અભ્યાસ લેખ ૫૧
આપણે અઘરા સંજોગોમાં પણ શાંતિ મેળવી શકીએ છીએ
“તમારાં દિલને દુઃખી થવા દેશો નહિ કે ડરવા દેશો નહિ.”—યોહા. ૧૪:૨૭.
ગીત ૩૯ આપણને શાંતિ મળશે
ઝલકa
૧. “ઈશ્વરની શાંતિ” એટલે શું અને એનાથી કેવા ફાયદા થાય છે? (ફિલિપીઓ ૪:૬, ૭)
બાઇબલમાં “ઈશ્વરની શાંતિ” વિશે જણાવ્યું છે. દુનિયાના લોકો એ વિશે એકદમ અજાણ છે. યહોવા પિતા સાથે મજબૂત સંબંધ કેળવવાથી જે નિરાંત અનુભવીએ છીએ, મનની શાંતિ મળે છે, એને ઈશ્વરની શાંતિ કહેવાય. એ શાંતિને લીધે આપણે સલામત મહેસૂસ કરીએ છીએ. (ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો.) આપણે ભાઈ-બહેનોના પાકા દોસ્ત બની શકીએ છીએ, કેમ કે તેઓ પણ યહોવાને પ્રેમ કરે છે. તેમ જ “શાંતિના ઈશ્વર,” યહોવાની વધારે નજીક જઈ શકીએ છીએ. (૧ થેસ્સા. ૫:૨૩) જ્યારે આપણે યહોવાને સારી રીતે ઓળખીએ, તેમના પર ભરોસો રાખીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ, ત્યારે ઈશ્વરની શાંતિ હોવાથી અઘરા સંજોગોમાં આપણને ચિંતા થતી નથી. આપણે મન શાંત રાખી શકીએ છીએ.
૨. આપણે અઘરા સંજોગોમાં શાંતિ મેળવી શકીએ છીએ, એવું કેમ કહી શકાય?
૨ જ્યારે રોગચાળો ફેલાય, આફત આવી પડે, હુલ્લડ થાય કે સતાવણી થાય ત્યારે આપણે ડરી જઈએ છીએ, ખરું ને? શું એવા અઘરા સંજોગોમાં શાંતિ મેળવી શકીએ? ધ્યાન આપો, ઈસુએ પોતાના શિષ્યોને કીધું હતું: “તમારાં દિલને દુઃખી થવા દેશો નહિ કે ડરવા દેશો નહિ.” (યોહા. ૧૪:૨૭) ઘણાં ભાઈ-બહેનોએ ઈસુની એ સલાહ પાળી છે. તેઓ યહોવાની મદદથી અઘરા સંજોગોમાં પણ શાંતિ મેળવી શક્યાં છે.
રોગચાળા વખતે શાંતિ મેળવીએ
૩. રોગચાળા વખતે કઈ રીતે આપણી શાંતિ છીનવાઈ જાય?
૩ રોગચાળો અથવા મહામારી ફેલાય ત્યારે આપણું જીવન વેરવિખેર થઈ જાય છે. કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ત્યારે રાતોરાત બધું બદલાઈ ગયું. એક સર્વેમાં ઘણા લોકોએ ભાગ લીધો. એમાં અડધાથી વધારે લોકોએ જણાવ્યું કે તેઓ મહામારી વખતે બરાબર ઊંઘી શકતા ન હતા. મહામારી શરૂ થઈ ત્યારે લોકોને ઘણું ટેન્શન થવા લાગ્યું. લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા. વધારે પડતો દારૂ પીવા લાગ્યા અને ડ્રગ્સ લેવા લાગ્યા. ઘરમાં હિંસાના કિસ્સા વધી ગયા. અરે, અમુકે તો આપઘાત કરવાની કોશિશ કરી. જો તમારા વિસ્તારમાં રોગચાળો ફેલાય, તો ઈશ્વરની શાંતિ મેળવવા અને ચિંતામાં ડૂબી ન જવા તમે શું કરી શકો?
૪. છેલ્લા દિવસો વિશે ઈસુએ કરેલી ભવિષ્યવાણી મનમાં રાખવાથી આપણે કઈ રીતે શાંત રહી શકીએ?
