તેમની શ્રદ્ધાને અનુસરો | મરિયમ
તેમણે સખત દુઃખ સહન કર્યું
મરિયમ ઘૂંટણિયે પડ્યાં હતાં, તેમના દુઃખનું વર્ણન થઈ શકે એમ નથી. અમુક કલાકો પહેલાં રિબાઈ રિબાઈને મરણ પામેલા દીકરાની ચીસના પડઘા તેમના કાનમાં પડતાં હતાં. હજુ તો બપોરનો સમય હતો. તોપણ, અંધકાર છવાઈ ગયો હતો. ઉપરાંત, જોરદાર ધરતીકંપ થયો. (માથ્થી ૨૭:૪૫, ૫૧) મરિયમને લાગ્યું હોય શકે કે યહોવા ઈશ્વર પોતે દુનિયાને જણાવે છે કે ઈસુ ખ્રિસ્તના મરણથી બીજાના કરતાં તેમને સૌથી વધારે દુઃખ થયું છે.
ગલગથા કે ખોપરીની જગ્યાની આસપાસ છવાયેલા અંધકારમાં બપોરનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. મરિયમ પોતાના દીકરા માટે વિલાપ કરી રહ્યાં હતાં. (યોહાન ૧૯:૧૭, ૨૫) તેમના મનમાં અનેક મીઠી યાદો આવતી હોય શકે. એમાંની એક લગભગ તેત્રીસ વર્ષ પહેલાની હોય શકે. તે અને યુસફ યરૂશાલેમના મંદિરમાં યહોવા આગળ પોતાના વહાલા બાળકને લાવ્યા હતા. તેઓને જોઈને મોટી ઉંમરના શિમઓન ભવિષ્યવાણી કરવા પ્રેરાયા. તેમણે ઈસુ વિશે સારી બાબતો જણાવી. પણ, તેમણે એ પણ ઉમેર્યું કે એક દિવસ મરિયમને લાગશે કે પોતે જાણે તરવારથી વીંધાઈ ગઈ છે. (લુક ૨:૨૫-૩૫) હવે, આ કરૂણ સમયમાં એનો ખરો અર્થ તેમને સમજાઈ રહ્યો છે.
કહેવામાં આવે છે કે પોતાના દીકરાનું મોત જોવું એ મનુષ્ય માટે સૌથી દુઃખદાયક છે. મરણ સૌથી ખતરનાક દુશ્મન છે અને એ આપણને બધાને એક કે બીજી રીતે દુઃખી કરે છે. (રોમનો ૫:૧૨; ૧ કોરીંથી ૧૫:૨૬) શું દુઃખના એવા ઘા સહી શકાય? હવે આપણે ઈસુના પ્રચારકાર્યની શરૂઆતથી લઈને તેમના મરણ અને ત્યાર પછીના સમયગાળા દરમિયાનના મરિયમના જીવન વિશે જોઈશું. એમાંથી શીખવા મળશે કે મરિયમ કઈ રીતે પોતાની શ્રદ્ધાથી તરવારના ઘા જેવું દુઃખ સહન કરી શક્યા.
‘તે તમને જે કહે એ કરો’
ચાલો આપણે ઈસુના મરણના સાડા ત્રણ વર્ષ પહેલાંના સમય વિશે જોઈએ. મરિયમ જોઈ શકતાં હતાં કે જીવનમાં ફેરફારો આવી રહ્યાં છે. નાઝરેથ જેવા નાનકડા ગામમાં પણ લોકો યોહાન બાપ્તિસ્મક અને પસ્તાવો કરવા ઉત્તેજન આપનાર તેમના સંદેશાની વાતો કરી રહ્યા હતા. મરિયમ જોઈ શકતાં હતાં કે તેમના મોટા દીકરા ઈસુએ એને પ્રચારકાર્ય શરૂ કરવાની એક નિશાની ગણી. (માથ્થી ૩:૧, ૧૩) મરિયમ અને તેમના કુટુંબને હવે ઈસુની ખોટના લીધે અમુક અડચણો આવવાની હતી. કઈ રીતે?
