કોરીંથીઓને પહેલો પત્ર
૧૬ પવિત્ર જનો માટે દાન ભેગું કરવા વિશે+ મેં ગલાતિયાનાં મંડળોને જે માર્ગદર્શન આપ્યું હતું, એ પ્રમાણે તમે પણ કરો. ૨ અઠવાડિયાના પહેલા દિવસે તમારામાંના દરેકે પોતાની આવક પ્રમાણે કંઈક બાજુ પર રાખી મૂકવું, જેથી હું આવું ત્યારે તમારે દાન ભેગું કરવું ન પડે. ૩ હું ત્યાં આવીશ ત્યારે અમુક ભાઈઓને યરૂશાલેમ મોકલીશ, જેઓ તમે ઉદારતાથી આપેલું દાન લઈ જશે. આ એ ભાઈઓ છે, જેઓ વિશે તમે પત્રમાં જણાવ્યું હતું કે તેઓ ભરોસાપાત્ર છે.+ ૪ જો મારે પણ ત્યાં જવાની જરૂર હશે, તો હું તેઓની સાથે જઈશ.
૫ પણ હું મકદોનિયાની મુસાફરી પછી તમારી પાસે આવીશ, કેમ કે હું મકદોનિયા થઈને જવાનો છું.+ ૬ શક્ય હશે તો હું તમારી સાથે રહીશ, કદાચ આખો શિયાળો ત્યાં વિતાવીશ. પછી હું જ્યાં જવાનો છું ત્યાં થોડે સુધી તમે મને મૂકવા આવજો. ૭ હમણાં મારી મુસાફરી દરમિયાન હું તમારી ઊડતી મુલાકાત લેવા નથી ચાહતો. હું આશા રાખું છે કે જો યહોવાની* ઇચ્છા હશે, તો હું થોડો લાંબો સમય તમારી સાથે રહીશ.+ ૮ હું પચાસમા દિવસના તહેવાર* સુધી એફેસસમાં રહેવાનો છું,+ ૯ કેમ કે હું મારું સેવાકાર્ય પૂરું કરી શકું માટે એક મોટું દ્વાર ખોલવામાં આવ્યું છે,*+ પણ વિરોધીઓ ઘણા છે.
૧૦ જો તિમોથી+ તમારી પાસે આવે, તો તેને સાથ-સહકાર આપજો, જેથી કોઈ ચિંતા વગર તે ત્યાં રહી શકે, કેમ કે મારી જેમ તે પણ યહોવાનું* જ કામ કરે છે.+ ૧૧ એટલે કોઈ તેને તુચ્છ ન ગણે. તેને સહીસલામત તેના માર્ગે મોકલી આપજો, જેથી તે મારી પાસે આવે, કેમ કે હું બીજા ભાઈઓ સાથે તેના આવવાની રાહ જોઉં છું.
૧૨ હવે આપણા ભાઈ અપોલોસ+ વિશે જણાવું તો, મેં તેને ભાઈઓ સાથે તમારી પાસે આવવાની બહુ અરજ કરી. પણ અત્યારે ત્યાં આવવાનો તેનો કોઈ ઇરાદો નથી. તેના સંજોગો અનુકૂળ હશે ત્યારે તે આવશે.
૧૩ જાગતા રહો,+ શ્રદ્ધામાં મક્કમ રહો,+ હિંમત રાખો*+ અને બળવાન થાઓ.+ ૧૪ તમે જે કંઈ કરો, એ પ્રેમથી કરો.+
૧૫ હવે ભાઈઓ, હું તમને અરજ કરું છું: તમે જાણો છો કે સ્તેફનાસના ઘરના સભ્યો અખાયાના પ્રથમ શિષ્યો છે અને તેઓએ પૂરા દિલથી પવિત્ર જનોની સેવા કરી છે. ૧૬ તેઓના જેવા લોકોને તમે આધીન રહેજો. સહકાર આપનારા અને સખત મહેનત કરનારા બધાને પણ તમે આધીન રહેજો.+ ૧૭ સ્તેફનાસ,+ ફોર્તુનાતુસ અને અખાઈકસના આવવાથી હું બહુ ખુશ છું, કેમ કે તેઓએ તમારી ખોટ પૂરી કરી છે. ૧૮ એ ભાઈઓએ તમને અને મને તાજગી આપી છે. તમે એવા ભાઈઓની કદર કરજો.
૧૯ આસિયાનાં મંડળો તમને સલામ મોકલે છે. આકુલા, પ્રિસ્કા અને તેઓના ઘરમાં ભેગું થતું મંડળ+ આપણા માલિકના શિષ્યો તરીકે તમને દિલથી સલામ મોકલે છે. ૨૦ બધા ભાઈઓ તમને સલામ મોકલે છે. પ્રેમથી ભેટીને* એકબીજાને સલામ કહેજો.
૨૧ હું પાઉલ મારા પોતાના હાથે તમને આ સલામ લખું છું.
૨૨ જે માણસ માલિક ઈસુને પ્રેમ કરતો નથી, તેના પર શ્રાપ આવે. હે અમારા માલિક ઈસુ, આવો! ૨૩ આપણા માલિક ઈસુની અપાર કૃપા તમારી સાથે રહે. ૨૪ હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું, કેમ કે તમે ખ્રિસ્ત ઈસુના શિષ્યો છો.