લગ્ન યહોવાહે આપેલી ભેટ છે
‘એ માટે માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.’—ઉત. ૨:૨૪.
૧. આપણે કેમ યહોવાહને માન આપવું જોઈએ?
લગ્નની ગોઠવણ કરનાર ઈશ્વર, યહોવાહને આપણે માન આપવું જોઈએ. તે આપણા સરજનહાર, માલિક અને પિતા સમાન છે. “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર તરીકે તેમનું વર્ણન થયું છે. (યાકૂ. ૧:૧૭; પ્રકટી. ૪:૧૧) એમાં તેમનો મહાન પ્રેમ દેખાઈ આવે છે. (૧ યોહા. ૪:૮) તેમણે જે કંઈ આપ્યું છે, જે કંઈ શીખવ્યું છે અને જે રીતે ભક્તિ ચાહે છે, એ બધુંય આપણા ભલા માટે છે.—યશા. ૪૮:૧૭.
૨. યહોવાહે આદમ અને હવાને કયાં સૂચનો આપ્યાં હતાં?
૨ બાઇબલ પ્રમાણે “ઉત્તમ” ભેટોમાંની એક ભેટ છે લગ્ન! સૌથી પહેલું લગ્ન આદમ અને હવાનું થયું, જે યહોવાહે કરાવ્યું. એ વખતે તેમણે તેઓને સુખી થવાનાં અમુક સૂચનો આપ્યાં. (માત્થી ૧૯:૪-૬ વાંચો.) જો યહોવાહનાં સૂચનો પાળ્યાં હોત, તો તેઓ હંમેશ માટે સુખી થયા હોત. પણ તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી અને અનેક તકલીફો ભોગવી.—ઉત. ૩:૬-૧૩, ૧૬-૧૯, ૨૩.
૩, ૪. (ક) ઘણા કઈ રીતે લગ્ન અને એ ભેટ આપનાર યહોવાહનું અપમાન કરે છે? (ખ) આ લેખમાં આપણે કેવા દાખલાનો વિચાર કરીશું?
૩ આદમ અને હવાની જેમ, આજે મોટા ભાગે લોકોને લગ્ન બાબતે યહોવાહના માર્ગદર્શનની કંઈ પડી નથી. એટલે તેઓ લગ્ન વિષે મન ફાવે એવા નિર્ણયો લે છે. અમુક લોકો લગ્ન કર્યા વિના સાથે રહે છે, જ્યારે કે બીજાઓ એકથી વધારે વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે. અરે અમુક સ્ત્રીઓ તો સ્ત્રીની સાથે કે પુરુષો બીજા પુરુષની સાથે લગ્ન કરે છે. (રૂમી ૧:૨૪-૩૨; ૨ તીમો. ૩:૧-૫) તેઓ ઈશ્વરે આપેલી ભેટ, લગ્નનું જાણીજોઈને અપમાન કરે છે. એ ભેટ આપનાર, યહોવાહનું પણ તેઓ ઘોર અપમાન કરે છે.
૪ કોઈક વાર તો યહોવાહના અમુક ભક્તો પણ લગ્નને તેમની નજરે જોતા નથી. બાઇબલના શિક્ષણથી વિરુદ્ધ, અમુક યુગલો કોઈ પણ કારણ વગર જુદાં પડે છે કે છૂટાછેડા લે છે. એમ ન કરવા શામાંથી મદદ મળી શકે? ઉત્પત્તિ ૨:૨૪નું માર્ગદર્શન કઈ રીતે પતિ-પત્નીને સુખી થવા મદદ કરી શકે? જેઓ લગ્ન કરવાનો વિચાર કરે છે, તેઓને પણ એ કઈ રીતે મદદ કરી શકે? ચાલો આપણે બાઇબલમાંથી ત્રણ પતિ-પત્નીના દાખલા જોઈએ. એ બતાવશે કે લગ્નજીવન હંમેશાં સુખી રહે, એ માટે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલવું કેટલું મહત્ત્વનું છે.
