નિર્ગમન
૨૬ “તું એક મંડપ બનાવ.+ એને ઢાંકવા બારીક કાંતેલા શણ, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન અને લાલ દોરીથી દસ પડદા બનાવ. એ પડદા પર ભરતકામ કરીને કરૂબોનાં+ ચિત્રો બનાવ.+ ૨ દરેક પડદો ૨૮ હાથ* લાંબો અને ૪ હાથ પહોળો હોય. બધા પડદા એક જ માપના હોય.+ ૩ પાંચ પડદા જોડીને એક મોટો પડદો બનાવ. બીજા પાંચ પડદા જોડીને બીજો મોટો પડદો બનાવ. ૪ પહેલા મોટા પડદાની એક કોરે ભૂરી દોરીથી નાકાં બનાવ. બીજા મોટા પડદાની એક કોરે પણ એવું જ કર, જેથી બંને પડદાને એકબીજા સાથે જોડી શકાય. ૫ એક પડદા પર ૫૦ નાકાં બનાવ અને બીજા પડદા પર ૫૦ નાકાં બનાવ, જેથી બંને પડદા સામસામે જોડી શકાય. ૬ સોનાની ૫૦ કડીઓ બનાવ અને બંને પડદાને કડીઓથી જોડી દે. આમ, મંડપ માટે એક પડદો તૈયાર થશે.+
૭ “તું મંડપ પર નાખવા બકરાના વાળના+ ૧૧ પડદા બનાવ.+ ૮ દરેક પડદો ૩૦ હાથ લાંબો અને ૪ હાથ પહોળો હોય. એ ૧૧ પડદા એક જ માપના હોય. ૯ પાંચ પડદાને જોડીને એક મોટો પડદો બનાવ. બીજા છ પડદાને જોડીને બીજો મોટો પડદો બનાવ. એમાંનો છઠ્ઠો પડદો, જે મંડપના પ્રવેશદ્વાર તરફ હોય એને અડધો વાળી દે. ૧૦ પહેલા મોટા પડદાની એક કોરે ૫૦ નાકાં બનાવ. બીજા મોટા પડદાની એક કોરે પણ ૫૦ નાકાં બનાવ, જેથી બંને પડદાને એકબીજા સાથે જોડી શકાય. ૧૧ તું તાંબાની ૫૦ કડીઓ બનાવ. પછી, એ કડીઓને નાકાંમાં નાખીને બંને પડદાને જોડી દે. આમ, મંડપ પર નાખવા બીજો એક પડદો તૈયાર થશે. ૧૨ પડદાનો બાકી રહેલો ભાગ* મંડપના પાછલા ભાગમાં લટકતો રહે. ૧૩ બકરાના વાળનો પડદો સૌથી પહેલા પડદા* કરતાં એક હાથ વધારે લાંબો હોય અને એ મંડપની બંને બાજુ લટકતો હોય.
૧૪ “તું મંડપ પર નાખવા નર ઘેટાના લાલ રંગથી રંગેલા ચામડાનો પડદો બનાવ. એની ઉપર નાખવા સીલ માછલીના ચામડાનો પડદો બનાવ.+
૧૫ “તું મંડપ માટે બાવળના લાકડાનાં ઊભાં ચોકઠાં* બનાવ.+ ૧૬ દરેક ચોકઠું દસ હાથ ઊંચું અને દોઢ હાથ પહોળું હોય. ૧૭ દરેક ચોકઠામાં નીચેની બાજુએ બે ઠેસી* બનાવ, જે એકબીજાથી સમાન અંતરે હોય. મંડપનાં બધાં ચોકઠાં એ જ રીતે બનાવ. ૧૮ મંડપની દક્ષિણ બાજુ માટે ૨૦ ચોકઠાં બનાવ.
