શું હું પ્રચારમાં પૂરતું કરું છું?
૧. આપણી સેવા વિષે આપણને શું સવાલ થાય?
૧ શું તમને કદી આ સવાલ થયો છે: “શું હું પ્રચારમાં પૂરતું કરું છું?” કદાચ વધતી ઉંમર, સારી ન રહેતી તબિયત અથવા વધતી જતી ઘરની જવાબદારીને લીધે તમે પ્રચારમાં જેટલું કરતા હતાં એટલું હમણાં ના કરી શકો. એના લીધે કદાચ તમે નિરાશ થઈ જાવ. એક બહેનને પણ કોઈ વાર એવું જ લાગતું. તેમને ત્રણ બાળકો છે. તે કહે છે, ‘મારો મોટાભાગનો સમય અને શક્તિ કુટુંબની સંભાળ રાખવા પાછળ ખર્ચાય જાય છે. એટલે પ્રચારમાં બહુ કરી શકતી નથી.’ આ કારણને લીધે તે બહુ નિરાશ થઈ જતા. જો તમને પણ એવું લાગતું હોય તો કદાચ તમારે તમારા વિચારોમાં ફેરફાર કરવાની જરૂર છે.
૨. યહોવાહ શું ચાહે છે?
૨ યહોવાહ શું ચાહે છે?: બેશક, આપણી ઇચ્છા પ્રચારમાં વધારે કરવાની છે. જોકે હંમેશા આપણે જે કરવા ચાહીએ છીએ અને ખરેખર જે કરીએ છીએ એમાં આભ-જમીનનો ફરક છે. આપણે વધારે કરવા ચાહીએ છીએ એના પરથી ખબર પડે છે કે આપણે આળસુ નથી. પણ એ ભૂલવું ના જોઈએ કે યહોવાહ આપણી મર્યાદા જાણે છે. તે ગજા ઉપરાંત કરવાનું કહેતા નથી. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) તે આપણી પાસેથી શું ચાહે છે? એ જ કે, આપણે પૂરા તન-મનથી તેમને ભજીએ.—કોલો. ૩:૨૩.
૩. આપણે પોતાના સંજોગો અને મર્યાદા મુજબ પ્રચાર કરીએ છીએ કે નહિ, એ પારખવા શું કરી શકીએ?
૩ આપણે પોતાના સંજોગો અને મર્યાદા મુજબ પ્રચાર કરીએ છીએ કે નહિ, એ પારખવા શું કરી શકીએ? યહોવાહ પાસે મદદ માંગી શકીએ. (ગીત. ૨૬:૨) ઉપરાંત, મંડળમાં કોઈ મિત્રને પૂછી શકીએ કે આપણે કેવા ફેરફારો કરવાની જરૂર છે. એવા મિત્રને પૂછજો જે તમને ખુલ્લા દિલથી માર્ગદર્શન આપતા અચકાય નહિ. (નીતિ ૨૭:૯) એ પણ યાદ રાખો કે સંજોગો બદલાતા હોય છે, એટલે નિયમિત રીતે પોતાની તપાસ કરતા રહો.—એફે. ૫:૧૦.
૪. પ્રચારને લગતા સૂચનોને કઈ દૃષ્ટિથી જોવા જોઈએ?
૪ સૂચનોને કઈ દૃષ્ટિથી જુઓ છો?: હરીફાઈ વખતે, દોડનારને જોશ આપવાં લોકો જોર જોરથી બૂમો પાડે છે. તેઓ દોડનારનો જુસ્સો ઠંડો પાડવા નહિ, પણ તેના ધ્યેયને પહોંચી વળવા ઉત્તેજન આપે છે. એવી જ રીતે, ‘પ્રચારકાર્યમાં તત્પર રહેવા’ મિટિંગમાંથી અને બાઇબલ સાહિત્યમાંથી નિયમિત માર્ગદર્શન મળે છે. એવા સૂચનો આપણા ઉત્તેજન માટે છે, નહિ કે આપણી ટીકા કરવા. (૨ તીમો. ૪:૨) ચાલો આપણે યહોવાહ માટે બનતું બધું કરતા રહીએ. તેમના માટે બતાવેલો ‘આપણો પ્રેમ અને કામ’ તે કદી ભૂલશે નહિ.—હેબ્રી ૬:૧૦.