પ્રકરણ ૧૦
“યહોવાનો સંદેશો ફેલાતો ગયો”
પિતરને કેદમાંથી છોડાવવામાં આવે છે અને સતાવણી છતાં ખુશખબર ફેલાવવાનું કામ અટકતું નથી
પ્રેરિતોનાં કાર્યો ૧૨:૧-૨૫ના આધારે
૧-૪. પિતર કયા અઘરા સંજોગોનો સામનો કરે છે? જો તમે પિતર જેવા સંજોગોમાં હોત તો તમને કેવું લાગ્યું હોત?
લોખંડનો મોટો દરવાજો ધડામ દઈને બંધ થાય છે. પિતર સાંકળોથી બંધાયેલા છે અને બે રોમન સૈનિકો સાથે તે કેદખાનામાં પગ મૂકે છે. તેઓ પિતરને કોટડીમાં પૂરી દે છે. હવે તેમનું શું થશે? એ જાણવા તેમણે અમુક કલાકો, અરે અમુક દિવસો પણ રાહ જોવી પડે. કોટડીની ચાર દીવાલો વચ્ચે કેદખાનાના સળિયા, સાંકળો અને સૈનિકો સિવાય પિતરને કંઈ નજરે પડતું નથી.
૨ આખરે પિતરને ખરાબ સમાચાર મળે છે. રાજા હેરોદ અગ્રીપા પહેલા પર પિતરને મારી નાખવાનું ઝનૂન સવાર છે.a તેની ઇચ્છા છે કે તે પાસ્ખાના તહેવાર પછી પિતરને લોકો આગળ લાવે અને તેમને મોતને ઘાટ ઉતારી દે. એવું કરીને તે લોકોને ખુશ કરવા માંગે છે. હેરોદની આ કંઈ ખોખલી ધમકી નથી, કેમ કે તેણે હાલમાં જ પિતરના દોસ્ત પ્રેરિત યાકૂબને મારી નંખાવ્યા હતા.
૩ સાંજનો સમય છે. કાલે હેરોદ પિતરને મારી નંખાવશે. અંધારી કોટડીમાં પિતર ઊંડા વિચારોમાં ખોવાયેલા છે. તે શું વિચારતા હશે? કદાચ અમુક વર્ષો પહેલાં ઈસુએ કહેલી એક વાત તેમને યાદ આવતી હશે. ઈસુએ કહ્યું હતું કે એક દિવસ કોઈ પિતરને જબરજસ્તી બાંધીને લઈ જશે અને મારી નાખશે. (યોહા. ૨૧:૧૮, ૧૯) કદાચ તેમને થતું હશે કે એ સમય આવી ગયો છે.
૪ જો તમે આવા સંજોગોમાં હોત તો તમને કેવું લાગ્યું હોત? કદાચ ઘણા લોકો નિરાશાના કાળા વાદળોમાં ઘેરાઈ ગયા હોત. તેઓની આશા મરી પરવારી હોત. પણ ઈસુના શિષ્યો પાસે હંમેશાં એક આશાનું કિરણ છે. તેઓ ક્યારેય નિરાધાર નથી હોતા. ચાલો જોઈએ કે એ અઘરા સંજોગોમાં પિતરે અને તેમનાં સાથી ભાઈ-બહેનોએ શું કર્યું અને એમાંથી આપણે શું શીખી શકીએ.
‘મંડળ પૂરા દિલથી સતત પ્રાર્થના કરતું હતું’ (પ્રે.કા. ૧૨:૧-૫)
૫, ૬. (ક) હેરોદ અગ્રીપા પહેલાએ કેમ ખ્રિસ્તી મંડળની સતાવણી કરવાનું શરૂ કર્યું અને તેણે કઈ રીતે એવું કર્યું? (ખ) મંડળને યાકૂબના મરણથી કેમ મોટો આંચકો લાગ્યો?
૫ આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે કર્નેલિયસ અને તેમના કુટુંબના સભ્યો ખ્રિસ્તી બન્યા. તેઓ બીજી પ્રજામાંથી હતા. ખ્રિસ્તી મંડળ માટે એ મહત્ત્વનો બનાવ હતો. પણ એ જોઈને ઈસુના શિષ્યો ન હોય એવા યહૂદીઓનો પારો આસમાને ચઢી ગયો હશે. તેઓને માનવામાં આવતું નહિ હોય કે યહૂદી ખ્રિસ્તીઓ કઈ રીતે યહૂદી ન હોય એવા લોકો સાથે મળીને ભક્તિ કરે છે.
