પાઠ ૩૯
લોહી વિશે ઈશ્વરના વિચારો જાણો
આપણા માટે લોહી ખૂબ જ જરૂરી છે. એના વગર કોઈ પણ માણસ જીવતો રહી ન શકે. યહોવાએ આપણને બનાવ્યા છે. એટલે તેમને એ કહેવાનો અધિકાર છે કે લોહીનો ઉપયોગ કઈ રીતે કરવો. તેમણે લોહી વિશે કઈ આજ્ઞા આપી છે? શું આપણે લોહી ખાઈ કે પી શકીએ? શું આપણે નસ દ્વારા લોહી લઈ શકીએ કે બીજાઓને આપી શકીએ? લોહી વિશે સારો નિર્ણય કઈ રીતે લઈ શકીએ? ચાલો જોઈએ.
૧. લોહી વિશે યહોવા શું વિચારે છે?
યહોવાએ પ્રાચીન સમયના ઈશ્વરભક્તોને કહ્યું હતું: “દરેક પ્રકારના પ્રાણીનો જીવ તેના લોહીમાં છે.” (લેવીય ૧૭:૧૪) યહોવાની નજરમાં લોહી જીવનને રજૂ કરે છે. જીવન ઈશ્વર પાસેથી મળેલી ભેટ છે અને એ ખૂબ પવિત્ર છે, એટલે લોહી પણ ખૂબ પવિત્ર છે.
૨. લોહી વિશે યહોવાએ કઈ આજ્ઞા આપી છે?
નૂહના સમયમાં મોટું પૂર આવ્યું એ પછી યહોવાએ પોતાના લોકોને કહ્યું હતું કે તેઓ લોહી ન ખાય. સમય જતાં, એ જ આજ્ઞા તેમણે ઇઝરાયેલીઓને પણ આપી. (ઉત્પત્તિ ૯:૪ અને લેવીય ૧૭:૧૦ વાંચો.) સદીઓ પછી જ્યારે ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ, ત્યારે પણ લોહી વિશેની યહોવાની આજ્ઞા બદલાઈ ન હતી. નિયામક જૂથે મંડળોને આજ્ઞા આપી હતી, ‘લોહીથી દૂર રહો.’—પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૮, ૨૯ વાંચો.
લોહીથી દૂર રહેવાનો શું અર્થ થાય? ધારો કે ડૉક્ટરે તમને દારૂથી દૂર રહેવાનું કહ્યું છે. હવે તમે શું કરશો? તમે દારૂ નહિ પીવો, ખરું ને! પણ શું તમે એવું વિચારશો, ‘ડૉક્ટરે દારૂ પીવાની ના પાડી છે. પણ હું એને ખોરાકમાં ભેળવીને ખાઈ શકું છું અથવા એને નસો દ્વારા ચઢાવી શકું છું’? ના, તમે એવું નહિ વિચારો. એવી જ રીતે, યહોવા લોહીથી દૂર રહેવાની આજ્ઞા આપે છે ત્યારે એનો અર્થ થાય કે, આપણે લોહી ખાવું કે પીવું ન જોઈએ. એવા પ્રાણીનું માંસ ખાવું ન જોઈએ, જેમાંથી લોહી વહી ગયું ન હોય. એવો ખોરાક પણ ખાવો ન જોઈએ, જેમાં લોહી ભેળવ્યું હોય.
સારવારમાં લોહીના ઉપયોગ વિશે શું? કદાચ ડૉક્ટર દર્દીની સારવારમાં લોહીનો ઉપયોગ કરે. જેમ કે, તેને લોહી ચઢાવે અથવા લોહીના આ ચાર મુખ્ય ભાગોમાંથી કોઈનો ઉપયોગ કરે: રક્તકણો (રેડ સેલ્સ), શ્વેતકણો (વ્હાઇટ સેલ્સ), પ્લેટલેટ્સ અને પ્લાઝમા. એવી સારવાર સીધેસીધી રીતે ઈશ્વરના નિયમ વિરુદ્ધ છે. પણ અમુક સારવારમાં બીજી રીતોએ લોહીનો ઉપયોગ થાય છે અને એ વિશે બાઇબલમાં કોઈ નિયમ નથી આપ્યો. એવી સારવારો કઈ છે? અમુક દવાઓ બનાવવામાં લોહીના અંશો વપરાય છે. લોહીના અંશો એટલે કે એવાં પ્રોટીન, વિટામિન અને બીજાં તત્ત્વો જેઓને રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્સ કે પ્લાઝમામાંથી લેવામાં આવે છે. બીજી અમુક સારવારમાં દર્દીના જ લોહીનો ઉપયોગ થાય છે. સારવારમાં લોહીના અંશો લેવા કે નહિ અથવા પોતાના જ લોહીનો ઉપયોગ કરવો કે નહિ એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે, જે તેણે સમજી-વિચારીને લેવો જોઈએ.a—ગલાતીઓ ૬:૫.
વધારે જાણો
લોહીની વાત આવે ત્યારે કઈ સારવાર લેવી અને કઈ ન લેવી એનો નિર્ણય લેવા તમને શું મદદ કરશે? ચાલો જોઈએ.
૩. યહોવા ખુશ થાય એવા નિર્ણય લો
સારવાર વિશે તમે કેવો નિર્ણય લેશો જેથી યહોવા ખુશ થાય? વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં નીચે આપેલાં સૂચનો પ્રમાણે કરવું કેમ જરૂરી છે?
બુદ્ધિ અને સમજણ માટે યહોવાને પ્રાર્થના કરો.—યાકૂબ ૧:૫.
