પ્રકરણ ૪
“અભણ અને સામાન્ય માણસો”
પ્રેરિતો હિંમત બતાવે છે અને યહોવા તેઓને આશીર્વાદ આપે છે
પ્રેરિતોનાં કાર્યો ૩:૧–૫:૧૧ના આધારે
૧, ૨. પિતર અને યોહાને મંદિરના દરવાજા પાસે કયો ચમત્કાર કર્યો?
બપોરનો સમય છે, સૂર્ય આકાશમાં ચમકી રહ્યો છે. મંદિરમાં “પ્રાર્થનાનો સમય” થવાનો છે.a એટલે યહૂદીઓ અને ઈસુના શિષ્યો મંદિરમાં જઈ રહ્યા છે. (પ્રે.કા. ૨:૪૬; ૩:૧) ત્યાં લોકોની ઘણી ભીડ જોવા મળે છે. એ ભીડમાં પિતર અને યોહાન પણ છે. તેઓ મંદિરના સુંદર નામના દરવાજા તરફ જાય છે. એટલા ઘોંઘાટમાં ૪૦-૪૫ વર્ષનો એક માણસ ભીખ માંગે છે. તે જન્મથી લંગડો છે.—પ્રે.કા. ૩:૨; ૪:૨૨.
૨ પિતર અને યોહાન મંદિરના દરવાજાની નજીક પહોંચે છે ત્યારે એ માણસ તેઓ પાસે ભીખ માંગે છે. તેઓ ઊભા રહે છે, એટલે તેને લાગે છે કે તેને કંઈક મળશે. પણ પિતર તેને કહે છે: “મારી પાસે સોનું કે ચાંદી નથી, પણ મારી પાસે જે છે એ હું તને આપું છું. નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામે હું તને કહું છું, ઊભો થા અને ચાલ!” પિતર તેનો હાથ પકડે છે અને ધીરેથી તેને ઊભો કરે છે. એ માણસ પોતાના જીવનમાં પહેલી વાર ઊભો થયો છે. કલ્પના કરો કે એ જોઈને ત્યાં ઊભેલા લોકો કેવા દંગ રહી ગયા હશે. (પ્રે.કા. ૩:૬, ૭) પેલા માણસને માનવામાં નહિ આવતું હોય કે તે સાજો થઈ ગયો છે. તે બાળકની જેમ પોતાનું પહેલું ડગલું ભરે છે. પછી તે નાચવાં-કૂદવાં લાગે છે અને જોરશોરથી ઈશ્વરની સ્તુતિ કરવા લાગે છે.
૩. પિતર ટોળાને અને સાજા થયેલા માણસને કઈ ભેટ આપે છે?
૩ ટોળામાં ખળભળાટ મચી જાય છે. લોકો પિતર અને યોહાનને જોવા દોડતાં દોડતાં સુલેમાનની પરસાળમાં આવે છે. આ એ જ જગ્યા છે, જ્યાં ઈસુએ એક વખત શીખવ્યું હતું. (યોહા. ૧૦:૨૩) પછી પિતર ટોળાને સમજાવે છે કે એ ચમત્કાર કઈ રીતે થયો.તે સાજા થયેલા માણસને અને ટોળાને એવી ભેટ આપે છે, જેની સામે સોના-ચાંદીની કોઈ વિસાત નથી. હમણાં કરેલા ચમત્કાર કરતાં એ ભેટ વધારે ચઢિયાતી છે. એ ભેટ કઈ છે? એ છે પસ્તાવો કરવાની તક, યહોવા પાસે પોતાનાં પાપોની માફી મેળવવાની તક અને યહોવાએ ‘જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાન’ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાની તક.—પ્રે.કા. ૩:૧૫.
૪. (ક) એ યાદગાર દિવસ પછી અધિકારીઓએ કેવો પ્રયત્ન કર્યો? (ખ) આપણે કયા બે સવાલોના જવાબ મેળવીશું?