૬ હેરોદે ચાલાકીથી આ તકનો ફાયદો ઉઠાવ્યો. તે જાણતો હતો કે જો તે યહૂદીઓને પોતાની તરફ કરી લેશે, તો તેની સત્તા વધારે મજબૂત થશે. એટલે તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરવાનું શરૂ કરી દીધું. તેણે કદાચ સાંભળ્યું હશે કે યોહાનના ભાઈ યાકૂબ ઈસુની ખૂબ નજીક હતા. એટલે તેણે ‘યાકૂબને તલવારથી મારી નંખાવ્યા.’ (પ્રે.કા. ૧૨:૨) યાકૂબના મરણથી ખ્રિસ્તી મંડળને મોટો આંચકો લાગ્યો. યાકૂબ એ ત્રણ પ્રેરિતોમાંથી એક હતા, જેઓએ ઈસુનો દેખાવ બદલાતા જોયો હતો અને એવા અમુક ચમત્કારો જોયા હતા જે બાકીના પ્રેરિતોએ જોયા ન હતા. (માથ. ૧૭:૧, ૨; માર્ક ૫:૩૭-૪૨) એટલું જ નહિ, ઈસુએ યાકૂબ અને તેમના ભાઈ યોહાનને “ગર્જનાના દીકરાઓ” નામ આપ્યું હતું, કેમ કે તેઓ જોશથી ભરપૂર હતા. (માર્ક ૩:૧૭) યાકૂબ હિંમતવાન હતા અને વફાદારીથી ભક્તિ કરતા હતા, એટલે એ પ્રેમાળ ભાઈને ગુમાવીને મંડળ ખૂબ દુઃખી હતું.
૭, ૮. પિતરને કેદ થઈ ત્યારે ભાઈ-બહેનોએ શું કર્યું?
૭ હેરોદ અગ્રીપાએ જેવું વિચાર્યું હતું, એવું જ થયું. યાકૂબના મરણથી યહૂદીઓ બહુ ખુશ થયા, એટલે હેરોદની હિંમત વધી ગઈ. હવે તે પિતરની પાછળ પડી ગયો. તેણે પિતરને કેદમાં નંખાવ્યા. એ વિશે આપણે પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા. હેરોદને કદાચ યાદ આવ્યું હશે કે અગાઉ પ્રેરિતોને કેદમાં નાખવામાં આવ્યા હતા ત્યારે, તેઓ ચમત્કારથી છૂટી ગયા હતા. એ બનાવ આપણે પ્રકરણ ૫માં જોઈ ગયા હતા. આ વખતે હેરોદ જરાય ચાહતો ન હતો કે પિતર તેના પંજામાંથી છટકી જાય. એટલે તેણે ચાર સૈનિકોની બનેલી ચાર ટુકડીઓને વારાફરતી પિતર પર રાત-દિવસ ચોકી કરવાનું કામ સોંપ્યું. તેણે પિતરના બંને હાથ સાંકળોથી બંધાવ્યા અને સાંકળનો બીજો છેડો બે સૈનિકોના હાથે બાંધેલો હતો. તેણે સૈનિકોને પણ ધમકી આપી કે જો પિતર નાસી છૂટે તો તેઓને મારી નાખવામાં આવશે. પિતરને આ અઘરા સંજોગોમાં મદદ કરવા મંડળનાં ભાઈ-બહેનો શું કરી શકતાં હતાં?
૮ તેઓ સારી રીતે જાણતાં હતાં કે તેઓએ શું કરવાનું હતું. પ્રેરિતોનાં કાર્યો ૧૨:૫માં જણાવ્યું છે: ‘પિતરને કેદમાં રાખવામાં આવ્યા, પણ મંડળ તેમના માટે પૂરા દિલથી ઈશ્વરને સતત પ્રાર્થના કરતું હતું.’ તેઓ પોતાના વહાલા ભાઈ માટે કરગરીને પ્રાર્થના કરતા હતા. પ્રેરિત યાકૂબના મરણથી તેઓની હિંમત તૂટી ન હતી. હજી પણ તેઓને પૂરો ભરોસો હતો કે યહોવા તેઓની પ્રાર્થના સાંભળે છે. સાચે જ, યહોવા પોતાના બધા ભક્તોની પ્રાર્થના કીમતી ગણે છે. જો આપણે તેમની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરીશું, તો તે જરૂર આપણી પ્રાર્થના સાંભળશે. (હિબ્રૂ. ૧૩:૧૮, ૧૯; યાકૂ. ૫:૧૬) એ વાત આપણે હંમેશાં મનમાં રાખીએ.
