શું તમે યહોવામાં આશ્રય લો છો?
“યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેના પર ભરોસો રાખનારામાંથી એકે દોષિત ઠરશે નહિ.”—ગીત. ૩૪:૨૨.
૧. પાપી હોવાને કારણે ઘણા વફાદાર ઈશ્વરભક્તો કેવું અનુભવે છે?
પ્રેરિત પાઊલે લખ્યું હતું: “હું કેવો લાચાર માણસ છું!” (રોમ. ૭:૨૪) આજે, ઘણા વફાદાર ઈશ્વરભક્તો પાઊલની જેમ નિરાશા અને હતાશાની લાગણી અનુભવે છે. એમાં કોઈ શંકા નથી કે આપણે યહોવાને ખુશ કરવા ચાહીએ છીએ. પરંતુ, અપૂર્ણ હોવાથી આપણને વારસામાં પાપ મળ્યું છે. એટલે, જ્યારે તેમને નાખુશ કરીએ છીએ, ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. અમુક ભાઈ-બહેનોથી ગંભીર પાપ થયું છે. તેઓને લાગે છે કે યહોવા તેઓને ક્યારેય માફ નહિ કરે.
૨. (ક) ગીતશાસ્ત્ર ૩૪:૨૨ કઈ રીતે બતાવે છે કે ઈશ્વરભક્તોએ દોષની લાગણીમાં ડૂબી ન જવું જોઈએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું? (“બોધપાઠ કે પરિપૂર્ણતા?” બૉક્સ જુઓ.)
૨ બાઇબલ ખાતરી આપે છે કે જો આપણે યહોવામાં આશ્રય લઈશું, તો દોષની લાગણીમાં ડૂબી નહિ જઈએ. (ગીતશાસ્ત્ર ૩૪:૨૨ વાંચો.) પરંતુ, યહોવામાં આશ્રય લેવાનો શો અર્થ થાય? યહોવાની દયા અને માફી મેળવવા આપણે શું કરવું જોઈએ? એના જવાબો મેળવવા ચાલો પ્રાચીન ઇઝરાયેલના આશ્રયનગરોની ગોઠવણ વિશે શીખીએ. એ ગોઠવણ નિયમકરાર હેઠળ શરૂ થઈ હતી અને સાલ ૩૩માં પેન્તેકોસ્તના દિવસે એનો અંત આવ્યો. એ નિયમકરાર યહોવા તરફથી હતો. તેથી, આશ્રયનગરોની ગોઠવણથી શીખી શકાય કે યહોવા પાપને, પાપીને અને પસ્તાવો કરનારને કઈ નજરે જુએ છે? પણ ચાલો પહેલા આપણે જોઈએ કે, ઇઝરાયેલમાં શા માટે આશ્રયનગરો બનાવવામાં આવ્યા અને એ કઈ રીતે કામ કરતા હતા.
“તેઓ પોતાને માટે આશ્રયનગરો ઠરાવે”
૩. કોઈએ જાણીજોઈને ખૂન કર્યું હોય તો, ઇઝરાયેલીઓએ શું કરવાનું હતું?
૩ કોઈનું ખૂન થાય તો યહોવા એને ખૂબ ગંભીર ગણતા. જો એક ઇઝરાયેલી જાણીજોઈને કોઈનું ખૂન કરે, તો મરનાર વ્યક્તિના સૌથી નજીકના સગાએ ખૂનીને મારી નાખવાનો હતો. એ સગો “લોહીનું વેર લેનાર” ગણાતો. (ગણ. ૩૫:૧૯) આમ, નિર્દોષ વ્યક્તિનું ખૂન કરવા બદલ ખૂનીએ પોતાનો જીવ આપીને કિંમત ચૂકવવી પડતી. જો ખૂનીને જલદી મારી નાખવામાં ન આવે, તો વચનનો દેશ ભ્રષ્ટ થતો અને પવિત્ર રહેતો નહિ. યહોવાએ આજ્ઞા આપી હતી: “તમે જે ભૂમિમાં વસો છો તેને ભ્રષ્ટ ન કરશો. ખૂનથી ભૂમિ ભ્રષ્ટ થાય છે.”—ગણ. ૩૫:૩૩, ૩૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
૪. કોઈ ઇઝરાયેલીથી અજાણતા ખૂન થઈ જાય ત્યારે શું થતું?