૪ ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા દિવસોમાં “એક પછી એક ઘણી જગ્યાએ” રોગચાળો કે મહામારી ફેલાશે. (લૂક ૨૧:૧૧) એ વાત મનમાં રાખવાથી કઈ રીતે શાંત રહી શકીએ? ઈસુએ કરેલી ભવિષ્યવાણીને લીધે આપણને ખબર છે કે રોગચાળો તો ફેલાશે. એટલે આપણને નવાઈ નથી લાગતી. છેલ્લા દિવસો માટે ઈસુએ જે સલાહ આપી હતી એ આપણે પાળી શકીએ છીએ. તેમણે કીધું હતું, “ગભરાતા નહિ.”—લૂક ૨૧:૯.
૫. (ક) રોગચાળા વખતે ફિલિપીઓ ૪:૮, ૯ પ્રમાણે આપણે શાના માટે પ્રાર્થના કરી શકીએ? (ખ) બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળવાથી તમને કેવા ફાયદા થશે?
૫ રોગચાળો ફેલાય ત્યારે આપણે કદાચ ડરી જઈએ. આપણને ચિંતા કોરી ખાય કે ‘હવે શું થશે?’ ડેઝીબહેન સાથે એવું જ કંઈક થયું.b કોવિડને લીધે તેમના કાકા, બીજા એક કાકાનો દીકરો અને ડૉક્ટર ગુજરી ગયા. તેમના મનમાં ડર પેસી ગયો કે તેમને કોવિડ થઈ જશે અને તેમના લીધે તેમનાં ઉંમરવાળાં મમ્મીને પણ કોવિડ થઈ જશે. તેમને નોકરી ગુમાવાનો પણ ડર હતો. તેમને થતું કે જો નોકરી જતી રહેશે તો ગુજરાન કઈ રીતે ચાલશે, તે ઘરનું ભાડું કઈ રીતે ભરશે. આખો દિવસ આ બધા વિચારો તેમના મનમાં ઘૂંટાયા કરતા. એટલે રાતે તે ઊંઘી શકતાં ન હતાં. પણ તે શાંતિ કઈ રીતે મેળવી શક્યાં? તેમણે ખાસ તો યહોવાને એ માટે પ્રાર્થના કરી કે તે તેમને શાંત રહેવા અને સારા વિચારો પર મન લગાડવા મદદ કરે. (ફિલિપીઓ ૪:૮, ૯ વાંચો.) તેમણે બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળ્યું. એનાથી તેમને લાગ્યું કે જાણે યહોવા તેમની સાથે વાત કરી રહ્યાં છે. તે કહે છે, “બાઇબલની કલમો એ રીતે વાંચવામાં આવી છે કે એ સાંભળીને મને મનની શાંતિ મળી. હું યહોવાની હૂંફ મહેસૂસ કરી શકી.”—ગીત. ૯૪:૧૯.
૬. અભ્યાસ અને સભાઓથી તમને શું ફાયદો થશે?
૬ રોગચાળો ફેલાય ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે. જીવન પહેલાં જેવું રહેતું નથી. પણ ભલે ગમે એ થાય, તમે બાઇબલનો અને સાહિત્યનો અભ્યાસ કરવાનું અને સભાઓમાં જવાનું ચૂકતા નહિ. આપણાં વીડિયો અને સાહિત્યમાં ઘણાં ભાઈ-બહેનોના અનુભવો આવે છે. તેઓ તમારા જેવી જ મુશ્કેલીઓનો સામનો કરે છે. પણ તેઓએ યહોવાની ભક્તિ કરવાનું છોડ્યું નથી. તેઓના અનુભવોથી તમને હિંમત મળશે. (૧ પિત. ૫:૯) સભાઓમાં જવાથી તમે બાઇબલની વાતો પર અને સારા વિચારો પર મન લગાડી શકશો. એટલું જ નહિ, તમને ઉત્તેજન મળશે. તમે બીજાઓને પણ ઉત્તેજન આપી શકશો. (રોમ. ૧:૧૧, ૧૨) જે ભાઈ-બહેનો બીમાર હતાં, જેઓને ડર લાગતો હતો અથવા એકલું-એકલું લાગતું હતું, તેઓને યહોવાએ કઈ રીતે મદદ કરી એનો વિચાર કરો. એનાથી તમારી શ્રદ્ધા મજબૂત થશે. તમને પાકી ખાતરી થશે કે યહોવા તમારો સાથ ક્યારેય નહિ છોડે.
