યહોવાહનો શબ્દ જીવંત છે
પહેલા શમૂએલના મુખ્ય વિચારો
યહોશુઆએ ઈશ્વરે આપેલા વચનના દેશને તાબે કર્યું એના લગભગ ૩૦૦ વર્ષ પછીની વાત છે. ઈસવી સન પૂર્વે ૧૧૧૭ની સાલ છે. ઈસ્રાએલના વડીલો યહોવાહના પ્રબોધકને કંઈક વિનંતી કરે છે. આ સાંભળીને પ્રબોધક યહોવાહને પ્રાર્થના કરે છે. યહોવાહ તેઓનું સાંભળે છે. ત્યારથી ઈસ્રાએલમાં ન્યાયધીશોના સમય પર પડદો પડે છે અને રાજાઓનો પડદો ખૂલે છે. બાઇબલમાં પહેલો શમૂએલ નામનું પુસ્તક એ બધી વિગતો આપે છે.
પહેલો શમૂએલના લેખકો, શમૂએલ, નાથાન અને ગાદ છે. એમાં ઈસવી સન પૂર્વે ૧૧૮૦-૧૦૭૮ એમ કુલ ૧૦૨ વર્ષનો ઈતિહાસ છે. (૧ કાળવૃત્તાંત ૨૯:૨૯) પહેલા શમૂએલમાં ઈસ્રાએલના ચાર આગેવાનો વિષે જોવા મળે છે. એમાં બે ન્યાયાધીશો હતા જ્યારે કે, બીજા બે રાજા હતા. બે હિંમતવાન સ્ત્રીઓ વિષે પણ શીખવા મળે છે. આપણે કોના જેવું બનવું જોઈએ કોના જેવું નહિ એ પહેલા શમૂએલમાંથી શીખવા મળે છે.—હેબ્રી ૪:૧૨.
શમૂએલ એલીની જગ્યા લે છે
તહેવારનો સમય છે. રામાહમાં રહેતી હાન્નાહનું દિલ ખુશીઓથી ઝૂમી ઊઠ્યું છે.a યહોવાહે તેની પ્રાર્થના સાંભળી અને તે દીકરાને જન્મ આપે છે. હાન્નાહએ સમ ખાધા હતા કે તેના દીકરાને તે “યહોવાહના મંદિરમાં” સેવા કરવા માટે મોકલશે. આથી, તે શમૂએલને ત્યાં લઈ જાય છે. તે ‘એલી યાજકની આગળ યહોવાહની સેવા કરે છે.’ (૧ શમૂએલ ૧:૨૪; ૨:૧૧) શમૂએલ તો હજૂ નાનકડો હતો ને ખુદ યહોવાહ તેને સંદેશો આપે છે. એ સંદેશો પણ એલીના કુટુંબને પાપ લાગશે. શમૂએલ જેમ જેમ મોટો થતો જાય છે એમ એમ ઈસ્રાએલના લોકો તેને યહોવાહના સેવક તરીકે માને છે.
અમુક વર્ષો પછી, પલિસ્તીઓ ઈસ્રાએલ પર હુમલો કરે છે. તેઓ કરાર કોષને લઈ લે છે અને એલીના બંને પુત્રોને મારી નાખે છે. માઠા સમાચાર સાંભળીને બાપની હાલત શું થાય? એલીનો પણ જીવ ઓલવાય જાય છે. એલીએ “ચાળીસ વર્ષ સુધી ઇસ્રાએલીઓનો ન્યાય કર્યો હતો.” (૧ શમૂએલ ૪:૧૮) પલિસ્તીઓ કરારકોશ લઈ તો ગયા પરંતુ એનાથી તેમને જ નુકશાન થયું. આથી તેઓએ ઇસ્ત્રાએલીઓને એ પાછો આપી દે છે. શમૂએલ હવે ઇસ્રાએલીઓનો ન્યાય કરે છે. પછી દેશમાં શાંતિ થઈ.
