સાતમું પ્રકરણ
કડવી દ્રાક્ષાવાડીને અફસોસ!
૧, ૨. ‘વહાલો મિત્ર’ શું રોપે છે, પણ શા માટે તેને નિરાશ થવું પડે છે?
બાઇબલના એક પંડિતે યશાયાહના પાંચમાં અધ્યાયની શરૂઆત વિષે કહ્યું: “ભાષાની સુંદરતા અને કળામાં, આ વાર્તા અજોડ છે.” જો કે યશાયાહના શબ્દો ફક્ત સુંદર કળાનું લખાણ નથી. એને બદલે, એ તો યહોવાહ પરમેશ્વરે પોતાના લોકોને બતાવેલા ઊંડા પ્રેમનું વર્ણન કરે છે. એ જ સમયે, તેમને નારાજ કરતી બાબતો વિષે, એ આપણને ચેતવણી પણ આપે છે.
૨ યશાયાહની વાર્તા આ રીતે શરૂ થાય છે: “હું તો મારા સ્નેહી વિષે, તેની દ્રાક્ષાવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં. મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી. તેણે તે ખોદી, તેમાંથી પથ્થર વીણી કાઢ્યા, તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો, ને તેમાં બુરજ બાંધ્યો, અને વળી તેમાં દ્રાક્ષાકુંડ ખોદી કાઢ્યો; તેમાં દ્રાક્ષાની ઉપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ.”—યશાયાહ ૫:૧, ૨; સરખાવો માર્ક ૧૨:૧.
દ્રાક્ષાવાડીની સંભાળ
૩, ૪. દ્રાક્ષાવાડીની કેવી સંભાળ રાખવામાં આવી હતી?
૩ ભલે યશાયાહે લોકોને આ વાર્તા ગીત ગાઈને કે બીજી કોઈ રીતે સંભળાવી, છતાં એનાથી તેઓનું ધ્યાન જરૂર ખેંચાય છે. મોટા ભાગના લોકો દ્રાક્ષાની ખેતી વિષે જાણતા હતા, અને યશાયાહે એનું સુંદર રીતે વર્ણન પણ કર્યું હતું. આજે દ્રાક્ષાના ખેડૂતની જેમ, આ માલિકે એનાં બી વાવ્યાં ન હતાં, પણ એવા દ્રાક્ષાવેલાની કલમ રોપી, જે “ઉત્તમ દ્રાક્ષાવેલો” હતો. યોગ્ય રીતે જ, તે દ્રાક્ષાવાડી “રસાળ ટેકરી પર” રોપે છે, જ્યાં એ સરસ રીતે ઊગી શકે.
૪ દ્રાક્ષાવાડી રસાળ બનાવવા સખત મહેનત કરવી પડે છે. યશાયાહ કહે છે એમ, એના માલિકે “તે ખોદી, તેમાંથી પથ્થર વીણી કાઢ્યા.” ખરેખર, એ કામ બહુ થકવી નાખે છે! તેમણે મોટા મોટા પથ્થરોથી “બુરજ બાંધ્યો” હોય શકે. એ સમયમાં, એવા બુરજ પર ચોકીદાર રહેતો, જે ચોર અને પ્રાણીઓથી દ્રાક્ષાનું રક્ષણ કરતો.a તેમ જ, તેમણે દ્રાક્ષાવાડી ફરતે પથ્થરથી વાડ પણ બાંધી. (યશાયાહ ૫:૫) મોટે ભાગે એમ કરવામાં આવતું, જેથી ઉપરની રસાળ માટી ધોવાઈ ન જાય.
૫. દ્રાક્ષાવાડીના માલિક શાની આશા રાખે છે અને શું એ પૂરી થાય છે?
૫ દ્રાક્ષાવાડીમાં આટલી મહેનત કર્યા પછી, એના માલિક ફળની જરૂર આશા રાખશે. એની આશામાં તે દ્રાક્ષાકુંડ ખોદી કાઢે છે. પરંતુ શું તેમની આશા પૂરી થાય છે? ના, એ દ્રાક્ષાવાડીમાં તો કડવી દ્રાક્ષા ઊગે છે.
દ્રાક્ષાવાડી અને માલિક
૬, ૭. (ક) દ્રાક્ષાવાડીના માલિક કોણ છે અને દ્રાક્ષાવાડી શું છે? (ખ) માલિક શાનો ન્યાય માંગે છે?
