યહોવાહનો શબ્દ જીવંત છે
નિર્ગમનના મુખ્ય વિચારો
નિર્ગમનનું પુસ્તક એક સાચી વાર્તા છે. આ વાર્તામાં ઈસ્રાએલીઓ મિસરની ‘સખત વેઠમાંથી’ મુક્ત થયા છે. (નિર્ગમન ૧:૧૩) પછી એક ખાસ રાષ્ટ્રનો જન્મ થાય છે. આપણે માની ન શકીએ એવા ચમત્કારો થાય છે. નિર્ગમનમાં આપણે યહોવાહના નિયમો વિષે અને મંડપના બાંધકામ વિષેની વિગતો વાંચી શકીએ.
હેબ્રી પ્રબોધક મુસાએ નિર્ગમનનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં ઈસ્રાએલી લોકોનો ૧૪૫ વર્ષનો ઇતિહાસ છે. (ઈસવીસન પૂર્વે ૧૬૫૭-૧૫૧૨) એટલે નિર્ગમન, યુસફના મરણથી છેક મંડપનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધી લઈ જાય છે. પરંતુ, આ પુસ્તકમાં ફક્ત ઇતિહાસ અને વિગતો જ નથી. એ યહોવાહના શબ્દ કે સંદેશાનો એક ભાગ છે. તેથી નિર્ગમન ખરેખર ‘જીવંત અને સમર્થ’ છે. (હેબ્રી ૪:૧૨) આ પુસ્તક આપણા માટે ખૂબ લાભદાયી છે.
ઈશ્વરે ‘તેઓના દુઃખની કલાપીટ સાંભળી’
મિસરમાં યાકૂબના વંશજો ખૂબ વધી જાય છે. એટલે ફારૂન તેઓને ગુલામીમાં મૂકે છે. પછી તે સર્વ નવા જન્મેલા ઈસ્રાએલી છોકરાઓને મારી નાખવાનો હુકમ આપે છે. આ વખતે મુસા હજી ત્રણ મહિનાનું નાનું બાળક જ છે. પણ તે કતલમાંથી બચી જાય છે, કેમ કે ફારૂનની દીકરી તેમને મોટો કરે છે. મુસા ભલે રાજાના ઘરમાં મોટા થયા, તે ૪૦ વર્ષની ઉંમરે ઈસ્રાએલી લોકોનો પક્ષ લે છે. તે એક મિસરીને મારી નાખે છે અને પછી મિદ્યાન નાસી જાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૩, ૨૪) ત્યાં તે લગ્ન કરે છે અને ઘેટાંપાળક બને છે. એક બળતા ઝાડવામાંથી યહોવાહ મુસાને મિસરમાં પાછા જવા કહે છે. તે મુસાને ઈસ્રાએલીઓને ગુલામીમાંથી બહાર દોરી લાવવાનું કામ સોંપે છે. મુસાનો ભાઈ હારૂન તેમને સાથ દે છે અને તેમના વતી બોલે છે.
સવાલ-જવાબ:
૩:૧—યિથ્રો કેવા પ્રકારના યાજક હતા? જૂના જમાનામાં, આખા કુટુંબના સરદાર, યાજકની જવાબદારી પણ ઉપાડતા હતા. એમ લાગે છે કે યિથ્રો મિદ્યાન જાતિના શિર હતા. મિદ્યાન જાતિ, ઈબ્રાહીમના વંશ કટૂરાહથી ઊતરી આવી હતી. તેથી, તેઓ કદાચ ત્યાંથી યહોવાહની ભક્તિ કરતા શીખ્યા હશે.—ઉત્પત્તિ ૨૫:૧, ૨.
