બીજો શમુએલ
૨૪ યહોવાનો ગુસ્સો ફરીથી ઇઝરાયેલ પર ભડકી ઊઠ્યો,+ કેમ કે કોઈએ દાઉદને આમ કહીને ઇઝરાયેલીઓ વિરુદ્ધ ઉશ્કેર્યો હતો: “જા, ઇઝરાયેલ અને યહૂદાની+ ગણતરી કર.”+ ૨ સેનાપતિ યોઆબ+ એ સમયે રાજા સાથે હતો. રાજાએ યોઆબને કહ્યું: “ઇઝરાયેલનાં બધાં કુળોમાં દાનથી બેર-શેબા+ સુધી ફરી વળ. તું જઈને વસ્તી-ગણતરી કર, જેથી મને લોકોની સંખ્યા જાણવા મળે.” ૩ પણ યોઆબે રાજાને કહ્યું: “તમારા ઈશ્વર યહોવા, લોકોની સંખ્યા ૧૦૦ ગણી વધારે અને મારા માલિક રાજાની આંખો એ જોવા પામે. પણ હે રાજા, મારા માલિક, તમે શા માટે આવું કરવા માંગો છો?”
૪ આખરે યોઆબે અને લશ્કરના બીજા આગેવાનોએ રાજાની વાત માનવી પડી. યોઆબ અને લશ્કરના બીજા આગેવાનો રાજા પાસેથી નીકળીને ઇઝરાયેલના લોકોની ગણતરી કરવા ગયા.+ ૫ તેઓએ યર્દન પાર કરી અને અરોએરમાં+ છાવણી નાખી. તેઓએ ખીણની વચ્ચે આવેલા શહેરની પાસે* પણ છાવણી નાખી. તેઓ ગાદીઓના વિસ્તારમાં ગયા અને પછી યાઝેર+ તરફ ચાલી નીકળ્યા. ૬ તેઓ ગિલયાદ+ અને તાહતીમ-હોદશીના વિસ્તારમાં ગયા. ત્યાંથી તેઓ દાન-યાઆન ગયા અને ફરીને સિદોન+ તરફ આગળ વધ્યા. ૭ તેઓ તૂરના કિલ્લા+ પાસે અને હિવ્વીઓ+ તેમજ કનાનીઓનાં બધાં શહેરોમાં ફરી વળ્યા. છેવટે તેઓ બેર-શેબા+ પાસે યહૂદાના નેગેબમાં+ જઈ પહોંચ્યા. ૮ તેઓ આખા દેશમાં ફરી વળ્યા. તેઓ નવ મહિના અને ૨૦ દિવસ પછી યરૂશાલેમ પાછા આવ્યા. ૯ યોઆબે રાજા પાસે આવીને ગણતરી કરેલા લોકોની સંખ્યા જણાવી. ઇઝરાયેલના તલવારધારી લડવૈયાઓની સંખ્યા ૮,૦૦,૦૦૦ હતી અને યહૂદાના તલવારધારી લડવૈયાઓની સંખ્યા ૫,૦૦,૦૦૦ હતી.+
૧૦ દાઉદે લોકોની ગણતરી કરાવ્યા પછી, તેનું દિલ* ડંખવા લાગ્યું.+ દાઉદે યહોવાને કહ્યું: “લોકોની ગણતરી કરાવીને મેં મોટું પાપ કર્યું છે.+ હે યહોવા, કૃપા કરીને તમારા સેવકની ભૂલ માફ કરો,+ કેમ કે મેં ભારે મૂર્ખામી કરી છે.”+ ૧૧ દાઉદ સવારે ઊઠ્યો ત્યારે, તેના માટે દર્શન જોનાર ગાદ+ પ્રબોધકને યહોવાએ આ સંદેશો આપ્યો: ૧૨ “જા અને દાઉદને જણાવ કે ‘યહોવા આમ કહે છે: “હું તારા પર આ ત્રણમાંથી કઈ સજા લાવું, એ તું પસંદ કર.”’”+ ૧૩ એટલે ગાદે દાઉદ પાસે આવીને તેને જણાવ્યું: “આ ત્રણમાંથી તમે શું પસંદ કરશો એ સમજી-વિચારીને જણાવો, જેથી મને મોકલનારને હું જવાબ આપું: તમારા દેશમાં સાત વર્ષ દુકાળ પડે,+ અથવા તો દુશ્મનો તમારી પાછળ પડે અને ત્રણ મહિના તમે નાસતા-ભાગતા ફરો,+ અથવા તો તમારા દેશમાં ત્રણ દિવસ રોગચાળો ફાટી નીકળે.”+ ૧૪ દાઉદે ગાદને કહ્યું: “હું ભારે સંકટમાં આવી પડ્યો છું. મારે માણસના હાથમાં નથી પડવું.+ આપણે યહોવાના હાથમાં પડીએ એ સારું છે,+ કેમ કે તે દયાના સાગર છે.”+
૧૫ પછી સવારથી તે ઠરાવેલા સમય સુધી યહોવાએ આખા ઇઝરાયેલમાં રોગચાળો ફેલાવ્યો,+ જેના લીધે દાનથી બેર-શેબા+ સુધી ૭૦,૦૦૦ લોકો મોતના મોંમાં ધકેલાઈ ગયા.+ ૧૬ દૂતે યરૂશાલેમનો નાશ કરવા પોતાનો હાથ લંબાવ્યો ત્યારે, આફતને લીધે યહોવા દુઃખી દુઃખી થઈ ગયા.*+ લોકોમાં વિનાશ લાવનાર દૂતને તેમણે કહ્યું: “બસ, બહુ થયું! હવે તારો હાથ પાછો વાળ.” એ સમયે યહોવાનો દૂત યબૂસી+ અરાવ્નાહની+ ખળી પાસે હતો.