એવું લાગે છે કે એ સમય સુધીમાં મરિયમના પતિ યુસફ ગુજરી ગયા હતા. એવું હોય તો વ્યક્તિની ખોટ સાલવા વિશે મરિયમ જાણતા હતા.a ઈસુ હવે ‘સુથારના દીકરા’ નહિ પણ ‘સુથાર’ તરીકે ઓળખાતા હતા. ઈસુએ પોતાના પિતાનો ધંધો સંભાળી લીધો હતો અને કુટુંબની જવાબદારી ઉપાડી લીધી હતી. તેમના કુટુંબમાં તેમનાથી નાનાં છ ભાઈ-બહેનો હતાં. (માથ્થી ૧૩:૫૫, ૫૬; માર્ક ૬:૩) ઈસુ ભલેને તેમના બીજા નંબરના ભાઈ યાકૂબને ધંધાની તાલીમ આપતા હોય, તોપણ તેમની વિદાયથી કુટુંબ માટે જીવન સહેલું નહિ હોય. મરિયમ ભારે જવાબદારી ઉપાડતા જ હતા. પરંતુ, આવનાર ફેરફારથી શું તે ગભરાઈ ગયાં? એ વિશે આપણે જાણતા નથી. પણ મહત્ત્વનો સવાલ છે: નાઝરેથના ઈસુ જ્યારે ખ્રિસ્ત બન્યા જેમની મસીહ તરીકે વર્ષોથી રાહ જોવાતી હતી ત્યારે, મરિયમને કેવું લાગ્યું હશે? એ વિશે જાણવા બાઇબલનો એક અહેવાલ તપાસીએ.—યોહાન ૨:૧-૧૨.
યોહાન પાસે જઈને બાપ્તિસ્મા લીધા પછી ઈસુ, ઈશ્વરે પસંદ કરેલા અભિષિક્ત કે મસીહ બન્યા. (લુક ૩:૨૧, ૨૨) ત્યાર બાદ, તેમણે શિષ્યોની પસંદગી કરી. સેવાકાર્ય પૂરું કરવું તાકીદનું હોવા છતાં, કુટુંબ અને મિત્રો સાથે સારા પ્રસંગોમાં જવા તેમણે સમય કાઢ્યો. નાઝરેથથી ૧૩ કિલોમીટર દૂર ટેકરા પર કાના નામનું ગામ હતું. ઈસુ ત્યાં પોતાની માતા, શિષ્યો અને ભાઈઓ સાથે લગ્નપ્રસંગમાં ગયા. મરિયમ પારખી શક્યા કે ત્યાં કોઈ મુશ્કેલી ઊભી થઈ છે. યુગલના કુટુંબીજનોના ચહેરા અને તેઓ વચ્ચે થતી ગુસપુસની તેમણે કદાચ નોંધ લીધી હશે. એ પ્રસંગમાં દ્રાક્ષદારૂ ખૂટી ગયો હતો. તેઓના રિવાજ પ્રમાણે જો એવું બને તો એ શરમજનક ગણાય અને કુટુંબનું નામ બદનામ થાય. મરિયમને તેઓ પર દયા આવી અને ઈસુને એની જાણ કરી.
તેમણે ઈસુને કહ્યું, ‘તેઓ પાસે દ્રાક્ષદારૂ નથી.’ તે ઈસુ પાસેથી શું ચાહતાં હતાં? આપણે ફક્ત એની કલ્પના કરી શકીએ; મરિયમ જાણતાં હતાં કે પોતાનો દીકરો ઈસુ મહાન પુરુષ હોવાથી અદ્ભૂત બાબતો જરૂર કરી શકે છે. એ પણ હમણાં જ શરૂ કરશે એવી આશા રાખતાં હોઈ શકે. બીજા શબ્દમાં ઈસુને કહેતાં હતાં કે “બેટા, તેઓ માટે કંઈ કર!” ઈસુના ઉત્તરથી તેમને નવાઈ લાગી હશે. ઈસુએ કહ્યું, “બાઈ, મારે ને તારે શું?” ઈસુએ અપમાન કરતા એમ કહ્યું ન હતું. પણ, એ શબ્દોને ખોટી રીતે સમજવામાં આવે છે. ઈસુના શબ્દોમાં હળવો ઠપકો હતો. મરિયમને ઈસુ યાદ અપાવતા હતા કે સેવાકાર્યમાં શું કરવું એ કહેવાનો હક્ક તેમનો નહિ, પણ પોતાના પિતા યહોવા ઈશ્વરનો જ છે.
