મારો અનુભવ
મિશનરિ જેવો ઉત્સાહ જાળવી રાખવાથી મળેલા આશિષ
ટોમ કૂકેના જણાવ્યા પ્રમાણે
વર્ષ ૧૯૭૧ની એક શાંત બપોરે, અચાનક બંદૂકના અવાજથી ખડભડાટ મચી ગયો. અમારા બગીચામાંથી એકદમ ઝડપથી ગોળીઓ પસાર થઈ. અરે, શું બની રહ્યું છે? બહુ જલદી અમને જાણવા મળ્યું કે યુગાંડા હવે રાજકારણીઓના હાથમાંથી સરકીને જનરલ ઇદી અમીનના તાબામાં આવી ગયું છે.
હું અને મારી પત્ની ઍન શાંતિથી ઇંગ્લૅંડમાં રહેતા હતા. આફ્રિકામાં તો, ગમે ત્યારે હિંસા ફાટી નીકળતી હતી. તોપછી, તમને થઈ શકે કે હું અને ઍન અમારા સગા-સંબંધીઓથી દૂર શા માટે આફ્રિકામાં રહેવા આવ્યા? જોકે, સ્વભાવે હું થોડો સાહસિક હતો. વળી, મારા પપ્પા-મમ્મી પરમેશ્વરની સેવામાં બહુ ઉત્સાહી હતા. તેમના ઉત્સાહના લીધે મારામાં મિશનરિ ઉત્સાહ હતો.
વર્ષ ૧૯૪૬માં, ઑગષ્ટની સખત ગરમીના દિવસે પહેલી વાર યહોવાહના સાક્ષીઓ મારા પપ્પા-મમ્મીને મળ્યા હતા. મારા માબાપે આંગણામાં ઊભા ઊભા જ લાંબો સમય બે મુલાકાતીઓ સાથે વાત કરી. આ મુલાકાતીઓ ફ્રેઝર બ્રાડબરી અને મેમી સ્રીવ હતા. તેઓ ત્યાર પછી ઘણી વાર અમારા ઘરે આવ્યા અને પછીના મહિનાઓમાં અમારા કુટુંબમાં મોટો ફેરફાર આવ્યો.
મારા પપ્પા-મમ્મીના પગલે
મારા પપ્પા-મમ્મી સમાજ સેવામાં ઘણો ભાગ લેતા હતા. જેમ કે, તેઓએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો એના થોડા સમય પહેલા અમારા ઘરમાં રાજનેતા વીનસ્ટન ચર્ચીલનું મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું. વિશ્વયુદ્ધ પછી રાજકીય પાર્ટીની સભા અમારા ઘરમાં ભરવામાં આવતી હતી. અમારા કુટુંબની ચર્ચના અને રાજકારણીના ઘણા આગળ પડતા લોકો સાથે દોસ્તી હતી. જોકે હું એ સમયે ફક્ત નવ વર્ષનો હતો. તેમ છતાં, મેં જોયું કે અમે યહોવાહના સાક્ષી બન્યા ત્યારે અમારા સગા-સંબંધીઓને બહુ મોટો આંચકો લાગ્યો.
પરંતુ, અમે જે સાક્ષીઓ સાથે અભ્યાસ કરતા હતા તેઓ બહુ ઉત્સાહી અને નીડર હતા. આથી, મારા પપ્પા-મમ્મી પણ તેઓ જેવા ઉત્સાહી પ્રચારક બન્યા. બહુ જલદી જ મારા પપ્પાએ અમારું ગામ, સ્પોન્ડનના બજારમાં માઈક્રોફોન લઈને ટોક આપવાનું શરૂ કર્યું. અમે બાળકો ચોકીબુરજ અને સજાગ બનો! લઈને એવી જગ્યાઓએ ઊભા રહેતા હતા જ્યાં બધા જોઈ શકે. હા મને યાદ છે કે હું મારી સાથે ભણતા છોકરાઓને મારી પાસે આવતા જોતો ત્યારે મને ખૂબ શરમ આવતી. મને એવું થતું કે ધરતી ફાટી જાય અને હું અંદર સમાઈ જાઉં.
