યહોવાહનો શબ્દ જીવંત છે
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૧
બાઇબલના પહેલા જ પુસ્તકનું નામ “ઉત્પત્તિ” છે. શા માટે? કેમ કે ‘ઉત્પત્તિનો’ અર્થ “જન્મ આપવું” કે “ઉત્પન્ન કરવું” થાય છે. આ પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે કે વિશ્વ કોણે અને કઈ રીતે બનાવ્યું. કઈ રીતે માણસો પૃથ્વી પર આવ્યા. મુસાએ સિનાયના અરણ્યમાં ઉત્પત્તિનું પુસ્તક લખ્યું. તેમણે આ પુસ્તક ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં પૂરું કર્યું.
ઉત્પત્તિના પુસ્તકમાંથી આપણને જળપ્રલય પહેલા અને પછીનું જગત કેવું હતું એ વિષે જોવા મળે છે. વળી, એ પણ જોવા મળે છે કે કઈ રીતે યહોવાહે ઈબ્રાહિમ, ઇસ્હાક, યાકૂબ અને યુસફ સાથે વ્યવહાર કર્યો. આ લેખમાં આપણે ઉત્પત્તિ ૧:૧થી ૧૧:૯ સુધીની કલમોમાંથી મુખ્ય મુદ્દાઓ જોઈશું. એમાં યહોવાહે જગત બનાવ્યું ત્યારથી લઈને ઈબ્રાહિમ સાથે તેમણે કઈ રીતે વ્યવહાર કર્યો ત્યાં સુધીની બાબતો જોવા મળે છે.
જળપ્રલય પહેલાંનું જગત
ઉત્પત્તિના પુસ્તકની શરૂઆત “આદિએ” શબ્દથી થાય છે. એ બતાવે છે કે અબજો વર્ષોથી વિશ્વ છે. બાઇબલમાં આપણને છ “દિવસ” વિષેનો અહેવાલ વાંચવા મળે છે. એ છ દિવસોમાં યહોવાહે આખી સૃષ્ટિ બનાવી. પરંતુ શું એ છ દિવસો, ફક્ત ચોવીસ કલાકના હતા? એ છ દિવસો, હજારો વર્ષોના હતા. છઠ્ઠા દિવસના અંતે યહોવાહે આદમને બનાવ્યો. પરંતુ, થોડા સમય પછી, આદમ અને હવાએ પરમેશ્વરની આજ્ઞા તોડીને સુખશાંતિનું જીવન ગુમાવ્યું. તેમ છતાં, યહોવાહે આદમ અને હવાના વંશજો માટે એક આશા આપી. બાઇબલની સૌથી પહેલી ભવિષ્યવાણીમાં યહોવાહ કહે છે કે ‘સંતાન’ શેતાનનું માથું છૂંદીને મનુષ્યને પાપમાંથી બચાવશે.
ઉત્પત્તિથી લઈને લગભગ ૧,૬૦૦ વર્ષ સુધીમાં તો શેતાન મોટા ભાગના લોકોને યહોવાહથી દૂર લઈ ગયો. તોપણ, હાબેલ, હનોખ અને નુહ જેવા ગણ્યા ગાંઠ્યા લોકો યહોવાહને વિશ્વાસુ રહ્યા. દાખલા તરીકે, કાઈને પોતાના વિશ્વાસુ ભાઈ, હાબેલનું ખૂન કર્યું. ‘લોકો યહોવાહના નામે પ્રાર્થના કરીને’ તેમના નામનો દૂરુપયોગ કરવા માંડ્યા. આમ, તેઓ યહોવાહને બદનામ કરવા લાગ્યા. આ દિવસોમાં ચાલી રહેલી હિંસા વિષે લામેખે એક કવિતા બનાવી. એમાં તેમણે એક જુવાનને મારી નાખીને પોતાનો બચાવ કર્યો એ પણ લખ્યું. સ્વર્ગના અમુક દૂતોએ યહોવાહની આજ્ઞા તોડીને પૃથ્વી પર આવ્યા. તેઓએ સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો. પરિણામે, આ સ્ત્રીઓને રાક્ષસો જેવાં બાળકો જન્મ્યા. જગત વધારેને વધારે ખરાબ થતું ગયું. પરંતુ, આવા સમયમાં નુહ જીવતા હતા. યહોવાહે તેમને એક મોટું વહાણ બાંધવાની આજ્ઞા આપી અને તેમણે યહોવાહની આજ્ઞા પ્રમાણે કર્યું. એટલું જ નહિ, તેમણે લોકોને આવનાર વિનાશ વિષે હિંમતથી ચેતવણી આપી. છેવટે, ફક્ત નુહ અને તેમનું કુટુંબ જળપ્રલયમાંથી બચ્યું.
