દવમાં ફસાયેલી તમાકુની કંપનીઓ
જુલાઈ ૨૬, ૧૯૯૫ના ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં આપવામાં આવેલા એક અહેવાલ અનુસાર, “તમાકુની કંપનીઓએ સિગારેટમાં રહેલાં તત્ત્વો અને એની ખરાબ અસરો વિષે રાજ્યના અધિકારીઓને ખોટી માહિતી આપી છે કે કેમ એની તપાસ કરવા ન્યાય ખાતાએ ન્યૂ યોર્કમાં એક તપાસ પંચ નીમ્યું છે. કંપનીના કાર્યપાલક અધિકારીઓએ તમાકુની બનાવટો વિષે કોંગ્રેસને જૂઠું કહ્યું છે કે કેમ એની તપાસ કરવા ન્યાય ખાતું બીજું એક પંચ નીમે એવી શક્યતા છે.”
શાને આધારે? અહેવાલે સ્પષ્ટતા કરી. એપ્રિલ ૧૯૯૪માં, યુનાઈટેડ સ્ટેટ્સમાં તમાકુની આગળ પડતી સાત કંપનીઓના ટોચના કાર્યપાલક અધિકારીઓએ શપથ હેઠળ કોંગ્રેસની સમિતિને જુબાની આપી કે “નિકોટીન વ્યસનકારક હોય, કે સિગારેટથી રોગ થતા હોય કે પોતાની કંપનીઓએ તમાકુની બનાવટોમાં નિકોટીનના પ્રમાણમાં વધઘટ કરી હોય એમ તેઓને લાગતું નથી.”
પછી જૂન ૧૯૯૫માં, તેઓને દોષિત ઠરાવતા બે હજાર દસ્તાવેજો પ્રકાશમાં આવ્યા ત્યારે, તેઓનું છાપરું ઊડી ગયું—નિર્દોષ હોવાનો તેઓનો દાવો ભાંગી પડ્યો. એ દસ્તાવેજો બતાવે છે કે તમાકુના સંશોધકોએ ધૂમ્રપાન કરનારાઓનાં શરીર, મગજ, અને વર્તન પર નિકોટીનની “ઔષધીય” અસરોનો અભ્યાસ કરવામાં ૧૫ વર્ષ કાઢ્યા હતા. એ કંપનીઓમાંની એકમાં અગાઉ સંશોધન વૈજ્ઞાનિકનું કામ કરતા ડો. વિક્ટર ડીનોબલ સંશોધનની ચાવીરૂપ શોધ આ રીતે વર્ણવે છે: “કંપનીને સમજાવા લાગ્યું કે તેઓ ટાર ઓછો કરે, પરંતુ નિકોટીન વધારે તો, હજુ પણ સિગારેટ પીનારને સ્વીકાર્ય રહેશે. તેઓના સઘળા કાર્ય પછી, તેઓને સમજાયું કે નિકોટીન શાંત પાડનારું કે ઉત્તેજિત કરનારું જ નથી, પરંતુ એની કેન્દ્રીય, અર્થાત્ મગજમાં, અસર પડે છે, અને લોકો મગજમાંની એ અસર મેળવવા માટે ધૂમ્રપાન કરતા હોય છે.”
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, કંપનીઓના અભ્યાસે બતાવ્યું કે “લોકો ગમે તે છાપવાળી સિગારેટ પીએ છતાં, તેઓ ઊંડો શ્વાસ લઈને, ધુમાડો મોંમાં વધારે વાર રાખીને કે વધુ સિગારેટ પીને પોતાને જોઈતું નિકોટીન મેળવી લેવાનું વલણ ધરાવે છે.” કંપનીઓના સંશોધકોએ ધૂમ્રપાન કરનારાઓને સંતોષ આપવા માટે ઓછા ટારવાળી અને પૂરતા નિકોટીનવાળી સિગારેટ બનાવવાનો પ્રયત્ન કર્યો.
વધુમાં દસ્તાવેજોએ પ્રગટ કર્યું કે તમાકુની કંપનીઓએ પોતાના ગ્રાહકોમાં તીવ્ર રસ પ્રદર્શિત કર્યો. તેઓએ કોલેજના વિદ્યાર્થીઓનો ૧૫થી વધુ વર્ષ અભ્યાસ કર્યો. કેટલાક ૧૪ વર્ષની વયના ધૂમ્રપાન કરનારાઓનો સમાવેશ કરતા, યુ.એસ.એ.ના આયોવા રાજ્યના એક ગામના લોકોને તેઓની ધૂમ્રપાન કરવાની ટેવો વિષે પૂછવામાં આવ્યું.