૭. તમે પ્રેરિત યોહાન પાસેથી શું શીખી શકો?
૭ ભાઈ-બહેનો સાથે વાત કરતા રહો. બની શકે, બીમારી કે મહામારીને લીધે બીજાઓથી અંતર જાળવવું પડે. તમને કદાચ પ્રેરિત યોહાન જેવું લાગે. તેમને પોતાના દોસ્ત ગાયસને મળવું હતું, સામસામે બેસીને વાતો કરવી હતી. (૩ યોહા. ૧૩, ૧૪) પણ અમુક સંજોગોના લીધે તે એવું કરી શકતા ન હતા. એટલે તેમનાથી જે થાય એ તેમણે કર્યું. તેમણે ગાયસને પત્ર લખ્યો. જો તમે પણ ભાઈ-બહેનોને મળી શકતા ન હો, તો તેઓને ફોન, વીડિયો કોલ કે મૅસેજ કરો. તેઓની સાથે અવાર-નવાર વાત કરતા રહેશો તો તમને એકલું એકલું નહિ લાગે અને તમે શાંતિ મેળવી શકશો. જો તમને લાગે કે તમે ચિંતાનાં વાદળોમાં ઘેરાઈ ગયા છો, તો વડીલો સાથે વાત કરો. તેઓ તમને પ્રેમાળ શબ્દોથી ઉત્તેજન આપશે.—યશા. ૩૨:૧, ૨.
આફત વખતે શાંતિ મેળવીએ
૮. આફત વખતે શાંતિ કઈ રીતે છીનવાઈ શકે?
૮ શું તમારા વિસ્તારમાં ક્યારેય પૂર આવ્યું છે, ધરતીકંપ થયો છે કે પછી આગ લાગી છે? કદાચ એ બનાવ યાદ કરીને તમે આજે પણ હચમચી જાઓ. બની શકે, એ આફતમાં તમારા કોઈ મિત્ર કે સગા-વહાલાનું મરણ થયું હોય અથવા તમે ઘરબાર ગુમાવ્યાં હોય. તમને ઘણું દુઃખ થયું હશે. તમને બહુ ગુસ્સો આવ્યો હશે. એનો મતલબ એ નથી કે તમારામાં શ્રદ્ધા ઓછી છે. અથવા તમે ચીજવસ્તુઓને વધારે પડતો પ્રેમ કરો છો. આવા સંજોગોનો સામનો કરવો ખરેખર અઘરું હોય છે. લોકોને પણ લાગે કે આવા સંજોગોમાં ગુસ્સો આવવો, દુઃખી થવું વાજબી છે. (અયૂ. ૧:૧૧) પણ તમે આ અઘરા સંજોગોમાં શાંતિ મેળવી શકો છો. કઈ રીતે?
૯. આપણે આફતો માટે તૈયાર રહી શકીએ એ માટે ઈસુએ શું કીધું?
૯ દુનિયામાં અમુક લોકો વિચારે છે કે તેઓ પર ક્યારેય આફત નહિ આવે. પણ આપણે એવું વિચારતા નથી. આપણને તો ખબર છે કે આફતો વધતી ને વધતી જશે. આપણે હંમેશાં ઈસુએ કરેલી ભવિષ્યવાણી યાદ રાખીએ છીએ. તેમણે છેલ્લા દિવસો વિશે કીધું હતું કે અંત આવતા પહેલાં “મોટા મોટા ધરતીકંપો” થશે અને એના જેવી બીજી આફતો આવી પડશે. (લૂક ૨૧:૧૧) તેમણે એમ પણ કીધું હતું કે ‘દુષ્ટતા વધી જશે.’ આજે એવું જ થઈ રહ્યું છે. આપણને રોજેરોજ સમાચાર મળે છે કે હિંસા અને ગુના વધી ગયાં છે. આતંકવાદનો પણ કોઈ પાર નથી. (માથ. ૨૪:૧૨) ઈસુએ એવું કીધું ન હતું કે આફતો આવે તો એનો મતલબ એ કે યહોવાએ આપણાથી મોં ફેરવી લીધું છે. યહોવાના ઘણા વફાદાર ભક્તોએ આવી આફતોનો સામનો કરવો પડ્યો છે. (યશા. ૫૭:૧; ૨ કોરીં. ૧૧:૨૫) યહોવા આપણને કદાચ એ આફતમાંથી ચમત્કાર કરીને ન બચાવે, પણ આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે તે આપણને શાંત રહેવા અને એનો સામનો કરવા મદદ કરશે.
