શું તમે ‘ડહાપણ’ કેળવવા મહેનત કરો છો?
અમુક જગ્યાએ આ દંતકથા જાણીતી છે. એક ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. લોકોને લાગતું કે એ છોકરામાં કંઈ બુદ્ધિ નથી. એટલે, તેઓ તેની મશ્કરી કરતા. એ ગામમાં કોઈ મુલાકાતીઓ આવે ત્યારે, અમુક લોકો બધાની સામે તેનો મજાક ઉડાવતા. તેઓ તેને બે સિક્કા બતાવતા, એક મોટો ચાંદીનો અને એક નાનકડો સોનાનો. સોનાના સિક્કાની કિંમત ચાંદીના સિક્કા કરતાં બમણી હતી. લોકો એ છોકરાને કહેતા: “લે, પસંદ કર. આ બેમાંથી તારે કયો સિક્કો જોઈએ છે?” એ છોકરો ચાંદીનો મોટો સિક્કો લઈને નાસી જતો.
એ ગામની મુલાકાતે આવેલા એક માણસે એ છોકરાને પૂછ્યું: “શું તું જાણે છે કે, સોનાના સિક્કાની કિંમત ચાંદીના સિક્કા કરતાં બે ગણી છે?” છોકરાએ હસીને કહ્યું: “હા, હું જાણું છું.” પેલા માણસે પૂછ્યું: “તો તું શા માટે ચાંદીનો સિક્કો લે છે? જો તું સોનાનો સિક્કો લેશે, તો તારી પાસે બે ગણા પૈસા થશે.” છોકરાએ જવાબ આપ્યો: “જો હું સોનાનો સિક્કો લઉં, તો ગામવાળા મારી સાથે આ રમત રમવાનું બંધ કરી દેશે. તમે જાણો છો, મેં અત્યાર સુધી કેટલા ચાંદીના સિક્કા ભેગા કર્યા છે?” એ નાના છોકરાએ એક એવો ગુણ બતાવ્યો, જે પુખ્ત ઉંમરના લોકોને પણ મદદ કરી શકે. એ ગુણ છે, ડહાપણનો.
બાઇબલ જણાવે છે: “સુજ્ઞાન [ડહાપણ, NW] તથા વિવેકબુદ્ધિ પકડી રાખ; ત્યારે તું તારા માર્ગમાં સહીસલામત ચાલતો થશે, અને તારો પગ લથડશે નહિ.” (નીતિવચનો ૩:૨૧, ૨૩) ડહાપણ એટલે શું? એને કઈ રીતે લાગુ પાડી શકાય? એ સવાલોના જવાબ જાણવાથી આપણે પોતાનું રક્ષણ કરી શકીશું. એની મદદથી આપણે સત્યમાં મક્કમ બનીશું અને ઈશ્વરના માર્ગ પરથી આપણા “પગ” લથડશે નહિ.
ડહાપણ એટલે શું?
ડહાપણનો ગુણ જ્ઞાન અને સમજણથી અલગ છે. જ્ઞાન ધરાવનાર વ્યક્તિ અલગ અલગ માહિતી કે હકીકતોને ભેગી કરે છે. સમજણ ધરાવનાર વ્યક્તિ જોઈ શકે છે કે એક હકીકત બીજી હકીકત સાથે કઈ રીતે જોડાયેલી છે. ડહાપણ ધરાવનાર વ્યક્તિ જ્ઞાન અને સમજણનો ઉપયોગ કરે છે અને એને વ્યવહારુ રીતે લાગુ પાડે છે.
દાખલા તરીકે, કોઈ વ્યક્તિ કદાચ થોડા જ સમયમાં પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક વાંચી જાય અને સમજી જાય. બાઇબલ અભ્યાસ દરમિયાન તે બધા જવાબો સાચા આપે. તે કદાચ સભાઓમાં આવવા લાગે અને એમાં સારી ટીકાઓ પણ આપે. એ બધું જોઈને આપણને લાગે કે વ્યક્તિ યહોવાની ભક્તિમાં પ્રગતિ કરી રહી છે. પરંતુ, શું એ બધા પરથી એમ કહી શકાય કે, એ વ્યક્તિ ડહાપણ મેળવી રહી છે? જરૂરી નથી. કદાચ, તેનું દિમાગ તેજ છે એટલે તે ઝડપથી શીખે છે. છતાં, જો તે જ્ઞાન અને સમજણનો યોગ્ય ઉપયોગ કરે અને શીખેલી વાતોને જીવનમાં લાગુ પાડે, તો આપણે કહી શકીએ કે વ્યક્તિ ડહાપણ કેળવી રહી છે. જો તે ભાવિનો વિચાર કરીને સમજદારીથી પગલાં ભરે અને તેણે લીધેલા નિર્ણયોના સારાં પરિણામ આવે, તો દેખાઈ આવશે કે તે ડહાપણથી વર્તી રહી છે.
