‘તમારું રાજ્ય આવો,’ એ ક્યારે આવશે?
“તમે પણ એ બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે.”—માથ. ૨૪:૩૩.
૧, ૨. (ક) અમુક જાતનો અંધાપો કયા કારણને લીધે હોય છે? (ખ) ઈશ્વરના રાજ્ય વિશે આપણે શું જાણીએ છીએ?
તમે કદાચ નોંધ્યું હશે કે એક જ બનાવને નજરે જોનારી વ્યક્તિઓને એની જુદી જુદી બાબતો યાદ રહે છે. એ જ રીતે, અમુક લોકોને એ યાદ રાખવું અઘરું બને છે કે, ડૉક્ટરે તેમને તપાસીને બીમારી જણાવ્યા પછી બીજું શું કહ્યું. બીજા અમુક લોકો કદાચ નજર સામે રહેલી ચાવી કે ચશ્મા જોઈ શકતા નથી. સંશોધકો એને એક જાતનો અંધાપો કહે છે, જેમાં ધ્યાન બીજી બાબતમાં હોવાને લીધે નજર સામેની વસ્તુ ધ્યાનમાં આવતી નથી અથવા કોઈક માહિતી ભૂલી જવાય છે. આપણું મગજ એક સમયે ફક્ત એક જ બાબત પર ધ્યાન આપી શકે છે.
૨ આજે ઘણા લોકો દુનિયામાં બનતા બનાવો પ્રત્યે એવો જ અંધાપો અનુભવે છે. ખરું કે તેઓ કબૂલે છે કે ૧૯૧૪ના વર્ષથી દુનિયામાં ઘણું બદલાણ આવ્યું છે. પરંતુ, એ બધા બનાવોનું મહત્ત્વ તેઓ સમજી શકતા નથી. બાઇબલ વિદ્યાર્થી તરીકે આપણે જાણીએ છીએ કે, ૧૯૧૪માં ઈશ્વરનું રાજ્ય સ્થપાયું ત્યારે સ્વર્ગમાં ઈસુ રાજા બન્યા. જોકે, આપણી પ્રાર્થના ‘તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓʼનો પૂરેપૂરો જવાબ હજુ મળ્યો નથી. (માથ. ૬:૧૦) એ પ્રાર્થનાનો પૂરો જવાબ ત્યારે મળશે જ્યારે શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ થશે. એમ બનશે ત્યારે જ ઈશ્વરની ઇચ્છા સ્વર્ગની જેમ પૃથ્વી પર પણ પૂરી થશે.
૩. બાઇબલનો નિયમિત અભ્યાસ કરવાથી શું જોવામાં મદદ મળી છે?
૩ આપણે બાઇબલના નિયમિત અભ્યાસને લીધે જોઈ શકીએ છીએ કે ભવિષ્યવાણીઓ હમણાં પૂરી થઈ રહી છે. જ્યારે કે, દુનિયાના લોકો એ જોઈ શકતા નથી. ઈસુ ખ્રિસ્ત ૧૯૧૪થી રાજ કરી રહ્યા છે અને જલદી જ દુષ્ટ દુનિયાનો નાશ કરવાના છે. એ બાબતના પુરાવા એ લોકો જોઈ શકતા નથી કેમ કે, તેઓ જીવનમાં વધુ પડતા વ્યસ્ત છે. જોકે આપણે દરેકે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: “હું વર્ષોથી ઈશ્વરની ભક્તિ કરું છું. છતાં, શું મને હજી પણ ભરોસો છે કે દુનિયાનો અંત ખરેખર નજીક છે અને આજના બનાવો એની સાબિતી આપે છે? ખરું કે મેં હાલમાં જ બાપ્તિસ્મા લીધું છે. છતાં, મારું ધ્યાન કઈ બાબત પર વધારે છે?” એનો જવાબ તમે જ આપી શકો. હવે, ચાલો આપણે એવાં ત્રણ મહત્ત્વનાં કારણો તપાસીએ જે બતાવે છે કે આ ધરતી પર ઈશ્વરની ઇચ્છા જલદી જ પૂરી થશે.