૪ પરંતુ, કોઈ ઇઝરાયેલીથી અજાણતા ખૂન થઈ જાય ત્યારે શું થતું? ભલે ખૂન અજાણતા થયું હોય, તોપણ નિર્દોષ વ્યક્તિનું ખૂન કરવાને લીધે તે દોષી ગણાતો. (ઉત. ૯:૫) જોકે, યહોવાએ જણાવ્યું હતું કે એવા કિસ્સામાં દયા બતાવી શકાય છે. અજાણતા ખૂન થયું હોય તો, લોહીનું વેર લેનારથી બચવા ખૂનીએ આશ્રયનગરમાં નાસી જવાનું હતું. આખા ઇઝરાયેલમાં એવાં છ આશ્રયનગરો હતાં. જો તેને એમાં રહેવાની પરવાનગી મળે, તો તેનું રક્ષણ થતું. પરંતુ, તેણે પ્રમુખ યાજકના મરણ સુધી આશ્રયનગરમાં રહેવું પડતું.—ગણ. ૩૫:૧૫, ૨૮.
૫. આશ્રયનગરોની ગોઠવણ કઈ રીતે યહોવાના વિચારો સમજવા મદદ કરે છે?
૫ આશ્રયનગરોની ગોઠવણ માણસોએ નહિ, પણ યહોવાએ કરી હતી. તેમણે યહોશુઆને આજ્ઞા આપી હતી: “ઇઝરાયેલપુત્રોને કહે, કે તેઓ પોતાને માટે આશ્રયનગરો ઠરાવે.” એ શહેરોને ‘અલગ રાખવામાં’ આવ્યાં હતાં. યહોવાએ પોતે એ શહેરોને અલગ કર્યાં હતાં, એટલે કે પવિત્ર કર્યાં હતાં. (યહો. ૨૦:૧, ૨, ૭, ૮) યહોવાની દયાને વધુ સારી રીતે સમજવા એ ગોઠવણ કઈ રીતે મદદ કરે છે? યહોવામાં આશ્રય લેવા વિશે એનાથી શું શીખવા મળે છે?
તેણે “શહેરના વડીલોને પોતાની હકીકત જણાવવી”
૬, ૭. (ક) ખૂનીનો ન્યાય કરવા વડીલો કેવી ભૂમિકા નિભાવતા? સમજાવો. (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) ખૂન કરનાર વ્યક્તિ વડીલો સાથે વાત કરે એ કેમ જરૂરી હતું?
૬ જો કોઈ ઇઝરાયેલીથી અજાણતા ખૂન થઈ જાય, તો તેણે આશ્રયનગરમાં નાસી જવાનું હતું. શહેરના દરવાજા પાસે તેણે ‘પોતાની હકીકત નગરના વડીલોને જણાવવાની હતી.’ પછી, વડીલો તેને શહેરમાં રહેવાની મંજૂરી આપતા. (યહો. ૨૦:૪) અમુક સમય બાદ, વડીલો તેને એ શહેરમાં પાછો મોકલી આપતા જ્યાં ખૂન થયું હતું, જેથી ત્યાંના વડીલો તેનો ન્યાય કરી શકે. (ગણના ૩૫:૨૪, ૨૫ વાંચો.) જો એ વડીલોને લાગે કે ખૂન અજાણતા થયું છે, તો તેઓ તેને આશ્રયનગરમાં પાછો મોકલી આપતા.