બાઇબલ સિદ્ધાંતો જાણવા સંશોધન કરો અને એ કઈ રીતે લાગુ પડે છે એ જુઓ.—નીતિવચનો ૧૩:૧૬.
તમારા વિસ્તારમાં કઈ સારવાર મળી શકે છે એની તપાસ કરો.
એમાંથી તમે કઈ સારવાર લેવા નથી માંગતા એ જુઓ.
તમે જે સારવાર લેવાનો નિર્ણય લો એનાથી તમારું મન સાફ રહે એનું ધ્યાન રાખો.—પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૬.b
અંતઃકરણને આધારે નિર્ણય લેવાનો હોય ત્યારે, એ નિર્ણય તમારે પોતે લેવો પડશે. તમારા માટે બીજું કોઈ નિર્ણય નહિ લઈ શકે, પછી ભલે એ તમારા પતિ કે પત્ની હોય, મંડળના કોઈ વડીલ હોય કે તમને શીખવનાર ભાઈ કે બહેન હોય.—રોમનો ૧૪:૧૨.
તમે જે નિર્ણય લો એ લખી લો.
૪. યહોવાના સાક્ષીઓ સૌથી સારી સારવાર લેવા ચાહે છે
લોહી વિશે ઈશ્વરની આજ્ઞા પાળવી અને સાથે સાથે લોહી વગરની સારવાર લેવી એ શક્ય છે. વીડિયો જુઓ.
તિતસ ૩:૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આપણે કેમ ડૉક્ટરો સાથે આદરથી વાત કરવી જોઈએ અને તેઓને સહકાર આપવો જોઈએ?
યહોવાના ભક્તોથી ન લેવાય |
યહોવાના ભક્તો પોતે નિર્ણય લેશે |
---|---|
ક. પ્લાઝમા |
પ્લાઝમાના અંશો |
ખ. શ્વેતકણો |
શ્વેતકણોના અંશો |
ગ. પ્લેટલેટ્સ |
પ્લેટલેટ્સના અંશો |
ઘ. રક્તકણો |
રક્તકણોના અંશો |
૫. સારવારમાં લોહીના અંશો લેવાની વાત આવે ત્યારે
લોહીના ચાર મુખ્ય ભાગ છે: રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્સ અને પ્લાઝમા. લોહીના આ મુખ્ય ભાગોમાંથી પણ બીજા નાના નાના અંશોc અલગ કરવામાં આવે છે. લોહીના એ અંશમાંથી અમુક દવાઓ બનાવવામાં આવે છે, જે બીમારીઓ સામે લડવા અને લોહી વહેતું અટકાવવા મદદ કરે છે.
તો શું યહોવાના ભક્તો સારવારમાં લોહીના અંશો લઈ શકે? એ નિર્ણય વ્યક્તિએ પોતે લેવાનો છે અને એ પણ બાઇબલ સિદ્ધાંતોથી કેળવાયેલા અંતઃકરણને આધારે. કદાચ અમુક ભાઈ-બહેનો એવો નિર્ણય લે કે તેઓ કોઈ પણ રીતે લોહીના અંશોનો ઉપયોગ નહિ કરે, પછી ભલે એ કોઈ ઑપરેશન માટે, દવા માટે કે લોહીના ટેસ્ટ માટે હોય. પણ કદાચ બીજાં ભાઈ-બહેનો નિર્ણય લે કે તેઓ સારવારમાં લોહીના અંશો લેશે.
એ વિશે નિર્ણય લેતી વખતે પોતાને આ સવાલો પૂછો:
હું કેમ લોહીના અંશો લઉં છું અથવા નથી લેતો? એ વાત હું ડૉક્ટરને કઈ રીતે સમજાવીશ?
અમુક લોકો કહે છે: “લોહી ચઢાવવામાં કે રક્તદાન કરવામાં શું ખોટું છે? એનાથી તો લોકોનું જીવન બચે છે.”
જો કોઈ તમને આવું કહે તો તમે શું કહેશો?
આપણે શીખી ગયા
યહોવા ચાહે છે કે આપણે લોહીને પવિત્ર ગણીએ.
તમે શું કહેશો?
યહોવા કેમ લોહીને પવિત્ર ગણે છે?
શાના આધારે કહી શકીએ કે યહોવાએ લોહીથી દૂર રહેવાની જે આજ્ઞા આપી છે, એ લોહી ચઢાવવાને પણ લાગુ પડે છે?
સારવાર વિશે સારો નિર્ણય લેવા તમે શું કરી શકો?
વધારે માહિતી
શું તમે એવી સારવાર લેશો જેમાં તમારા લોહીનો ઉપયોગ થતો હોય? એવો નિર્ણય લેતા પહેલાં તમે શાનું ધ્યાન રાખી શકો?
શું તમે સારવારમાં લોહીના અંશો લેશો? એ નિર્ણય લેતા પહેલાં તમે શાનું ધ્યાન રાખી શકો?
એક ડૉક્ટરને કઈ રીતે ભરોસો થયો કે લોહી વિશે યહોવાના વિચારો યોગ્ય છે? ચાલો જોઈએ.
આ વીડિયોમાં જુઓ કે હૉસ્પિટલ સંપર્ક સમિતિમાં સેવા આપતા વડીલો કઈ રીતે ભાઈ-બહેનોને મદદ કરે છે.
c અમુક ડૉક્ટરો લોહીના ચાર મુખ્ય ભાગોને પણ લોહીના અંશ કહે છે. એટલે તમે ડૉક્ટર સાથે વાત કરો ત્યારે તમારે કદાચ જણાવવું પડે કે તમે લોહી નહિ લો તેમજ રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્સ અને પ્લાઝમા પણ નહિ લો.