૯. જે ભાઈ-બહેનોએ પિતર માટે પ્રાર્થના કરી, તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ?
૯ શું તમે એવાં ભાઈ-બહેનોને ઓળખો છો, જેઓ અલગ અલગ કસોટીઓનો સામનો કરે છે? બની શકે કે તેઓની સતાવણી થતી હોય, તેઓ એવા વિસ્તારમાં રહેતા હોય જ્યાં સરકારે આપણા કામ પર પ્રતિબંધ મૂક્યો છે અથવા તેઓ કુદરતી આફતોનો ભોગ બન્યા હોય. આપણે એવાં ભાઈ-બહેનો માટે દિલથી પ્રાર્થના કરીએ. તમે કદાચ એવાં અમુક ભાઈ-બહેનોને પણ ઓળખતા હશો, જેઓની મુશ્કેલીઓ વિશે બધાને ખબર હોતી નથી. બની શકે કે તેઓને કુટુંબમાં કોઈ મુશ્કેલી હોય, તેઓ નિરાશ થઈ ગયાં હોય અથવા તેઓ કોઈ બીજા પ્રકારની મુશ્કેલીનો સામનો કરતા હોય. તમે પ્રાર્થના કરતા પહેલાં વિચારો કે કયાં કયાં ભાઈ-બહેનો માટે અરજ કરવા માંગો છો. પછી “પ્રાર્થનાના સાંભળનાર” યહોવાને તેઓનું નામ લઈને પ્રાર્થના કરો. (ગીત. ૬૫:૨) આપણે બધા પણ એવું જ ચાહીએ છીએ કે મુશ્કેલીમાં હોઈએ ત્યારે ભાઈ-બહેનો આપણા માટે પ્રાર્થના કરે, ખરું ને?
“મારી પાછળ આવ” (પ્રે.કા. ૧૨:૬-૧૧)
૧૦, ૧૧. દૂતે પિતરને કઈ રીતે કેદમાંથી છોડાવ્યા?
૧૦ પિતરના માથે મોતની તલવાર લટકતી હતી. શું એના લીધે તેમને ડર લાગતો હતો? એ વિશે આપણે કંઈ જાણતા નથી, પણ બાઇબલમાં જણાવ્યું છે કે કેદમાં છેલ્લી રાતે પિતર બે સૈનિકો વચ્ચે ઊંઘી રહ્યા હતા. તેમને પૂરો ભરોસો હતો કે કાલે કંઈ પણ થઈ જાય, યહોવા તેમને જરૂર યાદ રાખશે. (રોમ. ૧૪:૭, ૮) પણ હવે જે થવાનું હતું એ વિશે પિતરે સપનામાંય વિચાર્યું નહિ હોય. અચાનક કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો. એક દૂતે પિતરને ઢંઢોળીને ઉઠાડ્યા. પછી તેમના હાથની મજબૂત સાંકળો ખૂલીને નીચે પડી ગઈ. આશ્ચર્યની વાત તો એ છે કે એ બધું સૈનિકોની આંખો સામે થઈ રહ્યું હતું, પણ તેઓને કંઈ જ દેખાતું ન હતું.
૧૧ પછી દૂતે પિતરને એક પછી એક ઘણી આજ્ઞાઓ આપી. દૂતે કહ્યું: “જલદી ઊઠ!” “તૈયાર થા અને તારાં ચંપલ પહેર,” “તારો ઝભ્ભો પહેર.” પિતરે એવું જ કર્યું. છેલ્લે દૂતે કહ્યું: “મારી પાછળ આવ” અને તે દૂતની પાછળ પાછળ ગયા. તેઓ બંને કોટડીમાંથી બહાર નીકળ્યા, ચોકી કરતા સૈનિકો આગળથી ચૂપચાપ નીકળીને એક મોટા લોખંડના દરવાજા સામે ઊભા રહ્યા. પણ હવે તેઓ કઈ રીતે બહાર નીકળશે? પિતરને એ સવાલ થાય એ પહેલાં તો દરવાજો “તેઓ માટે આપોઆપ ખૂલી ગયો” અને તેઓ કેદની બહાર નીકળી ગયા. જોતજોતામાં તેઓ એક શેરીમાં આવી પહોંચ્યા અને દૂત તેમની પાસેથી જતો રહ્યો. અત્યાર સુધી પિતરને લાગતું હતું કે તે દર્શન જોઈ રહ્યા છે. પણ તે શેરીમાં એકલા ઊભા હતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે એ કોઈ દર્શન ન હતું, તે સાચે જ આઝાદ થઈ ગયા હતા!—પ્રે.કા. ૧૨:૭-૧૧.
