પ્રકરણ ૧૩
“મંદિરનું વર્ણન કર”
ઝલક: હઝકિયેલને મંદિરનું દર્શન થયું એનો અર્થ
૧-૩. (ક) હઝકિયેલે જે મંદિરનું દર્શન જોયું, એનાથી તેમને કેમ દિલાસો મળ્યો હશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ પ્રકરણમાં આપણે શાના વિશે જોઈશું?
હવે હઝકિયેલ ૫૦ વર્ષના થયા. તેમને ગુલામીમાં ગયાને લગભગ ૨૫ વર્ષ થઈ ગયા છે. યરૂશાલેમમાં યહોવાનું મંદિર વર્ષોથી ખંડેર પડ્યું છે. હઝકિયેલે યરૂશાલેમના મંદિરમાં યાજક તરીકે સેવા કરવાનું સપનું જોયું હશે. તેમનું એ સપનું પણ વેરવિખેર થઈ ગયું હશે. હજુ તો બીજાં ૫૬ વર્ષ પછી ગુલામીનો અંત આવશે. હઝકિયેલને ખબર છે કે પોતે એટલું લાંબું જીવવાના નથી. તે યહોવાના લોકોને ગુલામીમાંથી આઝાદ થઈને વતન પાછા જતા જોઈ શકવાના નથી. એટલે યહોવાનું મંદિર ફરીથી બંધાતા જોવાની અને શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ થતા જોવાની તો વાત જ બાજુ પર રહી. (યર્મિ. ૨૫:૧૧) શું આ બધું વિચારીને હઝકિયેલ નિરાશામાં ડૂબી ગયા?
૨ યહોવાએ હઝકિયેલ પર કેટલી અપાર કૃપા બતાવી! યહોવાએ તેમને ખરા સમયે એક દર્શન બતાવ્યું. એનાથી તેમને ચોક્કસ દિલાસો મળ્યો હશે, તેમની હિંમત વધી હશે. આ દર્શનમાં હઝકિયેલને ઘણું બધું બતાવવામાં આવે છે. તેમને પોતાના વતન પાછા લઈ જઈને ઊંચા પર્વત પર ઊભા રાખવામાં આવે છે. તે ત્યાં એક માણસને મળે છે. “તે જાણે તાંબાનો બનેલો હોય એવો દેખાતો હતો.” એ તો સ્વર્ગદૂત છે. તે હઝકિયેલને યહોવાના મંદિરમાં ફેરવે છે. તે ત્યાંની એકેએક વસ્તુ બતાવે છે. (હઝકિયેલ ૪૦:૧-૪ વાંચો.) હઝકિયેલને એ દર્શન એકદમ સાચૂકલું લાગ્યું હશે. તેમને લાગ્યું હશે કે તે મંદિરમાં જ ફરે છે. એનાથી તેમની શ્રદ્ધા ચોક્કસ મક્કમ થઈ હશે. એ જોઈને હઝકિયેલની નવાઈનો પાર રહ્યો નહિ હોય! સાથે સાથે તે મૂંઝવણમાં પડી ગયા હશે કે આ મંદિર તો એકદમ જુદું છે. વર્ષો પહેલાં યરૂશાલેમમાં જે મંદિર જોયું હતું, એના કરતાં આ કેમ અલગ છે? આમ જોવા જઈએ તો આ મંદિર અને યરૂશાલેમનું મંદિર ઘણી રીતે સરખું હતું. પણ અમુક રીતે દર્શનમાં જોયેલું આ મંદિર એકદમ જોરદાર હતું!
૩ હઝકિયેલના છેલ્લા નવ અધ્યાયોમાં એ જોરદાર દર્શનની વાત થઈ છે. ચાલો એ દર્શનનો વિચાર કરવા આપણું મન તૈયાર કરીએ. આપણે જોઈએ કે એની માહિતી કઈ રીતે સમજવી જોઈએ. સદીઓ પછી પાઉલે પણ એક ભવ્ય મંદિર વિશે વાત કરી. આપણે જોઈશું કે પાઉલે જે ભવ્ય મંદિર વિશે જણાવ્યું અને હઝકિયેલે દર્શનમાં જે મંદિર જોયું, એ એક જ છે કે કેમ. છેલ્લે જોઈશું કે ગુલામીમાં ગયેલા હઝકિયેલ અને તેમની સાથેના ઈશ્વરભક્તો માટે હઝકિયેલે જોયેલા મંદિરના એ દર્શનનો શું મતલબ થતો હતો.