સવાલ-જવાબ:
૧:૧૬—જો પરમેશ્વરે ચોથા દિવસે મોટી જ્યોતિઓ બનાવી હોય તો, કઈ રીતે પહેલા દિવસે અજવાળું બનાવ્યું? મૂળ હેબ્રી ભાષામાં ‘બનાવવું’ (૧:૧૬) અને ‘ઉત્પન્ન કરવું’ (૧:૧, ૨૧, ૨૭) શબ્દો વચ્ચે થોડો તફાવત છે. યહોવાહે સૌથી પહેલા “આકાશ” અને મોટી જ્યોતિઓ ઉત્પન્ન કરી હતી. પરંતુ, આ જ્યોતિનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચ્યો ન હતો. એટલે પહેલો “દિવસ” શરૂ થયો, ત્યારે ‘અજવાળાનાં’ થોડાં કિરણો વાદળોમાંથી પસાર થઈને પૃથ્વી પર પડ્યા. ત્યાર પછી પૃથ્વી પર રાત-દિવસ થવાનું શરૂ થયું. (ઉત્પત્તિ ૧:૧-૩, ૫) પરંતુ, વાદળોના લીધે પૃથ્વી પરથી સૂરજ, ચાંદ કે તારાઓ જોઈ શકાતા ન હતા. પણ ચોથા દિવસે ‘પૃથ્વી પર અજવાળું થયું.’ (ઉત્પત્તિ ૧:૧૭) એટલે કે, હવે પૃથ્વી પરથી સૂરજ, ચાંદ અને તારાઓ જોઈ શકાતા હતા.
૩:૮—શું યહોવાહ આદમ સાથે સીધેસીધી વાત કરતા હતા? બાઇબલ બતાવે છે કે યહોવાહે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવા હંમેશા દૂતોનો ઉપયોગ કર્યો છે. (ઉત્પત્તિ ૧૬:૭-૧૧; ૧૮:૧-૩, ૨૨-૨૬; ૧૯:૧; ન્યાયાધીશો ૨:૧-૪; ૬:૧૧-૧૬, ૨૨; ૧૩:૧૫-૨૨) યહોવાહે મોટે ભાગે પોતાના પુત્ર ઈસુનો ઉપયોગ કર્યો. એટલે ઈસુ “શબ્દ” તરીકે ઓળખાય. (યોહાન ૧:૧) તેથી, યહોવાહ “શબ્દ” દ્વારા આદમ સાથે વાત કરતા હોય શકે.—ઉત્પત્તિ ૧:૨૬-૨૮; ૨:૧૬; ૩:૮-૧૩.
૩:૧૭—કયા અર્થમાં ભૂમિ શાપિત બની, અને કેટલા સમય સુધી? આદમે પાપ કર્યા પછી, યહોવાહે ભૂમિને શાપ દીધો. એટલે ખેતી કામ બહુ અઘરું થવાનું હતું. જમીનમાં કાંટા ઝાંખરાં સહેલાઈથી ઉગવાના હતા. તેથી, ખેડૂતનું જીવન દુઃખથી ભરેલું જીવન હતું. એટલા માટે, નુહના પિતા લામેખે કહ્યું: “જે ભૂમિને યહોવાહે શાપ દીધો, તેમાં અમારાં કામ તથા હાથોના ઉદ્યોગ” છે. (ઉત્પત્તિ ૫:૨૯) પરંતુ, જળપ્રલય પછી યહોવાહે નુહ તથા તેમના દીકરાને આશીર્વાદ આપ્યો અને તેઓને સફળ થવાનું અને પૃથ્વીને ભરપૂર કરવાનું કહ્યું. (ઉત્પત્તિ ૯:૧) ત્યાર પછી યહોવાહે પૃથ્વીને શાપમાંથી મુક્ત કરી હતી.—ઉત્પત્તિ ૧૩:૧૦.
