એક શહેર જ્યાં સાચી અને જૂઠી ભક્તિ વચ્ચે સંઘર્ષ થયો
પ્રાચીન એફેસસ શહેર તુર્કીના પશ્ચિમ કિનારે આવેલું હતું. હવે તો એ શહેરના અવશેષો જ બચ્યા છે. તોપણ છેલ્લા સોએક વર્ષથી પુરાતત્ત્વ વિજ્ઞાનીઓ માટે આ એક ખાસ સંશોધનની જગ્યા રહી છે. તેઓએ ત્યાં અસલ જેવી જ ઘણી ઇમારતો બાંધી છે. વિજ્ઞાનીઓએ આ શહેર વિષે ઊંડો અભ્યાસ કરીને ઘણી શોધ કરી છે ને એને પ્રાચીન શહેર સાથે શું સંબંધ હતો એ સમજાવવા કોશિશ કરી છે. પરિણામે, તુર્કીમાં એફેસસ એક બહુ પ્રખ્યાત પ્રવાસ સ્થળ બની ગયું છે.
એફેસસ વિષે શું શોધી કાઢવામાં આવ્યું? પ્રાચીન સમયના એ અદ્ભુત શહેરનું આજે કેવું ચિત્ર ઊભરી આવ્યું છે? એફેસસના ખંડેરો અને વિયેના, ઑસ્ટ્રિયામાં આવેલા એફેસસ મ્યુઝિયમની મુલાકાત લેવાથી આપણને એ સમજવા મદદ મળશે કે કઈ રીતે સાચી અને જૂઠી ભક્તિ વચ્ચે સંઘર્ષ થયો હતો. સૌ પ્રથમ, ચાલો આપણે એફેસસનો થોડો ઇતિહાસ તપાસીએ.
એ શહેરનો ઘણા લોકોને કબજો કરવો હતો
ઈસવીસન પૂર્વે અગિયારમી સદીમાં યુરેશિયા રાજકીય ઊથલપાથલથી ભરેલું હતું. ઘણા લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં વસવા જઈ રહ્યા હતા. ત્યારે આયોનિયન્સ ગ્રીકો એશિયા માઈનોરની પશ્ચિમે આવીને વસવા લાગ્યા. શરૂઆતમાં આવેલા આ લોકો અહીં વસતા લોકોને મળ્યા જેઓ કોઈ દેવી ને પૂજતા હતા. આ દેવી પછી એફેસિયન આર્તેમિસ તરીકે જાણીતી બની.
ઈ.સ. પૂર્વે સાતમી સદીના મધ્યમાં, સિમ્મરીયન્સ લોકો કાળા સમુદ્રની ઉત્તરેથી એશિયા માઈનોરને લૂંટવા આવ્યા. ત્યાર પછી, લગભગ ઈ.સ. પૂર્વે ૫૫૦માં લુદીયાનો ક્રિસેસ નામનો રાજા ઊભો થયો. આ રાજા બહુ શક્તિશાળી હતો. તેની પાસે અઢળક સંપત્તિ પણ હતી. કોરેશ રાજાએ ઈરાની સામ્રાજ્ય વિસ્તાર્યું તેમ, આયોનિયન્સ શહેરોને કબજે કર્યા જેમાં એફેસસનો પણ સમાવેશ થતો હતો.
પછી ઈ.સ. પૂર્વે ૩૩૪માં મકદોનિયાના ઍલેક્ઝાંડરે ઈરાન જીતી લીધું. આમ તે એફેસસનો નવો રાજા બન્યો. ઍલેક્ઝાંડરનું ઈ.સ. પૂર્વે ૩૨૩માં અકાળે અવસાન થયા પછી, એફેસસ તેના સરદારોના હાથમાં આવ્યું. ઈ.સ. પૂર્વે ૧૩૩માં પેર્ગામમના રાજા એટાલસ ત્રીજાને બાળકો ન હતા. તેથી તેણે એફેસસ રોમને વારસામાં આપીને એને એશિયાના રોમન પ્રાંતનો ભાગ બનાવી દીધું.