ઘોડેસવારો આવી પહોંચ્યા છે
૪, ૫. (ક) વર્ષ ૧૯૧૪થી ઈસુ શું કરી રહ્યા છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) ખ્રિસ્તની પાછળ આવતા ત્રણ ઘોડેસવાર શાને રજૂ કરે છે અને એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ છે?
૪ સાલ ૧૯૧૪માં ઈસુને સ્વર્ગમાં મુગટ આપવામાં આવ્યો, એટલે કે તે ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. પ્રકટીકરણ અધ્યાય ૬માં વર્ણન થયું છે કે, સફેદ ઘોડા પર ઈસુ સવારી કરી રહ્યા છે. તે રાજા બન્યા પછી તરત જ શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરવા નીકળી પડ્યા છે. (પ્રકટીકરણ ૬:૧, ૨ વાંચો.) ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે, રાજ્ય સ્થપાયા પછી દુનિયાની હાલત ઝડપથી બગડવા લાગશે. યુદ્ધો, દુકાળો, મરકીઓ અને બીજાં કારણોને લીધે મૃત્યુનો આંક વધશે. ભવિષ્યવાણીમાં એ ભયંકર આફતોને ત્રણ ઘોડેસવાર દ્વારા રજૂ કરવામાં આવી છે, જે ખ્રિસ્તની પાછળ આવે છે.—પ્રકટી. ૬:૩-૮.
૫ ઘણા દેશોએ સાથે મળીને શાંતિ કરારો કર્યા હતા. છતાં, ભવિષ્યવાણી પ્રમાણે ‘પૃથ્વી પરથી શાંતિ લઈ લેવામાં’ આવી. પ્રથમ વિશ્વયુદ્ધથી વિનાશક યુદ્ધોની શરૂઆત થઈ, જેના લીધે પૃથ્વીની શાંતિ છીનવાઈ ગઈ. સાલ ૧૯૧૪થી ઘણી આર્થિક અને વૈજ્ઞાનિક પ્રગતિ થઈ હોવા છતાં, દુકાળો હજુ પણ લડાઈઓનું કારણ બની શકે છે. ઉપરાંત, દર વર્ષે લાખો લોકો મરકીઓ અને કુદરતી આફતોથી મરણ પામે છે. એવા બનાવો ખૂબ ખતરનાક અને વારંવાર બનતા હોવાથી લાખોની સંખ્યામાં લોકો મરણ પામે છે. ઇતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નહિ હોય. શું તમે એનો અર્થ સમજો છો?
૬. બાઇબલની ભવિષ્યવાણી પર કોણ ધ્યાન રાખી રહ્યું હતું અને એ પૂરી થયા પછી તેઓ શું કરવા લાગ્યા?
૬ સાલ ૧૯૧૪ અને એ પછીનાં વર્ષોમાં પ્રથમ વિશ્વયુદ્ધના લીધે અને “સ્પેનિશ ફ્લુ” નામની મરકીના લીધે ઘણા લોકોનું ધ્યાન ફંટાઈ ગયું. જ્યારે કે, અભિષિક્તો ૧૯૧૪માં “વિદેશીઓના સમયો” પૂરા થાય એની અપેક્ષા રાખી રહ્યા હતા. (લુક ૨૧:૨૪) તેઓ ખરેખર શું બનશે એ જાણતા ન હતા. પરંતુ, તેઓને ખબર હતી કે ૧૯૧૪માં ઈશ્વરના રાજ્યમાં કંઈક મહત્ત્વની ઘટના ઘટશે. બાઇબલ ભવિષ્યવાણી પૂરી થઈ છે, એ તેઓ સમજ્યા ત્યારે રાજ્ય શરૂ થવાની જાહેરાત હિંમતથી કરવા લાગ્યા. રાજ્યને જાહેર કરવાને લીધે ઘણાંની ક્રૂર સતાવણી થઈ. એ સતાવણી પણ, પૂરી થઈ રહેલી ભવિષ્યવાણીનો એક ભાગ હતી. એ પછીના દાયકાઓમાં, રાજ્યના વિરોધીઓ કાયદાનો ઉપયોગ કરી આપણાં ભાઈ-બહેનો પર જુલમ ગુજારવા લાગ્યા. તેઓને શારીરિક હિંસા, કેદ, ફાંસી, ગોળીબાર કે વધ જેવી સજા કરવામાં આવી.—ગીત. ૯૪:૨૦; પ્રકટી. ૧૨:૧૫.