૪:૧૧—કયા અર્થમાં યહોવાહ લોકોને ‘મૂંગા કે બહેરા કે આંધળા’ બનાવે છે? એ સાચું છે કે અમુક વખતે યહોવાહે લોકોને આંધળા કે મૂંગા બનાવ્યા. પરંતુ, સર્વ આંધળા અને મૂંગા લોકો કંઈ યહોવાહને લીધે હોતા નથી. (ઉત્પત્તિ ૧૯:૧૧; લુક ૧:૨૦-૨૨, ૬૨-૬૪) આદમથી વારસામાં મળેલા પાપને લીધે તેઓ આંધળા કે મૂંગા થાય છે. (અયૂબ ૧૪:૪; રૂમીઓને પત્ર ૫:૧૨) યહોવાહે આ દુઃખી હાલતને ચાલવા દીધી છે, એટલે એક રીતે એમ કહી શકાય કે તે લોકોને ‘મૂંગા કે બહેરા કે આંધળા’ બનાવે છે.
૪:૧૬—મુસા કઈ રીતે હારૂન માટે ‘દેવ સમાન’ હતા? (IBSI) મુસા યહોવાહ માટે બોલતા હતા. તેથી એક રીતે મુસા ‘દેવ સમાન’ બન્યા, અને પછી હારૂન તેમના વતી બોલનાર બન્યા.
આપણે શું શીખી શકીએ?
૧:૭, ૧૪. ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાં હતા ત્યારે, યહોવાહે તેઓને સાથ દીધો. તેમ જ યહોવાહ આજે પણ તેમના સાક્ષીઓને સતાવણી વખતે સાથ દે છે.
૧:૧૭-૨૧. યહોવાહ આપણા ભલાં અને સારાં કામો યાદ રાખે છે.—નહેમ્યાહ ૧૩:૩૧.
૩:૭-૧૦. યહોવાહ તેમના ભક્તોનો પોકાર સાંભળે છે.
૩:૧૪. યહોવાહ હંમેશાં તેમના વચનો પૂરા કરે છે. તેથી આપણે તેમના પર શ્રદ્ધા રાખી શકીએ કે તે બાઇબલમાં લખેલાં સર્વ વચનો પૂરા કરશે.
૪:૧૦, ૧૩. મુસાને લાગ્યું કે તે બોલવામાં ધીમા છે અને નકામા છે. તેથી, યહોવાહ તેમને સાથ દેવાની ખાતરી આપે છે. પરંતુ, મુસાને હજી એમ જ લાગે છે કે પોતે એ કામ કરી શકશે નહિ. એટલે તે વિનંતી કરે છે કે યહોવાહ બીજા કોઈને ફારૂન સાથે વાત કરવા મોકલે. પરંતુ, યહોવાહ મુસાને ડહાપણ અને શક્તિ આપે છે જેથી તે એ કામ કરી શકે. કદાચ અમુક વાર આપણે મુસાની જેમ વિચારીએ છીએ કે આપણે નકામા છીએ. પરંતુ, એ સમયે આપણે યહોવાહ પર પૂરો ભરોસો મૂકવો જોઈએ. તે આપણને પ્રચાર કામમાં ચોક્કસ મદદ કરશે.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
ચમત્કારોથી ઈસ્રાએલીઓ ગુલામીમાંથી મુક્ત થાય છે
મુસા અને હારૂન, ફારૂનને મળે છે. તેઓ ફારૂનને વિનંતી કરે છે કે તે ઈસ્રાએલીઓને અરણ્યમાં એક ઉત્સવ ઊજવવા જવા દે. પરંતુ, ફારૂન સીધેસીધી ના પાડી દે છે. તેથી, મુસા દ્વારા યહોવાહ મિસરીઓ પર એક પછી એક મરકી લાવે છે. છેલ્લી મરકી પછી ફારૂન ઈસ્રાએલીઓને જવા દે છે. પરંતુ, તરત જ તે તેના સૈનિકો સાથે ઈસ્રાએલીઓને પકડવા જાય છે. તેમ છતાં, લાલ સમુદ્રમાંથી યહોવાહ ઈસ્રાએલીઓ માટે માર્ગ ખોલે છે. તેથી, ઈસ્રાએલીઓ બચી જાય છે, પણ મિસરીઓ સમુદ્રમાં ડૂબી જાય છે.
