રાજ્ય આશામાં આનંદી બનો!
એ એક આનંદદાયી પ્રસંગ હતો. માર્ચ ૧૦, ૨૦૦૧ના રોજ ૫,૭૮૪ લોકો ન્યૂયૉર્કમાં ત્રણ સ્થળોએ ભેગા મળ્યા. ત્યાંનું મોટું બેથેલ કુટુંબ એ સ્થળોનો ઉપયોગ કરે છે. એ ગિલયડ મિશનરિ સ્કૂલનો ૧૧૦મા વર્ગનો સ્નાતક પ્રસંગ હતો.
યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય, કેરી બાર્બરે સર્વનું સ્વાગત કરીને કાર્યક્રમ શરૂ કર્યો. તેમણે કહ્યું: “ગિલયડના ૧૧૦મા વર્ગના વિદ્યાર્થીઓ હવે મિશનરિ તરીકે આખી દુનિયાના કોઈ પણ વિસ્તારમાં સેવા કરવા માટે તૈયાર છે, એ જાણીને આપણને આનંદ થાય છે.”
કઈ રીતે આનંદ જાળવી રાખવો
ભાઈ બાર્બરની શરૂઆતની ટીકા પછી, ભાઈ ડોન આદમ્સે ૪૮ સ્નાતક વિદ્યાર્થીઓ અને શ્રોતાઓ સમક્ષ વાર્તાલાપ આપ્યો. એનો વિષય હતો, “યહોવાહનો આશીર્વાદ આપણને ધનવાન કરે છે.” નીતિવચન ૧૦:૨૨ પર આધારિત વાર્તાલાપમાં તેમણે શ્રોતાઓને જણાવ્યું કે યહોવાહ પોતાના સેવકોને રાજ્ય હિતોને જીવનમાં પ્રથમ સ્થાન આપતા જુએ છે ત્યારે, તે તેઓને નિભાવી રાખે છે અને આશીર્વાદ આપે છે. તેમણે વિદ્યાર્થીઓને પાઊલ જેવું વલણ રાખીને પોતાની નવી કાર્યસોંપણી સ્વીકારવાનું ઉત્તેજન આપ્યું. પાઊલને ‘મકદોનિયામાં આવીને સહાય કરવાનું’ કહેવામાં આવ્યું ત્યારે તે સ્વેચ્છાએ ત્યાં ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૯) પાઊલે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો છતાં, તેમને જ્યાં જવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યાં સ્વેચ્છાએ જઈ પ્રચાર કરવાથી ઘણા સારાં પરિણામો આવ્યાં.
સ્નાતક વર્ગના વિદ્યાર્થીઓએ પાંચ મહિના બાઇબલ અભ્યાસ કરવામાં અને મિશનરિ કાર્ય માટેની તૈયારીની તાલીમમાં ગાળ્યા. તોપણ, નિયામક જૂથના સભ્ય દાનિયેલ સિડલીકે તેઓને સતત શીખતા રહેવાનું ઉત્તેજન આપ્યું. “સાચા શિષ્ય બનો” વિષય પર વાર્તાલાપ આપતા, તેમણે કહ્યું: “શિષ્ય બનવાનો અર્થ, ઈસુની આજ્ઞાને પાળતા રહેવું થાય છે. એમાં સ્વેચ્છાથી હંમેશા તેમનાં વચનો, તેમનો સંદેશો અને તેમના શિક્ષણને ધ્યાનપૂર્વક સાંભળવાનો સમાવેશ થાય છે.” તેમણે બતાવ્યું કે ખ્રિસ્તના શિષ્યો પોતાના ધણીનું સાંભળ્યા વિના નિર્ણય લેતા નથી; દેવનું જ્ઞાન ખ્રિસ્તના જીવન સાથે ગાઢપણે સંકળાયેલું છે. (કોલોસી ૨:૩) આપણામાનું કોઈ પણ ફક્ત એક વખત ઈસુના શબ્દો સાંભળીને એવા નિષ્કર્ષ પર આવી શકતું નથી કે આપણે તેમના વિષે બધું જ જાણીએ છીએ. તેથી, ભાઈ સિડલીકે સ્નાતકોને સતત શીખવા, એને જીવનમાં લાગુ પાડવા અને મુક્તિ તરફ દોરી જતા ખ્રિસ્તના સત્યને શીખવવા માટે ઉત્તેજન આપ્યું.—યોહાન ૮:૩૧, ૩૨.