મરિયમે ઠપકો સ્વીકાર્યો, કેમ કે તે સમજદાર અને નમ્ર હતાં. લગ્નપ્રસંગમાં સેવા આપતા ચાકરોને મરિયમે કહ્યું: ‘તે તમને જે કહે એ કરો.’ તે સમજી શક્યાં કે હવેથી ઈસુને માર્ગદર્શન આપવાને બદલે પોતે અને બીજાઓએ તેમની પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ. ઈસુને પણ તેમની માતાની જેમ નવા પરણેલા યુગલ માટે દયા આવી હોવાથી પાણીને દ્રાક્ષદારૂમાં ફેરવ્યો. એ તેમનો સૌથી પહેલો ચમત્કાર હતો. એનું શું પરિણામ આવ્યું? ‘શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.’ મરિયમે પણ ઈસુ પર વિશ્વાસ મૂક્યો. તેમણે ઈસુને પોતાના દીકરા તરીકે નહિ પણ પ્રભુ અને તારણહાર તરીકે જોયાં.
મરિયમની શ્રદ્ધામાંથી માબાપ આજે ઘણું શીખી શકે છે. જોકે, કોઈએ ઈસુ જેવા બાળકનો ઉછેર નહિ કર્યો હોય. પણ, બાળક મોટું થાય ત્યારે જે બદલાવ આવે છે એને લીધે ઘણી મુશ્કેલીઓ આવી શકે. માબાપને લાગે કે પોતાનો દીકરો કે દીકરી હજુ નાનું બાળક છે. એટલે તેની સાથે એ રીતે વર્તતા હોય છે, પણ એ યોગ્ય નથી. (૧ કોરીંથી ૧૩:૧૧) બાળકને ઉછેરવા માબાપને ક્યાંથી મદદ મળી શકે? એક રીત છે કે માબાપને ભરોસો હોવો જોઈએ કે બાળકો બાઇબલ શિક્ષણને લાગુ પાડશે અને પરિણામે યહોવાના આશીર્વાદો મેળવશે. માબાપનું આવું નમ્ર વલણ જોઈને બાળકો યહોવાની ભક્તિમાં ઘણું સારું કરી શકશે. પ્રથમ ચમત્કાર કર્યા પછીના મહત્ત્વના વર્ષોમાં મરિયમે જે મદદ અને ટેકો આપ્યો એની કદર ઈસુએ કરી હશે.
‘તેમના ભાઈઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ’
સુવાર્તાનાં પુસ્તકોમાં ઈસુના સાડાત્રણ વર્ષના સેવાકાર્યની જે માહિતી છે, એમાં મરિયમ વિશે બહુ ઓછું જણાવ્યું છે. એ યાદ રાખીએ કે મરિયમ કદાચ વિધવા હતાં અને એકલા હાથે બાળકોને ઉછેરતાં હતાં. તેથી, સમજી શકાય કે ઈસુ પોતાના દેશમાં પ્રચાર કરતા હતા ત્યારે, મરિયમ તેમની સાથે બધે જઈ નહિ શક્યાં હોય. (૧ તીમોથી ૫:૮) તોપણ, કુટુંબના રિવાજ પ્રમાણે તે હંમેશાં નજીકના સભાસ્થાનોમાં જતાં અને મસીહ વિશે જે શીખ્યા એના પર મનન કરતાં.—લુક ૨:૧૯, ૫૧; ૪:૧૬.
