પ્રેરિતોનાં કાર્યો
૨૭ અમારા માટે દરિયાઈ માર્ગે ઇટાલી જવાનું નક્કી કરવામાં આવ્યું.+ તેઓએ પાઉલ અને બીજા અમુક કેદીઓને ઑગસ્તસની લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સોંપ્યા. ૨ અદ્રમુત્તિયાથી આવેલું વહાણ ઊપડવાની તૈયારીમાં હતું. એ વહાણ આસિયા પ્રાંતના કિનારાનાં બંદરોએ થઈને જવાનું હતું. અમે એ વહાણમાં ચઢ્યા અને સફર શરૂ કરી. મકદોનિયાનો અરિસ્તાર્ખસ+ અમારી સાથે હતો, જે થેસ્સાલોનિકાનો વતની હતો. ૩ બીજા દિવસે અમે સિદોન પહોંચ્યા. જુલિયસે પાઉલ પર દયા* બતાવી અને તેને પોતાના મિત્રોને ત્યાં જઈને મહેમાનગતિ માણવાની છૂટ આપી.
૪ અમે ત્યાંથી દરિયાઈ માર્ગે નીકળ્યા અને સામો પવન હોવાથી સૈપ્રસને કિનારે કિનારે વહાણ હંકારતા ગયા. ૫ પછી અમે ખુલ્લા દરિયામાં હંકારીને કિલીકિયા અને પમ્ફૂલિયાની પાસે થઈને લૂકિયાના મૂરા બંદરે પહોંચ્યા. ૬ ત્યાં લશ્કરી અધિકારીને એલેકઝાંડ્રિયાથી આવેલું વહાણ મળ્યું, જે ઇટાલી જતું હતું. તેણે અમને એ વહાણમાં ચઢાવ્યા. ૭ કેટલાક દિવસો સુધી ધીમે ધીમે આગળ વધ્યા પછી, અમે મહામુસીબતે કનિદસ પહોંચ્યા. પવન અમને આગળ વધવા દેતો ન હતો, એટલે અમે સાલ્મોની પાસે થઈને ક્રીતને કિનારે કિનારે હંકારી ગયા. ૮ ઘણી મુશ્કેલીથી વહાણ હંકારીને અમે સલામત બંદર નામની જગ્યાએ પહોંચ્યા, જે લસૈયા શહેરની નજીક આવેલું હતું.
૯ ઘણા દિવસો પસાર થયા, પ્રાયશ્ચિત્તના દિવસનો*+ ઉપવાસ પણ વીતી ગયો હતો. હવે વહાણ હંકારવું ખૂબ જોખમી હતું, એટલે પાઉલે તેઓને સલાહ આપી: ૧૦ “દોસ્તો, હું જોઈ શકું છું કે આ સફરનો અંત ખતરનાક છે. ફક્ત માલ-સામાન અને વહાણ જ નહિ, આપણા બધાનો જીવ પણ જોખમમાં છે.” ૧૧ પણ લશ્કરી અધિકારીએ પાઉલની વાત સાંભળવાને બદલે, સુકાની અને વહાણના માલિકની વાત સાંભળી. ૧૨ આ બંદર શિયાળો પસાર કરવા માટે યોગ્ય ન હતું. એટલે મોટા ભાગના લોકોએ એવી સલાહ આપી કે ત્યાંથી વહાણ હંકારીએ અને કોઈક રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો પસાર કરીએ. એ ક્રીતનું બંદર છે, જ્યાંથી ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ તરફ જઈ શકાય છે.
