છઠ્ઠું પ્રકરણ
શેષભાગ પર યહોવાહની દયા
૧, ૨. યહુદાહ અને યરૂશાલેમ વિષે પ્રબોધક યશાયાહ શું ભાખે છે?
એક ગીચોગીચ દેશ પર તોફાન આવી ચઢે છે. વાવાઝોડું, ધોધમાર વરસાદ અને પૂર આવી ચડ્યું છે. એ અસંખ્ય ઘરો, ખેતી અને જીવન ભરખી જાય છે. પરંતુ, જલદી જ તોફાન પસાર થઈ જાય છે અને બધી બાજુ શાંતિ છવાઈ જાય છે. એમાંથી બચી જનારા માટે એ બધી તોડફોડનું ફરીથી બાંધકામ કરવાનો સમય છે.
૨ યહુદાહ અને યરૂશાલેમ વિષે પ્રબોધક યશાયાહ પણ કંઈક એવું જ ભાખે છે. તેથી, યહોવાહ તરફથી આવનાર ન્યાયકરણના તોફાની વાદળા આફતનો અણસાર આપે છે! એ દેશના પાપનો ઘડો ભરાઈ ગયો છે. એના શાસકો અને લોકોએ દેશને અન્યાય તથા લોહીથી ભરી દીધો છે. યહુદાહનાં પાપ ખુલ્લાં પાડતાં, યહોવાહ ચેતવણી આપે છે કે એ વંઠી ગયેલા રાષ્ટ્રનો પોતે ન્યાય કરશે. (યશાયાહ ૩:૨૫) આ આવનાર તોફાનથી યહુદાહનો પૂરેપૂરો વિનાશ થઈ જશે. એ જાણીને, યશાયાહને ખૂબ જ દુઃખ થયું હશે.
૩. યશાયાહ ૪:૨-૬માંનો પ્રેરિત સંદેશ કઈ આશા આપે છે?
૩ જો કે તેઓ સાવ આશા વિનાના નથી! યહોવાહના ન્યાયકરણના તોફાનમાંથી બચનારા જરૂર હશે. યહોવાહ યહુદાહને શિક્ષાની સાથે સાથે દયા પણ બતાવશે! યશાયાહ ૪:૨-૬માંનો યહોવાહનો સંદેશ ભાવિના આશીર્વાદો પર મીટ માંડે છે. જાણે એકાએક વાદળોમાંથી સૂરજ બહાર નીકળી આવ્યો હોય, એમ બન્યું. યશાયાહ ૨:૬–૪:૧માં જણાવાયેલા ન્યાયકરણ પછી, સુંદર નવી જ હોય એવી પૃથ્વી અને એમાંના લોકો દેખાય આવ્યા.
૪. શેષભાગ ફરીથી સ્થાયી થશે, એ ભવિષ્યવાણીની ચર્ચા આપણે શા માટે કરવી જોઈએ?
૪ શેષભાગ ફરીથી સ્થાયી અને સલામત બનશે, એવી યશાયાહની ભવિષ્યવાણી આપણા સમયમાં, એટલે કે “છેલ્લા કાળમાં” પણ પૂરી થાય છે. (યશાયાહ ૨:૨-૪) તેથી, ચાલો આપણે આ સમયસરના સંદેશની ચર્ચા કરીએ. એ મહત્ત્વની ભવિષ્યવાણી છે એટલું જ નહિ, પરંતુ યહોવાહની દયા વિષે પણ ઘણું શીખવે છે અને બતાવે છે કે આપણે કઈ રીતે એ દયા પામી શકીએ.
‘યહોવાહનો અંકુર’
૫, ૬. (ક) યશાયાહ આવનાર તોફાન પછીની શાંતિનું કઈ રીતે વર્ણન કરે છે? (ખ) ‘અંકુર’ એટલે શું અને એ યહુદાહ દેશ વિષે શું દર્શાવે છે?
