. પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધ વસ્તુઓ દૂર કરો.+ ૬ આપણા પિતાઓ બેવફા બન્યા અને તેઓએ આપણા ઈશ્વર યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કર્યું.+ તેઓએ તેમનો ત્યાગ કર્યો. યહોવાના મંડપથી તેઓએ મોં ફેરવી લીધું અને તેમને પીઠ બતાવી.+ ૭ તેઓએ પરસાળના દરવાજા પણ બંધ કરી દીધા+ અને દીવાઓ હોલવી નાખ્યા.+ ઇઝરાયેલના ઈશ્વરના પવિત્ર સ્થાનમાં તેઓએ ધૂપ બાળવાનું+ અને અગ્નિ-અર્પણો ચઢાવવાનું બંધ કરી દીધું.+ ૮ એટલે યહૂદા અને યરૂશાલેમ પર યહોવાનો ક્રોધ ભડકી ઊઠ્યો.+ તેમણે તેઓની એવી દશા કરી કે એ જોઈને લોકો થથરી ઊઠે, દંગ રહી જાય અને તેઓની મશ્કરી કરે.* તમે તમારી સગી આંખે એ જોઈ શકો છો.+ ૯ એના લીધે તો આપણા બાપદાદાઓ તલવારથી માર્યા ગયા.+ આપણાં દીકરા-દીકરીઓને અને આપણી પત્નીઓને ગુલામીમાં લઈ જવામાં આવ્યાં.+ ૧૦ હવે મારા દિલની ઇચ્છા છે કે હું ઇઝરાયેલના ઈશ્વર યહોવા સાથે કરાર કરું,+ જેથી તેમનો ભારે રોષ આપણા પરથી ઊતરી જાય. ૧૧ મારા દીકરાઓ, આ કંઈ ચૂપચાપ બેસી રહેવાનો* સમય નથી. યહોવાએ તમને સેવકો તરીકે પસંદ કર્યા છે, જેથી તમે તેમની આગળ ઊભા રહો,+ તેમની સેવા કરો અને તેમને આગમાં બલિદાનો ચઢાવો.”+
૧૨ એ સાંભળીને આ લેવીઓ આગળ આવ્યા: કહાથીઓમાંથી+ અમાસાયનો દીકરો માહાથ અને અઝાર્યાનો દીકરો યોએલ; મરારીઓમાંથી+ આબ્દીનો દીકરો કીશ અને યહાલ્લેલએલનો દીકરો અઝાર્યા; ગેર્શોનીઓમાંથી+ ઝિમ્માહનો દીકરો યોઆહ અને યોઆહનો દીકરો એદન; ૧૩ અલીસાફાનના દીકરાઓમાંથી શિમ્રી અને યેઉએલ; આસાફના દીકરાઓમાંથી+ ઝખાર્યા અને માત્તાન્યા; ૧૪ હેમાનના દીકરાઓમાંથી+ યહીએલ અને શિમઈ; યદૂથૂનના દીકરાઓમાંથી+ શમાયા અને ઉઝ્ઝિએલ. ૧૫ તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા અને તેઓ બધા પોતાને શુદ્ધ કરીને આવ્યા. યહોવાની આજ્ઞા પ્રમાણે રાજાએ તેઓને યહોવાનું મંદિર શુદ્ધ કરવાનું કહ્યું હતું.+ ૧૬ પછી યાજકો યહોવાના મંદિરને શુદ્ધ કરવા અંદર ગયા. તેઓએ યહોવાના મંદિરમાંથી બધી અશુદ્ધ વસ્તુઓ બહાર કાઢી અને યહોવાના મંદિરના આંગણામાં મૂકી.+ લેવીઓ એ બધું ઉપાડીને બહાર કિદ્રોન ખીણ આગળ લઈ ગયા.+ ૧૭ તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે યહોવાના મંદિરને શુદ્ધ કરવાનું શરૂ કર્યું. મહિનાના આઠમા દિવસે તેઓ પરસાળ સુધી આવ્યા.+ બીજા આઠ દિવસ તેઓએ યહોવાનું મંદિર શુદ્ધ કર્યું. પહેલા મહિનાના ૧૬મા દિવસે તેઓએ એ કામ પૂરું કર્યું.
૧૮ પછી તેઓએ રાજા હિઝકિયા પાસે જઈને કહ્યું: “અમે યહોવાનું આખું મંદિર શુદ્ધ કર્યું છે. અગ્નિ-અર્પણની વેદી,+ એનાં બધાં વાસણો,+ અર્પણની રોટલી મૂકવાની મેજ+ અને એનાં બધાં વાસણો અમે શુદ્ધ કર્યાં છે. ૧૯ આહાઝ રાજા બેવફા બન્યો ત્યારે,+ તેણે પોતાના રાજમાં મંદિરમાંથી વાસણો બહાર કાઢી નાખ્યાં હતાં. એ વાસણો પણ અમે શુદ્ધ કરીને તૈયાર રાખ્યાં છે+ અને યહોવાની વેદી આગળ મૂક્યાં છે.”