માથ્થી ૭:૨૪-૨૭માં ઈસુએ એક ઉદાહરણ આપ્યું હતું. બે માણસોએ પોતપોતાનું ઘર બાંધ્યું. એમાંથી એક માણસને “સમજદાર” કહેવામાં આવ્યો. ભાવિમાં શું બની શકે છે, એનો વિચાર કરીને તેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. તે સમજી-વિચારીને અને ડહાપણથી વર્ત્યો. તેણે એમ ન વિચાર્યું કે, રેતી પર ઘર બાંધવું સસ્તું પડશે અને વહેલું બની જશે. તેણે પોતાના નિર્ણયની લાંબા ગાળે કેવી અસર થશે એનો વિચાર કર્યો. આમ, તે ડહાપણથી વર્ત્યો. પછી, જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે તેનું ઘર અડીખમ રહ્યું. હવે સવાલ થાય કે, આપણે કઈ રીતે ડહાપણનો ગુણ કેળવી શકીએ અને એને જાળવી રાખી શકીએ?
ડહાપણનો ગુણ હું કઈ રીતે કેળવી શકું?
સૌ પ્રથમ આ કલમનો વિચાર કરો: ‘જેનામાં ડહાપણ છે, તે ઈશ્વરના નામથી બીશે.’ (મીખાહ ૬:૯, NW) ઈશ્વરના નામનો ભય રાખવાનો અર્થ થાય કે તેમને માન આપવું. એમાં તેમના નામમાં જે સમાયેલું છે એની માટે અને તેમનાં ધોરણો માટે યોગ્ય ભય હોવાનો સમાવેશ થાય છે. કોઈને માન આપવા જરૂરી છે કે, તેમના વિચારો જાણીએ. એમ કરવાથી આપણે એ વ્યક્તિ પર અને એની પાસેથી જે શીખીએ છીએ એના પર ભરોસો મૂકી શકીશું. ઉપરાંત, એ વ્યક્તિની જેમ યોગ્ય નિર્ણયો લઈ શકીશું અને સારાં પરિણામો મેળવી શકીશું. જો આપણે યહોવાનાં ધોરણોને આધારે નિર્ણયો લઈશું અને આપણને ફિકર હશે કે, આપણા નિર્ણયોની તેમની સાથેની મિત્રતા પર કેવી અસર થશે, તો કહી શકીશું કે આપણે ડહાપણ કેળવી રહ્યા છીએ.
હવે નીતિવચનો ૧૮:૧ના શબ્દો પર ધ્યાન આપો. એ કહે છે: “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની [ડહાપણની, NW] વિરુદ્ધ થાય છે.” જો આપણે સાવધ નહિ રહીએ, તો યહોવા અને તેમના લોકોથી વિખૂટા પડી જઈશું. આપણે એકલા ન પડી જઈએ એ માટે જરૂરી છે કે, ઈશ્વરનો ડર રાખનાર અને તેમનાં ધોરણો પાળનાર લોકો જોડે સમય વિતાવીએ. આપણે નિયમિત રીતે સભાઓમાં જઈએ, જેથી મંડળનાં ભાઈ-બહેનોની સંગત માણી શકીએ. સભામાં હોઈએ ત્યારે, આપણે પોતાનું મન અને હૃદય ખુલ્લું રાખીએ અને શીખેલી વાતને દિલમાં ઉતારીએ.