૭. દુનિયામાં જે બની રહ્યું છે, એનું મહત્ત્વ શા માટે ઘણા લોકો પારખી શકતા નથી?
૭ ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં સ્થપાઈ ગયું છે, એની ઘણી સાબિતીઓ છે. તેમ જ, ભવિષ્યવાણીઓ વિશે ઈશ્વરભક્તો પણ ઘણાં વર્ષોથી જણાવી રહ્યા છે. તેમ છતાં, મોટા ભાગના લોકો એને જોવામાં નિષ્ફળ ગયા છે. તેઓ શા માટે પારખી શકતા નથી કે દુનિયાના બનાવો એ ભવિષ્યવાણીઓ પૂરી કરી રહ્યા છે? બની શકે કે, તેઓને નજરે જે દેખાય એ જ તેઓ જુએ છે. (૨ કોરીં. ૫:૭) એવું પણ બને કે, તેઓ જીવનમાં એટલા બધા વ્યસ્ત છે કે ઈશ્વર જે કરી રહ્યા છે, એ જોઈ શકતા નથી. (માથ. ૨૪:૩૭-૩૯) અથવા શેતાને દુનિયામાં ચારે બાજુ જે વિચારો અને ધ્યેયો ફેલાવ્યા છે, એના લીધે કદાચ અમુકનું ધ્યાન ફંટાઈ ગયું છે. (૨ કોરીં. ૪:૪) આજે રાજ્ય જે કરી રહ્યું છે એને સમજવા માટે, બનાવો પારખવાની દૃષ્ટિ અને વિશ્વાસની જરૂર છે. કેટલી ખુશીની વાત છે કે, જે બની રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ!
દુષ્ટતા વધતી જાય છે
૮-૧૦. (ક) બીજો તીમોથી ૩:૧-૫માં જણાવેલી બાબતો કઈ રીતે પૂરી થઈ રહી છે? (ખ) આપણે કઈ રીતે કહી શકીએ કે દુષ્ટતા વધતી જાય છે?
૮ ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર જલદી જ આવશે એમ માનવાનું આપણી પાસે બીજું પણ એક કારણ છે. દુનિયામાં દુષ્ટતા વધતી જાય છે. છેલ્લાં ૧૦૦ વર્ષોથી બીજો તીમોથી ૩:૧-૫માં જણાવેલી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સમય વીતે છે તેમ, એ આખી દુનિયામાં વધુને વધુ પ્રમાણમાં બનતી જાય છે. શું તમે જોઈ શકો છો કે એ ભવિષ્યવાણી કેટલા મોટા પાયે પૂરી થઈ રહી છે? એ સમજવા ચાલો, આપણે અમુક દાખલા જોઈએ.—૨ તીમોથી ૩:૧, ૧૩ વાંચો.
૯ જે બાબતો ૧૯૪૦-૫૦ના દાયકાઓમાં લોકોને આઘાતજનક લાગતી હતી, એ આજે નોકરી, મનોરંજન, રમત-ગમત અને ફેશનની દુનિયામાં સામાન્ય લાગે છે. ઘોર હિંસા અને અશ્લીલ કામો તો જાણે રોજની બાબત બની ગયાં છે. ચોંકાવી નાખે એટલી હદે લોકો હિંસક, અશ્લીલ અને ક્રૂર રીતે વર્તે છે. ૧૯૫૦ના દાયકામાં જે બાબતો ટીવી પર જોવા લાયક ગણાતી ન હતી, એને આજે કુટુંબ સાથે બેસીને જોવા લાયક ગણવામાં આવે છે. મનોરંજન અને ફેશનની દુનિયામાં સજાતીય સંબંધોનું ચલણ જોવા મળે છે. એવા લોકોની જીવનઢબ અપનાવવા જાહેર જનતાને ઉશ્કેરવામાં આવે છે. જ્યારે કે, એ બાબતો વિશે યહોવાના વિચારો જાણતા હોવાથી આપણે દિલથી તેમના આભારી છીએ!—યહુદા ૧૪, ૧૫ વાંચો.
