માથ્થી
૧૦ પછી, ઈસુએ પોતાના ૧૨ શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓને લોકોમાંથી ખરાબ દૂતો* કાઢવાનો, દરેક પ્રકારના રોગ તથા દરેક પ્રકારની માંદગી મટાડવાનો અધિકાર આપ્યો.
૨ ૧૨ પ્રેરિતોનાં* નામ આ છે: પહેલો, સિમોન જે પીતર* કહેવાય છે અને તેનો ભાઈ આંદ્રિયા; યાકૂબ અને તેનો ભાઈ યોહાન, જેઓ ઝબદીના દીકરાઓ હતા; ૩ ફિલિપ અને બર્થોલ્મી;* થોમા અને કર ઉઘરાવનાર માથ્થી;* અલ્ફીનો દીકરો યાકૂબ અને થદ્દી;* ૪ સિમોન કનાની;* અને યહુદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.
૫ એ ૧૨ને ઈસુએ આ આજ્ઞાઓ આપીને મોકલ્યા: “જેઓ યહુદીઓ નથી તેઓના વિસ્તારમાં જશો નહિ અને સમરૂનીઓના કોઈ શહેરમાં દાખલ થશો નહિ. ૬ પણ એના બદલે, ફક્ત ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. ૭ તમે જ્યાં જાઓ ત્યાં પ્રચાર કરો: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’ ૮ બીમાર લોકોને સાજા કરો, મરણ પામેલાને જીવતા કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો અને દુષ્ટ દૂતોને લોકોમાંથી કાઢો. તમને મફત મળ્યું, મફત આપો. ૯ તમારા કમરબંધમાં સોના કે ચાંદી કે તાંબાના સિક્કા ન લો; ૧૦ તમારી મુસાફરી માટે ખોરાકની થેલી ન લો; બે કપડાં* કે ચંપલ કે લાકડી પણ ન લો, કેમ કે કામ કરનાર ખોરાક મેળવવાના હકદાર છે.
૧૧ “તમે જે કોઈ શહેર કે ગામમાં જાઓ ત્યાં તમને અને તમારા સંદેશાને આવકારવા કોણ યોગ્ય છે, એની તપાસ કરો અને ત્યાંથી નીકળતા સુધી તેને ત્યાં રહો. ૧૨ તમે ઘરમાં જાઓ ત્યારે ઘરના લોકોને સલામ પાઠવીને કહો કે, ‘તમને શાંતિ થાઓ.’ ૧૩ જો એ ઘરના લોકો યોગ્ય હશે તો તમે ચાહો છો એ શાંતિ તેઓ પર આવશે, પણ તેઓ યોગ્ય નહિ હોય તો એ શાંતિ તમારી પાસે પાછી આવશે. ૧૪ જો કોઈ તમારો સ્વીકાર ન કરે કે તમારી વાતો ન સાંભળે, તો એ શહેર કે ઘરની બહાર જઈને તમારા પગની ધૂળ ખંખેરી નાખો.* ૧૫ હું તમને સાચે જ કહું છું કે ન્યાયના દિવસે* એ શહેર કરતાં, સદોમ અને ગમોરા દેશોની દશા વધારે સારી હશે.
૧૬ “જુઓ! હું તમને વરૂઓની વચ્ચે ઘેટાં જેવાં મોકલું છું; એટલે, તમે સાપ જેવા ચાલાક પણ કબૂતર જેવા નિર્દોષ સાબિત થાઓ. ૧૭ લોકોથી સાવધ રહેજો, કેમ કે તેઓ તમને અદાલતોને* સોંપી દેશે અને તેઓ પોતાનાં સભાસ્થાનોમાં તમને કોરડા મરાવશે. ૧૮ મારા નામને લીધે તમને રાજ્યપાલો* અને રાજાઓની સામે લઈ જવાશે, જેથી તેઓને અને બીજી પ્રજાના લોકોને સાક્ષી મળે. ૧૯ જોકે, તેઓ તમને પકડાવે ત્યારે ચિંતા ન કરો કે તમે કેવી રીતે બોલશો અથવા શું બોલશો, કેમ કે તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે. ૨૦ કારણ કે બોલનાર ફક્ત તમે જ નથી, પણ તમારા પિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલે છે. ૨૧ વળી, ભાઈ ભાઈને અને પિતા બાળકને મારી નંખાવશે; બાળકો પોતાનાં માબાપ સામે થશે અને તેઓને મારી નંખાવશે. ૨૨ મારા નામને લીધે બધા લોકો તમારો ધિક્કાર કરશે, પણ જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે. ૨૩ તેઓ એક શહેરમાં તમારી સતાવણી કરે ત્યારે, બીજા શહેરમાં નાસી જાઓ. કારણ, હું તમને સાચે જ કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી, તમે ઇઝરાયેલનાં બધાં શહેરો અને ગામડાઓમાં કોઈ પણ રીતે તમારું કાર્ય પૂરું કરી શકશો નહિ.
