દુઃખ-તકલીફો પાછળ કોનો હાથ છે?
જો દુઃખ-તકલીફો ઈશ્વર તરફથી ન હોય, તો પછી ભૂખમરો, ગરીબી, યુદ્ધો, બીમારીઓ અને કુદરતી આફતો માટે કોણ જવાબદાર છે? શાસ્ત્ર જણાવે છે કે માણસજાતની તકલીફો માટે આ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે:
૧. સ્વાર્થ, પૈસાનો પ્રેમ અને નફરત. “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) ઘણી વાર લોકોએ અપૂર્ણ, સ્વાર્થી અને ક્રૂર માણસોને હાથે સહેવું પડે છે.
૨. સમય અને સંજોગો. ઘણી વાર લોકોએ “સમય અને સંજોગોને” લીધે મુશ્કેલીઓ સહેવી પડે છે. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) એટલે કે, લોકો ખોટા સમયે ખોટી જગ્યાએ હોય તો અકસ્માત થાય છે. અથવા લોકો સાવધાની ન રાખે કે ભૂલો કરી બેસે ત્યારે અકસ્માત થાય છે.
૩. દુનિયાનો દુષ્ટ શાસક. તકલીફો પાછળના મુખ્ય કારણ વિશે શાસ્ત્ર કહે છે: “આખી દુનિયા તે દુષ્ટના હાથમાં રહેલી છે.” (૧ યોહાન ૫:૧૯) એ “દુષ્ટ” વ્યક્તિ બીજું કોઈ નહિ પણ શેતાન છે, જે શક્તિશાળી દુષ્ટ દૂત છે. શરૂઆતમાં તે ઈશ્વરનો દૂત હતો પણ “તે સત્યમાં ટકી રહ્યો નહિ.” (યોહાન ૮:૪૪) બીજા સ્વર્ગદૂતો પણ તેની સાથે જોડાયા અને પોતાની સ્વાર્થી ઇચ્છા પૂરી કરવા તેઓએ ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું. આમ, તેઓ બધા દુષ્ટ દૂતો તરીકે ઓળખાયા. (ઉત્પત્તિ ૬:૧-૫) એ બંડ પછી, દુનિયા પર શેતાન અને તેના દુષ્ટ દૂતોએ મજબૂત પકડ જમાવી છે અને દુનિયાની બાબતોમાં તેઓએ કાળો કેર વર્તાવ્યો છે. હવે, શેતાન વધારે ગુસ્સે ભરાયો છે અને તે “આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” તેથી, ‘પૃથ્વીને અફસોસ’ એમ કહેવામાં આવ્યું છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) એમાં કોઈ શંકા નથી કે શેતાન એક ક્રૂર સરમુખત્યાર શાસક છે. માણસોને પીડાતા જોઈને તેને મજા આવે છે. આમ, લોકોની તકલીફો માટે ઈશ્વર નહિ, પણ શેતાન જવાબદાર છે.
જાણવા જેવું: ફક્ત પથ્થર દિલની ક્રૂર વ્યક્તિ જ નિર્દોષ લોકો પર તકલીફો લાવી શકે છે. જ્યારે કે, શાસ્ત્ર કહે છે કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) તેમનો સ્વભાવ પ્રેમાળ છે, એટલે ‘ઈશ્વર દુષ્ટતા કરે જ નહિ અને અન્યાય કરવો એ સર્વશક્તિમાનનું’ કામ નથી.—અયૂબ ૩૪:૧૦.
તો પછી, “સર્વશક્તિમાન ઈશ્વર ક્યાં સુધી શેતાનનું હિંસક રાજ ચાલવા દેશે?” આવો વિચાર આવે એ સ્વાભાવિક છે. આપણે જોઈ ગયા કે ઈશ્વર દુષ્ટતાને ધિક્કારે છે અને આપણી દુઃખ-તકલીફો જોઈને તેમનું કાળજું કપાય છે. વધુમાં, શાસ્ત્ર કહે છે: “તમે તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) ઈશ્વર આપણને પ્રેમ કરે છે. તેમની પાસે દુઃખ-તકલીફો અને અન્યાય દૂર કરવાની શક્તિ છે. એ વિશે હવે પછીના લેખમાં જોઈશું.a
a આપણા પર દુઃખ-તકલીફો કેમ આવે છે, એ વિશે વધુ જાણવા દુઃખ જશે, સુખ આવશે ચોપડીનો પાઠ ૨૬ જુઓ. એ ચોપડી યહોવાના સાક્ષીઓએ બહાર પાડી છે. તમે આ વેબસાઇટ પરથી મફત ડાઉનલોડ કરી શકો: www.jw.org/gu