૭ ખૂન કરનાર વ્યક્તિ વડીલો સાથે વાત કરે એ કેમ જરૂરી હતું? કારણ કે, વડીલોએ ધ્યાન રાખવાનું હતું કે યહોવાએ બતાવેલી દયામાંથી તે વ્યક્તિ લાભ મેળવી શકે. તેમ જ, ઇઝરાયેલ પ્રજાને શુદ્ધ રાખવાની જવાબદારી પણ તેઓની જ હતી. બાઇબલના એક નિષ્ણાતે જણાવ્યું: ‘ખૂન કરનાર જો વડીલો પાસે ન જાય, તો તેનું ખૂન તેના માથે; કારણ કે તેણે ઈશ્વરની આજ્ઞા પાળી ન હતી.’ પોતાનો જીવ બચાવવા ખૂનીએ મદદ માંગવી પડતી. જો તે આશ્રયનગરમાં ન જાય, તો મરનાર વ્યક્તિનો સૌથી નજીકનો સગો તેનું ખૂન કરી શકતો હતો.
૮, ૯. કોઈ ભાઈ કે બહેને ગંભીર પાપ કર્યું હોય તો, શા માટે તેમણે વડીલો સાથે વાત કરવી જોઈએ?
૮ આજે, કોઈ ભાઈ કે બહેન ગંભીર પાપ કરે તો, તેણે વડીલો પાસે જવું જોઈએ. વડીલો તેને યહોવા સાથેનો સંબંધ પાછો મજબૂત કરવા મદદ કરી શકે છે. એ શા માટે મહત્ત્વનું છે? પહેલું કારણ, વડીલોની ગોઠવણ યહોવાએ કરી છે, જેથી ગંભીર પાપના કિસ્સામાં તેઓ ન્યાય કરે. (યાકૂ. ૫:૧૪-૧૬) બીજું, પસ્તાવો કરનાર વ્યક્તિ વડીલોની મદદથી ઈશ્વરની કૃપા મેળવી શકે છે અને ફરી એ પાપ કરવાનું ટાળી શકે છે. (ગલા. ૬:૧; હિબ્રૂ. ૧૨:૧૧) ત્રીજું, વડીલોને તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ પસ્તાવો કરનારને ઉત્તેજન આપી શકે તેમજ તેને દુઃખ અને દોષના બોજથી રાહત અપાવી શકે. યહોવા એવા વડીલોને ‘તોફાનથી બચાવનાર ઓથા જેવા’ ગણે છે. (યશા. ૩૨:૧, ૨) શું તમને નથી લાગતું કે આ સુંદર ગોઠવણ કરીને યહોવાએ પોતાની દયાની સાબિતી આપી છે?
૯ વડીલો સાથે વાત કરવાથી અને તેઓની મદદ મેળવવાથી ઘણાં ભાઈ-બહેનોએ રાહત અનુભવી છે. દાખલા તરીકે, ડેનિયલ નામના ભાઈથી ગંભીર પાપ થયું હતું. પણ, મહિનાઓ સુધી તે વડીલો પાસે ન ગયા. તેમણે કહ્યું: ‘ઘણો સમય વીતી ગયો હતો, એટલે મને થયું કે વડીલો કંઈ ખાસ મદદ કરી શકશે નહિ.’ છતાં, તેમને હંમેશાં ડર લાગતો કે તેમનું પાપ એક દિવસે છતું થઈ જશે. તેમને લાગતું કે દરેક પ્રાર્થનાની શરૂઆત માફી માંગીને કરવી જોઈએ. છેવટે, તેમણે વડીલોની મદદ માંગી. વીતેલી કાલ પર નજર કરતા તે કહે છે: ‘વડીલો પાસે જવાનો મને ડર લાગતો હતો. પણ, તેઓની મદદ મેળવ્યા પછી લાગ્યું કે જાણે દિલ પરથી મોટો ભાર ઊતરી ગયો.’ હવે, ડેનિયલ યહોવા સાથે દિલ ખોલીને વાત કરી શકે છે અને તેમનું અંતર ડંખતું નથી. હાલ તે મંડળમાં સહાયક સેવક તરીકે સેવા આપે છે.
“તેણે એમાંના કોઈએક શહેરમાં નાસી છૂટવું”
૧૦. અજાણતા ખૂન કરનાર વ્યક્તિએ માફી મેળવવા શું કરવાનું હતું?
