યોહાનને થયેલું પ્રકટીકરણ
૧૪ પછી જુઓ! મેં સિયોન પર્વત*+ પર ઘેટું+ ઊભેલું જોયું. તેની સાથે ૧,૪૪,૦૦૦+ લોકો હતા. તેઓનાં કપાળ પર ઘેટાનું નામ અને તેના પિતાનું નામ+ લખેલું હતું. ૨ મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો. એ ધસમસતા પાણી જેવો અને મોટી ગર્જના જેવો હતો. મેં જે અવાજ સાંભળ્યો, એ જાણે ગાયકો ગાતાં ગાતાં વીણા વગાડતા હોય એવો હતો. ૩ તેઓ રાજ્યાસન આગળ, ચાર કરૂબો+ આગળ અને વડીલો+ આગળ જાણે કોઈ નવું ગીત+ ગાય છે. એ ગીત ૧,૪૪,૦૦૦+ સિવાય બીજું કોઈ શીખી શક્યું નહિ. તેઓને પૃથ્વી પરથી ખરીદવામાં આવ્યા છે. ૪ તેઓએ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધો બાંધીને પોતાને ભ્રષ્ટ કર્યા નથી. તેઓ તો શુદ્ધ* છે.+ ઘેટું જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ તેની પાછળ પાછળ જાય છે.+ તેઓને માણસોમાંથી ખરીદવામાં આવ્યા છે.+ તેઓ ઈશ્વર અને ઘેટા માટે પ્રથમ ફળ* છે.+ ૫ તેઓ કદી જૂઠું બોલ્યા નથી. તેઓ નિર્દોષ છે.+
૬ પછી મેં બીજા એક દૂતને આકાશમાં ઊડતો જોયો. તેની પાસે હંમેશાં ટકનારી ખુશખબર* હતી. તે પૃથ્વી પર રહેનારાઓ, એટલે કે દરેક દેશ, કુળ, બોલી* અને પ્રજાને એ જાહેર કરે છે.+ ૭ તે મોટા અવાજે કહેતો હતો: “ઈશ્વરનો ડર* રાખો! તેમને મહિમા આપો! તે ન્યાય કરે એ સમય આવી ગયો છે.+ એટલે આકાશ, પૃથ્વી, સમુદ્ર+ અને ઝરણાઓના* સર્જનહારની ભક્તિ કરો.”
૮ પછી બીજા દૂતે આવીને કહ્યું: “પડ્યું રે પડ્યું! મહાન બાબેલોન+ પડ્યું!+ એણે પોતાના વ્યભિચારનો,* હા, પોતાની વાસનાનો* દ્રાક્ષદારૂ બધી પ્રજાઓને પિવડાવ્યો છે!”+
૯ તેઓ પછી ત્રીજો દૂત આવ્યો. તેણે મોટા અવાજે કહ્યું: “જો કોઈ જંગલી જાનવર+ અને એની મૂર્તિની ઉપાસના કરે ને કપાળ કે હાથ પર એની છાપ લે,+ ૧૦ તો તે ઈશ્વરના ક્રોધના દ્રાક્ષદારૂમાંથી પીશે. એ દ્રાક્ષદારૂ ભેળસેળ કર્યા વગર તેમના ક્રોધના પ્યાલામાં રેડવામાં આવ્યો છે.+ પવિત્ર દૂતો અને ઘેટાની નજર સામે તેને અગ્નિ ને ગંધકથી રિબાવવામાં આવશે.+ ૧૧ તેઓને પીડા આપતો અગ્નિનો ધુમાડો સદાને માટે ઉપર ચઢ્યા કરે છે.+ જેઓ જંગલી જાનવર અને એની મૂર્તિની ઉપાસના કરે છે ને એના નામની છાપ લે છે, તેઓને રાત-દિવસ પીડા આપવામાં આવે છે.+ ૧૨ એટલા માટે પવિત્ર લોકોએ+ ધીરજ અને શ્રદ્ધા બતાવવાની છે. એ પવિત્ર લોકો ઈશ્વરની આજ્ઞાઓ માને છે અને ઈસુમાં શ્રદ્ધા મૂકીને+ એને વળગી રહે છે.”
૧૩ મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો, “આમ લખ: હવેથી જેઓ માલિકને લીધે મોતને ભેટે છે+ તેઓ સુખી છે. પવિત્ર શક્તિ કહે છે કે તેઓની સખત મહેનત પછી તેઓને આરામ કરવા દો. ઈશ્વર તેઓનાં બધાં સારાં કામો યાદ રાખે છે.”
૧૪ પછી જુઓ! મેં એક સફેદ વાદળ જોયું. વાદળ પર જે બેઠા હતા, એ માણસના દીકરા જેવા હતા.+ તેમના માથા પર સોનાનો મુગટ હતો. તેમના હાથમાં ધારવાળું દાતરડું હતું.
૧૫ બીજો એક દૂત મંદિરમાંથી* આવ્યો. વાદળ પર જે બેઠા હતા, તેમને મોટા અવાજે બૂમ પાડીને તેણે કહ્યું: “તમારું દાતરડું ચલાવો! કાપણી કરો! પૃથ્વીની ફસલ પાકી ચૂકી છે. કાપણીનો સમય આવી ગયો છે.”+ ૧૬ વાદળ પર જે બેઠા હતા, તેમણે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વીની ફસલ કાપવામાં આવી.
૧૭ સ્વર્ગના મંદિરમાંથી હજુ એક દૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું.
૧૮ બીજો એક દૂત વેદી પાસેથી આવ્યો. તેને અગ્નિ પર અધિકાર હતો. જે દૂત પાસે ધારવાળું દાતરડું હતું, તેને તેણે મોટા અવાજે કહ્યું: “તારું ધારવાળું દાતરડું ચલાવ! પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાં ભેગાં કર, કેમ કે એની દ્રાક્ષો પાકી ચૂકી છે.”+ ૧૯ તે દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને દ્રાક્ષોનાં ઝૂમખાં ભેગાં કર્યાં. દૂતે એને ઈશ્વરના ક્રોધના મહાન દ્રાક્ષાકુંડમાં નાખ્યાં.+ ૨૦ એને શહેરની બહાર દ્રાક્ષાકુંડમાં ખૂંદવામાં આવ્યાં. દ્રાક્ષાકુંડમાંથી એટલું લોહી નીકળ્યું કે એ ઘોડાઓની લગામ સુધી પહોંચ્યું અને આશરે ૨૯૬ કિલોમીટર* સુધી ફેલાયું.