દર્શન કઈ રીતે સમજવું જોઈએ?
૪. (ક) હઝકિયેલે જોયેલા મંદિરના દર્શન વિશે પહેલાં આપણે શું માનતા હતા? (ખ) હવે મંદિર વિશે શું લાગે છે?
૪ હઝકિયેલે જોયેલા મંદિર વિશે પહેલાં આપણા સાહિત્યમાં કેવી સમજણ આપવામાં આવતી હતી? એમાં એવું બતાવવામાં આવતું કે હઝકિયેલે જોયેલું મંદિર અને પાઉલે જણાવેલું યહોવાનું ભવ્ય મંદિર એક જ છે. પાઉલે જે મંદિર વિશે વાત કરી હતી, એના વિશે હિબ્રૂઓના પત્રમાં જણાવ્યું છે.a એટલે પહેલાં આપણે માનતા હતા કે હઝકિયેલે દર્શનમાં જે મંદિર જોયું, એના અમુક ભાગ કોઈ વ્યક્તિ કે વસ્તુને બતાવે છે. પાઉલે મુલાકાતમંડપના ભાગોનો મતલબ સમજાવ્યો હતો. એના પરથી હઝકિયેલે જોયેલા મંદિરના ભાગોનો મતલબ જાણી શકાય છે. પણ એ વિશેની વધારે સમજણ માટે ઘણી પ્રાર્થના કરવામાં આવી, વધારે અભ્યાસ અને મનન કરવામાં આવ્યાં. એનાથી ખબર પડી કે હઝકિયેલે જોયેલું મંદિર અને પાઉલે જણાવેલું ભવ્ય મંદિર એક જ હોય એવું લાગતું નથી.
૫, ૬. (ક) મુલાકાતમંડપની સમજણ આપતી વખતે પાઉલે કઈ રીતે નમ્રતા બતાવી? (ખ) મુલાકાતમંડપની અમુક વસ્તુઓ વિશે પાઉલે શું કહ્યું? (ગ) હઝકિયેલે જોયેલા મંદિરનું દર્શન સમજતી વખતે પાઉલની જેમ કઈ રીતે નમ્ર રહેવું જોઈએ?
૫ હઝકિયેલે મંદિરનું દર્શન જોયું. એ મંદિરનો દરેક ભાગ શાને રજૂ કરે છે, એ વિશે શોધખોળ કરવા બેસી જવું ન જોઈએ. કેમ નહિ? આપણે એક વાત ધ્યાનમાં લઈએ, પાઉલે મુલાકાતમંડપ અને ભવ્ય મંદિરની વાત કરી. એમાં તેમણે અમુક ભાગો વિશે જણાવ્યું. જેમ કે, સોનાની ધૂપદાની, કરારકોશનું ઢાંકણ અને માન્ના ભરેલી સોનાની બરણી. શું પાઉલે બતાવ્યું હતું કે એ વસ્તુઓનો ભવિષ્યવાણી પ્રમાણે શું અર્થ થાય? ના. પવિત્ર શક્તિએ પાઉલને એમ કરવાની પ્રેરણા આપી ન હતી. પાઉલે તો ફક્ત એટલું જ લખ્યું કે “એ વાતો વિશે વિગતવાર જણાવવાનો આ સમય નથી.” (હિબ્રૂ. ૯:૪, ૫) પાઉલ નમ્ર હતા. પવિત્ર શક્તિ દ્વારા જે કહેવામાં આવ્યું એટલું જ તેમણે લખ્યું, એનાથી વધારે કે ઓછું નહિ. તેમણે ધીરજથી રાહ જોઈ કે યહોવા એની સમજણ આપે.—હિબ્રૂ. ૯:૮.
૬ હઝકિયેલે જોયેલા મંદિરના દર્શનની સમજણ વિશે આપણે પાઉલની જેમ નમ્ર રહેવું જોઈએ. મંદિર વિશે ઘણી બધી માહિતી આપવામાં આવી છે. પણ આપણે એનો મતલબ સમજવા માટે યહોવાના સમયની રાહ જોવી જોઈએ. યહોવાને જરૂર લાગશે તો યોગ્ય સમયે એનો અર્થ સમજાવશે. (મીખાહ ૭:૭ વાંચો.) તો પછી શું યહોવાની પવિત્ર શક્તિએ હજુ સુધી આ દર્શન વિશે કોઈ સમજણ નથી આપી? આપી છે ને!
શું હઝકિયેલે એ જ મંદિર જોયું હતું, જેના વિશે પાઉલે વાત કરી હતી?