૫ હવે, તોફાન પછી આવનાર પુષ્કળ શાંતિના સમય વિષે, યશાયાહ પ્રેમાળ સાદે જણાવે છે: “તે દિવસે ઈસ્રાએલનાં બચેલાંને સારૂ યહોવાહે ઉગાડેલો અંકૂર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.”—યશાયાહ ૪:૨.
૬ યશાયાહ અહીં ફરીથી સ્થાપના થવા વિષે જણાવે છે. ‘અંકુર’ ભાષાંતર થતી હેબ્રી સંજ્ઞા ‘ફણગો કે મૂળ ફૂટવા’ વિષે સૂચવે છે. એ સમૃદ્ધિ, વૃદ્ધિ અને યહોવાહનો આશીર્વાદ દર્શાવે છે. આમ, યશાયાહ આશા બાંધે છે કે યહુદાહ કાયમ ઉજ્જડ રહેશે નહિ. યહોવાહના આશીર્વાદથી, એ અગાઉ હતું એવું જ ફળદ્રુપ બનશે.a—લેવીય ૨૬:૩-૫.
૭. કઈ રીતે યહોવાહનો અંકુર “સુંદર તથા તેજસ્વી” હશે?
૭ યશાયાહ આવનાર મોટા ફેરફારનું આબેહૂબ વર્ણન કરે છે. યહોવાહનો અંકુર “સુંદર તથા તેજસ્વી” હશે. “સુંદર” શબ્દ યહોવાહે સદીઓ પહેલાં, ઈસ્રાએલને આપેલા વચનના દેશની સુંદરતાની યાદ અપાવે છે. એ એટલો સુંદર હતો કે એને “સર્વ દેશોની શોભા” [“શિરોમણિ,” હિંદી ઓ.વી. બાઇબલ] ગણવામાં આવતો હતો. (હઝકીએલ ૨૦:૬) આમ, યશાયાહના શબ્દો લોકોને ભરોસો આપતા હતા કે, યહુદાહને ફરીથી એની સુંદરતા અને ગૌરવ જરૂર મળશે. ખરેખર, એ પૃથ્વી પર શિરોમણિ સમાન બનશે.
૮. દેશને મળેલી સુંદરતા કોણ માણશે, અને યશાયાહ એનું વર્ણન કઈ રીતે કરે છે?
૮ જો કે દેશને ફરીથી મળેલી સુંદરતાનો આનંદ કોણ માણશે? યશાયાહ લખે છે કે “ઈસ્રાએલનાં બચેલાં.” હા, ભવિષ્યવાણી પ્રમાણે મોટા વિનાશમાંથી કેટલાક જરૂર બચી જશે. (યશાયાહ ૩:૨૫, ૨૬) એ બચી ગયેલા લોકો યહુદાહ પાછા ફરીને એનું બાંધકામ કરશે. આ ‘બચી ગયેલા’ પાછા ફરનારા માટે, તેઓના દેશની અઢળક પેદાશ “ઉત્તમ તથા શોભાયમાન” બનશે. (યશાયાહ ૪:૨) હવે, વિનાશ ગઈ ગુજરી વાત બની જશે અને શરમને બદલે માન મળશે.
૯. (ક) યશાયાહના શબ્દો પ્રમાણે, ૫૩૭ બી.સી.ઈ.માં શું બન્યું? (ખ) ગુલામીમાં જન્મેલા અમુકને પણ શા માટે “બચેલાં” ગણવામાં આવ્યા? (નિમ્નનોંધ જુઓ.)
