આપણો નાજુક ગ્રહ
એનું ભાવિ શું છે?
બસો વર્ષ અગાઉ, અમેરિકન રાજનેતા પેટ્રિક હેનરીએ કહ્યું: “હું ભૂતકાળ દ્વારા ભાવિનો ન્યાય કરવા સિવાય બીજી કોઈ રીત જાણતો નથી.” ભૂતકાળમાં, માણસે પર્યાવરણને ખૂંદી નાખ્યું છે. શું તે ભાવિમાં સારી રીતે વર્તશે? હમણાં સુધીના ચિહ્નો ઉત્તેજનકારક નથી.
જોકે, કેટલીક પ્રશંસનીય પ્રગતિ કરવામાં આવી હોવા છતાં, એ ખાસ કરીને ઉપરછલ્લી જ છે, અર્થાત્ કારણોને બદલે લક્ષણો પર ધ્યાન આપવામાં આવ્યું છે. ઘરનાં લાકડાંને ઊધઈ લાગી હોય તો, એને રંગવાથી ઘર ભાંગી પડતું અટકાવી શકાશે નહિ. માત્ર બંધારણની પૂરેપૂરી ફેરબદલી જ એને બચાવી શકશે. એ જ પ્રમાણે, માણસ આ ગ્રહને જે રીતે વાપરી રહ્યો છે એનું પુનઃબંધારણ થવું જ જોઈએ. માત્ર નુકસાનને કાબૂમાં રાખવું પૂરતું નથી.
યુનાઈટેડ સ્ટેટ્સમાં પર્યાવરણીય નિયંત્રણના ૨૦ વર્ષોના પરિણામોનું પૃથક્કરણ કરતાં, એક નિષ્ણાત નિષ્કર્ષ કાઢે છે કે “પર્યાવરણ પર થયેલા હુમલાને અસરકારકપણે કાબૂમાં લઈ શકાય એમ નથી, પરંતુ એને અટકાવવો જ જોઈએ.” દેખીતી રીતે જ, પ્રદૂષણને રોકવું એ એની ખરાબ અસરનો ઇલાજ કરવા કરતાં વધારે સારું છે. પરંતુ એવો ધ્યેય હાંસલ કરવા માટે માનવ સમાજમાં અને મોટા વેપારનું ધ્યાન જેના પર કેન્દ્રિત છે એમાં મૂળભૂત બદલાણ કરવું જરૂરી બનશે. કેરિંગ ફોર ધ અર્થ પુસ્તક સ્વીકારે છે કે પૃથ્વીની કાળજી રાખવા માટે “આજે મોટે ભાગે પ્રવર્તમાન છે એનાં કરતાં ભિન્ન મૂલ્યો, આર્થિક વ્યવસ્થા, અને સમાજ” જરૂરી છે. આ ગ્રહને બચાવવા માટે બદલવા જરૂરી હોય એવા કેટલાક મૂલ્યો કયાં છે?
ઘર કરી ગયેલાં કટોકટીનાં કારણો
સ્વાર્થીપણું. ગ્રહનું શોષણ કરતા માણસોનાં હિત કરતાં ગ્રહના હિતને પ્રથમ મૂકવું એ પર્યાવરણને રક્ષણ આપવા તરફનું પ્રથમ જરૂરી પગલું છે. તથાપિ, માતબર જીવનઢબ ભાવિ પેઢીઓ માટે ગ્રહનો વિનાશ કરી નાખી શકે છતાં, માત્ર થોડા લોકો જ એવી જીવનઢબનો ત્યાગ કરવા ઇચ્છુક છે. નેધરલેન્ડ—પશ્ચિમી યુરોપના સૌથી વધારે પ્રદૂષિત દેશોમાંનો એક—ની સરકારે પ્રદૂષણવિરોધી ચળવળના એક ભાગ તરીકે કારની મુસાફરી પર મર્યાદા મૂકવાનો પ્રયત્ન કર્યો ત્યારે, ફાલેલા વિરોધે એ યોજનાને તોડી નાખી. ડચ માર્ગો જગતમાં સૌથી વધુ ગિર્દીવાળા હોવા છતાં, વાહનચાલકો પોતાની સ્વતંત્રતા ત્યજવા માંગતા ન હતા.
સ્વાર્થ નિર્ણય લેનારા અધિકારીઓ ઉપરાંત આમજનતાને અસર કરે છે. રાજકારણીઓ તેઓને મત ગુમાવવામાં દોરી જઈ શકે એવી પર્યાવરણની નીતિનો અમલ કરતા અચકાય છે, અને ઉદ્યોગપતિઓ નફો તથા આર્થિક વૃદ્ધિને ધમકીરૂપ દરખાસ્તમાં અડચણ ઊભી કરી શકે.
