સભાશિક્ષક
૯ એ બધી વાતો પર મેં મન લગાડ્યું. પછી હું એ તારણ પર આવ્યો કે નેક* માણસો, સમજુ માણસો અને તેઓનાં કામો સાચા ઈશ્વરના હાથમાં છે.+ મનુષ્યો સમજતા નથી કે તેઓની અગાઉના લોકો કેમ એકબીજાને પ્રેમ કે નફરત કરતા હતા. ૨ માણસ નેક હોય કે દુષ્ટ,+ સારો અને શુદ્ધ હોય કે અશુદ્ધ, બલિદાન ચઢાવતો હોય કે ન ચઢાવતો હોય, છેવટે તો બધાનો અંત સરખો જ હોય છે.+ ભલો માણસ પાપી જેવો જ છે. સમજી-વિચારીને સમ ખાનાર માણસ વગર વિચાર્યે સમ ખાનાર માણસ જેવો જ છે. ૩ મેં પૃથ્વી પર એક વાત જોઈ, જે દુઃખી કરે છે: બધાનો અંત સરખો જ હોય છે.+ એટલે માણસનું દિલ ખરાબ વિચારોથી ભરેલું રહે છે. જીવનભર તેના મનમાં મૂર્ખાઈ રહે છે અને આખરે તે મરી જાય છે!*
૪ જીવતા લોકો પાસે આશા છે, કેમ કે મરેલા સિંહ કરતાં જીવતો કૂતરો વધારે સારો.+ ૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+ ૬ તેઓનો પ્રેમ, તેઓની નફરત અને તેઓની ઈર્ષાનો અંત આવ્યો છે. પૃથ્વી પર જે કંઈ કામ થાય છે એમાં હવે તેઓનો કોઈ હિસ્સો નથી.+
૭ જા, આનંદ કરતાં કરતાં તારું ભોજન ખા અને ખુશી ખુશી દ્રાક્ષદારૂ પી,+ કેમ કે સાચા ઈશ્વર તારા કામથી ખુશ છે.+ ૮ તારાં કપડાં હંમેશાં સફેદ રહે.* તારા માથા પર તેલ ચોળવાનું ભૂલતો નહિ.+ ૯ ઈશ્વરે તને જે ટૂંકું જીવન આપ્યું છે, એમાં તારી વહાલી પત્ની સાથે જીવનની મજા માણ.+ તારા ટૂંકા જીવનમાં તું આનંદ માણે, એ જ તારો હિસ્સો અને પૃથ્વી પર તારી સખત મહેનતનું ઇનામ છે.+ ૧૦ જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી અને પૂરા મનથી કર. કેમ કે તું જ્યાં જવાનો છે એ કબરમાં* કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.+
૧૧ મેં પૃથ્વી પર આ પણ જોયું: એવું નથી કે ઝડપથી દોડનાર હંમેશાં દોડમાં જીતે અને તાકતવર હંમેશાં લડાઈમાં વિજયી થાય.+ એવું પણ નથી કે સમજુ માણસને હંમેશાં ખોરાક મળે, બુદ્ધિશાળી માણસ હંમેશાં ધનવાન હોય+ કે જ્ઞાની માણસને હંમેશાં સફળતા મળે.+ કેમ કે સમય અને અણધાર્યા સંજોગોની અસર બધાને થાય છે. ૧૨ માણસ જાણતો નથી કે તેનો સમય ક્યારે આવશે.+ જેમ માછલી છેતરામણી જાળમાં અને પક્ષીઓ ફાંદામાં ફસાઈ જાય છે, તેમ માણસ પર આફતનો સમય અચાનક આવી પડે છે અને તે એમાં ફસાઈ જાય છે.
૧૩ મેં પૃથ્વી પર બુદ્ધિની એક વાત જોઈ અને મારા પર એની ઊંડી અસર થઈ: ૧૪ એક નાના શહેરમાં થોડા માણસો રહેતા હતા. એક શક્તિશાળી રાજા એ શહેર પર ચઢી આવ્યો. તેણે ઊંચી ઊંચી દીવાલો બાંધીને એને ઘેરી લીધું. ૧૫ એ શહેરમાં એક ગરીબ અને સમજુ માણસ રહેતો હતો. તેણે પોતાની બુદ્ધિથી એ શહેરને બચાવ્યું. પણ કોઈએ એ ગરીબ માણસને યાદ ન રાખ્યો.+ ૧૬ મને થયું: ‘તાકાત કરતાં બુદ્ધિ વધારે સારી.+ છતાં, ગરીબ માણસની બુદ્ધિ તુચ્છ ગણાય છે અને તેની વાત કોઈ સાંભળતું નથી.’+
૧૭ મૂર્ખોના સરદારના બૂમબરાડા કરતાં સમજુ માણસે શાંતિથી આપેલી સલાહ સાંભળવી વધારે સારું.
૧૮ યુદ્ધનાં હથિયારો કરતાં બુદ્ધિ વધારે સારી. પણ બધી સારી વસ્તુઓનો નાશ કરવા એક પાપી જ પૂરતો છે.+