૧૨. યહોવાએ પિતરને જે રીતે બચાવ્યા એના પર વિચાર કરવાથી આપણને કયો દિલાસો મળે છે?
૧૨ આ બનાવ પર વિચાર કરવાથી કયો દિલાસો મળે છે? એ જ કે યહોવા પાસે અપાર શક્તિ છે અને તે પોતાના ભક્તોને કોઈ પણ મુશ્કેલીમાંથી છોડાવી શકે છે. જરા વિચારો, હેરોદને એ સમયના સૌથી શક્તિશાળી સામ્રાજ્યએ, એટલે કે રોમે સત્તા અને અધિકાર આપ્યાં હતાં. તોપણ તે પિતરનો એકેય વાળ વાંકો કરી શક્યો નહિ. પિતર આરામથી કેદની બહાર નીકળી ગયા. એ સાચું છે કે યહોવા પોતાના બધા ભક્તોને આવા ચમત્કાર કરીને બચાવતા નથી. દાખલા તરીકે, યાકૂબને મારી નાખવામાં આવ્યા ત્યારે યહોવાએ તેમને ચમત્કાર કરીને બચાવ્યા નહિ. પછીથી ઈસુની ભવિષ્યવાણી પ્રમાણે પિતરને મારી નાખવામાં આવ્યા ત્યારે પણ યહોવાએ તેમને બચાવ્યા નહિ. આજે આપણે એવી આશા નથી રાખતા કે યહોવા આપણને કોઈ ચમત્કાર કરીને બચાવે. પણ આપણે હંમેશાં યાદ રાખીએ છીએ કે યહોવા બદલાયા નથી. (માલા. ૩:૬) જલદી જ તે પોતાના દીકરા દ્વારા લાખો-કરોડો લોકોને એક એવી કેદમાંથી છોડાવશે, જેમાંથી છૂટવું કદાચ અશક્ય લાગે. એ છે મરણની કેદ. (યોહા. ૫:૨૮, ૨૯) સાચે જ, કોઈ કસોટીનો સામનો કરતા હોઈએ ત્યારે, યહોવાએ આપેલાં વચનો પર મનન કરવાથી હિંમત મળે છે.
“પિતરને જોઈને તેઓને ખૂબ નવાઈ લાગી” (પ્રે.કા. ૧૨:૧૨-૧૭)
૧૩-૧૫. (ક) પિતર આવ્યા છે એ સાંભળીને ભાઈ-બહેનોએ શું કર્યું? (ખ) પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં પિતર પછી કોના અહેવાલો શરૂ થાય છે? પણ આપણે પિતર વિશે કઈ ખાતરી રાખી શકીએ?
૧૩ રાતના અંધકારમાં પિતર શેરીમાં એકલા ઊભા હતા. તે વિચારતા હતા કે તે હવે ક્યાં જશે. એવામાં તેમને યાદ આવ્યું કે નજીકમાં મરિયમનું ઘર છે. એવું લાગે છે કે મરિયમ વિધવા હતાં, પણ પૈસેટકે સુખી હતાં. તેમનું પોતાનું એક ઘર હતું. એ એટલું મોટું હતું કે મંડળનાં ભાઈ-બહેનો સભાઓ માટે ત્યાં ભેગાં મળી શકતાં હતાં. તે યોહાન માર્કનાં માતા હતાં. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં અહીં પહેલી વાર માર્કનો ઉલ્લેખ થયો છે. આગળ જતાં પિતર માર્કને પોતાના દીકરા જેવા ગણવા લાગ્યા. (૧ પિત. ૫:૧૩) હવે પિતર મરિયમના ઘરે જવા નીકળ્યા. ત્યાં ઘણાં ભાઈ-બહેનો ભેગાં મળ્યાં હતાં અને તેઓ મોડી રાત સુધી સતત પ્રાર્થના કરતા હતાં. તેઓ ચોક્કસ વિનંતી કરતા હશે કે પિતરને છોડી દેવામાં આવે. પણ યહોવા તેઓની પ્રાર્થનાનો જે રીતે જવાબ આપવાના હતા, એ વિશે તેઓને જરાય અંદાજો ન હતો.