સાચી અને જૂઠી ભક્તિ વચ્ચે સંઘર્ષ
પહેલી સદીમાં પ્રેષિત પાઊલ બીજી મિશનરી મુસાફરી દરમિયાન એફેસસમાં આવ્યા. ત્યારે આ શહેરમાં લગભગ ૩,૦૦,૦૦૦ લોકો રહેતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧૯-૨૧) તેમની ત્રીજી મિશનરી મુસાફરી દરમિયાન, તે પાછા એફેસસમાં ગયા અને ત્યાં સભાસ્થાનોમાં પરમેશ્વરના રાજ્ય વિષે હિંમતથી સાક્ષી આપી. પણ ફક્ત ત્રણ મહિના પછી યહુદીઓ તરફથી ઉગ્ર વિરોધ શરૂ થયો. પાઊલ તુરાનસની શાળામાં તેઓને રોજ ઉપદેશ આપતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧, ૮, ૯) તેમણે બે વર્ષ સુધી પ્રચાર કર્યો. તેમણે માંદાઓને સાજા કર્યા અને ભૂતોને કાઢ્યા. આવા તો તેમણે ઘણા અદ્ભુત કામો કર્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૦-૧૭) તેથી ઘણાએ તેમના પ્રચારમાં વિશ્વાસ મૂક્યો. આમ યહોવાહનો શબ્દ ટકી રહ્યો. ઘણા જાદુગરોએ તો પોતાના અતિ મૂલ્યવાન પુસ્તકો એકઠાં કરીને બાળી નાખ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯, ૨૦.
પાઊલે એટલી જોરદાર રીતે પ્રચાર કર્યો કે એના લીધે ઘણા લોકોએ આર્તેમિસ દેવીની ભક્તિ કરવાનું છોડી દીધું. તેમ જ આર્તેમિસની પૂજા કરનારાઓ પ્રત્યે તેઓને ખૂબ રોષ ચઢતો. એ સમયે આર્તેમિસના રૂપાનાં મૂર્તિ બનાવવાના ધંધાથી ખૂબ ફાયદો થતો હતો. પરંતુ, દેમેત્રિઅસ નામના એક સોનીએ ધંધામાં થતા નુકસાનને જોઈને મૂર્તિ બનાવનારાઓને પાઊલ સામે ઉશ્કેર્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૩-૩૨.
લોકો આશરે બે કલાક સુધી એક અવાજે બૂમો પાડતા રહ્યા કે, “એફેસીઓની આર્તેમિસની જે!” (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૩૪) આ હંગામો બંધ થઈ ગયા પછી, પાઊલે સાથી ભાઈઓને ઉત્તેજન આપ્યું અને ત્યાંથી વિદાય લીધી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧) પછી પાઊલ મકદોનિયા ગયા. તેમણે એફેસસ છોડી દીધા પછી પણ ધીરે ધીરે આર્તેમિસ પંથની પડતી થવા લાગી.
આર્તેમિસ મંદિરનું પતન
એફેસસમાં આર્તેમિસના મૂળ બહુ ઊંડે સુધી ફેલાયેલા હતા. રાજા ક્રિસેસની પહેલાં, આ દેશમાં લોકો સિબલી દેવીની પૂજા કરતા હતા. પણ સિબલી તો ગ્રીક દેવી-દેવતાઓમાંની જ એક છે એમ કહીને ક્રિસેસે ગ્રીક અને ગ્રીક ન હોય એવા બંને લોકોને સ્વીકાર્ય દેવીની સ્થાપના કરી. ક્રિસેસ રાજાની મદદથી ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીની મધ્યમાં સિબલી પછી આર્તેમિસનું મંદિર બનાવવામાં આવ્યું.
