પ્રકરણ ચાર
“જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની”
૧, ૨. (ક) રૂથ અને નાઓમીની મુસાફરીનું અને તેઓના દુઃખનું વર્ણન કરો. (ખ) રૂથ અને નાઓમીની મુસાફરીમાં શું ફરક હતો?
રૂથ અને નાઓમી એક સૂમસામ રસ્તા પર ચાલી રહી છે. એ રસ્તો મોઆબના ઊંચાણવાળા મેદાની વિસ્તારમાંથી પસાર થાય છે. આસપાસમાં તેઓ બંને સિવાય બીજું કોઈ નજરે પડતું નથી. રૂથ જુએ છે કે સાંજ ઢળતા પડછાયો લાંબો થઈ રહ્યો છે. તે પોતાની સાસુ તરફ નજર કરતા વિચારે છે કે રાતે આરામ કરવા કોઈ જગ્યા શોધવી પડશે. રૂથ નાઓમીને ખૂબ ચાહે છે અને નાઓમીની કાળજી રાખવા બનતું બધું જ કરવા માંગે છે.
૨ બંને સ્ત્રીઓના દિલ પર દુઃખનો ભારે બોજો છે. નાઓમી ઘણાં વર્ષોથી વિધવા છે. એ ઉપરાંત, તેના બે દીકરાઓ, માહલોન તથા કિલ્યોન હાલમાં જ ગુજરી ગયા હોવાથી, તે વધારે દુઃખી છે. રૂથ પણ શોકમાં ડૂબેલી છે, કેમ કે માહલોન તેનો પતિ હતો. રૂથ અને નાઓમી એક જ મુકામે જઈ રહ્યા છે. તેઓ ઇઝરાયેલના બેથલેહેમ શહેર જઈ રહ્યા છે. એક રીતે તેઓ બંનેની મુસાફરીમાં ફરક છે. નાઓમી પોતાના ઘરે પાછી જઈ રહી છે, જ્યારે કે રૂથ પોતાનું વતન, સગા-સંબંધીઓ, રીત-રિવાજો અને દેવી-દેવતાઓને છોડીને, એક અજાણી જગ્યાએ જઈ રહી છે.—રૂથ ૧:૩-૬ વાંચો.
૩. રૂથની શ્રદ્ધાને પગલે ચાલવા કયા સવાલોના જવાબ આપણને મદદ કરશે?
૩ યુવાન રૂથે શાને લીધે આવો મોટો ફેરફાર કર્યો? પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા અને નાઓમીની કાળજી રાખવા રૂથને ક્યાંથી હિંમત મળી? આ સવાલોના જવાબ મેળવવાથી મોઆબી રૂથની શ્રદ્ધાને પગલે ચાલવા ઘણી મદદ મળશે. (“સુંદર કળાની એક ઝલક” બૉક્સ પણ જુઓ.) ચાલો, પહેલા જોઈએ કે આ બે સ્ત્રીઓ કેમ બેથલેહેમની લાંબી મુસાફરીએ નીકળી હતી.
અણધારી આફતથી કુટુંબ વિખેરાઈ ગયું
૪, ૫. (ક) નાઓમીનું કુટુંબ શા માટે મોઆબ ગયું? (ખ) નાઓમીએ મોઆબમાં કેવી કસોટીઓનો સામનો કર્યો?
૪ રૂથ મોઆબમાં મોટી થઈ હતી, જે મૃત સરોવરની પૂર્વ તરફ આવેલો એક નાનકડો દેશ હતો. એ ઊંચાણવાળા મેદાની વિસ્તારમાં છૂટાછવાયાં વૃક્ષો ફેલાયેલાં હતાં, જેમાં વચ્ચે વચ્ચે અનેક ઊંડી ખાઈઓ હતી. ઇઝરાયેલમાં દુકાળ પડે ત્યારે પણ ‘મોઆબ દેશનાં’ ખેતરો ઘણાં ફળદ્રુપ સાબિત થતાં. આવા કોઈ દુકાળને કારણે જ રૂથ માહલોનને અને તેના કુટુંબને મળી.—રૂથ ૧:૧.