ભરોસો કેળવીએ
૫, ૬. શાને લીધે ઝખાર્યાહ અને એલીસાબેતની કસોટી થઈ હોય શકે? તેઓ એકબીજાને અને યહોવાહને વળગી રહ્યા, એનો કેવો આશીર્વાદ મળ્યો?
૫ ઝખાર્યાહ અને એલીસાબેતે યહોવાહની નજરે જે સારું હતું, એ બધું જ કર્યું. તેઓએ લગ્નસાથી તરીકે એકબીજાની સારી પસંદગી કરી હતી, કેમ કે તેઓ બંને યહોવાહની ભક્તિ કરતા હતા. ઝખાર્યાહ યાજક તરીકેની પોતાની બધી જ ફરજ સારી રીતે બજાવતા હતા. તેઓ યહોવાહના નિયમો પાળવા બનતું બધું કરતા હતા. તેઓનું કુટુંબ સુખી હતું. તોપણ, જો તમે યહુદાહમાં તેમના ઘરે ગયા હોત, તો તમને કશાની ખોટ વર્તાય હોત. તેઓને બાળકો ન હતાં. એલીસાબેત વાંઝણી હતી અને તેઓની ઉંમર વધતી જતી હતી.—લુક ૧:૫-૭.
૬ પહેલાંના ઈસ્રાએલમાં બાળકો હોવાં, એ આશીર્વાદ ગણાતો. એ જમાનામાં દરેક કુટુંબમાં ઘણાં બાળકો હતાં. (૧ શમૂ. ૧:૨, ૬, ૧૦; ગીત. ૧૨૮:૩, ૪) ઈસ્રાએલી માણસ પોતાની પત્નીને બાળક ન થાય તો, એ બહાને છૂટાછેડા આપી દેતો. પણ ઝખાર્યાહ એવા ન હતા, તેમણે એલીસાબેતનો સાથ જીવનભર નિભાવ્યો. તેમણે કે તેમની પત્નીએ લગ્નબંધન તોડવા માટે કોઈ બહાનું ન શોધ્યું. ખરું કે બાળકો ન હોવાનું દુઃખ તો થતું, પણ તેઓ એકસાથે યહોવાહની ભક્તિ કરતા રહ્યા. સમય જતાં યહોવાહે ચમત્કાર કર્યો. તેઓના ઘડપણમાં દીકરો આપીને તેઓને આશીર્વાદ આપ્યો.—લુક ૧:૮-૧૪.
૭. એલીસાબેતે બીજી કઈ રીતે પતિનો સાથ ન છોડ્યો?
૭ એલીસાબેતે બીજી એક રીતે પણ પોતાના પતિનો સાથ ન છોડ્યો. ઝખાર્યાહે સ્વર્ગદૂત પર શંકા ઉઠાવી હોવાને લીધે, તેમને મૂંગા કરી નાખવામાં આવ્યા હતા. એટલે તેમના દીકરા યોહાનનો જન્મ થયો ત્યારે, તે બોલી શકતા ન હતા. જોકે, ઝખાર્યાહે કોઈક રીતે પોતાની પત્નીને જણાવ્યું હશે કે યહોવાહના દૂતે બાળકનું નામ યોહાન રાખવાનું કહ્યું છે. પડોશીઓ અને સગાં-સંબંધીઓ બાળકનું નામ પિતાના નામ પરથી રાખવા ચાહતા હતા. પણ એલીસાબેતે પોતાના પતિનું માનીને કહ્યું કે “એમ નહિ; પણ તેનું નામ યોહાન પાડવું.”—લુક ૧:૫૯-૬૩.
૮, ૯. (ક) પતિ-પત્નીએ એકબીજામાં ભરોસો રાખવો કેમ જરૂરી છે? (ખ) પતિ-પત્ની એકબીજાનો સાથ નિભાવવા શું કરશે?