મારા પપ્પા-મમ્મીના સારાં ઉદાહરણના લીધે મારી મોટી બહેન ડેફનીએ પાયોનિયરીંગ શરૂ કર્યું. વર્ષ ૧૯૫૫માં તે વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડમાં ગઈ. પછી તેને જાપાનમાં મિશનરિ તરીકે મોકલવામાં આવી.a જોકે, મારી નાની બહેન ઝોઈએ યહોવાહની સેવા કરવાનું છોડી દીધું.
હું સ્કૂલ પૂરી કરીને આર્ટ્સમાં વધારે અભ્યાસ કરવા લાગ્યો. એ દિવસોમાં, લશ્કરી સેવામાં જોડાવું ફરજિયાત હતું. એ વિષે મારા સાથી વિદ્યાર્થીઓમાં ગરમાગરમ ચર્ચા થતી હતી. મેં તેઓને કહ્યું કે હું મારી ધાર્મિક માન્યતાના લીધે એમાં ભાગ નહિ લઉં ત્યારે, તેઓ મારી ઠેકડી ઉડાવી. પરંતુ, એનાથી મને બીજા વિદ્યાર્થીઓ સાથે બાઇબલની ચર્ચા કરવાની તક મળી. થોડા જ સમયમાં મને લશ્કરી સેવામાં નહિ જોડાવાના લીધે એક વર્ષ જેલની સજા ફટકારવામાં આવી. એ વખતોમાં આર્ટ્સ કૉલેજની વિદ્યાર્થીની, ઍને બાઇબલમાં રસ બતાવ્યો. ખેર, પછીથી મેં તેની સાથે લગ્ન કર્યા. હવે ઍન પાસેથી જ સાંભળો કે તે કઈ રીતે સત્ય શીખી.
ઍન સત્ય શીખી
“મારું કુટુંબ નાસ્તિક હતું. આથી, મેં કોઈ પણ ધર્મમાં બાપ્તિસ્મા લીધું ન હતું. પરંતુ મને ધર્મમાં રસ હતો. આથી, મારા મિત્રો જે ચર્ચમાં જતા એમાં હું જતી. પરંતુ ટોમ અને તેના યહોવાહના સાક્ષી મિત્રો, કૉલેજના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા, એ સાંભળીને મને બાઇબલમાં રસ જાગ્યો. લશ્કરી સેવામાં ભાગ નહિ લેવા બદલ ટોમ અને બીજા સાક્ષી ભાઈઓને જેલમાં નાખવામાં આવ્યા. ત્યારે મને ઘણો આઘાત લાગ્યો.
“ટોમ જેલમાં હતો ત્યારે હું તેને નિયમિત પત્ર લખતી હતી. બાઇબલ શીખવાનો મારો રસ વધતોને વધતો ગયો. વધારે ભણવા માટે હું લંડન ગઈ ત્યારે, મ્યૂરિયલ આલબ્રેચ્ટ સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગી. મ્યૂરિયલે એસ્ટોનિયામાં મિશનરિ તરીકે સેવા આપી હતી. તે અને તેની માતા પાસેથી મને ઘણું ઉત્તેજન મળ્યું. થોડા જ અઠવાડિયામાં મેં સભાઓમાં જવાનું શરૂ કર્યું. બહુ જલદી જ, મેં વિક્ટોરિયા સ્ટેશન પાસે ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો આપવાનું શરૂ કર્યું.
“હું દક્ષિણ લંડનના સધર્ક મંડળમાં જતી હતી. એ મંડળમાં અલગ અલગ રાષ્ટ્રમાંથી ભાઈબહેનો આવતા હતા. એમાંના ઘણા લોકો તો બહુ ગરીબ હતા. જોકે, હું તેઓ માટે અજાણી વ્યક્તિ હોવા છતાં, તેઓએ મને પોતાની ગણી. એ મંડળના ભાઈબહેનના પ્રેમના લીધે મને ખાતરી થઈ કે આ ખરેખર સત્ય છે. તેથી, મેં ૧૯૬૦માં બાપ્તિસ્મા લીધું.”