એ ઉપરાંત, જો આપણે પ્રાર્થનામાં યહોવા આગળ આપણું દિલ ઠાલવીશું, તો આપણે તેમની વધુ નજીક જઈશું. (નીતિ. ૩:૫, ૬) બાઇબલ અને સંગઠન તરફથી મળતું સાહિત્ય વાંચીએ ત્યારે, આપણું મન અને હૃદય ખુલ્લું રાખીએ. એમ કરવાથી આપણા નિર્ણયોની લાંબા ગાળે કેવી અસર થશે એ જોવા મદદ મળશે. આમ, આપણે યોગ્ય નિર્ણય લઈ શકીશું. ઉપરાંત, પરિપક્વ ભાઈઓ પાસેથી મળતી સલાહને દિલથી સ્વીકારીએ. (નીતિ. ૧૯:૨૦) આમ, ‘સઘળા ડહાપણની વિરુદ્ધ’ જવાને બદલે એ મહત્ત્વના ગુણને વધારે કેળવી શકીશું.
ડહાપણ મારા કુટુંબને કઈ રીતે મદદ કરશે?
રોજબરોજના જીવનમાં ડહાપણથી વર્તવાથી કુટુંબનું પણ રક્ષણ થઈ શકે છે. દાખલા તરીકે, બાઇબલ પત્નીને અરજ કરે છે કે તે પોતાના પતિને “પૂરા દિલથી માન” આપે. (એફે. ૫:૩૩) એવું માન એક પતિ કઈ રીતે મેળવી શકે? જો તે માન મેળવવા બળજબરી કરે, તો કદાચ થોડા સમય માટે પત્ની તેને માન આપે. ખોટી જીભાજોડી ટાળવા પત્ની પોતાના પતિની હાજરીમાં તેને માન બતાવે. પરંતુ, પતિની ગેરહાજરીમાં શું તે તેને દિલથી માન આપશે? નહિ આપે. એટલે, પતિએ લાંબા ગાળાનાં પરિણામોનો વિચાર કરવો જોઈએ. જો તે પવિત્ર શક્તિના ગુણ કેળવશે તેમજ દયા અને પ્રેમથી વર્તશે, તો તે પત્નીના માનને પાત્ર બનશે. જોકે, એક ઈશ્વરભક્ત પત્નીએ પોતાના પતિને હંમેશાં માન બતાવવું જોઈએ, પછી ભલે તેનો પતિ તેનું માન મેળવવા મહેનત કરે કે ન કરે.—ગલા. ૫:૨૨, ૨૩.
બાઇબલ એમ પણ કહે છે કે, એક પતિએ પોતાની પત્નીને પ્રેમ કરવો જોઈએ. (એફે. ૫:૨૮, ૩૩) પોતાના પતિનો પ્રેમ જાળવી રાખવા કદાચ એક પત્ની પતિને નારાજ કરતી બાબતો એનાથી છૂપી રાખે. કદાચ એવી બાબતો જે જાણવાનો પતિને પૂરો હક છે. તમને શું લાગે છે, એમ કરવું ડહાપણભર્યું કહેવાશે? સમય જતાં, પતિથી છુપાયેલી વાત બહાર આવશે ત્યારે, કેવાં પરિણામો આવશે? શું તે પોતાની પત્નીને વધુ પ્રેમ કરવા પ્રેરાશે? જરા વિચારો, પતિ માટે ખરો પ્રેમ બતાવવો કેટલું અઘરું બનશે! પરંતુ, જો પત્ની યોગ્ય સમય પસંદ કરીને પોતાના પતિ જોડે એવી બાબતો વિશે શાંતિથી ચર્ચા કરે તો કેટલું સારું કહેવાશે! કદાચ તેનો પતિ તેની પ્રમાણિકતા બદલ તેની પ્રશંસા કરશે. હવે, પત્ની માટેનો તેનો પ્રેમ વધુ ગાઢ બનશે.
બાળકોએ પોતાના માતા-પિતાનું કહ્યું માનવું જોઈએ. માતા-પિતાએ પણ બાળકોને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે શિસ્ત આપવી જોઈએ. (એફે. ૬:૧, ૪) શું એનો અર્થ એમ થાય કે, માતા-પિતાએ એક લાંબી સૂચિ બનાવવી જોઈએ કે બાળકોએ શું કરવું અને શું ન કરવું? શિસ્ત આપવામાં નિયમો અને ખરાબ વર્તનની સજા જણાવવા ઉપરાંત ઘણું સમાયેલું છે. શાણા માતા-પિતા પોતાનાં બાળકોને એ સમજવા મદદ કરશે કે, નિયમો પાળવા કેમ જરૂરી છે.
