ગણના
૧૧ હવે લોકો યહોવા આગળ ઘણી કચકચ કરવા લાગ્યા. યહોવાએ એ સાંભળ્યું ત્યારે, તેમનો ગુસ્સો સળગી ઊઠ્યો. યહોવાએ તેઓ પર અગ્નિ મોકલ્યો અને એ અગ્નિ છાવણીના છેડાના ભાગના અમુક લોકોને ભસ્મ કરવા લાગ્યો. ૨ જ્યારે લોકો મદદ માટે મૂસાને પોકારવા લાગ્યા, ત્યારે મૂસાએ યહોવાને કાલાવાલા કર્યા+ અને અગ્નિ હોલવાઈ ગયો. ૩ એટલે એ જગ્યાનું નામ તાબએરાહ* પાડવામાં આવ્યું, કેમ કે એ જગ્યાએ યહોવાએ લોકો પર અગ્નિ વરસાવ્યો હતો.+
૪ હવે ઇઝરાયેલીઓની સાથે બીજા લોકોનું* મોટું ટોળું+ પણ હતું. તેઓ સારું સારું ખાવાની લાલસા કરવા લાગ્યા+ અને ઇઝરાયેલીઓ પણ તેઓ સાથે જોડાઈને રોદણાં રડવા લાગ્યા: “અમને ખાવા માટે માંસ કોણ આપશે?+ ૫ અમને હજી યાદ છે કે, ઇજિપ્તમાં અમને મફતમાં માછલી ખાવા મળતી હતી! કાકડી, તડબૂચ, લીલી ડુંગળી, ડુંગળી અને લસણ પણ ખાવા મળતાં હતાં.+ ૬ પણ હવે અમે સુકાતા જઈએ છીએ અને આ માન્ના* સિવાય અમારી નજરે કંઈ પડતું નથી.”+
૭ હવે માન્ના+ તો ધાણાના દાણા જેવું હતું+ અને ગૂગળ* જેવું દેખાતું હતું. ૮ લોકો અહીંતહીં ફરીને એને ભેગું કરતા, એને ઘંટીમાં દળતા અથવા ખાંડણીમાં ખાંડતા. પછી એને હાંડલામાં બાફતા અથવા એની ગોળ રોટલીઓ બનાવતા.+ એનો સ્વાદ તેલ નાખીને બનાવેલી પોળી જેવો મીઠો હતો. ૯ રાતે છાવણી પર ઝાકળ પડતું ત્યારે, એની સાથે માન્ના પણ પડતું.+
૧૦ મૂસાએ સાંભળ્યું કે દરેક કુટુંબના લોકો પોતપોતાના તંબુ આગળ ઊભા રહીને વિલાપ કરે છે. એનાથી યહોવા ખૂબ ગુસ્સે ભરાયા+ અને મૂસા પણ ઘણો નારાજ થયો. ૧૧ મૂસાએ યહોવાને કહ્યું: “તમે શા માટે તમારા સેવક પર આફત લાવ્યા છો? મેં એવું તો શું કર્યું છે કે હું તમારી નજરમાં કૃપા પામ્યો નથી? તમે શા માટે આ લોકોનો ભાર મારા માથે નાખ્યો છે?+ ૧૨ શું મેં આ લોકોનો ગર્ભ ધર્યો હતો? શું મેં તેઓને જન્મ આપ્યો હતો કે તમે કહો છો, ‘જેમ એક સેવક પોતાની ગોદમાં ધાવણા બાળકને ઊંચકે છે, તેમ તું આ લોકોને ઊંચક,’ જેથી જે જગ્યા આપવાના તમે તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા છે,+ ત્યાં હું તેઓને લઈ જાઉં? ૧૩ આ લોકોને ખાવા હું માંસ ક્યાંથી લાવું? તેઓ મારી આગળ રડી રડીને કહે છે, ‘અમને ખાવા માંસ આપો!’ ૧૪ હું એકલો એ લોકોનો ભાર ઊંચકી શકતો નથી. એ મારા ગજા બહાર છે.+ ૧૫ જો તમે મારી સાથે આવી જ રીતે વર્તવાના હો, તો મને હમણાં જ મારી નાખો.+ પણ જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મારા પર વધારે મુસીબતો આવવા ન દો.”
૧૬ યહોવાએ મૂસાને જવાબમાં કહ્યું: “ઇઝરાયેલના વડીલોમાંથી તું એવા ૭૦ માણસોને મારા માટે ભેગા કર, જેઓને તું લોકોના વડીલો અને અધિકારીઓ તરીકે ઓળખે છે.+ તેઓને મુલાકાતમંડપ પાસે લાવ અને ત્યાં તારી સાથે ઊભા રાખ. ૧૭ હું ત્યાં નીચે આવીશ+ અને તારી સાથે વાત કરીશ.+ હું તારા પરથી થોડી પવિત્ર શક્તિ* લઈને+ તેઓના પર મૂકીશ અને લોકોનો ભાર ઊંચકવા તેઓ તને મદદ કરશે, જેથી તારે એકલાએ બધું કરવું ન પડે.+ ૧૮ તું લોકોને કહે, ‘આવતી કાલ માટે પોતાને તૈયાર કરો.+ કાલે તમને જરૂર માંસ ખાવા મળશે, કેમ કે તમે યહોવાના સાંભળતા વિલાપ કર્યો છે+ અને કહ્યું છે: “અમને ખાવા માંસ કોણ આપશે? આના કરતાં તો ઇજિપ્તમાં વધારે સારું હતું.”+ એટલે યહોવા તમને ચોક્કસ માંસ આપશે અને તમે એ ખાશો.+ ૧૯ હા, તમે જરૂર એ ખાશો, એક દિવસ નહિ, ૨ દિવસ નહિ, ૫ દિવસ નહિ, ૧૦ દિવસ નહિ, ૨૦ દિવસ નહિ, ૨૦ પણ આખા મહિના સુધી ખાશો! જ્યાં સુધી એ તમારાં નસકોરાંમાંથી બહાર નહિ આવે અને તમને એનાથી ધિક્કાર નહિ થાય, ત્યાં સુધી તમે એ ખાશો,+ કેમ કે તમે યહોવાનો નકાર કર્યો છે જે તમારી મધ્યે છે. તમે તેમની આગળ રડતાં રડતાં કહેતા હતા: “અમે શા માટે ઇજિપ્તમાંથી બહાર નીકળી આવ્યા?”’”+
૨૧ પછી મૂસાએ કહ્યું: “હું જે લોકો મધ્યે છું, તેઓમાં ૬,૦૦,૦૦૦ પુરુષો છે+ અને તમે તો કહો છો, ‘હું તેઓને માંસ આપીશ. તેઓ એને આખો મહિનો ખાય એટલું બધું આપીશ’! ૨૨ જો બધાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકને કાપવામાં આવે, તોપણ શું એ બધા લોકો માટે પૂરતાં થશે? અથવા જો સમુદ્રની બધી માછલીઓને પકડવામાં આવે, તોપણ શું તેઓને થઈ રહેશે?”