બંનેનું સ્વપ્ન એક, પરંતુ અલગ સંજોગો
વર્ષ ૧૯૬૦ના અંતમાં મેં અને ઍને લગ્ન કર્યા. અમે બંને મિશનરિ સેવા કરવાનું ઇચ્છતા હતા. પરંતુ, અમને ખબર પડી કે અમે માબાપ બનવાના છીએ ત્યારે, મિશનરિ સેવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું. અમારી દીકરી સારાના જન્મ પછી, ઍન અને હું રાજ્ય પ્રચારકોની વધારે જરૂર હોય એવા દેશમાં જવા ઇચ્છતા હતા. મેં ઘણા દેશોમાં નોકરી માટે અરજી કરી. છેવટે, મે ૧૯૬૬માં યુગાંડાની મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશનમાંથી મને નોકરી માટે પત્ર આવ્યો. પરંતુ, એ સમયે ઍન ફરી પ્રેગ્નન્ટ હતી. કેટલાક એવું વિચારતા હતા કે અમે આવી સ્થિતિમાં બીજા દેશમાં જઈએ એ સારું નથી. અમે ડૉક્ટરની સલાહ લીધી. તેમણે કહ્યું: “જો તમારે જવું હોય તો, તમારી પત્નીને સાતમો મહિનો શરૂ થાય એ પહેલાં જવું જોઈએ.” તેથી, અમે તરત જ યુગાંડા જવાની તૈયારીઓ કરવા માંડ્યા. આથી, મારા પપ્પા-મમ્મીએ અમારી બીજી દીકરી રેચલને બે વર્ષ સુધી ન જોઈ. હવે અમે પોતે નાના-નાની છીએ. અમારા પપ્પા-મમ્મીએ બતાવેલી ધીરજની અમે પૂરેપૂરી કદર કરી છીએ.
વર્ષ ૧૯૬૬માં અમે યુગાંડા આવ્યા ત્યારે બહુ જ ખુશ હતા, પરંતુ નવી જગ્યાના લીધે અમે સાથે સાથે થોડા ગભરાયેલા પણ હતા. પ્લેનમાંથી ઉતરતાની સાથે જ અમે અમારી આજુબાજુના રંગીન વાતાવરણથી બહુ પ્રભાવિત થયા. અહીં ચારેબાજુ રંગીન જ રંગીન હતું. નાઈલ નદી પાસે આવેલા જિન્જા શહેરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર આવેલા નાનકડાં ગામ ઈગાન્ગામાં અમારું પહેલું ઘર હતું. અમારા ઘરથી સૌથી નજીક ગ્રૂપ જિન્જામાં હતું. ગીલબર્ટ અને જોન વોલ્ટર તેમ જ સ્ટીવન અને બાબરા હાર્ડી આ ગ્રૂપની દેખરેખ રાખતા હતા. મેં જિન્જામાં નોકરી ટ્રાન્સફર કરવા અરજી કરી જેથી અમે આ ગ્રૂપને વધારે સારી રીતે મદદ કરી શકીએ. રેચલના જન્મ પછી અમે જિન્જામાં ગયા. અમે આ નાના ગ્રૂપમાં સેવા આપવા લાગ્યા. આ ગ્રૂપ યુગાંડાનું બીજું મંડળ બન્યું ત્યારે, અમને ઘણી ખુશી થઈ.
પરદેશમાં કુટુંબ સાથે સેવા કરવી
અમે અમારાં બાળકોને ઉછેરવા માટે સૌથી સારું વાતાવરણ પસંદ કર્યું હતું. અલગ અલગ દેશોમાંથી આવેલા મિશનરિઓ સાથે કામ કરવાનો, તેમ જ નવા મંડળમાં મદદ કરવાનો એક અનેરો આનંદ હતો. યુગાંડાના ભાઈબહેનો અમારી અવારનવાર મુલાકાત લેતા અને અમને તેઓના આવવાથી ઘણી ખુશી થતી. સ્ટેન્લી અને ઈસીનાલા માકુમ્બાએ અમને ખાસ ઉત્તેજન આપ્યું.
ફક્ત ભાઈબહેનો જ અમારી મુલાકાત લેતા હતા એમ ન હતું. અરે, અમારી આસપાસના જંગલમાંથી જંગલી પ્રાણીઓ પણ અમારી મુલાકાત લેતા હતા. રાતે નાઈલ નદીમાંથી હિપોપોટેમસ બહાર આવતા અને અમારા ઘરની આજુબાજુ ફરતા. અરે, મને યાદ છે કે એક વખતે અમારા બગીચામાં ૬ મીટર લાંબો અજગર આવ્યો હતો. અમુક સમયે અમે એવા વિસ્તારમાં જતા કે જ્યાં સિંહ અને બીજા હિંસક પ્રાણીઓ મુક્ત રીતે ફરતા હોય.
