યહોવાહનો શબ્દ જીવંત છે
બીજા રાજાઓના મુખ્ય વિચારો
પહેલા રાજાના પુસ્તક પછી તરત જ બીજો રાજાનું પુસ્તક શરૂ થાય છે. આ પુસ્તક ૨૯ રાજાઓનો અહેવાલ આપે છે. એમાંના ૧૨ રાજાઓ ઈસ્રાએલના ઉત્તર રાજ્યમાંથી ને ૧૭ રાજાઓ યહુદાહ, ઈસ્રાએલના દક્ષિણ રાજ્યમાંથી છે. બીજો રાજાનું પુસ્તક એલીયાહ, એલીશા ને યશાયાહ પ્રબોધકોનું કામ જણાવે છે. જોકે, આ પુસ્તકમાં બધી વિગતો ક્રમવાર આપવામાં આવી નથી. તેમ છતાં, તે છેક સમરૂન ને યરૂશાલેમના વિનાશ સુધીનો ઇતિહાસ જણાવે છે. યિર્મેયાહે બીજા રાજાનું પુસ્તક લખ્યું હતું. એ પુસ્તક ઈસવીસન પૂર્વે ૯૨૦થી ૫૮૦ સુધીનો, એટલે કે ૩૪૦ વર્ષનો ઇતિહાસ જણાવે છે.
બીજો રાજાઓનું પુસ્તક કેમ આપણા માટે લાભદાયી છે? એ યહોવાહ ને તેમનાં કામો વિષે શું શીખવે છે? પુસ્તકમાં જણાવેલા રાજાઓ, પ્રબોધકો અને બીજાઓ પાસેથી આપણે શું શીખી શકીએ? ચાલો આપણે જોઈએ.
એલીયાહ પછી એલીશા પ્રબોધક બને છે
ઈસ્રાએલનો રાજા અહાઝયાહ મહેલમાં પડી જવાથી માંદો થઈ જાય છે. એલીયાહ તેને કહે છે કે તું થોડા સમયમાં ગુજરી જઈશ. તેના મરણ પછી, તેનો ભાઈ યહોરામ રાજ કરવા લાગે છે. આ સમય દરમિયાન, યહોશાફાટ યહુદાહનો રાજા છે. એલીયાહને એક વંટોળિયામાં લઈ લેવામાં આવે છે ને તેમનો સેવક એલીશા પ્રબોધકનું કામ શરૂ કરે છે. એલીશા લગભગ ૬૦ વર્ષ પ્રબોધ કરે છે. આ સમયમાં તે અનેક ચમત્કારો કરે છે.—‘એલીશાના ચમત્કારો’ બૉક્સ જુઓ.
એક મોઆબી રાજા ઈસ્રાએલની સામે ઊભો થાય છે ત્યારે યહોરામ, યહોશાફાટ અને અદોમનો રાજા તેની સામે લડવા જાય છે. તેઓ જીત મેળવે છે કેમ કે યહોશાફાટ યહોવાહને ભજતો હોય છે. થોડા સમય બાદ, અરામનો રાજા ઈસ્રાએલ પર છાની છૂપી રીતે હુમલો કરવાનું નક્કી કરે છે. પરંતુ, એલીશાને એની ખબર પડી જાય છે. આથી, અરામનો રાજા એટલો લાલ-પીળો થઈ જાય છે કે તે એલીશાને પકડવા “ઘોડા, રથો તથા મોટું સૈન્ય” મોકલે છે. (૨ રાજાઓ ૬:૧૪) એલીશા બે ચમત્કારો કરે છે અને અરામી સૈનિકો શાંતિથી પાછા વતન ચાલ્યા જાય છે. ત્યાર પછી અરામનો રાજા બેન-હદાદ સમરૂનને ઘેરો ઘાલે છે. સમરૂનમાં ભારે દુકાળ પડે છે પણ એલીશા વચન આપે છે કે દુકાળનો અંત આવશે.
