પ્રકરણ આઠ
નિરાશાઓમાં પણ તે ટકી રહ્યા
૧. શીલોહમાં કેમ માતમ છવાયેલો હતો અને રડારોળ થતી હતી?
શમૂએલ જુએ છે કે શીલોહમાં માતમ છવાઈ ગયો છે. એવું લાગે છે કે આખા શહેરમાં આંસુઓની નદીઓ વહે છે. ઘણાં ઘરોમાંથી સ્ત્રીઓ અને છોકરાઓનો રડવાનો અવાજ સંભળાય છે. બધે શોકના સમાચાર ફેલાઈ ગયા છે કે હવે ઘણા પિતાઓ, પતિઓ, દીકરાઓ અને ભાઈઓ ઘરે પાછા નહિ ફરે. આપણે તો એટલું જ જાણીએ છીએ કે પલિસ્તીઓ આગળ ઇઝરાયેલની ભારે હાર થઈ છે અને લગભગ ૩૦,૦૦૦ સૈનિકો માર્યા ગયા છે. એના થોડા સમય પહેલાં, બીજી એક લડાઈમાં તેઓએ ૪,૦૦૦ સૈનિકો ગુમાવ્યા હતા.—૧ શમૂ. ૪:૧, ૨, ૧૦.
૨, ૩. શીલોહ પર એક પછી એક કઈ આફતો આવી પડી, જેનાથી એનું ગૌરવ લૂંટાઈ ગયું અને અપમાન થયું?
૨ ઘણી આફતોમાંની આ તો ફક્ત એક જ છે. પ્રમુખ યાજક એલીના બે દુષ્ટ દીકરા, હોફની અને ફીનહાસ યહોવાના પવિત્ર કરારકોશ સાથે શીલોહની બહાર ચાલી નીકળ્યા છે. કરારકોશને મોટા ભાગે તંબુ જેવા મંદિરમાં, મુલાકાત મંડપના પરમપવિત્રસ્થાનમાં રાખવામાં આવતો. પણ એ પવિત્ર કોશને લોકો યુદ્ધમાં લઈ ગયા. તેઓને લાગ્યું કે એ કોઈ ચમત્કાર કરશે અને જીત અપાવશે. કેવી મૂર્ખતા! પલિસ્તીઓએ પવિત્ર કોશ પર કબજો કર્યો અને હોફની તેમજ ફીનહાસને મારી નાખ્યા.—૧ શમૂ. ૪:૩-૧૧.
૩ શીલોહના મંડપને સદીઓથી ઈશ્વરનો કરારકોશ રાખવાનું સન્માન મળ્યું હતું. હવે, એ બીજાઓના હાથમાં હતો. આ સાંભળીને, ૯૮ વર્ષના એલી આસન પરથી પાછળ ઢળી પડ્યા અને મરણ પામ્યા. તેમના દીકરાની પત્ની, એ જ દિવસે વિધવા બની અને બાળકને જન્મ આપતા મરણ પામી. મરતાં મરતાં તેણે કહ્યું: ‘ઇઝરાયેલમાંથી ગૌરવ જતું રહ્યું છે.’ સાચે જ, શીલોહ હવે પહેલાં જેવું નહિ રહે.—૧ શમૂ. ૪:૧૨-૨૨.
૪. આ પ્રકરણમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ શમૂએલ કઈ રીતે આવી નિરાશાઓમાં ટકી શકશે? યહોવાની કૃપા અને રક્ષણ ગુમાવી બેઠેલા લોકોને મદદ કરવાના પડકાર સામે શમૂએલની શ્રદ્ધા શું અડગ રહી શકશે? આપણે પણ કોઈ વાર મુશ્કેલ સંજોગો અને નિરાશાનો સામનો કરવો પડે છે, જેના લીધે આપણી શ્રદ્ધાની પરખ થાય છે. ચાલો જોઈએ કે આપણે શમૂએલ પાસેથી બીજું શું શીખી શકીએ.
તે “સત્યના માર્ગે ચાલ્યા”
૫, ૬. વીસ વર્ષો વિશે બાઇબલ અહેવાલ શાના પર ધ્યાન દોરે છે? આ સમયમાં શમૂએલ કઈ રીતે વ્યસ્ત રહ્યા?
