માર્ક
૩ ઈસુ ફરી એક વાર સભાસ્થાનમાં ગયા. ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો.*+ ૨ ફરોશીઓની નજર ઈસુ પર હતી. તેઓને જોવું હતું કે સાબ્બાથના દિવસે તે માણસને સાજો કરે છે કે નહિ, જેથી તેમના પર આરોપ મૂકી શકાય. ૩ ઈસુએ સુકાયેલા* હાથવાળા માણસને કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે આવ.” ૪ પછી તેમણે તેઓને કહ્યું: “નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવ બચાવવો કે જીવ લેવો?”+ પણ તેઓ ચૂપ રહ્યા. ૫ ઈસુએ ગુસ્સે થઈને તેઓ સામે જોયું. તેઓનાં દિલ કઠણ હોવાથી તે ઘણા દુઃખી થયા.+ તેમણે એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ સાજો થઈ ગયો. ૬ ફરોશીઓ બહાર ગયા અને તરત જ હેરોદીઓ*+ સાથે મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા.
૭ પણ ઈસુ પોતાના શિષ્યો સાથે ત્યાંથી નીકળીને સરોવર તરફ ગયા. ગાલીલ અને યહૂદિયામાંથી ઘણા બધા લોકો તેમની પાછળ ગયા.+ ૮ એટલું જ નહિ, ઈસુનાં અનેક કામો વિશે સાંભળીને યરૂશાલેમથી, અદુમથી, યર્દન પારથી, તૂર અને સિદોનથી મોટી સંખ્યામાં લોકો તેમની પાસે આવ્યા. ૯ તેમણે શિષ્યોને જણાવ્યું કે તેમના માટે એક નાની હોડી તૈયાર રાખે, જેથી ટોળાના ધસારાથી તે દબાઈ ન જાય. ૧૦ ઈસુએ ઘણાને સાજા કર્યા હતા. એટલે જેઓને મોટી બીમારી હતી તેઓ બધા તેમને અડકવા તેમના પર પડાપડી કરતા હતા.+ ૧૧ એટલે સુધી કે દુષ્ટ દૂતની+ પકડમાં હતા એ માણસો તેમને જોતા ત્યારે, તેમના પગ આગળ પડીને બૂમો પાડતા: “તું ઈશ્વરનો દીકરો છે.”+ ૧૨ પણ ઈસુએ ઘણી વાર હુકમ આપ્યો કે પોતે કોણ છે એ તેઓ કોઈને જણાવે નહિ.+
૧૩ તે પહાડ પર ચઢ્યા અને પોતાના શિષ્યોમાંથી કેટલાકને બોલાવ્યા.+ તેઓ તેમની પાસે ગયા.+ ૧૪ તેમણે ૧૨ને પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો* નામ આપ્યું. તેઓ તેમની સાથે રહ્યા. તેમણે તેઓને પ્રચાર કરવા મોકલ્યા. ૧૫ તેમણે તેઓને દુષ્ટ દૂતો કાઢવાનો અધિકાર પણ આપ્યો.+
૧૬ તેમણે પસંદ કરેલા ૧૨ શિષ્યોનાં+ નામ આ હતાં: સિમોન, જેને તેમણે પિતર નામ આપ્યું,+ ૧૭ ઝબદીનો દીકરો યાકૂબ અને યાકૂબનો ભાઈ યોહાન (તેમણે તેઓને બોઅનેરગેસ નામ આપ્યું, જેનો અર્થ થાય, “ગર્જનાના દીકરાઓ”),+ ૧૮ આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની* ૧૯ અને યહૂદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.
પછી ઈસુ એક ઘરમાં ગયા. ૨૦ ફરી એક વાર ટોળું ભેગું થઈ ગયું અને તેઓ ખાઈ પણ ન શક્યા. ૨૧ તેમનાં સગાઓએ આ બધું સાંભળ્યું. તેઓ ઈસુને પાછા લઈ આવવા નીકળી પડ્યા. તેઓ કહેતા હતા કે “તેનું મગજ ફરી ગયું છે.”+ ૨૨ યરૂશાલેમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેતા હતા: “તેનામાં બાલઝબૂલ* છે. તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ ૨૩ ઈસુએ તેઓને પોતાની પાસે બોલાવ્યા અને ઉદાહરણો આપીને કહ્યું: “શેતાન કઈ રીતે શેતાનને કાઢી શકે? ૨૪ જો કોઈ રાજ્યમાં ભાગલા પડે તો એ રાજ્ય ટકી શકતું નથી.+ ૨૫ જો કોઈ ઘરમાં ભાગલા પડે તો એ ઘર ટકશે નહિ. ૨૬ જો શેતાન પોતાની જ સામે ઊભો થાય અને તેના રાજ્યમાં* ભાગલા પડે, તો તે ટકી શકે નહિ, પણ તેનો અંત આવી જશે. ૨૭ હકીકતમાં કોઈ વ્યક્તિ બળવાન માણસના ઘરમાં ઘૂસીને તેની મિલકત લૂંટી લેતા પહેલાં એ માણસને બાંધશે. ત્યાર પછી જ તેનું ઘર લૂંટી શકશે. ૨૮ હું તમને સાચે જ કહું છું કે માણસો ભલે ગમે એવું પાપ કરે કે ખરાબ બોલે, એ બધું માફ કરવામાં આવશે. ૨૯ પણ જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે, તેને ક્યારેય માફ કરવામાં નહિ આવે.+ તે કાયમ માટે એ પાપનો દોષિત ઠરશે.”+ ૩૦ ઈસુએ એમ કહ્યું, કારણ કે તેઓ કહેતા હતા: “તેનામાં દુષ્ટ દૂત છે.”+
૩૧ ઈસુની મા અને તેમના ભાઈઓ+ આવીને બહાર ઊભાં રહ્યાં. તેઓએ તેમને બોલાવવા એક માણસને અંદર મોકલ્યો.+ ૩૨ એ સમયે ઈસુની ફરતે ટોળું બેઠું હતું. તેઓમાંથી એકે તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માંગે છે.”+ ૩૩ તેમણે કહ્યું: “મારી મા અને મારા ભાઈઓ કોણ છે?” ૩૪ તેમણે પોતાની આસપાસ બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને કહ્યું: “જુઓ, મારી મા અને મારા ભાઈઓ!+ ૩૫ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે.”+