૬ દ્રાક્ષાવાડી શું છે અને એના માલિક કોણ છે? દ્રાક્ષાવાડીના માલિક પોતે જણાવે છે: “હે યરૂશાલેમના રહેવાસીઓ, અને યહુદાહના માણસો, તમે મારી તથા મારી દ્રાક્ષાવાડીની વચ્ચે ઇન્સાફ કરજો. મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે? હું તો તેમાં સારી દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઉપજ કેમ થઈ હશે? હવે હું મારી દ્રાક્ષાવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું: તેની વાડ હું કાઢી નાખીશ, જેથી તે ભેલાઈ જશે; તેની ભીંત હું પાડી નાખીશ, જેથી તે ખુંદાઇ જશે.”—યશાયાહ ૫:૩-૫.
૭ યહોવાહ પોતે દ્રાક્ષાવાડીના માલિક છે. તે જાણે કે અદાલતમાં પોતાની અને નકામી દ્રાક્ષાવાડી વચ્ચે ન્યાય માંગે છે. એ દ્રાક્ષાવાડી શું છે? માલિક જવાબ આપે છે: “ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાહની દ્રાક્ષાવાડી છે, ને યહુદાહના લોક તેના મનોરંજક રોપ જેવા છે.”—યશાયાહ ૫:૭ ક.
૮. યહોવાહને યશાયાહે “મારા પ્રિયતમ” કહ્યા, એનું શું મહત્ત્વ છે?
૮ યશાયાહ દ્રાક્ષાવાડીના માલિક, યહોવાહ પરમેશ્વરને “મારા વહાલા મિત્ર” કે “મારા પ્રિયતમ” કહે છે. (યશાયાહ ૫:૧, NW) યહોવાહ સાથે યશાયાહનો ગાઢ સંબંધ હોવાથી, તે તેમના વિષે એમ કહી શકે છે. (અયૂબ ૨૯:૪; ગીતશાસ્ત્ર ૨૫:૧૪ સરખાવો.) પરંતુ, યહોવાહે પોતે રોપેલી “દ્રાક્ષાવાડી” અથવા પ્રજા માટે પરમેશ્વરને જે પ્રેમ છે, એની સરખામણીમાં પ્રબોધકનો એ પ્રેમ ઝાંખો પડે છે.—સરખાવો નિર્ગમન ૧૫:૧૭; ગીતશાસ્ત્ર ૮૦:૮, ૯.
૯. એક કિંમતી દ્રાક્ષાવાડીની જેમ, યહોવાહે પોતાની પ્રજાની કેવી સંભાળ લીધી?
૯ યહોવાહે જાણે કે પોતાની પ્રજાને કનાન દેશમાં ‘રોપી.’ તેમણે તેઓને નીતિનિયમો આપ્યા, જેનાથી આજુબાજુનાં દેશોની ખરાબ અસરથી તેઓને રક્ષણ મળ્યું. (નિર્ગમન ૧૯:૫, ૬; ગીતશાસ્ત્ર ૧૪૭:૧૯, ૨૦; એફેસી ૨:૧૪) એ ઉપરાંત, યહોવાહે તેઓને શિક્ષણ આપવા ન્યાયાધીશો, યાજકો અને પ્રબોધકો આપ્યા. (૨ રાજા ૧૭:૧૩; માલાખી ૨:૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨૦) ઈસ્રાએલ સામે દુશ્મનો ચડી આવ્યા ત્યારે, યહોવાહે છોડાવનારા ઊભા કર્યા. (હેબ્રી ૧૧:૩૨, ૩૩) તેથી, યહોવાહ પૂછે છે, “મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે?”
આજે યહોવાહની દ્રાક્ષાવાડી
૧૦. દ્રાક્ષાવાડી વિષે ઈસુએ કઈ વાર્તા કહી?
૧૦ ઈસુએ ખૂની ખેડૂતોની વાર્તા કહી ત્યારે, તેમના મનમાં યશાયાહના શબ્દો હોય શકે: “એક ઘરધણી હતો, જેણે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બનાવ્યો, ને ખેડૂતોને તે ઈજારે આપી, ને પરદેશ ગયો.” જો કે ખેડૂતોએ દ્રાક્ષાવાડીના માલિક સાથે દગો કર્યો અને તેમના પુત્રને પણ મારી નાખ્યો. ઈસુએ વાર્તામાં આગળ જણાવ્યું કે, એ ઈસ્રાએલીઓ સાથે બીજાઓનો પણ સમાવેશ થતો હતો: “દેવનું રાજ્ય તમારી [ઈસ્રાએલીઓ] પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.”—માત્થી ૨૧:૩૩-૪૧, ૪૩.