૫ ઇઝરાયેલમાં દુકાળ પડવાથી, નાઓમીના પતિ અલીમેલેખે પત્ની અને બે બાળકોને લઈને મોઆબમાં રહેવાનું નક્કી કર્યું. પરંતુ, ઇઝરાયેલીઓએ ભક્તિ કરવા માટે યહોવાએ પસંદ કરેલી જગ્યાએ નિયમિત જવાનું હતું. (પુન. ૧૬:૧૬, ૧૭) પોતાના વતનથી દૂર પરદેશી તરીકે રહેવાથી કદાચ અલીમેલેખના દરેક કુટુંબીજનની શ્રદ્ધાની કસોટી થઈ હશે. નાઓમીએ પોતાની શ્રદ્ધા જાળવી રાખી હતી. પણ તેના પતિ મરણ પામ્યા ત્યારે, તે દુઃખી દુઃખી થઈ ગઈ.—રૂથ ૧:૨, ૩.
૬, ૭. (ક) નાઓમીના દીકરાઓ મોઆબી સ્ત્રીઓને પરણ્યા ત્યારે તેને કેમ ચિંતા થઈ હશે? (ખ) નાઓમી પોતાની વહુઓ સાથે જે રીતે વર્તી, એ કેમ પ્રશંસાપાત્ર છે?
૬ પછી, નાઓમીના દીકરાઓ મોઆબી સ્ત્રીઓ સાથે પરણ્યા ત્યારે પણ નાઓમીને ઘણું દુઃખ થયું હશે. (રૂથ ૧:૪) તે જાણતી હતી કે તેની પ્રજાના કુળપિતા ઈબ્રાહીમે પોતાના દીકરા ઇસહાક માટે પત્ની મેળવવા ઘણી જહેમત ઉઠાવી હતી. તેમણે ઇસહાક માટે યહોવાને ભજતા પોતાના લોકોમાંથી જ સ્ત્રી પસંદ કરી હતી. (ઉત. ૨૪:૩, ૪) સમય જતાં, મુસાના નિયમે ઇઝરાયેલીઓને બીજી પ્રજાઓમાં દીકરા-દીકરીઓને પરણાવવાની મનાઈ કરી, જેથી ઈશ્વરના લોકો મૂર્તિપૂજામાં ન ફસાય.—પુન. ૭:૩, ૪.
૭ તેમ છતાં, માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. કદાચ એનાથી નાઓમી નિરાશ કે ચિંતિત થઈ ગઈ હશે. પરંતુ, તેણે રૂથ અને ઓર્પાહ સાથેના સંબંધ પર એની અસર પડવા ન દીધી. તે પોતાની વહુઓને સાચા દિલથી પ્રેમ કરતી હતી. કદાચ તેણે વિચાર્યું હશે કે કોઈ દિવસ તેઓ પણ પોતાની જેમ યહોવાની ભક્તિ કરશે. ગમે તે હોય, રૂથ અને ઓર્પાહને પણ નાઓમીની ઘણી માયા હતી. આવા સંબંધને લીધે આફતની ઘડીમાં તેઓને ઘણી મદદ મળી. બંને યુવાન સ્ત્રીઓ મા બને એ પહેલાં જ વિધવા થઈ ગઈ.—રૂથ ૧:૫.
૮. રૂથને યહોવાની નજીક આવવા શાનાથી મદદ મળી હશે?