૯ યશાયાહના શબ્દો પ્રમાણે જ, ૬૦૭ બી.સી.ઈ.માં ન્યાયકરણનું તોફાન આવ્યું. એ સમયે, બાબેલોનીઓએ યરૂશાલેમ અને ઘણા ઈસ્રાએલી લોકોનો નાશ કર્યો. જેઓ બચ્યા, તેઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવાયા. પરંતુ, યહોવાહે દયા બતાવી ન હોત તો, કોઈ જ બચ્યું ન હોત. (નહેમ્યાહ ૯:૩૧) આખરે, યહુદાહ તદ્દન ઉજ્જડ થઈ ગયું. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૧) પછી, ૫૩૭ બી.સી.ઈ.માં, યહોવાહની દયાથી ‘બચી ગયેલા’ લોકો યહુદાહ પાછા આવ્યા, જેથી સાચી ઉપાસના ફરીથી સ્થાપન થાય.b (એઝરા ૧:૧-૪; ૨:૧) પાછા ફરેલા આ ગુલામોના સાચા પસ્તાવાનું વર્ણન, ગીતશાસ્ત્ર ૧૩૭માં સુંદર રીતે કરવામાં આવ્યું છે. મોટે ભાગે એ ગીત ગુલામીમાં અથવા એ પછી તરત જ લખવામાં આવ્યું હોય શકે. યહુદાહમાં, લોકોએ ખેતરો ખેડ્યા અને બી વાવ્યાં. દેશ ‘એદન વાડીની’ જેમ જ સુંદર દેખાવા લાગ્યો. જરા વિચારો કે યહોવાહ તેઓની મહેનતનાં ફળ આપી રહ્યા હતા, એ જોઈને લોકોને કેવું લાગ્યું હશે!—હઝકીએલ ૩૬:૩૪-૩૬.
૧૦, ૧૧. (ક) વીસમી સદીની શરૂઆતમાં, બાઇબલ વિદ્યાર્થીઓ કઈ રીતે ‘મહાન બાબેલોનના’ ગુલામ હતા? (ખ) યહોવાહે કઈ રીતે આત્મિક ઈસ્રાએલના શેષભાગને આશીર્વાદ આપ્યો?
૧૦ આપણા સમયમાં પણ એમ જ બન્યું છે. વીસમી સદીની શરૂઆતમાં યહોવાહના સાક્ષીઓ, બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા. તેઓ જૂઠા ધર્મના જગત સામ્રાજ્ય, ‘મહાન બાબેલોનના’ ધાર્મિક ગુલામીમાં આવી પડ્યા. (પ્રકટીકરણ ૧૭:૫) બાઇબલ વિદ્યાર્થીઓએ ઘણાં જૂઠા ધાર્મિક શિક્ષણો છોડી દીધાં હોવા છતાં, હજુ પણ તેઓ બાબેલોનના અમુક વિચારો અને રિવાજોના રંગે રંગાયેલા હતા. પાદરીઓએ ઊભી કરેલી સતાવણીના કારણે, અમુક તો ખરેખર કેદમાં હતા. આમ, તેઓનો ધાર્મિક દેશ જાણે ઉજ્જડ થઈ ગયો હતો.
૧૧ જો કે ૧૯૧૯ની વસંત ઋતુમાં, યહોવાહે આ આત્મિક ઈસ્રાએલના શેષભાગને દયા બતાવી. (ગલાતી ૬:૧૬) તેમણે તેઓનો પસ્તાવો અને સત્યતાથી ભક્તિ કરવાની ઇચ્છા જોઈ. તેથી, તેમણે તેઓને કેદમાંથી અને ખાસ કરીને જૂઠા ધર્મોની ગુલામીમાંથી છોડાવ્યા. આ ‘બચી ગયેલા’ લોકો, યહોવાહે આપેલા આત્મિક દેશમાં પાછા સ્થાયી થયા, જેને તે પુષ્કળ વૃદ્ધિ આપે છે. આ દેશની આબાદીને કારણે, યહોવાહને ચાહનારા બીજા લાખો લોકો પણ શેષભાગ સાથે સાચી ભક્તિ કરવા આકર્ષાયા છે.
૧૨. યહોવાહે પોતાના લોકોને બતાવેલી દયાની કદર યશાયાહના શબ્દોમાં કઈ રીતે જોવા મળે છે?