૧૧. પ્રથમ સદીમાં કઈ આત્મિક દ્રાક્ષાવાડી હતી, પણ પ્રેષિતોના મરણ પછી શું થયું?
૧૧ એ નવી “પ્રજા,” ૧,૪૪,૦૦૦ અભિષિક્ત ખ્રિસ્તીઓથી બનેલી આત્મિક પ્રજા, ‘દેવનું ઈસ્રાએલ’ સાબિત થઈ. (ગલાતી ૬:૧૬; ૧ પીતર ૨:૯, ૧૦; પ્રકટીકરણ ૭:૩, ૪) ઈસુ પોતાને “ખરો દ્રાક્ષાવેલો” અને આ શિષ્યોને વેલા પરની “ડાળી” સાથે સરખાવે છે. આ ડાળીઓ ફળ આપે એવી આશા રાખવામાં આવે છે. (યોહાન ૧૫:૧-૫) તેઓએ ખ્રિસ્ત જેવા ગુણો બતાવીને, “રાજ્યની આ સુવાર્તા” પ્રચાર કરવી જ જોઈએ. (માત્થી ૨૪:૧૪; ગલાતી ૫:૨૨, ૨૩) પરંતુ, બાર પ્રેષિતોના મરણ પછી બાબત બદલાઈ. ‘ખરા દ્રાક્ષાવેલાની’ ડાળીઓ હોવાનો દાવો કરનારા મોટા ભાગના જૂઠા સાબિત થયા. તેઓએ મીઠી નહિ, પણ કડવી દ્રાક્ષા આપી.—માત્થી ૧૩:૨૪-૩૦, ૩૮, ૩૯.
૧૨. યશાયાહના શબ્દો કઈ રીતે ખ્રિસ્તીરાષ્ટ્રને દોષિત ઠરાવે છે, અને સાચા ખ્રિસ્તીઓને શું શીખવે છે?
૧૨ યશાયાહે યહુદાહ પર મૂકેલા આરોપો, આજે ખ્રિસ્તીરાષ્ટ્રને લાગુ પડે છે. એનો ઇતિહાસ ધર્મને નામે લડાયેલા યુદ્ધો અને કૅથલિક ન્યાયસભાએ કરેલી રિબામણીથી ભરેલો છે. એ બતાવે છે કે એનાં ફળો કેટલાં ખાટા છે! જો કે યશાયાહના શબ્દો ફક્ત ખ્રિસ્તીરાષ્ટ્રને જ લાગુ પડતા નથી. અભિષિક્ત ખ્રિસ્તીઓની સાચી દ્રાક્ષાવાડી અને મોટા સમુદાયે પણ એ અમલમાં મૂકવા જોઈએ. (પ્રકટીકરણ ૭:૯) તેઓએ દ્રાક્ષાવાડીના માલિકનું મન જીતવું હોય તો, વ્યક્તિગત રીતે અને સમૂહ તરીકે તેમને ગમે એવાં જ ફળ આપવા જોઈએ.
“જંગલી દ્રાક્ષા”
૧૩. દ્રાક્ષાવાડીએ નકામા ફળો આપ્યાં હોવાથી, યહોવાહ એનું શું કરશે?
૧૩ યહોવાહે દ્રાક્ષાવાડીની સંભાળ લેવામાં આટલી બધી મહેનત કરી હોવાથી, તે “આનંદદાયક દ્રાક્ષાવાડી” માટે આશા રાખે, એમાં કંઈ નવાઈ નથી! (યશાયાહ ૨૭:૨) જો કે સારાં ફળોને બદલે, એમાં “જંગલી દ્રાક્ષા” એટલે કે ‘નકામી’ અથવા ‘ગંધાતી (સડેલી)’ દ્રાક્ષા ઊગી નીકળી. (યશાયાહ ૫:૨; યિર્મેયાહ ૨:૨૧) તેથી, યહોવાહ કહે છે કે તે પ્રજાને રક્ષણ આપનારી “વાડ” કાઢી નાખશે. પ્રજા જાણે કે “ભેલાઈ જશે” અને ઉજ્જડતા તથા દુકાળ અનુભવશે. (યશાયાહ ૫:૬ વાંચો.) મુસાએ ચેતવણી આપી હતી કે લોકો યહોવાહના નિયમો નહિ પાળે તો, એવી જ હાલત થશે.—પુનર્નિયમ ૧૧:૧૭; ૨૮:૬૩, ૬૪; ૨૯:૨૨, ૨૩.