૧૦ હવે ચાલો, પહેલાંના યુવાનોના બળવાખોર વર્તન અને આજના યુવાનોના વર્તનની સરખામણી કરીએ. ૧૯૫૦ના દાયકામાં જો તરુણ ધૂમ્રપાન, નશો કે પછી અયોગ્ય નાચગાન કરે, તો તેનાં માબાપ ચિંતામાં પડી જતાં. જ્યારે કે, આજે અવારનવાર આવા ચોંકાવનારા સમાચારો સાંભળવા મળે છે: ‘એક ૧૫ વર્ષના છોકરાએ ક્લાસમાં ગોળીબાર કર્યો, જેમાં ૨ વિદ્યાર્થી માર્યા ગયા અને ૧૩ ઘાયલ થયા,’ ‘અમુક તરુણોએ નશો કર્યા પછી ૯ વર્ષની છોકરીને ક્રૂરતાથી મારી નાખી તેમ જ, તેના પિતા અને સગા પર હુમલો કર્યો,’ ‘અહેવાલ બતાવે છે કે, એશિયાના એક દેશમાં છેલ્લાં ૧૦ વર્ષમાં જે ગુનાઓ થયા એમાંના લગભગ અડધા ગુના યુવાનોએ કર્યા છે.’ આજની આવી પરિસ્થિતિ જોઈને શું કોઈ શંકા છે કે દુનિયાની હાલત વધારે બગડી ગઈ છે?
૧૧. બગડતી પરિસ્થિતિ પર શા માટે ઘણા લોકોનું ધ્યાન જતું નથી?
૧૧ પ્રેરિત પીતરે જણાવ્યું, “છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે અને કહેશે કે તેના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહે છે.” (૨ પીત. ૩:૩, ૪) અમુક લોકોમાં એવું વર્તન શા માટે જોવા મળે છે? જે બાબતો વારંવાર જોવામાં આવે એના પર ધ્યાન ઓછું જતું હોય છે. જો અચાનક એક દિવસમાં પરિસ્થિતિ બદલાય, તો લોકોના ધ્યાનમાં આવે. પરંતુ, સમાજમાં સંસ્કારોનું સ્તર ધીમે ધીમે નીચે જતું હોવાથી, લોકો એને ધ્યાનમાં લેતા નથી. એવું ધીમું બદલાણ પણ જોખમકારક છે.
૧૨, ૧૩. (ક) દુનિયામાં આવેલા બદલાણથી આપણે શા માટે નિરાશ થવું ન જોઈએ? (ખ) “સંકટના વખતો”નો સામનો કરવામાં આપણને કઈ ખાતરી મદદ કરશે?
૧૨ પ્રેરિત પાઊલે ચેતવણી આપી હતી કે “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે.” (૨ તીમો. ૩:૧) જોઈ શકાય કે પાઊલે ‘સંકટના વખતો’ કહ્યું, ‘અસહ્ય વખતો’ કહ્યું નહિ. તેથી, આપણે હકીકતોથી સંતાવાની જરૂર નથી. જીવનમાં આવતી નિરાશાનો હિંમતથી સામનો કરવા આપણી પાસે યહોવા, તેમની શક્તિ અને મંડળની મદદ છે. આપણે પોતાની શક્તિથી નહિ પણ ઈશ્વરના “પરાક્રમ”ની મદદથી શ્રદ્ધામાં અડગ રહી શકીશું.—૨ કોરીં. ૪:૭-૧૦.