૧૦. યહોવામાં શ્રદ્ધા બતાવવાની એક રીત કઈ છે અને કેમ? (નીતિવચનો ૨૨:૩)
૧૦ જો આપણે પહેલેથી તૈયારી કરીશું, તો આફતો આવે ત્યારે શાંત રહી શકીશું. પણ શું પહેલેથી તૈયારી કરવાનો મતલબ એ કે આપણને યહોવામાં શ્રદ્ધા નથી? ના, એવું નથી. પહેલેથી તૈયારી કરીને બતાવીએ છીએ કે આપણને યહોવામાં અડગ શ્રદ્ધા છે અને ભરોસો છે કે તે આપણી સંભાળ રાખશે. યહોવા પણ એવું જ ચાહે છે કે આપણે આફત માટે પહેલેથી તૈયારી કરીએ. તેમણે બાઇબલમાં એવું જ લખાવ્યું છે. (નીતિવચનો ૨૨:૩ વાંચો.) આપણને લેખો અને સભાઓ દ્વારા ઉત્તેજન આપવામાં આવે છે કે આફતો માટે પહેલેથી તૈયારી કરીએ.c એ માટે સંગઠન અવાર-નવાર જાહેરાત કરે છે. જો આપણે એ માર્ગદર્શન હમણાં પાળીશું તો દેખાઈ આવશે કે આપણને યહોવામાં પૂરો ભરોસો છે.
૧૧. માર્ગરેટબહેન પાસેથી તમને શું શીખવા મળ્યું?
૧૧ ચાલો માર્ગરેટબહેનના અનુભવ પર ધ્યાન આપીએ. તેમના ઘરની નજીકના જંગલમાં ભયંકર આગ લાગી. એટલે અધિકારીઓએ બધાને તાબડતોબ એ વિસ્તારમાંથી નીકળી જવાનું કીધું. ઘણા લોકો એક સામટા નીકળી રહ્યા હતા. એટલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો. ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા હતા. માર્ગરેટબહેન કારની બહાર પણ નીકળી શકતાં ન હતાં. જોકે તેમણે પર્સમાં એક નકશો મૂક્યો હતો. એમાં એ વિસ્તારમાંથી નીકળવાનો બીજો એક રસ્તો હતો. અરે, તે તો પહેલેથી એ રસ્તે જઈ આવ્યાં હતાં, જેથી આફતના સમયે ખબર હોય કે ક્યાંથી નીકળવું. માર્ગરેટબહેને પહેલેથી તૈયારી કરી હતી એટલે તેમનો જીવ બચી ગયો.
૧૨. અધિકારીઓ અને સંગઠન તરફથી મળતું માર્ગદર્શન કેમ પાળવું જોઈએ?