પ્રચાર કાર્યમાં, અમે રેચલને બાબાગાડીમાં લઈને જતા, એ જોઈને બધાને ઘણું આશ્ચર્ય થતું. કેમ કે ત્યાં એવું કંઈ જોવા મળતું ન હતું. અમે ઘર ઘરના પ્રચારમાં જતા ત્યારે નાના બાળકો અમારી પાછળ પાછળ આવતા. લોકો અમારી તરફ માનથી જોતા અને પછી સફેદ સુંદર બેબીને અડકતા. લોકો બહુ નમ્ર હોવાના કારણે અમને પ્રચારમાં ઘણી મઝા આવતી હતી. બાઇબલ અભ્યાસ શરૂ કરવો બહુ જ સહેલો હતો. તેથી, અમને એવું જ લાગતું હતું કે જાણે બધા જ લોકો સત્યમાં આવશે. જોકે, ઘણા લોકોને ખોટી પરંપરાઓમાંથી બહાર આવવું બહુ જ અઘરું લાગતું હતું. તેમ છતાં, ઘણા લોકોએ પરમેશ્વરના માર્ગમાં ચાલવાનું શરૂ કર્યું. આમ, મંડળોની સંખ્યામાં વધારો થયો. જિન્જામાં ૧૯૬૮માં સૌ પ્રથમ સરકીટ સંમેલન રાખવામાં આવ્યું. એ સંમેલનમાં નાઈલ નદીમાં બાપ્તિસ્મા આપવામાં આવ્યું. અમે અભ્યાસ કર્યો હતો, એવા લોકોનું બાપ્તિસ્મા જોવું એક અનેરો આનંદ હતો. પરંતુ, જલદી જ, અમારી શાંતિ છીનવાઈ ગઈ.
પ્રતિબંધમાં અમે વિશ્વાસ અને કૂનેહથી પ્રચાર કર્યો
વર્ષ ૧૯૭૧માં, જનરલ ઇદી અમીને સત્તા પર કબજો જમાવી લીધો. જિન્જામાં બહુ ગરબડ હતી. લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ, અમે અમારા બગીચામાં ચા પી રહ્યા હતા. ત્યાર પછીના બે વર્ષમાં, મોટા પ્રમાણમાં એશિયાના લોકોને એ દેશમાંથી તગેડી મૂકવામાં આવ્યા. મોટા ભાગના પરદેશીઓએ ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું. એના લીધે સ્કૂલો, હૉસ્પિટલો અને દવાખાનાઓ બંધ થઈ ગયા. ત્યાર પછી જાહેરાત કરવામાં આવી કે યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ છે. અમારી સલામતી માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે અમને પાટનગર, કમ્પાલામાં મોકલી દીધા. અહીં આવવાથી અમને બે ફાયદા થયા. કમ્પાલામાં યહોવાહના સાક્ષીઓનું કામ બહુ પ્રખ્યાત ન હતું આથી અમે છૂટથી પ્રચાર કરી શકતા હતા. બીજું કે મંડળમાં અને પ્રચાર કાર્યમાં ઘણું કામ કરવાનું હતું.
બ્રાયન અને મેરિયન વોલેસ તથા તેઓના બે બાળકોની પણ અમારા જેવી જ હાલત હતી. પરંતુ તેઓએ પણ યુગાંડામાં જ રહેવાનું નક્કી કર્યું. આ મુશ્કેલીઓના સમયમાં અમે કમ્પાલા મંડળમાં તેઓ સાથે કામ કરતા હતા ત્યારે, અમને ખૂબ મઝા આવી. આપણા ભાઈઓ બીજા દેશોમાં પ્રતિબંધ હેઠળ કઈ રીતે પ્રચાર કાર્ય કરે છે, એ વિષે વાંચેલા અહેવાલોમાંથી અમને ઘણું ઉત્તેજન મળ્યું. અમે નાના ગ્રૂપમાં ભેગા મળતા. મહિનામાં એક વાર અમે એનટેબ બોટનીકલ ગાર્ડનમાં સભાઓ રાખતા. પરંતુ, જોનારાઓને એવું જ લાગે જાણે પાર્ટી રાખી હોય. અમારી દીકરીઓને એ વિચાર ખૂબ ગમ્યો.