એટલે, સભાસ્થાનમાં ઈસુ જ્યારે પ્રવચન આપતા હતા ત્યારે, મરિયમ એ સાંભળતાં હોઈ શકે. ઈસુએ જાહેર કર્યું કે સદીઓ પહેલાંની મસીહ વિશેની ભવિષ્યવાણી હવે તેમનામાં પૂરી થઈ છે, એ સાંભળીને મરિયમને કેટલો આનંદ થયો હશે! જોકે, નાઝારેથના લોકોએ ઈસુનો સ્વીકાર ન કર્યો એ જોઈને મરિયમને ઘણું દુઃખ જરૂર થયું હશે. અરે, તેઓએ ઈસુને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો!—લુક ૪:૧૭-૩૦.
તેમ જ, મરિયમનાં બીજાં બાળકો ઈસુ સાથે જે રીતે વર્તન કરતા હતા, એનાથી પણ તેમને દુઃખ થયું હશે. યોહાન ૭:૫માંથી આપણને શીખવા મળે છે કે મરિયમની જેમ ઈસુના ચાર ભાઈઓને તેમના પર વિશ્વાસ ન હતો. એ કલમ જણાવે છે: ‘તેમના ભાઈઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ.’b ઈસુની બે બહેનો હોઈ શકે, પણ બાઇબલ તેઓ વિશે કંઈ જણાવતું નથી. એક વાત ચોક્કસ છે કે કુટુંબમાં જુદી જુદી માન્યતાઓને લીધે આવતી મુશ્કેલીઓ વિશે મરિયમ જાણતાં હતાં. યહોવાના સત્યને વળગી રહેવામાં અને બળજબરી કે ઝઘડા કર્યા વગર બાળકોનાં દિલ જીતવા માટે મરિયમને ખૂબ મહેનત કરવી પડી હતી.
એક સમયે ઈસુના ભાઈઓ સગાં-વહાલાં સાથે મળીને તેમને પકડવા ગયા હતા. તેઓનું કહેવું હતું: “તે ઘેલો છે.” (માર્ક ૩:૨૧, ૩૧) જોકે, મરિયમ એવું વિચારતાં ન હતાં. પણ, તે પોતાના દીકરાઓ સાથે એ આશાએ ગયાં કે તેઓ કંઈ શીખશે અને એનાથી તેઓનો ઈસુમાં વિશ્વાસ બંધાશે. શું એવું થયું? ખરું કે ઈસુ પરાક્રમી કામો કરતા રહ્યા અને સત્ય વિશે શીખવતા રહ્યા, પણ મરિયમના બીજા દીકરાઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો નહિ. શું મરિયમે કંટાળીને એમ વિચાર્યું કે શેનાથી તેઓ ઈસુમાં વિશ્વાસ મૂકશે?
યહોવાની ભક્તિમાં શું કુટુંબમાંથી તમે એકલા છો? મરિયમની શ્રદ્ધામાંથી તમને ઘણું શીખવા મળશે. તેમના સગાં-વહાલાએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો નહિ એનાથી તે હિંમત હારી ન ગયાં. એના બદલે, તેમણે બીજાઓને બતાવ્યું કે પોતાની શ્રદ્ધાને લીધે તેમને ખુશી અને મનની શાંતિ મળી છે. એટલું જ નહિ, તે ઈસુને સાથ સહકાર આપતાં રહ્યાં. શું તે ઈસુને યાદ કરતાં હતાં? શું તે અમુક સમયે એમ વિચારતાં હતાં કે ઈસુ પોતાની અને કુટુંબ સાથે હોય તો કેવું સારું? જો એમ હોય તો, તેમણે પોતાની લાગણીને કાબૂમાં રાખી હતી. તેમણે ઈસુને ઉત્તેજન અને ટેકો આપવાને એક લહાવો ગણ્યો. શું તમે તમારાં બાળકોને જીવનમાં યહોવાની ભક્તિ પહેલી રાખવા મદદ કરો છો?
“તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે”
મરિયમે ઈસુમાં વિશ્વાસ મૂક્યો એના કોઈ આશીર્વાદ મળ્યા? યહોવા કોઈને પણ આશીર્વાદ આપવાનું ભૂલતા નથી અને મરિયમને પણ જરૂર આપ્યા હશે. (હિબ્રૂ ૧૧:૬) જરા વિચાર કરો, બીજાઓએ ઈસુનો પહાડ પરનો ઉપદેશ રૂબરૂ સાંભળીને મરિયમને જે અહેવાલ આપ્યો અને પોતાના દીકરાને ઉપદેશ આપતા સાંભળીને તેમને કેવી ખુશી થઈ હશે!
