બીજો રાજાઓ
૯ પ્રબોધક એલિશાએ પ્રબોધકોના દીકરાઓમાંથી* એકને બોલાવીને કહ્યું: “તારો ઝભ્ભો કમરે ખોસ. તેલની કુપ્પી લઈને ઉતાવળે રામોથ-ગિલયાદ જા.+ ૨ તું ત્યાં પહોંચીને યેહૂને શોધી કાઢજે,+ જે યહોશાફાટનો દીકરો અને નિમ્શીનો પૌત્ર છે. તું તેના સાથીદારો પાસેથી તેને એક બાજુ બોલાવીને અંદરના ઓરડામાં લઈ જજે. ૩ તેલની કુપ્પી લઈને તેના માથા પર તેલ રેડી દેજે. તેને કહેજે કે ‘યહોવા જણાવે છે: “હું તારો ઇઝરાયેલના રાજા તરીકે અભિષેક* કરું છું.”’+ પછી બારણું ખોલીને તરત નાસી છૂટજે.”
૪ એટલે એલિશાનો એ સેવક રામોથ-ગિલયાદ જવા નીકળી પડ્યો. ૫ તે આવ્યો ત્યારે સેનાપતિઓ બેઠા હતા. સેવકે કહ્યું: “હે સેનાપતિ, તમારા માટે સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછ્યું: “અમારામાંથી કોના માટે?” સેવકે કહ્યું: “હે સેનાપતિ, તમારા માટે.” ૬ યેહૂ ઊઠ્યો અને ઘરમાં ગયો. સેવકે તેના માથા પર તેલ રેડ્યું અને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે કે, ‘હું તારો અભિષેક કરું છું. તને યહોવાના લોકોનો, ઇઝરાયેલીઓનો રાજા બનાવું છું.+ ૭ તારે તારા માલિક આહાબના બધા વંશજોનો સફાયો કરવાનો છે. ઇઝેબેલે મારા પ્રબોધકોને અને યહોવાના ભક્તોને મારી નાખ્યા છે. એ બધાના લોહીનો બદલો હું ઇઝેબેલ પર વાળીશ.+ ૮ હું આહાબના બધા વંશજોનો નાશ કરી નાખીશ. તેના ઘરના દરેક પુરુષને* મારી નાખીશ. અરે, ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસોના પણ એવા જ હાલ કરીશ.+ ૯ હું આહાબના ઘરના એવા હાલ કરીશ, જેવા નબાટના દીકરા યરોબઆમના ઘરના અને અહિયાના દીકરા બાશાના ઘરના+ કર્યા હતા.+ ૧૦ હવે રહી વાત ઇઝેબેલની, તો તેને યિઝ્રએલની ભૂમિ પર કૂતરાઓ ખાશે.+ તેને કોઈ દફનાવશે નહિ.’” એમ કહીને એલિશાનો સેવક બારણું ખોલીને નાસી ગયો.+
૧૧ યેહૂ બહાર નીકળીને રાજાના બીજા સેનાપતિઓ પાસે પાછો ગયો. તેઓએ પૂછ્યું: “બધું બરાબર તો છે ને? આ ગાંડો માણસ તારી પાસે કેમ આવ્યો હતો?” યેહૂએ જવાબ આપ્યો: “તમે જાણો છો એ માણસ કેવો છે, સાવ ધડ-માથા વગરની વાતો કરે છે.” ૧૨ પણ તેઓએ કહ્યું: “વાત ન ઉડાવ. ખરી વાત જણાવ.” યેહૂએ કહ્યું: “તેણે મને આમ જણાવ્યું અને પછી બોલ્યો, ‘યહોવા કહે છે કે “હું તારો ઇઝરાયેલના રાજા તરીકે અભિષેક કરું છું.”’”+ ૧૩ એ સાંભળીને દરેકે ઝટપટ પોતાનો ઝભ્ભો યેહૂ આગળ પગથિયાં પર પાથરી દીધો.+ તેઓએ રણશિંગડું વગાડીને કહ્યું: “યેહૂ રાજા બન્યો છે!”+ ૧૪ પછી યહોશાફાટના દીકરા અને નિમ્શીના પૌત્ર યેહૂએ+ યહોરામ વિરુદ્ધ કાવતરું ઘડ્યું.