સવાલ-જવાબ:
૬:૩—કઈ રીતે ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ ઈશ્વરનું ખરું નામ જાણી ન શક્યા? એ સાચું છે કે આ ભક્તો ઈશ્વરનું નામ વાપરતા હતા, અને ઈશ્વર તરફથી તેમને વચનો પણ મળતાં હતાં. પરંતુ, તેઓ પોતે એ જોઈ ન શક્યા કે કઈ રીતે યહોવાહ તેમના વચનો પાળનારા છે.—ઉત્પત્તિ ૧૨:૧, ૨; ૧૫:૭, ૧૩-૧૬; ૨૬:૨૪; ૨૮:૧૦-૧૫.
૭:૧—મુસા કઈ રીતે ‘ફારૂનની આગળ દેવ’ સમાન બન્યા? મુસાને ઈશ્વર તરફથી શક્તિ અને સત્તા મળી હતી. તેથી, તેમને ફારૂનથી ડરવાની કોઈ જરૂર ન હતી.
૭:૨૨—નાઈલ નદીનું પાણી લોહી બની ગયું પછી મિસરના યાજકો ચોખ્ખું પાણી ક્યાંથી મેળવી શક્યા? કદાચ તેઓએ આ મરકી આવી એ પહેલાં નાઈલ નદીમાંથી લાવી રાખેલા પાણીને વાપર્યું હશે. અથવા તેઓએ નાઈલ નદીની આસપાસ કૂવા ખોદીને તાજું પાણી મેળવ્યું હશે.—નિર્ગમન ૭:૨૪.
૮:૨૬, ૨૭—મુસાએ શા માટે કહ્યું કે મિસરીઓને ઈસ્રાએલના બલિદાનો “અમંગળ” લાગશે? મિસરીઓ અનેક પ્રાણીઓને ભજતા હતા. તેથી, જો ઈસ્રાએલીઓએ મિસરમાં બલિદાનો ચડાવ્યા હોત, તો મિસરીઓને ખરાબ લાગ્યું હોત. એટલે મુસા ફારૂનને વિનંતી કરે છે કે તે ઈસ્રાએલીઓને અરણ્યમાં જવા દે.
૧૨:૨૯—પ્રથમજનિતમાં કોનો સમાવેશ થતો હતો? એમાં ફક્ત પુરુષોનો સમાવેશ થતો હતો. (ગણના ૩:૪૦-૫૧) એ ખરું છે કે ફારૂન પોતે પ્રથમજનિત હતો, પણ તે મરણ પામ્યો નહિ કારણ કે તેમની પાસે કુટુંબ હતું. તેથી, દસમી મરકી વખતે કુટુંબના પ્રથમજનિત શિર નહિ, પણ તેઓના પ્રથમજનિત દીકરા માર્યા ગયા.
૧૨:૪૦—ઈસ્રાએલીઓ મિસરમાં કેટલાં વર્ષો રહ્યા? આ શાસ્ત્ર પ્રમાણે તેઓ ત્યાં ૪૩૦ વર્ષ રહ્યા. પરંતુ, આ વર્ષોમાં તેઓ ‘મિસર દેશ તથા કનાન દેશમાં’ પણ રહ્યા. (રેફરન્સ બાઇબલ ફૂટનોટ જુઓ) ઈ.સ. પૂર્વે ૧૯૪૩માં ઈબ્રાહીમ ૭૫ વર્ષના હતા ત્યારે તે ફ્રાત નદી પાર કરીને કનાન ગયા. (ઉત્પત્તિ ૧૨:૪) પછી એ વખતથી ગણીને ૨૧૫ વર્ષ પછી યાકૂબ ૧૩૦ વર્ષની ઉંમરે મિસરમાં આવ્યા. (ઉત્પત્તિ ૨૧:૫; ૨૫:૨૬; ૪૭:૯) એનો અર્થ એ થયો કે ઈસ્રાએલીઓ બીજા ૨૧૫ વર્ષ મિસરમાં રહ્યા.