૭, ૮. (ક) આપણી સમજણમાં કયો ફેરફાર થયો છે? (ખ) હઝકિયેલે જોયેલું મંદિર પાઉલે જણાવેલા ભવ્ય મંદિર કરતાં કઈ રીતે અલગ હતું?
૭ હઝકિયેલે જોયેલા મંદિર વિશે ઘણાં વર્ષોથી આપણે શું માનતા હતા, એ આગળ જોઈ ગયા. આપણે માનતા હતા કે એ મંદિર યહોવાના ભવ્ય મંદિરને રજૂ કરે છે, જેના વિશે પાઉલે હિબ્રૂઓને લખેલા પત્રમાં વાત કરી હતી. પણ એ વિષય પર વધારે શોધખોળ કરવાથી શું જાણવા મળે છે? એ જ કે હઝકિયેલે જોયેલું મંદિર એ ભવ્ય મંદિર ન હોય શકે, જેની પાઉલે વાત કરી હતી. કેમ નહિ?
૮ પહેલું કારણ, હઝકિયેલે મંદિર વિશે જે જણાવ્યું અને પાઉલે ભવ્ય મંદિર વિશે જે સમજાવ્યું, એ બંને અલગ જ છે. આનો વિચાર કરો: પાઉલે મૂસાના સમયના મુલાકાતમંડપ વિશે શું કહ્યું? તેમણે જણાવ્યું કે એ મંડપ તો કંઈક વધારે ભવ્ય હોય, એને રજૂ કરે છે. મુલાકાતમંડપમાં “પરમ પવિત્ર સ્થાન” હતું. સુલેમાને બનાવેલા મંદિરમાં અને ઝરુબ્બાબેલે બનાવેલા મંદિરમાં પણ એવું જ હતું. પાઉલે કહ્યું કે એ મુલાકાતમંડપની પવિત્ર જગ્યા હતી. એ તો ‘હાથે બનાવેલું પવિત્ર સ્થાન’ હતું અને “ખરા પવિત્ર સ્થાનની નકલ” હતું. તો પછી ખરું પવિત્ર સ્થાન શું છે? પાઉલે સમજાવ્યું કે એ તો ‘સ્વર્ગ’ છે. (હિબ્રૂ. ૯:૩, ૨૪) પણ શું હઝકિયેલે દર્શનમાં સ્વર્ગ જોયું હતું? ના. હઝકિયેલનું દર્શન એવું કંઈ જણાવતું નથી કે તેમણે સ્વર્ગની ચીજવસ્તુઓ જોઈ હોય.b
૯, ૧૦. બલિદાનોની વાત આવે ત્યારે હઝકિયેલે જોયેલા મંદિર અને પાઉલે જણાવેલા ભવ્ય મંદિરમાં કયો ફરક છે?
૯ હઝકિયેલે જે મંદિર દર્શનમાં જોયું અને પાઉલે જે ભવ્ય મંદિર વિશે સમજાવ્યું, એમાં બીજો એક મોટો ફરક છે. એ છે બલિદાનો. હઝકિયેલે દર્શનમાં સાંભળ્યું કે લોકોને, આગેવાનોને અને યાજકોને બલિદાનો ચઢાવવા વિશે ઘણાં બધાં સૂચનો આપવામાં આવ્યાં હતાં. તેઓએ પોતાનાં પાપ માટે બલિદાનો કે અર્પણો ચઢાવવાનાં હતાં. તેઓએ શાંતિ-અર્પણો પણ ચઢાવવાનાં હતાં. એ અર્પણોમાંથી અમુક ભાગ તેઓ મંદિરના ભોજનખંડોમાં બેસીને ખાય શકતા હતા. (હઝકિ. ૪૩:૧૮, ૧૯; ૪૪:૧૧, ૧૫, ૨૭; ૪૫:૧૫-૨૦, ૨૨-૨૫) પાઉલે જે ભવ્ય મંદિર વિશે વાત કરી, એમાં પણ શું એવાં અર્પણો કે બલિદાનો વારંવાર ચઢાવવામાં આવતાં હતાં?