૮ શું રૂથના સમાજે તેને આવા દુઃખદ સંજોગો માટે તૈયાર કરી હતી? કદાચ નહિ. મોઆબી લોકો ઘણા દેવી-દેવતાઓને ભજતા, જેઓમાંનો મુખ્ય કમોશ હતો. (ગણ. ૨૧:૨૯) એ સમયમાં ક્રૂરતા અને ત્રાસ સામાન્ય હતાં. એવું લાગે છે કે મોઆબી લોકોનો ધર્મ એનાથી બાકાત ન હતો, અરે એમાં બાળકોનાં બલિદાનનો પણ સમાવેશ થતો હતો. માહલોન અને નાઓમી પાસેથી રૂથ શીખી હશે કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા પ્રેમાળ અને દયાળુ છે. મોઆબના દેવો અને યહોવા ઈશ્વર વચ્ચે તેણે મોટો તફાવત જોયો હશે. યહોવા પ્રેમથી રાજ કરતા હતા, ધાકધમકીથી નહિ. (પુનર્નિયમ ૬:૫ વાંચો.) પતિના મોતનો કડવો ઘૂંટ ગળે ઉતાર્યા પછી, નાઓમી સાથે રૂથનો સંબંધ હજુ વધારે ગાઢ બન્યો હશે. વૃદ્ધ નાઓમીએ રૂથને સૌથી શક્તિશાળી ઈશ્વર યહોવા વિશે, તેમનાં અદ્ભુત કામો વિશે અને તે પોતાના લોકો સાથે જે રીતે વર્તે છે એના વિશે ઘણી વાતો કરી હશે. રૂથે ખુશીથી એ બધી વાતો સાંભળી હશે.
૯-૧૧. (ક) નાઓમી, રૂથ અને ઓર્પાહે કયો નિર્ણય લીધો? (ખ) નાઓમી, રૂથ અને ઓર્પાહ પર આવી પડેલી આફતોમાંથી આપણે શું શીખી શકીએ?
૯ નાઓમી પોતાના વતનથી કોઈ સમાચાર આવે એની રાહ જોઈ રહી હતી. એક દિવસ તેને કદાચ મુસાફરી કરતા વેપારી પાસેથી સમાચાર મળ્યા કે ઇઝરાયેલમાં દુકાળનો અંત આવ્યો હતો. યહોવાએ પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું હતું. બેથલેહેમનો અર્થ થાય, “અન્નનું ઘર.” બેથલેહેમ ફરીથી પોતાના નામ જેવું બની ગયું હતું. નાઓમીએ વતન પાછા ફરવાનો નિર્ણય કર્યો.—રૂથ ૧:૬.
૧૦ રૂથ અને ઓર્પાહે શું કર્યું? (રૂથ ૧:૭) તેઓના પતિ ગુજરી ગયા પછી, નાઓમી સાથે તેઓનો સંબંધ હજુ વધારે ગાઢ બન્યો હતો. એવું લાગે છે કે નાઓમીના પ્રેમભાવ અને યહોવામાં અડગ શ્રદ્ધાને લીધે, ખાસ કરીને રૂથ તેની વધારે નજીક આવી હતી. ત્રણે વિધવાઓ સાથે મળીને યહુદા તરફ ચાલી નીકળી.
૧૧ રૂથનો અહેવાલ યાદ અપાવે છે કે આફતો ખરાબ લોકો પર જ નહિ, પરંતુ સારા અને ઇમાનદાર લોકો પર પણ આવે છે. (સભા. ૯:૨, ૧૧) એ એમ પણ બતાવે છે કે અસહ્ય સંજોગોમાં આપણે બીજાઓ પાસેથી દિલાસો અને રાહત મેળવવાં જોઈએ. ખાસ કરીને નાઓમીની જેમ ઈશ્વર યહોવામાં આશરો લેતા લોકો પાસેથી આપણે મદદ મેળવવી જોઈએ.—નીતિ. ૧૭:૧૭.
રૂથનો અતૂટ પ્રેમ
૧૨, ૧૩. રૂથ અને ઓર્પાહને પોતાની સાથે લઈ જવાને બદલે નાઓમીએ કેમ તેઓને પાછા વતન જવાનું કહ્યું? શરૂઆતમાં રૂથ અને ઓર્પાહે શું કહ્યું?
૧૨ ત્રણે વિધવાઓ જેમ જેમ અંતર કાપતી ગઈ, તેમ તેમ નાઓમીને બીજી ચિંતા થવા લાગી. પોતાની સાથે ચાલતી યુવાન રૂથ અને ઓર્પાહ વિશે તે વિચારતી હતી; તેઓએ નાઓમીને તેમજ તેના દીકરાઓને બતાવેલા પ્રેમ વિશે તે વિચારતી હતી. તેને થવા લાગ્યું કે કદાચ પોતે તેઓના દુઃખમાં ઉમેરો કરી રહી છે. તેઓ પોતાનું વતન છોડીને નાઓમી સાથે આવે છે, પણ તે બેથલેહેમમાં તેઓ માટે શું કરી શકશે?