ગ્રીક સ્થાપત્યમાં આ મંદિર બહુ મોટું હતું. આ પહેલાં કદી પણ આરસપહાણના આવા મોટા પથ્થરોથી આટલું મોટું મંદિર બનાવવામાં આવ્યું નહોતું. પણ આ મંદિર ઈ.સ. પૂર્વે ૩૫૬માં આગ લાગવાથી બળીને ભસ્મ થઈ ગયું. એના જેવું જ ભવ્ય મંદિર ફરીથી બાંધવામાં આવ્યું કે જેના લીધે ઘણા લોકોને રોજગારી મળી અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા થયા. આ મંદિર ૭૩ મીટર પહોળા ને ૧૨૭ મીટર લાંબા એક મંચ કે સપાટ જમીન પર બાંધવામાં આવ્યું. આ નવું મંદિર ૫૦ મીટર પહોળું અને ૧૦૫ મીટર લાંબું હતું. એને જગતની સાત અજાયબીઓમાંનું એક ગણવામાં આવતું હતું. આવું ભવ્ય મંદિર હોવા છતાં દરેક લોકો એનાથી કંઈ ખુશ ન હતા. એફેસસના ફિલસૂફ હરક્લૈટસએ મંદિરની વેદી તરફ લઈ જતા અંધારાના રસ્તાની સરખામણી હલકાપણા સાથે કરી. તેના કહેવા પ્રમાણે મંદિરમાં હલકાં નૈતિક ધોરણો હતા. તેમ છતાં, મોટા ભાગના લોકોને એવું લાગતું હતું કે આર્તેમિસના મંદિરનો ક્યારેય નાશ નહિ થાય. પરંતુ, ઇતિહાસ જોતા ખબર પડે છે કે હકીકતમાં શું બન્યું. એફેસસ—ધ ન્યૂ ગાઈડ નામનું પુસ્તક બતાવે છે: “બીજી સદી સુધીમાં, આર્તેમિસ અને બીજા દેવી-દેવતાઓના ભક્તો અચાનક જ જાણે ગાયબ થઈ ગયા.”
ત્રીજી સદીમાં સખત ધરતીકંપથી એફેસસ હચમચી ગયું. વધુમાં, કાળા સમુદ્રમાંથી ગોથ લોકોએ આવીને આર્તેમસ મંદિરની અઢળક સંપત્તિ લૂંટી લીધી અને મંદિરને સળગાવી દીધું. ઉપર ઉલ્લેખ કરેલા પુસ્તકે બતાવ્યું: “આર્તેમિસ પોતાના શહેરને ન બચાવી શકી તો પછી કઈ રીતે તેને શહેરની રક્ષણહાર ગણી શકાય?”—ગીતશાસ્ત્ર ૧૩૫:૧૫-૧૮.
છેવટે ચોથી સદીના અંતમાં, સમ્રાટ થિઑડૉશસ પહેલાએ “ખ્રિસ્તી” ધર્મને રાજ્યનો મુખ્ય ધર્મ બનાવ્યો. ત્યાર પછી, આર્તેમિસનું ભવ્ય મંદિર જે મોટા મોટા પથ્થરોથી બનેલું હતું, એની સામગ્રીનો ઇમારતો બનાવવા ઉપયોગ થવા લાગ્યો. આમ, આર્તેમિસની ઉપાસનાનું નામનિશાન મટી ગયું. એક માણસે પ્રાચીન જગતની અજાયબી જેવા આ મંદિરની કટાક્ષમાં ટીકા આપતા કહ્યું: “આ હવે સાવ નિર્જન અને વેરાન જગ્યા છે.”
આર્તેમિસથી “પરમેશ્વરની માતા”
પાઊલે પ્રાચીન એફેસસની મંડળીના વડીલોને ચેતવણી આપતા કહ્યું કે મારા ગયા પછી “ક્રૂર વરૂઓ” આવશે. તેમ જ તેઓમાંથી કેટલાક માણસો એવા પણ ઊભા થશે કે જેઓ “અવળી વાતો બોલશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૭, ૨૯, ૩૦) એવું જ બન્યું. અહેવાલ બતાવે છે કે ધર્મભ્રષ્ટ ખ્રિસ્તીઓની જૂઠી ભક્તિ ચારે બાજુ ફૂલીફાલી.
ઈસવીસન ૪૩૧માં, એફેસસમાં ત્રીજી મોટી ધાર્મિક સભા ભરાઈ. આ ધર્મસભામાં ખ્રિસ્ત વિષે ઊભા થયેલા વાદ-વિષયોની ચર્ચા કરવામાં આવી. એફેસસ—દેય નાયન ફિયુરે નામનું પુસ્તક જણાવે છે: ‘આલેકસાંદ્રિયામાં રહેનારા કૂળપિતાઓ એમ માનતા હતા કે ખ્રિસ્ત મનુષ્ય નહિ પણ ઈશ્વર જ હોય શકે. આ બાબતને જ્યારે ધર્મસભામાં સ્વીકારવામાં આવી ત્યારે આલેકસાંદ્રિયાના કૂળપિતાઓની છાતી ખુશીથી ગજગજ ફૂલતી હતી. એનાથી મરિયમનું મહત્ત્વ ખોટું વધી ગયું. તે હવે ઈસુને જન્મ આપનાર નહિ, પણ જાણે ખુદ પરમેશ્વરને જન્મ આપનાર મા બની. ત્યારથી મરિયમમાં માનનારો નવો પંથ શરૂ થયો ને ચર્ચમાં એવી ફાટફૂટ પડી જે આજ સુધી પૂરાઈ નથી.’