થોડા સમય પછી, એલીશા દમસ્ક જાય છે. રાજા બેન-હદાદ ખૂબ બીમાર છે. તે હઝાએલને એલીશા પાસે મોકલે છે જેથી તે તપાસ કરી શકે કે પોતે સાજો થશે કે કેમ. એલીશા હઝાએલને કહે છે કે રાજા મરી જશે ને તેની જગ્યાએ તું રાજ કરવા લાગીશ. આ વચન આપ્યાના એક દિવસ પછી, હઝાએલ એક ભીની “ચાદર લઈને” રાજાનું મોં ઢાંકીને તેને મારી નાખે છે. તે પછી રાજ કરવા લાગે છે. (૨ રાજાઓ ૮:૧૫) યહુદાહમાં યહોશાફાટનો દીકરો યહોરામ રાજા બને છે. તે મરી જાય છે ત્યારે તેનો દીકરો અહાઝયાહ રાજા બને છે.—‘યહુદાહ ને ઈસ્રાએલના રાજાઓ’ બૉક્સ જુઓ.
સવાલ-જવાબ:
૨:૯—એલીશાએ કેમ એલીયાહના “આત્માનો બમણો હિસ્સો” માંગ્યો? એલીયાહ જેવા પ્રબોધક બનવા માટે એલીશાએ તેમના જેવા હિંમતવાન બનવાની જરૂર હતી. એટલા માટે એલીશાએ એલીયાહ કરતાં બમણી શક્તિની માંગ કરી. એલીયાહે એલીશાને પ્રબોધક બનવા પસંદ કર્યા હતા. એલીશા છ વર્ષ સુધી એલીયાહના સેવક હતા. તે એલીયાહને પિતા સમાન ગણતા હતા. એલીયાહ પણ એલીશાને પ્રથમ જન્મેલા દીકરા તરીકે ગણતા હતા. (૧ રાજાઓ ૧૯:૧૯–૨૧; ૨ રાજાઓ ૨:૧૨) ઈસ્રાએલના જમાનામાં પ્રથમ જન્મેલા છોકરાને પિતાના વારસાનો બમણો ભાગ મળતો, તેમ એલીશાને વારસામાં એલીયાહ તરફથી બમણો આશીર્વાદ મળ્યો.
૨:૧૧—“એલીયાહ વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો.” એનો શું અર્થ થાય? એલીયાહ કંઈ અંતરિક્ષમાં ગયા ન હતા. તેમ જ, પરમેશ્વર અને સ્વર્ગદૂતો રહે છે એ સ્વર્ગમાં પણ ગયા ન હતા. (પુનર્નિયમ ૪:૧૯; ગીતશાસ્ત્ર ૧૧:૪; માત્થી ૬:૯; ૧૮:૧૦) એલીયાહ એ “આકાશમાં” ચઢી ગયા, જ્યાં વાદળો હોય છે. (ગીતશાસ્ત્ર ૭૮:૨૬; માત્થી ૬:૨૬) એવું ધારી શકીએ કે આકાશમાં ઊડતો એ અગ્નિરથ એલીયાહને દુનિયાની બીજી કોઈ જગ્યાએ લઈ ગયો. આ નવી જગ્યામાં તે અમુક સમય જીવતા રહ્યા. વર્ષો બાદ, એલીયાહ ત્યાંથી યહુદાહના રાજા યહોરામને પત્ર લખે છે.—૨ કાળવૃત્તાંત ૨૧:૧, ૧૨-૧૫.
૫:૧૫, ૧૬—એલીશાએ કેમ નાઅમાનની ભેટ સ્વીકારી નહિ? કેમ કે તે જાણતા હતા કે તેમણે યહોવાહની શક્તિથી નાઅમાનને સાજો કર્યો હતો, પોતાની શક્તિથી નહિ. આથી, તેમણે કદી એમ ન વિચાર્યું કે યહોવાહે આપેલી સોંપણીમાંથી ફાયદો ઉઠાવું. આજે આપણે યહોવાહની ભક્તિ કરતા હોઈએ ત્યારે કદી પણ એકબીજામાંથી લાભ ઉઠાવવો ન જોઈએ. ઈસુએ આપેલી આ સલાહ પાળો: “તમે મફત પામ્યા, મફત આપો.”—માત્થી ૧૦:૮.