હઝકિયેલે જોયેલું મંદિર પાઉલે જણાવેલું ભવ્ય મંદિર નથી
૧૦ એનો જવાબ એકદમ સહેલો છે. પાઉલે જણાવ્યું હતું: “ખ્રિસ્ત પ્રમુખ યાજક બનીને આવ્યા ત્યારે આપણા માટે એ આશીર્વાદો લઈને આવ્યા, જે આપણને મળી ચૂક્યા છે. તે એ મંડપમાં ગયા, જે વધારે મહત્ત્વનો અને વધારે સંપૂર્ણ છે. એ મંડપ માણસોના હાથે બનેલો નથી, એટલે કે આ દુનિયાનો નથી. તે બકરા અને વાછરડાના લોહી સાથે નહિ, પણ તેમના પોતાના લોહી સાથે પવિત્ર સ્થાનમાં એક જ વાર અને હંમેશ માટે ગયા અને આપણને કાયમી ઉદ્ધાર અપાવ્યો.” (હિબ્રૂ. ૯:૧૧, ૧૨) એનાથી શું જાણવા મળે છે? એ જ કે પાઉલે જણાવેલા ભવ્ય મંદિરમાં ફક્ત એક જ બલિદાન ચઢાવવામાં આવ્યું હતું. એ બલિદાન એક જ વાર ચઢાવવામાં આવ્યું હતું. એ છે ઈસુ ખ્રિસ્તનું બલિદાન, જે છુટકારાની કિંમત તરીકે આપવામાં આવ્યું. સૌથી મહાન પ્રમુખ યાજક ઈસુએ પોતે એ બલિદાન આપ્યું હતું. હઝકિયેલે દર્શનમાં જે મંદિર જોયું, એમાં બકરા અને આખલાનાં ઘણાં બલિદાનો ચઢાવવામાં આવતાં. એટલે એક વાત તો પાકી છે કે એ મંદિર પાઉલે જણાવેલું ભવ્ય મંદિર નથી.
૧૧. હઝકિયેલના દિવસોમાં મંદિર વિશેની સમજણ આપવાનો યહોવાનો સમય કેમ ન હતો?
૧૧ આ બધું જોતા બીજું એક કારણ ખબર પડે છે કે હઝકિયેલે જોયેલું મંદિર, પાઉલે જણાવેલું ભવ્ય મંદિર કેમ ન હોય શકે. એ કારણ શું છે? એ જ કે હઝકિયેલના દિવસોમાં હજુ સમય આવ્યો ન હતો કે યહોવા એ મંદિર વિશે સમજણ આપે. આપણે ભૂલીએ નહિ કે હઝકિયેલનું દર્શન સૌથી પહેલા તો ગુલામીમાં ગયેલા યહૂદીઓને લાગુ પડતું હતું. તેઓ મૂસાનો નિયમ પાળતા હતા. ગુલામીમાંથી આઝાદ થઈને યહૂદીઓએ યરૂશાલેમ પાછા જવાનું હતું. ત્યાં જઈને તેઓએ ફરીથી મંદિર અને વેદી બાંધીને મૂસાના નિયમ પ્રમાણે ભક્તિ કરવાની હતી. એ લોકોએ ત્યાં જઈને બલિદાનો પણ ચઢાવવાનાં હતાં. તેઓએ એવું જ કર્યું. યહૂદીઓએ યરૂશાલેમ પાછા ફરીને આશરે ૬૦૦ વર્ષ સુધી બલિદાનો ચઢાવ્યાં. હવે જરા વિચારો, જો હઝકિયેલે જોયેલું મંદિર પાઉલે જણાવેલા ભવ્ય મંદિરને બતાવતું હોત, તો યહૂદીઓ પર એની કેવી અસર પડી હોત? વિચારો કે લોકોને કહેવામાં આવે કે પ્રમુખ યાજક મંદિરમાં પોતાનું બલિદાન ચઢાવે છે. હવેથી લોકોએ બીજું કોઈ બલિદાન ચઢાવવાની જરૂર નથી. એ સાંભળીને તેઓને કેવું લાગ્યું હોત? શું તેઓ મૂસાનો નિયમ પાળવામાં ઠંડા ન પડી ગયા હોત? આપણે જાણીએ છીએ કે યહોવા ખરા સમયે સમજણ આપે છે. પોતાના લોકો એ સમજણ પચાવવા તૈયાર હોય ત્યારે જ તે તેઓને સત્યની સમજણ આપે છે.
૧૨-૧૪. હઝકિયેલે જે મંદિરની વાત કરી અને પાઉલે જે ભવ્ય મંદિરની સમજણ આપી, એ બે વચ્ચે શું સંબંધ છે? (“બે અલગ અલગ મંદિરથી શું શીખવા મળે છે?” બૉક્સ જુઓ.)