૨૪ “શિષ્ય પોતાના ગુરુ કરતાં અને દાસ પોતાના માલિક કરતાં મોટો નથી. ૨૫ શિષ્ય પોતાના ગુરુ જેવો અને દાસ પોતાના માલિક જેવો બને એટલું જ પૂરતું છે. જો લોકોએ માલિકને બાલઝબૂલ* કહ્યો, તો તેના ઘરના બધાને એથીયે વધારે કહેશે એમાં શી શંકા! ૨૬ એ માટે તેઓથી ડરશો નહિ, કેમ કે એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે અને એવું કંઈ જ ખાનગી નથી જે ઉઘાડું પાડવામાં નહિ આવે. ૨૭ હું તમને અંધારામાં જે જણાવું છું, એ અજવાળામાં કહો અને હું તમને કાનમાં જે કહું છું, એ છાપરે ચઢીને જાહેર કરો. ૨૮ જેઓ તમને મારી નાખી શકે છે પણ ભાવિનું તમારું જીવન* છીનવી શકતા નથી, તેઓથી ડરશો નહિ. એના બદલે, જે તમારો નાશ ગેહેન્નામાં* કરી શકે છે, તેમનાથી ડરો. ૨૯ શું બે ચકલીઓ એક પૈસે* વેચાતી નથી? તોપણ, એમાંની એકેય તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડશે નહિ. ૩૦ તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. ૩૧ તેથી બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.
૩૨ “એ માટે લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે, તેનો હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ સ્વીકાર કરીશ. ૩૩ પણ, લોકો આગળ જે કોઈ મારો નકાર કરે છે, તેનો હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ નકાર કરીશ. ૩૪ એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; હું શાંતિ લાવવા તો નહિ, પણ ભાગલા પાડવા* આવ્યો છું. ૩૫ કારણ કે હું દીકરા અને તેના પિતા વચ્ચે, દીકરી અને તેની મા વચ્ચે, વહુ અને તેની સાસુ વચ્ચે ભાગલા પાડવા આવ્યો છું. ૩૬ ખરેખર, માણસના દુશ્મન તેના પોતાના ઘરના હશે. ૩૭ પિતા કે માતા પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારે યોગ્ય નથી. ૩૮ વળી, જે કોઈ પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારે યોગ્ય નથી. ૩૯ જે કોઈ પોતાનું જીવન* બચાવે છે તે એને ગુમાવશે, પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન* ગુમાવે છે તે એને મેળવશે.
૪૦ “જે કોઈ તમારો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે. ૪૧ જે કોઈ પ્રબોધકનો સ્વીકાર પ્રબોધક તરીકે કરે છે, તેને પ્રબોધક જેવો બદલો મળશે. વળી, જે કોઈ નેક માણસનો સ્વીકાર નેક માણસ તરીકે કરે છે, તેને નેક માણસ જેવો બદલો મળશે. ૪૨ આ નાનાઓમાંથી એકને મારો શિષ્ય હોવાને લીધે, જો કોઈ ફક્ત એક પ્યાલો ઠંડું પાણી પાશે, તો હું તમને સાચે જ કહું છું કે તે એનો બદલો ગુમાવશે નહિ.”