૧૩ જ્યારે દક્ષિણ દિશાથી હળવો પવન ફૂંકાવા લાગ્યો, ત્યારે તેઓને લાગ્યું કે તેઓના ધાર્યા પ્રમાણે થઈ રહ્યું છે. તેઓએ લંગર ઉપાડ્યું અને ક્રીતના કિનારાથી નજીક રહીને વહાણ હંકારવા લાગ્યા. ૧૪ પણ થોડા સમય પછી, ક્રીત પર યુરાકુલોન* નામનું તોફાન આવ્યું. ૧૫ એ તોફાનમાં વહાણ બરાબર સપડાયું અને પવનનો સામનો કરી શક્યું નહિ. છેવટે અમે પ્રયત્નો કરવાનું પડતું મૂક્યું અને પવનમાં એને ખેંચાવા દીધું. ૧૬ પછી અમે કૌદા નામના નાનકડા ટાપુને કિનારે કિનારે હંકારી ગયા અને વહાણના પાછળના ભાગમાં મૂકેલી નાની હોડીને* મહામુસીબતે બચાવી. ૧૭ પણ હોડીને વહાણમાં ખેંચી લીધા પછી, તેઓએ વહાણને નીચેથી બાંધ્યું, જેથી એ ભાંગી ન જાય. તેઓને ડર હતો કે વહાણ સૂર્તિસની* રેતીમાં ખૂંપી જશે. એટલે તેઓએ સઢનાં દોરડાં ઢીલાં કર્યાં અને વહાણ તણાવા લાગ્યું. ૧૮ બીજા દિવસે તેઓ સામાન ફેંકીને વહાણને હલકું કરવા લાગ્યા, કેમ કે તોફાનમાં બેકાબૂ બનીને એ આમતેમ ડોલાં ખાતું હતું. ૧૯ ત્રીજા દિવસે તેઓએ પોતાના જ હાથે સઢનાં દોરડાં દરિયામાં ફેંકી દીધાં.
૨૦ ઘણા દિવસો સુધી સૂર્ય કે તારા દેખાયા નહિ, તોફાની વાવાઝોડાંની થપાટો વાગતી રહી અને અમારા બચવાની આશાનું કિરણ ઝાંખું પડતું ગયું. ૨૧ લાંબા સમય સુધી તેઓએ કંઈ ખાધું નહિ ત્યારે, પાઉલે તેઓની વચમાં ઊભા થઈને કહ્યું: “દોસ્તો, હકીકતમાં તમારે મારી સલાહ માનવી જોઈતી હતી અને ક્રીતથી દરિયાઈ સફરે નીકળવું જોઈતું ન હતું. જો એમ કર્યું હોત, તો આ નુકસાન અને હાનિ વેઠવાં પડ્યાં ન હોત.+ ૨૨ તોપણ હું તમને અરજ કરું છું કે હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ, ફક્ત વહાણ ગુમાવવું પડશે. ૨૩ જે ઈશ્વરને હું ભજું છું અને જેમની પવિત્ર સેવા કરું છું, તેમનો દૂત+ રાતે મારી બાજુમાં ઊભો રહ્યો હતો. ૨૪ તેણે મને કહ્યું હતું: ‘પાઉલ, ડરીશ નહિ. તારે સમ્રાટ* આગળ ઊભા રહેવાનું છે.+ જો! તારી સાથે મુસાફરી કરનારા બધાનું જીવન ઈશ્વર તારા લીધે બચાવશે.’ ૨૫ એટલે દોસ્તો, હિંમત રાખો, કેમ કે મને ઈશ્વરમાં પૂરો ભરોસો છે કે મને જે કહેવામાં આવ્યું છે, એ પ્રમાણે જ થશે. ૨૬ જોકે, આપણું વહાણ કોઈ ટાપુના કિનારે અથડાશે.”+
૨૭ હવે ૧૪મી રાત થઈ અને અમે આદ્રિયાના દરિયામાં આમતેમ ફંગોળાતા હતા. અડધી રાતે નાવિકોને લાગ્યું કે તેઓ જમીનની નજીક જઈ રહ્યા છે. ૨૮ તેઓએ ઊંડાઈ માપી તો એ આશરે ૩૬ મીટર* હતી. એટલે તેઓ થોડા આગળ વધ્યા, તેઓએ ફરીથી ઊંડાઈ માપી તો એ આશરે ૨૭ મીટર* હતી. ૨૯ તેઓને ડર લાગ્યો કે વહાણ કદાચ ખડકો સાથે અથડાશે. તેથી તેઓએ વહાણના પાછળના ભાગમાંથી ચાર લંગર નાખ્યાં અને દિવસ ઊગે એની રાહ જોવા લાગ્યા. ૩૦ નાવિકોએ વહાણના આગળના ભાગમાંથી લંગર નાખવાના બહાને દરિયામાં નાની હોડી ઉતારી. હકીકતમાં, તેઓ વહાણમાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ૩૧ પાઉલે લશ્કરી અધિકારી અને સૈનિકોને કહ્યું: “જો આ માણસો વહાણમાં નહિ રહે, તો તમે બચી શકશો નહિ.”+ ૩૨ એ સાંભળીને સૈનિકોએ નાની હોડીનાં દોરડાં કાપી નાખ્યાં અને એને તણાઈ જવા દીધી.