૧૨ તો પછી હઝકિયેલે જે મંદિરની વાત કરી અને પાઉલે જે ભવ્ય મંદિરની સમજણ આપી, એ બે વચ્ચે શું સંબંધ છે? ધ્યાનમાં લઈએ કે પાઉલે આપેલી ભવ્ય મંદિરની સમજણ શાના આધારે હતી. એ સમજણ હઝકિયેલે દર્શનમાં જોયેલા મંદિરના આધારે ન હતી. એ તો મૂસાના સમયના મુલાકાતમંડપના આધારે હતી. ખરું કે પાઉલે જણાવેલા ભવ્ય મંદિરમાં અમુક ભાગ સુલેમાને બાંધેલા મંદિર અને ઝરુબ્બાબેલે બાંધેલા મંદિર જેવા હતા. એટલું જ નહિ, એ ભવ્ય મંદિરમાં અમુક ભાગ હઝકિયેલે જોયેલા મંદિરને પણ મળતા આવતા હતા. આમ જોવા જઈએ તો હઝકિયેલે મંદિરની જે સમજણ આપી, એમાં અલગ મુદ્દા ચમકાવ્યા હતા. પાઉલે ભવ્ય મંદિરની જે સમજણ આપી, એમાં અલગ મુદ્દા ચમકાવ્યા હતા.c એ બંને ઈશ્વરભક્તોએ એકસરખી વાતો લખવાને બદલે, એ રીતે લખાણ કર્યું જે એકબીજાની સમજણમાં વધારો કરે.
૧૩ હઝકિયેલે જે કહ્યું અને પાઉલે જે કહ્યું, એ બંને એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે? ચાલો જોઈએ. પાઉલે જે કીધું એનાથી ખબર પડે છે કે શુદ્ધ ભક્તિ માટે યહોવાએ કઈ ગોઠવણ કરી છે. હઝકિયેલે જે કીધું એનાથી ખબર પડે છે કે શુદ્ધ ભક્તિ માટે યહોવાનાં કયાં ધોરણો છે. શુદ્ધ ભક્તિ માટેની યહોવાની ગોઠવણ વિશે પાઉલે કઈ રીતે સમજાવ્યું? તેમણે મુલાકાતમંડપની અમુક ગોઠવણનો મતલબ સમજાવ્યો. જેમ કે, પ્રમુખ યાજક, બલિદાનો, વેદી અને પરમ પવિત્ર સ્થાન. હઝકિયેલે મંદિર વિશે જે સમજણ આપી, એનાથી શુદ્ધ ભક્તિ માટે યહોવાનાં ધોરણો વિશે શું શીખવા મળે છે? એ જ કે યહોવાનાં ધોરણો એકદમ ઊંચાં છે. મંદિરની સમજણ પરથી આપણને યહોવાનાં ધોરણો વિશે અનેક મહત્ત્વની વાતો શીખવા મળે છે.
૧૪ હઝકિયેલે જે દર્શન જોયું હતું, એની આપણને નવી સમજણ મળી છે. પણ એનો એ મતલબ નથી કે આપણા માટે એનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે. આજે આપણને એ દર્શનમાંથી શું શીખવા મળે છે? ચાલો જોઈએ કે અગાઉના વફાદાર યહૂદીઓને એ દર્શનમાંથી શું શીખવા મળ્યું હતું.
ગુલામીમાં ગયેલા યહૂદીઓ માટે દર્શનનો શું અર્થ થતો હતો?
૧૫. (ક) હઝકિયેલના દર્શનમાં કયો સંદેશો આપવામાં આવ્યો હતો? (ખ) હઝકિયેલના ૮મા અધ્યાય અને ૪૦-૪૮મા અધ્યાયોમાં કયો ફરક જોવા મળે છે?