૫ બાઇબલનો અહેવાલ હવે આપણું ધ્યાન શમૂએલ પરથી પવિત્ર કોશ તરફ દોરે છે. એ જણાવે છે કે કોશને લઈ જવાને કારણે પલિસ્તીઓએ કેવાં દુઃખો સહેવાં પડ્યાં; તેઓને ફરજ પાડવામાં આવી કે કરારકોશ પાછો આપે. આપણે શમૂએલ તરફ પાછા ફરીએ છીએ ત્યાં સુધીમાં તો વીસેક વર્ષો વીતી ચૂક્યાં છે. (૧ શમૂ. ૭:૨) એ વર્ષોમાં તેમણે શું કર્યું? બાઇબલ આપણને અંધારામાં રાખતું નથી.
૬ બાઇબલ જણાવે છે કે એ સમયગાળો શરૂ થયો, એના પહેલાંથી ‘શમૂએલનું વચન સર્વ ઇઝરાયેલ પાસે આવતું હતું.’ (૧ શમૂ. ૪:૧) અહેવાલ જણાવે છે કે એ સમય પૂરો થયા પછી, શમૂએલ દર વર્ષે ઇઝરાયેલનાં ત્રણ શહેરોની નિયમિત રીતે મુલાકાત લેતા હતા. એ મુલાકાતોમાં તે લોકોના ઝઘડાઓનો ઉકેલ લાવતા અને સવાલોના જવાબ આપતા. પછી, તે પોતાના વતન રામા પાછા ફરતા. (૧ શમૂ. ૭:૧૫-૧૭) શમૂએલ હંમેશાં વ્યસ્ત રહ્યા અને ૨૦ વર્ષોમાં તેમની પાસે પુષ્કળ કામ હતું.
શમૂએલના જીવનનાં ૨૦ વર્ષો વિશે બાઇબલ કંઈ જણાવતું નથી, પણ આપણે ખાતરી રાખી શકીએ કે તે યહોવાની ભક્તિમાં વ્યસ્ત રહ્યા હશે
૭, ૮. (ક) વીસ વર્ષની અથાક મહેનત પછી શમૂએલે લોકોને કયો સંદેશો આપ્યો? (ખ) શમૂએલે આપેલી ખાતરીને લીધે લોકોએ શું કર્યું?
૭ એલીના દીકરાઓ ભ્રષ્ટ અને વ્યભિચારી હોવાને લીધે લોકોની શ્રદ્ધા કમજોર થતી ગઈ. એવું લાગે છે કે એના લીધે ઘણા લોકો મૂર્તિપૂજા કરવા લાગ્યા. જોકે, ૨૦ વર્ષની અથાક મહેનત પછી, શમૂએલે લોકોને આ સંદેશો આપ્યો: ‘જો તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હો, તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોથને કાઢી નાખો, ને તમારાં મન યહોવા તરફ વાળો, ને કેવળ તેમની ઉપાસના કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.’—૧ શમૂ. ૭:૩.
૮ ‘પલિસ્તીઓનો હાથ’ લોકો પર ભારે હતો. ઇઝરાયેલના સૈન્યની સખત હાર થઈ હતી. એટલે, પલિસ્તીઓને લાગ્યું કે પોતે મન ફાવે તેમ ઈશ્વરના લોકો પર જુલમ કરી શકે છે. પરંતુ, શમૂએલે ખાતરી આપી કે જો લોકો યહોવા તરફ પાછા ફરે તો ચોક્કસ બાજી પલટાશે. શું તેઓ એમ કરવા તૈયાર હતા? શમૂએલને ખુશી થઈ કે તેઓ “કેવળ યહોવાની ઉપાસના કરવા લાગ્યા.” શમૂએલે લોકોને મિસ્પાહમાં ભેગા કર્યા, જે યરૂશાલેમની ઉત્તરે પહાડી પ્રદેશમાં આવેલું શહેર હતું. લોકોએ ભેગા મળીને ઉપવાસ કર્યો અને મૂર્તિપૂજાને લીધે કરેલાં ઘણાં પાપોનો પસ્તાવો કર્યો.—૧ શમૂએલ ૭:૪-૬ વાંચો.