આમ, સિબલી અને આર્તેમિસને બદલે હવે મરિયમ, “ઈશ્વરને જન્મ આપનાર” અથવા “ઈશ્વરની માતાની” ઉપાસના થવા માંડી. પુસ્તક બતાવે છે તેમ, ‘એફેસસમાં મરિયમની ભક્તિ આજે પણ થાય છે કે જે આર્તેમિસ પંથ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી છે.”
આર્તેમિસની ભક્તિ લુપ્ત થઈ
આર્તેમિસની ભક્તિ લુપ્ત થતી ગઈ તેમ તેમ, એફેસસની પણ પડતી થવા લાગી. ધરતીકંપ, મેલેરિયા અને રેતીના કાંપને લીધે ધીરે ધીરે પૂરાતા જતા બંદરોને કારણે જીવન વધારે અઘરું બની ગયું.
સાતમી સદી સુધીમાં તો, મુસ્લિમ ધર્મનો ફેલાવો થવાનું શરૂ થઈ ગયું. મુસ્લિમ ધર્મએ આરબ અને બીજી અનેક જાતિઓને પોતાની માન્યતાથી એક કર્યા. તેમ જ, સાતમી અને આઠમી સદી દરમિયાન આરબો વહાણોમાં આવીને એફેસસને પણ લૂંટતા હતા. એફેસસનું બંદર કાંપથી સાવ પૂરાઈ ગયું ત્યારે એફેસસનું શું થશે એ નક્કી થઈ ગયું. એ શહેર સાવ ખંડેર બની ગયું. આજે આ ભવ્ય નગરની ફક્ત ઑયોસોલુક નામની એક જાતિ જ બચી છે.
એફેસસના ખંડેરોની મુલાકાત
એફેસસના ખંડેરોને જોઈને એની ભવ્યતાની એક ઝલક જોવા મળે છે. ઉપરના દરવાજાથી તમે ફરવા નીકળો તો શરૂઆતમાં જ તમને ક્યૂરેટિસના રસ્તાથી માંડીને સેલસસના પુસ્તકાલયનું ભવ્ય દૃશ્ય જોવા મળશે. ક્યૂરેટિસ રસ્તાની ડાબી બાજુએ ઓડિય્મ નામનું એક નાનું થિએટર છે. ઓડિય્મ થિએટર બીજી સદીમાં બાંધવામાં આવ્યું હતું. એમાં લગભગ ૧,૫૦૦ લોકો બેસી શકતા હતા. આમ, રાજકર્તાઓ ઉપરાંત સામાન્ય જનતાના મનોરંજન માટે પણ એનો ઉપયોગ થતો. ક્યૂરેટિસ રસ્તાની બંને બાજુએ ઇમારતો છે. જેમ કે, સ્ટેટ અગોરા જેમાં રાજ્ય વિષે ચર્ચા કરવામાં આવતી હતી. વળી, હેડ્રિયનનું મંદિર, કેટલાક ફૂવારાઓ અને ધાબાવાળા મકાનો પણ છે. એ જમાનામાં આ મકાનો જેવા તેવા ન હતા. એ એફેસસના મોટા મોટા લોકોના મહાલયો હતા.
બીજી સદીમાં સેલસસનું ભવ્ય પુસ્તકાલય બાંધવામાં આવ્યું હતું. એની ભવ્યતા અદ્ભુત હતી. વાંચવા માટેના મોટા મોટા ખંડમાં અસંખ્ય વીંટાઓને ગોખલામાં ગોઠવવામાં આવ્યા હતા. એના આંગણામાં ચાર પૂતળાં પણ હતા કે જે સોફિયા (ડહાપણ), આરેટી (સદ્ગુણ), ઑનીયા (ભક્તિ) અને એપીસસ્ટીમી (જ્ઞાન અથવા સમજણ) જેવા ગુણો બતાવતા હતા. સેલસસ જેવા રોમન ઉચ્ચ અધિકારીઓ પાસે આવા જરૂરી ગુણોની આશા રાખવામાં આવતી હતી. આ પ્રાચીન પૂતળાં વિયેનામાં આવેલા એફેસસ સંગ્રહસ્થાનમાં તમે જોઈ શકો છો. પુસ્તકાલયના આંગણાની પાસે, મોટો દરવાજો છે કે જ્યાંથી તમે તેટરાગોનોસ અગોરા એટલે કે બજારમાં જઈ શકો છો. આ મોટા ચોકમાં લોકો પોતાની રોજિંદી લેવડ-દેવડ કરતા. તેમ જ ચારે બાજુ સહેલ કરવાની જગ્યાઓ પણ હતી.