તમાકુની સાત કંપનીઓ વિરુદ્ધ સામૂહિક દાવો માંડનાર વકીલોનું જૂથ એ સંશોધનના દસ્તાવેજો પ્રગટ થયા એને મદદરૂપ ગણે છે. તેઓ દાવો કરે છે કે તમાકુની કંપનીઓએ નિકોટીનની વ્યસની અસરોની માહિતી સંતાડી છે અને વ્યસન પ્રોત્સાહિત કરવા નિકોટીનના પ્રમાણમાં ફેરફાર કર્યો છે. એક વકીલે કહ્યું કે જગતમાં કોઈ પણ જ્યુરી માનશે નહિ કે એ કંપનીઓ એ સંશોધન એક શોખ તરીકે કરી રહી હતી.
વિકસિત જગતમાં દવ તીવ્ર બને છે તેમ, તમાકુનો ધુમાડો વિકસતા દેશો તરફ વધારે ફૂંકાઈ રહ્યો છે. ચાળીસ વર્ષ પહેલાં, દક્ષિણમાં, અથવા વિકસતા જગતમાં, સ્ત્રીઓ લગભગ જરા પણ ધૂમ્રપાન કરતી ન હતી અને પુરુષોના ફક્ત ૨૦ ટકા જ ધૂમ્રપાન કરતા હતા. પરંતુ આજે, વિકસતા દેશોમાં બધી સ્ત્રીઓના ૮ ટકા અને બધા પુરુષોના ૫૦ ટકા ધૂમ્રપાન કરે છે—અને એ સંખ્યા વધી રહી છે. “ધુમાડો,” સંશોધકો કહે છે, “દક્ષિણ તરફ ફૂંકાઈ રહ્યો છે.”
સજાગ બનો!ના ખબરપત્રી સામાન્ય
વલણ વિષે અહેવાલ આપે છે
બ્રાઝિલમાં આવેલા અમારા એક લેખક દક્ષિણમાંની પરિસ્થિતિ વિષે કંઈક સામાન્ય વિવેચન કરે છે. ઔદ્યોગિક જગતમાંનું સંશોધન તમાકુનું ધૂમ્રપાન કરનાર માટે વધુ ને વધુ ઘાતક ચિત્ર રજૂ કરે છે. એની અસર પડે છે. “જનતાને માહિતગાર કરવાનું મહત્ત્વ સમજતા દેશો તમાકુના વપરાશમાં ઘટાડાની શરૂઆત જોઈ રહ્યા છે,” વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO, હુ) અહેવાલ આપે છે. “ઉત્તરમાં,” માહિતીને લગતું લંડનમાં કેન્દ્રિત સંગઠન પાનોસ ઉમેરે છે, “ઘણાં ઘરોમાં, જાહેર જગ્યાઓમાં અને નોકરીના સ્થળે હવે ધૂમ્રપાનને સામાજિકપણે સ્વીકારવામાં આવતું નથી,” અને હવે મોટા ભાગના લોકો સમજે છે કે “ધૂમ્રપાન તેઓને મારી નાખી શકે છે.” “તમાકુનો ઉદ્યોગ દક્ષિણ તરફ જઈ રહ્યો છે.”
એથી વિરુદ્ધ, દક્ષિણમાં, નવું બજાર ખોલવું એ સિગારેટનું પેકેટ ખોલવા જેટલું સહેલું છે. તમાકુના ઉદ્યોગ માટે, વિકસતા દેશોમાંની પરિસ્થિતિ આકર્ષક છે. વિકસતા દેશોમાંના ૪માંથી ૩માં જાહેરાતો પર પ્રતિબંધ નથી, અને તે જ સમયે, ધૂમ્રપાનના જોખમો વિષે જનતા બહુ ઓછું જાણે છે. “લોકોને જોખમો વિષે ખબર નથી કેમ કે તેઓને એ વિષે કહેવામાં આવ્યું નથી,” પાનોસ નોંધે છે.
યુવતીઓને—ઉદ્યોગના મુખ્ય નિશાનોમાંનું એક—તેઓની પ્રથમ સિગારેટ સળગાવવાનું સમજાવવા જાહેરાતો “ધૂમ્રપાનને સ્વતંત્ર સ્ત્રીઓ જેનો આનંદ માણે છે એવી ચિત્તાકર્ષક આનંદી પ્રવૃત્તિ તરીકે ચિત્રિત કરે છે.” શંકાસ્પદપણે તમાકુની જાહેરાતો અડધી સદી અગાઉ ઔદ્યોગિક જગતમાં વાપરવામાં આવતી જાહેરાતો જેવી જણાય છે. એ સમયે જાહેરાતો સફળ થઈ. એક ઉદ્ભવ કહે છે કે, થોડા જ વખતમાં, ત્રણમાંથી એક સ્ત્રી “પુરુષો જેવા ઉત્સાહથી ધૂમ્રપાન કરતી.”