યહોવાના લોકો પસ્તાવો કરવા ભેગા થયા ત્યારે, પલિસ્તીઓને લાગ્યું કે તેઓ પર જુલમ ગુજારવાનો આ સારો મોકો છે
૯. પલિસ્તીઓએ કયો મોકો જોયો? એ જોખમ જોઈને ઈશ્વરના લોકોએ શું કર્યું?
૯ પલિસ્તીઓએ ભેગા થયેલા ઇઝરાયેલીઓને મસળી નાખવાનો મોકો જોયો અને મિસ્પાહમાં સૈન્ય મોકલ્યું. ઇઝરાયેલીઓએ પોતાને માથે તોળાઈ રહેલું જોખમ જોઈને, શમૂએલને પ્રાર્થના કરવા જણાવ્યું. તેમણે પ્રાર્થના કરી અને અર્પણ ચડાવ્યું. એવામાં પલિસ્તીઓનું સૈન્ય ચડી આવ્યું. એટલે, યહોવાએ જાણે ગુસ્સે ભરાઈને ત્રાડ નાખી. ‘એ દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરાવી.’—૧ શમૂ. ૭:૭-૧૦.
૧૦, ૧૧. (ક) યહોવાએ પલિસ્તીઓના લશ્કર પર ગર્જના કરાવી, એ કેમ અસામાન્ય હોવી જોઈએ? (ખ) મિસ્પાહમાં થયેલા યુદ્ધનું શું પરિણામ આવ્યું?
૧૦ શું પલિસ્તીઓ નાનાં બાળકો જેવાં હતાં, જેઓ એક-બે ગર્જના સાંભળીને ડરના માર્યા માની સોડમાં લપાઈ જાય? ના, તેઓ તો ખડતલ, યુદ્ધમાં લડી લડીને પથ્થર-દિલ થઈ ગયેલા સૈનિકો હતા. એટલે, આ ગર્જના એવી હોવી જોઈએ, જે તેઓએ જિંદગીમાં ક્યારેય અનુભવી નહિ હોય. શું “મોટા ધડાકા સાથે” થયેલા અવાજને લીધે એમ થયું હતું? શું એ અવાજ નીલા આકાશમાંથી આવ્યો હતો કે પછી ટેકરીઓ પાછળથી પડતો પડઘો તેઓને મૂંઝવતો હતો? ભલે ગમે એ હોય, પણ એનાથી તેઓના હાંજા ગગડી ગયા! તેઓ એટલા મૂંઝાઈ ગયા કે પોતે શિકારીને બદલે શિકાર બની ગયા. મિસ્પાહમાંથી ઇઝરાયેલીઓ પૂરની જેમ ધસી આવ્યા અને તેઓને હરાવ્યા; યરૂશાલેમથી દૂર દૂર દક્ષિણ-પશ્ચિમે આવેલી જગ્યા સુધી તેઓનો પીછો કર્યો.—૧ શમૂ. ૭:૧૧.
૧૧ એ યુદ્ધ પછી બાજી પલટાઈ. શમૂએલ ન્યાયાધીશ રહ્યા એ બધા દિવસોમાં પલિસ્તીઓ હારતા ગયા. એક પછી બીજું શહેર ઈશ્વરના લોકોના હાથમાં આવતું ગયું.—૧ શમૂ. ૭:૧૩, ૧૪.
૧૨. શમૂએલ “સત્યના માર્ગે ચાલ્યા” એનો શું અર્થ થાય અને કયા ગુણોને લીધે તેમને એમ કરવા મદદ મળી?
૧૨ સદીઓ પછી, પ્રેરિત પાઊલે વિશ્વાસુ ન્યાયાધીશો અને પ્રબોધકો વિશે જણાવ્યું, જેઓ “સત્યના માર્ગે ચાલ્યા.” એમાં શમૂએલનું નામ પણ છે. (હિબ્રૂ. ૧૧:૩૨, ૩૩) શમૂએલે ઈશ્વરની નજરમાં જે સારું અને ખરું હતું એ કર્યું; બીજાઓને પણ એમ કરવા તેમણે ઘણી મદદ કરી. લોકોએ તેમનું સાંભળ્યું, કેમ કે તેમણે યહોવા પર ભરોસો રાખ્યો હતો અને ગમે એવા નિરાશ સંજોગોમાં પણ મન લગાડીને કામ કરતા રહ્યા. તેમણે હંમેશાં કદર પણ બતાવી. મિસ્પાહમાં થયેલી જીત પછી, એની યાદમાં તેમણે પથ્થર ઊભો કરીને સ્મારક બનાવ્યું, જે યહોવાએ કરેલી મદદની કદર બતાવવા માટે હતું.—૧ શમૂ. ૭:૧૨.