૮ ઝખાર્યાહ અને એલીસાબેતની જેમ, આજે પણ પતિ-પત્ની નિરાશ થઈ જાય અને તકલીફો અનુભવે છે. જો પતિ-પત્ની એકબીજાને સાથ ન આપે, તો એવું લગ્નજીવન લાંબું ટકતું નથી. લગ્નસાથી સિવાય બીજા કોઈ સાથે નખરાં કરવા, પોર્નોગ્રાફી જોવી અને વ્યભિચાર વગેરે સુખી લગ્ન સંસારમાં આગ લગાડી શકે. જ્યારે એકબીજા પરનો ભરોસો ઓછો થવા માંડે, ત્યારે લગ્નજીવનમાં પ્રેમ ઠંડો પડવા માંડે છે. ભરોસો જાણે ઘરની આસપાસ કરેલી વાડ જેવો છે. એ વાડ ઘરમાં રહેનારાને નુકસાન કરનાર કે કોઈ જોખમથી અમુક હદે રક્ષણ આપે છે. એ જ રીતે, પતિ-પત્નીને જ્યારે એકબીજા પર પૂરો ભરોસો હોય છે, ત્યારે તેઓ સલામતી અનુભવે છે. એકબીજાને પોતાના દિલની વાત છૂટથી કહી શકે છે. આમ, તેઓ જિંદગીની સફરમાં પ્રેમથી સાથ નિભાવતા જાય છે. સાચે જ, પતિ-પત્નીમાં ભરોસો હોવો કેટલો જરૂરી છે!
૯ યહોવાહે આદમને આમ કહ્યું હતું: ‘માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે.’ (ઉત. ૨:૨૪) એનો શું અર્થ થાય? પહેલાંના મિત્રો અને સગાંવહાલાં સાથેના સંબંધમાં થોડા ફેરફાર કરવા પડે. પતિ અને પત્નીના જીવનમાં હવે લગ્નસાથી પહેલું આવશે. હવે તેના સમય અને ધ્યાનના પહેલા હકદાર લગ્નસાથી છે. નવા પરણેલા પતિ કે પત્ની પોતાના લગ્નસાથીને એક બાજુએ રહેવા દઈને, મિત્રો કે સગાંની સાથે સમય વિતાવે એવું ન બનવું જોઈએ. તેમ જ, કુટુંબમાં કોઈ નિર્ણય લેવાનો હોય કે કોઈ તકરાર ઊભી થાય ત્યારે, નવા યુગલે પોતાનાં માબાપને પણ દખલ કરવા દેવી ન જોઈએ. હવે પતિ-પત્નીએ કોઈ પણ સંજોગોમાં એકબીજાનો સાથ છોડવો ન જોઈએ. આ યહોવાહનું માર્ગદર્શન છે.
૧૦. એકબીજામાં ભરોસો કેળવવા પતિ-પત્નીને શામાંથી મદદ મળશે?
૧૦ પતિ-પત્ની યહોવાહના ભક્તો ન હોય તોપણ, એકબીજામાં ભરોસો રાખવાથી કુટુંબમાં આશીર્વાદ આવે છે. એક બહેનના પતિ યહોવાહના ભક્ત નથી. તે બહેન કહે છે: “યહોવાહે મને શીખવ્યું છે કે પતિને આધીન રહેવું અને તેમને માન બતાવવું જોઈએ. એ માટે હું તેમની કદર કરું છું. એના લીધે ૪૭ વર્ષોથી હું મારા પતિ સાથે પ્રેમ અને માનભેર સુખેથી જીવું છું.” (૧ કોરીં. ૭:૧૦, ૧૧; ૧ પીત. ૩:૧, ૨) તમે એકબીજામાં ભરોસો વધારવા બનતું બધું જ કરો. વાણી-વર્તનથી લગ્નસાથીને ખાતરી કરાવો કે તમારા માટે દુનિયામાં તેમના જેવું બીજું કોઈ જ નથી. તમારા હાથમાં છે ત્યાં સુધી, કોઈ વ્યક્તિ કે ચીજને તમારા બંને વચ્ચે તીરાડ પાડવા ન દો. (નીતિવચનો ૫:૧૫-૨૦ વાંચો.) રોન અને જેનેટ ૩૫ વર્ષથી સુખી લગ્નજીવનનો આનંદ માણે છે. તેઓનું કહેવું છે કે “અમે એકબીજાનો સાથ ન છોડ્યો અને યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા હોવાથી, અમારું લગ્નજીવન સુખી છે.”