૧૩ નોંધ લો કે પાઊલે છેલ્લા દિવસો વિશેની ભવિષ્યવાણીની શરૂઆતમાં આમ કહ્યું હતું, ‘એ વાત ધ્યાનમાં રાખ.’ એ બતાવે છે કે ભવિષ્યવાણી સાચી પાડતા બનાવો ચોક્કસ બનશે જ. યહોવા જ્યાં સુધી પગલાં નહિ ભરે, ત્યાં સુધી શેતાનની આ દુનિયા બગડતી જશે. ઇતિહાસમાંથી જોઈ શકાય કે જ્યારે સંસ્કારોનું સ્તર નીચું જાય ત્યારે સમાજ પડી ભાંગે છે. આજે દુનિયામાં એનું સ્તર એટલું નીચું ગયું છે કે ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી. જોકે, ઘણા લોકો એ વાત સ્વીકારતા નથી. સાલ ૧૯૧૪થી જે હાલત જોવા મળે છે એનાથી ખાતરી થાય છે કે, ઈશ્વરનું રાજ્ય જલદી જ દુષ્ટતાનો અંત લાવશે.
આ પેઢી ગુજરી જશે નહિ
૧૪-૧૬. ઈશ્વરનું રાજ્ય જલદી જ “આવશે” એનું ત્રીજું કારણ કયું છે?
૧૪ અંત નજીક છે એવો ભરોસો રાખવા પાછળ ત્રીજું એક કારણ છે. ઈશ્વરભક્તોની મધ્યે જે બાબતો બની ચૂકી છે, એ અંત નજીક હોવાનો ઇશારો કરે છે. દાખલા તરીકે, સ્વર્ગમાં ઈશ્વરનું રાજ સ્થપાયા પહેલાં વફાદાર અભિષિક્તોનું નાનું જૂથ જોશથી ભક્તિ કરી રહ્યું હતું. સાલ ૧૯૧૪ માટે તેઓએ જે ધાર્યું હતું એ પ્રમાણે ન થયું ત્યારે તેઓએ શું કર્યું? એમાંના મોટા ભાગના સતાવણીઓ સહન કરીને પણ યહોવાને વફાદાર રહ્યા. સમય જતાં, તેઓમાંના આશરે બધાએ યહોવાને વફાદાર રહીને પૃથ્વી પરનું જીવન પૂરું કર્યું.
૧૫ આ દુષ્ટ દુનિયાના અંત વિશેની ભવિષ્યવાણીમાં ઈસુએ કહ્યું કે, “એ બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે.” (માથ્થી ૨૪:૩૩-૩૫ વાંચો.) આપણે સમજીએ છીએ કે ઈસુએ ઉલ્લેખ કરેલી “આ પેઢી” અભિષિક્તોના બે સમૂહને રજૂ કરે છે. પ્રથમ સમૂહ ૧૯૧૪માં હયાત હતો અને એ વર્ષે ખ્રિસ્તનું રાજ શરૂ થયું છે, એ વાત સમજતો હતો. એ સમૂહના સભ્યો ૧૯૧૪માં જીવતા હોવાની સાથે સાથે એ સાલમાં કે એની પહેલાં પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા હતા.—રોમ. ૮:૧૪-૧૭.
૧૬ સાલ ૧૯૧૪ પછીના સમયગાળામાં પ્રથમ સમૂહના અમુક સભ્યો જેટલા સમય સુધી જીવ્યા, એ સમય સુધીમાં જે બીજા અમુક ભક્તો અભિષિક્ત બન્યાં ફક્ત તેઓને જ બીજા સમૂહમાં ગણવામાં આવે છે. આમ, ઈસુએ કહેલી “આ પેઢી”માં આજે જીવી રહેલા અમુક જ અભિષિક્તોનો સમાવેશ થાય છે. આજે, બીજા સમૂહના અભિષિક્તો વૃદ્ધ થઈ રહ્યા છે. જોકે, માથ્થી ૨૪:૩૪માં ઈસુના શબ્દોથી આપણને ભરોસો મળે છે કે “આ પેઢી”ના અમુક અભિષિક્તો મહાન વિપત્તિ શરૂ થતા પહેલાં “ગુજરી નહિ જશે.” એનાથી આપણો ભરોસો વધે છે કે, ઈશ્વરના રાજ્યના રાજા જલદી જ દુષ્ટતાનો નાશ કરશે અને ન્યાયી નવી દુનિયા લાવશે.—૨ પીત. ૩:૧૩.