૧૩. (ક) શમૂએલને પગલે ચાલવા આપણે કયા ગુણો કેળવવા જોઈએ? (ખ) શમૂએલ જેવા ગુણો ક્યારે કેળવવા જોઈએ?
૧૩ શું તમે ‘સત્યના માર્ગે ચાલવા’ માંગો છો? એમ હોય તો, તમે શમૂએલની ધીરજ, નમ્રતા અને કદરમાંથી ઘણું શીખી શકો છો. (૧ પીતર ૫:૬ વાંચો.) આપણે દરેકે એવા ગુણો કેળવવા જોઈએ, ખરું ને! શમૂએલે યુવાનીમાં જ એવા ગુણો કેળવ્યા અને બતાવ્યા એ સારું હતું, કેમ કે મોટી ઉંમરે તેમણે ઘણી નિરાશાઓ સામે ઝઝૂમવાનું હતું.
“તારા દીકરા તારા માર્ગોમાં ચાલતા નથી”
૧૪, ૧૫. (ક) ‘વૃદ્ધ થયા’ પછી શમૂએલે કઈ મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો? (ખ) એલીની જેમ શમૂએલ શું બેફિકર પિતા હતા? સમજાવો.
૧૪ એ પછી આપણે શમૂએલ વિશે વાંચીએ ત્યારે, તે ‘વૃદ્ધ થઈ ગયા’ છે. શમૂએલને બે દીકરાઓ, યોએલ અને અબીયા થયા હતા, જેઓ હવે મોટા થઈ ગયા છે. લોકોનો ન્યાય કરવામાં પોતાને મદદ કરવાની જવાબદારી સોંપીને શમૂએલે તેઓ પર ભરોસો મૂક્યો હતો. તેમનો ભરોસો તેઓ ધોઈને પી ગયા. ખરું કે શમૂએલ પ્રમાણિક અને નેક હતા, પણ તેમના દીકરાઓએ પોતાની પદવીનો ફાયદો ઉઠાવીને ન્યાય ઊંધો વાળ્યો અને લાંચ ખાવા લાગ્યા.—૧ શમૂ. ૮:૧-૩.
૧૫ ઇઝરાયેલના વડીલો વૃદ્ધ પ્રબોધક શમૂએલ પાસે આવ્યા અને ફરિયાદ કરી: “તારા દીકરા તારા માર્ગોમાં ચાલતા નથી.” (૧ શમૂ. ૮:૪, ૫) શું શમૂએલને એની જાણ હતી? અહેવાલ એવું જણાવતો નથી. જોકે, શમૂએલ કંઈ એલી જેવા બેફિકર પિતા ન હતા. એલીએ પોતાના દુષ્ટ દીકરાઓને સુધારવા કંઈ કર્યું ન હતું. ઈશ્વર કરતાં પોતાના દીકરાઓને વધારે માન આપવા બદલ યહોવાએ એલીને ઠપકો આપીને સજા કરી હતી. (૧ શમૂ. ૨:૨૭-૨૯) યહોવાએ એવો કોઈ દોષ શમૂએલમાં જોયો ન હતો.
૧૬. બંડખોર બાળકોનાં મમ્મી-પપ્પાએ કેવી પીડા સહેવી પડે છે? તેઓને શમૂએલના દાખલામાંથી કઈ રીતે દિલાસો અને માર્ગદર્શન મળી શકે?