૧૪. યહોવાહ પોતાની પ્રજા પાસેથી કેવી આશા રાખે છે, પણ એ કેવાં ફળો આપે છે?
૧૪ યહોવાહ પ્રજા પાસેથી સારાં ફળની આશા રાખે છે. યશાયાહના સમયના પ્રબોધક મીખાહે જાહેર કર્યું: “ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?” (મીખાહ ૬:૮; ઝખાર્યાહ ૭:૯) તેમ છતાં, એ પ્રજાએ યહોવાહની ભલામણ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી. “તે [યહોવાહ] ઈન્સાફની આશા રાખતો હતો, પણ ત્યાં જુઓ, રક્તપાત છે; નેકીની આશા રાખતો હતો, પણ ત્યાં જુઓ, વિલાપ છે.” (યશાયાહ ૫:૭ ખ) મુસાએ ભાખ્યું હતું કે અવિશ્વાસુ પ્રજા ‘સદોમના દ્રાક્ષાવેલામાંથી’ ઝેરી દ્રાક્ષા ઉગાડશે. (પુનર્નિયમ ૩૨:૩૨) તેથી, જાતીય અનૈતિકતા અને સજાતીય કુકર્મ તેઓને યહોવાહના નિયમની વિરુદ્ધ લઈ ગયા. (લેવીય ૧૮:૨૨) એ નોંધનીય છે કે યહોવાહના નિયમભંગને “રક્તપાત” સાથે સરખાવવામાં આવે છે. એનું કારણ તેઓનું નિર્દયી વર્તન હતું. દુઃખી લોકોનો “વિલાપ” દ્રાક્ષાવાડી રોપનારના કાને ગયો, એમાં કંઈ શંકા નથી.—અયૂબ ૩૪:૨૮ સરખાવો.
૧૫, ૧૬. સાચા ખ્રિસ્તીઓ, ઈસ્રાએલીઓ જેવાં નકામા ફળો આપવાનું કઈ રીતે ટાળી શકે?
૧૫ યહોવાહ “ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે.” (ગીતશાસ્ત્ર ૩૩:૫) તેમણે યહુદીઓને આજ્ઞા આપી: “ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને દેખી તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.” (લેવીય ૧૯:૧૫) તેથી, આપણે કદી પણ નાત-જાત, ઉંમર, ધનદોલત અથવા ગરીબી જોઈને પક્ષપાત ન કરીએ. (યાકૂબ ૨:૧-૪) જવાબદાર ભાઈઓ માટે આ ખાસ મહત્ત્વનું છે કે હંમેશા નિર્ણય લેતા પહેલાં, તેઓ બંને પક્ષોનું સાંભળીને, પક્ષપાત વિના ન્યાય કરે.—૧ તીમોથી ૫:૨૧; નીતિવચન ૧૮:૧૩.
૧૬ આજે, ખ્રિસ્તીઓ એવા જગતમાં રહે છે, જ્યાં નિયમોની કોઈને પડી નથી. તેથી, યહોવાહનાં ધોરણો પાળવા અઘરું લાગી શકે. પરંતુ, સાચા ખ્રિસ્તીઓએ યહોવાહના નિયમો ખુશીથી પાળવા તૈયાર રહેવું જ જોઈએ. (યાકૂબ ૩:૧૭) ‘હાલના ભૂંડા જગતમાં’ જાતીય અનૈતિકતા અને હિંસા હોવા છતાં, તેઓએ ‘કાળજીપૂર્વક સંભાળ રાખવી જોઈએ કે, તેઓ નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે ચાલે.’ (ગલાતી ૧:૪; એફેસી ૫:૧૫) તેઓએ જાતીયતા વિષે જગતનું વલણ ધિક્કારવું જોઈએ. વળી, મતભેદ ઊભા થાય ત્યારે, તેઓ “ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમજ સર્વ પ્રકારની ખુન્નસ” વિના, એ શાંતિથી થાળે પાડવા જોઈએ. (એફેસી ૪:૩૧) આમ, સાચા ખ્રિસ્તીઓ નીતિનિયમ પાળીને યહોવાહને માન આપે છે, અને તેમની કૃપા પામે છે.
લોભનાં ફળ
૧૭. યશાયાહના પહેલા શાપમાં શાને દોષ આપવામાં આવ્યો?