૧૫ બાઇબલમાંથી એનો જવાબ મેળવવા ચાલો અમુક સવાલોનો વિચાર કરીએ. એનાથી આખું ચિત્ર જોઈ શકીશું અને સારી સમજણ મેળવી શકીશું. પહેલો સવાલ, દર્શનમાં કયો સંદેશો આપવામાં આવ્યો હતો? ટૂંકમાં કહીએ તો, યહોવાની શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ થશે. હઝકિયેલના મનમાં એ વાત એકદમ સાફ હતી. તેમને જરાય શંકા ન હતી. હઝકિયેલના પુસ્તકના ૮મા અધ્યાયમાં શું જોઈ ગયા? એમાં આપણે જોયું કે યહોવાએ ખુલ્લેઆમ બતાવ્યું કે યરૂશાલેમના મંદિરમાં કેટલાં નીચ અને અધમ કામો થતાં હતાં! પણ હઝકિયેલના પુસ્તકના ૪૦-૪૮ અધ્યાયોમાં એનાથી સાવ અલગ બતાવવામાં આવ્યું છે. એના વિશે લખતી વખતે હઝકિયેલને કેટલી બધી ખુશી થઈ હશે! એ અધ્યાયોમાં એવું તો શું છે? એમાં બતાવવામાં આવ્યું છે કે મૂસાના નિયમ પ્રમાણે યહોવાની ભક્તિ કઈ રીતે થઈ રહી છે. એ તો રાજા-મહારાજા યહોવાની ભક્તિની જોરદાર ઝલક આપે છે!
૧૬. હઝકિયેલના દર્શનથી યશાયાએ કીધેલી વાત કઈ રીતે સાચી સાબિત થઈ?
૧૬ યહોવા જ ભક્તિના હકદાર છે. આપણે ફક્ત તેમની ભક્તિ કરવી જોઈએ અને તેમનો જયજયકાર કરવો જોઈએ. હઝકિયેલના સમયથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં યશાયા પ્રબોધકે કીધું હતું: “છેલ્લા દિવસોમાં યહોવાના મંદિરનો પર્વત બીજા પર્વતોનાં શિખરો પર અડગ થશે. એ બીજા ડુંગરો કરતાં પણ ઊંચો કરાશે.” (યશા. ૨:૨) યશાયાને એક ઝલક આપવામાં આવી હતી કે યહોવાની ભક્તિ ફરી થવા લાગશે. તેમની ભક્તિને સૌથી મહત્ત્વની ગણવામાં આવશે. તેમની ભક્તિ જાણે સૌથી ઊંચા પર્વત પર કરવામાં આવશે. જરા યાદ કરો કે હઝકિયેલે જે દર્શન જોયું, એમાં પણ યહોવાની ભક્તિ “ખૂબ ઊંચા પર્વત પર” કરવામાં આવતી હતી. (હઝકિ. ૪૦:૨) હઝકિયેલના દર્શનથી યશાયાએ કીધેલી વાત સાચી સાબિત થઈ કે યહોવાની શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે.
૧૭. હઝકિયેલ ૪૦-૪૮ અધ્યાયોની ઝલક આપો.
૧૭ ચાલો હઝકિયેલ અધ્યાય ૪૦-૪૮માં મંદિરની ઝલક જોઈએ. આપણે જોઈએ કે હઝકિયેલે શું જોયું અને શું સાંભળ્યું. હઝકિયેલ એક સ્વર્ગદૂતને જુએ છે. સ્વર્ગદૂત મંદિરની ચારે બાજુની દીવાલ માપે છે. તે દરવાજા, આંગણાં અને પવિત્ર સ્થાન પણ માપે છે. (હઝકિ. ૪૦-૪૨) પછી એક જોરદાર બનાવ બને છે. યહોવા મંદિરમાં આવે છે. યહોવા તેમના માર્ગમાંથી ભટકી ગયેલા લોકોને, યાજકોને અને આગેવાનોને સલાહ-સૂચનો આપે છે. (હઝકિ. ૪૩:૧-૧૨; ૪૪:૧૦-૩૧; ૪૫:૯-૧૨) હઝકિયેલ એક નદી જુએ છે. એ પવિત્ર સ્થાનમાંથી નીકળીને મૃત સરોવરમાં મળે છે. એ જ્યાં જ્યાં વહે છે, ત્યાં ત્યાં જીવન આપે છે. એ આશીર્વાદોનો વરસાદ વરસાવે છે. (હઝકિ. ૪૭:૧-૧૨) હઝકિયેલ જુએ છે કે દરેક કુળને એકસરખી જમીન વહેંચી આપવામાં આવે છે. દેશની વચ્ચે ભક્તિ કરવાની જગ્યા છે. (હઝકિ. ૪૫:૧-૮; ૪૭:૧૩–૪૮:૩૫) આ બધું બતાવીને યહોવા પોતાના લોકોને ખાતરી કરાવવા માંગતા હતા કે શુદ્ધ ભક્તિ ચોક્કસ ફરી શરૂ થશે. તેમનો જયજયકાર કરવામાં આવશે. યહોવા જાણે એ મંદિરમાં હશે. તે પોતાના લોકોને અઢળક આશીર્વાદો આપશે. તેઓને સાજા કરશે અને જીવન આપશે. તેઓ ફરીથી વસાવેલા દેશમાં સુખ-શાંતિથી જીવશે.
