યહોવાહના ન્યાયીપણામાં આનંદ કરવો
“જે માણસ ભલાઇ, પ્રેમ અને દયાથી વર્તે છે, તેને જીવન, ન્યાયીપણું અને માન મળે છે.”—નીતિવચનો ૨૧:૨૧, IBSI.
“એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.” (નીતિવચનો ૧૬:૨૫) આ બાઇબલ નીતિવચન આપણા સમયના લોકોનું કેવું ચોકસાઈભર્યું વર્ણન કરે છે! સામાન્ય રીતે, લોકો પોતાને જે યોગ્ય લાગે છે એને જ વધારે મહત્ત્વ આપે છે. આમ, તેઓ બીજા લોકોની સામાન્ય જરૂરિયાતોને અવગણે છે. (નીતિવચનો ૨૧:૨) તેઓ દેશના નિયમો અને ધોરણોને ફક્ત ઉપરછલ્લું જ માન આપે છે. હકીકતમાં, તેઓ એ નિયમોમાંથી છટકબારી શોધતા ફરે છે. પરિણામે, આજે લોકોમાં ઘણા ભાગલા પડી ગયા છે અને તેઓ ગુંચવાયેલા જોવા મળે છે.—૨ તીમોથી ૩:૧-૫.
૨ આપણા પોતાના લાભ માટે તેમ જ આખી માણસજાતની શાંતિ અને સલામતી માટે, આપણને એવા ન્યાયી નિયમો અને ધોરણોની તાકીદે જરૂર છે, જેને સર્વ લોકો ખુશીથી સ્વીકારે અને પાળે. દેખીતી રીતે જ, કોઈ પણ વ્યક્તિ ગમે એટલી બુદ્ધિશાળી કે પ્રમાણિક હોય, તે આપણી જરૂરિયાતો પૂરી કરી શકે એવા નિયમો બનાવી શકતી નથી. (યિર્મેયાહ ૧૦:૨૩; રૂમી ૩:૧૦, ૨૩) તેથી, જો આવા ધોરણો હોય તો, આપણે એ ક્યાંથી મેળવી શકીએ અને એ શાના જેવા હશે? સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આવા ધોરણો હોય તો, શું તમે એને ખુશીથી સ્વીકાર્યા હોત?
ન્યાયી ધોરણો શોધવા
૩ દરેક જણ માટે લાભદાયી અને સ્વીકાર્ય હોય એવા ધોરણો મેળવવા, આપણે એવી વ્યક્તિ પાસે જવું જોઈએ કે જેના પર જ્ઞાતિ, સમાજ કે રાજકીય બંધનોની કોઈ અસર ન હોય. તેમ જ જેનામાં માનવીઓની જેમ ડહાપણની ખામી ન હોય અને તે પાપી પણ ન હોય. નિઃશંક, આવી લાયક અને અજોડ વ્યક્તિ, આપણા ઉત્પન્નકર્તા, સર્વશક્તિમાન યહોવાહ પરમેશ્વર જ હોય શકે. તે જણાવે છે: “જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.” (યશાયાહ ૫૫:૯) વધુમાં, બાઇબલ યહોવાહનું ‘તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ, વિશ્વાસુ તથા સત્ય દેવ, ન્યાયી તથા ખરા’ તરીકે વર્ણન કરે છે. (પુનર્નિયમ ૩૨:૪) આખા બાઇબલમાં આપણને, “યહોવાહ ન્યાયી છે” એવું વક્તવ્ય જોવા મળે છે. (નિર્ગમન ૯:૨૭; ૨ કાળવૃત્તાંત ૧૨:૬; ગીતશાસ્ત્ર ૧૧:૭; ૧૨૯:૪; યિર્મેયાહનો વિલાપ ૧:૧૮) હા, ઉચ્ચ ધોરણો માટે આપણે યહોવાહ પર આધાર રાખી શકીએ કેમ કે તે વિશ્વાસુ, ખરા અને ન્યાયી છે.