૧૬ પોતાના દીકરાઓનાં દુષ્ટ કામોની જાણ થયા પછી, શરમ, ચિંતા કે નિરાશાથી શમૂએલનું દિલ કેટલું દુભાતું હતું, એ વિશે અહેવાલ કંઈ પ્રકાશ પાડતો નથી. ઘણાં માબાપ શમૂએલના દિલની હાલત સારી રીતે સમજી શકતાં હશે. આજની અંધારી દુનિયામાં મમ્મી-પપ્પાનાં અધિકાર અને શિસ્ત સામે બંડખોર વલણ એક ચેપી રોગની જેમ ફેલાયેલું છે. (૨ તિમોથી ૩:૧-૫ વાંચો.) એવી પીડા સહેતાં માતા-પિતાને શમૂએલના દાખલામાંથી અમુક હદે દિલાસો અને માર્ગદર્શન મળી શકે. દીકરાઓની બેવફાઈને લીધે તે પોતાના જીવન-માર્ગથી ફંટાયા નહિ. ભૂલશો નહિ, ભલે શબ્દો અને શિસ્તથી કઠણ દિલ નરમ ન બને, તોપણ માબાપનો દાખલો બાળકોના દિલ પર ઊંડી છાપ પાડી શકે છે. શમૂએલની જેમ, પિતા યહોવાને ગર્વ થાય, એ રીતે વર્તવાની માતા-પિતા પાસે તક રહેલી છે.
“અમને રાજા ઠરાવી આપ”
૧૭. ઇઝરાયેલના વડીલોએ શમૂએલ પાસે કઈ માંગ કરી અને શમૂએલે શું કર્યું?
૧૭ શમૂએલના દીકરાઓએ કલ્પના પણ કરી નહિ હોય કે તેઓના લોભ અને સ્વાર્થની કેટલી બધી અસર થશે. ઇઝરાયેલના વડીલોએ શમૂએલને કહ્યું: ‘બીજી સર્વ પ્રજાઓની જેમ અમારો ન્યાય કરવા માટે અમને રાજા ઠરાવી આપ.’ શું એવું લાગે છે કે એ માંગને લીધે શમૂએલનો નકાર થયો હતો? યહોવા માટે વર્ષોથી શમૂએલ જ લોકોનો ન્યાય કરતા હતા. હવે તેઓને શમૂએલ જેવા કોઈ પ્રબોધક નહિ, પણ રાજા જોઈતો હતો. આસપાસની પ્રજાઓને રાજાઓ હતા અને ઇઝરાયેલને પણ એવું જ જોઈતું હતું! આપણે વાંચીએ છીએ કે, “તે વાતથી શમૂએલને માઠું લાગ્યું.”—૧ શમૂ. ૮:૫, ૬.
૧૮. યહોવાએ કઈ રીતે શમૂએલને દિલાસો આપ્યો અને ઇઝરાયેલનું મોટું પાપ પણ ખુલ્લું પાડ્યું?
૧૮ શમૂએલે એ વિશે યહોવાને પ્રાર્થના કરી. પણ, યહોવાએ આમ જણાવ્યું: “લોકો તને જે કહે છે તે સર્વમાં તું તેમનું કહેવું સાંભળ; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે.” શમૂએલને એનાથી ઘણો દિલાસો મળ્યો. પણ, લોકોએ સર્વશક્તિમાન ઈશ્વર પર કેવો કાદવ ઉછાળ્યો હતો! યહોવાએ શમૂએલને જણાવ્યું કે માનવ રાજા માંગવાની તેઓએ કેવી ભારે કિંમત ચૂકવવી પડશે, એ વિશે ઇઝરાયેલી લોકોને ચેતવે. શમૂએલે એ જણાવ્યું ત્યારે, લોકોએ જિદ્દ પકડી: “ના, ના; અમારે તો અમારા પર રાજા જોઈએ જ.” શમૂએલ કાયમ પોતાના ઈશ્વરને આધીન રહેતા, એટલે તેમણે જઈને યહોવાએ પસંદ કરેલી વ્યક્તિને રાજા બનાવ્યા.—૧ શમૂ. ૮:૭-૧૯.
૧૯, ૨૦. (ક) ઇઝરાયેલના રાજા તરીકે શાઊલનો અભિષેક કરવા વિશે શમૂએલે કઈ રીતે યહોવાનું કહેવું માન્યું? (ખ) શમૂએલ કઈ રીતે યહોવાના લોકોને મદદ કરતા રહ્યા?