ઈસુ નાઝરેથમાં મોટા થયા હતા. તેમના ઉપદેશમાં વાપરેલાં ઉદાહરણોથી શું મરિયમને તેમના બાળપણના અમુક પ્રસંગો યાદ આવ્યાં હશે? જેમ કે, એક સ્ત્રી ખોવાઈ ગયેલા સિક્કાને ઝાડુથી શોધે છે, અનાજ દળવું અથવા દીવો સળગાવીને પ્રકાશ આવે એ રીતે મૂકવો. શું મરિયમે એવું વિચાર્યું કે પોતે રોજિંદુ કામ કરતાં હતાં ત્યારે આ નાનો છોકરો પોતાની સાથે ફરતો હતો? (લુક ૧૧:૩૩; ૧૫:૮, ૯; ૧૭:૩૫) ઈસુએ કહ્યું કે મારી ઝૂંસરી સહેલી છે અને મારો બોજો હલકો છે. એ વખતે શું મરિયમને મીઠી યાદ આવી હશે કે વર્ષો પહેલાં યુસફ નાના ઈસુને કઈ રીતે ઝૂંસરી બનાવવી એ શીખવતા હતા, જેથી પ્રાણીને ભાર ઊંચકતા કંઈ ખૂંચે નહિ? (માથ્થી ૧૧:૩૦) મરિયમને એ વિચારીને જરૂર સંતોષ મળ્યો હશે કે યહોવાએ તેમને એવા દીકરાને ઉછેરવાની અને તાલીમ આપવાની તક આપી, જે પછીથી મસીહ બન્યા. એ મહાન શિક્ષક પાસેથી સાંભળવાનો તેમને ખૂબ આનંદ થયો હશે, કેમ કે ઈસુએ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ અને દૃશ્યો પરથી મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો.
તોપણ, મરિયમ એકદમ નમ્ર રહ્યાં. મરિયમની ભક્તિ કરવામાં આવે એ રીતે ઈસુએ ક્યારેય તેમના વખાણ કર્યા ન હતા. તેમના સેવાકાર્યમાં લોકોના ટોળામાંથી એક સ્ત્રીએ પોકાર્યું કે, ઈસુને જન્મ આપનારી માને ધન્ય હો. પણ ઈસુએ કહ્યું: ‘એનાં કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!’ (લુક ૧૧:૨૭, ૨૮) બીજા એક પ્રસંગે ટોળામાંથી કોઈએ ઈસુને કહ્યું કે તારી મા અને ભાઈઓ આવ્યા છે. એ વખતે તેમણે કહ્યું કે જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓ મારી માતાઓ અને ભાઈઓ જેવા છે. એનાથી મરિયમને જરાય ખોટું ન લાગ્યું. ઈસુનો કહેવાનો અર્થ તે જરૂર સમજી શક્યાં કે યહોવાની ભક્તિ કરતા નથી એના બદલે જેઓ કરે છે, તેઓ સાથેનો સંબંધ મહત્ત્વનો છે.—માર્ક ૩:૩૨-૩૫.