૪ એ ખરેખર એક યાદગાર દિવસ હતો. એક માણસ સાજો થયો અને હરવા-ફરવા લાગ્યો. હજારો લોકોને તક મળી કે તેઓ ઈશ્વરની ઇચ્છા જાણી શકે અને એ પ્રમાણે તેમની ભક્તિ કરી શકે. (કોલો. ૧:૯, ૧૦) પણ એ દિવસે જે કંઈ બન્યું એનાથી શિષ્યોએ અધિકારીઓનો સામનો કરવો પડ્યો. તેઓને એ વફાદાર શિષ્યો આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. તેઓએ શિષ્યોને અટકાવવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ ઈસુની આજ્ઞા ન માને અને પ્રચાર કરવાનું બંધ કરી દે. (પ્રે.કા. ૧:૮) અધિકારીઓ પિતર અને યોહાનને “અભણ અને સામાન્ય માણસો” ગણતા હતા.b તોપણ તેઓએ ટોળાને જે રીતે સંદેશો જણાવ્યો એમાંથી આપણે શું શીખી શકીએ? (પ્રે.કા. ૪:૧૩) પ્રેરિતો અને બીજા શિષ્યોની જેમ આપણે કઈ રીતે વિરોધનો સામનો કરી શકીએ?
“પોતાની શક્તિથી” નહિ (પ્રે.કા. ૩:૧૧-૨૬)
૫. પિતરે ટોળા સાથે જે રીતે વાત કરી એમાંથી શું શીખી શકીએ?
૫ પિતર અને યોહાને ટોળા સાથે વાત કરી ત્યારે, તેઓને ખબર હતી કે ટોળામાંથી અમુક લોકોએ ઈસુને મારી નાખવાની માંગણી કરી હતી. (માર્ક ૧૫:૮-૧૫; પ્રે.કા. ૩:૧૩-૧૫) પણ પિતરે હિંમતથી ટોળાને કહ્યું કે તેમણે ઈસુના નામે એ ભિખારીને સાજો કર્યો હતો. પિતરે ગોળગોળ વાત કરવાને બદલે તેઓને સાફ સાફ કહ્યું કે ઈસુને મારી નાખવામાં તેઓનો પણ હાથ હતો. જોકે પિતર તેઓને ધિક્કારતા ન હતા. તે જાણતા હતા કે તેઓએ એ “અજાણતાં કર્યું હતું.” (પ્રે.કા. ૩:૧૭) તેમણે તેઓને ભાઈઓ કહીને બોલાવ્યા અને ઈશ્વરના રાજ્યથી મળનાર આશીર્વાદો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે જો તેઓ પસ્તાવો કરશે અને ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકશે, તો યહોવા તેઓને “તાજગીના સમયો” આપશે. (પ્રે.કા. ૩:૧૯) આપણે પણ પિતરની જેમ ડર્યા વગર અને સીધેસીધું લોકોને જણાવવું જોઈએ કે ઈશ્વરના ન્યાયનો દિવસ બહુ નજીક છે. આપણે તેઓ વિશે ખોટો મત બાંધી ન લેવો જોઈએ. પણ હંમેશાં વિચારવું જોઈએ કે આગળ જતાં તેઓ આપણા ભાઈ કે બહેન બની શકે છે. તેમ જ પિતરની જેમ તેઓને ઈશ્વરના રાજ્યથી મળનાર આશીર્વાદો વિશે જણાવવું જોઈએ.
૬. પિતર અને યોહાને કઈ રીતે નમ્રતા બતાવી?