૧૭ હવે યશાયાહ ૮મી કલમથી યહોવાહના શબ્દોનો ઉલ્લેખ કરતા નથી. યહુદાહની ‘જંગલી દ્રાક્ષાને’ દોષિત ઠરાવતા, તે પોતે છ અફસોસ અથવા શાપ જાહેર કરે છે. એમાંનો પહેલો આ છે: “પોતે એકાંતે દેશમાં રહેનારા થાય ત્યાં સુધી જેઓ ઘર સાથે ઘર જોડી દે છે, અને જગા જરાએ રહે નહિ, એવી રીતે ખેતર સાથે ખેતર મેળવે છે, તેમને અફસોસ! મારા કાનમાં સૈન્યોનો દેવ યહોવાહ કહે છે, કે બેશક ઘણાં ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને સારાં ઘરો વસ્તી વિનાનાં થઈ જશે. કેમકે દશ એકર દ્રાક્ષાવાડીમાં એક બાથની ઉપજ થશે, ને એક ઓમેર બીમાંથી એક એફાહની ઉપજ થશે.”—યશાયાહ ૫:૮-૧૦.
૧૮, ૧૯. યશાયાહના સમયમાં, લોકોએ કઈ રીતે મિલકતના નિયમ તોડ્યા, અને એનું પરિણામ શું આવવાનું હતું?
૧૮ પ્રાચીન ઈસ્રાએલમાંની બધી જ જમીન આખરે તો યહોવાહની જ હતી. દરેક કુટુંબને યહોવાહે વારસા તરીકે જમીન આપી હતી. તેઓ એને ખેડવા માટે ભાડે આપી શકે, પરંતુ કદી પણ “સદાને માટે” વેચી શકે નહિ. (લેવીય ૨૫:૨૩) આ નિયમને કારણે કોઈ પણ પારકી જમીન પર હક્ક જમાવી શકતું નહિ. એનાથી કુટુંબોને રક્ષણ મળ્યું, જેથી તેઓ ગરીબીમાં તણાઈ ન જાય. જો કે યહુદાહમાં કેટલાક લોભી બની, મિલકત વિષે યહોવાહના નિયમોની વિરુદ્ધ જતા હતા. મીખાહે લખ્યું: “તેઓ ખેતરોનો લોભ કરીને તેમને છીનવી લે છે; અને ઘરોનો લોભ કરીને તેમને પડાવી લે છે; તેઓ માણસ તથા તેના ઘર પર, એટલે માણસ તથા તેના વારસા પર, જુલમ કરે છે.” (મીખાહ ૨:૨) પરંતુ, નીતિવચન ૨૦:૨૧ ચેતવણી આપે છે: “શરૂઆતમાં તો વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે; પણ તેનું પરિણામ આશીર્વાદરૂપ થશે નહિ.”
૧૯ યહોવાહે વચન આપ્યું કે તેઓએ લોભથી જે કંઈ પડાવ્યું હશે, એ લઈ લેવામાં આવશે. જોરજુલમથી પડાવી લીધેલાં ઘરો “વસ્તી વિનાનાં” થશે. લોભથી પડાવી લીધેલી જમીન, તેની પૂરતી ઊપજ આપશે નહિ. કઈ રીતે અને ક્યારે આ શાપ પૂરો થશે, એ જણાવવામાં આવ્યું નથી. અમુક અંશે, બાબેલોનના બંદીવાસ દ્વારા એવી હાલત આવી પડી.—યશાયાહ ૨૭:૧૦.
૨૦. ઈસ્રાએલના અમુક જણનું લોભી વલણ, આજે ખ્રિસ્તીઓ કઈ રીતે ટાળી શકે?
૨૦ એ સમયના કેટલાક ઈસ્રાએલી લોકોની લોભી આંખોની લાલસા, આજે ખ્રિસ્તીઓએ ધિક્કારવી જોઈએ. (નીતિવચન ૨૭:૨૦) ભૌતિક બાબતો જીવનમાં મહત્ત્વની બની જાય છે ત્યારે, પૈસા પ્રત્યે આપણી દાનત બગડી જઈ શકે. આપણે કાળાધોળા કરીને, રાતોરાત ધનવાન બની જવાની યોજનામાં ફસાઈ જઈ શકીએ. “જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.” (નીતિવચન ૨૮:૨૦) તેથી, આપણી પાસે જે છે, એમાં જ સંતોષી રહેવું કેટલું મહત્ત્વનું છે!—૧ તીમોથી ૬:૮.