તોપણ, વધસ્તંભ પર લટકેલા પોતાના દીકરાને જોઈને મરિયમને જે દુઃખ થયું હશે એનું વર્ણન કરવા શબ્દો નથી. પ્રેરિત યોહાને ઈસુને વધસ્તંભ પર નજરે જોયા હતા. પછીથી, તેમણે આ મહત્ત્વની માહિતી જણાવી: એ આકરા પ્રસંગે મરિયમ ‘ઈસુના વધસ્તંભ પાસે’ ઊભાં હતાં. પોતાના દીકરાની પડખે છેલ્લી ઘડી સુધી ઊભા રહેતા રોકી શકે એવું કંઈ એ મા માટે ન હતું. ઈસુએ મરિયમને જોયા. ઈસુ માટે શ્વાસ લેવો અને શબ્દ બોલવો મહા મુશ્કેલ હતો, તોપણ ખૂબ હિંમત કરીને તેમણે વાત કરી. તેમણે પોતાની માની દેખરેખ રાખવાની જવાબદારી વહાલા પ્રેરિત યોહાનને સોંપી. ઈસુના ભાઈઓએ હજુ તેમના પર વિશ્વાસ મૂક્યો ન હતો. એટલે, ઈસુએ મરિયમની સારસંભાળ રાખવાની જવાબદારી બીજા કોઈને નહિ પણ તેમના શિષ્યને સોંપી. આમ, ઈસુએ પોતાના દાખલાથી બતાવી આપ્યું કે ઈશ્વરના ભક્તે પોતાના કુટુંબની જવાબદારી ઉપાડવી ખૂબ મહત્ત્વની છે, ખાસ કરીને ભક્તિની બાબતમાં.—યોહાન ૧૯:૨૫-૨૭.
આખરે ઈસુએ છેલ્લો શ્વાસ છોડ્યો ત્યારે, ઘણા સમય પહેલાં જે કહેવામાં આવ્યું હતું કે તારા જીવને તરવાર વીંધી નાખશે એ મરિયમે અનુભવ્યું. તેમને થયેલું દુઃખ આપણે સમજી શકતા ન હોય તો, ત્રણ દિવસ પછી તેમને થયેલો આનંદ કઈ રીતે સમજી શકીએ! મરિયમને સૌથી મહાન ચમત્કાર વિશે જાણવા મળે છે. એ છે કે ઈસુને સજીવન કરવામાં આવ્યા! પછી, ઈસુ પોતાના સાવકા ભાઈ યાકૂબને એકાંતમાં દેખાયા ત્યારે મરિયમનો આનંદ હજી પણ વધ્યો હશે. (૧ કોરીંથી ૧૫:૭) એનાથી યાકૂબ અને ઈસુના બીજા સાવકા ભાઈઓ પર પણ અસર થઈ. આપણને જાણવા મળે છે કે એ પછીથી તેઓ ઈસુમાં વિશ્વાસ મૂકવા લાગ્યા. થોડા જ સમયમાં તેઓ મરિયમ સાથે સભાઓમાં જઈને ‘પ્રાર્થનામાં લાગુ રહેવા’ લાગ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૪) સમય જતાં, યાકૂબ અને યહુદાએ ઈશ્વરની પ્રેરણાથી બાઇબલનાં પુસ્તકો લખ્યાં.
બાઇબલમાં આપણને મરિયમ વિશે છેલ્લો ઉલ્લેખ જોવા મળે છે કે તે પોતાના દીકરાઓ સાથે પ્રાર્થનામાં લાગું હતાં. મરિયમના જીવનનો કેટલો સરસ અંત. તેમણે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. પોતાની શ્રદ્ધાને લીધે તે તલવારના ઘા જેવું દુઃખ સહી શક્યાં અને છેલ્લે અજોડ આશીર્વાદ પામ્યાં. આપણે તેમની શ્રદ્ધાનું અનુકરણ કરીશું તો, આ દુષ્ટ દુનિયામાં આવતી મુશ્કેલી સહી શકીશું. તેમ જ, કલ્પના ન કરી શકીએ એવા આશીર્વાદનો આનંદ ભાવિમાં માણીશું. (w14-E 05/01)
a ઈસુ બાર વર્ષના હતા એ બનાવમાં યુસફનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ પછી સુવાર્તાનાં પુસ્તકોમાં ઈસુના માતા અને તેમના બીજાં ભાઈ-બહેનો વિશે જણાવવામાં આવ્યું છે, પણ યુસફનો કોઈ ઉલ્લેખ નથી. એક વખતે ઈસુને યુસફના નહિ પણ ‘મરિયમના દીકરા’ કહેવામાં આવ્યા.—માર્ક ૬:૩.
b યુસફ, ઈસુના પાલક પિતા હતા. તેથી, તેમના ભાઈ-બહેનો સગાં નહિ પણ સાવકાં હતાં.—માથ્થી ૧:૨૦.