૪ આજે મોટા ભાગના લોકો, બીજાઓ કરતાં પોતાને વધારે ન્યાયી કે પવિત્ર ગણનારા લોકોને પસંદ કરતા નથી, અથવા તેઓને અનાદરથી જુએ છે. તેમ છતાં, શબ્દકોશમાં “ન્યાયી” એટલે યથાર્થ, પ્રમાણિક, ધાર્મિક; નિર્મળ, નિષ્પાપી; પરમેશ્વરના નૈતિકતાના નિયમો કે ધોરણો પ્રમાણે ચાલનાર; યોગ્ય કે સાચી રીતે વર્તનાર થાય છે. શું તમે આવા ઉત્તમ વિશેષણો ધરાવતા નિયમો કે ધોરણોને સ્વીકારવામાં આનંદ નહિ અનુભવો?
૫ ન્યાયીપણાના ગુણ વિષે, એન્સાયક્લોપેડીયા જુડાઈકા બતાવે છે: “ન્યાયીપણું એ કંઈ વિચાર જ નથી, પરંતુ એ દરેક સંજોગમાં જે સાચું અને પ્રમાણિક છે, એ કરવા પર આધારિત છે.” દાખલા તરીકે, પરમેશ્વરનું ન્યાયીપણું એ તેમનો પવિત્રતા અને શુદ્ધતા જેવો વ્યક્તિગત કે આંતરિક ગુણ નથી. એનાથી ભિન્ન, તે ન્યાય અને પ્રમાણિકતાથી વ્યવહાર કરે છે એને બતાવે છે. આથી, એમ કહી શકાય કે યહોવાહ પવિત્ર અને શુદ્ધ હોવાને કારણે જે કંઈ કરે છે અને જે કંઈ તેમનામાંથી આવે છે, એ સર્વ ન્યાયી છે. બાઇબલ કહે છે તેમ, “યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭.
૬ પ્રેષિત પાઊલે રોમના ખ્રિસ્તીઓને પત્ર લખતી વખતે આ બાબત ભારપૂર્વક જણાવી. અમુક અવિશ્વાસી યહુદીઓ વિષે તેમણે લખ્યું: “કેમકે દેવના ન્યાયીપણા વિષે અજ્ઞાન હોવાથી અને પોતાના ન્યાયીપણાને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ દેવના ન્યાયીપણાને આધીન થયા નહિ.” (રૂમી ૧૦:૩) શા માટે પાઊલે આવી વ્યક્તિઓનો “દેવના ન્યાયીપણા વિષે અજ્ઞાન” તરીકે ઉલ્લેખ કર્યો? શું તેઓને નિયમો, એટલે કે પરમેશ્વરના ન્યાયી ધોરણો શીખવવામાં આવ્યા ન હતા? તેઓને જરૂર શીખવવામાં આવ્યા હતા! તેમ છતાં, તેઓમાંના મોટા ભાગના લોકો ન્યાયીપણાને બીજા લોકો સાથેના વ્યવહારમાં માર્ગદર્શક તરીકે જોતા ન હતા. એને બદલે, તેઓ એને ફક્ત એક સદ્ગુણ તરીકે અથવા ધાર્મિક નિયમો પાળવા ચીવટ રાખવાને અને એને મેળવવા સખત મહેનત કરવા તરીકે જોતા હતા. ઈસુના સમયના ધાર્મિક ગુરૂઓની જેમ, તેઓ ન્યાય અને ન્યાયીપણાનો ખરો અર્થ સમજવાનું ચૂકી ગયા.—માત્થી ૨૩:૨૩-૨૮.
૭ એનાથી ભિન્ન, યહોવાહના ન્યાયી ધોરણો તેમના સર્વ વ્યવહારમાં એકદમ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તે ન્યાયી છે, પણ તે જાણીજોઈને પાપ કરનારની ભૂલો, ભૂલી જતા નથી. આથી તે કંઈ કઠોર બની જતા નથી અથવા તેમનો ડર રાખીને તેમનાથી દૂર રહીએ એવા પણ બનતા નથી. એને બદલે, તેમના ન્યાયી કાર્યો, માણસજાતને તેમની પાસે પહોંચી જવાનો અને પાપના ભયંકર પરિણામથી બચવાનો માર્ગ પૂરો પાડે છે. તેથી, યહોવાહનું “ન્યાયી દેવ તથા ત્રાતા” તરીકે વર્ણન કરવામાં આવે એ યોગ્ય જ છે.—યશાયાહ ૪૫:૨૧.