અમારે પ્રચારમાં બહુ સતર્ક રહેવું પડતું હતું. ગોરા લોકો યુગાન્ડાના ઘર ઘરની મુલાકાત લે એ તરત જ નજરે ચઢી જાય એવું હતું. તેથી, દુકાનો, ઍપાર્ટમેન્ટો અને કેટલીક શાળાઓ અમારો પ્રચાર વિસ્તાર બની ગયા. હું દુકાનમાં જઈને એવી વસ્તુઓ માંગતો કે જે મને ખબર છે એ દુકાનમાં નથી. જેમ કે ચોખા અને ખાંડ. દેશમાં શું બની રહ્યું છે એના વિષે દુકાનદાર દુઃખ બતાવે તો, હું તક ઝડપી લઈને શુભસંદેશો જણાવતો. આ રીતે પ્રચાર કરવું ખૂબ અસરકારક હતું. સારી ચર્ચાના લીધે મને અમુક વાર ફરી મુલાકાતની તક મળતી. વળી, અમુક સમયે ભાગ્યે જ મળતી હોય એવી અમુક વસ્તુઓ પણ ખરીદતો હતો.
અમે રહેતા હતા એ વિસ્તારમાં પણ હિંસા ફાટી નીકળી. યુગાંડા અને બ્રિટનના સંબંધો વધારેને વધારે ખરાબ થતા હોવાના કારણે, અધિકારીઓએ મારા કામના કૉન્ટ્રૅક્ટને રિન્યૂ કર્યો નહિ. તેથી, યુગાંડામાં આઠ વર્ષ રહ્યાં પછી ૧૯૭૪માં અમારે પાછા ફરવું પડ્યું. ભાઈબહેનોથી જુદા પડવું કંઈ સહેલું ન હતું. તોપણ, અમારો મિશનરિ ઉત્સાહ ઠંડો પડી ગયો નહિ.
ન્યૂ ગીનીમાં જવું
જાન્યુઆરી ૧૯૭૫માં પાપુઆ ન્યૂ ગીની જવાની તક મળી. અહીં પણ અમે આઠ વર્ષ સેવા આપી. ભાઈઓ સાથે અમને પ્રચાર કરવાની ખૂબ મઝા આવતી હતી, અને અમને ભરપૂર આશીર્વાદો પણ મળ્યા.
અમે પાપુઆ ન્યૂ ગીનીમાં હતા ત્યારે, દર વર્ષે અમે ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં ડ્રામા તૈયાર કરવામાં ભાગ લેતા. એમાં અમને ખૂબ મઝા આવતી અને અમારું કુટુંબ હજુ પણ એ દિવસો યાદ કરે છે. અમે ઘણા ઈશ્વરભકત કુટુંબોની સંગતનો આનંદ માણ્યો. એની અમારી છોકરીઓ પર સારી અસર પડી. અમારી મોટી દીકરી સારા, રૅ સ્મીથ નામના એક ખાસ પાયોનિયર સાથે લગ્ન કર્યા. તેઓએ આર્યન જેયાની (હમણાં પાપૂઆ, ઇંડોનેશિયન વિસ્તારની) બોર્ડરે ખાસ પાયોનિયર તરીકે સેવા આપી. ગામડાંમાં તેઓનું ઘર ઘાસનું બનેલું હતું. સારા કહે છે કે તેઓએ જેટલો સમય પાયોનિયરીંગમાં કાઢ્યો એમાં તેણે સારી તાલીમ મેળવી.
બદલતા સંજોગો
આઠ વર્ષ અહીં રહ્યા પછી મારા માબાપની કાળજી રાખવાની જરૂર પડી. અમે ઇંગ્લૅંડમાં જઈએ એના કરતા, મારા માબાપે અમારી સાથે આવવાનું નક્કી કર્યું. અમે સર્વ ૧૯૮૩માં ઑસ્ટ્રેલિયામાં ગયા. તેઓ થોડો સમય જાપાનમાં રહેતી મારી બહેન ડેફની સાથે પણ રહ્યા. મારા માબાપ મરણ પામ્યા પછી, ઍન અને મેં નિયમિત પાયોનિયર સેવા કરવાનું નક્કી કર્યું. જોકે, આ કાર્યમાંથી મને ખાસ લહાવો મળ્યો.