૫:૧૮, ૧૯—શું નાઅમાન કોઈ ખોટી ધાર્મિક વિધિમાં ભાગ લેવા બદલ માફી માંગતો હતો? એવું લાગે છે કે અરામનો રાજા ઘરડો અને નબળો થઈ ગયો હતો. તેને નાઅમાનના ટેકાની જરૂર પડતી. આથી, જ્યારે રાજા રિમ્મોનના મંદિરમાં મૂર્તિ આગળ નમતો ત્યારે નાઅમાનને પણ નમવું પડતું હતું. પરંતુ, નાઅમાન પોતે કોઈ વિધિ કે પૂજા કરતો ન હતો. નાઅમાને યહોવાહની માફી માંગી કેમ કે તેણે એ રીતે રાજાને મદદ કરવી પડતી હતી. એલીશા નાઅમાનની વિનંતી માને છે ને તેને કહે છે: “શાંતિએ જા.”
આપણે શું શીખી શકીએ?
૧:૧૩, ૧૪. ધ્યાન આપવાથી ને નમ્ર રહેવાથી લોકોના જીવ બચી શકે છે.
૨:૨, ૪, ૬. એલીશાએ ભલે આશરે છ વર્ષ એલીયાહની સેવા કરી, તે હજીયે એલીયાહનો સાથ છોડવા માંગતા ન હતા. દોસ્તી ને વફાદારીનો કેવો સરસ દાખલો!—નીતિવચનો ૧૮:૨૪.
૨:૨૩, ૨૪. છોકરાઓએ એલીશાની મશ્કરી કરી, કેમ કે તેમને માથે ટાલ હતી. તેમ જ તેમણે એલીયાહ પાસેથી મળેલી સત્તા બતાવતો ઝભ્ભો પહેર્યો હતો. આથી, છોકરાઓને ખબર હતી કે એલીશા યહોવાહના પ્રબોધક છે. પરંતુ, તેઓ તેમને ત્યાંથી ભગાવવા માગતા હતા. તેઓએ કહ્યું, “આગળ ચાલ.” એટલે કે છેક બેથેલ ચાલ્યો જા, નહિતર એલીયાહની જેમ આકાશમાં ચાલ્યો જા. આ છોકરાંઓએ તેઓનાં માબાપ જેવું જ વલણ બતાવ્યું. કેમ કે તેઓ પણ એલીશાનો વિરોધ કરતા હતા. તેથી, આજે માબાપો પણ પોતાનાં બાળકોને યહોવાહે નીમેલા ભાઈઓને માન આપતા શીખવે એ ખૂબ મહત્ત્વનું છે.
૩:૧૪, ૧૮, ૨૪. યહોવાહ જે કહે એ હંમેશાં સાચું પડે છે.
૩:૨૨. સવારે ઊગતા સૂર્યના પ્રકાશને લીધે પાણી લોહી જેવું લાગ્યું હોય શકે. કારણ કે ખોદેલા ખાડામાં લાલ માટી હતી. યહોવાહ કોઈ પણ કુદરતી વસ્તુનો ચમત્કાર માટે ઉપયોગ કરીને તેમની ઇચ્છા પૂરી કરી શકે છે.
૪:૮-૧૧. શૂનેમની એક સ્ત્રી પારખી શકી કે એલીશા “એક પવિત્ર ઈશ્વરભક્ત છે.” એટલે તેણે તેમનું ધ્યાન રાખ્યું. શું આપણે પણ યહોવાહના બીજા ભક્તો માટે એમ ન કરવું જોઈએ?
૫:૩. આ નાની ઈસ્રાએલી છોકરીને વિશ્વાસ હતો કે યહોવાહ ચમત્કાર કરી શકે છે. તેણે યહોવાહ વિષે વાત કરવાની હિંમત પણ બતાવી. યુવાનો, શું તમે યહોવાહનાં વચનોમાં ભરોસો મૂકો છો? શું તમે તમારા શિક્ષકો કે બીજા વિદ્યાર્થીઓ સાથે સત્ય વિષે વાત કરો છો?