પરમેશ્વરની સેવામાં આનંદી રહેવા વ્યક્તિએ સ્વેચ્છાએ શિસ્ત અને શિક્ષણ સ્વીકારવું જોઈએ. ગિલયડના શિક્ષક લોરેન્સ બોવેને પ્રશ્ન ઊભો કર્યો કે “શું તમારું અંતઃકરણ તમને સુધારશે?” તેમણે બતાવ્યું કે બાઇબલમાં રૂપકાત્મક મન વ્યક્તિના વિચારો અને લાગણીઓ સાથે સંકળાયેલું છે. પરમેશ્વરના પ્રેરિત વચનની કોઈ સલાહ ઊંડી અસર કરે છે ત્યારે વ્યક્તિનું અંતઃકરણ તેને સુધારી શકે. (ગીતશાસ્ત્ર ૧૬:૭; યિર્મેયાહ ૧૭:૧૦) એક વફાદાર વ્યક્તિના જીવનથી યહોવાહના હૃદયને આનંદ મળે છે. નીતિવચન ૨૩:૧૫, ૧૬ વાંચ્યા પછી વક્તાએ પૂછ્યું: “શું તમારું અંતઃકરણ તમને સુધારશે? પછી તેમણે જણાવ્યું: “આપણું અંતઃકરણ આપણને સુધારે એ માટે આપણે પ્રાર્થના કરીએ. પરિણામે, તમારાં કાર્યોને લીધે યહોવાહને ઊંડો આનંદ થશે. આમ, તમે તેમના હૃદયને આનંદ પમાડો છો. હા, તમે તમારી કાર્ય સોંપણીને વફાદારીથી વળગી રહેશો તો, પરમેશ્વરના અંતઃકરણને આનંદિત કરશો.”
આ કાર્યક્રમનો છેલ્લો વાર્તાલાપ ભાઈ માર્ક નૌમરે આપ્યો. તે ગિલયડના શિક્ષક બન્યા પહેલાં કેન્યામાં મિશનરિ તરીકે સેવા આપતા હતા. તેમના વાર્તાલાપનો વિષય હતો, “આંખે જોવું તે વધારે સારું છે.” તેમણે સંતોષી રહેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો. સભાશિક્ષક ૬:૯ના સુમેળમાં ભાઈ નૌમરે સલાહ આપી: “વાસ્તવિકતાનો સામનો કરો. એટલે કે ‘આંખોથી જોવું.’ તમે જે કરવા માંગો છો, પણ કરતા નથી એ વિષે સપના જોવાને બદલે તમારા હાલના સંજોગો પર ધ્યાન આપો. સ્વપ્નની દુનિયામાં જીવીને અયોગ્ય આશાઓ રાખવાથી કે તમારી કાર્યસોંપણીના નકારાત્મક પાસાઓ પર ધ્યાન આપવાથી તમને અસંતોષ તથા નિરાશા સિવાય કંઈ જ નહિ મળે.” હા, આપણે ગમે ત્યાં હોઈએ કે ગમે તેવા સંજોગોમાં હોઈએ, પરંતુ આપણો સંતોષ પરમેશ્વર સાથેના આપણા સંબંધ પર આધારિત છે. આપણા પોતાના ગમે તેવા સંજોગોમાં પણ આ સંબંધ જાળવી રાખીશું તો આપણા મહાન પરમેશ્વરની આનંદથી ઉપાસના કરી શકીશું.
રાજ્યના પ્રચારમાં અને ગિલયડમાં આનંદી અનુભવો
ઉપર ઉલ્લેખવામાં આવેલા વાર્તાલાપોમાંથી વ્યવહારુ સલાહ મેળવ્યા પછી, વિદ્યાર્થીઓએ પોતાની પાંચ મહિનાની તાલીમ દરમિયાન સેવાકાર્યમાં મેળવેલા અનુભવોનું વર્ણન કર્યું. ગિલયડ સ્કૂલના રજિસ્ટ્રાર, વોલેશ લીવરેન્સના માર્ગદર્શન હેઠળ, સ્નાતક વિદ્યાર્થીઓએ બતાવ્યું કે તેઓ કઈ રીતે પોતાને પરમેશ્વરના સેવકો તરીકે રજૂ કરી શક્યા. (૨ કોરીંથી ૪:૨) તેઓ એવા લોકોનો રસ જાગૃત કરી શક્યા જેઓનું અંતઃકરણ હજુ પરમેશ્વરમાં વિશ્વાસ ધરાવતું હતું. વિદ્યાર્થીઓના અનુભવે બતાવ્યું કે તેઓએ કઈ રીતે રસ્તા પર, ઘરઘરના કે બીજા કોઈ પ્રકારના સેવાકાર્યમાં રસ ધરાવનારી વ્યક્તિઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. જુદા જુદા પ્રસંગોએ, રસ ધરાવનાર વ્યક્તિઓએ કહ્યું કે યહોવાહના સંગઠનનાં બાઇબલ આધારિત પ્રકાશનો સત્યના આધારે હોય છે. એક બાઇબલ કલમની ઘરમાલિક પર ઊંડી અસર પડી. તે અત્યારે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરે છે.