આજે, વિકસતા દેશોમાંની અસાવધ સ્ત્રીઓ તરફ તાકવામાં આવેલી તીવ્રપણે આક્રમક જાહેરાતો ખાતરી આપે છે કે ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાંની જાહેરાતોની “સફળતા”નું પુનરાવર્તન થવાની તૈયારીમાં છે. તેથી, ગમગીનીભર્યું ભાવિ એ છે કે, જગતના ગરીબ દેશોમાંની લાખો યુવતીઓ હાલમાં એ બનવાના જોખમ હેઠળ છે, જેને એક અવલોકનકર્તાએ “પોતાની નિકોટીનાવસ્થા [તરુણાવસ્થા]ની શરૂઆતમાંની સુંદર યુવતીઓ” કહી.
મુખ્ય નિશાન
સ્ત્રીઓ તમાકુના ઉદ્યોગના અગ્રગણ્ય નિશાનોમાંનું એક છે ત્યારે, યુવાનો એનું મુખ્ય નિશાન છે. કાર્ટૂન જેવી જાહેરાતો અને રમકડાં પર સિગારેટની છાપ, તેમ જ રમતગમતના પ્રસંગોને ટેકો પણ, નફાકારક બન્યાં છે.
ચીનમાં, પેનોસ્કોપ સામયિક અહેવાલ આપે છે, યુવાનો “મોટા પાયા પર ધૂમ્રપાન કરી રહ્યા છે.” અર્થાત્ ૧૨થી ૧૫ વર્ષનાઓના ૩૫ ટકા અને ૯થી ૧૨ વર્ષનાઓના ૧૦ ટકા ધૂમ્રપાન કરે છે. બ્રાઝિલમાં, ફોલ્યા ડી સાઓં પાઊલો છાપું અહેવાલ આપે છે કે, અંદાજ પ્રમાણે એક કરોડ યુવાનો ધૂમ્રપાન કરે છે. શું તેઓ જોખમો જાણતા નથી? “મને ખબર છે કે સિગારેટ પીવી હાનિકારક છે,” બ્રાઝિલનો ૧૫ વર્ષનો છોકરો રાફાએલ કહે છે, જે રોજના દોઢ પેકેટ સિગરેટ પીએ છે, “પરંતુ એ બહુ સરસ છે.” એવી નિશ્ચિંત વિચારદલીલનું પરિણામ? “દરરોજ,” પાનોસ અહેવાલ આપે છે, “બીજા ઓછામાં ઓછા ૪,૦૦૦ યુવાનો ધૂમ્રપાન કરવાનું શરૂ કરે છે.”
તમાકુનો ઉદ્યોગ ઉત્તરમાં વેચાતી છાપ કરતા વધુ પ્રમાણમાં ટાર અને નિકોટીન ધરાવતી બનાવટોની દક્ષિણમાં નિકાસ કરે છે. એનું કારણ દેખીતું છે. “હું નિકોટીન માટે માફી માગતો નથી,” કેટલાક વર્ષો પહેલાં તમાકુ ઉદ્યોગના એક અધિકારીએ કહ્યું. “એ એવી બાબત છે જે વેપાર વધારે છે. એ એવી બાબત છે જેને લીધે લોકો વધુ ખરીદવા પાછા આવે છે.” એ સફળ થાય છે. “નિકોટીનના ઊંચા પ્રમાણને લીધે,” ડચ પ્રકાશન રોકેન વેલ્બેશ્કૌડ (ધૂમ્રપાન—બધી બાબતોનો વિચાર કરતા) પુષ્ટિ કરે છે કે, “વ્યસન વધુ ઝડપથી હાંસલ કરી શકાય છે, અને એ ધીમે ધીમે એનું પ્રમાણ ઓછું કરવાને લીધે વપરાશ અને વેચાણ વધારવાની તકો ખુલ્લી કરે છે.”
“તમાકુના ઉદ્યોગો,” પાનોસ સમાપ્તિ કરે છે, “એવી દૃષ્ટિ ધરાવે છે કે દક્ષિણ તમાકુના ઉદ્યોગોનો વેપાર જાળવી રાખશે.”