૬ પ્રેરિતો નમ્ર હતા. તેઓએ એ માણસને પોતાની શક્તિથી સાજો કર્યો છે એવો ઢંઢેરો ન પિટ્યો. પિતરે ટોળાને કહ્યું: “તમે અમને આ રીતે કેમ જુઓ છો? શું તમને એવું લાગે છે કે અમે પોતાની શક્તિથી કે ઈશ્વરની ભક્તિથી તેને ચાલતો કર્યો છે?” (પ્રે.કા. ૩:૧૨) પિતર અને બીજા પ્રેરિતો જાણતા હતા કે તેઓએ મોટાં મોટાં કામો પોતાની શક્તિથી નહિ, પણ ઈશ્વરની શક્તિથી કર્યાં છે. એટલે લોકોની વાહ વાહ મેળવવાને બદલે તેઓએ બધો જશ યહોવા અને ઈસુને આપ્યો.
૭, ૮. (ક) આપણે બીજાઓને કઈ ભેટ આપી શકીએ છીએ? (ખ) ‘બધી બાબતોને સુધારવામાં’ આવશે એ ભવિષ્યવાણી આજે કઈ રીતે પૂરી થઈ રહી છે?
૭ આપણે પ્રચાર કરતી વખતે પ્રેરિતોની જેમ નમ્રતા બતાવવી જોઈએ. ખરું કે યહોવાએ આપણને બીમાર લોકોને સાજા કરવાની શક્તિ નથી આપી. પણ આપણે તેઓને યહોવા અને ઈસુ ખ્રિસ્ત પર શ્રદ્ધા મૂકવા મદદ કરી શકીએ છીએ. પિતરે જે ભેટ આપી હતી, આપણે પણ એ ભેટ લોકોને આપી શકીએ છીએ. એ ભેટ છે પાપોની માફી અને યહોવા પાસેથી તાજગી મેળવવાની તક. દર વર્ષે લાખો લોકો એ ભેટનો સ્વીકાર કરે છે અને બાપ્તિસ્મા લઈને ઈસુના શિષ્ય બને છે.
૮ પિતરે ‘બધી બાબતોને સુધારવાના’ સમય વિશે કહ્યું હતું. આજે આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ. “ઈશ્વરે જૂના જમાનાના પોતાના પવિત્ર પ્રબોધકો દ્વારા” જે ભવિષ્યવાણીઓ કરી હતી, એ પ્રમાણે ૧૯૧૪માં ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું. ત્યારથી બધી બાબતોને સુધારવાનો સમય શરૂ થયો. (પ્રે.કા. ૩:૨૧; ગીત. ૧૧૦:૧-૩; દાનિ. ૪:૧૬, ૧૭) થોડા સમય પછી ખ્રિસ્તે પૃથ્વી પર યહોવાની ભક્તિ ફરી શરૂ કરવામાં આગેવાની લીધી. એ કારણે લાખો લોકો ઈશ્વરના રાજ્યની પ્રજા બની શક્યા અને હમણાં તેઓ શાંતિ અને એકતામાં યહોવાની ભક્તિ કરે છે. તેઓએ પોતાનો જૂનો સ્વભાવ કાઢી નાખ્યો છે અને ‘નવો સ્વભાવ પહેરી લીધો છે, જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે રચવામાં આવ્યો છે.’ (એફે. ૪:૨૨-૨૪) એ કંઈ ચમત્કારથી ઓછું નથી. જેમ એ લંગડો માણસ પવિત્ર શક્તિથી સાજો થયો હતો, તેમ આજે લોકો જીવનમાં પવિત્ર શક્તિની મદદથી જ ફેરફાર કરી શક્યા છે. આપણે શું શીખ્યા? પિતરની જેમ આપણે હિંમતથી અને કુશળતાથી ઈશ્વરનાં વચનો શીખવવાં જોઈએ. આપણને શિષ્યો બનાવવાના કામમાં જે સફળતા મળે છે, એ પોતાની શક્તિથી નહિ પણ ઈશ્વરની શક્તિથી જ શક્ય છે.
