ગણના
૨૧ હવે નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ+ સાંભળ્યું કે ઇઝરાયેલીઓ અથારીમના માર્ગે આવી રહ્યા છે. ત્યારે તેણે તેઓ પર હુમલો કર્યો અને અમુકને બંદી બનાવીને લઈ ગયો. ૨ તેથી ઇઝરાયેલીઓએ યહોવા આગળ આ માનતા લીધી: “જો તમે આ લોકોને અમારા હાથમાં સોંપશો, તો અમે તેઓનાં શહેરોનો ચોક્કસ નાશ કરી દઈશું.” ૩ યહોવાએ ઇઝરાયેલીઓનું સાંભળ્યું અને કનાનીઓને તેઓના હાથમાં સોંપી દીધા. ઇઝરાયેલીઓએ તેઓનો અને તેઓનાં શહેરોનો નાશ કરી દીધો અને એ જગ્યાનું નામ હોર્માહ*+ પાડ્યું.
૪ તેઓએ હોર પર્વતથી+ લાલ સમુદ્રને માર્ગે પોતાની મુસાફરી આગળ ધપાવી, જેથી અદોમમાંથી+ પસાર થવું ન પડે. પણ મુસાફરીથી તેઓ ખૂબ થાકી ગયા. ૫ લોકો ઈશ્વર અને મૂસા વિરુદ્ધ કચકચ કરતા કહેવા લાગ્યા:+ “તમે શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યા? શું આ વેરાન પ્રદેશમાં અમને મારી નાખવા? અહીં તો ન ખોરાક છે, ન પાણી.+ આ રોટલીથી તો અમે કંટાળી ગયા છીએ.”*+ ૬ તેથી યહોવાએ લોકોમાં ઝેરી સાપો મોકલ્યા અને એ લોકોને કરડવા લાગ્યા. એનાથી ઘણા ઇઝરાયેલીઓ માર્યા ગયા.+
૭ લોકોએ મૂસા પાસે આવીને કહ્યું: “અમે યહોવા વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ કચકચ કરીને પાપ કર્યું છે.+ હવે કૃપા કરીને, અમારા વતી યહોવાને પ્રાર્થના કરો કે તે અમારી મધ્યેથી સાપોને દૂર કરે.” તેથી મૂસાએ લોકો વતી પ્રાર્થના કરી.+ ૮ યહોવાએ મૂસાને કહ્યું: “તું એ ઝેરી સાપના આકારનો એક સાપ બનાવ અને એને થાંભલા પર મૂક. જેને સાપ કરડે, તેણે થાંભલા પરના સાપને જોવો, જેથી તે જીવતો રહે.” ૯ મૂસાએ તરત જ તાંબાનો સાપ બનાવ્યો+ અને એને થાંભલા પર મૂક્યો.+ જ્યારે કોઈ માણસને સાપ કરડતો, ત્યારે તે તાંબાના સાપને જોતો અને જીવતો રહેતો.+
૧૦ પછી ઇઝરાયેલીઓ ત્યાંથી નીકળ્યા અને તેઓએ ઓબોથમાં છાવણી નાખી.+ ૧૧ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની પૂર્વ તરફ આવેલા વેરાન પ્રદેશમાં ઈયેઅબારીમમાં છાવણી નાખી.+ ૧૨ ત્યાંથી નીકળીને તેઓએ ઝેરેદની ખીણ પાસે છાવણી નાખી.+ ૧૩ તેઓ ત્યાંથી નીકળ્યા અને આર્નોનના વિસ્તારમાં છાવણી નાખી.+ એ વિસ્તાર એ વેરાન પ્રદેશમાં છે, જે અમોરીઓની સરહદથી શરૂ થાય છે. આર્નોન તો મોઆબની સરહદ છે તેમજ મોઆબ અને અમોરીઓના દેશની વચ્ચે આવેલું છે. ૧૪ એટલે જ, યહોવાનાં યુદ્ધોના પુસ્તકમાં આ જગ્યાઓનો ઉલ્લેખ જોવા મળે છે: “સૂફાહમાં વાહેબ અને આર્નોનની ખીણો ૧૫ તેમજ ખીણોનો ઢોળાવ, જે આરના વિસ્તાર સુધી ફેલાયેલો છે અને મોઆબની સરહદને અડીને છે.”
૧૬ પછી તેઓ બએર પહોંચ્યા. આ એ જ કૂવો છે, જેના વિશે યહોવાએ મૂસાને કહ્યું હતું: “લોકોને ભેગા કર અને હું તેઓને પાણી આપીશ.”
૧૭ એ સમયે ઇઝરાયેલીઓએ આ ગીત ગાયું હતું:
“હે કૂવા, તારા પાણીનાં ઝરણાં ફૂટી નીકળો! (કૂવાને જવાબ આપો!)
૧૮ એ કૂવો અધિકારીઓએ, હા, લોકોના આગેવાનોએ ખોદ્યો હતો,
તેઓએ શાસકની છડીથી* અને પોતાની છડીથી ખોદ્યો હતો.”