૧૨ લોકોની સલામતી માટે અધિકારીઓ કદાચ કરફ્યુ લગાવે, આપણો વિસ્તાર છોડી દેવાનું કહે અથવા બીજો કોઈ આદેશ આપે. એવા સમયે અમુક લોકો એ આદેશ પાળવામાં ઢીલ કરે અથવા આનાકાની કરે, કેમ કે તેઓને પોતાની વસ્તુઓ છોડીને જવું ન હોય. પણ આપણે શું કરવું જોઈએ? બાઇબલમાં જણાવ્યું છે, “આપણા માલિકની ઇચ્છા પૂરી કરવા માણસોએ સ્થાપેલી દરેક સત્તાને આધીન રહો. રાજાને આધીન રહો, કેમ કે તે તમારા કરતાં ચઢિયાતો છે. તેણે મોકલેલા રાજ્યપાલોને પણ આધીન રહો.” (૧ પિત. ૨:૧૩, ૧૪) યહોવાનું સંગઠન પણ ઘણી વાર આપણને માર્ગદર્શન આપે છે, જેથી સલામત રહી શકીએ. જેમ કે, આપણને જણાવવામાં આવે છે કે પોતાનો ફોન નંબર અને સરનામું વડીલોને આપી રાખીએ, જેથી જરૂર પડ્યે તેઓ આપણો સંપર્ક કરી શકે. શું તમે એવું કર્યું છે? બની શકે, ભાઈઓ આપણને માર્ગદર્શન આપે કે આપણે ઘરમાં જ રહેવાનું છે અથવા ઘર છોડીને જવાનું છે. કદાચ આપણને જણાવવામાં આવે કે ખાવા-પીવાની ચીજવસ્તુઓ કઈ રીતે મેળવવી અથવા બીજાઓને કઈ રીતે મદદ કરવી. જો આપણે એ માર્ગદર્શન પ્રમાણે નહિ કરીએ, તો કદાચ પોતાનો જીવ જોખમમાં મૂકી દઈશું, વડીલોનો જીવ પણ જોખમમાં મૂકી દઈશું. યાદ રાખીએ કે વફાદાર ભાઈઓ આપણી સંભાળ રાખે છે. એટલે આપણે ક્યારેય તેઓ માટે કોઈ મુશ્કેલી ઊભી કરવા નથી માંગતા. (હિબ્રૂ. ૧૩:૧૭) ધ્યાન આપો માર્ગરેટબહેને એ વિશે કીધું, “મેં વડીલોની વાત માની અને સંગઠનનું માર્ગદર્શન પાળ્યું. એટલે જ મારો જીવ બચી ગયો.”
૧૩. જે ભાઈ-બહેનોએ ઘર છોડ્યું પડ્યું, તેઓને શાનાથી ખુશી અને મનની શાંતિ મળી?
૧૩ આજે ઘણાં ભાઈ-બહેનોએ આફત, યુદ્ધ કે હુલ્લડને લીધે પોતાનું ઘર છોડીને બીજે જવું પડ્યું છે. પહેલી સદીના ખ્રિસ્તીઓ સાથે પણ એવું જ થયું હતું. સતાવણીને લીધે તેઓએ વિખેરાઈ જવું પડ્યું. પણ તેઓ જ્યાં ગયા ત્યાં તેઓએ “ઈશ્વરના સંદેશાની ખુશખબર જાહેર કરી.” (પ્રે.કા. ૮:૪) આજે પણ ઘણાં ભાઈ-બહેનોએ એવું જ કર્યું છે. તેઓએ નવી જગ્યાએ જઈને ત્યાંના સંજોગો પ્રમાણે પોતાને ઢાળ્યાં છે. તેઓએ ત્યાં જઈને તરત પ્રચાર અને સભામાં જવાનું શરૂ કરી દીધું. પ્રચારકામને લીધે તેઓ પોતાની મુશ્કેલીઓ પર નહિ, પણ ઈશ્વરના રાજ્ય પર ધ્યાન આપી શક્યાં. એટલે તેઓને ખુશી અને મનની શાંતિ મળી.
સતાવણી વખતે શાંતિ મેળવીએ
૧૪. સતાવણી વખતે કઈ રીતે આપણી શાંતિ છીનવાઈ જાય?