૧૦ અજાણતા ખૂન કરનાર વ્યક્તિએ માફી મેળવવી હોય તો, જરૂરી હતું કે તાત્કાલિક નજીકના આશ્રયનગરમાં નાસી જાય. (યહોશુઆ ૨૦:૪ વાંચો.) આશ્રયનગરમાં તેના જીવનું રક્ષણ થતું અને પ્રમુખ યાજકના મરણ સુધી તેણે ત્યાં જ રહેવાનું હતું. તેણે પોતાનાં નોકરી-ધંધા અને આરામદાયક ઘર છોડવાનાં હતાં. તે મુસાફરી કરી શકતો ન હતો.a (ગણ. ૩૫:૨૫) એ તેનું બલિદાન હતું. પણ પોતાના જીવના બદલામાં એ કિંમત સાવ નજીવી હતી. જો તે ક્યારેય આશ્રયનગરની બહાર જાય, તો એ બતાવતું કે તેના હાથે થયેલું ખૂન તેને મન ગંભીર વાત ન હતી. અરે, તેને પોતાના જીવની પણ કંઈ પડી ન હતી!
૧૧. પસ્તાવો કરનાર વ્યક્તિ કઈ રીતે બતાવી શકે કે યહોવાની કૃપા માટે તે આભારી છે?
૧૧ આજના સમયમાં પણ વ્યક્તિએ યહોવાની માફી મેળવવા પગલાં ભરવાની જરૂર છે. તેણે પોતાનાં પાપી કાર્યો છોડવાં પડશે. ગંભીર પાપ તરફ દોરી જતી દરેક બાબતોથી તેણે દૂર રહેવું પડશે. પસ્તાવો કરનાર કોરીંથના ખ્રિસ્તીઓ વિશે પ્રેરિત પાઊલે લખ્યું હતું: “ઈશ્વરને પસંદ પડે એ રીતે ઉદાસ થવાથી તમારામાં કેવી ધગશ જાગી! પોતાને નિર્દોષ સાબિત કરવા કેવી હોંશ જાગી! કેવો રોષ, કેવો ડર, દિલની કેવી તમન્ના, કેવો ઉત્સાહ! ખોટું સુધારીને ખરું કરવાની કેવી ધગશ!” (૨ કોરીં. ૭:૧૦, ૧૧) પાપથી દૂર રહેવા મહેનત કરીને આપણે યહોવાને બતાવીએ છીએ કે, આપણે પોતાના સંજોગો વિશે સભાન છીએ. તેમ જ, આપણને ખ્યાલ છે કે યહોવાની કૃપા આપોઆપ નથી મળી જવાની.
૧૨. યહોવાની દયા મેળવતા રહેવા આપણે કઈ બાબતો ત્યજવી પડશે?
૧૨ યહોવાની દયા મેળવતા રહેવા આપણે કઈ બાબતો ત્યજવી પડશે? આપણે એવી દરેક વસ્તુઓને છોડવા તૈયાર રહેવું પડશે, જે આપણને પાપ તરફ લઈ જાય છે. પછી ભલે, એ આપણને ખૂબ પસંદ હોય. (માથ. ૧૮:૮, ૯) દાખલા તરીકે, જો તમારા મિત્રો એવું કંઈક કરવાનું દબાણ કરે, જેનાથી યહોવાનું દિલ દુભાય, તો શું તમે એ મિત્રોની સંગત રાખશો? દારૂ પીવા પર કાબૂ ન રાખી શકતા હો તો, શું તમે એવા સંજોગો ટાળશો જે તમને વધુ પડતો દારૂ પીવા લલચાવે? શું તમે એવી ફિલ્મો, વેબસાઇટ અથવા પ્રવૃત્તિઓ ટાળશો, જે અનૈતિક ઇચ્છાઓ ઉશ્કેરે છે? યાદ રાખો, યહોવાના નિયમોને પાળવા તમે જે ત્યાગ આપો છો, એની યહોવા કદર કરે છે. જરા વિચારો, આપણાં કાર્યોને લીધે યહોવા આપણને ત્યજી દે, એ લાગણીથી ખરાબ બીજું શું હોય શકે! બીજી તર્ફે, યહોવાની અપાર “કૃપાથી” જે લાગણી ઉત્પન્ન થાય છે, એનાથી વધારે સારું બીજું શું હોય શકે!—યશા. ૫૪:૭, ૮.