૧૪ મરિયમના ઘરે પહોંચીને પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો. રોદા નામની દાસી આંગણામાં થઈને દરવાજો ખોલવા બહાર આવી. રોદા એ ગ્રીક નામ હતું, જેનો અર્થ “ગુલાબ” થતો હતો. પિતરનો અવાજ સાંભળીને તેને જરાય માનવામાં ન આવ્યું. તે દરવાજો ખોલ્યા વગર પાછી અંદર દોડી ગઈ. તે બધાને કહેવા લાગી કે પિતર આવ્યા છે. પણ કોઈએ તેની વાત પર ભરોસો ન કર્યો અને કહ્યું કે તે ગાંડી થઈ ગઈ છે. પણ તે કહેતી રહી કે પિતર બહાર ઊભા છે. પછી અમુકે કહ્યું કે રોદાએ એક દૂતને જોયો હશે. (પ્રે.કા. ૧૨:૧૨-૧૫) અંદર આ બધું થઈ રહ્યું હતું, પણ પિતર બહાર જ ઊભા હતા અને દરવાજો ખખડાવી રહ્યા હતા. આખરે શિષ્યોએ આવીને દરવાજો ખોલ્યો.
૧૫ “પિતરને જોઈને તેઓને ખૂબ નવાઈ લાગી.” (પ્રે.કા. ૧૨:૧૬) તેઓની ખુશી સમાતી ન હતી. ત્યાં કોલાહલ મચી ગયો. પિતરે તેઓને શાંત રહેવા કહ્યું, જેથી તે તેઓને બધી વાત જણાવી શકે. તેમણે આખો બનાવ જણાવ્યો અને પછી કહ્યું કે તેઓ એ વિશે શિષ્ય યાકૂબને અને બીજા ભાઈઓને જણાવે. પિતર ત્યાં વધારે ન રોકાયા. હેરોદના સૈનિકો આવે એ પહેલાં તે ત્યાંથી નીકળી ગયા. તે એક સલામત જગ્યાએ જઈને સેવા આપવા લાગ્યા. પિતરના આ અહેવાલ પછી પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં પાઉલના પ્રચારકામ અને તેમની મુસાફરી વિશેના અહેવાલો શરૂ થાય છે. પિતરનો ફરી એક વાર પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૫માં ઉલ્લેખ થાય છે. ત્યાં જણાવ્યું છે કે સુન્નતનો મુદ્દો ઊભો થયો ત્યારે તેમણે એને હલ કરવામાં મદદ કરી હતી. એ પછી પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં પિતરનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. પણ આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે પિતર જ્યાં ગયા હશે ત્યાં તેમણે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરી હશે. એ રાતે પિતરને મળીને ભાઈ-બહેનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હશે.
૧૬. ભાવિમાં કેમ આપણી ખુશીઓનો કોઈ પાર નહિ હોય?
૧૬ અમુક વાર ઈશ્વરભક્તોએ ધાર્યું ન હોય એટલા બધા આશીર્વાદો યહોવા તેઓને આપે છે. એના લીધે તેઓની આંખો ખુશીના આંસુથી છલકાઈ જાય છે. પિતર કેદમાંથી આઝાદ થયા એ રાતે ભાઈ-બહેનોને એવી જ ખુશી થઈ હતી. આજે યહોવા આપણા પર આશીર્વાદોનો વરસાદ વરસાવે છે ત્યારે એવું જ અનુભવીએ છીએ. (નીતિ. ૧૦:૨૨) જરા વિચારો ભાવિમાં આપણી ખુશીઓનો કોઈ પાર નહિ હોય. એ સમયે આખી પૃથ્વી પર યહોવા પોતાનાં વચનો પૂરાં કરશે. આપણાં મનની કલ્પના કરતાં તે અનેક ગણા જોરદાર આશીર્વાદો આપશે. જો યહોવાને વફાદાર રહીશું, તો આપણે નજરોનજર એ બધા આશીર્વાદો જોઈ શકીશું.