૧૪ ભાઈ-બહેનોને મળીને, તેઓ સાથે પ્રચાર કરીને અને યહોવાની ભક્તિ કરીને આપણને અનેરી ખુશી મળે છે. પણ અમુક દેશોમાં આપણાં ભાઈ-બહેનો સતાવણીને લીધે છૂટથી એવું કરી શકતાં નથી. જો તેઓ એ બધું કરતા પકડાઈ જાય તો તેઓને જેલ થાય છે, તેઓ પર જુલમ ગુજારવામાં આવે છે. જ્યારે સરકાર આપણા કામ પર નિયંત્રણ મૂકે ત્યારે આપણી શાંતિ છીનવાઈ જઈ શકે. આપણને કદાચ ચિંતા થાય, ડર લાગે કે ‘કાલે શું થશે?’ એવી લાગણી થવી સામાન્ય છે. પણ આપણે ડરને પોતાના પર હાવી થવા ન દઈએ. કેમ કે ઈસુએ કીધું હતું કે સતાવણીને લીધે કદાચ આપણી શ્રદ્ધા ડગમગી જાય, આપણે ઠોકર ખાઈએ. (યોહા. ૧૬:૧, ૨) ચાલો જોઈએ કે સતાવણી વખતે કઈ રીતે આપણે મનની શાંતિ જાળવી શકીએ.
૧૫. આપણે કેમ સતાવણીથી ડરવું ન જોઈએ? (યોહાન ૧૫:૨૦; ૧૬:૩૩)
૧૫ બાઇબલમાં લખ્યું છે, “જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.” (૨ તિમો. ૩:૧૨) પણ અમુક વાર આપણને એ વાત સ્વીકારવી અઘરી લાગે. આપણને થાય, આપણી તો ક્યારેય સતાવણી નહિ થાય. આન્દ્રેભાઈને પણ એવું જ લાગતું હતું. તે જે દેશમાં રહે છે ત્યાં આપણા કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. શરૂ શરૂમાં તેમને લાગતું, ‘અહીં તો કેટલાય યહોવાના સાક્ષીઓ છે. અધિકારીઓ કંઈ થોડા એક એકને પકડીને જેલમાં નાખી દેશે!’ એવું વિચારવાથી તેમની ચિંતા ઓછી ન થઈ પણ વધતી ગઈ. પછી તેમણે ધ્યાન આપ્યું કે બીજા ભાઈઓ શું કરે છે. એ ભાઈઓ એવું વિચારતા ન હતા કે તેઓની ક્યારેય ધરપકડ નહિ થાય. પણ તેઓએ બધું યહોવાના હાથમાં છોડી દીધું હતું. એટલે તેઓ ચિંતામાં ડૂબી ન ગયા. આન્દ્રેભાઈએ પણ નક્કી કર્યું કે તે એવું જ કરશે અને યહોવા પર ભરોસો રાખશે. એવું કરવાને લીધે તે ઈશ્વરની શાંતિ મેળવી શક્યા. આજે પણ આન્દ્રેભાઈ પર અમુક મુશ્કેલીઓ આવતી રહે છે, પણ તે ખુશ છે. આપણે પણ સતાવણીમાં શાંત રહી શકીએ છીએ. ઈસુએ કીધું હતું કે આપણી સતાવણી થશે તોપણ આપણે વફાદાર રહી શકીશું.—યોહાન ૧૫:૨૦; ૧૬:૩૩ વાંચો.
૧૬. આપણા કામ પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે આપણે શું કરવું જોઈએ?
૧૬ આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આપણા કામ પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકવામાં આવી શકે. એ સમયે કદાચ શાખા કચેરી અને વડીલો આપણને માર્ગદર્શન આપે. કેમ કે તેઓ ચાહે છે કે આપણે સલામત રહીએ, આપણને સાહિત્ય મળતું રહે અને આપણે સાવચેતી રાખીને પ્રચારકામ કરતા રહીએ. એ માર્ગદર્શન પાળવાની આપણે પૂરેપૂરી કોશિશ કરીએ. અમુક વાર ન સમજાય કે એ માર્ગદર્શન કેમ આપવામાં આવ્યું, તોપણ એ પાળીએ. (યાકૂ. ૩:૧૭) ભાઈ-બહેનો કે મંડળ વિશે કોઈ પણ જાણકારી એવી વ્યક્તિને ન આપીએ, જેને એ જાણવાનો હક નથી.—સભા. ૩:૭.
૧૭. પ્રેરિતોની જેમ આપણે શું કરવાનો પાકો નિર્ણય લેવો જોઈએ?
