શાહી બાઇબલ
વિદ્વાનો માટે મહત્ત્વની સફળતા
સોળમી સદીની શરૂઆતમાં એક વહાણ સ્પેનથી ઈટાલી જવા નીકળ્યું. વહાણના સ્ટોરરૂમમાં અમુક મૂલ્યવાન સામાન હતો. એ શું હતો? કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ બાઇબલ. આ બાઇબલ ૧૫૧૪-૧૭ની વચ્ચે છપાયા હતા. અચાનક સમુદ્રમાં તોફાન આવ્યું. વહાણના ખલાસીઓએ વહાણ બચાવવા બહુ મહેનત કરી. પરંતુ, તેઓની મહેનત નકામી ગઈ અને વહાણ ડૂબી ગયું. એ સાથે બધા બાઇબલ પણ પાણીમાં ગરક થઈ ગયા.
હવે લોકોને નવા પોલિગ્લોટ બાઇબલની બહુ જરૂર હતી. આખરે, ક્રિસ્ટોફર પ્લાટિન આ મુશ્કેલ કામ કરવા રાજી થયો. તે છાપકામ કરતો હતો. તેને આ નવાં બાઇબલ છાપવા ઘણા પૈસાની જરૂર હતી. તેણે સ્પેનના રાજા ફિલિપ બીજા આગળ મદદ માટે હાથ લંબાવ્યો. રાજાએ મદદ માટે હા પાડતા પહેલાં એ વિષે સ્પેનના કેટલાક વિદ્વાનોને પૂછ્યું. તેમણે બાઇબલના વિદ્વાન બેનીટો એરીસ મોનટાનોને પણ પૂછ્યું. તેમણે રાજાને કહ્યું: “જો તમે મદદ કરશો તો, એ પરમેશ્વર માટે તમારી ભક્તિ ગણાશે. એનાથી કૅથલિક ચર્ચને પણ ફાયદો થશે. સૌથી મહત્ત્વનું તો, બાઇબલ મેળવીને લોકો તમારી વાહ વાહ કરશે અને ચારેબાજુ તમારું નામ મોટું મનાશે.”
રાજા ફિલિપે જ્યારે જોયું કે કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ બાઇબલની નવી આવૃત્તિ બહાર પાડવી કેટલું મહત્ત્વનું છે ત્યારે, તેમણે પ્લાટિનને પૈસેટકે પૂરી મદદ કરી. તેમણે બેનીટો એરીસ મોનટાનોને નવા બાઇબલનું સંપાદન કરવાનું મોટું કામ સોંપ્યું. આ નવું બાઇબલ શાહી બાઇબલ અથવા એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલ તરીકે જાણીતું થયું.a
રાજા ફિલિપને પોલિગ્લોટ બાઇબલમાં એટલો રસ જાગ્યો કે તેમણે દરેક પાનનું પ્રૂફરીડિંગ કરવા માટે એના કાગળો માંગ્યાં. પરંતુ, પ્લાટિન કામમાં મોડું થાય એમ ચાહતો ન હતો. પ્રૂફરીડિંગ માટે કાગળો એન્ટવર્પથી સ્પેન જાય, પછી રાજા એને પાછાં મોકલે એમાં તો ઘણો સમય જતો રહે. આથી, ફિલિપને બાઇબલનું છપાયેલું પહેલું પાનું અને શરૂઆતના અમુક પાનાઓ જ મળ્યા. આ સમય દરમિયાન, બાઇબલ વિદ્વાન મોનટાનોએ લુવાઈન શહેરના ત્રણ પ્રોફેસરો અને પ્લાટિનની દીકરીની મદદથી બાકીનું પ્રૂફરીડિંગનું કામ પતાવી દીધું.