૫:૯-૧૯. શું નાઅમાનનો દાખલો એ નથી બતાવતું કે કોઈ પણ ઘમંડી વ્યક્તિ નમ્ર બનવાનું શીખી શકે છે?—૧ પીતર ૫:૫.
૫:૨૦-૨૭. ચાલાકી કરવા જતા ગેહઝીને મોટી સજા મળી! જો તમે યહોવાહને ભજવાનો દાવો કરતા હોવ અને સાથે સાથે ખરાબ જીવન જીવતા હોવ, તો વિચાર કરો કે તમને કેટલું દુઃખ ભોગવવું પડશે. તેથી, એવું કંઈ પણ કરવાથી દૂર રહો.
ઈસ્રાએલ અને યહુદાહ બંદીવાન બને છે
યેહૂ ઈસ્રાએલના રાજા બને છે. તે તરત જ આહાબના કુટુંબને મારી નાખવા નીકળી પડે છે. યેહૂની સારી યોજનાને લીધે ઈસ્રાએલમાંથી “બઆલનો નાશ” થાય છે. (૨ રાજાઓ ૧૦:૨૮) અહાઝ્યાની મા અથાલ્યાહને ખબર પડે છે કે યેહૂએ તેના દીકરાને મારી નાખ્યો છે. એટલે અથાલ્યાહ ‘ઊઠીને આખા યહુદાહના રાજવંશનો નાશ’ કરીને રાજ કરવા લાગે છે. (૨ રાજાઓ ૧૧:૧) ફક્ત અહાઝ્યાહનો બાળક, યોઆશ બચી જાય છે. છ વર્ષ તેને સંતાડી રાખ્યા પછી, તેને જાહેરમાં યહુદાહનો રાજા બનાવવામાં આવે છે. યાજક યહોયાદા યોઆશને શિક્ષણ આપે છે. યોઆશ યહોવાહની નજરે જે સારું છે તે કરે છે.
યેહૂ પછીના સર્વ રાજાઓ યહોવાહની નજરે જે ભૂંડું છે તે કરે છે. યેહૂના પૌત્રના વખતમાં એલીશા શાંતિથી ઘડપણમાં મરણ પામે છે. યોઆશ પછી યહુદાહનો ચોથો રાજા આહાઝ છે. ‘યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું તે પ્રમાણે તેણે કર્યું નહિ.’ (૨ રાજાઓ ૧૬:૧, ૨) તેનો દીકરો હિઝકીયાહ રાજા બને છે. તે “યહોવાહને વળગી” રહે છે. (૨ રાજાઓ ૧૭:૨૦; ૧૮:૬) ઈસવી સન પૂર્વે ૭૪૦માં હિઝકીયાહ યહુદાહનો રાજા બને છે અને હોશીઆ ઈસ્રાએલ પર રાજ કરે છે. એ વખતે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે “સમરૂન લીધું, ને ઈસ્રાએલને આશ્શૂરમાં પકડી લઈ” ગયો. (૨ રાજાઓ ૧૭:૬) આને લીધે પરદેશીઓ ઈસ્રાએલમાં રહેવા આવ્યા ને એમાંથી સમરૂનના ધર્મનો જન્મ થાય છે.
હિઝકીયાહ પછી યહુદાહના સાત રાજાઓમાંથી ફક્ત એક જ રાજા જૂઠા ધર્મોને દેશમાંથી કાઢી નાખવા પ્રયત્ન કરે છે. તે યોશીયાહ છે. ઈ.સ. પૂર્વ ૬૦૭માં બાબેલોનીઓ યરૂશાલેમ અને “યહુદાહના લોકોને તેમના દેશમાંથી બંદીવાન કરીને લઈ” જાય છે.—૨ રાજાઓ ૨૫:૨૧.