૧૭ આપણને “ઈસુની સાક્ષી આપવાનું કામ સોંપાયું છે.” એટલે શેતાન આપણી સામે યુદ્ધ કરી રહ્યો છે. (પ્રકટી. ૧૨:૧૭) પણ આપણે શેતાન અને તેની દુષ્ટ દુનિયાથી જરાય ડરવાની જરૂર નથી. વિરોધ છતાં આપણે લોકોને ખુશખબર જણાવતા રહીએ. તેઓને શીખવતા રહીએ. એમ કરવાથી આપણને ખુશી અને મનની શાંતિ મળશે. પહેલી સદીમાં પ્રેરિતોએ એવું જ કર્યું. યહૂદી ન્યાયસભાએ તેઓને ધમકાવ્યા અને પ્રચાર બંધ કરી દેવાનું કીધું. પણ પ્રેરિતોએ એ આજ્ઞા પાળવાને બદલે યહોવાની આજ્ઞા પાળી અને પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. એટલે તેઓને ઘણી ખુશી મળી. (પ્રે.કા. ૫:૨૭-૨૯, ૪૧, ૪૨) આપણા કામ પર નિયંત્રણ હોય તો ખૂબ જરૂરી છે કે આપણે સાવચેતી રાખીને પ્રચાર કરીએ. (માથ. ૧૦:૧૬) પણ ખુશખબર જણાવવા આપણે બનતું બધું કરીએ. એમ કરીશું તો આપણને શાંતિ મળશે. કેમ કે પ્રચાર કરીને આપણે યહોવાના દિલને ખુશ કરીએ છીએ અને જીવન બચાવનાર કામમાં ભાગ લઈએ છીએ.
“શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે”
૧૮. આપણને સાચી શાંતિ કોણ આપી શકે?
૧૮ સંજોગો ભલે ગમે તેટલા અઘરા થઈ જાય, ખાતરી રાખો કે તમે મન શાંત રાખી શકો છો. પણ એ ઈશ્વરની શાંતિ વગર શક્ય નથી. સાચી શાંતિ ફક્ત યહોવા જ આપી શકે છે. રોગચાળો ફેલાય, આફત આવી પડે કે સતાવણી થાય ત્યારે યહોવા પર આધાર રાખો. સંગઠનનું માર્ગદર્શન પાળો અને ભાઈ-બહેનોની નજીક રહો. યહોવાએ સોનેરી ભાવિનું જે વચન આપ્યું છે એના પર વિચાર કરતા રહો. એમ કરશો તો “શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.” (ફિલિ. ૪:૯) આપણી જેમ ઘણાં ભાઈ-બહેનો અઘરા સંજોગોનો સામનો કરે છે. તેઓ ઈશ્વરની શાંતિ મેળવી શકે માટે આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? એ વિશે આવતા લેખમાં જોઈશું.
ગીત ૬૦ યહોવા આપશે તને સાથ
a યહોવાએ વચન આપ્યું છે કે જેઓ તેમને પ્રેમ કરે છે, તેઓને તે શાંતિ આપશે. આ લેખમાં જોઈશું કે “ઈશ્વરની શાંતિ” એટલે શું અને આપણે એ કઈ રીતે મેળવી શકીએ. એ પણ જોઈશું કે રોગચાળો ફેલાય, આફત આવી પડે અથવા સતાવણી થાય ત્યારે કઈ રીતે ઈશ્વરની શાંતિ આપણને એ અઘરા સંજોગોનો સામનો કરવા મદદ કરે છે.
b અમુક નામ બદલ્યાં છે.
c સજાગ બનો! (હિંદી) નં. ૫ ૨૦૧૭માં આપેલો આ લેખ જુઓ: “જબ કહર ટૂટ પડે—કુછ કદમ ઉઠાએ ઓર જાન બચાએ.”
d ચિત્રની સમજ: બહેને પહેલેથી તૈયારી કરી, જેથી તે આફતના સમયે તરત ઘર છોડીને નીકળી શકે.
e ચિત્રની સમજ: એક ભાઈ એવી જગ્યાએ રહે છે જ્યાં આપણા કામ પર નિયંત્રણ છે. તે સાવચેતી રાખીને ખુશખબર જણાવે છે.