પછી તેઓ વેરાન પ્રદેશથી નીકળીને માત્તાનાહ ગયા. ૧૯ માત્તાનાહથી નાહલીએલ અને નાહલીએલથી બામોથ+ ગયા. ૨૦ બામોથથી નીકળીને તેઓ મોઆબના વિસ્તારમાં*+ આવેલી ખીણમાં ગયા, પિસ્ગાહની એ ટોચ સુધી+ ગયા જ્યાંથી યશીમોન* દેખાય છે.+
૨૧ પછી ઇઝરાયેલે સંદેશવાહકો મોકલીને અમોરીઓના રાજા સીહોનને કહેવડાવ્યું:+ ૨૨ “કૃપા કરીને અમને તમારા દેશમાંથી પસાર થવા દો. અમે તમારાં ખેતરો કે દ્રાક્ષાવાડીઓ વચ્ચેથી પસાર થઈશું નહિ કે તમારા કૂવાનું પાણી પીશું નહિ. અમે તમારો વિસ્તાર પસાર કરીએ ત્યાં સુધી ફક્ત મુખ્ય રસ્તા* ઉપર જ ચાલીશું.”+ ૨૩ પણ સીહોને ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાંથી પસાર થવા દીધા નહિ. તેણે તો તેના બધા લોકોને ભેગા કર્યા અને વેરાન પ્રદેશમાં ઇઝરાયેલ વિરુદ્ધ લડવા નીકળી પડ્યો. તે યાહાસ આવ્યો અને ઇઝરાયેલ સામે લડ્યો.+ ૨૪ પણ ઇઝરાયેલીઓએ તેને તલવારથી હરાવ્યો.+ તેઓએ આર્નોનથી લઈને+ આમ્મોનીઓના વિસ્તાર પાસેના યાબ્બોક સુધી+ તેનો પ્રદેશ કબજે કર્યો.+ જોકે, ઇઝરાયેલીઓ યાઝેરથી+ આગળ ગયા નહિ, કેમ કે યાઝેર આમ્મોનીઓના વિસ્તારની સરહદ છે.+
૨૫ ઇઝરાયેલીઓએ એ બધાં શહેરો જીતી લીધાં. તેઓ અમોરીઓનાં+ બધાં શહેરોમાં રહેવા લાગ્યા, જેમાં હેશ્બોન અને એની આસપાસનાં નગરોનો પણ સમાવેશ થાય છે. ૨૬ હવે હેશ્બોન તો અમોરીઓના રાજા સીહોનનું શહેર હતું. સીહોને મોઆબના રાજા સામે લડીને આર્નોન સુધી તેનો આખો પ્રદેશ કબજે કર્યો હતો. ૨૭ એટલે જ મહેણાં મારવા આ કહેવતની શરૂઆત થઈ હતી:
“હેશ્બોન આવો.
સીહોનનું શહેર બંધાય અને દૃઢ સ્થપાય.
૨૮ હેશ્બોનથી આગ નીકળી, સીહોનના નગરમાંથી જ્વાળા પ્રગટી.
એણે મોઆબના આરને, હા, આર્નોનની ઊંચી જગ્યાઓના માલિકોને ભસ્મ કરી દીધા.
૨૯ હે મોઆબ, તને અફસોસ! હે કમોશની*+ પ્રજા, તારો વિનાશ થશે!
કમોશ તો પોતાના દીકરાઓને શરણાર્થીઓ બનાવે છે, પોતાની દીકરીઓને અમોરીઓના રાજા સીહોનની ગુલામડીઓ બનાવે છે.
૩૦ ચાલો, તેઓ પર હુમલો કરીએ;
છેક દીબોન+ સુધી હેશ્બોનનો વિનાશ થશે;
દૂર નોફાહ સુધી એને ઉજ્જડ કરી નાખીએ;
છેક મેદબા+ સુધી આગ ફેલાઈ જશે.”
૩૧ આ રીતે, ઇઝરાયેલીઓ અમોરીઓના વિસ્તારમાં રહેવા લાગ્યા. ૩૨ મૂસાએ અમુક માણસોને યાઝેરની+ જાસૂસી કરવા મોકલ્યા. પછી ઇઝરાયેલીઓએ યાઝેરની આસપાસનાં* નગરો કબજે કર્યાં અને ત્યાં રહેતા અમોરીઓને હાંકી કાઢ્યા. ૩૩ ત્યાર બાદ તેઓ ફરીને બાશાનને માર્ગે ગયા. બાશાનનો રાજા ઓગ+ તેઓ સામે લડવા પોતાના લોકો સાથે એડ્રેઈમાં+ આવ્યો. ૩૪ યહોવાએ મૂસાને કહ્યું: “તેનાથી ડરીશ નહિ,+ કેમ કે તેને, તેની પ્રજાને અને તેના દેશને હું તારા હાથમાં સોંપીશ.+ હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનના તેં જેવા હાલ કર્યા હતા, એવા જ હાલ તેના પણ કરજે.”+ ૩૫ તેથી ઇઝરાયેલીઓએ રાજાને, તેના દીકરાઓને અને તેના લોકોને મારી નાખ્યા. તેના લોકોમાંથી કોઈ બચ્યું નહિ.+ તેઓએ તેનો દેશ પણ કબજે કરી લીધો.+