૨૩ ત્યારે યહોવાએ મૂસાને કહ્યું: “શું યહોવાનો હાથ ટૂંકો થઈ ગયો છે?+ હવે તું જોઈશ કે હું જે કહું છું એ પ્રમાણે થાય છે કે નહિ.”
૨૪ મૂસાએ બહાર જઈને યહોવાએ જે કહ્યું હતું એ લોકોને જણાવ્યું. તેણે ઇઝરાયેલના વડીલોમાંથી ૭૦ માણસોને ભેગા કર્યા અને તેઓને મંડપની આજુબાજુ ઊભા રાખ્યા.+ ૨૫ પછી યહોવા વાદળમાં નીચે આવ્યા+ અને મૂસા સાથે વાત કરી.+ તેમણે મૂસા પરથી થોડી પવિત્ર શક્તિ લઈને+ ૭૦ વડીલો પર મૂકી. તેઓ પર પવિત્ર શક્તિ આવી કે તરત જ તેઓ પ્રબોધકો* તરીકે વર્તવા લાગ્યા,*+ પણ ત્યાર બાદ તેઓ ફરીથી એ રીતે વર્ત્યા નહિ.
૨૬ હવે એલ્દાદ અને મેદાદ નામના બે માણસો છાવણીમાં જ હતા. તેઓ મુલાકાતમંડપમાં આવ્યા ન હતા. તેઓના ઉપર પણ પવિત્ર શક્તિ આવી હતી, કેમ કે તેઓનાં નામ પણ નોંધાયેલા લોકોમાં હતા. તેઓ છાવણીમાં પ્રબોધકો તરીકે વર્તવા લાગ્યા. ૨૭ એ જોઈને એક યુવાન દોડીને મૂસાને ખબર આપવા ગયો. તેણે મૂસાને કહ્યું: “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધકો તરીકે વર્તી રહ્યા છે!” ૨૮ ત્યારે નૂનનો દીકરો યહોશુઆ,+ જે યુવાનીથી જ મૂસાનો સેવક હતો, તેણે મૂસાને કહ્યું: “મારા માલિક મૂસા, તેઓને રોકો!”+ ૨૯ પણ મૂસાએ તેને કહ્યું: “શું તને મારા લીધે તેઓની અદેખાઈ આવે છે? હું તો ચાહું છું કે યહોવાના બધા લોકો પ્રબોધકો બને અને યહોવા તેઓ બધાને પોતાની પવિત્ર શક્તિ આપે.” ૩૦ પછી મૂસા ઇઝરાયેલના વડીલો સાથે છાવણીમાં પાછો ફર્યો.
૩૧ એવામાં યહોવા પાસેથી પવન ફૂંકાયો અને એ પવન સમુદ્ર પરથી લાવરીઓ ઘસડી લાવ્યો. તેઓની સંખ્યા એટલી બધી હતી કે, તેઓ છાવણીની બંને બાજુએ,+ આખી છાવણીની આસપાસ આશરે એક દિવસની મુસાફરીના અંતર સુધી ફેલાઈ ગઈ. તેઓ જમીન પર આશરે બે હાથની* ઊંચાઈ સુધી છવાઈ ગઈ. ૩૨ લોકોએ એ આખો દિવસ, આખી રાત અને બીજો આખો દિવસ જાગીને લાવરીઓ ભેગી કરી. કોઈએ પણ દસ હોમેર* કરતાં ઓછી ભેગી કરી ન હતી. તેઓ પોતાના માટે લાવરીઓને છાવણીની આજુબાજુ પાથરતા રહ્યા.* ૩૩ પણ હજી તો માંસ તેઓનાં મોંમાં હતું, એવામાં યહોવાનો ગુસ્સો લોકો પર સળગી ઊઠ્યો. યહોવા તેઓ પર એવો ભારે રોગચાળો લાવ્યા કે, મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા.+
૩૪ તેથી તેઓએ એ જગ્યાનું નામ કિબ્રોથ-હાત્તાવાહ*+ પાડ્યું, કેમ કે ત્યાં તેઓએ એ લોકોને દફનાવ્યા હતા, જેઓ ખોરાક માટે લાલચુ બન્યા હતા.+ ૩૫ કિબ્રોથ-હાત્તાવાહથી લોકો હસેરોથ જવા રવાના થયા અને હસેરોથમાં રહ્યા.+