‘એ નગરો તમારા રક્ષણ માટે છે’
૧૩. ખૂન કરનાર વ્યક્તિ આશ્રયનગરમાં કઈ રીતે સલામત, સુરક્ષિત અને ખુશહાલ રહી શકતી હતી? સમજાવો.
૧૩ ખૂન કરનાર વ્યક્તિ એકવાર આશ્રયનગરમાં પ્રવેશે પછી તે સુરક્ષિત હતી. યહોવાએ જણાવ્યું હતું કે ‘એ નગરો તમારા રક્ષણ માટે છે.’ (યહો. ૨૦:૨, ૩) યહોવા ચાહતા ન હતા કે, ખૂનીનો ન્યાય થઈ જાય પછી, એ જ કિસ્સા માટે ફરીથી તેનો ન્યાય કરવામાં આવે. ઉપરાંત, મરનારનો નજીકનો સગો લોહીનું વેર વાળવા આશ્રયનગરમાં ક્યારેય પ્રવેશી શકતો નહિ. ખૂન કરનાર વ્યક્તિ આશ્રયનગરમાં યહોવાના રક્ષણ હેઠળ સુરક્ષિત હતી. તે કેદમાં ન હતી. તે કામ કરી શકતી, બીજાઓને મદદ કરી શકતી, શાંતિથી યહોવાની સેવા કરી શકતી. હા, તે ખુશહાલ જીવનનો આનંદ માણી શકતી હતી!
૧૪. પસ્તાવો કરનાર સેવકો શાની ખાતરી રાખી શકે?
૧૪ અમુક ભાઈ-બહેનો ગંભીર પાપનો પસ્તાવો કર્યાં પછી પણ, દોષની લાગણી અનુભવે છે. અમુકને તો એવું લાગે છે કે યહોવા તેઓનાં પાપ ક્યારેય ભૂલશે નહિ. જો તમને એવું લાગતું હોય, તો ખાતરી રાખો કે યહોવા માફી આપે ત્યારે, પૂરેપૂરી માફી આપે છે. એટલે, દોષની લાગણીમાં રિબાવાની જરૂર નથી. અગાઉ આપણે ડેનિયલ વિશે જોયું, તેમની સાથે પણ એવું જ બન્યું હતું. વડીલોએ તેમને સુધારો કરવા અને અંતઃકરણ શુદ્ધ રાખવા મદદ કરી પછી, તેમણે રાહત અનુભવી. તેમણે કહ્યું હતું: ‘હવે હું દોષની લાગણીથી આઝાદ થયો છું. યહોવા એકવાર પાપ ભૂંસી નાખે, પછી એનો ડાઘ રહેવા દેતા નથી. તે આપણાં પાપનો બોજ દૂર ફેંકી દે છે, એકદમ દૂર. તમારે એ બોજ લઈને જીવવું પડતું નથી.’ આશ્રયનગરમાં વ્યક્તિએ ડરવાની જરૂર ન હતી કે લોહીનું વેર લેનાર તેનું ખૂન કરી નાખશે. એવી જ રીતે, એકવાર યહોવા આપણાં પાપ માફ કરી દે પછી, ડરવાની જરૂર નથી કે તે એ પાપોને ફરીથી યાદ કરશે કે એની માટે સજા કરશે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૨ વાંચો.
૧૫, ૧૬. ઈસુની ભૂમિકા વિશે જાણીને કઈ રીતે ઈશ્વરની દયા પર તમારો ભરોસો મજબૂત થાય છે?