૧૭ લોકોને મારી નાખતા દૂતને જોઈને, દાઉદે યહોવાને કહ્યું: “પાપ તો મેં કર્યું છે અને ભૂલ મારી છે. બિચારા આ ઘેટાં+ જેવા લોકોનો શું વાંક? કૃપા કરીને તમારો હાથ મારી વિરુદ્ધ, મારા પિતાના ઘર વિરુદ્ધ આવવા દો.”+
૧૮ એ દિવસે ગાદે દાઉદ પાસે આવીને કહ્યું: “જાઓ અને યબૂસી અરાવ્નાહની ખળીમાં યહોવા માટે એક વેદી* ઊભી કરો.”+ ૧૯ એટલે ગાદના સંદેશા પ્રમાણે દાઉદ ત્યાં ગયો, જે કહેવાની યહોવાએ ગાદને આજ્ઞા આપી હતી. ૨૦ અરાવ્નાહે જોયું કે રાજા પોતાના સેવકોને લઈને તેની તરફ આવતો હતો. એટલે અરાવ્નાહ તરત જ દોડી ગયો અને રાજા આગળ ભૂમિ સુધી માથું નમાવીને પ્રણામ કર્યા. ૨૧ અરાવ્નાહે પૂછ્યું: “હે રાજાજી, મારા માલિક, તમારે પોતાના સેવક પાસે કેમ આવવું પડ્યું?” દાઉદે જવાબ આપ્યો: “તારી પાસેથી ખળી વેચાતી લેવા અને એના પર યહોવા માટે વેદી બાંધવા, જેથી લોકો પર ઊતરી આવેલી આફત અટકાવી શકાય.”+ ૨૨ અરાવ્નાહે દાઉદને કહ્યું: “હે રાજાજી મારા માલિક, તમે ખળી લઈ લો અને તમારી નજરમાં જે સારું લાગે એ અર્પણ ચઢાવો. અગ્નિ-અર્પણ કરવા આ રહ્યાં ઢોરઢાંક, બાળવા માટે આ રહ્યાં અનાજ ઝૂડવાનાં પાટિયાં અને ઢોરની ઝૂંસરીઓ. ૨૩ હે રાજાજી, આ બધું હું* તમને આપું છું.” અરાવ્નાહે રાજાને કહ્યું: “યહોવા તમારા ઈશ્વર તમારા પર કૃપા વરસાવો.”
૨૪ જોકે રાજાએ અરાવ્નાહને કહ્યું: “ના, હું તને કિંમત ચૂકવીને એ વેચાતાં લઈશ. હું મારા ઈશ્વર યહોવાને એવાં અગ્નિ-અર્પણો નહિ ચઢાવું, જેની મેં કોઈ કિંમત ચૂકવી ન હોય.” એટલે દાઉદે ૫૦ શેકેલ*+ ચાંદી ચૂકવીને ખળી અને ઢોરઢાંક વેચાતાં લીધાં. ૨૫ દાઉદે ત્યાં યહોવા માટે એક વેદી બાંધી+ અને એના પર અગ્નિ-અર્પણો તેમજ શાંતિ-અર્પણો ચઢાવ્યાં. પછી દેશ માટે કરેલી વિનંતી યહોવાએ સાંભળી+ અને ઇઝરાયેલ પર આવેલી આફત અટકાવી.