૧૮. શું હઝકિયેલે જોયેલું દર્શન એ બતાવતું હતું કે એવું મંદિર બનાવવામાં આવશે? સમજાવો.
૧૮ બીજો સવાલ, શું હઝકિયેલે જોયેલું દર્શન એ બતાવતું હતું કે એવું મંદિર બનાવવામાં આવશે? ના, હઝકિયેલ અને બીજા ઈશ્વરભક્તો ગુલામીમાં હતા ત્યારે, તેમને આ દર્શન થયું. તેમણે પોતાની સાથેના ઈશ્વરભક્તોને એ દર્શન વિશે જણાવ્યું. તેઓ સમજી શક્યા કે એ દર્શન કંઈ સાચૂકલા મંદિર બનાવવા વિશે કહેતું ન હતું. કેમ નહિ? યાદ રાખીએ કે હઝકિયેલે દર્શનમાં જોયેલું મંદિર “ખૂબ ઊંચા પર્વત પર” હતું. ખરું કે એ યશાયાએ ભવિષ્યવાણીમાં જણાવેલા મંદિરની જેમ ઊંચા પર્વત પર હતું. પણ હઝકિયેલે જોયેલું મંદિર એટલું મોટું હતું કે યરૂશાલેમમાં જે જગ્યાએ મંદિર હતું, એટલી જગ્યામાં તો એ આવી જ ન શકે. સુલેમાનનું મંદિર યરૂશાલેમમાં મોરિયા પર્વત પર બાંધવામાં આવ્યું હતું. એક દિવસ યહૂદીઓ ગુલામીમાંથી પાછા વતન આવશે અને એ જ જગ્યાએ ફરીથી મંદિર બાંધશે. શું મોરિયા પર્વત ‘ખૂબ ઊંચો પર્વત’ હતો? ના, એની આસપાસ એવા ઘણા પર્વતો હતા, જે એના જેટલા ઊંચા હતા અથવા તો એનાથી પણ ઊંચા હતા. હઝકિયેલે દર્શનમાં જોયેલું મંદિર બહુ મોટું હતું. એટલું જ નહિ, એની આજુબાજુ ઘણી બધી જમીન હતી અને એની ચારે બાજુ દીવાલ હતી. એ બધું મોરિયા પર્વત પર કઈ રીતે સમાય શકે? અરે, એ તો સુલેમાનના દિવસોમાં જે યરૂશાલેમ શહેર હતું, એમાં પણ સમાય શક્યું ન હોત. ગુલામીમાં ગયેલા યહૂદીઓ એવું પણ સમજ્યા નહિ હોય કે મંદિરના પવિત્ર સ્થાનમાંથી એક નદી નીકળે અને મૃત સરોવરને જઈને મળે. એ નદી મૃત સરોવરના પાણીને મીઠું પાણી બનાવી દે. બીજું કે હઝકિયેલે દર્શનમાં જોયું કે બધાં કુળોને એકસરખી જમીન વહેંચી આપવાની હતી, જે સપાટ જમીન હતી. પણ વચનનો દેશ તો પહાડી વિસ્તાર હતો.d એનાથી યહૂદીઓ એવું સમજ્યા નહિ હોય કે હઝકિયેલે દર્શનમાં જોયેલા મંદિર જેવું મંદિર બનાવવામાં આવશે.
૧૯-૨૧. (ક) હઝકિયેલના સમયમાં લોકોને દર્શન વિશે કેમ બતાવવામાં આવ્યું? (ખ) એ દર્શનથી લોકોને કેવું લાગવું જોઈતું હતું?
૧૯ ત્રીજો સવાલ, હઝકિયેલના સમયમાં લોકોને દર્શન વિશે કેમ બતાવવામાં આવ્યું? એનું કારણ એ કે લોકો એ દર્શન પર મનન કરે. એનાથી તેઓ જોઈ શકે કે શુદ્ધ ભક્તિ માટેનાં યહોવાનાં ધોરણો કેટલાં ઊંચાં છે! આ રીતે તેઓને પોતાનાં નીચ કામો પર શરમ આવે. યહોવાએ હઝકિયેલને કીધું કે “ઇઝરાયેલી લોકો આગળ મંદિરનું વર્ણન કર.” હઝકિયેલે મંદિર વિશે ઝીણામાં ઝીણી વાત કહેવાની હતી, જેથી લોકો “નકશાને ધ્યાન આપે” અને પોતાનાં મનમાં એનું ચિત્ર ઊભું કરે. લોકોએ મંદિર વિશે કેમ મનન કરવાનું હતું? એ માટે નહિ કે તેઓએ એના જેવું કોઈ મંદિર બનાવવાનું હતું. પણ એટલા માટે કે યહોવાએ કીધું હતું એમ “તેઓ પોતાના ગુનાઓને લીધે શરમાય.”—હઝકિયેલ ૪૩:૧૦-૧૨ વાંચો.