૧૫:૮—શું લાલ સમુદ્રનું પાણી ખરેખર બરફની જેમ “ઠરી” ગયું હતું? ના, મૂળ હેબ્રી ભાષામાં આ કલમ કહે છે કે પાણી ‘થીજી ગયું’ કે ‘જામી ગયું’ હતું. એ જ મૂળ હેબ્રી શબ્દ અયૂબ ૧૦:૧૦માં પણ જોવા મળે છે. ત્યાં બાઇબલ લેખકે કહ્યું કે દૂધ પનીરની પેઠે ‘જામી’ ગયું હતું. તેથી, સમુદ્રનું પાણી ખરેખર બરફ બની ગયું ન હતું. જો એમ હોત, તો બાઇબલ કલમોએ બતાવી આપ્યું હોત કે “પૂર્વ તરફથી ભારે પવન” ખૂબ ઠંડો હતો, અને એના લીધે પાણી બરફ બની ગયું હતું. (નિર્ગમન ૧૪:૨૧) પરંતુ, મૂળ હેબ્રી શબ્દ પ્રમાણે પાણી બરફ બની ગયું ન હતું, પણ જાણે દહીંની જેમ જામી ગયું હતું.
આપણે શું શીખી શકીએ?
૭:૧૪–૧૨:૩૦. દસ મરકીઓ કંઈ અચાનક આવતી કુદરતી આફતો ન હતી. મુસાએ પહેલેથી મિસરીઓને કહ્યું હતું કે તેઓ પર કઈ કઈ આફતો આવી પડશે. આ બતાવે છે કે યહોવાહ પાસે એટલી શક્તિ છે કે તે પાણી, સૂર્ય, જીવડાં, પ્રાણીઓ અને માણસોને કાબૂમાં રાખી શકે છે. આ બનાવ એ પણ બતાવે છે કે જ્યારે યહોવાહ તેમના દુશ્મનો પર આફતો લાવે છે, ત્યારે તે તેમના ભક્તોને સલામતીમાં રાખે છે.
૧૧:૨; ૧૨:૩૬. યહોવાહ તેમના ભક્તોને આશીર્વાદ દે છે. ઈસ્રાએલીઓ મિસરમાં દાસ તરીકે આવ્યા ન હતા, પણ તેઓ પોતાની મરજીથી ત્યાં ગયા હતા. તેથી, બાઇબલ પરથી એવું લાગે છે કે યહોવાહે નક્કી કર્યું હતું કે ઈસ્રાએલીઓની મજૂરી માટે મિસરીઓએ તેઓને પગાર દેવો જોઈએ.
૧૪:૩૦. આપણને પૂરી ખાતરી છે કે આવતી “મોટી વિપત્તિ” વખતે યહોવાહ તેમના ભક્તોને બચાવશે.—માત્થી ૨૪:૨૦-૨૨; પ્રકટીકરણ ૭:૯, ૧૪.
યહોવાહ તેમના રાષ્ટ્ર પર રાજ કરે છે
ઈસ્રાએલીઓને મિસરમાંથી છુટકારો મળે છે અને ત્રણ મહિના પછી તેઓ સિનાય પર્વત આગળ છાવણી ઊભી કરે છે. ત્યાં તેઓને દસ આજ્ઞાઓ અને બીજા અનેક નિયમો મળે છે. એ વખતે તેઓ યહોવાહ સાથે એક કરારમાં આવી જાય છે, અને યહોવાહ તેઓના રાજા બને છે. મુસા પર્વત પર ચઢે છે અને ત્યાં ૪૦ દિવસ રહે છે. ત્યાં તેમને સાચી ભક્તિ વિષે માર્ગદર્શન અને મંડપના બાંધકામ વિષેની વિગતો મળે છે. આ ૪૦ દિવસ દરમિયાન ઈસ્રાએલીઓ સોનાનું એક વાછરડું બનાવે છે અને એને ભજવા માંડે છે. મુસા પર્વત પરથી નીચે ઊતરે છે ત્યારે આ બધું જોઈ જાય છે. મુસા એટલા ગુસ્સે થઈ જાય છે કે ઈશ્વર તરફથી મળેલી દસ આજ્ઞાઓની બે શિલાપાટીઓ નીચે ફેંકીને ભાંગી નાંખે છે. પછી મૂર્તિપૂજકો સજા તરીકે માર્યા જાય છે. પછી મુસા ફરી પર્વત ચડે છે અને યહોવાહ પાસેથી નિયમોની બીજી બે શિલાપાટીઓ લાવે છે. મુસા નીચે ઊતરે છે પછી મંડપનું બાંધકામ ચાલુ થાય છે. ઈસ્રાએલીઓ મિસર છોડ્યાને એક વર્ષ પછી આ ભવ્ય મંડપનું કામ પૂરું કરે છે અને ત્યારે એ યહોવાહના આશીર્વાદથી ભરાઈ જાય છે.