૧૨ અહીં યશાયાહના શબ્દો કદર કરે છે કે યહોવાહે પોતાના લોકોને દયા બતાવી. જો કે રાષ્ટ્ર તરીકે ઈસ્રાએલ યહોવાહની વિરુદ્ધ ગયું છતાં, તેમણે પશ્ચાત્તાપી શેષભાગ પર દયા બતાવી. એમાંથી આપણને આશ્વાસન મળે છે કે, ગંભીર પાપીઓ પણ આશા સહિત યહોવાહ પાસે જઈ શકે છે. યહોવાહ પશ્ચાત્તાપીથી મોં ફેરવી લેતા નથી. તેથી, પસ્તાવો કરનાર ખાતરી રાખી શકે કે, યહોવાહ તેને જરૂર દયા બતાવશે. (ગીતશાસ્ત્ર ૫૧:૧૭) બાઇબલ આપણને જણાવે છે: “યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૧૩) આપણે આવા દયાળુ પરમેશ્વર યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ!
શેષભાગ યાહ માટે પવિત્ર બને છે
૧૩. યહોવાહની દયા પામનારા શેષભાગનું વર્ણન, યશાયાહ ૪:૩ કઈ રીતે કરે છે?
૧૩ યહોવાહ જેઓને દયા બતાવશે, એ શેષભાગની ઓળખ તો આપણને થઈ. પરંતુ, હવે યશાયાહ તેઓનું વિગતવાર વર્ણન કરે છે: “સિયોનમાં તથા યરૂશાલેમમાં રહી ગએલો શેષ, એટલે યરૂશાલેમમાંના જીવતાઓમાં નોંધાએલો દરેક જન પવિત્ર કહેવાશે.”—યશાયાહ ૪:૩.
૧૪. “રહી ગએલો શેષ” કોણ છે અને શા માટે યહોવાહ તેઓને દયા બતાવશે?
૧૪ આ “રહી ગએલો શેષ” કોણ છે? આગળની કલમમાં બતાવ્યા પ્રમાણે, તેઓ તો બચી ગયેલા યહુદી બંદીવાનો છે, જેઓને યહુદાહ પાછા ફરવાની પરવાનગી આપવામાં આવશે. હવે, યહોવાહની દયાનું કારણ જણાવતા, યશાયાહ કહે છે કે તેઓ યહોવાહને માટે “પવિત્ર” બનશે. પવિત્રતાનો અર્થ થાય, “ધાર્મિક ચોખ્ખાઈ કે શુદ્ધતા.” એમાં યહોવાહના નીતિનિયમ પ્રમાણે ચાલવાનો, તથા શુદ્ધ વાણી અને વર્તનનો સમાવેશ થાય છે. તેઓ યહોવાહ માટે “પવિત્ર” બને છે, તેથી જરૂર દયા પામશે. યહોવાહ તેઓને “પવિત્ર નગર,” યરૂશાલેમમાં ચોક્કસ પાછા ફરવા દેશે.—નહેમ્યાહ ૧૧:૧.
૧૫. (ક) ‘યરૂશાલેમમાંના જીવતાઓમાં નોંધાએલા,’ આ શબ્દો આપણને કયા યહુદી રિવાજની યાદ કરાવે છે? (ખ) યશાયાહના શબ્દો કઈ ચેતવણી આપે છે?
૧૫ શું આ વિશ્વાસુ શેષભાગને ત્યાં રહેવા દેવામાં આવશે? યશાયાહ વચન આપે છે કે, તેઓ ‘યરૂશાલેમમાંના જીવતાઓમાં નોંધાએલા’ હશે. એ આપણને એવા યહુદી રિવાજની યાદ કરાવે છે, જેમાં ઈસ્રાએલનાં કુટુંબો અને કુળોની બરાબર નોંધ રાખવામાં આવતી હતી. (નહેમ્યાહ ૭:૫) એ નોંધમાં નામ લખાયેલું હોવાનો અર્થ થતો હતો કે એ વ્યક્તિ જીવે છે. સામાન્ય રીતે, કોઈ મરણ પામે ત્યારે, તેનું નામ એ નોંધમાંથી કાઢી નાખવામાં આવતું. બાઇબલના બીજા ભાગોમાં આપણે એવા જ ‘પુસ્તક’ વિષે વાંચીએ છીએ. એ પુસ્તકમાં યહોવાહે જેઓને જીવનની ભેટ આપી છે, તેઓના જ નામ લખાયાં છે. એ પુસ્તકમાંનાં નામો શરતી છે, કેમ કે યહોવાહ એ નામો ‘ભૂંસી નાખી’ શકે. (નિર્ગમન ૩૨:૩૨, ૩૩; ગીતશાસ્ત્ર ૬૯:૨૮) આમ, યશાયાહના શબ્દો આ ચેતવણી આપતા હતા: પાછા ફરનારા યહોવાહની નજરમાં પવિત્ર રહે તો, તેઓ ફરીથી આશીર્વાદ પામેલા દેશમાં રહી શકે.