૨૦ હિઝકિયા રાજાએ વહેલા ઊઠીને શહેરના આગેવાનોને ભેગા કર્યાં અને તેઓ યહોવાના મંદિરે ગયા. ૨૧ રાજ્ય, મંદિર અને યહૂદા માટે પાપ-અર્પણ* ચઢાવવા તેઓ સાત આખલા, સાત નર ઘેટા, ઘેટાનાં સાત નર બચ્ચાં અને સાત બકરા લાવ્યા.+ હિઝકિયાએ હારુનના વંશજોને, એટલે કે યાજકોને કહ્યું કે એ બલિદાનો યહોવાની વેદી પર ચઢાવે. ૨૨ તેઓએ ઢોરઢાંક કાપ્યાં+ અને યાજકોએ એનું લોહી લઈને વેદી પર છાંટ્યું.+ ત્યાર બાદ તેઓએ નર ઘેટા કાપ્યા અને એનું લોહી વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટાનાં નર બચ્ચાં કાપ્યાં અને એનું લોહી વેદી પર છાંટ્યું. ૨૩ તેઓ રાજા અને લોકો આગળ પાપ-અર્પણ માટેના બકરા લાવ્યા અને તેઓએ એના પર હાથ મૂક્યા. ૨૪ યાજકોએ એ કાપ્યા અને પાપ-અર્પણ તરીકે ચઢાવ્યા. તેઓએ આખા ઇઝરાયેલના પ્રાયશ્ચિત્ત* માટે એનું લોહી વેદી પર છાંટ્યું. રાજાએ કહ્યું હતું કે આખા ઇઝરાયેલ માટે અગ્નિ-અર્પણ અને પાપ-અર્પણ ચઢાવવામાં આવે.
૨૫ એ સમયે હિઝકિયાએ લેવીઓને યહોવાના મંદિર આગળ ઝાંઝો, તારવાળાં વાજિંત્રો અને વીણા+ લઈને ઊભા રાખ્યા હતા. દાઉદે,+ રાજા માટે દર્શન જોનાર ગાદે+ અને નાથાન+ પ્રબોધકે કરેલી ગોઠવણ પ્રમાણે તેઓ ઊભા હતા. યહોવાએ પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા કરી હતી. ૨૬ આમ લેવીઓ દાઉદનાં વાજિંત્રો લઈને અને યાજકો રણશિંગડાં* લઈને ઊભા હતા.+
૨૭ પછી હિઝકિયાએ હુકમ કર્યો કે વેદી પર અગ્નિ-અર્પણ ચઢાવવામાં આવે.+ અગ્નિ-અર્પણ ચઢાવવાનું શરૂ થયું ત્યારે યહોવાનાં ગીતો ગાવામાં આવ્યાં. એની સાથે સાથે ઇઝરાયેલના રાજા દાઉદનાં વાજિંત્રો વગાડવામાં આવ્યાં અને રણશિંગડાં વગાડવામાં આવ્યાં. ૨૮ ગીતો ગવાતાં હતાં અને રણશિંગડાં વાગતાં હતાં ત્યારે, બધા લોકોએ નમન કર્યું. અગ્નિ-અર્પણ ચઢાવવાનું પૂરું થયું ત્યાં સુધી આ બધું ચાલતું રહ્યું. ૨૯ તેઓએ અર્પણ ચઢાવવાનું પૂરું કર્યું કે તરત રાજાએ અને તેની સાથેના બધા લોકોએ ભૂમિ સુધી માથું નમાવીને નમન કર્યું. ૩૦ રાજા હિઝકિયા અને આગેવાનોએ લેવીઓને કહ્યું કે તેઓ દાઉદ+ અને દર્શન જોનાર આસાફનાં+ ગીતો ગાઈને યહોવાની સ્તુતિ કરે. એટલે તેઓએ ખુશીથી જયજયકાર કર્યો અને ભૂમિ સુધી માથું નમાવીને નમન કર્યું.
૩૧ પછી હિઝકિયાએ કહ્યું: “હવે તમે યહોવા માટે પવિત્ર* થયા છો. આવો, યહોવાના મંદિર માટે બલિદાનો અને આભાર-અર્પણો* લઈ આવો.” એટલે બધા લોકો બલિદાનો અને આભાર-અર્પણો લાવવાં લાગ્યાં. તેઓ બધા રાજીખુશીથી અગ્નિ-અર્પણો લાવ્યાં.+ ૩૨ લોકો અગ્નિ-અર્પણો માટે ૭૦ ઢોરઢાંક, ૧૦૦ નર ઘેટા અને ઘેટાનાં ૨૦૦ નર બચ્ચાં લાવ્યાં. તેઓએ એ બધાંનું યહોવાને અગ્નિ-અર્પણ કર્યું.+ ૩૩ પવિત્ર અર્પણોમાં ૬૦૦ ઢોરઢાંક અને ૩,૦૦૦ ઘેટાં ચઢાવ્યાં. ૩૪ અગ્નિ-અર્પણોનાં બધાં જાનવરોનું ચામડું ઉતારવા માટે પૂરતા યાજકો ન હતા. એટલે એ કામ પૂરું થાય ત્યાં સુધી અને બીજા યાજકો પોતાને શુદ્ધ કરે ત્યાં સુધી,+ તેઓના લેવી ભાઈઓએ મદદ કરી.+ યાજકો કરતાં લેવીઓ પોતાને શુદ્ધ રાખવામાં વધારે કાળજી રાખતા.* ૩૫ અગ્નિ-અર્પણો ઘણાં હતાં+ અને શાંતિ-અર્પણોની ચરબી ઘણી હતી.+ અગ્નિ-અર્પણો ચઢાવવા દ્રાક્ષદારૂ-અર્પણો* પણ ઘણાં હતાં.+ આ રીતે યહોવાના મંદિરમાં સેવાનું કામ ફરીથી શરૂ થયું. ૩૬ સાચા ઈશ્વરે લોકો માટે જે કર્યું હતું, એના લીધે હિઝકિયા અને બધા લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યા.+ આ બધું એકદમ ઝડપથી બન્યું હતું.