સિરિયાનો રાજા હઝાએલ+ રામોથ-ગિલયાદ+ પર હુમલો કરતો હોવાથી, યહોરામ અને ઇઝરાયેલનું સૈન્ય એ શહેરનું રક્ષણ કરતા હતા. ૧૫ સિરિયાના રાજા હઝાએલ+ સામે લડતી વખતે સિરિયાના સૈનિકોએ રાજા યહોરામને ઘાયલ કર્યો હતો. તે સાજો થવા યિઝ્રએલ પાછો ગયો હતો.+
હવે યેહૂએ સેનાપતિઓને કહ્યું: “જો તમે મારી બાજુ હોવ, તો શહેરમાંથી કોઈને પણ છટકવા ન દેતા, જેથી કોઈ યિઝ્રએલ જઈને આ વાતની ખબર આપે.” ૧૬ પછી યેહૂ પોતાના રથમાં યિઝ્રએલ જવા નીકળી પડ્યો, કેમ કે ઘાયલ થયેલો યહોરામ ત્યાં હતો. તેને જોવા યહૂદાનો રાજા અહાઝ્યા પણ ત્યાં આવ્યો હતો. ૧૭ યિઝ્રએલના બુરજ પર ચોકીદાર ઊભો હતો. તેને યેહૂના માણસોની ટોળકી આવતી દેખાઈ. તરત જ તેણે કહ્યું: “મને માણસોની ટોળકી આવતી દેખાય છે.” યહોરામે કહ્યું: “તેઓને મળવા એક ઘોડેસવાર મોકલ. તે જઈને પૂછે, ‘શું તમે શાંતિના ઇરાદાથી આવો છો?’” ૧૮ એટલે ઘોડેસવાર તેઓને મળવા ગયો અને કહ્યું: “રાજા પૂછે છે કે ‘શું તમે શાંતિના ઇરાદાથી આવ્યા છો?’” યેહૂએ કહ્યું: “શાંતિ સાથે તારે શું લેવાદેવા? મારી પાછળ પાછળ આવ.”
ચોકીદારે રાજાને ખબર આપી: “સંદેશ આપનાર તેઓને મળ્યો ખરો, પણ પાછો આવતો નથી.” ૧૯ તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો. ઘોડેસવારે તેઓને મળીને કહ્યું: “રાજા પૂછે છે કે ‘શું તમે શાંતિના ઇરાદાથી આવ્યા છો?’” યેહૂએ કહ્યું: “શાંતિ સાથે તારે શું લેવાદેવા? મારી પાછળ પાછળ આવ.”
૨૦ ચોકીદારે ખબર આપી: “સંદેશ આપનાર તેઓને મળ્યો ખરો, પણ પાછો આવતો નથી. રથની ઝડપ જોતા તો લાગે છે કે તે નિમ્શીનો પૌત્ર* યેહૂ છે. તે પાગલની જેમ રથ હાંકે છે.” ૨૧ યહોરામે કહ્યું: “રથ તૈયાર કરો!” તેનો રથ તૈયાર કરવામાં આવ્યો. ઇઝરાયેલનો રાજા યહોરામ અને યહૂદાનો રાજા અહાઝ્યા+ પોતપોતાનો રથ લઈને યેહૂને મળવા નીકળી પડ્યા. યેહૂ તેઓને યિઝ્રએલના નાબોથની જમીન+ પાસે મળ્યો.