મોજશોખની છૂપી જાળ
૨૧. યશાયાહના બીજા શાપમાં કયાં પાપ જણાવવામાં આવ્યાં છે?
૨૧ યશાયાહનો બીજો શાપ આ છે: “જેઓ સવારે વહેલા ઊઠીને દારૂની પાછળ મંડે છે, ને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ! વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાહના કામ પર લક્ષ આપતા નથી, અને તેના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.”—યશાયાહ ૫:૧૧, ૧૨.
૨૨. ઈસ્રાએલમાં કેવા સંયમની ખામી હતી અને એ કારણે પ્રજાનું શું થશે?
૨૨ યહોવાહ પોતે આનંદી પરમેશ્વર છે અને તેમના સેવકો મોજશોખ કરે, એમાં તેમને કોઈ જ વાંધો નથી. (૧ તીમોથી ૧:૧૧, NW) પરંતુ, મોજશોખમાં ડૂબી રહેનારા આ લોકો તો હદ વટાવી જાય છે! બાઇબલ કહે છે કે “છાકટા રાતે છાકટા થાય છે.” (૧ થેસ્સાલોનીકી ૫:૭) પરંતુ, ભવિષ્યવાણી જણાવે છે તેમ, આ જલસા માણનારા તો સવાર પડતા જ ચાલુ થઈ જાય છે, અને મોડી રાત સુધી પીએ છે! તેઓ એવી રીતે વર્તે છે કે જાણે યહોવાહ છે જ નહિ, અને તેઓ કોઈને જવાબદાર ન હોય એમ મન ફાવે તેમ કરે છે. યશાયાહ એવા લોકો માટે ગમગીન ભાવિ ભાખે છે. “મારા લોક અજ્ઞાનને લીધે બંદીવાસમાં ગયા છે; અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સાધારણ માણસો તરસથી સુકાઇ ગયા છે.” (યશાયાહ ૫:૧૩) સાચું જ્ઞાન લઈને એ પ્રમાણે ન જીવવાથી, યહોવાહના કરારના લોકો, અમીર અને ગરીબ બંને વિનાશ પામશે.—યશાયાહ ૫:૧૪-૧૭ વાંચો.
૨૩, ૨૪. ખ્રિસ્તીઓને કેવો સંયમ જાળવવો જોઈએ?
૨૩ પ્રથમ સદીના કેટલાક ખ્રિસ્તીઓ પણ “વિલાસ” અથવા ‘મોજશોખમાં’ ડૂબી ગયા હતા. (ગલાતી ૫:૨૧; ૨ પીતર ૨:૧૩) તેથી, એમાં નવાઈ નથી કે આજે પણ અમુક ખ્રિસ્તીઓ કોઈ પ્રસંગે મોજશોખ માટે ભેગા મળે ત્યારે, ખોટું કરી બેસે છે. દારુ જેવા પીણાં છૂટથી મળતા હોય ત્યારે, કેટલાક ભાન ભૂલી જાય છે. (નીતિવચન ૨૦:૧) વળી, વધારે દારૂની અસર હેઠળ અનૈતિકતાના કિસ્સા પણ બની ગયા છે. કેટલીક મિજબાનીઓ લગભગ આખી રાત ચાલવા દેવામાં આવી છે, જેનાથી બીજા દિવસે ખ્રિસ્તી કાર્યો પર અસર પણ પડી છે.
૨૪ જો કે અનુભવી ખ્રિસ્તીઓ યહોવાહના ગુણો અનુસરીને મોજશોખની પસંદગી કરવામાં સંયમી હોય છે. રૂમી ૧૩:૧૩માં મળી આવતી પાઊલની સલાહ તેઓ માને છે, “દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ.”
પાપ ધિક્કારો, સત્ય ચાહો
૨૫, ૨૬. યશાયાહના ત્રીજા અને ચોથા શાપમાં કયાં પાપ ઉઘાડાં પાડવામાં આવ્યાં?
૨૫ હવે યશાયાહનો ત્રીજો અને ચોથો શાપ સાંભળો: “જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી, ને પાપને જાણે ગાડાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ! તેઓ કહે છે, કે તેણે ઉતાવળ કરવી, ને તેણે પોતાનું કામ જલદી કરવું, કે અમે તે જોઇએ; અને ઈસ્રાએલના પવિત્ર દેવની ધારણા અમલમાં આવે છે કે નહિ, તે અમે જાણીએ. જેઓ ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું કહે છે; જેઓ અજવાળાને ઠેકાણે અંધકાર, ને અંધકારને ઠેકાણે અજવાળું ઠરાવે છે; જેઓ મીઠાને ઠેકાણે કડવું, અને કડવાને ઠેકાણે મીઠું ઠરાવે છે તેઓને અફસોસ!”—યશાયાહ ૫:૧૮-૨૦.
