શું ઈશ્વર સહાનુભૂતિ બતાવે છે?
સૃષ્ટિમાંથી આપણને શું શીખવા મળે છે?
સહાનુભૂતિનો અર્થ થાય કે ‘બીજાઓની લાગણીઓ અને અનુભવોને સમજવાની ક્ષમતા. એટલે કે, એ વ્યક્તિની જગ્યાએ પોતાને મૂકીને જોવું.’ ડૉક્ટર રીક હેન્સન માનસિક રોગોના નિષ્ણાત છે. તે કહે છે: ‘સહાનુભૂતિનો ગુણ આપણામાં જન્મજાત હોય છે.’
ધ્યાન આપો: શા માટે આપણામાં સહાનુભૂતિ બતાવવાની ક્ષમતા છે, જે બીજા કોઈ સજીવોમાં નથી? બાઇબલ સમજાવે છે કે ઈશ્વરે માણસજાતને પોતાના સ્વરૂપમાં બનાવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬) એટલે, આપણે તેમના જેવો સ્વભાવ કેળવી શકીએ છીએ અને અમુક હદે તેમના અદ્ભુત ગુણોનું અનુકરણ કરી શકીએ છીએ. એટલે, જ્યારે પ્રેમાળ લોકો સહાનુભૂતિ બતાવીને બીજાઓને મદદ કરે છે ત્યારે કરુણાના સાગર, યહોવા ઈશ્વરનું અનુકરણ કરે છે.—નીતિવચનો ૧૪:૩૧.
ઈશ્વરની સહાનુભૂતિ વિશે શાસ્ત્રમાંથી માહિતી
ઈશ્વરના દિલમાં આપણા માટે સહાનુભૂતિ છે અને આપણને દુઃખ-તકલીફો સહેતા જોઈને તેમનું હૈયું ભરાઈ આવે છે. ઇઝરાયેલીઓએ ઇજિપ્તની સખત ગુલામી સહ્યા પછી, ૪૦ વર્ષ વેરાન પ્રદેશમાં વિતાવ્યાં હતાં. ઈશ્વરને કેવું લાગ્યું એ વિશે બાઇબલ આમ જણાવે છે: ‘તેઓનાં સર્વ દુઃખમાં તે દુઃખી થયા.’ (યશાયા ૬૩:૯) ધ્યાન આપો કે ઈશ્વરને તેઓના દુઃખની ફક્ત જાણ જ ન હતી, પરંતુ તેમણે દુઃખ પણ અનુભવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘તેઓની તકલીફો હું જાણું છું.’ (નિર્ગમન ૩:૭) ઈશ્વર કહે છે: ‘જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે.’ (ઝખાર્યા ૨:૮) બીજાઓ આપણને દુઃખ પહોંચાડે ત્યારે, આપણી સાથે સાથે ઈશ્વર પણ દુઃખી થાય છે.
અમુક વાર આપણને એવું લાગે કે આપણે નકામા છીએ અને ઈશ્વરની દયા મેળવવાને લાયક નથી. પણ બાઇબલ આપણને ખાતરી આપે છે કે “ઈશ્વર આપણાં હૃદયો કરતાં મહાન છે અને તે બધું જાણે છે.” (૧ યોહાન ૩:૧૯, ૨૦) આપણા કરતાં વધારે ઈશ્વર આપણને ઓળખે છે. તેમને આપણા બધા જ સંજોગો, વિચારો અને લાગણીઓની જાણ છે. તેમને આપણા માટે સહાનુભૂતિ છે.
દુઃખી લોકો તરફ ઈશ્વર મદદનો હાથ લંબાવે છે. એ જાણીને દિલાસા, ડહાપણ અને સહારા માટે આપણે તેમના તરફ મીટ માંડી શકીએ છીએ
શાસ્ત્રમાંથી મળતો ભરોસો
“તું હાંક મારશે, ત્યારે યહોવા તને ઉત્તર આપશે; તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો.”—યશાયા ૫૮:૯.
“કેમ કે જે ઇરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઇરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે. તમે મને હાંક મારશો, ને તમે જઈને મારી પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ.”—યિર્મેયા ૨૯:૧૧, ૧૨.
‘મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોધેલાં નથી?’—ગીતશાસ્ત્ર ૫૬:૮.
ઈશ્વર જુએ છે, સમજે છે અને આપણા માટે લાગણીઓ ધરાવે છે
ઈશ્વર આપણી ચિંતા કરે છે, એ જાણીને શું આપણને તકલીફોનો સામનો કરવા મદદ મળે છે? ચાલો, મારિયાનો દાખલો જોઈએ. તે કહે છે:
“એક સમય એવો આવ્યો, જ્યારે મને લાગ્યું કે જીવન અઘરું છે અને મારી સાથે અન્યાય થયો છે. મારા ૧૮ વર્ષના દીકરાએ બે વર્ષ સુધી કેન્સર સામે સતત લડત આપી. છેવટે, તે મોતને ભેટ્યો ત્યારે, મારું કાળજું કપાઈ ગયું. યહોવાએ મારા દીકરાને સાજો ન કર્યો એમ વિચારીને હું તેમનાથી નારાજ થઈ ગઈ!”
“એ બનાવના છ વર્ષ પછી, મંડળની એક પ્રેમાળ અને માયાળુ બહેનપણી આગળ મેં મારી બધી લાગણીઓ ઠાલવી. મેં તેને જણાવ્યું કે યહોવા મને પ્રેમ નથી કરતા. મને અટકાવ્યા વગર તેણે કલાકો સુધી મારી વાતો સાંભળી. એ પછી, તેણે એક કલમ ટાંકી, જે મારા દિલને સ્પર્શી ગઈ. એ ૧ યોહાન ૩:૧૯, ૨૦ની કલમ હતી, જે કહે છે: ‘ઈશ્વર આપણાં હૃદયો કરતાં મહાન છે અને તે બધું જાણે છે.’ તેણે મને સમજાવ્યું કે યહોવા આપણું દુઃખ જાણે છે.”
“તેમ છતાં, મારો ગુસ્સો ઊતર્યો નહિ. પછી મેં ગીતશાસ્ત્ર ૯૪:૧૯ની કલમ વાંચી, જે આમ જણાવે છે: ‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મને ખુશ કરે છે.’ મને એવું લાગ્યું કે જાણે આ કલમ મારા માટે જ લખાઈ છે. હવે મને ખબર છે કે યહોવા આપણું સાંભળે છે અને આપણી લાગણીઓ સમજે છે. એટલે તેમની આગળ દિલ ઠાલવવાથી મારું મન હળવું થઈ જાય છે.”
ઈશ્વર આપણને સમજે છે અને આપણી લાગણીઓને અનુભવે છે, એ જાણીને દિલને કેટલી ઠંડક વળે છે! તો પછી, સવાલ થાય કે શા માટે આટલી બધી દુઃખ-તકલીફો છે? શું આપણી ભૂલોને લીધે ઈશ્વર સજા કરી રહ્યા છે? આ દુઃખ-તકલીફોનો અંત લાવવા શું ઈશ્વર કંઈ કરશે? એના વિશે હવે પછીના લેખોમાં જણાવવામાં આવશે.