“અમે ચુપ રહી શકતા નથી” (પ્રે.કા. ૪:૧-૨૨)
૯-૧૧. (ક) પિતર અને યોહાનનો સંદેશો સાંભળીને યહૂદી આગેવાનોએ શું કર્યું? (ખ) પ્રેરિતોએ કયો નિર્ણય લીધો હતો?
૯ મંદિરમાં ઘણું બધું થઈ રહ્યું હતું. એક લંગડો માણસ સાજો થયો હતો, તે ખુશીથી નાચતો-કૂદતો હતો અને પિતરે લોકોને પ્રવચન આપ્યું હતું. એ બધાને લીધે લોકોનો શોરબકોર વધી ગયો હતો. એટલે મંદિરના રક્ષકોનો અધિકારી અને યાજકો એ જોવા બહાર આવ્યા કે શું ચાલી રહ્યું છે. એ માણસો કદાચ સાદુકી પંથના હતા. સાદુકી પંથના લોકો ખૂબ ધનવાન હતા અને રાજકીય બાબતોમાં તેઓનો દબદબો હતો. તેઓ રોમન સરકાર સાથે શાંતિ જાળવી રાખવાની કોશિશ કરતા હતા. ફરોશીઓ મૌખિક નિયમો માનતા હતા, પણ સાદુકીઓ એ નિયમો જરાય માનતા ન હતા. અરે તેઓ એ શિક્ષણ પણ માનતા ન હતા કે મરેલો માણસ જીવતો થઈ શકે છે.c હવે તેઓએ જોયું કે પિતર અને યોહાન હિંમતથી લોકોને શીખવતા હતા કે ઈસુ મરણમાંથી જીવતા થયા છે. એ સાંભળીને તેઓનું લોહી ઊકળી ઊઠ્યું.
૧૦ એ માણસોએ પિતર અને યોહાનને જેલમાં નાખી દીધા. બીજા દિવસે તેઓ એ બંનેને ઘસડીને યહૂદી ઉચ્ચ અદાલતમાં લાવ્યા. અદાલતના મોટા મોટા અધિકારીઓની નજરે પિતર અને યોહાન “અભણ અને સામાન્ય માણસો” હતા અને તેઓને મંદિરમાં શીખવવાનો કોઈ અધિકાર ન હતો. તેઓ કોઈ જાણીતી ધાર્મિક શાળામાં ભણ્યા પણ ન હતા. જોકે તેઓએ હિંમતથી અને પૂરી ખાતરીથી બોલવાનું શરૂ કર્યું ત્યારે, આખી અદાલત દંગ રહી ગઈ. તેઓ આટલી ખાતરીથી કેમ બોલી શક્યા? એનું એક કારણ એ હતું કે તેઓએ “ઈસુ સાથે” સમય વિતાવ્યો હતો. (પ્રે.કા. ૪:૧૩) તેઓના ગુરુ ઈસુએ શાસ્ત્રીઓની જેમ નહિ, પણ પૂરા અધિકારથી શીખવ્યું હતું.—માથ. ૭:૨૮, ૨૯.
૧૧ અદાલતે પ્રેરિતોને હુકમ કર્યો કે તેઓ પ્રચાર કરવાનું બંધ કરે. યહૂદીઓ અદાલતના નિર્ણયને પથ્થરની લકીર માનતા હતા. થોડાં અઠવાડિયાં પહેલાં આ જ અદાલતમાં ઈસુને લાવવામાં આવ્યા હતા. તેમના વિશે એના સભ્યોએ એક અવાજે કહ્યું હતું: “તે મોતને લાયક છે.” (માથ. ૨૬:૫૯-૬૬) તોપણ પિતર અને યોહાન એ ધનવાન, ભણેલા-ગણેલા અને મોટા મોટા અધિકારીઓથી ગભરાયા નહિ. તેઓએ પૂરી હિંમતથી અને માન આપીને કહ્યું: “તમે જ નક્કી કરો, શું ઈશ્વરની નજરમાં એ ખરું કહેવાશે કે અમે ઈશ્વરને બદલે તમારી વાત સાંભળીએ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૧૯, ૨૦.