લોભ. નફો અને સાચવણી વચ્ચે પસંદગી કરવાની આવે છે ત્યારે, પૈસા જોરથી બોલે છે. શક્તિશાળી ઉદ્યોગોના અધિકારીઓ પ્રદૂષણ પરનો કાબૂ ઓછો કરાવવા કે સરકારી કાયદાઓને સમૂળગા ટાળવા લાગવગનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. ઓઝોન સ્તરને થયેલું નુકસાન એ કોયડાનું ઉદાહરણ આપે છે. યુ.એસ.ની રસાયણની એક મોટી કંપનીએ છેક તાજેતરમાં માર્ચ ૧૯૮૮માં જણાવ્યું: “હાલમાં, વૈજ્ઞાનિક પુરાવો CFC (સીએફસી)નો ફેલાવો નાટકીયપણે ઘટાડવાની જરૂર તરફ ચીંધતો નથી.”
જોકે, એ જ કંપનીએ ક્લોરોફ્લુરોકાર્બન્સ (CFCs)નો ઉપયોગ ધીમે ધીમે સદંતરપણે બંધ કરવાની ભલામણ કરી. શું વલણ બદલાયું હતું? “એને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હતું કે નહિ એની સાથે કંઈ લેવા દેવા નથી,” યુનાઈટેડ નેશન્સના પર્યાવરણ કાર્યક્રમ (UNEP, યુએનઈપી, United Nations Environment Programme)ના ડાયરેક્ટર જનરલ મુસ્તફા ટોલ્બાએ સમજાવ્યું. “એ કોણ કોના પર [આર્થિક] સરસાઈ મેળવશે એના [વિષે] હતું.” હવે ઘણા વૈજ્ઞાનિકોને સમજાયું છે કે ઓઝોનના સ્તરનો વિનાશ એ ઇતિહાસમાં થયેલી સૌથી ખરાબ માનવરચિત પર્યાવરણીય હોનારત છે.
અજ્ઞાનતા. આપણે જાણીએ છીએ એ જે જાણતા નથી એના કરતાં ઘણું ઓછું છે. “હજુ પણ આપણે ઉષ્ણકટિબંધના વર્ષાજંગલોમાંના જીવનની અઢળકતા વિષે એકદંરે ઘણું ઓછું જાણીએ છીએ,” મિસોરી બોટાનિકલ ગાર્ડનના સંચાલક પીટર એચ. રેવન સમજાવે છે. “આશ્ચર્યની વાત છે કે, આપણે ચંદ્રની સપાટી વિષે વધારે—ખુબ જ વધારે—જાણીએ છીએ.” વાતાવરણની બાબતે પણ એ સાચું છે. આપણે ગોળાવ્યાપી આબોહવાને અસર કર્યા વિના કેટલો કાર્બન ડાયોક્ષાઈડ આકાશમાં ઠાલવતા જ રહી શકીએ? કોઈ જાણતું નથી. પરંતુ ટાઈમ સામયિકે કહ્યું તેમ, “પરિણામની ખબર ન હોય અને શક્ય અસરો સમજવી બેહદ ડરામણી હોય ત્યારે, સૃષ્ટિને એવા મોટા પ્રયોગોને આધીન કરવી એ બેપરવાઈભર્યું છે.”
UNEPના અંદાજ અનુસાર, ઓઝોનનો ઘટાડો છેવટે આ દાયકાના અંત સુધીમાં દર વર્ષે ચામડીના કેન્સરના લાખો નવા કિસ્સાઓ પેદા કરશે એવી શક્યતા છે. પાક અને મત્સ્યોદ્યોગ પરની અસર હજુ અજાણ છે, પરંતુ એ ધરખમ હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે.
ટૂંકાં દૃષ્ટિબિંદુ. બીજી હોનારતોથી ભિન્ન, પર્યાવરણીય કોયડાઓ છેતરામણી રીતે આવતા હોય છે. એ કાયમી નુકસાન થાય એ અગાઉનાં સંયુક્ત પગલાંના પ્રયત્નોનો અવરોધ કરે છે. સેવીંગ ધ પ્લેનેટ પુસ્તક આપણા વર્તમાન સંજોગોને ૧૯૧૨ના અપંગ બનેલા ટાઇટાનિક [વહાણ] પરના ગમગીન મુસાફરો સાથે સરખાવે છે: “માત્ર થોડા લોકો જ શક્ય હોનારતની પ્રચંડતાથી વાકેફ છે.” એ પુસ્તકના લેખકો માને છે કે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ વાસ્તવિકતાનો સામનો કરે અને ટૂંકા ગાળાના લાભો કરતાં લાંબા ગાળાના ઉપાય ધ્યાનમાં રાખીને વિચારે તો જ, ગ્રહને બચાવી શકાય.
