પાઠ ૨૬
દુનિયામાં બૂરાઈ અને દુઃખો કેમ છે?
જ્યારે આપણી સાથે કોઈ કરુણ બનાવ બને અથવા એવું બનતા જોઈએ, ત્યારે આપણને સવાલ થાય, ‘આવું કેમ થયું?’ બાઇબલમાં એનો સરસ જવાબ આપ્યો છે. એ જાણીને તમને મનની શાંતિ મળશે.
૧. શેતાને કઈ રીતે બૂરાઈની શરૂઆત કરી?
શેતાને યહોવા સામે બળવો કર્યો. તેને બધા પર રાજ કરવું હતું, એટલે તેણે આદમ અને હવાને પણ યહોવા સામે બળવો કરવા ઉશ્કેર્યા. તેણે એવું કઈ રીતે કર્યું? તેણે જૂઠું બોલીને હવાને છેતરી. (ઉત્પત્તિ ૩:૧-૫) તે જાણે હવાને કહી રહ્યો હતો, ‘શું તને ખબર છે કે યહોવા તમારાથી સારી વસ્તુ છુપાવી રહ્યા છે?’ તે હવાના મનમાં ઠસાવવા માંગતો હતો કે જો તેઓ યહોવાની વાત નહિ માને, તો વધારે સુખી થશે. તેણે હવાને કહ્યું કે તે નહિ જ મરે. એ દુનિયાનું સૌથી પહેલું જૂઠાણું હતું. એટલે જ બાઇબલમાં શેતાન વિશે લખ્યું છે કે તે “જૂઠો અને જૂઠાનો બાપ છે.”—યોહાન ૮:૪૪.
૨. આદમ અને હવાએ શું કર્યું?
યહોવાએ તેઓને ઉદાર હાથે બધું આપ્યું હતું, તેઓને કશાની ખોટ ન હતી. યહોવાએ કહ્યું હતું: ‘તું બાગના કોઈ પણ ઝાડનું ફળ ખાઈ શકે છે. પણ એક ઝાડનું ફળ તારે ખાવું નહિ.’ (ઉત્પત્તિ ૨:૧૫-૧૭) તોપણ તેઓએ યહોવાની આજ્ઞા તોડી. બાઇબલમાં લખ્યું છે કે હવાએ ‘એ ઝાડનું ફળ તોડીને ખાધું.’ પછી આદમે પણ “એ ખાધું.” (ઉત્પત્તિ ૩:૬) આદમ અને હવામાં કોઈ ખોટ ન હતી. એનો અર્થ થાય કે ખરું કરવું તેઓના સ્વભાવમાં હતું. એટલે જ્યારે તેઓએ યહોવાની વાત ન માની, ત્યારે એ અજાણતાં નહિ, પણ જાણીજોઈને કર્યું હતું. તેઓ જાણે કહી રહ્યા હતા, ‘અમને યહોવાની કોઈ જરૂર નથી. અમે પોતે ખરું-ખોટું નક્કી કરી શકીએ છીએ.’ આમ તેઓએ પાપ કર્યું અને યહોવાને પોતાના રાજા ન માન્યા. એ ખોટા નિર્ણયને લીધે તેઓએ ઘણું સહેવું પડ્યું.—ઉત્પત્તિ ૩:૧૬-૧૯.
૩. આદમ અને હવાએ જે કર્યું એનું શું પરિણામ આવ્યું?
આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞા તોડીને એક મોટું પાપ કર્યું. તેઓનાં બાળકોને પણ એ પાપ વારસામાં મળ્યું. આદમ વિશે બાઇબલમાં લખ્યું છે, ‘એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. એટલે બધામાં મરણ ફેલાયું.’—રોમનો ૫:૧૨.
બીજાં પણ અમુક કારણોના લીધે આપણા પર દુઃખ-તકલીફો આવે છે. ઘણી વાર આપણા ખોટા નિર્ણયના લીધે કે બીજાઓના ખોટા નિર્ણયના લીધે આપણા પર તકલીફો આવે છે. અમુક વાર તો કોઈનોય વાંક ન હોય, પણ અણધાર્યા સંજોગોને લીધે આપણે સહન કરવું પડે છે.—સભાશિક્ષક ૯:૧૧ વાંચો.
વધારે જાણો
આપણે કેમ કહી શકીએ કે ખરાબ કામો અને દુઃખ-તકલીફો પાછળ ઈશ્વરનો હાથ નથી? આપણને દુઃખો સહેતાં જોઈને ઈશ્વરને કેવું લાગે છે? ચાલો જોઈએ.
૪. આપણા દુઃખો માટે કોણ જવાબદાર છે?
ઘણા લોકોને લાગે છે કે ઈશ્વર દુનિયાને ચલાવી રહ્યા છે. પણ શું એ સાચું છે? વીડિયો જુઓ.