૧૫ યહોવાની દયા પર ભરોસો રાખવાના આપણી પાસે ઇઝરાયેલીઓ કરતાં વધારે કારણો છે. પાઊલના શબ્દોનો વિચાર કરો. તે યહોવાની આજ્ઞા પૂરી રીતે પાળી શકતા ન હતા, એટલે પોતાને “લાચાર” કહે છે. જોકે, પછી તેમણે કહ્યું: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ઈશ્વરનો આભાર માનું છું!” (રોમ. ૭:૨૫) તેમનો કહેવાનો શો અર્થ હતો? પાઊલ ખોટી ઇચ્છાઓ સામે લડતા હતા, તેમણે અગાઉ પાપ કર્યાં હતાં. જોકે, તેમણે એ માટે પસ્તાવો કર્યો હતો. તેમને ભરોસો હતો કે ઈસુના બલિદાનને આધારે યહોવાએ તેમનાં પાપ માફ કર્યાં છે. એવી જ રીતે, આપણે પણ શુદ્ધ અંતઃકરણ અને મનની શાંતિ મેળવી શકીએ છીએ. (હિબ્રૂ. ૯:૧૩, ૧૪) પ્રમુખ યાજક ઈસુ “દ્વારા જેઓ ઈશ્વર આગળ જાય છે, તેઓને તે સંપૂર્ણ રીતે બચાવી શકે છે, કેમ કે તે હંમેશ માટે જીવતા હોવાથી તેઓ માટે અરજ કરી શકે છે.” (હિબ્રૂ. ૭:૨૪, ૨૫) પ્રાચીન સમયમાં, પ્રમુખ યાજક ઇઝરાયેલીઓને ખાતરી કરાવતા કે યહોવા તેઓનાં પાપ માફ કરશે. આજે, ઈસુ આપણા પ્રમુખ યાજક છે, એટલે “ખરા સમયે મદદ મળે માટે આપણે દયા અને અપાર કૃપા મેળવી શકીએ” છીએ. યહોવાની દયા પર ભરોસો રાખવાનું કેટલું મોટું કારણ!—હિબ્રૂ. ૪:૧૫, ૧૬.
૧૬ યહોવામાં આશ્રય લેવા માટે જરૂરી છે કે આપણે ઈસુના બલિદાનમાં શ્રદ્ધા રાખીએ. ખરું કે, એ બલિદાન સર્વ લોકો માટે છે. પરંતુ, ઈસુએ તમારા માટે પણ એ બલિદાન આપ્યું છે. એ બલિદાનથી તમને ફાયદો થયો છે, એવી શ્રદ્ધા રાખો. (ગલા. ૨:૨૦, ૨૧) એ બલિદાનને આધારે યહોવાએ તમારાં પાપ માફ કર્યાં છે, એવી શ્રદ્ધા રાખો. એ બલિદાનથી તમને હંમેશ માટે જીવવાની આશા મળી છે, એવી શ્રદ્ધા રાખો. ઈસુનું બલિદાન આપીને યહોવાએ તમને એક અનમોલ ભેટ આપી છે!
૧૭. તમે શા માટે યહોવામાં આશ્રય લેવા માંગો છો?
૧૭ આશ્રયનગરોની ગોઠવણથી આપણને યહોવાની દયા વિશે સમજવા મદદ મળી છે. એનાથી શીખવા મળે છે કે જીવન ખૂબ પવિત્ર છે. ઉપરાંત, એ શીખવે છે કે વડીલો કઈ રીતે મદદ કરી શકે, સાચો પસ્તાવો બતાવવાનો શો અર્થ થાય અને યહોવાની માફી પર આપણે કઈ રીતે પૂરેપૂરો ભરોસો રાખી શકીએ. શું તમે યહોવામાં આશ્રય લો છો? એનાથી સુરક્ષિત જગ્યા બીજી કોઈ નથી! (ગીત. ૯૧:૧, ૨) આવતા લેખમાં જોઈશું કે કઈ રીતે આશ્રયનગરો વિશે શીખવાથી યહોવાને અનુસરવા મદદ મળે છે, જે ન્યાય અને દયાનો ઉત્તમ દાખલો છે.
a અમુક યહુદી વિદ્વાનોનું માનવું છે કે, ખૂન કરનાર વ્યક્તિના નજીકના કુટુંબીજનો પણ આશ્રયનગરમાં જતા રહેતા.