૧૩ આખરે, નાઓમી બોલી ઊઠી: “તમે પોતપોતાને પિયર પાછી જાઓ; જેમ તમે મરનારાઓ ઉપર તથા મારા ઉપર દયા રાખી છે, તેમ યહોવા તમારા પર દયા રાખો.” નાઓમીએ એવી આશા પણ રાખી કે યહોવા તેઓને નવા પતિ અને નવા ઘરનો આશીર્વાદ આપે. અહેવાલ જણાવે છે: “પછી તેણે તેઓને ચુંબન કર્યું; અને તેઓ પોક મૂકીને રડી પડી.” સમજી શકાય કે શા માટે રૂથ અને ઓર્પાહને આવી માયાળુ અને પ્રેમાળ નાઓમીની માયા હતી. તેઓ બંને કહી રહી હતી: “એમ નહિ બને, અમે તો તારી સાથે તારા લોકો મધ્યે પાછી આવીશું.”—રૂથ ૧:૮-૧૦.
૧૪, ૧૫. (ક) ઓર્પાહ કોની પાસે પાછી ફરી? (ખ) નાઓમીએ કઈ રીતે રૂથને પાછી જવા મનાવવાનો પ્રયત્ન કર્યો?
૧૪ જોકે, નાઓમી કંઈ હાર માને એવી ન હતી. તેણે ભારપૂર્વક સમજાવ્યું કે પોતે ઇઝરાયેલમાં તેઓ માટે બહુ કરી નહિ શકે, કેમ કે તેનું પોતાનું ભરણપોષણ કરવા પતિ નથી. ઉપરાંત, તેને બીજા દીકરાઓ પણ નથી કે રૂથ અને ઓર્પાહ તેઓને પરણે; નાઓમીને એવા કોઈ ભાવિની આશા પણ ન હતી. નાઓમીએ જણાવ્યું કે પોતે તેઓની સંભાળ રાખી નહિ શકે, એ વિચારીને મનમાં ને મનમાં ઘૂંટાયા કરે છે. ઓર્પાહના ગળે એ વાત ઊતરી ગઈ. મોઆબમાં તેનું કુટુંબ હતું, તેની મા હતી અને તેની રાહ જોતું ઘર હતું. એટલે, મોઆબમાં રહેવું તેને વાજબી લાગ્યું. તેણે નાઓમીને ચુંબન કરીને ભારે હૈયે વિદાય લીધી અને મોઆબ પાછી ગઈ.—રૂથ ૧:૧૧-૧૪.
૧૫ રૂથ વિશે શું? નાઓમીએ જે સમજાવ્યું એ રૂથ માટે પણ હતું. તોપણ, આપણે વાંચીએ છીએ: “રૂથ તેને વળગી રહી.” નાઓમી ફરી ચાલવા લાગી હશે ત્યારે, તેણે જોયું કે રૂથ તેની પાછળ પાછળ આવતી હતી. તેણે વિરોધ કરતા અરજ કરી: “જો, તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે; તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા.” (રૂથ ૧:૧૫) નાઓમીના શબ્દો વાચકોને એક મહત્ત્વની વિગત જણાવે છે. ઓર્પાહ ફક્ત પોતાના લોકો પાસે જ નહિ, “પોતાના દેવતાની” પાસે પાછી ગઈ હતી. તે કમોશ અને બીજા જૂઠા દેવોની ઉપાસક બની રહેવા રાજી હતી. પણ, રૂથને કેવું લાગ્યું?
૧૬-૧૮. (ક) રૂથે કઈ રીતે અતૂટ પ્રેમ બતાવ્યો? (ખ) અતૂટ પ્રેમ વિશે આપણે રૂથ પાસેથી શું શીખી શકીએ? (બંને સ્ત્રીઓનાં ચિત્રો પણ જુઓ.)
