દુઃખ-તકલીફો—શું ઈશ્વર તરફથી આવતી શિક્ષા છે?
લુઝીયા ડાબા પગે લંગડાય છે. નાની હતી ત્યારે તેને પોલિયો થઈ ગયો હતો. એ એવો રોગ છે, જે શરીરના જ્ઞાનતંતુ પર હુમલો કરે છે. લુઝીયા ૧૬ વર્ષની હતી ત્યારે એક જગ્યાએ કામ કરતી હતી. તેના માલિકે જણાવ્યું કે ‘તું મમ્મીની વાત માનતી ન હતી અને તેમને હેરાન કરતી હતી એટલે ઈશ્વરે તને આ બીમારી આપીને શિક્ષા કરી છે.’ એ વાતથી તે સાવ ભાંગી પડી. વર્ષો પછી પણ એ વાત તેના દિલમાંથી ભૂંસાઈ નહિ.
દામરિસને ખબર પડી કે તેને મગજનું કેન્સર થયું છે. એ વખતે તેના પપ્પાએ પૂછ્યું: ‘તેં એવું શું કર્યું કે તને આવું થયું? તેં ચોક્કસ કંઈ ખોટું કર્યું હશે એટલે ઈશ્વર તને શિક્ષા કરી રહ્યા છે.’ એ સાંભળીને દામરિસનું હૈયું વલોવાઈ ગયું.
હજારો વર્ષોથી લોકો એવું માનતા આવ્યા છે કે બીમારી એ ઈશ્વર તરફથી એક શિક્ષા છે. મેનર્સ એન્ડ કસ્ટમ્સ ઓફ બાઇબલ લેન્ડસ નામના એક પુસ્તક પ્રમાણે ખ્રિસ્તના સમયમાં ઘણા એવું માનતા કે, ‘વ્યક્તિએ પોતે કરેલાં પાપ કે તેનાં સગાંએ કરેલાં પાપને કારણે તેને સજારૂપે બીમારી મળે છે.’ મેડિઈવલ મેડિસિન એન્ડ ધ પ્લેગ નામનું પુસ્તક જણાવે છે કે મધ્યયુગમાં ‘અમુક લોકો માનતા કે પાપોની સજા કરવા ઈશ્વર મરકીઓ મોકલે છે.’ તો પછી, ૧૪મી સદીમાં યુરોપમાં રોગચાળાને લીધે લાખો લોકો માર્યા ગયા, શું એનું કારણ દુષ્ટો માટેનો ઈશ્વરનો ન્યાયચુકાદો હતો? કે પછી, સંશોધકોના માનવા પ્રમાણે એ રોગચાળો કોઈ જીવાણુના (બૅક્ટેરિયાના) ચેપને કારણે ફેલાયો હતો. અમુકને કદાચ લાગે કે, લોકોને પાપની સજા કરવા શું ઈશ્વર સાચે જ બીમારીઓનો ઉપયોગ કરે છે?a
જાણવા જેવું: જો બીમારી કે દુઃખ-તકલીફો દ્વારા ઈશ્વર શિક્ષા કરતા હોય, તો તેમના દીકરા ઈસુ શા માટે લોકોને બીમારીમાંથી સાજા કરતા હતા? એવાં કાર્યો કરીને તો ઈસુ, ઈશ્વરનાં ન્યાય અને ખરાઈની વિરુદ્ધ ગયા કહેવાય? (માથ્થી ૪:૨૩, ૨૪) ઈસુ ક્યારેય ઈશ્વરનાં કાર્યોને જૂઠાં નહિ ઠરાવે. એને બદલે, તેમણે તો કહ્યું: “હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે” અને “પિતાએ મને જે આજ્ઞા કરી છે, એ પ્રમાણે જ હું કરું છું.”—યોહાન ૮:૨૯; ૧૪:૩૧.
શાસ્ત્ર સાફ જણાવે છે: યહોવા હંમેશાં ‘સત્યતાથી’ વર્તે છે. (પુનર્નિયમ ૩૨:૪) દાખલા તરીકે, વિમાનમાં બેઠેલા એક માણસને શિક્ષા કરવા આખા વિમાનની દુર્ઘટના કરીને ઈશ્વર ક્યારેય સેંકડો લોકોને મોતને ઘાટ નહિ ઉતારે! એક વફાદાર ઈશ્વરભક્ત ઈબ્રાહીમે ઈશ્વરના ન્યાય વિશે આમ જણાવ્યું કે તે કદી પણ ‘દુષ્ટોની સાથે ન્યાયીઓનો નાશ કરશે નહિ.’ તેમણે એમ પણ કહ્યું કે ઈશ્વર ક્યારેય એવું કરશે નહિ. (ઉત્પત્તિ ૧૮:૨૩, ૨૫) શાસ્ત્ર જણાવે છે કે ‘ઈશ્વર અન્યાય કરશે નહિ કે દુષ્ટતા કરશે નહિ.’—અયૂબ ૩૪:૧૦-૧૨.
