ઈમાનદારીથી થતા લાભ
“અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે, પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જશે.”—નીતિવચનો ૨૦:૧૭.
શું ધંધામાં સફળ થવા બેઈમાની જરૂરી છે? જરાય નહિ. હકીકતમાં બેઈમાનીથી આપણે પોતાના જ પગ પર કુહાડી મારીએ છીએ. કઈ રીતે? કહેવાય છે કે “ઈમાનદારીમાં ફાયદો રહેલો છે.” ઈમાનદાર હોઈએ તો લોકોનો વિશ્વાસ બંધાય અને લાંબા ગાળે સફળતા મેળવવા એ બહુ જ જરૂરી છે.
ભરોસાની કદર
તમારી શાખ ઈમાનદાર તરીકે હશે તો સફળ થશો. તમે માનો કે નહિ પણ એ જ હકીકત છે. આગલા લેખમાં આપણે ફ્રાન્ઝભાઈ વિષે જોયું હતું. તે કહે છે: “મેં નોકરી શરૂ કરી ત્યારે હું ઈમાનદાર છું કે નહિ એ જોવા માલિકોએ અનેક રીતે મારી કસોટી કરી. જોકે મને એનો ખ્યાલ પણ ન હતો. સમય જતાં ખબર પડી કે તેઓને મારા પર પૂરો ભરોસો છે. એટલે તેઓએ મને વધારે જવાબદારી અને અમુક છૂટ આપી. તેમ જ ઈમાનદારીનો તેઓએ સારો બદલો આપ્યો. હું જાણું છું કે મારા કરતાં બીજાઓ વધારે હોશિયાર છે અને સારી રીતે કામ કરી શકે છે. તેમ છતાં માલિકોને મારા પર ભરોસો હોવાથી મને રાખ્યો છે.”
જોખમો ટાળો
આપણે આગલા લેખમાં ડૅવિડભાઈની વાત કરી તે પોતે વેપારી છે. તે કહે છે: “મને જોવા મળ્યું છે કે ફક્ત થોડો સમય લાભ થાય એ માટે અમુક લોકો નિયમો મચકોડે છે. હું હંમેશા પોતાને કહું છું કે ‘તેઓ જે વાવે છે એ જરૂર લણશે.’ બીજા શબ્દોમાં, બેઈમાની કરવાથી વહેલા મોડા કે બીજી કોઈ રીતે મુશ્કેલીઓ જરૂર આવશે. જેઓ કાળું-ધોળું કરે છે તેઓ સાથે અમે ધંધો કરતા નથી. ઘણી કંપનીઓ એવું કરતી હતી તેઓ સમય જતાં ગાયબ થઈ ગઈ અને અમુક વ્યક્તિઓ પર તો કેસ પણ કરવામાં આવ્યો. જ્યારે કે અમારી કંપનીને એવું કંઈ સહેવું પડ્યું નથી.”
દક્ષિણપૂર્વ આફ્રિકામાં રહેતા કેનભાઈને ઢોરઢાંક ઉછેરવાનો ધંધો શરૂ કરવો હતો. તે ચાહત તો અધિકારીઓને લાંચ આપીને બીજા દેશમાંથી ઢોરઢાંક જલદીથી મંગાવી શકત. તેમ જ, કર આપવાથી બચી જાત. પણ તેમણે એમ કર્યું નહિ. તે કહે છે: “ઢોરઢાંક ઉછેરતા ઘણા લોકો અધિકારીઓને લાંચ આપે છે. પણ અમે એવું કંઈ ન કર્યું એટલે ધંધો શરૂ કરતા દસ વર્ષ લાગ્યા. શું એનો અમને કોઈ લાભ થયો? જરૂર થયો. જેઓએ લાંચ આપીને કામ કઢાવ્યું હતું, તેઓને ભ્રષ્ટ અધિકારીઓ વારંવાર હેરાન કરતા હતા.”
મંદીમાં આવતી મુશ્કેલીઓ સહેવી
વેપારધંધો સારી રીતે ચાલતો ન હોય ત્યારે, બેઈમાન બનવાનું ઘણું દબાણ આવી શકે. આવા સંજોગોમાં પણ ઈમાનદાર રહેવાથી કંપનીની સારી શાખ દેખાઈ આવશે.
બિલભાઈનો વિચાર કરો. અમેરિકામાં તેમનો બાંધકામનો ધંધો મંદીના લીધે ભાંગી પડ્યો હતો. તે કહે છે: “અમારા મોટા મોટા ગ્રાહકો દેવાળામાં ગયા. એના લીધે અમારી કંપનીને હજારો ડૉલરની ખોટ આવી. અમારી પાસે કોઈ કામ જ ન હતું ત્યારે, મેં કામ મેળવવા બીજા કોન્ટ્રાક્ટર સાથે વાત કરી. એના ૪૮ કલાકમાં તેમણે મને અને મારા મોટા ભાગના કામદારોને કામે રાખી લીધા. મને કહેવામાં આવ્યું કે ‘તારું કામ અને ઈમાનદારી વિષે બધા જ જાણે છે.’”
આગળ જણાવેલા બધા જ અનુભવો યહોવાના સાક્ષીઓના છે. તેઓ બાઇબલના ધોરણો પ્રમાણે જીવે છે. એ ધોરણો વેપાર ધંધામાં પણ લાગુ પાડે છે. અહીં જોયું તેમ ઈમાનદાર રહેવાથી તેઓના ધંધામાં ખોટ ન આવી, પણ લાભ થયો.
એવા ઘણા સંજોગો ઊભા થશે જેનાથી લાગશે કે બેઈમાન બનવાનો ફાયદો છે. પણ શું વેપાર-ધંધો ફૂલે-ફાલે એને જ સફળતા કહેવાય? (g12-E 01)
[પાન ૬ પર બ્લર્બ]
તમારી શાખ ઈમાનદાર તરીકે હશે તો સફળ થશો. તમે માનો કે નહિ પણ એ જ હકીકત છે
[પાન ૭ પર ચિત્ર]
“મને કહેવામાં આવ્યું કે ‘તારું કામ અને ઈમાનદારી વિષે બધા જ જાણે છે.’” —બિલ, અમેરિકા