ન્યાયીપણું અને તારણ
૮ યહોવાહના ન્યાયીપણા અને તેમણે કરેલી તારણની પ્રેમાળ જોગવાઈ વચ્ચેના સંબંધને સમજવા, તેમણે મુસા દ્વારા ઈસ્રાએલને આપેલા નિયમનો વિચાર કરો. નિયમ ન્યાયી હતો એ વિષે કોઈ જ શંકા નથી. મુસાએ પોતાના છેલ્લા શબ્દોમાં ઈસ્રાએલીઓને યાદ દેવડાવ્યું: “બીજી કઈ પ્રજા (ભલે તે ગમે તેટલી મહાન હોય) એવી છે કે જેની પાસે જે નિયમો હું આજે તમને ફરમાવું છું તેવા ન્યાયી નિયમો હોય?” (પુનર્નિયમ ૪:૮, IBSI) સદીઓ પછી, ઈસ્રાએલના રાજા દાઊદે કહ્યું: “યહોવાહના ઠરાવો સત્ય તથા તદન ન્યાયી છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૯.
૯ નિયમો દ્વારા, યહોવાહે ખરાં-ખોટાંના સંપૂર્ણ ધોરણો સ્પષ્ટ કર્યા. ઈસ્રાએલીઓને ફક્ત ધાર્મિક બાબતોમાં જ નહિ પરંતુ વેપારધંધામાં, વૈવાહિક સંબંધમાં, ખોરાક અને સ્વચ્છતાની બાબતમાં, તેમ જ કઈ રીતે વર્તવું જોઈએ એ વિષે નિયમમાં નાનામાં નાની બાબત સ્પષ્ટ કરવામાં આવી હતી. નિયમનો ભંગ કરનારને સખત શિક્ષા થતી હતી, અરે, કેટલાક કિસ્સામાં તો મરણની સજા પણ કરવામાં આવતી હતી.a પરંતુ, આજે ઘણા લોકો દાવો કરે છે તેમ, શું નિયમમાં બતાવવામાં આવેલી પરમેશ્વરની જરૂરિયાતો કડક, બોજરૂપ કે તેઓની સ્વતંત્રતા અને આનંદ છીનવી લેનાર હતી?
૧૦ યહોવાહને પ્રેમ કરનારાઓ માટે તેમના નિયમો અને વિધિઓ ઘણો આનંદ આપનારા હતા. દાખલા તરીકે, રાજા દાઊદે યહોવાહના નિયમો સાચા અને ન્યાયી તરીકે જ સ્વીકાર્યા નહિ પરંતુ તેમણે એના માટે દિલથી પ્રેમ અને કદર પણ બતાવ્યા. ‘યહોવાહના નિયમ’ વિષે તેમણે લખ્યું: “તેઓ સોના, હા, ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે; મધ, હા, મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ મીઠાં છે. વળી, તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૧૦, ૧૧.