ધૂમ્રપાન કરવું કે આયુષ્ય લંબાવવું
તમે વિકસતા દેશમાં રહેતા હો તો, તમે શું કરશો? હકીકતો સ્પષ્ટ છે. વર્ષ ૧૯૫૦ સુધી, ધૂમ્રપાન સાથે સંબંધિત રોગોથી થતાં મરણ અવગણવાપાત્ર હતાં, પરંતુ આજે દક્ષિણમાં ધૂમ્રપાન સાથે સંબંધિત રોગોથી દર વર્ષે દસ લાખ લોકો મરી રહ્યાં છે. જોકે, WHO ચેતવણી આપે છે કે ત્રણ દાયકામાં વિકસતા દેશોમાં ધૂમ્રપાન સાથે સંબંધિત મરણોની સંખ્યા વધીને ૭૦ લાખ થશે. તમાકુની જાહેરાતો તમને ગમે તે કહેતી હોય છતાં, છેવટે તો સિગારેટ શબપેટીની ખીલીઓ છે.
શું તમે કહો છો કે તમને જોખમોની ખબર છે? સરસ, પરંતુ તમે એ જાણીને શું કરશો? શું તમે એવા ધૂમ્રપાન કરનાર જેવા બનશો જેણે ધૂમ્રપાન વિષે એટલી બધી ભયંકર બાબતો વાંચી હતી કે તેણે વાંચવાનું બંધ કરી દેવાનો નિર્ણય કર્યો? અથવા શું તમે તમાકુની જાહેરાતોએ ઊભા કરેલા પડદાની આરપાર જોશો અને ધૂમ્રપાનને ના કહેશો? સાચું, તમાકુનો ધુમાડો દક્ષિણ તરફ ફૂંકાઈ રહ્યો છે—પરંતુ એ તમારા તરફ ફૂંકાય એવું જરૂરી નથી! (g96 1/22)
[પાન ૧૯ પર બૉક્સ]
ચીન—પહેલાં નંબરે
ચીનમાંનો ૩૫ વર્ષનો કામદાર ઝેન્ગ હેનમિન પોતાના હાથ ભેગા કરી સિગારેટ સળગાવે છે. “સાચું કહું તો,” તે કહે છે, “હું ઘણી બધી વસ્તુઓ વગર ચલાવી શકું, પરંતુ સિગારેટ એમાંની એક નથી.” એમ લાગે છે કે, ઝેન્ગના બીજા ૩૦ કરોડ દેશબંધુઓ વિષે પણ એમ જ કહી શકાય. ચીને ૧૯૮૦ના દાયકાથી માંડીને “સિગારેટો બીજા કોઈ પણ દેશ કરતાં વધુ પેદા કરી છે, વધુ વેચી છે અને વધુ પીધી છે.” ગયા વર્ષે “ધૂમ્રપાન કરતા રીઢા લોકોને અબજો સિગારેટ વેચવામાં આવી,” જેણે ચીનને “તમાકુનો ઉપયોગ કરતું જગતનું પહેલાં નંબરનું રાષ્ટ્ર” બનાવ્યું.—પાનોસ્કોપ સામયિક.
[પાન ૨૦ પર બૉક્સ]
“ગેરંટી”વાળી સિગારેટ?
દર વર્ષે ૩૦ લાખ લોકો તમાકુ સાથે સંબંધિત રોગોને લીધે મરણ પામે છે છતાં, જાહેરાતો ધૂમ્રપાન કરનારાઓને કહેવાનું ચાલુ રાખે છે કે તેઓની ટેવ સલામત છે. દાખલા તરીકે, બ્રાઝિલના એક સામયિકમાંની તાજેતરની એક જાહેરાત એવી સિગારેટના આગમનની ઘોષણા કરે છે “જેની સાથે કારખાનાની ગેરંટી આવે છે.” જાહેરાત ખાતરી આપે છે: “તમારી કારની ગેરંટી હોય છે; તમારા ટીવીની ગેરંટી હોય છે; તમારી ઘડિયાળની ગેરંટી હોય છે. તમારી સિગારેટની પણ ગેરંટી હોય છે.” તેમ છતાં, એ જાહેરાત નિર્દેશ કરે છે તેમ, અને ઊથલો મારતી માંદગી ધરાવતા ધૂમ્રપાન કરનારાઓ સાક્ષી આપી શકે છે તેમ, ફક્ત એક જ ગેરંટી એ છે કે “ધૂમ્રપાન કરવું આરોગ્યને હાનિકારક છે.”
એક અગ્રગણ્ય નિશાન
—વિકસતા દેશોમાંની સ્ત્રીઓ
જોખમોની ખબર નથી?