તિમોથીને બીજો પત્ર
૩ આ વાત ધ્યાનમાં રાખ કે છેલ્લા દિવસોમાં+ સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. ૨ કેમ કે લોકો સ્વાર્થી,* પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, ૩ પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, ૪ દગાખોર, હઠીલા, અભિમાનથી ફુલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા, ૫ ભક્તિભાવનો દેખાડો કરનારા પણ એ પ્રમાણે નહિ જીવનારા હશે.+ એવા લોકોથી તું દૂર રહેજે. ૬ તેઓમાંથી એવા માણસો ઊભા થાય છે, જેઓ ઘરમાં ચાલાકીથી પગપેસારો કરે છે. તેઓ એવી કમજોર સ્ત્રીઓને ફસાવે છે, જેઓ અનેક ઇચ્છાઓથી દોરાઈને પાપમાં ડૂબેલી હોય છે. ૭ એ સ્ત્રીઓ હંમેશાં શીખતી રહે છે, છતાં પણ સત્યનું ખરું* જ્ઞાન સમજી શકતી નથી.
૮ જેમ યાન્નેસ અને યાંબ્રેસે મૂસાનો વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો સત્યનો વિરોધ કરતા રહે છે. તેઓનાં મન પૂરેપૂરાં ભ્રષ્ટ થઈ ગયાં છે અને તેઓ શ્રદ્ધાથી ચાલતા નથી, એટલે ઈશ્વરે તેઓને પસંદ કર્યા નથી. ૯ હવે તેઓનું બહુ ચાલવાનું નથી, કેમ કે યાન્નેસ અને યાંબ્રેસની જેમ તેઓની મૂર્ખતા બધા સામે એકદમ ખુલ્લી કરાશે.+ ૧૦ પણ તેં હંમેશાં મારા પગલે ચાલીને મારા શિક્ષણ, મારા જીવનમાર્ગ,+ મારા હેતુ, મારી શ્રદ્ધા, મારી ધીરજ, મારા પ્રેમ અને મારી સહનશીલતા પ્રમાણે કર્યું છે. ૧૧ તેં એ પણ જોયું છે કે અંત્યોખ,+ ઇકોનિયા+ અને લુસ્ત્રામાં+ મેં કેવી સતાવણીઓ અને દુઃખો સહન કર્યાં છે. એ બધામાંથી આપણા માલિકે મને છોડાવ્યો છે.+ ૧૨ હકીકતમાં, જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની સતાવણી થશે.+ ૧૩ પણ દુષ્ટ માણસો અને ધુતારાઓ બીજાઓને છેતરીને અને પોતે પણ છેતરાઈને વધારે ને વધારે ખરાબ થતા જશે.+
૧૪ તું જે શીખ્યો છે અને તને જેની સમજણ આપીને ખાતરી કરાવવામાં આવી છે, એ કરતો રહેજે.+ તને ખબર છે કે તું કોની પાસેથી એ શીખ્યો છે ૧૫ અને તું બાળપણથી+ પવિત્ર લખાણો જાણે છે.+ એ લખાણો ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખવાથી મળતા ઉદ્ધાર માટે તને સમજુ બનાવી શકે છે.+ ૧૬ આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે+ અને એ શીખવવા,+ ઠપકો આપવા, સુધારવા* અને ઈશ્વરનાં ખરાં ધોરણો* પ્રમાણે શિસ્ત* આપવા માટે ઉપયોગી છે.+ ૧૭ એનાથી ઈશ્વરનો ભક્ત એકદમ કુશળ બને છે અને દરેક સારા કામ માટે પૂરેપૂરો તૈયાર થાય છે.