૧૬ એ એકાંત રસ્તા પર નાઓમી પાસે રૂથ આવી ત્યારે, તેનું મન મક્કમ હતું. તેનું દિલ નાઓમી માટે અને નાઓમી જેમને ભજતી હતી એ ઈશ્વર માટેના પ્રેમથી ઊભરાતું હતું. એટલે, રૂથ બોલી: “તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર; કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની; અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની; તારા લોક તે મારા લોક, ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે; જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ; જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે, તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે.”—રૂથ ૧:૧૬, ૧૭.
૧૭ રૂથના એ શબ્દો કેટલા સુંદર છે! એટલે જ, રૂથના મરણને ૩,૦૦૦ વર્ષો વીતી ગયાં પછી પણ એ શબ્દોને લોકો યાદ કરે છે. એ શબ્દો એક અનમોલ ગુણ, અતૂટ પ્રેમનું સુંદર વર્ણન કરે છે. રૂથને નાઓમી માટે એટલો અતૂટ પ્રેમ હતો કે નાઓમી જ્યાં જાય ત્યાં જવા તે તૈયાર હતી. ફક્ત મરણ જ તેઓને છૂટા પાડી શકે. નાઓમીના લોકો રૂથના લોકો બનશે, કેમ કે તે મોઆબનું બધું જ છોડી દેવા તૈયાર હતી, અરે મોઆબી દેવી-દેવતાઓને પણ. રૂથ તો ઓર્પાહથી અલગ હતી. તે પૂરા દિલથી કહી શકી કે નાઓમીના ઈશ્વર યહોવા, તેના પોતાના પણ ઈશ્વર છે!a
૧૮ હવે, મુસાફરીમાં ફક્ત રૂથ અને નાઓમી હતા; બેથલેહેમ સુધીનો લાંબો રસ્તો તેઓ આગળ હતો. એક અંદાજ પ્રમાણે, એ મુસાફરીને કદાચ એકાદ અઠવાડિયું પણ લાગ્યું હોય. જોકે, તેઓ બંનેએ આ શોકના સમયે એકબીજા પાસેથી અમુક હદે જરૂર દિલાસો મેળવ્યો હશે.
૧૯. કુટુંબમાં, મંડળમાં અને મિત્રોને તમે રૂથ જેવો અતૂટ પ્રેમ કઈ રીતે બતાવી શકો?
૧૯ આજે દુનિયામાં ઘણા લોકો શોકમાં ડૂબેલા છે. બાઇબલ આપણા સમયને “સંકટના સમયો” કહે છે, “જે સહન કરવા અઘરા” છે. (૨ તિમો. ૩:૧) આપણે પણ દરેક પ્રકારનાં દુઃખ-દર્દ સહેવાં પડે છે અને ગુજરી ગયેલાની ખોટ સહેવી પડે છે. એટલે, રૂથમાં જોવા મળતો ગુણ પહેલાં કરતાં આજે વધારે મહત્ત્વનો છે. એ ગુણ અતૂટ પ્રેમ છે, એવો પ્રેમ જે વ્યક્તિને વળગી રહે છે અને કોઈ પણ સંજોગોમાં તેનો સાથ છોડતો નથી. આવો અતૂટ પ્રેમ અંધકારમય દુનિયામાં ભલું કરવા માટે ખૂબ હિંમત આપે છે. લગ્નજીવનમાં, કુટુંબમાં, મિત્રતામાં અને મંડળમાં આપણને એ ગુણની બહુ જરૂર છે. (૧ યોહાન ૪:૭, ૮, ૨૦ વાંચો.) એવો પ્રેમ કેળવીએ તેમ, આપણે રૂથના સુંદર દાખલાને અનુસરીએ છીએ.
રૂથ અને નાઓમી બેથલેહેમ આવે છે
૨૦-૨૨. (ક) મોઆબથી આવેલી નાઓમી કેવી દેખાતી હતી? (ખ) નાઓમીએ પોતાની વિપત્તિઓ વિશે કેવો ખોટો વિચાર કર્યો હતો? (યાકૂબ ૧:૧૩ પણ જુઓ.)