દુઃખ-તકલીફો વિશે શાસ્ત્રમાંથી માહિતી
દુઃખ-તકલીફો પાછળ ઈશ્વરનો હાથ નથી. એ વિશે ઈસુના વિચારો એકદમ સ્પષ્ટ હતા. એટલે, જન્મથી આંધળા એક માણસને શિષ્યોએ જોયો ત્યારે, “શિષ્યોએ તેમને પૂછ્યું: ‘ગુરુજી, કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો? તેના કે તેનાં માબાપના?’ ઈસુએ જવાબ આપ્યો: ‘આ માણસે કે તેનાં માબાપે પાપ કર્યું નથી, પણ લોકો ઈશ્વરનાં કામો જોઈ શકે એ માટે તેના કિસ્સામાં આવું થયું છે.’”—યોહાન ૯:૧-૩.
ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે એ માણસની ખરાબ હાલત માટે તે કે તેના માબાપ જવાબદાર નથી. પરંતુ, એ સમયે એટલી ગેરસમજ ફેલાયેલી હતી કે, ઈસુના શિષ્યોને પણ તેમનો જવાબ સાંભળીને આશ્ચર્ય થયું હશે. ઈસુએ ફક્ત એ માણસને સાજો જ ન કર્યો, પરંતુ ઈશ્વર દુઃખ-તકલીફો લાવીને સજા કરે છે, એ ખોટી માન્યતા પરથી પણ તેમણે પડદો ઉઠાવ્યો. (યોહાન ૯:૬, ૭) ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને આજે એ જાણીને દિલાસો મળશે કે એની પાછળ ઈશ્વરનો હાથ નથી.
જો ઈશ્વર બીમાર લોકોને તેઓના ખરાબ કામની શિક્ષા કરતા હોય, તો ઈસુ શા માટે તેઓને સાજા કરશે?
શાસ્ત્રમાંથી મળતો ભરોસો
“દુષ્ટ ઇરાદાથી ઈશ્વરની કસોટી કરી શકાતી નથી અને ઈશ્વર દુષ્ટ ઇરાદાથી કોઈની કસોટી કરતા નથી.” (યાકૂબ ૧:૧૩) સાચે જ, માણસજાત પર ‘દુષ્ટતા’ સદીઓથી રાજ કરે છે, જેમાં બીમારી, પીડા અને મોતનો સમાવેશ થાય છે. એ બધાને બહુ જલદી કાઢી નાખવામાં આવશે.
ઈસુ ખ્રિસ્તે “જેઓ બીમાર હતા એ સર્વને પણ સાજા કર્યા” હતા. (માથ્થી ૮:૧૬) તેમની પાસે આવનાર દરેકને ઈશ્વરના દીકરા ઈસુએ સાજા કર્યા હતા. એમ કરીને તેમણે ઈશ્વરનું રાજ્ય મોટા પાયે જે કરશે એની ઝલક આપી.
“તે [ઈશ્વર] તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ. પહેલાંના જેવું હવે રહ્યું નથી.”—પ્રકટીકરણ ૨૧:૩-૫.
દુઃખ-તકલીફો પાછળ કોનો હાથ છે?
તો પછી, શા માટે માણસજાતે આટલી બધી દુઃખ-તકલીફો સહેવી પડે છે? સદીઓથી એ સવાલ પર મનુષ્યો વિચાર કરી રહ્યા છે. જો એની પાછળ ઈશ્વરનો હાથ ન હોય, તો પછી કોનો હાથ છે? એ સવાલોના જવાબ હવે પછીના લેખમાં મળશે.
a જોકે, અગાઉ ઈશ્વરે લોકોને કેટલાંક પાપ માટે સજા કરી હતી. પણ શાસ્ત્ર ક્યાંય એવું બતાવતું નથી કે આજે લોકોને પાપોની સજા કરવા યહોવા બીમારી કે દુર્ઘટનાઓનો ઉપયોગ કરે છે.