સંપ રાખીએ, લગ્નજીવન સુખી બનાવીએ
૧૧, ૧૨. આકુલા અને પ્રિસ્કીલાએ ઘરમાં, ધંધામાં અને સેવાકાર્યમાં કઈ રીતે સાથે ને સાથે કામ કર્યું?
૧૧ આકુલા અને પ્રિસ્કીલા વિષે ઈશ્વરભક્ત પાઊલે જણાવ્યું. જ્યારે તેઓ વિષે વાત થતી ત્યારે હંમેશાં બંનેનાં નામ સાથે જ હતાં. યહોવાહે કહ્યું હતું કે પતિ-પત્નીએ “એક દેહ” બનવું જોઈએ. એ આ યુગલના કિસ્સામાં એકદમ સાચું હતું. (ઉત. ૨:૨૪) ઘરમાં, ધંધામાં અને સેવાકાર્યમાં તેઓએ સાથે ને સાથે કામ કર્યું. દાખલા તરીકે, પાઊલ પહેલી વાર કોરીંથ આવ્યા ત્યારે, આકુલા અને પ્રિસ્કીલાએ તેમને પોતાના ઘરે રાખ્યા. પછીથી પાઊલ તેઓના ઘરેથી બીજાં મંડળોમાં આવ-જાવ કરતા. એફેસસમાં પણ આકુલા અને પ્રિસ્કીલાએ પોતાનું ઘર મંડળની સભાઓ ભરવા આપ્યું. તેઓ આપોલસ જેવા નવા ભાઈ-બહેનોને યહોવાહની ભક્તિમાં પ્રગતિ કરવા મદદ કરતા. (પ્રે.કૃ. ૧૮:૨, ૧૮-૨૬) આ ઉત્સાહી યુગલ પછી રોમ ગયું. ત્યાં પણ તેઓએ મંડળની સભાઓ ભરવા પોતાનું ઘર ખુલ્લું મૂક્યું. પછીથી તેઓ એફેસસ ગયા અને ત્યાંના ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું.—રૂમી ૧૬:૩-૫.
૧૨ આકુલા અને પ્રિસ્કીલાએ થોડો સમય પાઊલ સાથે તંબૂ બનાવવાનું કામ પણ કર્યું. અહીં પણ એ પતિ-પત્નીમાં કોઈ હરીફાઈ કે ચડસાચડસી ન હતી. (પ્રે.કૃ. ૧૮:૩) પણ તેઓએ સાથે મળીને યહોવાહની ભક્તિ કરી, એનાથી તેઓનું લગ્નબંધન હજુય વધારે મજબૂત થયું. ભલે કોરીંથ, એફેસસ કે રોમ હોય, તેઓ ‘ખ્રિસ્ત ઈસુમાં સાથે કામ કરનારા’ તરીકે ઓળખાયા. (રૂમી ૧૬:૩) આકુલા અને પ્રિસ્કીલા જ્યાં હતા, ત્યાં તેઓએ ભેગા મળીને યહોવાહની ભક્તિ ફેલાવવા બનતું બધું જ કર્યું.
૧૩, ૧૪. (ક) આજે પતિ-પત્નીને સંપ રાખવામાં કઈ મુશ્કેલીઓ નડી શકે? (ખ) પતિ-પત્ની લગ્નબંધનને “એક દેહ” જેવું બનાવવા શું કરી શકે?