૧૬. (ક) વર્ષ ૫૩૭ બી.સી.ઈ.માં યહુદાહ પાછા ફરનારે શું કરવાની જરૂર હતી? (ખ) શા માટે એમ કહી શકાય કે અભિષિક્ત શેષભાગ અને “બીજાં ઘેટાં” પર યહોવાહે બતાવેલી દયાના સુંદર ફળ આવ્યા છે?
૧૬ વર્ષ ૫૩૭ બી.સી.ઈ.માં, યરૂશાલેમ પાછા ફરેલા શેષભાગનો એક જ ધ્યેય હતો: સાચી ભક્તિની ફરીથી સ્થાપના કરવી. યશાયાહે સ્પષ્ટ ચેતવણી આપેલાં ભૂંડા કર્મો અને મૂર્તિપૂજક રીતરિવાજો પાળનારા લોકોને પાછા ફરવાનો કોઈ જ હક્ક ન હતો. (યશાયાહ ૧:૧૫-૧૭) યહોવાહની નજરમાં પવિત્ર ગણાતા લોકો જ યહુદાહ પાછા ફરી શકે. (યશાયાહ ૩૫:૮) અભિષિક્ત શેષભાગને ૧૯૧૯માં જૂઠા ધર્મોના બંધનમાંથી છોડાવવામાં આવ્યા. ત્યારથી, તેઓ યહોવાહની નજરમાં પવિત્ર બનવા સખત પ્રયત્ન કરે છે. તેઓની સાથે પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા રાખતા લાખો “બીજાં ઘેટાં” જોડાયા છે. તેઓ પણ પવિત્ર બનવામાં અભિષિક્ત જનોનું અનુકરણ કરે છે. (યોહાન ૧૦:૧૬) તેઓએ બાબેલોની શિક્ષણો અને રીતરિવાજો છોડી દીધાં છે. દરેક જણ નૈતિક રીતે યહોવાહનાં ઊંચાં ધોરણોને વળગી રહેવા સખત પ્રયત્ન કરે છે. (૧ પીતર ૧:૧૪-૧૬) ખરેખર, યહોવાહે બતાવેલી દયાના સુંદર ફળ આવ્યા છે.
૧૭. યહોવાહ “જીવનના પુસ્તકમાં” કોના નામ લખે છે અને આપણે કયો નિર્ણય કરવો જોઈએ?
૧૭ યહોવાહે ઈસ્રાએલમાંનાં પવિત્ર જનોને યાદ રાખ્યાં. તેમણે તેઓનાં નામ ‘જીવતાઓમાં નોંધ્યાં.’ આજે પણ યહોવાહ જુએ છે કે આપણે તન અને મનથી શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમ જ ‘આપણાં શરીરોનું જીવતું, પવિત્ર તથા યહોવાહને પસંદ પડે એવું અર્પણ કરીએ છીએ.’ (રૂમી ૧૨:૧) એ રીતે જીવન જીવનારાની નોંધ યહોવાહ “જીવનના પુસ્તકમાં” કરે છે. એ સાંકેતિક નોંધમાં હંમેશ માટેનું જીવન જીવવાની આશાવાળા લોકોનાં નામ છે, ભલે પછી એ સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર હોય. (ફિલિપી ૪:૩; માલાખી ૩:૧૬) તેથી, ચાલો આપણે યહોવાહની નજરમાં પવિત્ર રહેવા બનતું બધુ જ કરીએ. જેથી, આપણાં નામ એ “જીવનના પુસ્તકમાં” રહે.—પ્રકટીકરણ ૩:૫.