“યહોવાના દૂતે તેને માંદગીમાં પટક્યો” (પ્રે.કા. ૧૨:૧૮-૨૫)
૧૭, ૧૮. લોકો શું જોઈને હેરોદની ખુશામત કરવા લાગ્યા?
૧૭ હેરોદને સમાચાર મળ્યા કે પિતર કેદમાંથી ભાગી ગયા છે. એ સાંભળીને તે ચોંકી ગયો, ગુસ્સાથી લાલપીળો થઈ ગયો અને તરત પિતરને શોધી કાઢવાની આજ્ઞા કરી. પછી તેણે ચોકીદારોને બોલાવીને પૂછપરછ કરી અને “તેઓને સજા આપવાનો હુકમ કર્યો.” કદાચ એ ચોકીદારોને મારી નાખવામાં આવ્યા. (પ્રે.કા. ૧૨:૧૯) હેરોદ કેટલો ક્રૂર અને પથ્થર દિલ હતો! શું તેને ક્યારેય પોતાનાં કરતૂતોની સજા મળી?
૧૮ હેરોદ પિતરને મોતને ઘાટ ઉતારી ન શક્યો, એ વાતને લીધે તેનું અભિમાન ઘવાયું હશે. તેને લાગ્યું હશે કે હવે લોકો તેને માન નહિ આપે. પણ ધ્યાન આપો કે પછી શું થયું? હેરોદના અમુક દુશ્મનો તેની સાથે સુલેહ-શાંતિ કરવા આવ્યા. તેને લાગ્યું કે લોકોનાં દિલ જીતવાનો આ એક સારો મોકો છે. એ માટે એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં તે ભાષણ આપવાનો હતો. લૂક જણાવે છે કે એ દિવસે “હેરોદે રાજવી પોશાક પહેર્યો” હતો. યહૂદી ઇતિહાસકાર જોસેફસે લખ્યું કે હેરોદનાં કપડાં ચાંદીનાં બનેલાં હતાં. એટલે જ્યારે તેના પર પ્રકાશ પડતો, ત્યારે તે ઝળહળી ઊઠતો અને લોકોને લાગતું કે તેઓ સામે કોઈ દેવ ઊભો છે. પછી એ ઘમંડી રાજાએ પોતાનું ભાષણ શરૂ કર્યું. લોકો તેની ખુશામત કરવા લાગ્યા અને પોકારવા લાગ્યા: “આ તો માણસનો નહિ, ઈશ્વરનો અવાજ છે!”—પ્રે.કા. ૧૨:૨૦-૨૨.
૧૯, ૨૦. (ક) યહોવાએ હેરોદને કેમ સજા કરી? (ખ) હેરોદના અહેવાલમાંથી આપણને કઈ ખાતરી મળે છે?
૧૯ એવો મહિમા ફક્ત યહોવા ઈશ્વરને મળવો જોઈએ. લોકો હેરોદના વખાણ કરતા હતા ત્યારે, ઈશ્વર એ બધું જોઈ રહ્યા હતા. હેરોદ એ મહિમા લેવાની ના પાડી શક્યો હોત અથવા લોકોને એમ કરતા અટકાવી શક્યો હોત. પણ તેણે એવું કંઈ ના કર્યું. પછી શું થયું એ વિશે બાઇબલમાં જણાવ્યું છે: “યહોવાના દૂતે તેને માંદગીમાં પટક્યો. કીડાઓએ તેને કોરી ખાધો અને તે મરી ગયો.” (પ્રે.કા. ૧૨:૨૩) એ નિર્દય અને ઘમંડી રાજાને કેટલું ભયાનક મોત મળ્યું! હેરોદ સાથે જે થયું એનાથી બાઇબલની આ કહેવત સાચી પડે છે: “અભિમાન વિનાશ લાવે છે.” (નીતિ. ૧૬:૧૮) ઇતિહાસકાર જોસેફસે પણ નોંધ્યું કે અગ્રીપા રાજા અચાનક બીમાર પડ્યો અને પોતાના મરણ પહેલાં સ્વીકાર્યું કે તેણે બધો માન-મહિમા પોતે લીધો, એટલે તેના આવા હાલ થયા છે. જોસેફસે લખ્યું કે હેરોદ પાંચ દિવસ મરણ પથારી પર રિબાતો રહ્યો અને પછી મરી ગયો.b
૨૦ અમુક વાર એવું લાગે કે દુષ્ટોએ ખરાબ કામ કરવામાં બધી હદ વટાવી દીધી છે, તોપણ તેઓને કોઈ સજા થતી નથી. પણ વફાદાર ભક્તોને એનાથી નવાઈ ન લાગવી જોઈએ. કેમ કે બાઇબલમાં જણાવ્યું છે: “આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.” (૧ યોહા. ૫:૧૯) ઈશ્વરભક્તો એ હકીકત જાણે છે. પણ જ્યારે તેઓ જુએ છે કે દુષ્ટો સજામાંથી છટકી જાય છે, ત્યારે તેઓને દુઃખ થાય છે. જોકે હેરોદ અને તેના જેવા માણસોના અહેવાલમાંથી દેખાઈ આવે છે કે યહોવા દુષ્ટોને સજા કરશે. આપણને ખાતરી મળે છે કે યહોવા ન્યાયને ચાહે છે. (ગીત. ૩૩:૫) આજે નહિ તો કાલે ચોક્કસ ન્યાયની જીત થશે.