સવાલ-જવાબઃ
૧૩:૨૦, ૨૧—શું આ ચમત્કાર એમ બતાવે છે કે આપણે પુરાણી ધાર્મિક ચીજવસ્તુઓની પૂજા કરવી જોઈએ? ના, કલમ એમ કરવા કહેતું નથી. બાઇબલમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે લોકો એલીશાના હાડકાંની પૂજા કરતા હતા. એલીશા જીવતા હતા ત્યારે તેમણે ઈશ્વરની શક્તિથી ચમત્કારો કર્યા. તેમ જ આ કલમમાં જણાવેલો ચમત્કાર ઈશ્વરની શક્તિથી જ થયો.
૧૫:૧-૬—યહોવાહે શા માટે અઝાર્યાહને (ઉઝ્ઝીયાહ, ૨ કાળવૃત્તાંત ૨૬:૧૮) કોઢિયો બનાવી દીધો? “જ્યારે તે [ઉઝ્ઝીયાહ] બળવાન થયો, ત્યારે તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું, . . . તેણે પોતાના દેવ યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું; તે ધૂપવેદી ઉપર ધૂપ બાળવાને યહોવાહના મંદિરમાં ગયો.” જ્યારે યાજકોએ ‘ઉઝ્ઝીયાહ રાજાને અટકાવવા’ ઊભા થઈને કહ્યું, “પવિત્રસ્થાનમાંથી બહાર નીકળ,” ત્યારે રાજાને ક્રોધ ચઢ્યો. એટલે યહોવાહે તેને કોઢિયો બનાવી દીધો.—૨ કાળવૃત્તાંત ૨૬:૧૬-૨૦.
૧૮:૧૯-૨૧, ૨૫—શું હિઝ્કીયાહે મિસર સાથે દોસ્તીનો કરાર કર્યો હતો? ના, રાબશાકેહનો આરોપ ખોટો હતો. તેણે દાવો કર્યો હતો કે તે ‘યહોવાહની આજ્ઞાથી’ આ કરતો હતો. પણ એ દાવો ખોટો હતો. રાજા હિઝકીયાહ યહોવાહને વળગી રહ્યા ને તેમના પર જ વિશ્વાસ રાખ્યો.
આપણે શું શીખી શકીએ?
૯:૭, ૨૬. આહાબના કુટુંબ પર આવેલી ગંભીર સજા બતાવે છે કે યહોવાહની નજરે જૂઠા ધર્મો પાળવા કે નિર્દોષ લોકોનું ખૂન કરવું ધિક્કારપાત્ર છે.
૯:૨૦. યેહૂ રથને ખૂબ ઝડપથી ચલાવવા માટે જાણીતા હતા. કેમ કે તેમને યહોવાહે સોંપેલું કામ પૂરું કરવા માટે ખૂબ જોશ હતો. શું તમે જોશીલા પ્રચારક તરીકે જાણીતા છો?—૨ તીમોથી ૪:૨.
૯:૩૬, ૩૭; ૧૦:૧૭; ૧૩:૧૮, ૧૯, ૨૫; ૧૪:૨૫; ૧૯:૨૦, ૩૨-૩૬; ૨૦:૧૬, ૧૭; ૨૪:૧૩. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે જે વચન યહોવાહના મોંમાંથી નીકળે છે એ ચોક્કસ પૂરાં થશે.—યશાયાહ ૫૫:૧૦, ૧૧.
૧૦:૧૫. યહોનાદાબે તરત જ પૂરા હૃદયથી યેહૂનું આમંત્રણ સ્વીકાર્યું અને રથ પર ચઢી ગયો. આજે “મોટી સભા” પૂરા હૃદયથી ઈસુ અને અભિષિક્ત જનોને સાથ આપે છે. આજે ઈસુ યેહૂને રજૂ કરે છે.—પ્રકટીકરણ ૭:૯.
૧૦:૩૦, ૩૧. ભલે યેહૂએ જીવનમાં અમુક ભૂલો કરી હતી પરંતુ, યહોવાહે તેનાં સારાં કામોની કદર કરી. ખરેખર, ‘દેવ આપણા કામને વીસરે એવા અન્યાયી નથી.’—હેબ્રી ૬:૧૦.