પછી, જોયેલ એડમ્સે અગાઉના સ્નાતક વિદ્યાર્થીઓના ઇન્ટર્વ્યૂં લીધા. તેમનો વિષય હતો, “શીખવાનું બંધ ન કરો, યહોવાહની સેવા કરવાનું બંધ ન કરો.” એ ઇન્ટર્વ્યૂં નવા મિશનરિઓ માટે સમયસરની સલાહ હતી. હેરી જોનસને પોતાના ગિલયડના ૨૬મા વર્ગના દિવસો યાદ કરતા કહ્યું: “અમને શીખવવામાં આવ્યું હતું કે યહોવાહ હંમેશા પોતાના લોકોને માર્ગ બતાવે છે અને બતાવતા રહેશે. એ ભરોસાએ વર્ષોથી અમને ઉત્તેજન આપ્યું છે.” ગિલયડના ૫૩મા વર્ગના સભ્ય, વિલિયમ નોનકીસે સ્નાતકોને સલાહ આપી: “બાઇબલ સિદ્ધાંતોને યાદ રાખીને તમે હમણાં અને ભવિષ્યમાં કંઈ પણ નિર્ણય લો ત્યારે, એને લાગુ પાડો એ સૌથી મહત્ત્વનું છે. પરિણામે, તમે ક્યારેય તમારી કાર્યસોંપણીને છોડશો નહિ અને યહોવાહનો આશીર્વાદ તમારી સાથે હશે.”
ભાઈ રીચર્ડ રિયાને “યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા સજ્જ થાવ,” વિષય પર વાર્તાલાપ આપ્યો. તેમણે જોન કુટ્રસનું ઇન્ટર્વ્યૂં લીધું. તે ગિલયડના ૩૦માંથી વર્ગમાં સ્નાતક થયા હતા. તેમણે ૪૧ કરતાં વધારે વર્ષો સ્પેનમાં મિશનરિ તરીકે કાર્ય કર્યું હતું. ગિલયડ અભ્યાસક્રમ વિષે પૂછવામાં આવ્યું ત્યારે ભાઈ કુટ્રસે જણાવ્યું: “બાઇબલ મુખ્ય પાઠ્ય પુસ્તક છે. ત્યાર પછી, આપણી પાસે બાઇબલ સમજવા બાઇબલ આધારિત બીજાં પુસ્તકો પણ છે. એ સર્વ આપણી પાસે પ્રાપ્ય છે. ગિલયડમાં કોઈ ગૂઢ માહિતી આપવામાં આવતી નથી. મેં હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે ગિલયડમાં જે જાણકારી આપવામાં આવે છે એ બધા સાક્ષીઓ પાસે હોય છે.”
યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય, ગેરીટ લોસ્ચે આ આત્મિક કાર્યક્રમના અંતમાં “યહોવાહની પાંખો તળે” વિષય પર વાર્તાલાપ આપ્યો. તેમણે સમજાવ્યું કે કઈ રીતે પરમેશ્વરના વફાદાર સેવકોને મળતું રક્ષણ અને ટેકાને બાઇબલમાં ગરુડની પાંખો તરીકે સરખાવવામાં આવ્યા છે. (પુનર્નિયમ ૩૨:૧૧, ૧૨; ગીતશાસ્ત્ર ૯૧:૪) ગરુડ પોતાનાં બચ્ચાંઓનું રક્ષણ કરવા કલાકો સુધી પોતાની પાંખો એઓ ફરતે ફેલાવેલી રાખે છે. અમુક સમયે, માદા ગરુડ પણ ઠંડીથી પોતાનાં બચ્ચાનું રક્ષણ કરવા એઓને પોતાની પાંખોમાં લપેટી લે છે. એવી જ રીતે યહોવાહ તેમના હેતુના સુમેળમાં પોતાના વિશ્વાસુ સેવકોને મદદ કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ આત્મિક રીતે મુશ્કેલીઓનો સામનો કરતા હોય. યહોવાહ પોતાના સેવકો પર એવાં પરીક્ષણો આવવા દેતા નથી કે જેને તેઓ સહન કરી ન શકે પરંતુ તેઓ સહન કરી શકે એ માટે તે એનો માર્ગ કાઢે છે. (૧ કોરીંથી ૧૦:૧૩) ભાઈ લોસ્ચે સમાપ્તિમાં કહ્યું: “આત્મિક રીતે રક્ષણ મેળવવા આપણે હંમેશા યહોવાહની પાંખો તળે રહેવું જોઈએ. એનો અર્થ એ થાય કે આપણે સ્વતંત્ર આત્મા ન કેળવવો જોઈએ. ચાલો આપણે હંમેશા યહોવાહ અને માતા જેવા તેમના સંગઠનની સાથે રહીએ, ક્યારેય પણ તેઓના માર્ગદર્શન અને પ્રેમાળ સલાહથી દૂર ન જઈએ!”