૧૯ જોકે, શમૂએલે કઈ રીતે યહોવાની વાત માની? શું મનમાં ખાર ભરીને કે કરવા ખાતર કરીને? નિરાશાને લીધે શું તેમણે મનમાં ઝેર રેડાવા દીધું અને દિલમાં કડવાશ ભરી રાખી? આવા સંજોગોમાં ઘણા માણસો એવું કરી શકે, પણ શમૂએલ એવા ન હતા. તેમણે શાઊલનો રાજા તરીકે અભિષેક કર્યો અને સ્વીકાર્યું કે તેમને યહોવાએ પસંદ કર્યા હતા. નવા રાજાને આવકારવા અને આધીનતા બતાવવા તેમણે શાઊલને ચુંબન કર્યું. તેમણે લોકોને કહ્યું: “યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો કે તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી.”—૧ શમૂ. ૧૦:૧, ૨૪.
૨૦ યહોવાએ પસંદ કરેલા રાજામાં શમૂએલે સારું જ જોયું, તેમનામાં ખામીઓ ન શોધી. શમૂએલે ઈશ્વરને વળગી રહેવા પર જ ધ્યાન આપ્યું, કાચીંડાની જેમ રંગ બદલતા લોકો પર નહિ. (૧ શમૂ. ૧૨:૧-૪) તેમણે પૂરી શ્રદ્ધાથી પોતાની જવાબદારી નિભાવી. લોકોને યહોવા સાથેના સંબંધની આડે આવતાં જોખમો વિશે સલાહસૂચન આપ્યાં અને યહોવાને વળગી રહેવા ઉત્તેજન આપ્યું. તેમની સલાહ તેઓના દિલમાં ઊતરી ગઈ. લોકોએ પોતાના માટે પ્રાર્થના કરવા તેમને કાલાવાલા કર્યા. શમૂએલે આ સુંદર જવાબ આપ્યો: ‘મારા વિશે પૂછો તો, તમારા માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારા તથા ખરા માર્ગે હું તમને કેળવીશ.’—૧ શમૂ. ૧૨:૨૧-૨૪.
શમૂએલનો દાખલો યાદ અપાવે છે કે આપણે કદીયે ઈર્ષા અથવા કડવાશને દિલમાં ઘર કરવા ન દઈએ
૨૧. બીજા કોઈને અમુક જવાબદારી કે લહાવો મળવાથી, તમે નિરાશ થયા હો તો શમૂએલનો દાખલો કઈ રીતે મદદરૂપ થઈ શકે?
૨૧ અમુક જવાબદારી કે લહાવા બીજા કોઈને મળે ત્યારે, શું તમે નિરાશ થાઓ છો? શમૂએલનો દાખલો જોરદાર બોધપાઠ શીખવે છે કે કદીયે અદેખાઈ કે કડવાશને દિલમાં ઘર કરવા ન દઈએ. (નીતિવચનો ૧૪:૩૦ વાંચો.) ઈશ્વર પોતાના બધા જ ભક્તોને સંતોષકારક કામ આપે છે, જે ઘણા આશીર્વાદ લાવે છે.
“ક્યાં સુધી તું તેને માટે શોક કરશે?”
૨૨. શરૂઆતમાં શાઊલમાં સારા ગુણો હતા, એ જોવામાં શમૂએલ કઈ રીતે સાચા હતા?
૨૨ શાઊલમાં સારું જોવામાં શમૂએલ સાચા હતા. શાઊલ બીજાઓ કરતાં અલગ, દેખાવે ઊંચા અને પ્રભાવશાળી, બહાદુર અને કામ કરવામાં હોશિયાર હતા. શરૂઆતમાં તે નમ્ર હતા, ઘમંડી નહિ. (૧ શમૂ. ૧૦:૨૨, ૨૩, ૨૭) તેમની પાસે એક અનમોલ ભેટ પણ હતી, પસંદગી કરવાનો હક્ક. તે પોતાનો જીવનમાર્ગ પસંદ કરી શકતા અને પોતાના નિર્ણયો જાતે લઈ શકતા. (પુન. ૩૦:૧૯) તેમણે એ ભેટનો કેવો ઉપયોગ કર્યો?
૨૩. શાઊલે સૌથી પહેલા કયો અમૂલ્ય ગુણ ગુમાવ્યો? તે કઈ રીતે વધારે ઘમંડી બનતા ગયા?