૨૦ મારામાં અતૂટ પ્રેમ છે, એમ કહેવું તો સહેલું છે, પણ એને કાર્યોમાં બતાવવો એટલું સહેલું નથી. રૂથ પાસે સુંદર તક હતી કે ફક્ત નાઓમીને જ નહિ, યહોવાને પણ એવો પ્રેમ બતાવે, જેમને તેણે પોતાના ઈશ્વર માન્યા હતા.
૨૧ બંને સ્ત્રીઓ છેવટે બેથલેહેમ આવી પહોંચી, જે યરૂશાલેમની દક્ષિણે દસેક કિલોમીટર દૂર હતું. એમ લાગે છે કે એ નાનકડા ગામમાં એક સમયે નાઓમી અને તેનું કુટુંબ બહુ જાણીતા હતા. એટલે જ, નાઓમી પાછી ફરી ત્યારે એ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. નાઓમીને જોઈને ત્યાંની સ્ત્રીઓ કહેતી, “શું આ નાઓમી છે?” દેખીતું છે કે મોઆબમાં રહીને નાઓમી ઘણી બદલાઈ ગઈ હતી; વર્ષોથી દુઃખ-દર્દ સહી સહીને નાઓમી સાવ લેવાઈ ગઈ હતી.—રૂથ ૧:૧૯.
૨૨ એ વર્ષો જૂનાં સગાં-વહાલાં અને પડોશીઓને નાઓમીએ જણાવ્યું કે તેનું જીવન કેટલી કડવાશથી ભરાઈ ગયું છે. અરે, તેને એવું પણ લાગ્યું કે તેનું નામ નાઓમી, એટલે કે “મીઠી” બદલીને મારા એટલે કે “કડવી” કરી નાખવું જોઈએ. બિચારી નાઓમી! અગાઉ થઈ ગયેલા અયૂબની જેમ, નાઓમીને પણ લાગ્યું કે યહોવા ઈશ્વર તેના પર વિપત્તિઓ લાવ્યા હતા.—રૂથ ૧:૨૦, ૨૧; અયૂ. ૨:૧૦; ૧૩:૨૪-૨૬.
૨૩. રૂથ શાના વિશે વિચાર કરવા લાગી, અને મુસાના નિયમમાં ગરીબો માટે કેવી ગોઠવણ હતી? (ફૂટનોટ પણ જુઓ.)
૨૩ બંને સ્ત્રીઓ બેથલેહેમમાં ઠરીઠામ થઈ તેમ, પોતાનું અને નાઓમીનું ભરણપોષણ કઈ રીતે કરવું, એ વિશે રૂથ વિચારવા લાગી. તેને જાણવા મળ્યું કે યહોવાએ ઇઝરાયેલમાં પોતાના લોકોને આપેલા નિયમોમાં ગરીબો માટે એક પ્રેમાળ ગોઠવણ હતી. એમાં કાપણી વખતે, ખેતરમાં ફસલ કાપનારાઓએ જે ફસલ રહેવા દીધી હોય એને ગરીબો પોતાના માટે લઈ શકતા હતા. એટલું જ નહિ, ખેતરના ખૂણાઓએ અને કિનારે થયેલી ફસલ પણ તેઓ લણી શકતા.b—લેવી. ૧૯:૯, ૧૦; પુન. ૨૪:૧૯-૨૧.
૨૪, ૨૫. બોઆઝનાં ખેતરોમાં આવીને રૂથે શું કર્યું? કણસલાં વીણવાંનું કામ કેવું હતું?
૨૪ એ જવની કાપણીનો સમય હતો, જે આજના કેલેન્ડર પ્રમાણે એપ્રિલ મહિનો હોય શકે. એ સમયે રૂથ ખેતરોમાં જવા નીકળી, જેથી ખબર પડે કે કોણ તેને ગરીબો માટેની ગોઠવણ પ્રમાણે અનાજનાં કણસલાં વીણવાં દે છે. તે બોઆઝ નામના માણસનાં ખેતરોમાં જઈ ચડી, જે ધનવાન જમીનદાર હતા. તે નાઓમીના ગુજરી ગયેલા પતિ અલીમેલેખના સગા પણ હતા. ખરું કે નિયમ પ્રમાણે રૂથને કણસલાં વીણવાંનો હક્ક હતો, પણ તે જઈને તરત એમ કરવા ન લાગી. તેણે કાપણી કરનારાઓ પર દેખરેખ રાખતા યુવાન પાસે જઈને પરવાનગી માંગી. તેણે હા પાડતા જ રૂથ કામે લાગી ગઈ.—રૂથ ૧:૨૨–૨:૩, ૭.