આત્મકેન્દ્રિત વલણ. વર્ષ ૧૯૯૨ની પૃથ્વી પરિષદ ખાતે, સ્પેનિશ વડા પ્રધાન ફાલિપા ગોન્ઝાલેઝે ચીંધી બતાવ્યું કે “કોયડો ગોળાવ્યાપી હોવાથી, ઉકેલ પણ બીજો કોઈ નહિ પરંતુ ગોળાવ્યાપી જ હોય શકે.” સાચું, પરંતુ ગોળાવ્યાપી સ્વીકાર્ય હોય એવો ઉકેલ શોધવો એ એક નિરુત્સાહ કરનાર કાર્ય છે. પૃથ્વી પરિષદમાં આવેલા યુ.એસ.ના એક પ્રતિનિધિએ નિખાલસપણે કહ્યું: “અમેરિકન જીવનઢબ વાટાઘાટ કરવા માટે નથી.” બીજી તર્ફે ભારતીય પર્યાવરણવાદી મેનકા ગાંધીએ ફરિયાદ કરી કે, “પશ્ચિમનું એક બાળક પૂર્વમાંના ૧૨૫ બાળકો જેટલો વપરાશ કરે છે.” તેણે ફરિયાદ કરી કે “પૂર્વનું લગભગ બધું પર્યાવરણીય અધઃપતન પશ્ચિમના વરરાશને કારણે છે.” અવારનવાર, પર્યાવરણને સુધારવાના આંતરરાષ્ટ્રીય પ્રયત્નો આત્મકેન્દ્રિત રાષ્ટ્રીય હિતોને કારણે પડી ભાંગ્યા છે.
એ સર્વ મૂળભૂત કોયડા હોવા છતાં, ભાવિ તરફ ભરોસા સાથે જોવા માટે કારણો છે. એમાંનું એક કારણ આપણા ગ્રહની સંરક્ષણ વ્યવસ્થાની સ્થિતિસ્થાપકતા છે.
પૃથ્વીનું સાજા થવું
માનવ શરીરની જેમ, પૃથ્વી આપમેળે સાજા થવાની વિસ્મયકારક ક્ષમતા ધરાવે છે. એનું નોંધપાત્ર ઉદાહરણ ગત સદીમાં બન્યું. વર્ષ ૧૮૮૩માં ઇન્ડોનેશિયાનો ક્રાકાટાઉ (ક્રાકાટોઆ) જ્વાળામુખીય ટાપુ પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટ્યો ત્યારે એ લગભગ ૫,૦૦૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આકાશમાં લગભગ ૨૧ ચોરસ કિલોમીટર ઊંચે પદાર્થો ઉડ્યા, અને ટાપુનો બે તૃતયાંશ ભાગ દરિયામાં અદૃશ્ય થઈ ગયો. નવ મહિના બાદ માઈક્રોસ્કોપથી જોઈ શકાય એવો એકમાત્ર કરોળિયો જીવનની નિશાની હતો. આજે આખો ટાપુ ઉષ્ણકટિબંધની વનસ્પતિથી છવાયેલો છે, જે હજારો પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સાપ, અને જીવડાંનો યજમાન છે. એમાં શંકા નથી કે એ ટાપુને મળેલું પુનઃસ્વાસ્થ્ય ઉજુ કુલોન નેશનલ પાર્કના ભાગ તરીકે એને આપવામાં આવેલા રક્ષણથી મળ્યું છે.
માનવે કરેલા નુકસાનને પણ સમારી શકાય છે. પૂરતો સમય આપવામાં આવે તો, પૃથ્વી આપમેળે જ સાજી થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું માણસો પૃથ્વીને આરામનો સમયગાળો આપશે? કદાચ નહિ. પરંતુ એવું કોઈક છે જે આપણા ગ્રહને આપમેળે સાજી થવા દેવા કૃતનિશ્ચયી છે—એના ઉત્પન્નકર્તા.