૧૨. પૂરી હિંમત અને ખાતરીથી સંદેશો જણાવવા આપણે શું કરી શકીએ?
૧૨ શું તમે પ્રેરિતો જેવી હિંમત બતાવો છો? અમીર કે ભણેલી-ગણેલી વ્યક્તિને અથવા મોટા મોટા અધિકારીઓને સંદેશો જણાવવાનું થાય ત્યારે તમને કેવું લાગે છે? તમારી માન્યતાને લીધે તમારા કુટુંબના સભ્યો, તમારી સાથે ભણતા કે કામ કરતા લોકો મજાક ઉડાવે ત્યારે તમને કેવું લાગે છે? શું તમે ડરી જાઓ છો અને તેઓ સાથે વાત કરતા અચકાઓ છો? ચિંતા ન કરશો, એવી લાગણી પર તમે કાબૂ મેળવી શકો છો. યાદ કરો કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પ્રેરિતોને શું શીખવ્યું હતું. તેમણે પ્રેરિતોને પૂરી ખાતરી અને આદરથી પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવવાનું શીખવ્યું હતું. (માથ. ૧૦:૧૧-૧૮) ઈસુ જીવતા થયા પછી તેમણે શિષ્યોને વચન આપ્યું હતું કે તે ‘દુનિયાના અંત સુધી હંમેશાં’ તેઓ સાથે રહેશે. (માથ. ૨૮:૨૦) આજે “વિશ્વાસુ અને સમજુ ચાકર” ઈસુ પાસેથી માર્ગદર્શન મેળવે છે. પછી એ ચાકર આપણને શીખવે છે કે કઈ રીતે પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવી શકીએ. (માથ. ૨૪:૪૫-૪૭; ૧ પિત. ૩:૧૫) એ ચાકર આપણને સભાઓ અને સાહિત્ય દ્વારા માર્ગદર્શન આપે છે. જેમ કે, આપણું જીવન અને સેવાકાર્ય સભા દ્વારા અને jw.org પર “સવાલોના શાસ્ત્રમાંથી જવાબ” વિભાગમાં આપેલા લેખો દ્વારા. શું તમે નિયમિત સભાઓમાં જાઓ છો અને આપણાં સાહિત્યનો ઉપયોગ કરો છો? જો એમ કરશો તો તમે પૂરી હિંમત અને ખાતરીથી સંદેશો જણાવી શકશો. પ્રેરિતોની જેમ તમે પણ પાકો નિર્ણય લઈ શકશો કે તમે જે બાઇબલનું સત્ય શીખ્યા છો, એ બીજાઓને જણાવવાનું ક્યારેય નહિ છોડો.
‘તેઓએ મોટા અવાજે ઈશ્વરને પોકાર કર્યો’ (પ્રે.કા. ૪:૨૩-૩૧)
૧૩, ૧૪. લોકો વિરોધ કરે ત્યારે શું કરવું જોઈએ અને કેમ?
૧૩ અદાલતમાંથી છૂટ્યા પછી પિતર અને યોહાન તરત મંડળનાં ભાઈ-બહેનોને મળવા ગયા. પછી “તેઓએ સાથે મળીને મોટા અવાજે ઈશ્વરને પોકાર કર્યો” અને હિંમતથી પ્રચાર કરતા રહેવા મદદ માંગી. (પ્રે.કા. ૪:૨૪) પિતર સારી રીતે જાણતા હતા કે પોતાના પર વધારે પડતો ભરોસો રાખશે તો, ઈશ્વરની ઇચ્છા પૂરી નહિ કરી શકે. થોડાં અઠવાડિયાં પહેલાં પિતરે એવી જ ભૂલ કરી હતી. તેમણે છાતી ઠોકીને ઈસુને કહ્યું હતું કે “તમને જે થવાનું છે એનાથી ભલે બીજાઓની શ્રદ્ધા ડગી જાય, પણ મારી શ્રદ્ધા કદીયે નહિ ડગે!” પણ ઈસુએ કહ્યું હતું એવું જ થયું. પિતર પર માણસોનો ડર છવાઈ ગયો અને તેમણે પોતાના વહાલા મિત્ર અને શિક્ષકને ઓળખવાની ના પાડી. પણ પછી પિતર પોતાની ભૂલમાંથી શીખ્યા.—માથ. ૨૬:૩૩, ૩૪, ૬૯-૭૫.