સવાલ-જવાબ:
૨:૧૦—હાન્નાહે શા માટે પ્રાર્થનામાં યહોવાહને “પોતાના રાજાને બળ” આપવાનું કહ્યું જ્યારે કે એ વખતે ઈસ્રાએલમાં તો કોઈ રાજા ન હતા? મુસાના નિયમમાં લખ્યું હતું કે ઈસ્રાએલમાં રાજા આવશે. (પુનર્નિયમ ૧૭:૧૪-૧૮) યાકૂબ ગુજરી ગયા એ પહેલા ભવિષ્યવાણી કરી કે, “શીલોહ નહિ આવે ત્યાં સુધી યહુદાહમાંથી રાજદંડ ખસશે નહિ.” (ઉત્પત્તિ ૪૯:૧૦) સારાહ વિષે યહોવાહે કહ્યું હતું કે, “તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.” (ઉત્પત્તિ ૧૭:૧૬) આથી, હાન્નાહે પ્રાર્થના કરી એ તો ભવિષ્યમાં આવનાર રાજા વિષે હતી.
૩:૩—શું શમૂએલ મંદિરની પરમપવિત્ર જગ્યાએ સૂતો હતો? ના. શમૂએલ લેવીય હતો પણ યાજક કૂળનો ન હતો. તે કહાથી હતો. (૧ કાળવૃત્તાંત ૬:૩૩-૩૮) તેથી તેને ‘પરમપવિત્ર વસ્તુઓને જોવાને એક પળ પણ અંદર ન’ જવાની આજ્ઞા આપી હતી. (ગણના ૪:૧૭-૨૦) શમૂએલ ફક્ત મંડપના આંગણામાં જ જઈ શક્તો હતો. તે એલીની સાથે ત્યાં જ સૂતો હોય શકે. “જ્યાં ઈશ્વરનો કરાર કોષ” રાખવામાં આવે છે એ મંદિરના વિસ્તારને લાગુ પડે છે.
૭:૭-૯, ૧૭—બલીદાન તો યહોવાહ કહે એ જ જગ્યાએ ચઢાવવાના હતા તો પછી, શા માટે શમૂએલે મિસ્પાહમાં બલીદાન ચઢાવ્યું અને વેદી રામાહમાં બાંધી? (પુનર્નિયમ ૧૨:૪-૭, ૧૩, ૧૪; યહોશુઆ ૨૨:૧૯) શીલોહમાંથી પવિત્ર કરારકોશની જગ્યા બદલ્યા પછી યહોવાહની હાજરી ત્યાં ન હતી. ઈશ્વરભક્ત તરીકે શમૂએલે મિસ્પાહમાં બલીદાનો ચઢાવ્યા હતા અને રામાહમાં વેદી બાંઘી હતી. એનાથી યહોવાહ રાજી હતા.
આપણે શું શીખી શકીએ?
૧:૧૧, ૧૨, ૨૧-૨૩; ૨:૧૯. હાન્નાહ નમ્ર હતી. દિલમાં ભક્તિભાવ ભર્યો હતો. ઈશ્વરની કૃપા ભૂલી ન હતી. દિલમાં મમતા હતી. ઈશ્વરનો ડર રાખનાર બહેનો માટે કેટલો સુંદર દાખલો!
૧:૮. એલ્કાનાએ જે હિંમત આપી એમાથી આપણે પણ એમાંથી શીખી શકીએ છીએ. (અયૂબ ૧૬:૫) તેની દુઃખી પત્ની હાન્નાહને પ્રેમથી પૂછ્યું કે “તારું મન કેમ ઉદાસ રહે છે?” એનાથી હાન્નાહના પોતાના દિલનો બોજો ઠાલવી શકે. પછી આલ્કાનાએ દિલાસો આપ્યો કે, “દશ દિકરા કરતાં શું હું તને અધિક નથી?”
૨:૨૬; ૩:૫-૮, ૧૫, ૧૯. આપણે ઈશ્વરની અને માણસોની “કૃપા” મેળવવી હોય તો, ઈશ્વરે સોંપેલા કામમાં મંડ્યા રહેવું જોઈએ, ઈશ્વરના માર્ગમાં ચાલવાની જે તાલીમ મળે એ દિલથી સ્વીકાવી જોઈએ, તેમ જ, માયાળું સ્વભાવ રાખવો જોઈએ.
૪:૩, ૪, ૧૦. કરારકોશ પવિત્ર હતો પરંતુ એનાથી કંઈ તેઓને ચમત્કારિક રક્ષણ મળ્યું નહિ. તેથી, આપણે ‘મૂર્તિઓથી દૂર’ રહેવું જોઈએ.—૧ યોહાન ૫:૨૧.
ઈસ્રાએલનો સૌથી પહેલો રાજા સારો હતો કે ખરાબ?