પ્રેમાળ સંભાળનું વચન
૧૮, ૧૯. યશાયાહ ૪:૪, ૫ પ્રમાણે, યહોવાહ કોને શુદ્ધ કરશે અને એ શાનાથી કરશે?
૧૮ યશાયાહ હવે બતાવે છે કે, ફરીથી સ્થાપિત થયેલા દેશના લોકો કઈ રીતે પવિત્ર થશે, અને તેઓ માટે કયા આશીર્વાદો રહેલા છે. તે કહે છે: “જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે, અને યરૂશાલેમનું રક્ત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી શુદ્ધ કરી નાખશે ત્યારે એમ થશે. યહોવાહ સિયોન પર્વતના દરેક રહેઠાણ પર, ને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો, અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમકે સર્વ ગૌરવ ઉપર આચ્છાદન થશે.”—યશાયાહ ૪:૪, ૫.
૧૯ અગાઉ, યશાયાહે ‘સિયોનની દીકરીઓને’ ઠપકો આપ્યો હતો, જેઓ નૈતિક ભ્રષ્ટતાને ભપકાદાર પહેરવેશથી ઢાંકતી હતી. યશાયાહે લોકોનો રક્તદોષ પણ ઉઘાડો પાડ્યો અને તેઓને શુદ્ધ થવા અરજ કરી. (યશાયાહ ૧:૧૫, ૧૬; ૩:૧૬-૨૩) જો કે અહીં યશાયાહ એ સમયની બહુ જ રાહ જુએ છે, જ્યારે યહોવાહ પોતે નૈતિક ભ્રષ્ટતા અથવા “મલિનતા ધોઈ નાખશે” અને ‘રેડાયેલું લોહી સાફ કરી નાખશે.’ (યશાયાહ ૪:૪, સંપૂર્ણ બાઇબલ) તેઓને કઈ રીતે શુદ્ધ કરવામાં આવશે? ‘ન્યાયના શુદ્ધ કરનાર અગ્નિ દ્વારા.’ યરૂશાલેમનો વિનાશ અને બાબેલોનની ગુલામી, એ બંને રીતે અશુદ્ધ દેશ પર યહોવાહનું ન્યાયકરણ તથા કોપનું તોફાન હશે. એમાંથી બચીને, પોતાના વતન પાછો ફરનારો શેષભાગ પશ્ચાત્તાપી અને શુદ્ધ થયેલો હશે. એ જ કારણે તેઓ યહોવાહને માટે પવિત્ર બનશે અને તેમની દયા પામશે.—માલાખી ૩:૨, ૩ સરખાવો.
૨૦. (ક) “મેઘ,” “ધુમાડો” અને ‘બળતો અગ્નિ,’ આ શબ્દો શાની યાદ અપાવે છે? (ખ) શુદ્ધ થયેલા બંદીવાનોએ શા માટે ગભરાવાની જરૂર નથી?