“પૃથ્વી હરખાવો”
માણસ પૃથ્વીનો ધ્વંશ કરે એવું દેવે કદી ઇચ્છ્યું ન હતું. તેમણે આદમને એદન વાડી ‘ખેડવાનું, તથા તેનું રક્ષણ કરવાનું’ કહ્યું હતું. (ઉત્પત્તિ ૨:૧૫) યહોવાહે ઈસ્રાએલીઓને આપેલા ઘણા નિયમો પરથી પણ તેમની પર્યાવરણને રક્ષણ આપવાની ચિંતા પ્રગટ થાય છે. દાખલા તરીકે, તેઓને કહેવામાં આવેલું કે દર સાત વર્ષે એક વાર—સાબ્બાથ વર્ષે—જમીનને પડતર રાખવાની હતી. (નિર્ગમન ૨૩:૧૦, ૧૧) ઈસ્રાએલીઓએ અવારનવાર એ અને બીજી દૈવી આજ્ઞાઓની અવગણના કરી ત્યારે, યહોવાહે આખરે બાબેલોનીઓને દેશ ઉજ્જડ કરવાની પરવાનગી આપી, જેથી “દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી” ૭૦ વર્ષો એ ઉજ્જડ રહ્યો. (૨ કાળવૃત્તાંત ૩૬:૨૧) એ ઐતિહાસિક ઉદાહરણની દૃષ્ટિએ, એ આશ્ચર્યકારક નથી કે બાઇબલ કહે છે કે દેવ જેઓ “પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ” કરશે, જેથી પૃથ્વી માણસના પર્યાવરણ પરના હુમલામાંથી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે.—પ્રકટીકરણ ૧૧:૧૮.
જોકે, એ ક્રિયા તો માત્ર પહેલું જ પગલું હશે. જીવવૈજ્ઞાનિક બેરી કોમનર યોગ્યપણે ચીંધે છે તેમ, ગ્રહનો બચાવ “કુદરત સાથેના યુદ્ધના અંત પર તથા આપણી મધ્યેના યુદ્ધોના અંત પર એકસરખો નિર્ભર છે.” એ ધ્યેય હાંસલ કરવા માટે, પૃથ્વી પરના લોકો એકબીજાની કાળજી રાખવા વિષે અને પોતાના પાર્થિવ ઘરની કાળજી રાખવા વિષે “યહોવાહથી શીખવાયેલા” હોવા જ જોઈએ. પરિણામે, તેઓની શાંતિ “અઢળક” હશે.—યશાયાહ ૫૪:૧૩, NW.
દેવ આપણને ખાતરી આપે છે કે પૃથ્વીની પરિસ્થિતિવ્યવસ્થાનું નવઘડતર થશે. રણપ્રદેશ નિષ્ઠુરપણે આગળ વધવાને બદલે એ “ગુલાબની પેઠે ખીલશે.” (યશાયાહ ૩૫:૧) ખોરાકની અછતને બદલે, “દેશમાં . . . પુષ્કળ ધાન્ય” હશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) પ્રદૂષણથી મરવાને બદલે, પૃથ્વીની નદીઓ ‘તાળી પાડશે.’—ગીતશાસ્ત્ર ૯૮:૮.
એવું બદલાણ ક્યારે શક્ય બનશે? જ્યારે ‘ખુદ યહોવાહ રાજા બન્યા હશે’ ત્યારે. (ગીતશાસ્ત્ર ૯૬:૧૦) દેવનું શાસન પૃથ્વી પરની દરેક જીવંત બાબતને આશીર્વાદની બાંયધરી આપશે. “પૃથ્વી હરખાઓ,” ગીતકર્તા કહે છે. “સમુદ્ર તથા તેનું ભરપૂરપણું ગાજો; ખેતરો તથા તેમાં જે કંઈ છે તે સર્વ ઉલ્લાસ કરો; પછી વનનાં સર્વ વૃક્ષો હર્ષનાદ કરશે.”—ગીતશાસ્ત્ર ૯૬:૧૧, ૧૨, ન્યૂ ઇન્ટરનેશનલ વર્શન.
પોતાના ઉત્પન્નકર્તાથી આશીર્વાદિત અને ન્યાયીપણાથી શાસિત પૃથ્વી ભવ્ય ભાવિ ધરાવે છે. બાઇબલ પરિણામો વર્ણવે છે: “ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે. સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે; અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે. વળી યહોવાહ કલ્યાણ બક્ષશે; અને આપણો દેશ સારી ઉપજ આપશે.” (ગીતશાસ્ત્ર ૮૫:૧૦-૧૨) એ દિવસ ઊગશે ત્યારે, આપણો ગ્રહ હંમેશ માટે ભયમુક્ત હશે. (g96 1/8)
માનવ શરીરની માફક,
પૃથ્વી પાસે આપમેળે સાજા થવાની આશ્ચર્ય પમાડે એવી ક્ષમતા રહેલી છે