૧૯ “તું ૨૦ ચોકઠાંની નીચે મૂકવા ચાંદીની ૪૦ કૂંભીઓ*+ બનાવ. દરેક ચોકઠા નીચે બે ઠેસી*+ હોય અને એના માટે બે કૂંભીઓ હોય. ૨૦ મંડપની ઉત્તર બાજુ માટે ૨૦ ચોકઠાં ૨૧ અને ચાંદીની ૪૦ કૂંભીઓ બનાવ. દરેક ચોકઠા નીચે મૂકવા બે કૂંભીઓ બનાવ. ૨૨ મંડપની પાછળની બાજુ માટે, એટલે કે પશ્ચિમ બાજુ માટે છ ચોકઠાં બનાવ.+ ૨૩ મંડપની પાછળની બાજુના બે ખૂણા માટે બે ચોકઠાં બનાવ. ૨૪ એ ખૂણાનાં બે ચોકઠાં આ રીતે બનાવ: નીચેથી બે પાટિયાં હોય અને ઉપર પહેલી કડી સુધી પહોંચતા તેઓ એકબીજા સાથે જોડાઈ જાય. ૨૫ આમ, મંડપની પાછળની બાજુએ આઠ ચોકઠાં અને એની ચાંદીની ૧૬ કૂંભીઓ હોય. દરેક ચોકઠા નીચે મૂકવા બે કૂંભીઓ બનાવ.
૨૬ “તું બાવળના લાકડાના દાંડા બનાવ. મંડપની એક બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા* બનાવ.+ ૨૭ મંડપની બીજી બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા બનાવ. તેમ જ, મંડપની પાછળની બાજુ, એટલે કે પશ્ચિમ બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા બનાવ. ૨૮ વચલો દાંડો ચોકઠાઓની વચ્ચોવચ મંડપના એક છેડાથી બીજા છેડા સુધી હોય.
૨૯ “તું દરેક ચોકઠાને સોનાથી મઢ.+ દાંડા પરોવવા સોનાનાં કડાં બનાવ અને દાંડાને સોનાથી મઢ. ૩૦ તને પર્વત પર મંડપનો જે નમૂનો બતાવવામાં આવ્યો હતો, એ જ પ્રમાણે તું મંડપ બનાવ.+
૩૧ “તું ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી એક પડદો* બનાવ.+ એ પડદા પર ભરતકામ કરીને કરૂબોનાં ચિત્રો બનાવ. ૩૨ એ પડદાને ચાર થાંભલા પર લટકાવ. એ થાંભલા બાવળના લાકડાના બનાવ અને એને સોનાથી મઢ. એની કડીઓ સોનાની હોય. થાંભલાઓને ચાંદીની ચાર કૂંભીઓ પર ગોઠવ. ૩૩ એ પડદાને કડીઓ* નીચે લટકાવ. પછી પડદાની અંદરના ભાગમાં સાક્ષીકોશ+ મૂક. એ પડદો પરમ પવિત્ર સ્થાન*+ અને પવિત્ર સ્થાનને*+ જુદા પાડશે. ૩૪ પરમ પવિત્ર સ્થાનમાં મૂકેલા સાક્ષીકોશ ઉપર તું ઢાંકણ મૂક.
૩૫ “તું પડદાની આગળ, પવિત્ર સ્થાનમાં મેજ મૂક. મેજની સામે દીવી+ મૂક. મંડપની ઉત્તર તરફ મેજ હોય અને દક્ષિણ તરફ દીવી હોય. ૩૬ મંડપના પ્રવેશદ્વાર માટે એક પડદો બનાવ. એ પડદો ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી અને બારીક કાંતેલું શણ વણીને બનાવ.+ ૩૭ એ પડદા માટે પાંચ થાંભલા બનાવ. એ થાંભલા બાવળના લાકડાના બનાવ અને એને સોનાથી મઢ. એની કડીઓ સોનાની હોય. થાંભલાઓને તાંબાની પાંચ કૂંભીઓ પર ગોઠવ.