૧૧ સદીઓ પછી, પાઊલે નિયમનું હજુ પણ વધારે મૂલ્ય વિષે બતાવ્યું. ગલાતીઓના પત્રમાં તેમણે લખ્યું: “આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ, માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારૂ નિયમશાસ્ર આપણો બાળશિક્ષક હતું.” (ગલાતી ૩:૨૪) પાઊલના સમયમાં, બાળશિક્ષક મોટા કુટુંબમાં સેવક કે દાસ હતા. બાળકોનું રક્ષણ કરવાની અને તેઓને શાળામાં લઈ જવાની તેમની ફરજ હતી. એવી જ રીતે, નિયમ ઈસ્રાએલીઓનું તેઓની આસપાસના રાષ્ટ્રોના અધમ નૈતિક અને ધાર્મિક આચરણોથી રક્ષણ કરતો હતો. (પુનર્નિયમ ૧૮:૯-૧૩; ગલાતી ૩:૨૩) વધુમાં, નિયમ તેઓને યાદ કરાવતો હતો કે તેઓ પાપી છે અને તેઓને માફી અને તારણની જરૂર છે. (ગલાતી ૩:૧૯) બલિદાનની ગોઠવણે ખંડણી બલિદાનની જરૂરત વિષે બતાવ્યું તેમ જ, સાચા મસીહ ઓળખી શકાય એનો પ્રબોધકીય નમૂનો પૂરો પાડ્યો. (હેબ્રી ૧૦:૧, ૧૧, ૧૨) આમ, યહોવાહે નિયમ દ્વારા પોતાનું ન્યાયીપણું વ્યક્ત કર્યું અને એ સાથે, તેમણે લોકોના ભલાને અને હંમેશના તારણને પણ ધ્યાનમાં રાખ્યું.
જેઓને પરમેશ્વરે ન્યાયી ગણ્યા
૧૨ યહોવાહે આપેલો નિયમ બધી જ રીતે ન્યાયી હોવાથી, એને આધીન રહીને ઈસ્રાએલીઓ પરમેશ્વર સમક્ષ ન્યાયી સ્થાન પ્રાપ્ત કરી શકતા હતા. મુસાએ વચનના દેશના ઉંબરે આવી ઊભેલા ઈસ્રાએલીઓને યાદ દેવડાવ્યું: “યહોવાહ આપણા દેવે આપણને ફરમાવ્યું છે તે મુજબ જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેની પ્રત્યે કાળજીથી પાળીએ, તો તે આપણા લાભમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.” (પુનર્નિયમ ૬:૨૫) વધુમાં, યહોવાહે વચન આપ્યું હતું: “તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા; કેમકે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે; હું યહોવાહ છું.”—લેવીય ૧૮:૫; રૂમી ૧૦:૫.
૧૩ દુઃખદપણે, રાષ્ટ્ર તરીકે ઈસ્રાએલીઓ ‘યહોવાહે જે ફરમાવ્યું હતું એ પાળવામાં’ નિષ્ફળ ગયા. અને આમ તેઓએ પરમેશ્વરે વચન આપેલા આશીર્વાદો ગુમાવ્યા. તેઓ પરમેશ્વરની આજ્ઞાઓ પાળવામાં નિષ્ફળ ગયા કારણ કે પરમેશ્વરનો નિયમ સંપૂર્ણ હતો પરંતુ તેઓ સંપૂર્ણ ન હતા. શું એનો અર્થ એવો થાય કે પરમેશ્વર અન્યાયી છે? બિલકુલ નહિ. પાઊલે લખ્યું: “તો આપણે શું અનુમાન કરીએ? શું દેવને ત્યાં અન્યાય છે? ના, એવું ન થાઓ.” (રૂમી ૯:૧૪) હકીકત એ છે કે નિયમ આપ્યા પહેલાં અને પછીના લોકો, અપૂર્ણ અને પાપી હતા, છતાં પરમેશ્વરે તેઓને ન્યાયી ગણ્યા હતા. પરમેશ્વરનો ભય રાખનારા આવા લોકોની યાદીમાં નુહ, ઈબ્રાહીમ, અયૂબ, રાહાબ અને દાનિયેલનો સમાવેશ થાય છે. (ઉત્પત્તિ ૭:૧; ૧૫:૬; અયૂબ ૧:૧; હઝકીએલ ૧૪:૧૪; યાકૂબ ૨:૨૫) તો પછી, પ્રશ્ન એ ઊભો થાય છે કે પરમેશ્વરે આ લોકોને કયા આધારે ન્યાયી ગણ્યા હતા?
