આદર્શ ઉકેલ શોધવો
દેવનો શબ્દ, બાઇબલ એવા સમય વિષે કહે છે જ્યારે દેવની આકાશી સરકારે માણસજાતના સર્વ કોયડા ઉકેલી નાખ્યા હશે, જેમાં અત્યારે મોટરગાડીઓથી થતા પ્રદૂષણના કોયડાનો પણ સમાવેશ થાય છે. શું એ મસીહી રાજ્ય, જેના વિષે ઘણાઓને પ્રાર્થના કરતા શીખવવામાં આવ્યું છે, એ સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત મોટરગાડી બનાવીને આદર્શ ઉકેલ પૂરો પાડશે? કે પછી પૃથ્વી પરથી બધી મોટરગાડીઓનો નિકાલ કરીને આદર્શ ઉકેલ હાંસલ કરવામાં આવશે? બાઇબલ આપણને કોઈ ચોક્કસ જવાબ આપતું ન હોવાથી, આપણે રાહ જોયા સિવાય બીજું કંઈ કરી શકતા નથી.—માત્થી ૬:૯, ૧૦.
પરંતુ આ બાબત વિષે આપણે ચોક્કસ થઈ શકીએ: રાજ્ય લાવશે એ પુનઃસ્થાપિત પારાદેશમાં દેવની સરકાર સૃષ્ટિની સુંદરતાને પ્રદૂષણથી નષ્ટ થવા દેશે નહિ.—યશાયાહ ૩૫:૧, ૨, ૭; ૬૫:૧૭-૨૫.
દેવના શબ્દને વળગી રહેનારાઓ પ્રદૂષણમુક્ત નવી દુનિયામાંના જીવન માટે તાલીમ લઈ રહ્યા હોવાથી, તેઓને આજે મોટરગાડીના ઉપયોગ વિષે કેવું લાગવું જોઈએ? જૂન ૨૨, ૧૯૮૭ના અવેક!એ “આપણાં જંગલોને શું થઈ રહ્યું છે?” વિષય પર ચર્ચા કરી. એણે અહેવાલ આપ્યો કે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે મોટરગાડીના ધુમાડામાં રહેલા હવાને પ્રદૂષિત કરતા તત્ત્વો અને ઉજ્જડ બની રહેલા જંગલો વચ્ચે સંબંધ છે. એનાથી પ્રેરાઇને એક વ્યથિત વાચકે વોચટાવર સોસાયટીને લખીને પૂછ્યું કે એ હકીકતની દૃષ્ટિએ શું ખ્રિસ્તી વ્યક્તિ કાર ચલાવે એ યોગ્ય થશે કે કેમ. તેને લાગ્યું કે કાર ચલાવવી યહોવાહના સર્જન માટે અનાદર બતાવવો થશે કે કેમ.
તેના પત્રનો જવાબ આપવામાં આવ્યો, જેનો અંશ નીચે આપવામાં આવ્યો છે: “યહોવાહના સાક્ષીઓ સરકારી સત્તાઓએ પ્રદૂષણ ઘટાડવા માટે બનાવેલા પર્યાવરણના ધારાધોરણોને વિશ્વાસુપણે આધીન રહે છે. (રૂમી ૧૩:૧, ૭; તીતસ ૩:૧) સરકાર જરૂરી બનાવે છે એથી વધુ પગલાં લેવાં એ વ્યક્તિની મરજી પર આધારિત છે. કોઈક નક્કી કરે કે તે હવેથી કાર ચલાવશે નહિ તો, એ તેનો વ્યક્તિગત મામલો છે. જોકે, કેટલાક લોકોને કેવું લાગે છે એ અવેક!ના લેખે બતાવ્યું જે પાન ૮ પર આપવામાં આવ્યું છે: ‘ઘણા લોકોએ વાજબીપણે શક્ય હોય એટલા અંશે હવાનું પ્રદૂષણ ઓછું કરવા વ્યવહારુ પગલાં લીધાં છે. તેઓ કાર ધીમે હંકારે છે, ઓછી મુસાફરી કરે છે, બીજાઓ સાથે કારના સહભાગી થાય છે, અનલેડેડ પેટ્રોલ વાપરે છે, અને સરકારે ઠરાવેલા પ્રદૂષણવિરોધી ધારાધોરણોને આધીન રહે છે.’”
ખ્રિસ્તી સમતુલા
એ જવાબે ખ્રિસ્તી સમતુલા પ્રગટ કરી. એ યાદ રાખવું જ જોઈએ કે માત્ર મોટરગાડીઓ એકલી જ પ્રદૂષણ કરતી નથી. વિમાન અને રેલગાડી—વાસ્તવમાં, પરિવહનના મોટાં ભાગનાં અદ્યતન સાધનો—પણ પ્રદૂષણ કરે છે. પરંતુ પરિવહનનાં એ સાધનો પ્રદૂષણના હેતુથી વિકસાવવામાં આવ્યાં ન હતાં. પરિણમેલું પ્રદૂષણ એની આડઅસર છે, જે દુ:ખની બાબત છે પરંતુ મર્યાદિત જ્ઞાન અને અપૂર્ણ વલણને કારણે એમ છે.