ખ્રિસ્ત જલદી જ જીત મેળવશે
૧૭. બાઇબલ ભવિષ્યવાણીઓના જે પુરાવાની આપણે ચર્ચા કરી એ પરથી કયા તારણ પર આવી શકીએ?
૧૭ બાઇબલ ભવિષ્યવાણીઓના જે પુરાવાની આપણે ચર્ચા કરી એ પરથી કયા તારણ પર આવી શકીએ? ઈસુએ ચેતવણી આપી હતી કે એ દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી. (માથ. ૨૪:૩૬; ૨૫:૧૩) પરંતુ, પાઊલે જણાવેલાં “સમય” વિશે આપણે જાણી શકીએ છીએ અને જાણીએ પણ છીએ. (રોમનો ૧૩:૧૧ વાંચો.) આપણે એ “સમય”માં એટલે કે છેલ્લા સમયગાળામાં જીવી રહ્યા છીએ. આપણે પૂરું ધ્યાન ભવિષ્યવાણી પર તેમ જ, યહોવા અને ઈસુ જે કરી રહ્યા છે એના પર આપીએ. એમ કરીશું તો જ દુષ્ટ દુનિયાનો અંત નજીક હોવાના પુરાવા સાફ જોઈ શકીશું.
૧૮. ખ્રિસ્તને રાજા તરીકે નકારતા લોકોનું શું થશે?
૧૮ સફેદ ઘોડા પર સવાર ઈસુને ખાસ અધિકાર આપવામાં આવ્યો છે. જેઓ એ હકીકતનો નકાર કરે છે, તેઓએ જલદી જ કબૂલવું પડશે કે પોતે ખોટા છે. ન્યાય થશે ત્યારે તેઓને છટકવાનો કોઈ માર્ગ નહિ મળે. એ સમયે ઘણા લોકો ડરને લીધે બોલી ઊઠશે, “કોનાથી ઊભું રહેવાય?” (પ્રકટી. ૬:૧૫-૧૭) પ્રકટીકરણનો સાતમો અધ્યાય એ સવાલનો જવાબ આપે છે. અભિષિક્તોને અને “મોટા સમુદાય”ને ઈશ્વર સ્વીકારશે, જેના લીધે તેઓ એ દિવસે “ઊભા” રહી શકશે. પછી, બીજા ઘેટાંમાંનો “મોટો સમુદાય” મહાન વિપત્તિમાંથી બચી જઈને નવી દુનિયામાં પ્રવેશ કરશે.—પ્રકટી. ૭:૯, ૧૩-૧૫.
૧૯. અંત નજીક છે એવી ખાતરી મળી હોવાથી, ભાવિ માટે તમે શું ઇચ્છો છો?
૧૯ ચાલો, આપણા સમયમાં પૂરી થઈ રહેલી એ ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપીએ. એમ કરવાથી શેતાનની દુનિયાને લીધે આપણું ધ્યાન ફંટાઈ જશે નહિ. તેમ જ, દુનિયાના બનાવોનો ખરો અર્થ પારખવામાં આપણી આંખ આડે કંઈ આવી શકશે નહિ. ખ્રિસ્ત જલદી જ જીત મેળવશે અને આર્માગેદનના યુદ્ધમાં દુષ્ટ દુનિયાનો નાશ કરશે. (પ્રકટી. ૧૯:૧૧, ૧૯-૨૧) જરા કલ્પના કરો કે એ પછી આપણે બધા કેટલા ખુશ હોઈશું!—પ્રકટી. ૨૦:૧-૩, ૬; ૨૧:૩, ૪.