બાઇબલનો પ્રેમી
એરીસ મોનટાનો એન્ટવર્પના વિદ્વાનો સાથે હળીમળી ગયો હતો. તેના વિચારો ખુલ્લા હતા, તેથી પ્લાટિનને પણ તેની સાથે ફાવી ગયું હતું. તેઓ જીવનભર પાક્કા મિત્રો રહ્યા. મોનટાનો સારો વિદ્વાન જ ન હતો. પણ લોકો તેને બાઇબલના પ્રેમી તરીકે જોતા હતા.b યુવાન વયથી જ તેનો ધ્યેય, ભણતર પૂરું કરીને પૂરો સમય શાસ્ત્રવચનોનો અભ્યાસ કરવાનો હતો.
એરીસ મોનટાનો માનતો કે બાઇબલનું ભાષાંતર બની શકે એટલું શબ્દશ: હોવું જોઈએ. આથી, તેણે મૂળ લખાણનું એ રીતે જ શબ્દથી શબ્દ ભાષાંતર કર્યું. જેથી, વાચકને પરમેશ્વરના શબ્દો વાંચવાની તક મળે. મોનટાનો ઈરેમસ નામના વિદ્વાનના દાખલાને અનુસર્યો હતો. ઈરેમસે બધા વિદ્વાનોને વિનંતી કરી હતી, “મૂળ લખાણમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના ખ્રિસ્તનો પ્રચાર કરો.” લોકો બાઇબલની મૂળ ભાષાનો અર્થ જાણતા ન હતા. કેમ કે, સદીઓથી તેઓ લૅટિન ભાષાંતર જ વાંચતા હતા, જેને સમજવું બહુ જ મુશ્કેલ હતું.
છાપકામ માટે બાઇબલ તૈયાર કરવું
કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ બાઇબલ માટે આલ્ફોનસો ડી ઝમારાએ જે હસ્તપ્રતો તૈયાર કરી હતી અને એમાં થોડા ફેરફાર કર્યા હતા એ એરીસ મોનટાનોએ મેળવી. તેણે એ હસ્તપ્રતોનો શાહી બાઇબલ તૈયાર કરવામાં ઉપયોગ કર્યો.c
શરૂઆતમાં શાહી બાઇબલ માટે એવી યોજના કરવામાં આવી હતી કે જાણે એ કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ બાઇબલની બીજી આવૃત્તિ હોય. પણ પછીથી એ બીજી આવૃત્તિ રહી નહિ. કઈ રીતે? કોંપ્લૂટેંસિયન બાઇબલના સેપ્ટ્યુઆજીંટમાંથી હિબ્રુ અને ગ્રીક લખાણ શાહી બાઇબલમાં લેવામાં આવ્યું. પછી એની સાથે બધી સમજણ આપે એવા લખાણો અને અપેન્ડિક્સ પણ ઉમેર્યા. એના લીધે નવા પોલિગ્લોટ બાઇબલના આઠ ગ્રંથ તૈયાર થયા. એને તૈયાર કરીને છાપવામાં ૧૫૬૮-૭૨ એટલે કે પાંચ વર્ષ લાગ્યા. બાઇબલ પાછળ કરવામાં આવેલી મહેનતનો વિચાર કરીએ તો, બહુ ઓછા સમયમાં એ છપાયું કહેવાય. આખરે, બાઇબલની ૧,૨૧૩ પ્રતો છાપવામાં આવી.
કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ બાઇબલ ૧૫૧૭માં છપાયું ત્યારે એનું છાપકામ “સૌથી સુંદર હતું.” પરંતુ, નવું એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલ વધારે સરસ હતું. કેમ કે, એને જૂના બાઇબલ કરતાં વધારે સારી ટેકનિકથી તૈયાર કરવામાં આવ્યું હતું. આવી રીતનું છાપકામ પહેલાં ક્યારેય થયું ન હતું. સૌથી મહત્ત્વનું તો, આ બાઇબલના મૂળ લખાણોની તેઓએ એવી રીતે તૈયારી કરી જેનાથી બાઇબલનું બીજી ભાષાઓમાં ભાષાંતર કરવામાં પણ મદદ મળી શકતી હતી.