૩૩ સવાર થવા આવી ત્યારે, પાઉલે બધાને થોડું ખાવા માટે ઉત્તેજન આપ્યું. તેણે કહ્યું: “આતુરતાથી રાહ જોતાં જોતાં આજે તમને ૧૪ દિવસ થઈ ગયા છે અને તમે કશુંય ખાધું નથી. ૩૪ હું તમને વિનંતી કરું છું કે કંઈક ખાઈ લો. એ તમારા જ ભલા માટે છે, કેમ કે તમારામાંથી કોઈના માથાનો એક વાળ પણ વાંકો થવાનો નથી.” ૩૫ એમ કહીને તેણે રોટલી લીધી, બધાની સામે ઈશ્વરનો આભાર માનીને તોડી અને ખાવા લાગ્યો. ૩૬ એટલે તેઓમાં હિંમત આવી અને તેઓ પણ ખાવા લાગ્યા. ૩૭ વહાણમાં અમે બધા મળીને ૨૭૬ લોકો* હતા. ૩૮ તેઓએ ધરાઈને ખાધું. પછી તેઓએ વહાણને હલકું કરવા એમાંથી ઘઉં દરિયામાં નાખી દીધા.+
૩૯ દિવસ ઊગ્યો ત્યારે, તેઓ કઈ જગ્યાએ છે એ પારખી શક્યા નહિ.+ પણ તેઓએ એક ખાડી જોઈ, જેનો કિનારો રેતાળ હતો. તેઓએ નક્કી કર્યું કે ગમે એમ કરીને વહાણ ત્યાં લઈ જવું. ૪૦ તેઓએ લંગર કાપી નાખ્યાં અને એને દરિયામાં પડવા દીધાં. એ જ સમયે, સુકાનનાં દોરડાં છોડી નાખ્યાં અને આગળનો સઢ પવન તરફ ચઢાવીને તેઓ કિનારા તરફ જવા લાગ્યા. ૪૧ તેઓનું વહાણ એવા રેતીના ઢગલામાં ખૂંપી ગયું, જે બે પ્રવાહના સંગમથી બન્યો હતો. વહાણ ત્યાં અટક્યું અને એનો આગળનો ભાગ જરાય હલે નહિ, એમ ફસાઈ ગયો. પણ વહાણના પાછળના ભાગ પર દરિયાનાં ભયંકર મોજાં અથડાવા લાગ્યાં અને એના ટુકડા થવા લાગ્યા.+ ૪૨ એવામાં કોઈ કેદી તરીને નાસી ન જાય માટે, સૈનિકોએ તેઓને મારી નાખવાનું નક્કી કર્યું. ૪૩ પણ લશ્કરી અધિકારીનો ઇરાદો પાઉલને બચાવવાનો હતો. એટલે તેણે સૈનિકોને એમ કરતા અટકાવ્યા. તેણે હુકમ કર્યો કે જેઓ તરી શકતા હોય, તેઓ દરિયામાં કૂદે અને તરીને કિનારા પર પહેલા પહોંચે. ૪૪ બાકીના અમુક લોકો લાકડાનાં પાટિયાં પકડીને અને અમુક લોકો વહાણના ટુકડા પકડીને તેઓની પાછળ જાય. આમ, અમે બધા સહીસલામત કિનારે પહોંચ્યા.+