જાન્યુઆરી ૧, ૧૯૯૩ના ધ વોચટાવરના પાન ૩૧ પર, આ બાબતની આમ કહીને ચર્ચા કરવામાં આવી છે: “યહોવાહના સાક્ષીઓ તરીકે, આપણે આપણા પાર્થિવ ઘરને અસર કરતા ઘણા પારિસ્થિતિક કોયડા વિષે ગહનપણે ચિંતાતુર છીએ. આપણે મોટા ભાગના લોકો કરતાં વધુ કદર કરીએ છીએ કે પૃથ્વીને એક સંપૂર્ણ માનવી કુટુંબના શુદ્ધ, આરોગ્યપ્રદ ઘર તરીકે બનાવવામાં આવી હતી. (ઉત્પત્તિ ૧:૩૧; ૨:૧૫-૧૭; યશાયાહ ૪૫:૧૮) . . . આમ માણસ આપણા ગોળાને નુકસાન કરી રહ્યો છે એમાં બિનજરૂરી વધારો ટાળવા સમતોલ, વાજબી પ્રયત્નો કરવા સારી બાબત છે. તેમ છતાં, ‘વાજબી’ શબ્દની નોંધ લો. . . . દેવના લોકો પારિસ્થિતિક બાબતોમાં બેદરકાર ન હોવા જોઈએ. યહોવાહ ઇચ્છતા હતા કે તેમના પ્રાચીન લોકો મળ દૂર કરવા પગલાં લે, એવાં પગલાં જેમાં પારિસ્થિતિક તેમ જ સ્વાસ્થ્યનું મહત્ત્વ હતું. (પુનર્નિયમ ૨૩:૯-૧૪) અને આપણે પૃથ્વીનો નાશ કરનારાઓ વિષેની તેમની દૃષ્ટિ જાણતા હોવાથી, પર્યાવરણ ચોખ્ખું રાખવા આપણે કરી શકીએ એવી બાબતો અવગણવી જોઈએ નહિ. . . . એક ખ્રિસ્તી વ્યક્તિ એ દિશામાં કેટલી હદ સુધી જાય છે એ એક વ્યક્તિગત બાબત છે સિવાય કે કાયદો જરૂરી બનાવતો હોય. . . . અપૂર્ણ માનવીઓ અંતીમવાદી બનવાના ફાંદામાં સહેલાઈથી પડે છે. . . . પૃથ્વીના મુખ્ય પારિસ્થિતિક કોયડાઓને દૂર કરવા માટેના માનવ પ્રયત્નો પૂરેપૂરા સફળ થશે નહિ, જેમાં પ્રદૂષણનો સમાવેશ થાય છે. એમાં અહીંતહીં પ્રગતિ થઈ હોય શકે, પરંતુ એકમાત્ર કાયમી ઉકેલ માટે દેવની દરમ્યાનગીરી જરૂરી છે. એ કારણ માટે આપણે ઉપરછલ્લા લક્ષણોને દૂર કરવાને બદલે આપણા પ્રયત્નો અને સંપત્તિ દૈવી ઉકેલ પર કેન્દ્રિત કરીએ છીએ.”
ખ્રિસ્તીઓ બાઇબલના સિદ્ધાંતો પાળે છે તેમ તેઓ સમતોલ રહે છે, એ ધ્યાનમાં રાખીને કે તેઓને મળી છે એ દૈવી કામગીરી આખા જગતમાં દેવના રાજ્યના સંદેશાનો પ્રચાર કરવાની છે. (માત્થી ૨૪:૧૪) એથી વધુ મહત્ત્વનું કે એથી વધુ તાકીદનું કોઈ કામ નથી! ખ્રિસ્તીઓને એ ફરજ બજાવવા માટે પરિવહનના તથા સંચારના અદ્યતન સાધનો મદદ કરી શકતાં હોય તો, તેઓ પાસે એનો ઉપયોગ કરવાનું દરેક કારણ છે. એ જ વખતે, તેઓ બિનજરૂરીપણે કે હેતુપૂર્વક પ્રદૂષણ કરવાનું ટાળે છે. એમ તેઓ માણસ તથા દેવ, બન્ને સમક્ષ એક સારું અંત:કરણ ધરાવે છે.
તેથી આપણે પ્રદૂષણ તથા મોટરગાડીઓના કોયડા છેવટે કઈ રીતે ઉકેલવામાં આવશે એ ન જાણતા હોવા છતાં, આપણે જાણીએ છીએ કે એ ઉકેલવામાં આવશે. હકીકતમાં, આદર્શ ઉકેલ હવે હાથવેંતમાં જ છે. (g96 6/8)
પ્રદૂષણનો સામનો કરવો
• શક્ય હોય ત્યારે ચાલવું કે સાયકલ વાપરવી
• કારના સહભાગી થવું
• મોટરગાડીની નિયમિત મરામત કરાવવી
• સ્વચ્છ પેટ્રોલ માટે સાબદા રહેવું
• બિનજરૂરી મુસાફરી ટાળવી
• મધ્યમ પરંતુ એકધારી ગતિએ ડ્રાઇવીંગ કરવું
• શક્ય અને સુગમ હોય ત્યારે જાહેર વાહનવ્યવહાર વાપરવો
• વાહન થોડોક સમય ઊભું રાખવાનું થાય ત્યારે, એન્જિન વ્યર્થપણે ચાલુ રાખવાને બદલે બંધ કરી દેવું