૧૩ પતિ-પત્નીના ધ્યેયો એકસરખા હોય અને મોજશોખમાં સાથે સમય વિતાવે તો, લગ્નબંધન હજુ વધારે મજબૂત થાય છે. (સભા. ૪:૯, ૧૦) અફસોસની વાત છે કે આજે ઘણા પતિ-પત્ની બહુ ઓછો સમય સાથે વિતાવે છે. તેઓ પોતપોતાની નોકરીએ ઘણા કલાકો કામ કરતા હોય છે. નોકરી-ધંધા માટે ઘણા વારંવાર મુસાફરી કરતા હોય છે. અથવા તો પરદેશ જઈને કમાય છે, જેથી ઘરે પૈસા મોકલાવી શકે. અરે ઘરે હોય એવા પતિ-પત્નીઓ પણ એકલા પડી જાય છે, કેમ કે ટીવી, મોજશોખ, સ્પોર્ટ્સ, વિડીયો ગેમ કે ઇન્ટરનેટ પાછળ તેઓનો ઘણો સમય ચાલ્યો જાય છે. શું તમારા કુટુંબમાં આમ થાય છે? જો એમ થતું હોય, તો શું તમે જરૂરી ફેરફારો કરીને એકબીજાને વધારે સમય આપી શકો? શું તમે અમુક કામ સાથે કરી શકો? જેમ કે રાંધવું, વાસણ સાફ કરવા કે ઘરની સાફ-સફાઈ કરવી. શું તમે સાથે મળીને બાળકની સંભાળ રાખી શકો? અથવા તો સાથે મળીને તમારાં ઘરડાં માબાપને મદદ કરી શકો?
૧૪ સૌથી મહત્ત્વનું એ છે કે તમે બંને ભેગા મળીને યહોવાહની ભક્તિ કરો. જેમ કે, ભેગા મળીને દિવસના વચનની ચર્ચા કરો. નિયમિત રીતે કુટુંબ તરીકે ભક્તિ કરવા ભેગા મળો. એ પણ કુટુંબના વિચારો અને ધ્યેયો એકસરખા બનાવવાની સરસ તક પૂરી પાડે છે. ભેગા મળીને લોકોને ખુશખબરી જણાવો. અરે, સંજોગ હોય તો એક મહિનો કે એક વર્ષ માટે બંને સાથે પાયોનિયર પણ બની શકો. (૧ કોરીંથી ૧૫:૫૮ વાંચો.) એક બહેન અને તેના પતિએ એમ જ કર્યું. તે બહેન આમ કહે છે: ‘એ રીતે અમે લાંબો સમય એકબીજા સાથે રહી શકતા અને છૂટથી વાતો કરી શકતા. અમે બંને ભેગા મળીને લોકોને મદદ કરવા યહોવાહ વિષે ખુશખબર જણાવતા હતા. હું મારા પતિને ફક્ત પતિ જ નહિ, પણ મારા મિત્ર માનું છું.’ જ્યારે તમે પતિ-પત્ની તરીકે સંપીને યહોવાહની ભક્તિમાં પ્રગતિ કરો, ત્યારે ધીમે ધીમે તમારા બંનેના ધ્યેયો, મોજશોખ અને આદતો એકબીજાની સાથે ગૂંથાઈ જશે. આખરે તમે આકુલા અને પ્રિસ્કીલાની જેમ વાણી-વર્તન અને વિચારોમાં “એક દેહ” બની જશો.
યહોવાહનું માર્ગદર્શન સ્વીકારીએ
૧૫. લગ્નજીવન સુખી બનાવવા યહોવાહનું માર્ગદર્શન કેમ મહત્ત્વનું છે?
૧૫ ઈસુ જાણતા હતા કે લગ્નજીવનમાં યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલવું કેટલું મહત્ત્વનું છે. તેમણે યહોવાહને પહેલું લગ્ન કરાવતા જોયા હતા. યહોવાહના માર્ગદર્શન પ્રમાણે આદમ અને હવા ચાલ્યા ત્યાં સુધી સુખી હતા. પણ જ્યારે એ માર્ગદર્શન છોડી દીધું ત્યારે તેઓ કેટલા દુઃખી થયા, એ પણ ઈસુએ જોયું. એટલે પૃથ્વી પર આવીને લોકોને શીખવતી વખતે, ઈસુએ ઉત્પત્તિ ૨:૨૪માંનું ઈશ્વરનું માર્ગદર્શન ફરીથી જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે ‘ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’ (માથ. ૧૯:૬) એ બતાવે છે કે પતિ-પત્નીએ સુખી થવું હોય તો, લગ્નજીવન વિષે યહોવાહનું માર્ગદર્શન સ્વીકારવું જ જોઈએ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમનાં માબાપ યુસફ અને મરિયમે આ વિષે સરસ દાખલો બેસાડ્યો.