ત્યાંથી તમે આરસપહાણના રસ્તા પર આવો છો જે એક મોટા થિએટરમાં લઈ જાય છે. રોમન સામ્રાજ્યમાં આ થિએટરની બેઠક ક્ષમતા વધારીને ૨૫,૦૦૦ સુધી કરવામાં આવી. એના આગળના ભાગને ભવ્ય થાંભલાઓથી શણગારવામાં આવ્યો હતો કે જેમાં શિલ્પકામ અને પૂતળાં કોતરવામાં આવ્યા હતા. કદાચ દેમેત્રિયસ નામના સોનીએ અહીંયા જ ભેગા મળેલા લોકોને ઉશ્કેર્યા હતા.
થિએટરથી શહેરના બંદર સુધી ભવ્ય માર્ગ બનાવવામાં આવ્યો હતો. એ માર્ગ લગભગ ૫૦૦ મીટર લાંબો અને ૧૧ મીટર પહોળો છે. આ માર્ગની બંને બાજુઓને થાંભલાઓથી શણગારી હતી. આ માર્ગ પર થિએટર જિમ્નેશિયમ અને બંદરનું જિમ્નેશિયમ પણ છે. આ બંને જિમ્નેશિયમ લોકોને કસરત કરવા માટે બનાવવામાં આવ્યા હતા. આ માર્ગ બંદરે પૂરો થાય છે જ્યાં એક ફાટક પણ છે. આ એ જ ફાટક છે જ્યાંથી એ જમાનાના લોકો દુનિયાની મુસાફરીએ નીકળતા હતા. આ રીતે દુનિયાના કેટલાક રસપ્રદ ખંડેરોની મુલાકાત પૂરી થાય છે. આ ઐતિહાસિક નગરનું લાકડામાંથી બનાવેલું મોડલ વિયેના શહેરના એફેસસ સંગ્રહાલયમાં જોવા મળે છે. એફેસસની ઘણી ઇમારતોના નમૂના પણ ત્યાં જોવા મળે છે.
એફેસસ સંગ્રહાલયની મુલાકાત લેવાથી અને એફેસસની આર્તેમિસ દેવીની મૂર્તિ જોયા પછી, એ સમયના એફેસસના ખ્રિસ્તીઓને કેટલું સહન કરવું પડ્યું હશે એનો કોઈ પણ ખ્રિસ્તીને તરત જ ખ્યાલ આવી શકે. તેઓને પિશાચવાદ અને ધાર્મિક પૂર્વગ્રહમાં આંધળા બનેલા શહેરમાં ઘણું સહેવું પડ્યું હશે. વધુમાં આર્તેમિસના ઉપાસકો પણ રાજ્ય પ્રચારનો ઉગ્ર વિરોધ કરતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯; એફેસી ૬:૧૨; પ્રકટીકરણ ૨:૧-૩) આવી ખરાબ પરિસ્થિતિમાં પણ, સાચી ઉપાસના ત્યાં સ્થાપિત થઈ. હા, સાચા પરમેશ્વરના સેવકો હંમેશાં રહેશે. જ્યારે જૂઠા ધર્મનું પ્રાચીન આર્તેમિસના ભક્તોની જેમ નામનિશાન મટી જશે.—પ્રકટીકરણ ૧૮:૪-૮
[નકશા/પાન ૨૬ પર ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
મકદોનિયા
કાળો સમુદ્ર
એશિયા માઈનોર
એફેસસ
ભૂમધ્ય સમુદ્ર
ઇજિપ્ત
[પાન ૨૭ પર ચિત્ર]
આર્તેમિસ મંદિરના અવશેષો
[પાન ૨૮, ૨૯ પર ચિત્ર]
૧. લસસનું પુસ્તકાલય
૨. આરેટીનું નજીકથી લેવાયેલું ચિત્ર
૩. આરસપહાણથી બનેલો રસ્તો, જે ભવ્ય થિએટર સુધી જાય છે