દાખલા તરીકે, કદાચ કોઈ બાળક પોતાના માતા કે પિતા જોડે અસભ્યતાથી વાત કરે. જો માતા-પિતા બાળક જોડે કઠોરતાથી વાત કરે કે પછી આવેશમાં આવીને તેને સજા કરે, તો બાળક કદાચ શરમમાં મુકાય અથવા ત્યારે કંઈ ન બોલે. પરંતુ, તેનો ગુસ્સો કદાચ દિલમાં ભરાઈ રહેશે અને તે માતા-પિતાથી દૂર થઈ જશે.
સમજદાર માતા-પિતા વિચારશે કે, તેઓ બાળકને કઈ રીતે શિસ્ત આપે છે તેમજ એની બાળક પર ભાવિમાં કેવી અસર થશે. બાળકના ગેરવર્તનથી કદાચ માતા-પિતાને નીચું જોવું પડે. છતાં, તેઓએ પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો જોઈએ. બની શકે તો, તેઓએ પોતાના બાળક સાથે ઠંડા મિજાજે અને પ્રેમથી એકાંતમાં વાત કરવી જોઈએ. તેઓ બાળકને સમજાવી શકે કે, તેઓ માતા-પિતાનું કહ્યું માને એવું યહોવા ચાહે છે. કારણ કે, એનાથી તેઓને જ લાંબા સમય સુધી ફાયદો થશે. આમ, બાળક સમજી શકશે કે પોતાનાં માતા-પિતાને માન આપીને તે ખરેખર તો યહોવાને આદર બતાવી રહ્યું છે. (એફે. ૬:૨, ૩) આ રીતે પ્રેમથી સમજાવવાથી વાત બાળકના દિલમાં ઊતરી જશે. તેનાં માતા-પિતાની પ્રેમાળ કાળજી તે મહેસૂસ કરશે અને તેઓ માટે માન વધશે. પછી, જ્યારે તેના જીવનમાં મહત્ત્વના સવાલો ઊભા થશે, ત્યારે બાળક તેનાં માતા-પિતા પાસે મદદ માટે દોડી આવશે.
અમુક માતા-પિતા બાળકોને શિસ્ત આપતાં નથી. તેઓને ડર હોય છે કે, જો શિસ્ત આપશે તો બાળકની લાગણી દુભાશે. જરા વિચારો, શિસ્ત નહિ આપીએ તો, બાળક મોટું થશે ત્યારે કેવાં પરિણામો આવશે. શું તે યહોવાનો ડર રાખશે? શું તે સમજી શકશે કે યહોવાનાં ધોરણો પાળવામાં જ ડહાપણ છે? શું તે યહોવા આગળ પોતાનું મન અને હૃદય ઠાલવી શકશે કે પછી યહોવાના માર્ગથી દૂર ચાલ્યું જશે?—નીતિ. ૧૩:૧; ૨૯:૨૧.
એક શિલ્પકારના મનમાં સાફ હોય છે કે, તે કૃતિને કેવો આકાર આપશે. તે છીણી-હથોડીને ગમે તેમ ઠોકીને એવી આશા નહિ રાખે કે, એક સુંદર કૃતિ બની જાય. સમજુ માતા-પિતા પણ યહોવાનાં ધોરણો શીખવા અને લાગુ પાડવા સમય કાઢે છે. આમ, તેઓ યહોવાના નામનો ભય રાખે છે. યહોવા અને તેમના સંગઠનની નજીક રહેવાથી તેઓ ડહાપણ કેળવે છે અને પોતાના કુટુંબને મજબૂત બનાવે છે.
આપણે દરરોજ એવા નિર્ણયો લેવા પડે છે, જેની અસર લાંબા સમય સુધી થઈ શકે. તેથી, ઉતાવળે કે આડેધડ નિર્ણય લેવાને બદલે બે ઘડી થોભીએ અને વિચાર કરીએ. એ નિર્ણયની ભાવિમાં કેવી અસરો થશે એનો વિચાર કરીએ. યહોવાનું માર્ગદર્શન શોધીએ અને તેમના ઉત્તમ ડહાપણને જીવનમાં લાગુ પાડીએ. એમ કરવાથી, આપણે પોતાના ડહાપણને પકડી રાખી શકીશું અને પોતાનું જીવન બચાવી શકીશું.—નીતિ. ૩:૨૧, ૨૨.