૧૩:૧૪-૧૯. યેહૂના પૌત્ર યોઆશે ફક્ત ત્રણ જ વાર બાણ માર્યા. તેણે પૂરા શ્રમથી આ કામ કર્યું નહિ એટલે અરામના સૈનિકો સામે થોડી જ જીત મેળવી. આજે યહોવાહ ચાહે છે કે આપણે પૂરા હૃદયથી ને હોંશથી તેમની સેવા કરીએ.
૨૦:૨-૬. યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨.
૨૪:૩, ૪. મનાશ્શાહ ખૂની હતા, એટલે યહોવાહ યહુદાહને ‘ક્ષમા કરવા રાજી ન હતા.’ યહોવાહ નિર્દોષ લોકોનું લોહી બહુ જ કીમતી ગણે છે. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાહ એવી વ્યક્તિઓ પર વેર લેશે જેઓ નિર્દોષ લોકોનું ખૂન કરે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧; ૧૪૫:૨૦.
એમાંથી શીખીએ
બીજા રાજાઓનું પુસ્તક બતાવે છે કે યહોવાહ તેમનાં વચન જરૂર પૂરાં કરે છે. પહેલા ઈસ્રાએલ અને પછી યહુદાહમાંથી લોકોનો દેશનિકાલ બતાવે છે કે પુનર્નિયમ ૨૮:૧૫–૨૯:૨૮માં જણાવેલી ભવિષ્યવાણી સાચી પડી. બીજા રાજાઓનું પુસ્તક બતાવે છે કે પ્રબોધક એલીશાએ યહોવાહ અને તેમની ભક્તિ માટે ખૂબ ઉત્સાહ બતાવ્યો હતો. આ પુસ્તક એ પણ બતાવે છે કે રાજા હિઝકીયાહ અને યોશીયાહ નમ્ર હતા અને યહોવાહના નિયમોની ખૂબ કદર કરતા હતા.
બીજા રાજાઓનું પુસ્તક તપાસવાથી આપણે રાજાઓ, પ્રબોધકો અને બીજા લોકોના અહેવાલોમાંથી ઘણું શીખી શકીએ છીએ. જેમ કે કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ ને કઈ બાબતો પૂરા દિલથી કરવી જોઈએ. (રૂમી ૧૫:૪; ૧ કોરીંથી ૧૦:૧૧) ખરેખર, ‘દેવનો શબ્દ જીવંત અને સમર્થ’ છે.—હેબ્રી ૪:૧૨.
[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]
એલીશાના ચમત્કારો
૧. યરદન નદીના બે ભાગ પડે છે.—૨ રાજાઓ ૨:૧૪
૨. યરેખોનું ખરાબ પાણી સારું બને છે.—૨ રાજાઓ ૨:૧૯-૨૨
૩. રીંછડીઓ તોફાની છોકરાઓને મારી નાખે છે.—૨ રાજાઓ ૨:૨૩, ૨૪
૪. સૈન્યને પાણી મળે છે.—૨ રાજાઓ ૩:૧૬-૨૬
૫. એક વિધવાને તેલ મળે છે.—૨ રાજાઓ ૪:૧-૭
૬. શૂનેમની એક સ્ત્રીને છેવટે બાળક થાય છે.—૨ રાજાઓ ૪:૮-૧૭
૭. એક મરેલું બાળક જીવતું થાય છે.—૨ રાજાઓ ૪:૧૮-૩૭
૮. ઝેરી શાક ખાવાને લાયક થાય છે.—૨ રાજાઓ ૪:૩૮-૪૧
૯. વીસ રોટલીથી એકસો માણસો પેટ ભરીને ખાય છે.—૨ રાજાઓ ૪:૪૨-૪૪