૨૨ યહોરામે યેહૂને જોયો કે તરત પૂછ્યું: “યેહૂ, શું તું શાંતિના ઇરાદાથી આવ્યો છે?” યેહૂએ કહ્યું: “તારી મા ઇઝેબેલની+ વેશ્યાગીરી* ચાલતી હોય અને તે જાદુવિદ્યામાં ડૂબેલી હોય ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય?”+ ૨૩ તરત જ યહોરામે ત્યાંથી નાસી છૂટવા પોતાનો રથ પાછો વાળ્યો. તેણે અહાઝ્યાને બૂમ પાડી: “અહાઝ્યા, આપણી સાથે દગો થયો છે!” ૨૪ યેહૂએ ધનુષ્ય ઉપાડ્યું અને એ રીતે તીર માર્યું કે યહોરામની પીઠમાં થઈને તેના હૃદયની આરપાર નીકળી ગયું. યહોરામ પોતાના રથમાં જ ઢળી પડ્યો. ૨૫ યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું: “તેને ઉપાડીને યિઝ્રએલના નાબોથની+ જમીનમાં નાખી દે. યાદ છે, આપણે તેના પિતા આહાબની પાછળ સવારી કરીને જતા હતા ત્યારે, ખુદ યહોવાએ તેને આ સજા ફટકારી હતી:+ ૨૬ ‘યહોવા કહે છે કે, “ગઈ કાલે મેં નાબોથ અને તેના દીકરાઓનું લોહી મારી નજરે જોયું હતું.”+ યહોવા કહે છે: “હું આ જ જમીન પર એનો બદલો લીધા વગર જંપીશ નહિ.”’+ એટલે યહોવાના વચન પ્રમાણે તેને ઉપાડીને એ જમીન પર નાખી દે.”+
૨૭ યહૂદાના રાજા અહાઝ્યાએ+ એ બધું જોયું કે તરત મોટા બગીચા* તરફ જતા રસ્તેથી નાસી છૂટ્યો. (થોડા વખત પછી યેહૂએ તેનો પીછો કર્યો અને પોતાના માણસોને કહ્યું: “તેને મારી નાખો!” યિબ્લઆમ+ પાસે આવેલા ગૂરના માર્ગે તેઓએ તેના રથમાં તેને ઘાયલ કર્યો. પણ તે મગિદ્દો સુધી ભાગતો રહ્યો અને ત્યાં મરણ પામ્યો. ૨૮ અહાઝ્યાના સેવકો તેને રથમાં યરૂશાલેમ લઈ આવ્યા. તેઓએ તેને દાઉદનગરમાં+ તેના બાપદાદાઓની જેમ તેની કબરમાં દફનાવ્યો. ૨૯ આહાબના દીકરા યહોરામના શાસનનું ૧૧મું વર્ષ ચાલતું હતું ત્યારે, અહાઝ્યા+ યહૂદાનો રાજા બન્યો હતો.)
૩૦ યેહૂ યિઝ્રએલ+ આવી પહોંચ્યો એની ઇઝેબેલને+ જાણ થઈ. તેણે આંખોમાં કાજળ લગાડ્યું અને વાળ ગૂંથ્યા. પછી તેણે બારીમાંથી નીચે ડોકિયું કર્યું. ૩૧ જેવો યેહૂ દરવાજાથી અંદર આવ્યો કે તરત તે બોલી: “યાદ છે ને, માલિકને મારી નાખનાર ઝિમ્રીના કેવા હાલ થયા હતા?”+ ૩૨ બારી તરફ ઉપર જોતાં યેહૂએ મોટા અવાજે કહ્યું: “મારા પક્ષે કોણ છે?”+ તરત જ બે ત્રણ અધિકારીઓએ નીચે તેની તરફ જોયું. ૩૩ યેહૂએ કહ્યું: “તેને નીચે નાખો!” તેઓએ ઇઝેબેલને નીચે ફેંકી દીધી. તેના લોહીના છાંટા દીવાલ અને ઘોડાઓ પર ઊડ્યા. યેહૂએ પોતાના ઘોડાઓના પગ નીચે તેને કચડી નાખી. ૩૪ પછી યેહૂ અંદર ગયો અને ખાધું-પીધું. તેણે કહ્યું: “જાઓ, એ શ્રાપિત સ્ત્રીને દફનાવી દો. ગમે તેમ પણ તે રાજાની દીકરી છે.”+ ૩૫ પણ તેઓ તેને દફનાવવા ગયા ત્યારે ખોપરી, પગ અને હથેળી સિવાય બીજું કશું મળ્યું નહિ.+ ૩૬ તેઓએ પાછા ફરીને યેહૂને એ વિશે જણાવ્યું. તેણે કહ્યું: “એનાથી યહોવાનું વચન પૂરું થાય છે.+ તેમણે પોતાના સેવક તિશ્બેના એલિયાને કહ્યું હતું: ‘યિઝ્રએલની ભૂમિ પર કૂતરાઓ ઇઝેબેલનું માંસ ખાશે.+ ૩૭ યિઝ્રએલની ભૂમિ પર ઇઝેબેલની લાશ ખાતર બની જશે. કોઈ પણ ઓળખી શકશે નહિ કે “આ ઇઝેબેલ છે.”’”