કામનો વિરોધ
એમાં કોઈ શંકા નથી કે બાઇબલનું ખરું ભાષાંતર કરવા સામે ઘણા દુશ્મનો ઊભા થાય છે. એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલ તૈયાર કરવાની ખુદ પોપે પરવાનગી આપી હતી. વળી, એરીસ મોનટાનો બાઇબલ વિદ્વાન તરીકે પ્રખ્યાત હતો. તેમ છતાં, વિરોધીઓ તેમના પર ખોટા આરોપ મૂકીને અદાલતમાં ધસડી ગયા. વિરોધીઓએ કહ્યું કે એ બાઇબલની રચના બરાબર નથી. એનું ભાષાંતર વલ્ગેટ બાઇબલ જેવું નથી, જેનું સદીઓ પહેલાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. એના બદલે, વિદ્વાન સન્ટેક પીગનીઅસે હાલમાં સુધારા-વધારા કરીને લૅટિન ભાષામાં તૈયાર કરેલા બાઇબલના હિબ્રુ અને ગ્રીકના મૂળ વિચારોનું એ ભાષાંતર છે. તેઓએ એ પણ આરોપ મૂક્યો કે મોનટાનો પોતાની રીતે બાઇબલનું ખરું ભાષાંતર કરવા મૂળ ભાષાને પણ તપાસતો હતો. તેઓની દૃષ્ટિએ આમ કરવું ધર્મનો વિરોધ કરવા જેવું કામ છે.
અદાલતે પણ કહ્યું કે ‘ભલે આ કામ માટે રાજાએ મદદ કરી પણ એનાથી તેમને કંઈ સન્માન મળ્યું નથી.’ અદાલતે એમ કહ્યું કે મોનટાનોએ વલ્ગેટ બાઇબલનો પૂરો ઉપયોગ ન કર્યો એ સારું ન કહેવાય. તેઓના આ આરોપો હોવા છતાં મોનટાનો અને પોલિગ્લોટ બાઇબલ વિરુદ્ધ કોઈ સાબિતી મળી નહિ. છેવટે, શાહી બાઇબલ લોકોનું માનીતું થઈ ગયું. વળી, જુદી જુદી યુનિવર્સિટીઓમાં પણ એનો ઉપયોગ થવા લાગ્યો.
બાઇબલ ભાષાંતર માટે ઉપયોગી સાધન
એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલ સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું ન હતું. તેમ છતાં, બાઇબલના બીજા ભાષાંતર માટે એ બહુ ઉપયોગી હતું. કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ બાઇબલની જેમ એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલે પણ શાસ્ત્રવચનોના મૂળ લખાણને સમજવા મદદ કરી. એ બાઇબલથી ભાષાંતરકારોને પણ હિબ્રુ અને ગ્રીક ભાષા સમજવામાં મદદ મળી. યુરોપની કેટલીક ભાષાઓમાં બાઇબલ ભાષાંતર કરવામાં એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલમાંથી ઘણી મદદ મળી. દાખલા તરીકે, ધ કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ધ બાઇબલ અહેવાલ આપે છે કે કીંગ જેમ્સ વર્સન અથવા ૧૬૧૧નું ઑથોરાઈઝ્ડ વર્સનનું ભાષાંતર કરતી વખતે ભાષાંતરકારોને એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલમાંથી ઘણી મદદ મળી હતી. વળી, સત્તરમી સદીમાં બે પોલિગ્લોટ બાઇબલ બહાર પાડવામાં આવ્યા ત્યારે પણ શાહી બાઇબલમાંથી મદદ લેવામાં આવી હતી.—“પોલિગ્લોટ બાઇબલ” બૉક્સ જુઓ.
એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલનો બીજો એક લાભ પણ થયો. કેવી રીતે? એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલમાં ગ્રીક શાસ્ત્રવચનોની પહેલી વખત સિરીયન ભાષામાં આવૃત્તિ બહાર પાડવામાં આવી. તેથી, યુરોપના બીજા વિદ્વાનોને એ આવૃત્તિમાંથી ઘણો લાભ થયો. લૅટિન ભાષાંતરની બાજુમાં સિરીયન લખાણ હતું. આ બહુ ઉપયોગી હતું કેમ કે એ બાઇબલના ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં સૌથી જૂના ભાષાંતરોમાંનું એક હતું. એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલમાં સિરીયન ભાગ પાંચમી સદીનો છે. અને બીજી સદીની હસ્તપ્રતોમાંથી એનું ભાષાંતર કરવામાં આવ્યું હતું. ધ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ એન્સાયક્લોપેડિયા પ્રમાણે, “સિરીયન પેશહીટા આવૃત્તિ બાઇબલ ભાષાંતરની તૈયારી કરવામાં બહુ ઉપયોગી હતી. આ આવૃત્તિ એકદમ જૂની હોવાથી પ્રાચીન પ્રણાલિકાઓ સમજવામાં પણ મદદ મળતી.”
કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ બાઇબલમાં સુધારા વધારા કરીને શાહી બાઇબલ તરીકે ૧૫૭૨માં છપાતા કોઈ રોકી ન શક્યું; ન સમુદ્રનું તોફાન કે ન ધર્મ રોકી શક્યો. એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલ પાછળ ઘણી મહેનત કરવામાં આવી હતી. આપણે એનો વિચાર કરીએ તો જોઈ શકીએ કે પરમેશ્વરના વચનનું રક્ષણ કરવા નેકદિલ માણસોએ કેવી જહેમત ઉઠાવી હતી.
તેઓએ જાણે-અજાણે યશાયાહે હજારો વર્ષ પહેલાં લખેલા આ શબ્દો પૂરા કર્યા: “ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે; પણ આપણા દેવનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે.”—યશાયાહ ૪૦:૮.
[ફુટનોટ્સ]
a શાહી બાઇબલ એટલા માટે કહેવાયું, કેમ કે એ કામ માટે રાજાએ પૈસાની મદદ કરી હતી. એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલ એટલા માટે કહેવાયું કેમ કે, એન્ટવર્પ શહેરમાં છપાયું હતું. એ વખતે એન્ટવર્પ સ્પેનનો એક ભાગ હતું.
b મોનટાનો અરબી, ગ્રીક, હિબ્રુ, લૅટિન અને સિરીયન ભાષા સારી રીતે જાણતો હતો. આ પાંચ ભાષાઓનો તેણે પોલિગ્લોટ બાઇબલમાં ઉપયોગ કર્યો હતો. તેણે પુરાતત્ત્વશાસ્ત્ર, વૈદકશારત્ર, વિજ્ઞાનના અલગ અલગ પાસાં અને ધર્મનો પણ અભ્યાસ કર્યો હતો. બાઇબલની એપેન્ડિક્સ બનાવવા માટે તેણે એ જ્ઞાનનો ઉપયોગ કર્યો.
c કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ બાઇબલ વિષે વધારે જાણકારી માટે એપ્રિલ ૧૫, ૨૦૦૪નું ચોકીબુરજ જુઓ.
[પાન ૧૩ પર બ્લર્બ]
“આપણા દેવનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે”
[પાન ૧૨ પર બોક્સ/ચિત્રો]
“પોલિગ્લોટ બાઇબલ”
સ્પેનિશ વિદ્વાન ફેડ્રિકો પેરેઝ કાસ્ટ્રો સમજાવે છે: ‘પોલિગ્લોટ બાઇબલ એ છે જેમાં જુદી જુદી ભાષાઓ હોય. પરંતુ, શરૂઆતથી જ એવા બાઇબલને પોલિગ્લોટ બાઇબલ કહેવામાં આવે છે જેમાં બધી મૂળ ભાષાઓનું લખાણ એક સાથે આપ્યું હોય. તેથી, આ બીજા અર્થમાં પોલિગ્લોટ બાઇબલ બહુ ઓછા પ્રમાણમાં છે.’