૧૪ બાઇબલ માનવીઓને “ન્યાયી” કહે છે ત્યારે, એ નિષ્પાપી કે સંપૂર્ણતાને લાગુ પડતું નથી. એને બદલે, એ પરમેશ્વર અને માણસો પ્રત્યે પોતાની જવાબદારી પૂરી કરવાને બતાવે છે. દાખલા તરીકે, નુહને ‘ન્યાયી માણસ’ કહેવામાં આવ્યા કે જે ‘પોતાના જમાનામાં સીધા હતા.’ કારણ કે “દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.” (ઉત્પત્તિ ૬:૯, ૨૨; માલાખી ૩:૧૮) યોહાન બાપ્તિસ્મકના માબાપ, ઝખાર્યાહ અને એલીઝાબેથ “દેવની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.” (લુક ૧:૬) ઇટાલીના બિનઈસ્રાએલી સૂબેદાર કરનેલ્યસનું પણ “ન્યાયી તથા દેવનું ભય રાખનાર માણસ” તરીકે વર્ણન કરવામાં આવ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૨૨.
૧૫ વધુમાં, ન્યાયીપણું ફક્ત પરમેશ્વર જે માંગે છે એ પ્રમાણે કરવા જ નહિ પરંતુ, વ્યક્તિના વિશ્વાસ તેમ જ યહોવાહના વચનો માટે તેના હૃદયપૂર્વકના પ્રેમ અને કદર સાથે સંકળાયેલું છે. બાઇબલ બતાવે છે કે ઈબ્રાહીમે “ઈશ્વર પર વિશ્વાસ કર્યો ઈશ્વરે તેના વિશ્વાસને આધારે તેને ન્યાયી ગણ્યો.” (ઉત્પત્તિ ૧૫:૬, IBSI) ઈબ્રાહીમને ફક્ત પરમેશ્વરમાં જ નહિ પરંતુ તેમણે “સંતાન” વિષે આપેલા વચનમાં પણ વિશ્વાસ હતો. (ઉત્પત્તિ ૩:૧૫; ૧૨:૨; ૧૫:૫; ૨૨:૧૮) આ પ્રકારનો વિશ્વાસ અને આવા વિશ્વાસ પર આધારિત કાર્યોને લીધે, યહોવાહે ઈબ્રાહીમ સાથે સંબંધ રાખ્યો હતો અને ઈબ્રાહીમ તથા બીજી વિશ્વાસુ વ્યક્તિઓ અપૂર્ણ હોવા છતાં, તેઓને આશીર્વાદ આપ્યો હતો.—ગીતશાસ્ત્ર ૩૬:૧૦; રૂમી ૪:૨૦-૨૨.
૧૬ આખરે તો, માણસજાતમાં ન્યાયીપણું ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનમાં વિશ્વાસ કરવા પર આધારિત છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓને પાઊલે લખ્યું: “પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે.” (રૂમી ૩:૨૪) પાઊલ ખ્રિસ્ત સાથે સ્વર્ગીય રાજ્યમાં વારસદાર તરીકે પસંદ થયેલી વ્યક્તિઓ વિષે વાત કરતા હતા. પરંતુ ઈસુના ખંડણી બલિદાને બીજા લાખો લોકો માટે પરમેશ્વર સમક્ષ ન્યાયી સ્થાન મેળવવાની તક ખુલ્લી કરી. પ્રેષિત યોહાને સંદર્શનમાં ‘કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા’ જોઈ. “તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા; તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા.” શ્વેત ઝભ્ભા પરમેશ્વર સમક્ષ ન્યાયી અને શુદ્ધ સ્થાનને બતાવે છે. કારણ કે “તેઓએ પોતાનાં વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.”—પ્રકટીકરણ ૭:૯, ૧૪.
