પ્રેરિતોનાં કાર્યો
૩ હવે પિતર અને યોહાન બપોરના ત્રણેક વાગ્યે* મંદિરમાં જઈ રહ્યા હતા, જે પ્રાર્થનાનો સમય હતો. ૨ એ વખતે જન્મથી લંગડા એક માણસને લોકો ઊંચકીને લઈ જતા હતા. તેઓ રોજ તેને મંદિરના સુંદર નામના દરવાજા આગળ બેસાડતા, જેથી મંદિરમાં જતા લોકો પાસે તે ભીખ માંગી શકે. ૩ તેણે પિતર અને યોહાનને મંદિરમાં જતા જોયા ત્યારે, તે તેઓ પાસે ભીખ માંગવા લાગ્યો. ૪ પણ પિતર અને યોહાને તેની સામે એકીટસે જોયું. પછી પિતરે કહ્યું: “અમારી સામે જો.” ૫ કંઈક મળવાની આશા સાથે તેણે તેઓની સામે જોયું. ૬ પણ પિતરે કહ્યું: “મારી પાસે સોનું કે ચાંદી નથી, પણ મારી પાસે જે છે એ હું તને આપું છું. નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામે હું તને કહું છું, ઊભો થા અને ચાલ!”+ ૭ પછી પિતરે એ માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઊભો કર્યો.+ તરત જ, તેનાં પગ અને ઘૂંટીઓ મજબૂત થયાં.+ ૮ તે કૂદીને ઊભો થયો+ અને ચાલવા લાગ્યો. તે ચાલતા, કૂદતા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કરતાં તેઓની સાથે મંદિરમાં ગયો. ૯ બધા લોકોએ તેને ચાલતા અને ઈશ્વરની સ્તુતિ કરતા જોયો. ૧૦ તેઓને ખ્યાલ આવ્યો કે આ તો એ જ માણસ છે, જે મંદિરના સુંદર નામના દરવાજા આગળ ભીખ માંગવા બેસતો હતો.+ તેને હરતો-ફરતો જોઈને લોકો દંગ રહી ગયા અને તેઓ એ વાત માની જ ન શક્યા.
૧૧ એ માણસે હજી પિતર અને યોહાનનો હાથ પકડી રાખ્યો હતો, એવામાં બધા લોકો સુલેમાનની પરસાળ+ કહેવાતી જગ્યાએ દોડી આવ્યા. એ બધું જોઈને તેઓ દંગ રહી ગયા. ૧૨ પિતરે લોકોને કહ્યું: “ઇઝરાયેલના લોકો, આ જોઈને તમને કેમ નવાઈ લાગે છે? તમે અમને આ રીતે કેમ જુઓ છો? શું તમને એવું લાગે છે કે અમે પોતાની શક્તિથી કે ઈશ્વરની ભક્તિથી તેને ચાલતો કર્યો છે? ૧૩ ઇબ્રાહિમના ઈશ્વરે, ઇસહાકના ઈશ્વરે અને યાકૂબના ઈશ્વરે,+ આપણા બાપદાદાઓના ઈશ્વરે પોતાના સેવક+ ઈસુને મહિમાવંત કર્યા છે.+ એ ઈસુને તમે દુશ્મનોને સોંપી દીધા+ અને પિલાત આગળ તેમનો નકાર કર્યો. પિલાતે તેમને છોડી દેવાનું નક્કી કર્યું હતું, છતાં તમે તેમનો નકાર કર્યો. ૧૪ હા, તમે તે પવિત્ર અને નેક માણસનો નકાર કર્યો. એને બદલે, તમે એવા માણસને છોડવાની માંગણી કરી જે ખૂની હતો.+ ૧૫ તમે તો જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાનને મારી નાખ્યા.+ પણ ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા અને અમે એના સાક્ષી છીએ.+ ૧૬ ઈસુ* દ્વારા અને તેમના* પરની અમારી શ્રદ્ધા દ્વારા આ માણસને બળ આપવામાં આવ્યું છે, જેને તમે જુઓ છો અને જાણો છો. ઈસુ પર શ્રદ્ધા હોવાને લીધે આ માણસને તમારા બધા સામે પૂરેપૂરો સાજો કરવામાં આવ્યો છે. ૧૭ હવે ભાઈઓ, હું જાણું છું કે તમારા અધિકારીઓની જેમ+ તમે પણ એ બધું અજાણતાં કર્યું હતું.+ ૧૮ આમ, ઈશ્વરે બધા પ્રબોધકો દ્વારા જણાવેલી ભવિષ્યવાણી પૂરી કરી કે તેમના ખ્રિસ્તે સહેવું પડશે.+
૧૯ “એટલે તમે પસ્તાવો કરો+ અને પાછા ફરો,+ જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે.+ આમ યહોવા* પાસેથી તમારા માટે તાજગીના સમયો આવે ૨૦ અને તે તમારા માટે પસંદ કરેલા ખ્રિસ્તને, એટલે કે ઈસુને મોકલે. ૨૧ જ્યાં સુધી બધી બાબતોને સુધારવાનો સમય ન આવે, ત્યાં સુધી ઈસુએ સ્વર્ગમાં રાહ જોવાની છે.* એ બધા વિશે ઈશ્વરે જૂના જમાનાના પોતાના પવિત્ર પ્રબોધકો દ્વારા જણાવ્યું હતું. ૨૨ હકીકતમાં, મૂસાએ કહ્યું હતું: ‘તમારા ઈશ્વર યહોવા* તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે.+ તે તમને જે કંઈ કહે એ તમે સાંભળો.+ ૨૩ જો કોઈ તેનું ન સાંભળે, તો ઈશ્વરના લોકો વચ્ચેથી તેનો પૂરેપૂરો નાશ કરવામાં આવશે.’+ ૨૪ શમુએલ અને એ પછીના બધા જ પ્રબોધકોએ આ દિવસો વિશે સ્પષ્ટ જણાવ્યું છે.+ ૨૫ તમે પ્રબોધકોના દીકરાઓ છો અને તમારા બાપદાદાઓ સાથે ઈશ્વરે જે કરાર* કર્યો+ એના વારસ છો. ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું હતું: ‘તારા વંશજથી પૃથ્વીનાં બધાં કુટુંબો આશીર્વાદ મેળવશે.’+ ૨૬ ઈશ્વરે પોતાના સેવકને પસંદ કર્યા પછી, સૌથી પહેલા તમારી પાસે મોકલ્યા,+ જેથી તમને દરેકને ખોટા માર્ગોથી પાછા ફરવા મદદ કરે અને આશીર્વાદ આપે.”