૨૫ જરા કલ્પના કરો, રૂથ કાપણી કરનારાઓની પાછળ પાછળ જઈ રહી છે. તેઓ પોતાના ધારદાર દાતરડાથી જવની કાપણી કરી રહ્યા છે. તેઓથી જમીન પર પડી ગયેલાં અથવા કાપ્યાં વગર રહી ગયેલાં કણસલાં રૂથ વીણી રહી છે. તે એની પૂળીઓ બાંધે છે અને કોઈએક જગ્યાએ એકઠી કરે છે, જેથી છેલ્લે એને ઝૂડીને અનાજ છૂટું પાડી શકે. આ કામમાં ઘણો સમય લાગે અને થાક પણ એટલો જ લાગે. એમાંય બપોર પડતી જાય તેમ, આ કામ વધારે મહેનત માંગી લે છે. તોપણ, રૂથ લગાતાર કામ કરતી રહી. કપાળે બાઝેલો પરસેવો લૂછવા જ તે અટકતી. વિરામ કહો તો, ફક્ત બપોરે ખાવા માટે “ઘરમાં” જરા બેઠી હોય એ જ. આ ઘર પણ મજૂરોને છાંયો મળે એ માટે બનાવેલું એક છાપરું જ હતું.
૨૬, ૨૭. બોઆઝનો સ્વભાવ કેવો હતો? તેમણે રૂથ સાથે કેવો વર્તાવ કર્યો?
૨૬ રૂથે કદાચ એવી આશા કે અપેક્ષા રાખી ન હતી કે કોઈ તેની નોંધ લે. પરંતુ, બોઆઝે તેને જોઈ અને દેખરેખ રાખનાર યુવાનને પૂછ્યું કે તે કોણ છે. બોઆઝને ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા હતી. તે પોતાના કામદારોને મળતા ત્યારે કહેતા: “યહોવા તમારી સાથે હો,” ભલેને એ મજૂરો રોજ પર હોય કે પરદેશીઓ હોય. મજૂરો પણ એવી જ રીતે બોઆઝને સલામ પાઠવતા. યહોવાને અપાર પ્રેમ કરતા મોટી ઉંમરના આ માણસે એક પિતાની જેમ રૂથ વિશે પૂછપરછ કરી.—રૂથ ૨:૪-૭.
૨૭ બોઆઝે રૂથને “મારી દીકરી” કહીને બોલાવી. તેમણે સલાહ આપી કે રૂથ તેમનાં ખેતરોમાં જ આવતી રહે અને તેમના કુટુંબ-કબીલાની યુવતીઓ સાથે રહે, જેથી કોઈ પણ કામદાર તેને હેરાન ન કરે. બોઆઝે ગોઠવણ કરી કે બપોરે જમવા માટે રૂથને પૂરતો ખોરાક મળી રહે. (રૂથ ૨:૮, ૯, ૧૪ વાંચો.) ખાસ તો તે રૂથને શાબાશી અને ઉત્તેજન આપવા માંગતા હતા. કઈ રીતે?
૨૮, ૨૯. (ક) લોકોમાં રૂથની કેવી શાખ હતી? (ખ) રૂથની જેમ તમે પણ યહોવામાં કઈ રીતે આશરો મેળવી શકો?
૨૮ રૂથે બોઆઝને પૂછ્યું કે પોતે પરદેશી હોવા છતાં આટલી બધી કૃપા કેમ? બોઆઝે જવાબ આપ્યો કે રૂથે નાઓમી માટે જે કંઈ કર્યું છે, એ તેમણે સાંભળ્યું હતું. કદાચ નાઓમીએ બેથલેહેમની સ્ત્રીઓ આગળ પોતાની વહાલી રૂથના વખાણ કર્યા હશે, જેના વિશે બોઆઝે સાંભળ્યું હતું. તેમને એ પણ ખબર હતી કે રૂથ યહોવાને ભજવા લાગી છે; એટલે, તેમણે કહ્યું: ‘યહોવા તારા કામનું ફળ તને આપો, ને જે ઇઝરાયેલના ઈશ્વર યહોવાની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો.’—રૂથ ૨:૧૨.