૨૦ યશાયાહ દ્વારા યહોવાહ વચન આપે છે કે તે આ શુદ્ધ શેષભાગની પ્રેમાળ સંભાળ જરૂર રાખશે. “મેઘ,” “ધુમાડો” અને ‘બળતો અગ્નિ,’ આ શબ્દો યાદ કરાવે છે કે, ઈસ્રાએલી લોકોએ ઇજિપ્ત છોડ્યું ત્યારે, યહોવાહે તેઓની કેવી પ્રેમાળ દેખરેખ રાખી હતી. મિસરના લોકોએ તેઓનો પીછો કર્યો ત્યારે, ‘મેઘ અને અગ્નિસ્તંભે’ તેઓનું રક્ષણ કર્યું. તેમ જ, અરણ્યમાં પણ એણે તેઓને માર્ગ બતાવ્યો. (નિર્ગમન ૧૩:૨૧, ૨૨; ૧૪:૧૯, ૨૦, ૨૪) સિનાય પર્વત પર યહોવાહ પ્રગટ થયા ત્યારે, આખા પર્વત પર “ધુમાડો થયો.” (નિર્ગમન ૧૯:૧૮) તેથી, શુદ્ધ થયેલા ગુલામોએ ગભરાવાની કોઈ જરૂર નહિ હોય. યહોવાહ તેઓના રક્ષક હશે. ભલે તેઓ પોતાનાં ઘરોમાં કે પવિત્ર સભાઓમાં ભેગા મળે, તે તેઓની સાથે જ હશે.
૨૧, ૨૨. (ક) મંડપ અથવા ડેલો શા માટે બાંધવામાં આવતા હતા? (ખ) શુદ્ધ થયેલા શેષભાગ સામે કયું ભાવિ રહેલું હતું?
૨૧ યશાયાહ રોજિંદા જીવન તરફ ધ્યાન દોરીને, યહોવાહના રક્ષણનું વર્ણન પૂરું કરે છે: “દિવસે તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે એક મંડપ થશે.” (યશાયાહ ૪:૬) વાડીમાં મંડપ અથવા ખેતરોમાં ડેલો, ખાસ કરીને એટલા માટે બાંધવામાં આવતો કે, સખત તાપ અને ઠંડી, તોફાન તથા વરસાદથી રક્ષણ મળે.—યૂના ૪:૫ સરખાવો.
૨૨ સતાવણીનો સખત તાપ અથવા વિરોધ આવે ત્યારે, આ શુદ્ધ થયેલો શેષભાગ જરૂર યહોવાહ પાસેથી રક્ષણ, સલામતી અને આશ્રય મેળવશે. (ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨; ૧૨૧:૫) આમ, તેઓ સામે સુંદર ભાવિ રહેલું હતું: તેઓ બાબેલોનની અશુદ્ધ માન્યતાઓ અને આચરણો છોડી દે, યહોવાહથી શુદ્ધ થાય અને પવિત્ર રહેવા સખત પ્રયત્ન કરે તો, જાણે કે યહોવાહના રક્ષણના ‘મંડપમાં’ હોય એમ, તેઓ સલામત રહેશે.
૨૩. યહોવાહે અભિષિક્ત શેષભાગ અને તેમના મિત્રોને શા માટે આશીર્વાદ આપ્યો છે?
૨૩ નોંધ કરો કે આશીર્વાદ મેળવવા શુદ્ધતા જરૂરી હતી. આપણા સમયમાં એમ જ બન્યું છે. અભિષિક્ત શેષભાગ, ૧૯૧૯માં નમ્રપણે શુદ્ધ થવા તૈયાર થયો અને યહોવાહે તેઓની અશુદ્ધતા ‘ધોઈ નાખી.’ એના અમુક સમય પછીથી, બીજાં ઘેટાંનો મોટો સમુદાય પણ યહોવાહથી શુદ્ધ થવા તૈયાર થયો છે. (પ્રકટીકરણ ૭:૯) આમ, શુદ્ધ થઈને શેષભાગ અને તેઓના મિત્રો આશીર્વાદ પામ્યા છે. યહોવાહ તેઓની પ્રેમાળ સંભાળ રાખે છે. તે કંઈ ચમત્કાર કરીને સતાવણી અને વિરોધ અટકાવતા નથી. પરંતુ તે તેઓનું રક્ષણ કરે છે, જાણે કે ‘તોફાન તથા વરસાદથી રક્ષણ આપતો મંડપ’ તેઓ પર બાંધે છે. તે એમ કઈ રીતે કરે છે?
૨૪. સંગઠન તરીકે પોતાના લોકોને યહોવાહ આશીર્વાદ આપે છે, એ કઈ રીતે દેખીતું છે?