શમૂએલ જીવનભર યહોવાહના માર્ગમાં ચાલે છે. પણ તેમના દિકરાઓ ઈશ્વરને પગલે ચાલતા નથી. ઈસ્રાએલના વડીલો રાજાની માંગણી કરે છે ત્યારે યહોવાહ એક રાજા ઊભો કરે છે. શમૂએલ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે શાઊલને રાજા બનાવે છે. શાઊલ બિન્યામીન કુળનો દેખાવડો જુવાન હતો. એક રાજા તરીકે નિયુક્ત થયેલા શાઊલ આમ્મોનીઓ પર જીત મેળવે છે.
શાઊલનો દીકરો યોનાથાન પણ શુરવીર યોદ્ધા હતો. તે પલિસ્તીઓના લશ્કરને ધૂળ ચાટતા કરી દે છે. પલિસ્તીઓ ફરીથી જબરજસ્ત લશ્કર સાથે ઈસ્રાએલ પર હુમલો કરવા આવે છે. શાઊલ ગભરાઈ જાય છે. ઉતાવળમાં ને ઉતાવળમાં પોતે બલિદાન ચઢાવીને પાપ કરી બેસે છે. યોનાથાન ફક્ત એના સાથીદારોને સાથે લઈને પલિસ્તીઓના મુખ્ય મથક પર હુમલો કરે છે. શાઊલે ઉતાવળમાં લીધેલા ખોટા પગલાંના લીધે જીત મેળવી સહેલી ન હતી. પછી શાઊલ ચારે તરફના સર્વ શત્રુઓ “સાથે લડ્યો.” (૧ શમૂએલ ૧૪:૪૭) અમાલેકીઓને હરાવીને તે યહોવાહની આજ્ઞા તોડે છે કેમ કે જેને જેને “મારી” નાખવાના હતા તેઓને તે બચાવતો હતો. (લેવીય ૨૭:૨૮, ૨૯) છેવટે, યહોવાહ તેને રાજા તરીકે નકારી કાઢે છે.
સવાલ-જવાબ:
૯:૯—‘હમણાં પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દ્રષ્ટા કહેવાતો’ એટલે શું? એનો અર્થ એ થાય કે શમૂએલ અને ઈસ્રાએલીઓના રાજાઓના સમયમાં પ્રબોધકો બહુ પ્રખ્યાત હતા. એ સમયે, ‘દ્રષ્ટાના’ બદલે “પ્રબોધક” શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. શમૂએલ પ્રબોધકોની હરોળમાં સૌથી પહેલો પ્રબોધક હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૪.
૧૪:૨૪-૩૨, ૪૪, ૪૫—શાઊલે લોકોને કંઈ ન ખાવાના સમ ખવડાવ્યા હતા પરંતુ, યોનાથાને મધ ખાધું તો શું તેણે ઈશ્વરની કૃપા ગુમાવી દીધી? એવું નથી લાગતું કે યોનાથાને ઈશ્વરની કૃપા ગુમાવી હોય. સૌ પ્રથમ તો, યોનાથાનને શાઊલે આપેલા સમની કંઈ જ ખબર ન હતી. શાઊલે તો રોફમાં ને રોફમાં અથવા તો પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરીને સમ ખાધા હશે. પણ એના લીધે લોકો માટે તકલીફો ઊભી થઈ હતી. તો પછી, આવા સમને કઈ રીતે ઈશ્વરના આશીર્વાદ મળી શકે? યોનાથાને અજાણતા સમ તોડ્યા હોવા છતાં તે એનું પરિણામ ભોગવવા તૈયાર હતો. પરંતુ તેનું જીવન બચી ગયું.
૧૫:૬—શાઊલે શા માટે કેનીઓનું ખાસ ધ્યાન રાખ્યું? કેનીઓ મુસાના સસરાના દીકરાઓ હતા. ઈસ્રાએલીઓ સિનાય પર્વતથી બીજે ગયા ત્યારે તેઓએ ઈસ્રાએલીઓને મદદ કરી હતી. (ગણના ૧૦:૨૯-૩૨) યહુદાહના લોકો કનાનના દેશમાં ગયા ત્યારે કેનીઓ અમુક સમય સુધી તેઓ સાથે રહ્યા. (ન્યાયાધીશો ૧:૧૬) કેનીઓ પછી અમાલીકો અને બીજા અનેક કુળના લોકો સાથે રહ્યા પણ તેઓનું ઈસ્રાએલો સાથે સારુ બનતું. તેથી, શાઊલે તેઓને કંઈ કર્યું નહિ.