૪:૧૫—યહોવાહે કઈ રીતે કાઈન માટે એક “ચિહ્ન ઠરાવ્યું?” બાઇબલ એમ નથી કહેતું કે યહોવાહ કાઈનના શરીર પર કોઈ પ્રકારનું છૂંદણું કે ટેટૂ મૂકીને ચિહ્ન કર્યું હતું. પણ, આ ચિહ્ન એક આજ્ઞા હતી કે જેથી કોઈ પણ વ્યક્તિ કાઈનને મારીને વેર ન વાળે.
૪:૧૭—કાઈને કોની સાથે લગ્ન કર્યું હતું? આદમને ઘણા “દીકરાદીકરીઓ થયાં.” (ઉત્પત્તિ ૫:૪) તેથી, કાઈને તેની કોઈ બહેન અથવા તેની ભત્રીજી સાથે લગ્ન કર્યા હોઈ શકે. પરંતુ, પછીથી યહોવાહે નિયમ આપ્યો કે ઈસ્રાએલીઓએ પોતાના ભાઈ કે બહેન સાથે લગ્ન કરવું જોઈએ નહિ.—લેવીય ૧૮:૯.
૫:૨૪—કયા અર્થમાં ઈશ્વરે હનોખને “લઇ લીધો?” હનોખનું જીવન જોખમમાં હતું. તેમના દુશ્મનો તેમનો જીવ લેવા માગતા હતા. પરંતુ, યહોવાહ ઇચ્છતા ન હતા કે હનોખ તેઓના હાથે માર્યા જાય. આથી, પ્રેષિત પાઊલે કહ્યું તેમ, ‘હનોખને ઉપર લઈ લેવામાં આવ્યા કે તે મરણ ન જુએ.’ (હેબ્રી ૧૧:૫) પરંતુ, એનો અર્થ એમ નથી કે પરમેશ્વરે તેમને સ્વર્ગમાં લઈ લીધા. કેમ કે સ્વર્ગમાં જનાર સૌ પ્રથમ વ્યક્તિ ઈસુ હતા. (યોહાન ૩:૧૩; હેબ્રી ૬:૧૯, ૨૦) યહોવાહે હનોખને મરણની ઊંઘમાં સૂવડાવી દીધા હોય શકે. જેથી, હનોખ તેમના દુશ્મનોના હાથે ‘મરણ ન જુએ.’
૬:૬—માણસ બનાવીને યહોવાહને કયા અર્થમાં “પશ્ચાત્તાપ થયો?” મૂળ હેબ્રી ભાષામાં ‘પશ્ચાત્તાપનો’ અર્થ એમ થાય છે કે કોઈ પણ બાબત વિષે મન બદલાવું. જોકે, યહોવાહ સંપૂર્ણ છે આથી, માણસોને બનાવીને તેમણે કોઈ ભૂલ કરી ન હતી. પરંતુ, જળપ્રલય પહેલાની દુષ્ટ પેઢી માટે તેમનું મન બદલાયું. કેમકે તેમણે માણસોને બનાવ્યા અને હવે તેમણે જ આ દુષ્ટ પેઢીનો નાશ કરવો પડ્યો. હા, સારા લોકોને જળપ્રલયમાંથી બચાવીને બતાવ્યું કે તેમને દુષ્ટ લોકો માટે જ પશ્ચાત્તાપ થયો હતો.—૨ પીતર ૨:૫, ૯.