યહોવાહના ન્યાયીપણામાં હર્ષ કરવો
૧૭ યહોવાહે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને મોકલ્યા જેથી માણસજાત પરમેશ્વર સમક્ષ ન્યાયી સ્થાન મેળવી શકે. પરંતુ, આ ન્યાયી સ્થાન આપોઆપ આવી જતું નથી. એ માટે વ્યક્તિએ ખંડણીમાં વિશ્વાસ કરવો જોઈએ. યહોવાહને સમર્પણ કરીને પાણીનું બાપ્તિસ્મા લેવું જોઈએ અને પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં જીવવું જોઈએ. ત્યાર પછી, વ્યક્તિએ ન્યાયી ધોરણોને તેમ જ આત્મિક ગુણોને વળગી રહેવું જોઈએ. તીમોથીને સ્વર્ગીય તેડું હોવા છતાં, પ્રેષિત પાઊલે તેમને સલાહ આપી: “ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.” (૧ તીમોથી ૬:૧૧; ૨ તીમોથી ૨:૨૨) ઈસુએ સતત પ્રયત્ન કરતા રહેવા પર ભાર આપતા કહ્યું: “પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો.” આપણે પરમેશ્વરના રાજ્યના આશીર્વાદો મેળવવા માટે સખત મહેનત કરતા હોય શકીએ પરંતુ, શું આપણે યહોવાહના ન્યાયી ધોરણોને વળગી રહેવા એવા જ પ્રયત્નો કરીએ છીએ?—માત્થી ૬:૩૩.
૧૮ જોકે, ન્યાયીપણાના માર્ગને વળગી રહેવું કંઈ સહેલું નથી. તેમ જ આપણે સર્વ અપૂર્ણ છીએ અને સામાન્ય રીતે અન્યાયીપણા તરફ વધારે ઢળેલા છીએ. (યશાયાહ ૬૪:૬) વધુમાં, આપણે એવા લોકોથી ઘેરાયેલા છીએ કે જેઓને યહોવાહના ન્યાયી ધોરણોની કંઈ પડેલી નથી. આપણી પરિસ્થિતિ પણ લોતના સમય જેવી જ છે. તે નામીચા, દુષ્ટ શહેર સદોમમાં રહેતા હતા. પ્રેષિત પીતરે સમજાવ્યું કે ઝઝૂમી રહેલા વિનાશમાંથી લોતને બચાવવો, એ શા માટે યહોવાહને યોગ્ય લાગ્યું. તેમણે કહ્યું: “તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં દુષ્ટ કૃત્યો જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય ખિન્ન થતો હતો.” (૨ પીતર ૨:૭, ૮) તેથી, આપણે દરેકે પોતાને પૂછવું જોઈએ, ‘શું હું મારી આસપાસ ચાલી રહેલી અનૈતિકતાને અંદરથી સ્વીકારું છું? શું હું પ્રખ્યાત પરંતુ હિંસક મનોરંજન અને રમતગમતને ધિક્કારું છું? અથવા શું હું મારી આજુબાજુ ચાલી રહેલા અન્યાયી કામોને જોઈને લોતની જેમ ખિન્નતા અનુભવું છું?’
૧૯ આ મુશ્કેલ અને અનિશ્ચિત સમયોમાં, યહોવાહના ન્યાયીપણામાં હર્ષ કરીને આપણે સલામતી અને રક્ષણ મેળવીએ છીએ. “હે યહોવાહ, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?” એ પ્રશ્નોનો જવાબ રાજા દાઊદે આપ્યો: “જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે.” (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨) પરમેશ્વરના ન્યાયીપણાને વળગી રહીને અને એમાં હર્ષ કરીને આપણે તેમની સાથે સારો સંબંધ જાળવી શકીએ અને તેમની કૃપા તથા આશીર્વાદનો સતત આનંદ માણી શકીએ છીએ. આમ, આપણે જીવનમાં સંતોષ, સ્વમાન અને મનની શાંતિ મેળવીએ છીએ. યહોવાહ કહે છે “જે માણસ ભલાઇ, પ્રેમ અને દયાથી વર્તે છે, તેને જીવન, ન્યાયીપણું અને માન મળે છે.” (નીતિવચનો ૨૧:૨૧, IBSI) વધુમાં, આપણા જીવનમાં ન્યાયી અને સાચી બાબતો કરવામાં બનતો બધો જ પ્રયત્ન કરીને, આપણે ખુશીથી તેમની સાથે વ્યક્તિગત સંબંધ રાખી શકીશું અને નૈતિક તથા આત્મિક રીતે આપણા જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકીશું. ગીતકર્તાએ ગાયું: “ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.”—ગીતશાસ્ત્ર ૧૦૬:૩.