૨૦ મંદિર વિશે જાણીને ખરાં દિલના લોકોને કેવું લાગ્યું હશે? તેઓનું દિલ ડંખ્યું હશે. તેઓને પોતાના પર શરમ આવવા લાગી હશે. કેમ એવું? યાદ કરો કે હઝકિયેલને શું કહેવામાં આવ્યું હતું: “હે માણસના દીકરા, યહોવાના મંદિરના જે કાયદા-કાનૂન અને નિયમો હું તને જણાવું, એના પર ધ્યાન આપ અને એ કાન દઈને સાંભળ.” (હઝકિ. ૪૪:૫) હઝકિયેલને કાયદા-કાનૂન અને નિયમો વિશે વારંવાર જણાવવામાં આવ્યું હતું. (હઝકિ. ૪૩:૧૧, ૧૨; ૪૪:૨૪; ૪૬:૧૪) તેમને યહોવાનાં ઊંચાં ધોરણો વિશે પણ વારંવાર જણાવવામાં આવ્યું હતું. અરે, તેમને તો એક હાથનું માપ અને વજનિયાંના સાચા માપ વિશે પણ જણાવવામાં આવ્યું હતું. (હઝકિ. ૪૦:૫; ૪૫:૧૦-૧૨; નીતિવચનો ૧૬:૧૧ સરખાવો.) હઝકિયેલે આ એક જ દર્શનમાં “માપ” અને “નક્કી કરેલું માપ” જેવા શબ્દો મૂળ ભાષામાં ૫૦થી વધારે વાર વાપર્યા છે.
૨૧ નક્કી કરેલું માપ, વજનિયાં, નિયમો અને કાયદા-કાનૂન વિશે યહોવાએ કેમ વાત કરી? યહોવા પોતાના લોકોને આ સનાતન સત્ય જણાવવા માંગતા હતા: ભક્તિ માટે ઊંચાં ધોરણો નક્કી કરવાનો હક ફક્ત અને ફક્ત યહોવાને જ છે. જે લોકોએ યહોવાનાં એ ધોરણો પાળ્યાં ન હતાં, તેઓનાં માથાં શરમથી ઝૂકી જવાં જોઈતાં હતાં. પણ એ દર્શનમાંથી યહૂદીઓ એ બધું કઈ રીતે શીખ્યા? હવે પછીના પ્રકરણમાં આપણે એના અમુક દાખલા જોઈશું. એનાથી આપણને એ જાણવા મદદ મળશે કે એ જોરદાર દર્શનનો આજે આપણા માટે શું અર્થ થાય.
a એ મંદિર ભક્તિ માટેની ગોઠવણ છે, જે યહોવાએ કરી છે. યહોવાએ આ ગોઠવણ ઈસુના બલિદાનના આધારે કરી છે. આપણે માનીએ છીએ કે એ ગોઠવણની શરૂઆત ૨૯ની સાલમાં થઈ.
b ધ્યાન આપો કે હઝકિયેલનું દર્શન દાનિયેલના દર્શન કરતાં કઈ રીતે અલગ છે (દાનિયેલ અધ્યાય ૭). દાનિયેલે દર્શનમાં સ્વર્ગ જોયું હતું.—દાનિ. ૭:૯, ૧૦, ૧૩, ૧૪.
c દાખલા તરીકે, પાઉલે ધ્યાન દોર્યું કે પ્રાયશ્ચિત્તના દિવસે પ્રમુખ યાજક શું કરતા હતા. (હિબ્રૂ. ૨:૧૭; ૩:૧; ૪:૧૪-૧૬; ૫:૧-૧૦; ૭:૧-૧૭, ૨૬-૨૮; ૮:૧-૬; ૯:૬-૨૮) જ્યારે કે, હઝકિયેલના દર્શનમાં પ્રમુખ યાજક અથવા પ્રાયશ્ચિત્તના દિવસ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.
d પાન ૨૧૨ પર નકશો જુઓ.