પાઠ ૧૧
નકલી ધર્મોને તમે કઈ રીતે પારખી શકો?
શેતાન આપણને નકલી ધર્મમાં ફસાવવા માગે છે. તે ઇચ્છતો નથી કે આપણે યહોવાને ભજીએ. (૨ કોરીંથી ૧૧:૧૩-૧૫) નકલી ધર્મો, નકલી પૈસા જેવા છે. એ સાવ નકામા છે. પણ આપણે કઈ રીતે નકલી ધર્મ પારખી શકીએ? ચાલો આપણે પાંચ રીતો જોઈએ.
૧. નકલી ધર્મના ગુરુઓ ઢોંગી છે. ઈસુએ પણ એવા ગુરુઓનો ઢોંગ ખુલ્લો પાડતા કહ્યું: “તમે તમારા બાપ શેતાનના છો.” (યોહાન ૮:૪૧, ૪૪) શા માટે? કેમ કે તેઓ પોતાના વિચારો શીખવતા હતા. આજે ઘણા લોકો ગુરુઓમાં માને છે, પણ ગુરુઓ બાઇબલમાંથી યહોવા વિશે સત્ય શીખવતા નથી. ઘણા લોકોને લાગે છે કે તેઓ ભગવાનને ભજે છે, પણ તેઓ ખરેખર શેતાનને ભજે છે.—૧ કોરીંથી ૧૦:૨૦.
૨. મુખમાં ભગવાનનું નામ પણ બગલમાં છુરી. જેવા ગુરુઓ એવા ચેલાઓ પણ થાય છે. આજે ઘણા લોકો મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જાય છે. પણ પછી તેઓ જૂઠું બોલે છે. ઝઘડા, ચોરી, બળાત્કાર, અરે ખૂન પણ કરે છે. બીજાઓ વ્યભિચારી જીવન જીવે છે.—માથ્થી ૭:૧૭, ૧૮.
૩. નકલી ધર્મોમાં મૂર્તિઓની પૂજા થાય છે. પરમાત્મા હુકમ દે છે કે આપણે દેવ-દેવીઓમાં માનવું ન જોઈએ. તેમ જ કોઈ ગુરુ, ચિત્ર કે મૂર્તિ આગળ નમવું ન જોઈએ. (નિર્ગમન ૨૦:૪, ૫) યહોવા ચાહે છે કે તમે ફક્ત તેમને જ પ્રાર્થના કરો.
૪. ધર્મને નામે ખૂનખરાબી થાય છે. ધર્મને નામે લાખો-કરોડો લોકો માર્યા ગયા છે. પરંતુ, ઈસુએ કહ્યું હતું કે પરમાત્માના ભક્તો કદી બીજા લોકો સામે હાથ ઉપાડતા નથી, પછી ભલે તેઓ ખરાબ હોય. (યોહાન ૧૩:૩૫) તેઓ ફોજમાં પણ જોડાતા નથી.—માથ્થી ૨૬:૫૧, ૫૨.
૫. નકલી ધર્મના ગુરુઓ લોકોને ખોટે માર્ગે દોરી જાય છે. તેઓ કહે છે કે પાપી લોકોનો આત્મા નરકમાં જાય છે અથવા કર્મના ચક્કરમાં ફસાઈ જાય છે. પણ યહોવા કહે છે કે મરણ પછી આપણે ધૂળ ભેગા ધૂળ થઈ જઈએ છીએ અને આપણામાં આત્મા જેવું કંઈ નથી. (રોમનો ૬:૨૩) યહોવા નકલી ધર્મોનું નામનિશાન મિટાવી દેશે. પછી નવી દુનિયામાં બધા લોકો ફક્ત યહોવાને જ ભજશે.—પ્રકટીકરણ ૧૫:૪.