૨૬ પાપીઓનું કેવું વર્ણન! બળદ જેમ ગાડામાં જોડાયેલો હોય છે, તેમ તેઓ પાપમાં જોડાયેલા છે. આ પાપીઓને આવનાર ન્યાયકરણનો કોઈ ભય નથી. તેઓ મશ્કરી કરતા કહે છે કે “[દેવે] પોતાનું કામ જલદી કરવું”! યહોવાહને આધીન થવાને બદલે, તેઓ “ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું” કહીને વાત મચકોડે છે.—સરખાવો યિર્મેયાહ ૬:૧૫; ૨ પીતર ૩:૩-૭.
૨૭. આજે ખ્રિસ્તીઓ ઈસ્રાએલીઓ જેવું વલણ કઈ રીતે ટાળી શકે?
૨૭ આજે, ખ્રિસ્તીઓએ હંમેશા એવું વલણ ટાળવું જોઈએ. દાખલા તરીકે, વ્યભિચાર અને સજાતીય કુકર્મમાં કંઈ ખોટું નથી, એવા જગતના વલણને તેઓ જરાયે ચલાવી લેતા નથી. (એફેસી ૪:૧૮, ૧૯) ખરું કે કોઈ ખ્રિસ્તી ‘અપરાધ કરી’ ગંભીર પાપમાં પડી શકે છે. (ગલાતી ૬:૧) મંડળના વડીલો એવી અપરાધી વ્યક્તિઓને મદદ કરવા તૈયાર છે. (યાકૂબ ૫:૧૪, ૧૫) એ વ્યક્તિ પ્રાર્થના અને બાઇબલ-આધારિત સલાહની મદદથી પાછી ફરે એ શક્ય છે. એમ ન કરે તો, તે “પાપનો દાસ” બની જઈ શકે. (યોહાન ૮:૩૪) તેથી, યહોવાહની મશ્કરી કરીને, આવનાર ન્યાયકરણની ગંભીરતા ચૂકી જવાને બદલે, ખ્રિસ્તીઓ યહોવાહ સમક્ષ “નિષ્કલંક તથા નિર્દોષ” રહેવા ખૂબ જ પ્રયત્ન કરે છે.—૨ પીતર ૩:૧૪; ગલાતી ૬:૭, ૮.
૨૮. યશાયાહના છેલ્લા શાપમાં કયાં પાપ જાહેર કરવામાં આવ્યાં અને આજે ખ્રિસ્તીઓ કઈ રીતે એવાં પાપ ટાળી શકે?
૨૮ યોગ્ય રીતે જ, યશાયાહ આ છેલ્લા શાપ ઉમેરે છે: “જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ! જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા, અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ માણસ તેઓને અફસોસ! તેઓ લાંચ લઇને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે.” (યશાયાહ ૫:૨૧-૨૩) દેખીતી રીતે જ, આ શબ્દો એ દેશમાં ન્યાય કરનારાઓને કહેવામાં આવ્યા હતા. આજે, મંડળમાં વડીલો “પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન” દેખાવાનું ટાળે છે. તેઓ બીજા વડીલોની સલાહ સ્વીકારે છે અને સંગઠનના માર્ગદર્શનને વળગી રહે છે. (નીતિવચન ૧:૫; ૧ કોરીંથી ૧૪:૩૩) તેઓ દારુ જેવા નશો ચડાવતા પીણાં પીવામાં સંયમી છે. તેમ જ, મંડળની જવાબદારી ઉપાડતા પહેલાં, કદી પણ એવા પીણાં પીતા નથી. (હોશીયા ૪:૧૧) વડીલો કોઈને પક્ષપાતની લાગણી પણ થવા દેતા નથી. (યાકૂબ ૨:૯) ખ્રિસ્તીરાષ્ટ્રના પાદરીઓથી કેવું જુદું જ વલણ! કેટલાક પાદરીઓ લાગવગ ધરાવતા અને ધનવાન પાપીઓ તરફ આંખ આડા કાન કરી, તેઓનાં પાપ સંતાડે છે. આમ, તેઓ પ્રેષિત પાઊલની ચેતવણીઓ સાંભળતા નથી.—રૂમી ૧:૧૮, ૨૬, ૨૭; ૧ કોરીંથી ૬:૯, ૧૦; એફેસી ૫:૩-૫.