૨૩ દુઃખની વાત છે કે સત્તાનું જોર હાથમાં આવતા, ઘણી વાર સૌથી પહેલાં નમ્રતા ઓસરી જાય છે. બહુ જલદી જ, શાઊલ ઘમંડી બનવા લાગ્યા. શમૂએલે આપેલા યહોવાના હુકમોને આધીન ન થવાનું તેમણે પસંદ કર્યું. એકવાર શાઊલે અધીરા બનીને, શમૂએલે ચડાવવાનાં અર્પણ પોતે ચડાવી દીધાં. શમૂએલે તેમને સખત ઠપકો આપવો પડ્યો અને જણાવ્યું કે શાઊલના કુટુંબમાં રાજગાદી કાયમ માટે રહેશે નહિ. ઠપકો સ્વીકારીને કંઈક શીખવાને બદલે, શાઊલે વધારે ખરાબ કામો કરીને યહોવાની આજ્ઞાઓ તોડી.—૧ શમૂ. ૧૩:૮, ૯, ૧૩, ૧૪.
૨૪. (ક) અમાલેકીઓ સામેના યુદ્ધમાં શાઊલે કઈ રીતે યહોવાની આજ્ઞા તોડી? (ખ) શાઊલે ઠપકો સાંભળીને શું કર્યું અને યહોવાનો નિર્ણય શું હતો?
૨૪ શમૂએલ દ્વારા યહોવાએ શાઊલને અમાલેકીઓ સામે યુદ્ધ લડવા જણાવ્યું. યહોવાએ દુષ્ટ રાજા અગાગને મારી નાખવાનો હુકમ પણ કર્યો હતો. તેમ છતાં, શાઊલે અગાગને જીવતો રાખ્યો; તેમ જ લૂંટમાંથી સારી સારી ચીજ-વસ્તુઓ પણ સાચવી રાખી, જેનો નાશ કરવાનો હતો. શમૂએલ તેની ભૂલ સુધારવા આવ્યા ત્યારે, શાઊલે દેખાડી આપ્યું કે તે કેટલી હદે બદલાઈ ગયો હતો. નમ્ર બનીને સલાહ સ્વીકારવાને બદલે શાઊલે દલીલો કરી; બહાનાં કાઢીને છટકી જવાની કોશિશ કરી; પોતે લીધેલા નિર્ણયોને યોગ્ય ઠરાવવાની કોશિશ કરી; મૂળ વાત બાજુએ મૂકીને લોકો પર દોષનો ટોપલો ચઢાવવાનો પ્રયત્ન કર્યો. શાઊલે શિસ્ત પર જરાય ધ્યાન ન આપ્યું; જ્યારે તેણે દાવો કર્યો કે લૂંટનો અમુક ભાગ તો યહોવાને અર્પણ કરવા માટે હતો, ત્યારે શમૂએલે આ જાણીતા શબ્દો કહ્યા: “જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારું છે.” શમૂએલે હિંમતથી કડક શબ્દોમાં ઠપકો આપ્યો અને યહોવાનો નિર્ણય જણાવ્યો: શાઊલ પાસેથી રાજગાદી ઝૂંટવી લેવામાં આવશે, ને તેના કરતાં સારા માણસને આપવામાં આવશે.a—૧ શમૂ. ૧૫:૧-૩૩.
૨૫, ૨૬. (ક) શમૂએલે કેમ શાઊલ માટે શોક કર્યો અને યહોવાએ કઈ રીતે પોતાના પ્રબોધકને પ્રેમથી સુધાર્યા? (ખ) યિશાઈના ઘરે ગયા ત્યારે શમૂએલને કયો બોધપાઠ શીખવા મળ્યો?
૨૫ શાઊલની નિષ્ફળતાને લીધે શમૂએલ ખૂબ દુઃખી થયા. શમૂએલે આખી રાત રડતાં રડતાં યહોવાને એ વિશે વિનંતી કરી. શાઊલ માટે તેમણે શોક પણ પાળ્યો. શમૂએલે શાઊલમાં ઘણા સારા ગુણો જોયા હતા; શાઊલ ઘણું કરી શક્યા હોત, પણ હવે શમૂએલની આશાઓ પર પાણી ફરી વળ્યું. જે શાઊલને તે ઓળખતા હતા, એ બદલાઈ ગયો હતો. શાઊલે પોતાના સુંદર ગુણો ગુમાવી દીધા હતા અને યહોવાથી મોં ફેરવી લીધું હતું. શમૂએલ ફરી શાઊલને જોવા માંગતા ન હતા. જોકે, સમય જતાં યહોવાએ પ્રેમથી શમૂએલને પોતાના વિચારો બદલવા મદદ કરી અને કહ્યું: ‘શાઊલને ઇઝરાયેલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ; કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.’—૧ શમૂ. ૧૫:૩૪, ૩૫; ૧૬:૧.