યાકૂબ ૧:૧૩ અને ૧ યોહાન ૫:૧૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
શું ખરાબ કામો અને દુઃખ-તકલીફો પાછળ ઈશ્વરનો હાથ છે?
૫. શેતાનના રાજમાં શું થયું છે?
ઉત્પત્તિ ૩:૧-૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શેતાને કયું જૂઠાણું કહ્યું?—કલમ ૪ અને ૫ જુઓ.
શેતાને કઈ રીતે આરોપ મૂક્યો કે યહોવા માણસોથી એવું કંઈક છુપાવે છે, જેનાથી તેઓનું ભલું થઈ શકે છે?
માણસોને ખુશ રહેવા યહોવાના રાજની જરૂર નથી, એવું બતાવવા શેતાને શું કહ્યું?
સભાશિક્ષક ૮:૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવાના રાજ વગર દુનિયાની હાલત કેવી થઈ ગઈ છે?
ક. આદમ અને હવામાં કોઈ ખોટ ન હતી. તેઓ સુંદર બાગમાં રહેતાં હતાં. પણ તેઓએ શેતાનની વાત માની અને યહોવાની આજ્ઞા તોડી
ખ. તેઓના બળવાને લીધે પાપ અને મરણ આવ્યું અને દુઃખોની શરૂઆત થઈ
ગ. યહોવા જલદી જ પાપ, મરણ અને દુઃખોને કાઢી નાખશે. માણસો ફરી એકવાર બાગ જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવશે
૬. યહોવા આપણી કાળજી રાખે છે
આપણાં દુઃખો જોઈને શું યહોવાને કોઈ ફરક પડે છે? ચાલો જોઈએ કે એ વિશે રાજા દાઉદે અને પ્રેરિત પિતરે શું લખ્યું. ગીતશાસ્ત્ર ૩૧:૭ અને ૧ પિતર ૫:૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવા આપણું દુઃખ સમજે છે અને આપણી કાળજી રાખે છે, એ જાણીને તમને કેમ દિલાસો મળે છે?
૭. ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે
યશાયા ૬૫:૧૭ અને પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવાએ વચન આપ્યું છે કે તે આપણાં બધાં દુઃખો દૂર કરશે. એ વચનથી તમને કેમ દિલાસો મળે છે?
જાણવા જેવું
એદન બાગમાં શેતાને સૌથી પહેલું જૂઠાણું બોલીને યહોવાનું નામ બદનામ કર્યું. તેણે આરોપ મૂક્યો કે યહોવા સારા રાજા નથી અને તે માણસોને પ્રેમ કરતા નથી. બહુ જલદી યહોવા આપણાં દુઃખો દૂર કરશે. એમ કરીને તે પોતાના નામ પર લાગેલું કલંક દૂર કરશે. બીજા શબ્દોમાં કહીએ તો, યહોવા સાબિત કરશે કે તે જ સૌથી સારા રાજા છે અને તેમને જ આખી દુનિયા પર રાજ કરવાનો અધિકાર છે. આખી દુનિયામાં સૌથી વધારે જરૂરી એ છે કે, યહોવાનું નામ પવિત્ર મનાય.—માથ્થી ૬:૯, ૧૦.
અમુક લોકો કહે છે: “ઈશ્વર જ આપણા પર દુઃખો લાવે છે.”
તમે શું કહેશો?
આપણે શીખી ગયા
આ દુનિયામાં ફેલાયેલી બૂરાઈ માટે શેતાન, આદમ અને હવા જવાબદાર છે. યહોવા આપણું દુઃખ સમજે છે અને આપણી કાળજી રાખે છે. તે બહુ જલદી દુઃખ-તકલીફો દૂર કરશે.
તમે શું કહેશો?
શેતાને હવાને કયું જૂઠાણું કહ્યું?
આદમ અને હવાએ જે કર્યું એનું શું પરિણામ આવ્યું?
આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવા આપણી કાળજી રાખે છે?
વધારે માહિતી
પાપ એટલે શું? બાઇબલમાં એના વિશે શું જણાવ્યું છે?
શેતાને એદન બાગમાં યહોવા પર જે સવાલ ઉઠાવ્યો, એ વિશે વધારે વાંચો.
અમુક સવાલો નિરાશ કરી દે છે. પણ બાઇબલમાંથી એના જવાબ જાણીને લોકોને રાહત મળે છે. એવા જ એક સવાલ વિશે વાંચો.
“યહૂદીઓની કત્લેઆમ કેમ થઈ? ઈશ્વરે કેમ એ રોકી નહિ?” (jw.org/gu પર આપેલો લેખ)
એક ભાઈને સમજાયું કે દુનિયામાં કેમ આટલી બધી તકલીફો છે. ચાલો એ ભાઈ પાસેથી તેમનો અનુભવ સાંભળીએ.