અમે પાયોનિયરીંગ શરૂ જ કર્યું હતું ત્યારે અમને સરકીટ કાર્યમાં જોડાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. નાનપણથી જ, હું સરકીટ નિરીક્ષકની મુલાકાતને ખાસ પ્રસંગ તરીકે જોતો હતો. હવે એ જવાબદારી મારી હતી. સરકીટ નિરીક્ષકનું કાર્ય કરવું અમારા માટે બહું મુશ્કેલ હતું. પરંતુ, યહોવાહે અમને એટલી મદદ કરી છે કે જે અમે પહેલાં ક્યારેય અનુભવી ન હતી.
વર્ષ ૧૯૯૦માં થીયોડર જારટ્સની ઝોન મુલાકાત વખતે, અમે તેમને પરદેશમાં પૂરા સમયનું કાર્ય કરવા માટે પૂછ્યું. તેમણે કહ્યું, “સોલોમન ટાપુઓ વિષે શું વિચારો છો?” છેવટે, હું અને ઍન બંને અમારા ૫૦ના દાયકામાં હતા ત્યારે, અમે સૌ પ્રથમ મારી ઑફિશિયલ મિશનરિ સોંપણીમાં ગયા.
“હેપી આયર્લૅન્ડ”માં સેવા આપવી
સોલોમન ટાપુઓને હેપી આયર્લૅન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમે છેલ્લા લગભગ ૧૦ વર્ષથી અહિં સેવા આપીએ છીએ. ખરેખર અહીં અમને ઘણી ખુશી મળે છે. હું સોલોમન ટાપુઓમાં ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે કામ કરતો હતો. આથી, અમે ધીમે ધીમે પ્રેમાળ ભાઈ-બહેનોને ઓળખવા લાગ્યા. ભાઈ-બહેનોએ જે રીતે અમારો સત્કાર કર્યો એ અમારા હૃદયને સ્પર્શી ગયો. હું બને તેમ સોલોમન ટાપુઓની પીજીન ભાષામાં બોલતો. એ ભાષામાં બહુ જ ઓછા શબ્દો હોય છે. જ્યારે હું વાત કરતો ત્યારે ઘણી વાર ભાઈબહેનો મને સમજી શકતા ન હતા. તોપણ તેઓ ધીરજથી સાંભળતા.
અમે સોલોમન ટાપુઓમાં આવ્યાને થોડા જ સમયમાં, વિરોધીઓએ સંમેલન હૉલમાં ડખા કરવાનું શરૂ કર્યું. ઍન્ગિલક્ન ચર્ચે ખોટો આરોપ મૂક્યો કે, ‘હોનિએરામાં આવેલા યહોવાહના સાક્ષીના નવા સંમેલન હૉલમાં થોડી જગ્યા અમારી છે.’ સરકારે તેઓના દાવાને ટેકો આપ્યો. તેથી અમે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી. આ અપીલના નિર્ણયમાંથી નક્કી થવાનું હતું કે અમારા આ ૧,૨૦૦ જણા બેસી શકે એવા સંમેલન હૉલને તોડી પાડવો કે કેમ.
આખું અઠવાડિયું કેસ ચાલ્યો. અમારા વિરોધી પક્ષનો વકીલ જરા વધારે પડતી ખાંડ ખાતો હતો. પરંતુ, ન્યૂઝીલૅન્ડના આપણા વકીલ ભાઈ વોરેન કાથકર્ટે એનો મૂંહ તોડ જવાબ આપીને વિરોધી પાર્ટીના વકીલની બોલતી બંધ કરી દીધી. શુક્રવાર સુધીમાં, આ રસપ્રદ બાબત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. આથી, કોર્ટ ચર્ચના આગેવાનો, સરકારી અધિકારીઓ અને આપણા ભાઈબહેનોથી ખીચોખીચ હતી. મને કોર્ટની ઑફિશિયલ શેડ્યુલ નોટિસની ભૂલ હજુ પણ યાદ છે. એમાં લખ્યું હતું: “સોલોમન ટાપુઓ ગર્વમેન્ટ ઍન્ડ ધ ચર્ચ ઑફ મેલાનિઝા વર્સ જેહોવાહ.” અમે કેસ જીતી ગયા.