૨૯ એ શબ્દોથી રૂથને કેટલું ઉત્તેજન મળ્યું હશે! સાચે જ, જેમ પંખીનું બચ્ચું માળામાં પોતાનાં માબાપનું રક્ષણ અનુભવે છે, તેમ તેણે યહોવા ઈશ્વરની પાંખો નીચે આશરો લેવાનું નક્કી કર્યું હતું. તેણે બોઆઝનો આભાર માન્યો કે તેમણે આવું ઉત્તેજન આપ્યું. સાંજ ઢળી ત્યાં સુધી તે ખેતરમાં કામ કરતી રહી.—રૂથ ૨:૧૩, ૧૭.
૩૦, ૩૧. સખત મહેનત, કદર અને અતૂટ પ્રેમ વિશે રૂથ પાસેથી શું શીખી શકાય?
૩૦ આજની દુનિયામાં રોજીરોટી મેળવવા સખત મહેનત કરવી પડે છે. એવા સમયે રૂથની શ્રદ્ધાનો દાખલો આપણા માટે એકદમ સરસ છે. તેણે એવું ન વિચાર્યું કે બીજાઓએ તેના માટે કંઈ કરવું જોઈએ. રૂથને જે કંઈ આપવામાં આવ્યું એની તેણે દિલથી કદર કરી. પોતાની વહાલી સાસુની સંભાળ રાખવા, તેણે કલાકો સુધી સખત મહેનત કરી. એ મામૂલી કામ કરવામાં તેને જરાય શરમ ન આવી. સલામતીમાં અને સારી સંગતમાં કામ કરવાની શાણી સલાહ માટે તેણે આભાર માન્યો; તેણે એ સલાહ સાંભળી અને સ્વીકારી. સૌથી મહત્ત્વનું તો, તેનો સાચો આશરો તેનું રક્ષણ કરનાર પિતા યહોવા હતા. રૂથે કદીયે એના પરથી પોતાનું ધ્યાન ફંટાવા ન દીધું.
૩૧ રૂથે અતૂટ પ્રેમ, નમ્રતા અને કદર બતાવ્યાં; તેણે સખત મહેનત કરી. જો તેની જેમ કરીએ, તો આપણી શ્રદ્ધા પણ બીજાઓને મદદ કરશે. ચાલો હવે જોઈએ કે યહોવાએ રૂથ અને નાઓમીને કઈ રીતે મદદ પૂરી પાડી. હવે પછીનું પ્રકરણ એ વિશે જણાવશે.
a બીજી પ્રજાના ઘણા લોકો કદાચ “ઈશ્વર” જેવો ખિતાબ વાપરતા. પણ નોંધપાત્ર છે કે રૂથે ઈશ્વરનું નામ, યહોવા વાપર્યું. ધી ઇન્ટરપ્રિટર્સ બાઇબલ જણાવે છે: “આમ, લેખક ભાર મૂકે છે કે આ પરદેશી સાચા ઈશ્વરને ભજે છે.”
b એ નિયમ અજોડ હતો. મોઆબમાં તો એના જેવો કોઈ નિયમ હતો જ નહિ. એ જમાનામાં મધ્યપૂર્વના એ વિસ્તારોમાં વિધવાઓ સાથે બહુ ખરાબ વર્તન કરવામાં આવતું હતું. એના પર એક પુસ્તક જણાવે છે: “પતિના મરણ પછી, સામાન્ય રીતે વિધવાએ સહારા માટે તેના દીકરાઓ પર નિર્ભર રહેવું પડતું; જો તેને કોઈ દીકરો ન હોય, તો તેણે ગુલામ તરીકે વેચાઈ જવું પડતું, અથવા તો વેશ્યા બનવું પડતું, અથવા મોતને ભેટવું પડતું.”