આપણે શું શીખી શકીએ?
૯:૨૧; ૧૦:૨૨, ૨૭. શાઊલ રાજા બન્યો ત્યારે નમ્ર હતો. તેથી જ્યારે અમુક “દુષ્ટ અને હલકા માણસો” (IBSI) તેને રાજા માન્યો નહિ ત્યારે તેણે કંઈ ખોટા પગલાં લીધા નહિ. નમ્રતા આપણને ખોટા પગલા લેતા અટકાવે છે.
૧૨:૨૦, ૨૧. કદી પણ “નિરર્થક વસ્તુઓ” પર ભરોસો ન રાખવો જોઈએ. એટલે કે માણસો દેશની સરકાર કે પછી મૂર્તિઓ પર આધાર ન રાખવો. ફક્ત યહોવાહ પર જ ભરોસો મૂકવો જોઈએ.
૧૨:૨૪. યહોવાહે તેમના ભક્તો માટે પહેલાં અને અત્યારે જે જે “મહાન કૃત્યો” કર્યા છે એ યાદ રાખવાથી આપણે ઈશ્વરનો ડર રાખી શકીશું. તેમની ભક્તિ દિલથી કરી શકીશું.
૧૩:૧૦-૧૪; ૧૫:૨૨-૨૫, ૩૦. અભિમાની વલણ કે આજ્ઞા નહિ પાળવાના જેવા વિચાશે દૂર રહેવું જોઈએ.—નીતિવચનો ૧૧:૨.
એક ઘેંટાપાળક રાજા બને છે
શમૂએલ યહુદાહ કૂળના દાઊદને ભાવિ રાજા તરીકે નીમે છે. પછી દાઊદ પલિસ્તીઓના કદાવર ગોલ્યાથને એક જ પથ્થરે પાડી દે છે. દાઊદ અને યોનાથાન જીગરી દોસ્ત બને છે. શાઊલ દાઊદને તેના સૈનિકોનો ઉપરી બનાવે છે. દાઊદની જીતોનું ગીત સ્ત્રીઓ ગાતા કહે છે કે, “શાઊલે સહસ્રોને, અને દાઊદે દશ સહસ્રોને સંહાર્યા છે.” (૧ શમૂએલ ૧૮:૭) અદેખાયની આગથી લાલ-પીળો થતો શાઊલ દાઊને ત્રણ વખત મારી નાખવાની કોશિશ કરે છે. પણ દાઊદ છટકી જાય છે પરંતુ તેને રખડતું જીવન જીવવું પડે છે.
એવી હાલતમાં દાઊદ બે વખત શાઊલનું જીવન બચાવે છે. આવું જીવન જીવતો હોય છે ત્યારે તેને અબીગાઈલ મળે છે અને તેની સાથે લગ્ન કરે છે. પલિસ્તીઓ ઈસ્રાએલીઓ સામે લડવા આવે છે ત્યારે શાઊલ યહોવાહની મદદ માગે છે. પણ યહોવાહ સાંભળતા નથી. શમૂએલ મરી ગયો હોવાથી તેની પાસે પણ ન જઈ શક્યો. તેથી શાઊલ ભૂતપિશાચ સાથે સંકળાયેલી એક સ્ત્રી પાસે જાય છે. તે શાઊલને કહે છે કે ‘તું લડાઈમાં માર્યો જઈશ.’ એ લડાઈમાં શાઊલ સખત ઘવાય છે. તેના બધા દીકરાઓ પણ મરી જાય છે. શાઊલ એક ખરાબ રાજા તરીકે મરણ પામે છે. દાઊદ હજુ પણ નાસતો ફરતો હોય છે.
સવાલ-જવાબ:
૧૬:૧૪—શાઊલને કયો દુષ્ટ આત્મા હેરાન કરતો હતો? દુષ્ટ આત્મા એટલે કે શાઊલના પોતાના દિલના ખરાબ વિચારો હતા. ખોટે માર્ગે જ જતો હતો. યહોવાહે તેની પાસેથી પોતાનો પવિત્ર આત્મા લઈ લીધો હતો, આથી તેને ઇશ્વર પાસેથી રક્ષણ ન હતું. આથી તે ખરાબ માર્ગોના ચૂંગલમાં ફસાઈ ગયો હતો. યહોવાહે શાઊલને ખરાબ થતા રોક્યો નહિ એટલે બાઇબલ જણાવે છે કે એ “યહોવાહ તરફથી” હતું.