સવાલ-જવાબ:
૨૦:૫—યહોવાહ કઈ રીતે “બાપોના અન્યાયની શિક્ષા છોકરાં પર” લાવે છે? બાળકો પુખ્ત વયના થાય ત્યારે તેઓએ પોતાના વલણ અને વર્તણૂક માટે યહોવાહને હિસાબ આપવો પડે છે. ઈસ્રાએલીઓએ મૂર્તિપૂજા કરી ત્યારે તેઓ ફક્ત પોતાના પર જ નહિ, પણ તેઓના વંશજો પર પણ શિક્ષા લઈ આવ્યા. વળી, તેઓને લીધે યહોવાહના ભક્તોએ પણ સત્યના માર્ગે ચાલવામાં વધુ મુશ્કેલીઓ અનુભવી.
૨૩:૧૯; ૩૪:૨૬—યહોવાહે શા માટે આજ્ઞા આપી કે બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફવું જોઈએ નહિ? કેમ કે વિધર્મી દેશો વરસાદ મેળવવા માટે ફક્ત બકરીના બચ્ચાં જ નહિ, પણ કોઈ પણ બચ્ચાંને તેની માના દૂધમાં બાફતા હતા. વધુમાં, માનું દૂધ તેમના બચ્ચાંનું પોષણ છે, તેથી બચ્ચાંને એ દૂધમાં બાફવા ખૂબ જ ક્રૂરતા કહેવાય. આ નિયમથી લોકોને ખબર પડી કે તેઓએ સર્વેને અરે, પ્રાણીઓને પણ દયા બતાવવી જોઈએ.
૨૩:૨૦-૨૩—આ કલમમાં દૂત કોણ છે, અને શા માટે યહોવાહનું નામ “તેનામાં છે”? એવું લાગે છે કે આ સ્વર્ગીય દૂત ઈસુ છે. તે જ ઈસ્રાએલીઓને વચનના દેશમાં દોરી ગયા હતા. (૧ કોરીંથી ૧૦:૧-૪) ઈસુ સૌથી મહત્ત્વના દૂત છે કેમ કે તે મોટા પ્રમાણમાં તેમના પિતાનું નામ ઊંચું મનાવે છે. એટલે યહોવાહનું નામ “તેનામાં છે.”
૩૨:૧-૮, ૨૫-૩૫—સોનાનું વાછરડું બનાવવામાં શા માટે હારૂનને શિક્ષા ન થઈ? કેમકે હારૂન લોકો સાથે મૂર્તિપૂજા કરવામાં જોડાયા ન હતા. વધુમાં, પછી યહોવાહ પાપી ઈસ્રાએલીઓને સજા ફટકારે છે ત્યારે હારૂન લેવીઓ અને મુસાનો પક્ષ લે છે. મૂર્તિપૂજકો માર્યા ગયા પછી, મુસા સર્વને કહે છે કે તેઓએ ખૂબ મોટી ભૂલ કરી છે પણ તેઓ બચી ગયા છે. આમ, યહોવાહની દયાને લીધે હારૂન અને બીજા અનેક લોકો માર્યા ગયા નહિ.