૨૯. યહોવાહની ઈસ્રાએલી ‘દ્રાક્ષાવાડી’ માટે કઈ આફત આવી રહી હતી?
૨૯ યશાયાહ આ પ્રબોધકીય સંદેશ, એક આફતનું વર્ણન કરતા પૂરો કરે છે. જેઓએ “યહોવાહનું નિયમશાસ્ત્ર તજ્યું છે,” અને ન્યાયી ‘ફળો’ આપવામાં નિષ્ફળ ગયા છે, તેઓ પર એ આફત આવી પડશે. (યશાયાહ ૫:૨૪, ૨૫; હોશીયા ૯:૧૬; માલાખી ૪:૧) તે જાહેર કરે છે: “[યહોવાહ] દૂરથી વિદેશીઓની ભણી ધ્વજા ઊભી કરશે, અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; અને જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.”—યશાયાહ ૫:૨૬; પુનર્નિયમ ૨૮:૪૯; યિર્મેયાહ ૫:૧૫.
૩૦. યહોવાહના લોકો વિરુદ્ધ ‘વિદેશીઓને’ કોણ ભેગા કરશે, અને એનું પરિણામ શું આવશે?
૩૦ અગાઉના જમાનામાં, ઊંચી જગ્યાએ બાંધવામાં આવેલી “ધ્વજા” લોકો અથવા લશ્કર માટે ભેગા મળવાની જગ્યા હતી. (સરખાવો યશાયાહ ૧૮:૩; યિર્મેયાહ ૫૧:૨૭.) હવે ન્યાયકરણ લાવવા, યહોવાહ પોતે આ ‘વિદેશીઓને’ ભેગા કરશે.b તે ‘તેઓને સીટી વગાડશે,’ એટલે કે, એ દેશનું ધ્યાન પોતાના વંઠી ગયેલા લોકો તરફ દોરશે, જેથી એ તેઓ પર જીત મેળવે. પછી પ્રબોધક આ સિંહ જેવા વિજેતાઓએ કરેલી ભયાનક કતલનું વર્ણન કરે છે. તેઓ યહોવાહના લોકોને, “શિકારને પકડીને તાણી જશે,” એટલે કે, બંદીવાસમાં લઈ જશે. (યશાયાહ ૫:૨૭-૩૦ ક વાંચો.) યહોવાહના લોકોના દેશની કેવી ખરાબ હાલત થઈ! “જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ ત્યાં અંધકાર તથા વિપત્તિ દેખાશે, ને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.”—યશાયાહ ૫:૩૦ ખ.
૩૧. યહોવાહની ઈસ્રાએલી દ્રાક્ષાવાડીને થયેલી શિક્ષા, સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે ટાળી શકે?
૩૧ યહોવાહે આટલા પ્રેમથી રોપેલી દ્રાક્ષાવાડી સાવ નકામી નીકળી. આજે યહોવાહના સર્વ ભક્તો યશાયાહના શબ્દોમાંથી ઘણું શીખી શકે છે! તેઓએ યહોવાહના મહિમા અને પોતાના બચાવ માટે ફક્ત સારાં ફળો આપવા સખત મહેનત કરવી જોઈએ!
[ફુટનોટ્સ]
a અમુક પંડિતોનું માનવું છે કે પથ્થરના બુરજ કરતાં, એ સમયે માંડવા કે માંચડા સામાન્ય હતા. (યશાયાહ ૧:૮) પરંતુ, અહીં બુરજ બાંધવામાં આવ્યો, એ જ બતાવે છે કે, ‘દ્રાક્ષાવાડીના’ માલિકે એની પાછળ સખત મહેનત કરી હતી.
b બીજી ભવિષ્યવાણીઓ પ્રમાણે, યહુદાહ પર યહોવાહનું વિનાશક ન્યાયકરણ લઈ આવનાર તરીકે, યશાયાહ બાબેલોનને ઓળખાવે છે.
[પાન ૮૩ પર ચિત્ર]
બળદ જેમ ગાડામાં જોડાયેલો હોય છે, તેમ પાપી પાપમાં જોડાયેલો છે
[પાન ૮૫ પર આખા પાનાનું ચિત્ર]