૧૭:૫૫—૧ શમૂએલ ૧૬:૧૭-૨૩ પ્રમાણે શાઊલે શા માટે પૂછ્યું કે દાઊદ કોનો દીકરો છે? શાઊલને ફક્ત દાઊદના પિતાનું નામ જ જાણવું ન હતું. પણ તે જાણવા માંગતો હતો કે ગોલ્યાથ જેવા રાક્ષસને મારી નાખનાર દીકરાના પિતા કોણ છે?
આપણે શું શીખી શકીએ?
૧૬:૬, ૭. માણસો કેવા છે એ દેખાવ પરથી જ વિચારવાને બદલે આપણે સૌને યહોવાહની નજરે જોવા જોઈએ.
૧૭:૪૭-૫૦. આપણા જીવનમાં ભલે ગમે એટલા મોટા દુઃખો આવે પણ આપણે એ સહન કરી શકીએ છીએ કેમ કે “લડાઈ યહોવાહની છે.”
૧૮:૧, ૩; ૨૦:૪૧, ૪૨. યહોવાહને પ્રેમ કરે છે તેઓ આપણા સાચા સાથી છે.
૨૧:૧૨, ૧૩. આપણા જીવનમાં મુસીબતો આવે ત્યારે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ એમ યહોવાહ ઇચ્છે છે. તેમણે આપણને બાઇબલ આપ્યું છે. એ નિયમિત વાંચવાથી આપણે સારા પગલા લેતા શીખી શકીએ છીએ. (નીતિવચનો ૧:૪) વડીલો પણ આપણને સથવારો આપી શકે છે.
૨૪:૬; ૨૬:૧૧. યહોવાહે પસંદ કર્યા હોય તેઓ માટે માન બતાવવામાં દાઊદે કેટલો સુંદર દાખલો બેસાડ્યો.
૨૫:૨૩-૩૩. અબીગાઈલે અક્કલથી કામ કર્યું. કેવો સરસ દાખલો!
૨૮:૮-૧૯. લોકોને ભરમાવવા માટે ખરાબ દૂતો, માણસોનો વેશ લે છે. આપણે કોઈ પણ જાતના ધંતરમંતરથી દૂર રહેવું જોઈએ.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.
૩૦:૨૩, ૨૪. આ નિર્ણય ગણના ૩૧:૨૭ પરથી લેવામાં આવ્યો. એ બતાવે છે કે મંડળમાં બીજાની સેવા કરે છે તેઓને યહોવાહ સાથ આપે છે. આપણે જે કંઈ કરીએ એ “માણસોને સારૂ નહિ પણ જાણે પ્રભુને સારુ છે, એમ સમજીને . . . સઘળું ખરા દિલથી કરો.”—કોલોસી ૩:૨૩.
“યજ્ઞ કરતાં” સારું શું છે?
એલી, શમૂએલ, શાઊલ અને દાઊદની જીવનકથામાંથી એક સુંદર પાઠ શીખવા મળે છે. એ છે કે, “યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારૂં છે, અને ઘેટાની ચરબી કરતાં વચન માનવું સારૂં છે. કેમકે દંગો એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઇ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે.”—૧ શમૂએલ ૧૫:૨૨, ૨૩.
આજે જગતભરમાં યહોવાહ વિષે લોકો શીખે છે. લોકોને સાચી ભક્તિને માર્ગે દોરી જવાની જવાબદારી કેટલી સરસ છે! આપણે યહોવાહને આપણા હોઠોના અર્પણો ચઢાવીએ છીએ. તેથી આપણે બાઇબલમાં જે લખ્યું છે એ પાળવું જોઈએ અને યહોવાહના ભક્તો જે માર્ગદર્શન આપે છે એ પાળવા જોઈએ.—હોશીયા ૧૪:૨; હેબ્રી ૧૩:૧૫.
[ફુટનોટ]
a એ બધી જગ્યાઓ ક્યાં છે એ જાણવા “સી ધ ગુડ લૅન્ડ,” બ્રોશરના પાન ૧૮-૧૯ પર જુઓ. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૨૩ પર ચિત્ર]
ઈસ્રાએલનો સૌથી પહેલો રાજા નમ્ર હતો પણ પછી તે ઘમંડી બની ગયો
[પાન ૨૪ પર ચિત્ર]
આપણા જીવનમાં દુઃખો આવી પડે ત્યારે શું ખાતરી રાખી શકીએ?