સભાપતિએ દુનિયાભરમાંથી આવેલા ટેલિગ્રામ અને શુભેચ્છા પત્રો વાંચ્યા. એ પછી વિદ્યાર્થીઓને સ્નાતકનું પ્રમાણપત્ર આપવાનો સમય આવ્યો. ગિલયડ સ્કૂલની સ્થાપના કરવામાં આવી ત્યારે પાંચ વર્ષમાં ગિલયડના મર્યાદિત વર્ગો રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ૫૮ વર્ષોથી યહોવાહ પરમેશ્વરે આ સ્કૂલને ચલાવી છે. ભાઈ બાર્બરે શરૂઆતમાં કહ્યું તેમ: “૧૯૪૩માં ગિલયડની શરૂઆત થઈ ત્યારથી સાચે જ ગિલયડ સ્નાતકોએ અદ્ભુત રેકોર્ડ રાખ્યો છે! તેઓની મહેનતથી પૃથ્વી પર હજારો નમ્ર લોકો યહોવાહની સંસ્થામાં જોડાયા છે.” હા, આ મિશનરિ શાળાને કારણે લાખો લોકોને રાજ્યની આશામાં આનંદી રહેવાની તક મળી છે.
[પાન ૨૪ પર બોક્સ]
વર્ગની વિગતો
પ્રતિનિધિત્વ કરેલા દેશોની સંખ્યા: ૮
સોંપણી કરવામાં આવેલા દેશોની સંખ્યા: ૧૮
વિદ્યાર્થીઓની સંખ્યા: ૪૮
સરેરાશ ઉંમર: ૩૪
સત્યમાં સરેરાશ વર્ષો: ૧૮
પૂરા-સમયના સેવાકાર્યમાં સરેરાશ વર્ષો: ૧૩
[પાન ૨૫ પર ચિત્ર]
વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૧૦મો સ્નાતક વર્ગ
નીચે આપેલી યાદીમાં, હરોળને આગળથી પાછળ ક્રમ આપવામાં આવ્યો છે અને નામો દરેક હરોળમાં ડાબેથી જમણે આપવામાં આવ્યાં છે.
(૧) વાસેક, ઈ.; મૅડલન, એલ.; એવાન્સ, જી.; વાટાનાબે, કે. (૨) ટ્રૅફર્ડ, પી.; ટર્ફા, જે.; વિલસન, પી.; વિલ્યમ્સ, આર.; વેબર, એ. (૩) જ્હોનસન, ટી.; હનૉ, કે.; મૉરલૂ, એફ.; શારપાનત્યૅ, એફ.; પૅકમ, આર.; એંડ્રસૉફ, પી. (૪) સીગર્સ, ટી.; સીગર્સ, ડી.; બેલી, પી.; બેલી, એમ.; મૅડલન, કે.; લિપોલ્ડ, ઈ.; લિપોલ્ડ, ટી. (૫) એવાન્સ, એન.; ગોલ્ડ, આર.; બોલમેન, આઈ.; વાસેક, આર.; અંજીએન, જે.; વિલસન, એન. (૬) ટર્ફા, જે.; ઝુડીમા, એલ.; ઝુડીમા, આર.; બેંગ્ટસૉન, સી.; બેંગ્ટસૉન, જે.; ગલોનો, એમ.; ગલોનો, એલ. (૭) પૅકમ, ટી.; મૉરલૂ, જે.; શારપાનત્યૅ, સી.; ગોલ્ડ, એમ.; બોલમેન, આર.; અંજીએન, એફ. (૮) વેબર, આર.; જ્હોનસન, બી.; હનૉ, ડી.; વાટાનાબે, વાય.; વિલ્યમ્સ, આર.; ટ્રૅફર્ડ, જી.; એંડ્રસૉફ, ટી.