૧૪ ઈસુએ આપણને પણ પ્રચાર કરવાની આજ્ઞા આપી છે. જોકે, એ આજ્ઞા પ્રમાણે કરતા રહેવા ફક્ત પાકો ઇરાદો હોવો જ પૂરતો નથી. જ્યારે વિરોધીઓ તમને યહોવાની ભક્તિ કરતા અટકાવે અથવા પ્રચાર બંધ કરવાનું કહે, ત્યારે પિતર અને યોહાનના દાખલાને અનુસરજો. હિંમત માટે યહોવાને પ્રાર્થના કરજો. મંડળનાં ભાઈ-બહેનોની મદદ લેજો. વડીલો અને અનુભવી ભાઈ-બહેનો સાથે તમારી મુશ્કેલી વિશે વાત કરજો. ભાઈ-બહેનો તમારા માટે પ્રાર્થના કરે છે, એનાથી પણ તમને ઘણી હિંમત મળી શકે છે.—એફે. ૬:૧૮; યાકૂ. ૫:૧૬.
૧૫. જો તમે અગાઉ થોડો સમય પ્રચાર કરવાનું બંધ કરી દીધું હોય, તો શું યાદ રાખી શકો?
૧૫ શું ક્યારેય એવું બન્યું છે કે વિરોધીઓથી ડરીને તમે થોડો સમય પ્રચાર કરવાનું બંધ કરી દીધું હતું? એવું થયું હોય તો નિરાશ ન થતા. યાદ રાખો કે ઈસુના મરણ પછી બધા પ્રેરિતોએ થોડા સમય માટે પ્રચાર બંધ કરી દીધો હતો. પણ પછી તેઓએ તરત જ ખુશખબર જણાવવાનું શરૂ કરી દીધું હતું. (માથ. ૨૬:૫૬; ૨૮:૧૦, ૧૬-૨૦) જો તમારા કિસ્સામાં એવું થયું હોય તો ચિંતામાં ડૂબી ન જતા. પણ એ અનુભવમાંથી તમે જે શીખ્યા એ વિશે બીજાં ભાઈ-બહેનોને જણાવીને તેઓની હિંમત બંધાવજો.
૧૬, ૧૭. શિષ્યોની પ્રાર્થનાથી શું શીખવા મળે છે?
૧૬ અધિકારીઓ આપણી સતાવણી કરે ત્યારે આપણે યહોવાને કેવી પ્રાર્થના કરવી જોઈએ? ધ્યાન આપો કે શિષ્યોએ કેવી પ્રાર્થના કરી હતી. તેઓએ એવી વિનંતિ ન કરી કે તેઓની સતાવણી ન થાય. તેઓને ઈસુના આ શબ્દો યાદ હતા: “જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે.” (યોહા. ૧૫:૨૦) એટલે શિષ્યોએ યહોવાને આજીજી કરી કે તે વિરોધીઓની ધમકી પર ‘ધ્યાન આપે.’ (પ્રે.કા. ૪:૨૯) શિષ્યો સાફ જોઈ શકતા હતા કે તેઓ પર જે સતાવણી આવે છે એનાથી તો ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. તેઓ સારી રીતે જાણતા હતા કે દુનિયાના અધિકારીઓ ભલે ગમે એટલા ધમપછાડા કરે, પણ જેમ ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ “પૃથ્વી પર” ઈશ્વરની ઇચ્છા પૂરી થઈને જ રહેશે.—માથ. ૬:૯, ૧૦.