૩૩:૧૧, ૨૦—યહોવાહે કઈ રીતે “મુસાની સાથે મોઢામોઢ” વાત કરી? આ કલમ બતાવે છે કે યહોવાહ અને મુસા વચ્ચે વાતચીત ચાલતી હતી. યહોવાહે તેમના દૂત દ્વારા મુસાને માર્ગદર્શન આપ્યું. પરંતુ, મુસાએ યહોવાહને જોયા નહિ, કેમ કે યહોવાહને “જોઈને કોઈ માણસ જીવતો રહી” શકતો નથી. હકીકત એ છે કે યહોવાહે મુસા સાથે મોઢામોઢ વાત કરી ન હતી. પરંતુ, ગલાતી ૩:૧૯ પ્રમાણે “મધ્યસ્થ દ્વારા દૂતોની મારફતે” યહોવાહે મુસાને નિયમો આપ્યા.
આપણે શું શીખી શકીએ?
૧૫:૨૫; ૧૬:૧૨. યહોવાહ તેમના ભક્તોની સર્વ જરૂરિયાતો પૂરી પાડે છે.
૧૮:૨૧. મંડળમાં જે ભાઈઓને જવાબદારી સોંપવામાં આવે છે, તેઓ ઈશ્વરનો ડર રાખનારા અને ભલા હોવા જોઈએ. તેમ જ તેઓમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ.
૨૦:૧—૨૩:૩૩. સર્વોપરી યહોવાહ, નિયમ આપનાર છે. આ નિયમોથી ઈસ્રાએલીઓ યહોવાહને ખુશીથી અને તેમને પસંદ હોય એવી ભક્તિ કરી શક્યા. આજે યહોવાહની એક સંસ્થા છે. જો આપણે આ સંસ્થાના માર્ગદર્શન પ્રમાણે જીવીશું તો આપણે ખુશી અને સલામતી અનુભવીશું.
નિર્ગમનનું પુસ્તક આપણા જીવનને ખૂબ અસર કરે છે
નિર્ગમનના પુસ્તકમાંથી આપણે યહોવાહ વિષે શું શીખ્યા? આપણને જોવા મળ્યું કે યહોવાહ એક પ્રેમાળ પિતાની જેમ આપણી કાળજી રાખે છે. તે તેમના ભક્તોને કોઈ પણ આફતમાંથી બચાવી શકે છે. અને તે તેમની ઇચ્છાઓ પૂરી કરી શકે છે. ખરેખર, યહોવાહ આપણા રાજા છે.
તમે દેવશાહી સેવા શાળાની તૈયારી કરવા અઠવાડિયાનું બાઇબલ વાંચન કરો ત્યારે, નિર્ગમનમાંથી તમે જે શીખશો, એ તમારા દિલ સુધી પહોંચશે. “સવાલ-જવાબ” ભાગોમાંથી તમે અમુક કલમો વિષે ખૂબ શીખશો. “આપણે શું શીખી શકીએ?” ભાગ ચોક્કસ તપાસજો. એનાથી તમે દર અઠવાડિયાના વાંચનમાંથી પૂરો લાભ મેળવી શકશો.
[પાન ૨૪, ૩૫ પર ચિત્ર]
યહોવાહે મુસાને મિસરની ગુલામીમાંથી ઈસ્રાએલીઓને બહાર દોરી લાવવાનું કામ સોંપ્યું
[પાન ૨૫ પર ચિત્ર]
દસ મરકીઓ બતાવે છે કે યહોવાહ પાણી, સૂર્ય, જીવડાં, પ્રાણીઓ અને મનુષ્યો પર કાબૂ ધરાવે છે
[પાન ૨૬, ૨૭ પર ચિત્ર]
યહોવાહ ઈસ્રાએલીઓના રાજા બન્યા અને મુસા દ્વારા તેઓને માર્ગદર્શન આપ્યું