૧૬. યુસફ અને મરિયમના કુટુંબમાં કઈ રીતે યહોવાહની ભક્તિ દેખાઈ આવતી હતી?
૧૬ મરિયમની સાથે યુસફ સારી રીતે અને માનથી વર્ત્યા. જ્યારે યુસફને ખબર પડી કે મરિયમ મા બનવાની છે, ત્યારે તેમણે શું કર્યું? સ્વર્ગદૂતે હજુ તો હકીકત સમજાવી ન હતી એ પહેલાં, યુસફે મરિયમ સાથે માનથી વર્તવાનું નક્કી કરી લીધું હતું. (માથ. ૧:૧૮-૨૦) પતિ-પત્ની તરીકે તેઓએ કાઈસારના અથવા સરકારના કાયદા પાળ્યા. મુસા દ્વારા અપાયેલા નિયમો પણ તેઓ દિલથી પાળતા. (લુક ૨:૧-૫, ૨૧, ૨૨) યરૂશાલેમમાં થતા મોટા તહેવારો ઉજવવા ફક્ત પુરુષોને જવાની આજ્ઞા હતી. તોપણ યુસફ અને મરિયમ પોતાના કુટુંબ સાથે દર વર્ષે ત્યાં જતા. (પુન. ૧૬:૧૬; લુક ૨:૪૧) આ અને બીજી અનેક રીતે યુસફ અને મરિયમે યહોવાહની ભક્તિ કરવા અને તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવા બનતું બધું કર્યું. એટલે એમાં કોઈ નવાઈ નથી કે યહોવાહે પૃથ્વી પર પોતાના દીકરા ઈસુની સંભાળ રાખવા તેઓને પસંદ કર્યા હતા.
૧૭, ૧૮. (ક) પતિ-પત્ની કઈ રીતે યહોવાહની ભક્તિ દિલથી કરી શકે? (ખ) એનાથી તેઓને કયા લાભ થશે?
૧૭ શું તમારા કુટુંબમાં પણ યહોવાહની એવી જ ભક્તિ દેખાઈ આવે છે? દાખલા તરીકે, તમારે કુટુંબ તરીકે મહત્ત્વના નિર્ણય લેવાના હોય ત્યારે, શું પહેલા બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરો છો? પ્રાર્થના કરો છો? કોઈ અનુભવી ભાઈ-બહેનની સલાહ લો છો? કે પછી તમે તમારી મરજીથી અથવા સગાં કે મિત્રોની મરજીથી નિર્ણય લો છો? શું તમે લગ્ન અને કુટુંબ વિષે વિશ્વાસુ ચાકરે આપેલાં સૂચનો પ્રમાણે જીવવા પ્રયત્ન કરો છો? કે પછી તમે દુનિયાના રીત-રિવાજો અને તમને પોતાને ગમતી સલાહ પાળો છો? શું તમે બંને સાથે નિયમિત રીતે પ્રાર્થના કરો છો અને બાઇબલમાંથી ચર્ચા કરો છો? શું યહોવાહની ભક્તિમાં ધ્યેયો બાંધો છો અને કુટુંબ માટે જે મહત્ત્વનું છે, એની વાતો કરો છો?
૧૮ રેમન્ડ નામના એક ભાઈને લગ્ન કર્યાને ૫૦ વર્ષ થયાં અને તે સુખી છે. તે આમ કહે છે: “કદીએ એવું બન્યું નથી કે તકલીફ ઊભી થાય અને અમને કોઈ રસ્તો ન સૂઝે. અમારા લગ્નની ‘ત્રેવડી વણેલી દોરી’ અમે પતિ-પત્ની અને યહોવાહથી બનેલી છે.” (સભાશિક્ષક ૪:૧૨ વાંચો.) ડેની અને ટ્રીનાના વિચારો પણ એવા જ છે. તેઓ કહે છે, “અમે સાથે મળીને યહોવાહની ભક્તિ કરીએ છીએ. એટલે અમારો લગ્ન-સંસાર વધારે સુખી છે.” તેઓ ૩૪ વર્ષથી લગ્નજીવનનો આનંદ માણે છે. તમે પણ યહોવાહનું માર્ગદર્શન પાળો તો, તે તમને સુખી થવા મદદ કરશે. તમારા સંસારમાં આશીર્વાદોની કોઈ કમી નહિ રહેવા દે.—ગીત. ૧૨૭:૧.