૭:૨—લોકોને કઈ રીતે ખબર હતી કે યહોવાહની નજરમાં કયા કયા પ્રાણીઓ શુદ્ધ કે અશુદ્ધ હતા? જળપ્રલય પહેલા તો પ્રાણીઓ શુદ્ધ છે કે અશુદ્ધ એનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો. કેમ કે, એ સમયે માણસો માંસ ખાતા ન હતા. તેઓ ફ્કત બલિદાન માટે જ પ્રાણીઓનો ઉપયોગ કરતા. એ પણ તેઓ જાણતા હતા કે કયા પ્રાણીઓ ચડાવવા જોઈએ અને કયા નહિ. આથી જ, જળપ્રલય પછી નુહે “યહોવાહને સારૂ એક વેદી બાંધી, ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંએકને લઈને વેદી પર હોમ કર્યો.” (ઉત્પત્તિ ૮:૨૦) જળપ્રલય પછી, યહોવાહે લોકોને માંસ ખાવા દીધું. પરંતુ, મુસાના નિયમ આવ્યા પછી લોકોને ચોક્કસ ખબર પડી કે કયું માંસ “શુદ્ધ” કે “અશુદ્ધ” હતું. પરંતુ, ઈસુના બલિદાન પછી આ નિયમનો અંત આવ્યો. ત્યાર પછી લોકો માંસને શુદ્ધ કે અશુદ્ધ તરીકે જોતા ન હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૧૬; એફેસી ૨:૧૬.
૭:૧૧—જળપ્રલય સમયે પાણી ક્યાંથી આવ્યું? ઉત્પત્તિના બીજા ‘દિવસે’ યહોવાહે “અંતરિક્ષ” બનાવ્યું. એની ‘તળે’ અને ‘અંતરિક્ષની ઉપર પાણી’ મૂક્યું. (ઉત્પત્તિ ૧:૬, ૭) ‘અંતરિક્ષની તળેનું’ પાણી નદીઓ-સાગરોમાં હતું. પૃથ્વી ‘ઉપરનું’ પાણી, જાણે એક ભીની ચાદર જેવું હતું. જળપ્રલય વખતે આ ઉપરના ‘મોટા જળનિધિમાંથી’ પાણી આવ્યું.
આપણે શું શીખી શકીએ?
૧:૨૬. યહોવાહે આપણને તેમની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. તેથી, આપણે તેમના જેવા ગુણો બતાવી શકીએ. ચોક્કસ, આપણે પ્રેમ, દયા, ભલાઈ, માયા અને ધીરજ જેવા પરમેશ્વરનાં ગુણો કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
૨:૨૨-૨૪. લગ્નની ગોઠવણ કરનાર યહોવાહ જ છે. આથી, લગ્ન પવિત્ર છે. લગ્ન સંબંધ કદી તૂટવો જોઈએ નહિ. કુટુંબમાં પતિ મુખ્ય જવાબદારી લે છે.
૩:૧-૫, ૧૬-૨૩. જો આપણે યહોવાહને વિશ્વના રાજા તરીકે સ્વીકારીશું તો, આપણે હંમેશાં ખુશી મેળવીશું.
૩:૧૮, ૧૯; ૫:૫; ૬:૭; ૭:૨૩. યહોવાહે આપેલા સર્વ વચનો હંમેશાં સાચા પડે છે.
૪:૩-૭. હાબેલ ઈશ્વરભકત હતા. તેથી, હાબેલે ચઢાવેલા બલિદાનથી યહોવાહ ખૂબ ખુશ થયા. (હેબ્રી ૧૧:૪) પરંતુ, કાઈનમાં ભક્તિનો એકેય છાંટો ન હતો. તેનું હૃદય નફરત અને ઈર્ષાથી ભરેલું હતું, એટલે તેણે પોતાના ભાઈનું ખૂન કર્યું. (૧ યોહાન ૩:૧૨) વધુમાં, તેણે યહોવાહને અર્પણ ચઢાવ્યું ત્યારે, દિલથી નહિ પરંતુ ચઢાવવા ખાતર જ અર્પણ ચઢાવ્યું હતું. તોપછી, આપણે પણ યહોવાહની ભક્તિ માટે કંઈ પણ કરીએ તો, શું એ પૂરા દિલથી ન હોવું જોઈએ?