૧૦. નાઅમાન કોઢની બીમારીમાંથી સાજો થાય છે.—૨ રાજાઓ ૫: ૧-૧૪
૧૧. નાઅમાનનો કોઢ ગેહઝીમાં જાય છે.—૨ રાજાઓ ૫:૨૪-૨૭
૧૨. કુહાડીમાંનું લોઢું પાણી પર તરે છે.—૨ રાજાઓ ૬:૫-૭
૧૩. એક દાસ રથમાં સવાર સ્વર્ગદૂતો જુએ છે.—૨ રાજાઓ ૬:૧૫-૧૭
૧૪. અરામના સૈનિકો આંધળા થઈ જાય છે.—૨ રાજાઓ ૬:૧૮
૧૫. અરામના સૈનિકો પાછા દેખતા થાય છે.—૨ રાજાઓ ૬:૧૯-૨૩
૧૬. એક મૂએલો માણસ જીવતો થાય છે.—૨ રાજાઓ ૧૩:૨૦, ૨૧
[પાન ૧૨ પર ચાર્ટ⁄ચિત્રો]
યહુદાહ અને ઈસ્રાએલના રાજાઓ
શાઊલ/દાઊદ/સુલેમાન: ઈ.સ. પૂર્વે ૧૧૧૭/૧૦૭૭/૧૦૩૭ a
યહુદાહના રાજાઓ તારીખ (ઈ.સ. પૂર્વે) ઈસ્રાએલના રાજાઓ
રહાબઆમ - - - - - - ૯૯૭ - - - - - યરોબઆમ
અબીયાહ/આસા - - - - - ૯૮૦/૯૭૮ - - - -
- - - ૯૭૬/૯૭૫/૯૫૨ - - - નાદાબ/બાઅશા/એલાહ
- - - - ૯૫૧/૯૫૧/૯૫૧ - - - ઝિમ્રી/ઓમ્રી/તિબ્ની
- - - - - - - ૯૪૦ - - - - - આહાબ
યહોશાફાટ - - - - - - - ૯૩૭ - - - - - -
- - - - - - ૯૨૦/૯૧૭ - - - - - અહાઝયાહ/યહોરામ
યહોરામ - - - - - - - - ૯૧૩ - - - - -
અહાઝયાહ - - - - - - - - ૯૦૬ - - - - -
(અથાલ્યાહ) - - - - - - - - ૯૦૫ - - - - - યેહૂ
યોઆશ - - - - - - - - ૮૯૮ - - - - -
- - - - - - ૮૭૬/૮૫૯ - - - - - યહોઆહાઝ/યોઆશ
અમાસ્યાહ - - - - - - - - ૮૫૮ - - - - - -
- - - - - - - - ૮૪૪ - - - - - - યરોબઆમ બીજો
અઝાર્યાહ (ઉઝ્ઝીયાહ)- - - - - - ૮૨૯ - - - - -
- - - - - ૮૦૩/૭૯૧/૭૯૧ - - - ઝખાર્યાહ/શાલ્લૂમ/મનાહેમ
- - - - - ૭૮૦/૭૭૮ - - - - - પકાહ્યાહ/પેકાહ
યોથામ/આહાઝ - - - - - ૭૭૭/૭૬૨ - - - - -
- - - - - - ૭૫૮ - - - - - - હોશીઆ
હિઝકીયાહ - - - - - - ૭૪૬ - - - - - -
- - - - - - ૭૪૦ - - - - - - સમરૂનનો કબજો
મનાશ્શેહ/આમોન/યોશીયાહ - ૭૧૬/૬૬૧/૬૫૯ - - -
યહોઆહાઝ/યહોયાકીમ - - - - ૬૨૮/૬૨૮ - - - - -
યહોયાખીન/સિદકીયાહ - - - - ૬૧૮/૬૧૭ - - - - -
યરૂશાલેમનો નાશ થયો - - - - - ૬૦૭ - - - - - -
[ફુટનોટ]
a * આ તારીખો બતાવે છે કે રાજાઓએ લગભગ આ વર્ષે રાજ શરૂ કર્યું હતું.
[પાન ૮, ૯ પર ચિત્ર]]
નાઅમાન નમ્ર બને છે અને યહોવાહની શક્તિથી સાજો થાય છે
[પાન ૮, ૯ પર ચિત્ર]
એલીયાહ “વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો” ત્યારે તેનું શું થયું?