તોપણ ફક્ત થોડા સમય પૂરતી જ શાંતિ રહી. ફરીથી હું અને ઍન લશ્કરોની હિંસક ગ્રૂપ વચ્ચે આવી પડ્યા. જાતિ દુશ્મનોએ નાગરિક યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું. જૂન ૫, ૨૦૦૦માં સરકાર પડી ભાંગી અને પાટનગર લશ્કરના તાબામાં આવી ગયું. ઘણા ભાઈબહેનો ઘરબાર વગરના થઈ ગયા. તેઓ સર્વ અમારા સંમેલન હૉલમાં આવી ગયા. અધિકારીઓને એ જોઈને આશ્ચર્ય થયું કે જુદા જાતિના ભાઈબહેનો એક કુટુંબ તરીકે સંમેલન હૉલમાં શાંતિથી રહેતા હતા. એનાથી તેઓને કેવી સરસ સાક્ષી મળી!
યહોવાહના સાક્ષીઓએ યુદ્ધમાં ભાગ નહિ લેવા વિષેના સ્થાનનું લશ્કર કદર કરતું હતું. આથી, એક અધિકારીએ અમને સાહિત્ય ભરેલા ટ્રકને દુશ્મનોના વિસ્તારમાં ફસાયેલા ભાઈબહેનો સુધી પહોંચાડવામાં મદદ કરી. અમે વિખૂટા પડેલા કુટુંબોને મળ્યા ત્યારે, હરખથી અમારી આંખો ભરાઈ આવી.
ઘણી બાબતો માટે આભારી
જીવન વિષે અમે વિચારીએ છીએ ત્યારે યહોવાહનો આભાર માનવાને અમારી પાસે હજુ ઘણા કારણો છે. માબાપ તરીકે, અમને એ જોઈને બહુ જ આનંદ થાય છે કે હજુ અમારી બંને દીકરીઓ અને અમારા જમાઈ રે અને જોન યહોવાહની સેવા કરે છે. તેઓએ પણ અમારી મિશનરિ સોંપણીમાં ઘણી મદદ કરી.
છેલ્લા ૧૨ વર્ષોથી, હું અને મારી વહાલી પત્ની સોલોમન ટાપુઓમાં બ્રાંચ ઑફિસમાં કામ કરીએ છીએ. આ દેશમાં રાજ્ય પ્રચારકોની સંખ્યા વધીને ૧,૮૦૦ થઈ છે. હમણાં જ, મને પૅટરસન, ન્યૂ યોર્કમાં બ્રાંચ કમિટી મેમ્બરની સ્કૂલમાં જવાનો લહાવો મળ્યો હતો. સાચે જ, મિશનરિઓ જેવો ઉત્સાહ જાળવી રાખવાના લીધે અમને ઘણા આશીર્વાદ મળ્યા છે.
[ફુટનોટ્સ]
a જાન્યુઆરી ૧૫, ૧૯૭૭ના વૉચટાવરના “અમે ઢીલા પડ્યા નહિ” લેખ જુઓ.
[પાન ૨૩ પર ચિત્ર]
૧૯૬૦માં અમારા લગ્નના દિવસે
[પાન ૨૪ પર ચિત્ર]
યુગાંડામાં સ્ટેન્લી અને ઈસીનાલા માકુમ્બા પાસેથી અમારા કુટુંબે ઘણું ઉત્તેજન મેળવ્યું
[પાન ૨૪ પર ચિત્ર]
સારા પડોશીના ઘર પાસે જઈ રહી છે
[પાન ૨૫ પર ચિત્ર]
સોલોમન ટાપુઓમાં લોકોને સત્ય શીખવા માટે હું ચિત્રો દોરતો
[પાન ૨૫ પર ચિત્ર]
સોલોમન ટાપુઓમાં એક ગ્રૂપને મળવા જઉ છું
[પાન ૨૬ પર ચિત્ર]
આજે અમારું કુટુંબ