૧૭ શિષ્યો યહોવાની ઇચ્છા પૂરી કરવા માંગતા હતા. એટલે તેઓએ પ્રાર્થના કરી, “તમારા સેવકોને તમારો સંદેશો પૂરી હિંમતથી બોલવા મદદ કરો.” યહોવાએ તરત તેઓની પ્રાર્થના સાંભળી. બાઇબલમાં લખ્યું છે: “તેઓ જ્યાં ભેગા મળ્યા હતા એ જગ્યા હાલી અને ત્યાં હાજર રહેલા બધા જ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિંમતથી બોલવા લાગ્યા.” (પ્રે.કા. ૪:૨૯-૩૧) દુનિયાની કોઈ પણ તાકાત ઈશ્વરને પોતાની ઇચ્છા પૂરી કરતા રોકી શકતી નથી. (યશા. ૫૫:૧૧) ભલે આપણી સામે પહાડ જેવી મુશ્કેલી હોય, શક્તિશાળી દુશ્મનો ઊભા હોય, પણ જો યહોવાને પોકાર કરીશું તો તે આપણને તેમનો સંદેશો હિંમતથી જણાવતા રહેવા તાકાત આપશે.
‘માણસોને નહિ ઈશ્વરને’ જવાબ આપવાનો છે (પ્રે.કા. ૪:૩૨–૫:૧૧)
૧૮. યરૂશાલેમના મંડળનાં ભાઈ-બહેનો એકબીજા માટે શું કરતા હતાં?
૧૮ થોડા જ સમયમાં યરૂશાલેમના નવા મંડળમાં ભાઈ-બહેનોની સંખ્યામાં વધારો થયો હતો. હવે એ મંડળમાં ૫,૦૦૦થી વધારે ભાઈ-બહેનો હતાં.d તેઓ બધાં અલગ અલગ જગ્યાથી હતાં, તોપણ ‘એકદિલનાં અને એકમનનાં’ હતાં. તેઓના વિચારોમાં પણ એકતા હતી. (પ્રે.કા. ૪:૩૨; ૧ કોરીં. ૧:૧૦) શિષ્યોએ યહોવાને પ્રાર્થના કરી કે તે તેઓની મહેનત પર આશીર્વાદ આપે. તેમ જ, તેઓએ એકબીજાની શ્રદ્ધા મજબૂત કરી અને ભાઈ-બહેનોને જરૂર હતી ત્યારે ખડે પગે ઊભા રહ્યા. (૧ યોહા. ૩:૧૬-૧૮) ચાલો યૂસફનો દાખલો જોઈએ. એ શિષ્યને પ્રેરિતોએ બાર્નાબાસ નામ આપ્યું હતું. તેમણે પોતાની જમીન વેચી દીધી અને બધા પૈસા ખુશી ખુશી પ્રેરિતોને આપી દીધા. એ પૈસા નવા શિષ્યોને મદદ કરવા વાપરવામાં આવ્યા હતા. કેમ કે તેઓ દૂર દૂરના દેશોથી આવ્યા હતા અને વધારે શીખવા થોડો સમય યરૂશાલેમમાં રોકાયા હતા.
૧૯. યહોવાએ અનાન્યા અને સફિરાને કેમ મારી નાખ્યાં?