૬:૨૨. નુહને વહાણ બાંધવા ઘણા વર્ષો લાગ્યા હશે. તોપણ નુહે યહોવાહના કહ્યા પ્રમાણે કર્યું. આથી તે અને તેમનું કુટુંબ જળપ્રલયમાંથી બચી ગયું. આજે યહોવાહ આપણને બાઇબલ અને તેમની સંસ્થા દ્વારા સલાહ આપે છે. શું આપણે એ સલાહ સાંભળીએ છીએ? જો સાંભળીશું, તો આપણું ભલું થશે.
૭:૨૧-૨૪. યહોવાહ દુષ્ટોની સાથે સારા લોકોનો પણ નાશ કરતા નથી.
મનુષ્યો માટે નવો યુગ શરૂ થયો
જળપ્રલય પછી નવો યુગ શરૂ થયો. યહોવાહે મેઘ ધનુષ્યથી એક વચન આપ્યું કે તે માણસજાતને જળપ્રલયથી ફરી નાશ કરશે નહિ. યહોવાહે માણસોને માંસ ખાવાની પરવાનગી આપી પણ, તેઓએ લોહી વહેવડાવી દેવાનું હતું. યહોવાહે નિયમ આપ્યો કે ખૂની લોકોને મોતની સજા મળશે. પૃથ્વીના સર્વ લોકો, નુહ અને તેમના ત્રણ દીકરાઓમાંથી આવે છે. નુહનો પૌત્ર નિમ્રોદ એક “બળવાન શિકારી” હતો. તે યહોવાહની વિરૂદ્ધ ગયો. લોકોએ આખી પૃથ્વી પર વિખેરાઈ જવાના બદલે, ભેગા જ રહેવાની યોજના ઘડી. નિમ્રોદે લોકોને બાબેલ શહેર અને આકાશ સુધી પહોંચે એવો એક બુરજ બાંધવાનું કહ્યું જેથી તેમનું નામ ઊંચું મનાવવામાં આવે. પરંતુ, આ યહોવાહની યોજના વિરુદ્ધ જતું હોવાથી, યહોવાહે તેઓનું સપનું સાચું થવા દીધું નહિ. તેમણે સર્વ લોકોની ભાષા બદલી નાખી. પરિણામે લોકો આખી પૃથ્વી પર વિખરાઈ ગયા.
સવાલ-જવાબ:
૮:૧૧—જો સર્વ ઝાડ જળપ્રલયમાં નાશ થઈ ગયા હોય તો કબૂતર જૈતુન વૃક્ષનું પાંદડું ક્યાંથી લાવ્યું? બે શક્યતાઓ રહેલી છે. (૧) જૈતુન વૃક્ષમાં ખૂબ તાકાત હોવાથી એ આકરી જગ્યા અને પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. તેથી, જળપ્રલયમાં એ વૃક્ષ પાણીમાં ડૂબેલું હોવા છતાં હજી જીવતું રહ્યું હોય શકે. પાણી ઓસરી ગયા પછી, આ વૃક્ષ પર ફરી પાંદડાં ઊગવા મંડ્યા હોય શકે અને એ કબૂતર ચાંચમાં લઈ આવ્યું હોય શકે. (૨) પાણી ઓસરી ગયા પછી, જમીનમાંથી ફણગો ફૂટીને ઊગવા માંડ્યો હોય અને કબૂતર એ લઈ આવ્યું હોય શકે.
૯:૨૦-૨૫—નુહે શા માટે કનાનને શાપ આપ્યો? કારણ કે કનાને પોતાના દાદા, નુહનું અપમાન કે તેમના પર કોઈ અનૈતિક કૃત્ય કર્યું હોઈ શકે. જોકે, કનાનના બાપ હામે આ બનાવ જોયો, પણ કંઈ કર્યું નહિ. એટલું જ નહિ, હામે પોતાના પિતાની આબરૂ બચાવવાના બદલે એ વિષે પોતાના ભાઈઓને કહ્યું. પરંતુ, નુહના બીજા બે દીકરા, શેમ અને યાફેથે પોતાના પિતાના શરીરને ઢાંકીને તેમની આબરૂ સાચવી. આથી, નુહે તેઓને આશીર્વાદ આપ્યો પણ કનાનને શાપ આપ્યો. આમ, પોતાના દિકરાના લીધે હામનું નાક કપાઈ ગયું.