૨૪ જરા વિચાર કરો: આપણા સમયમાં, અમુક શક્તિશાળી સરકારોએ યહોવાહના સાક્ષીઓના પ્રચારકાર્ય પર પ્રતિબંધ મૂક્યો, અથવા તેઓનો સદંતર અંત લાવી દેવાનો પ્રયાસ કર્યો છે. તોપણ, સાક્ષીઓ અડગ રહ્યા છે અને જરાય નમતું જોખ્યા વિના પ્રચારકાર્ય ચાલુ જ રાખે છે! શા માટે શક્તિશાળી રાષ્ટ્રો આ નાનકડા અને અરક્ષિત લાગતા વૃંદનું કાર્ય અટકાવી શક્યા નથી? એનું કારણ એ જ છે કે, યહોવાહે પોતાના શુદ્ધ ભક્તોને રક્ષણના ‘મંડપમાં’ મૂક્યા છે, જેને કોઈ માનવ આંગળી પણ લગાડી શકે એમ નથી!
૨૫. યહોવાહ આપણું રક્ષણ કરે છે, એનો આપણા દરેક માટે શું અર્થ થાય?
૨૫ આપણા પોતાના વિષે શું? યહોવાહ આપણું રક્ષણ કરે, એનો અર્થ એ નથી કે આપણને આ જગતમાં કોઈ જ સમસ્યા નહિ હોય. ઘણા વિશ્વાસુ ખ્રિસ્તીઓને ગરીબી, કુદરતી આફતો, યુદ્ધ, બીમારી અને મરણ જેવાં દુઃખો સહેવા પડે છે. એવા દુઃખો સહેતી વખતે, કદી પણ ભૂલીએ નહિ કે આપણા પરમેશ્વર યહોવાહ આપણી સાથે જ છે. તે આપણને આત્મિક રીતે રક્ષે છે અને કસોટીઓ સહન કરવા જરૂરી “મહાશક્તિ” પૂરી પાડે છે. (૨ કોરીંથી ૪:૭, જીવનમાર્ગ) તેમના રક્ષણ હેઠળ હોવાથી, આપણે ગભરાવાની જરૂર નથી. આપણે તેમની નજરમાં પવિત્ર રહેવા બનતું બધુ જ કરીએ ત્યાં સુધી, એવું કંઈ જ નથી જે ‘આપણને દેવની પ્રીતિથી જુદા પાડી શકે.’—રૂમી ૮:૩૮, ૩૯.
[ફુટનોટ્સ]
a અમુક તજજ્ઞોનું કહેવું છે કે ‘યહોવાહનો અંકુર’ શબ્દો મસીહને લાગુ પડે છે, જે યરૂશાલેમની ફરીથી સ્થાપના થઈ ગયા પછી, ભાવિમાં આવવાના હતા. અરામી લખાણોમાં, આ શબ્દોનો ઉલ્લેખ થાય છે: “યહોવાહના મસીહ [ખ્રિસ્ત].” એ જ હેબ્રી સંજ્ઞા (ત્સેમાક) પછીથી યિર્મેયાહે પણ વાપરી હતી, જ્યારે તે મસીહને દાઊદના વંશના “ન્યાયી અંકુર” તરીકે ઓળખાવે છે.—યિર્મેયાહ ૨૩:૫; ૩૩:૧૫.
b બંદીવાસમાં જન્મ્યા હતા, તેઓમાંના અમુકનો ‘બચી ગયેલા’ લોકોમાં સમાવેશ થાય છે. તેઓને “બચેલાં” ગણવામાં આવ્યા, કેમ કે તેઓના બાપદાદા વિનાશમાંથી બચ્યા ન હોત તો, તેઓ પણ જન્મ્યા ન હોત.—એઝરા ૯:૧૩-૧૫; સરખાવો હેબ્રી ૭: ૯, ૧૦.
[પાન ૬૩ પર ચિત્ર]
યહુદાહ પર યહોવાહના ન્યાયકરણનું તોફાન આવી રહ્યું છે