૧. ધ કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ. (૧૫૧૪-૧૭) આ બાઇબલ બહાર પાડવા માટે કાર્ડિનલ શિશ્નેરોસે નાણાકીય મદદ કરી હતી. એ સ્પેનના એલક્લા ડે થેસનેરાસમાં છપાયું હતું. એ બાઇબલના છ ગ્રંથો ચાર ભાષાઓમાં છે. હિબ્રુ, ગ્રીક, અરામીક અને લૅટિન. એનાથી સોળમી સદીમાં ભાષાંતર કરનારાઓને હિબ્રુ-અરામીક ભાષામાં બાઇબલનું મુખ્ય લખાણ મદદમાં મળ્યું.
૨. ધ એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલ. (૧૫૬૮-૭૨) બેનીટો એરીસ મોનટાનોએ એનું સંપાદન કર્યું હતું. તેણે કોંપ્લૂટેંસિયન લખાણની સાથે નવા કરારમાં સિરીયન પેસહીટા આવૃત્તિ અને જોનાથાનના અરામીક ટારગમનો પણ સમાવેશ કર્યો. જેકબ બૅન હૈયમે હિબ્રુ લખાણમાં સ્વર અને ઉચ્ચાર કઈ રીતે કરવો એમાં થોડો ફેરફાર કર્યો હતો એનો પણ આ બાઇબલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ, આ બાઇબલ જૂના કરારનું ભાષાંતર કરવા માટેનું પ્રમાણિત બાઇબલ બન્યું.
૩. ધ પેરિસ પોલિગ્લોટ. (૧૬૨૯-૪૫) ફ્રેંચ વકીલ ગૅં માઇકલ લઈજેએ એ બહાર પાડવા નાણાકીય મદદ કરી. એ માટે એન્ટવર્પ પોલિગ્લોટ બાઇબલમાંથી પ્રેરણા મળી હતી. એમાં સમરૂની અને અરબી ભાષાના અમુક લખાણો પણ હતા.
૪. ધ લંડન પોલિગ્લોટ. (૧૬૫૫-૫૭) બિરાન વોલ્ટને એનું સંપાદન કર્યું હતું. એ એન્ટવર્પ પોલિગ્લોટ પર આધારિત હતુ. આ પોલિગ્લોટ બાઇબલમાં ઈથયોપિયન અને પર્સિઅન ભાષાંતર પણ હતું. જોકે આ આવૃત્તિમાં બાઇબલનું લખાણ સમજવામાં જોઈએ એટલું સ્પષ્ટ ન હતું.
[ક્રેડીટ લાઈન]
બેનર અને એન્ટવર્પ પોલિગ્લોટ (નીચેના બે): Biblioteca Histórica. Universidad Complutense de Madrid; એન્ટવર્પ પોલિગ્લોટ (ઉપર): By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen; લંડન પોલિગ્લોટ: From the book The Walton Polyglot Bible, Vol. III, 1655-1657
[પાન ૯ પર ચિત્ર]
સ્પેનનો રાજા ફિલિપ બીજો
[ક્રેડીટ લાઈન]
ફિલિપ બીજો: Biblioteca Nacional, Madrid
[પાન ૧૦ પર ચિત્ર]
એરીસ મોનટાનો
[ક્રેડીટ લાઈન]
મોનટાનો: Biblioteca Histórica. Universidad Complutense de Madrid
[પાન ૧૦ પર ચિત્ર]
એન્ટવર્પ, બેલ્જિયમમાં છાપખાનું
[પાન ૧૦ પર ચિત્ર]
પ્રેસ: By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen
[પાન ૧૧ પર ચિત્રો]
ડાબી બાજુ: ક્રિસ્ટોફર પ્લાટિન અને એન્ટવર્પ પોલિગ્લોટે બહાર પાડેલા બાઇબલનું પહેલું પાનું
[પાન ૧૧ પર ચિત્ર]
બાઇબલનું પહેલું પાનું અને પ્લાટિન: By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen
[પાન ૧૧ પર ચિત્ર]
ઉપર: નિર્ગમનનો પંદરમો અધ્યાય, ચાર કોલમમાં
[પાન ૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
બાઇબલનું પહેલું પાનું અને પ્લાટિન: By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen
[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Biblioteca Histórica. Universidad Complutense de Madrid