૧૦:૨૫—પેલેગના દિવસોમાં કયા અર્થમાં પૃથ્વીનો “ભાગ” થયો? પેલેગે ઈસવી સન પૂર્વે ૨૨૬૯થી ૨૦૩૦ સુધી હતો. તેમના “દહાડાઓમાં” લોકો બાબેલ શહેર બાંધતા હતા. પણ યહોવાહે લોકોની ભાષા બદલાવીને તેઓને પૃથ્વી પર વિખેરી નાખ્યા. (ઉત્પત્તિ ૧૧:૯) તેથી, પેલેગના દિવસોમાં પૃથ્વી, એટલે પૃથ્વીની જનસંખ્યામાં “ભાગ” થયો.
આપણે શું શીખી શકીએ?
૯:૧; ૧૧:૯. કોઈ માણસ યહોવાહના હેતુને પૂરો થતા અટકાવી શકતા નથી.
૧૦:૧-૩૨. ઉત્પત્તિ ૫ અને ૧૦મા અધ્યાયો આપણને બતાવે છે કે માણસજાત કોના વંશમાંથી આવ્યા. નુહના દીકરો શેમમાંથી આશ્શૂરીઓ, ખાલદીઓ, હેબ્રીઓ, અરામીઓ અને અમુક આરબ લોકો આવ્યા. હેમના કુટુંબમાંથી કૂશીઓ, મિસરીઓ, કનાનીઓ અને અમુક આફ્રિકી અને આરબ લોકો આવ્યા. પછી યાફેથથી ભારતીય અને અંગ્રેજ જેવા લોકો આવ્યા. તેથી, મનુષ્ય એક મોટું કુટુંબ છે. યહોવાહની નજરમાં સર્વ સરખા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬) જો આપણે સત્યને હૃદયમાં ઉતાર્યું હશે તો, જાતિભેદભાવમાં કે ઊંચ-નીચમાં માનીશું નહિ.
દેવનો શબ્દ સમર્થ છે
ઉત્પત્તિના શરૂઆતના અધ્યાયો સિવાય બીજા કોઈ પણ પ્રાચીન પુસ્તકમાંથી મનુષ્ય વિષે ચોક્કસ ઇતિહાસ મળતો નથી. આ અધ્યાયોમાંથી આપણને જોવા મળે છે કે યહોવાહે શા માટે માણસોને બનાવ્યા. વળી, આપણે જોયું કે ભલે અમુક નિમ્રોદ જેવા દુષ્ટ હોય, તેઓ કદી યહોવાહ સામે જીતી શકતા નથી.
ઉત્પત્તિમાંથી આ અમુક મુદ્દાઓ તમને કઈ રીતે મદદ કરશે? (૧) તમે અઠવાડિયાનું દેવશાહી શાળાનું બાઇબલ વાંચન કરો ત્યારે, ‘બાઇબલમાંથી સવાલ-જવાબોના’ ભાગોમાંથી તમે ઉત્પત્તિની અઘરી બાબતો સમજી શકશો. (૨) “આપણા માટે બોધપાઠો” ભાગમાંથી તમે જોઈ શકશો કે એ અઠવાડિયાનું બાઇબલ વાંચન કઈ રીતે તમારા જીવનમાં લાગુ પાડે છે. (૩) અમુક વખતે સેવા સભાની સ્થાનિક જરૂરિયાતોની ટોકમાં તમે આ લેખમાંથી અમુક મુદ્દાઓ વિષે ચર્ચા કરી શકશો. ખરેખર, આપણે કહી શકીએ કે યહોવાહનો શબ્દ જીવંત અને સમર્થ છે, અને આપણા જીવનને અસર કરે છે!—હેબ્રી ૪:૧૨.