૨૬ યહોવા પોતાનો હેતુ પૂરો કરવા માટે પાપી ઇન્સાન પર આધાર રાખતા નથી, જે આજે વફાદાર છે અને કાલે નથી. જો એક માણસ બેવફા બને, તો યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા બીજા કોઈને શોધી કાઢશે. એટલે, વૃદ્ધ શમૂએલે શાઊલ માટે શોક મનાવવાનું છોડી દીધું. યહોવાના માર્ગદર્શનથી તે બેથલેહેમમાં યિશાઈના ઘરે ગયા અને તેમના દેખાવડા છોકરાઓને મળ્યા. જોકે, શમૂએલ પહેલા છોકરાને મળ્યા ત્યારે જ યહોવાએ યાદ કરાવ્યું કે તે ફક્ત બહારનો દેખાવ ન જુએ. (૧ શમૂએલ ૧૬:૭ વાંચો.) છેવટે, શમૂએલ સૌથી નાના દીકરાને મળ્યા. એ છોકરો હતો દાઊદ—યહોવાનો પસંદ કરાયેલો!
શમૂએલે અનુભવ કર્યો કે ઈશ્વરભક્તો પર ગમે એવી નિરાશા આવી પડે, યહોવા એમાંથી માર્ગ કાઢી શકે છે, અરે, એને આશીર્વાદમાં બદલી શકે છે
૨૭. (ક) પોતાની શ્રદ્ધા વધારે મક્કમ કરવા શમૂએલને શામાંથી મદદ મળી? (ખ) શમૂએલે બેસાડેલા દાખલા વિશે તમને કેવું લાગે છે?
૨૭ જીવનનાં આખરી વર્ષોમાં, શમૂએલ વધારે સ્પષ્ટ રીતે જોઈ શક્યા કે શાઊલની જગ્યાએ દાઊદને લાવવાનો યહોવાનો નિર્ણય એકદમ ખરો હતો. શાઊલે ભડકે બળતી ઈર્ષાને લીધે દાઊદને મારી નાખવાની કોશિશ કરી અને યહોવાનો વિરોધી પણ બન્યો. જોકે, દાઊદે હિંમત, પ્રમાણિકતા, શ્રદ્ધા અને વફાદારી જેવા સુંદર ગુણો બતાવ્યા. શમૂએલના જીવનનો અંત નજીક આવ્યો એમ તેમની શ્રદ્ધા વધારે ને વધારે મક્કમ બનતી ગઈ. તેમણે અનુભવ કર્યો કે ભલે નિરાશ કરતી કોઈ પણ મુશ્કેલી ઈશ્વરભક્તો પર આવે, યહોવા એમાંથી માર્ગ કાઢી શકે છે અને એને આશીર્વાદમાં બદલી શકે છે. આખરે, શમૂએલ મરણ પામ્યા. તેમની સોએક વર્ષની જીવન-સફર આપણા માટે જોરદાર દાખલો પૂરો પાડે છે. આખા ઇઝરાયેલે આ શ્રદ્ધાળુ ઈશ્વરભક્ત માટે શોક પાળ્યો! આજે પણ યહોવાના ભક્તો આ સવાલ પર મનન કરી શકે: ‘શું હું શમૂએલની શ્રદ્ધાને પગલે ચાલીશ?’
a શમૂએલે પોતે અગાગને મારી નાખ્યો. એ દુષ્ટ રાજા અને તેનું કુટુંબ દયાને લાયક ન હતાં. સદીઓ પછી, અગાગના વંશજોમાં ‘અગાગી હામાનનો’ સમાવેશ થયો, જેણે ઈશ્વરના બધા લોકોનું નામોનિશાન મિટાવી દેવાનો પ્રયત્ન કર્યો.—એસ્તેર ૮:૩; આ પુસ્તકનાં પ્રકરણ ૧૫ અને ૧૬ જુઓ.