યહોવાહે આપેલી ભેટની કદર કરીએ
૧૯. યહોવાહે મનુષ્યોને લગ્ન એક ભેટ તરીકે કેમ આપ્યું?
૧૯ આજે મોટા ભાગે લોકો સ્વાર્થી છે. તેઓ કુટુંબની ખુશીનો નહિ, પોતાની ખુશીનો જ વિચાર કરે છે. યહોવાહના ભક્તો એવા નથી. તેઓ જાણે છે કે યહોવાહે મનુષ્યોને લગ્ન એક ભેટ તરીકે આપ્યું છે, જેથી તેમની ઇચ્છા પૂરી થાય. (ઉત. ૧:૨૬-૨૮) આદમ અને હવાએ એ ભેટની કદર કરી હોત તો, આજે પૃથ્વી આવી ન હોત. પણ એ સુંદર બગીચા જેવી હોત, જેમાં યહોવાહના ભક્તો સુખેથી રહેતા હોત.
૨૦, ૨૧. (ક) આપણે કેમ લગ્નને પવિત્ર બંધન ગણવું જોઈએ? (ખ) હવે પછીના લેખમાં બીજી કઈ ભેટ વિષે વાત કરીશું?
૨૦ સૌથી મહત્ત્વનું તો, ઈશ્વરભક્તો લગ્નજીવનને એવી તક ગણે છે, જેનાથી યહોવાહને માન મળે. (૧ કોરીંથી ૧૦:૩૧ વાંચો.) જ્યારે પતિ-પત્નીને એકબીજામાં ભરોસો હોય, સંપ હોય અને તેઓ ભેગા મળીને ભક્તિ કરે, ત્યારે યહોવાહ બહુ રાજી થાય છે. તેમ જ, એનાથી લગ્નબંધન વધારે મજબૂત બને છે. જો તમે લગ્ન કરવા માંગતા હોય, તમારા લગ્નને હજુ વધારે સુખી બનાવવા માંગતા હોય કે પછી તમારા લગ્નને તૂટવાથી બચાવવા માંગતા હોય, તો યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જીવો. લગ્ન તો યહોવાહે કરેલી ગોઠવણ છે, એ પવિત્ર બંધન છે. એ યાદ રાખીશું તો લગ્નજીવનમાં બાઇબલ પ્રમાણે નિર્ણયો લેવા, બનતું બધું કરવા મદદ મળશે. એ રીતે લગ્નજીવનની કદર તો કરીશું જ, એની ગોઠવણ કરનાર યહોવાહને પણ માન આપીશું.
૨૧ યહોવાહે આપણને ફક્ત લગ્ન જ ભેટ તરીકે આપ્યું હોય એવું નથી. એવું પણ નથી કે લગ્ન જ સુખી થવાની રીત છે. હવે પછીનો લેખ બતાવશે કે યહોવાહે બીજી એક ભેટ પણ આપી છે, એ છે કુંવારા રહેવું. (w11-E 01/15)
આપણે શું શીખ્યા?
• પતિ-પત્નીએ કેમ એકબીજામાં ભરોસો રાખવો જોઈએ?
• પતિ-પત્ની સંપીને કામ કરે તો કઈ રીતે લગ્નબંધન વધારે મજબૂત બને છે?
• લગ્નજીવનમાં યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જીવવા પતિ-પત્ની શું કરી શકે?
• લગ્નની ગોઠવણ કરનાર યહોવાહને માન આપવા આપણે શું કરવું જોઈએ?
[પાન ૧૮ પર ચિત્રો]
પતિ-પત્ની ભેગા મળીને કામ કરે તો, તેઓનો પ્રેમ ખીલી ઊઠશે