૧૯ અનાન્યા અને સફિરા પતિ-પત્ની હતાં. તેઓએ પણ પોતાની માલ-મિલકત વેચીને દાન કર્યું હતું. તેઓએ “છૂપી રીતે અમુક પૈસા પોતાની પાસે રાખી લીધા” અને એવું બતાવ્યું કે જાણે બધા પૈસા આપી દીધા હતા. (પ્રે.કા. ૫:૨) યહોવાએ તરત એ બંનેને મારી નાખ્યાં. કેમ? તેઓએ ઓછું દાન આપ્યું હતું એટલે નહિ, પણ તેઓનો ઇરાદો ખોટો હતો અને તેઓ કપટથી વર્ત્યાં હતાં એટલે મારી નાખ્યાં. તેઓ ‘માણસો વિરુદ્ધ નહિ, ઈશ્વર વિરુદ્ધ જૂઠું બોલ્યાં’ હતાં. (પ્રે.કા. ૫:૪) તેઓ ઈશ્વરને ખુશ કરવા માંગતાં ન હતાં, પણ માણસો પાસેથી વાહ વાહ મેળવવા માંગતાં હતાં. ઈસુએ એવા ઢોંગી માણસોને ધિક્કાર્યા હતા.—માથ. ૬:૧-૩.
૨૦. આપણે યહોવાને કંઈક આપીએ ત્યારે શું યાદ રાખવું જોઈએ?
૨૦ પહેલી સદીના વફાદાર શિષ્યો ઉદાર હતા. આજે લાખો યહોવાના સાક્ષીઓ પણ દુનિયાભરમાં ચાલી રહેલા પ્રચારકામને ટેકો આપવા ખુલ્લા દિલે દાન આપે છે. જોકે કોઈને દબાણ કરવામાં નથી આવતું કે તે પ્રચારકામ માટે સમય અથવા પૈસા ખર્ચે. યહોવા નથી ચાહતા કે આપણે કચવાતા દિલે કે પરાણે તેમની ભક્તિ કરીએ. (૨ કોરીં. ૯:૭) આપણે પોતાનો સમય અથવા દાન આપીએ છીએ ત્યારે યહોવા એ નથી જોતા કે આપણે કેટલું આપ્યું, પણ તે એ જુએ છે કે આપણે કયા ઇરાદાથી આપ્યું. (માર્ક ૧૨:૪૧-૪૪) અનાન્યા અને સફિરા સ્વાર્થને લીધે અથવા લોકોની વાહ વાહ મેળવવા યહોવાની ભક્તિ કરતા હતાં. પણ પિતર, યોહાન અને બાર્નાબાસ એવા ન હતા. તેઓનો ઇરાદો સારો હતો. તેઓ યહોવાને અને લોકોને પ્રેમ કરતા હતા, એટલે યહોવાની ભક્તિ કરતા હતા. આપણે અનાન્યા અને સફિરા જેવા બનવા માંગતા નથી. પણ પિતર, યોહાન અને બાર્નાબાસના દાખલાને અનુસરવા માંગીએ છીએ.—માથ. ૨૨:૩૭-૪૦.
a મંદિરમાં સવારનું અને સાંજનું બલિદાન ચઢાવવામાં આવતું ત્યારે પ્રાર્થનાઓ પણ થતી હતી. સાંજનું બલિદાન “બપોરના ત્રણેક વાગે” ચઢાવવામાં આવતું. બાઇબલ સમયમાં એને નવમો કલાક કહેવામાં આવતો.
b “પિતર—એક સામાન્ય માછીમારમાંથી બન્યા ઉત્સાહી પ્રેરિત” અને “યોહાન—ઈસુના વહાલા શિષ્ય” બૉક્સ જુઓ.
c “પ્રમુખ યાજક અને મુખ્ય યાજકો” બૉક્સ જુઓ.
d સાલ ૩૩માં યરૂશાલેમમાં ફરોશીઓની સંખ્યા આશરે ૬,૦૦૦ હતી અને સાદુકીઓની સંખ્યા તો એનાથી પણ ઓછી હતી. કદાચ એ એક કારણને લીધે તેઓએ પ્રેરિતોને ધમકાવ્યા હતા કે ઈસુ વિશે પ્રચાર કરવાનું બંધ કરે.