[ફુટનોટ]
a મુસાના નિયમની સવિસ્તાર માહિતી માટે, યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત શાસ્ત્રવચનો પર અંતરદૃષ્ટિ (અંગ્રેજી) ગ્રંથ બેના પાન ૨૧૪-૨૦ પર આપવામાં આવેલા લેખ “નિયમ કરારના કેટલાક પાસાઓ” જુઓ.
શું તમે સમજાવી શકો?
• ન્યાયીપણું શું છે?
• કઈ રીતે તારણ પરમેશ્વરના ન્યાયીપણા સાથે સંકળાયેલું છે?
• શાના આધારે પરમેશ્વર માણસજાતને ન્યાયી ગણે છે?
• આપણે કઈ રીતે યહોવાહના ન્યાયીપણામાં આનંદ કરી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આજે કયા માર્ગો લોકોને દુઃખદ પરિણામો તરફ દોરી ગયા છે?
૨. માણસજાતના ભલા માટે તાકીદે શાની જરૂર છે?
૩. સર્વ લોકોને સ્વીકાર્ય અને લાભદાયી ધોરણો પૂરાં પાડવા માટે, કોણ સૌથી વધારે લાયક છે, અને શા માટે?
૪. “ન્યાયી” શબ્દનો શું અર્થ થાય છે?
૫. બાઇબલમાં જણાવવામાં આવેલા ન્યાયીપણાના ગુણને સમજાવો.
૬. પાઊલે પોતાના સમયના કેટલાક અવિશ્વાસી યહુદીઓ વિષે શું કહ્યું, અને શા માટે?
૭. કઈ રીતે યહોવાહના ન્યાયીપણાને વ્યક્ત કરવામાં આવ્યું છે?
૮, ૯. કઈ રીતોએ નિયમ પરમેશ્વરનું ન્યાયીપણું વ્યક્ત કરે છે?
૧૦. યહોવાહને પ્રેમ કરનારાઓને તેમના નિયમો વિષે કેવું લાગ્યું?
૧૧. કઈ રીતે નિયમ ‘ખ્રિસ્તની પાસે લાવવા સારૂ બાળશિક્ષક’ પુરવાર થયો?
૧૨. નિયમોને કાળજીપૂર્વક પાળીને ઈસ્રાએલીઓ શું મેળવી શકતા હતા?
૧૩. શું ન્યાયી નિયમોને પાળવા કહેતા યહોવાહ અન્યાયી હતા? સમજાવો.
૧૪. બાઇબલ માનવીઓને “ન્યાયી” કહે છે ત્યારે એનો શું અર્થ થાય છે?
૧૫. ન્યાયીપણું શાની સાથે ગાઢપણે સંકળાયેલું છે?
૧૬. ખંડણીમાં વિશ્વાસ કરવાથી શું પરિણમ્યું છે?
૧૭. ન્યાયીપણાને વળગી રહેવા કયા પગલાં લેવા જોઈએ?
૧૮. (ક) ન્યાયીપણાને વળગી રહેવું શા માટે સહેલું નથી? (ખ) લોતના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?
૧૯. આપણે યહોવાહના ન્યાયીપણામાં હર્ષ કરીશું તો કયા આશીર્વાદો મેળવીશું?
[પાન ૧૫ પર ચિત્રો]
રાજા દાઊદને પરમેશ્વરના નિયમો માટે ખૂબ પ્રેમ હતો
[પાન ૧૬ પર ચિત્રો]
નુહ, ઈબ્રાહીમ, ઝખાર્યાહ, એલીઝાબેથ અને કરનેલ્યસને પરમેશ્વરે ન્યાયી ગણ્યા. શું તમે જાણો છો શા માટે?