ઈશ્વરનું માર્ગદર્શન કુટુંબમાં લાવે ખુશી
ઈશ્વરે લગ્નની ગોઠવણ કરી છે. બાળકો તેમના તરફથી મળેલો આશીર્વાદ છે. તે ચાહે છે કે માણસો ખાય, પીએ ને મજા કરે. એ માટે તેમણે શાસ્ત્રમાં પતિ, પત્ની અને બાળકો માટે સારું માર્ગદર્શન આપ્યું છે. એ પ્રમાણે જીવવાથી જીવન ખુશહાલ બનશે. ચાલો એ માર્ગદર્શન વિશે જોઈએ.
પતિએ પત્નીને પ્રેમ કરવો
“પતિઓ, તમે જેમ પોતાના શરીરને પ્રેમ કરો છો, તેમ પોતાની પત્નીને પ્રેમ કરો. જે માણસ પોતાની પત્નીને પ્રેમ કરે છે, તે પોતાને પ્રેમ કરે છે. કોઈ માણસ કદી પોતાના શરીરને ધિક્કારતો નથી, પણ એનું પાલન-પોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે.”—એફેસીઓ ૫:૨૮, ૨૯.
ઈશ્વરે પતિને કુટુંબના વડા બનાવ્યા છે. (એફેસીઓ ૫:૨૩) પતિ પોતાની પત્નીની જરૂરિયાતો પૂરી પાડે છે. તેની સારસંભાળ રાખે છે અને તેને પ્રેમ કરે છે. તેની કદર કરે છે અને લાગણીઓ સમજે છે. તે પત્નીનું ભલું ચાહે છે. (ફિલિપીઓ ૨:૪) પત્ની સાથે દિલ ખોલીને વાત કરે છે અને તેની વાત ધ્યાનથી સાંભળે છે. તે પત્ની પર ‘ગુસ્સે થતા નથી,’ હાથ ઉપાડતા નથી કે ગમે-તેમ બોલતા નથી. (કોલોસીઓ ૩:૧૯) તે પોતાની પત્ની સાથે મન ફાવે એમ વર્તતા નથી, જોરજુલમ કરતા નથી કે તેનાથી કંઈ છુપાવતા નથી.
પત્નીએ પતિને માન આપવું
‘પત્ની પૂરા દિલથી પતિને માન આપે.’—એફેસીઓ ૫:૩૩.
પત્ની પતિને માન આપે છે. પતિના નિર્ણયમાં સાથ-સહકાર આપે છે. પતિથી ભૂલ થઈ જાય ત્યારે તેમને ઉતારી પાડતી નથી. એનાથી ઘરમાં શાંતિ જળવાય રહે છે. (૧ પિતર ૩:૪) પત્નીને કોઈ ચિંતા હોય તો, તેણે પતિ સાથે વાત કરવા યોગ્ય સમયની રાહ જોવી જોઈએ અને શાંતિથી વાત કરવી જોઈએ.—સભાશિક્ષક ૩:૭.
જીવનસાથીને વફાદાર રહેવું
“માણસ પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે.”—ઉત્પત્તિ ૨:૨૪.
છોકરો અને છોકરી લગ્ન કરીને એક નવા બંધનમાં બંધાય છે. જો તેઓ રોજ એકબીજા સાથે દિલ ખોલીને વાત કરશે અને એકબીજાને ખુશ રાખવા નાની નાની વાતોનું ધ્યાન રાખશે, તો તેઓનો સંબંધ મજબૂત થશે. પતિ-પત્નીએ એકબીજા સિવાય બીજા કોઈ સાથે જાતીય સંબંધ ન બાંધવો જોઈએ. તેઓએ એકબીજાને વફાદાર રહેવું જોઈએ. જો પતિ કે પત્નીમાંથી કોઈ બેવફા બનશે, તો એકબીજા પરનો ભરોસો તૂટી જશે. એનાથી તેઓનું કુટુંબ વેરવિખેર થઈ શકે છે.—હિબ્રૂઓ ૧૩:૪.
માતા-પિતાએ બાળકોને શીખવવું
“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.
ઈશ્વરે બાળકોને શીખવવાની જવાબદારી માતા-પિતાને આપી છે. બાળકોને ‘આ’ કરો અને ‘પેલું’ ન કરો એટલું કહેવું પૂરતું નથી. માતા-પિતાએ પણ સારો દાખલો બેસાડવો જોઈએ. (પુનર્નિયમ ૬:૬, ૭) બાળકોથી ભૂલ થઈ જાય તો ગુસ્સે ન થવું જોઈએ. બાળકોને કંઈક કહેતા પહેલાં આખી વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. (યાકૂબ ૧:૧૯) જો જરૂર પડે તો બાળકને પ્રેમથી સુધારવું જોઈએ.
બાળકોએ માતા-પિતાનું કહેવું માનવું
‘બાળકો, તમારાં માતા-પિતાનું કહેવું માનો. તમારાં માતા-પિતાને માન આપો.’—એફેસીઓ ૬:૧, ૨.
બાળકોએ માતા-પિતાનું કહેવું માનવું જોઈએ અને તેઓને માન આપવું જોઈએ. એમ કરવાથી ઘરમાં બધા ખુશ રહેશે અને શાંતિ જળવાઈ રહેશે. બાળકો મોટા થઈ જાય ત્યારે પણ તેઓએ માતા-પિતાને માન આપવું જોઈએ અને સંભાળ રાખવી જોઈએ. બાળકો અલગ રહેતા હોય તોપણ માતા-પિતાની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. તેઓના ઘરની સારસંભાળ રાખવામાં મદદ કરવી જોઈએ.—૧ તિમોથી ૫:૩, ૪.