૨૧. પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૨માંથી કયો બોધપાઠ મળે છે? એ જાણીને કેમ આપણી હિંમત વધે છે?
૨૧ પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૨માં છેલ્લે એક જોરદાર વાત જણાવી છે: “યહોવાનો સંદેશો ફેલાતો ગયો અને ઘણા લોકો શ્રદ્ધા મૂકવા લાગ્યા.” (પ્રે.કા. ૧૨:૨૪) એ વાંચીને આપણો જોશ ઘણો વધી જાય છે, ખરું ને? એ સમયે યહોવાના આશીર્વાદથી પ્રચારકામમાં ઘણો વધારો થયો. એ આપણને યાદ રાખવા મદદ કરે છે કે આજે પણ પ્રચારકામ પર યહોવાનો આશીર્વાદ છે. ખરું કે પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૨માં જણાવ્યું છે કે એક પ્રેરિતનું મરણ થયું અને બીજા પ્રેરિતને કેદમાંથી છોડાવવામાં આવ્યા. પણ એ અધ્યાયનો મુખ્ય બોધપાઠ કયો છે? એ જ કે યહોવાએ શેતાનને જીતવા ન દીધો. શેતાન ચાહતો હતો કે તે ખ્રિસ્તી મંડળનું નામનિશાન મિટાવી દે અને પ્રચારકામને બંધ કરાવી દે. પણ યહોવાએ શેતાનનાં કાવતરાં પર પાણી ફેરવી દીધું. આજે પણ જો કોઈ પ્રચારકામને અટકાવવાની કોશિશ કરશે, તો તે જરાય સફળ નહિ થાય. (યશા. ૫૪:૧૭) જો આપણે યહોવાની ભક્તિ કરતા રહીશું અને ઈસુના પગલે ચાલતા રહીશું, તો પ્રચારકામમાં સફળ થઈશું. એ વાતથી આપણી ઘણી હિંમત વધે છે. ખરેખર, આપણને “યહોવાનો સંદેશો” જણાવવાનો એક મોટો લહાવો મળ્યો છે!
a “રાજા હેરોદ અગ્રીપા પહેલો” બૉક્સ જુઓ.
b ધ્યાન આપો કે એક લેખક જે ડૉક્ટર પણ હતા તેમણે એ વિશે શું લખ્યું. તેમણે જણાવ્યું કે જોસેફસ અને લૂકે બીમારીનાં જે લક્ષણો જણાવ્યાં છે એનાથી ખબર પડે છે કે હેરોદને કદાચ આંતરડાંમાં અળસિયાં જેવા કીડા પડ્યા હતા. એના લીધે તેનાં આંતરડાંમાં અવરોધ ઊભો થયો, એ બ્લોક થઈ ગયાં. એટલે તેનું મરણ થયું. અમુક વાર એ કીડાઓ બીમાર વ્યક્તિના મોઢામાંથી નીકળે છે અથવા વ્યક્તિ મરી જાય ત્યારે તેના શરીરમાંથી નીકળે છે. એક પુસ્તકમાં જણાવ્યું છે: “લૂક એક વૈદ હતા. એટલે તેમણે હેરોદની બીમારી વિશે એકદમ સચોટ માહિતી આપી છે. એનાથી આપણને ખ્યાલ આવે છે કે [હેરોદનું] કેટલું કરુણ અને ભયંકર મોત થયું હતું.”