વધતા જતાં પ્રકાશના માર્ગે ચાલવું
“સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્ન થતાં સુધી વધતો ને વધતો જાય છે.”—નીતિવચનો ૪:૧૮.
૧, ૨. યહોવાહે સત્યનું અજવાળું આપ્યું, એનાથી તેમના લોકોને શું લાભ થયો છે?
રાતના અંધારા પછી સૂર્ય ઊગે છે, ત્યારે શું થાય છે? એનો જવાબ યહોવાહ પરમેશ્વર આપણાથી વધારે સારી રીતે જાણે છે. કેમ કે તે પ્રકાશ બનાવનાર છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) એ વિષે બાઇબલમાં પરમેશ્વર કહે છે કે ‘પ્રભાત પૃથ્વીની સરહદોને પકડે છે ત્યારે જેમ બીબા પ્રમાણે માટીના આકાર જુદા જુદા થાય છે, અને બધી વસ્તુઓ વસ્ત્રની માફક દીપી ઊઠે છે, તેમ પૃથ્વી બદલાય છે.’ (અયૂબ ૩૮:૧૨-૧૪) જેમ ભીની માટી પર કોઈ છાપ પાડવાથી એનું રૂપ બદલાય જાય છે, એવી જ રીતે સૂર્યનો પ્રકાશ ધીરે ધીરે પૃથ્વી પર પડે છે ત્યારે પૃથ્વીનું રૂપ બદલાય છે. અને બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાવા લાગે છે.
૨ યહોવાહ સત્યનું અજવાળું આપનાર છે. (ગીતશાસ્ત્ર ૪૩:૩) એક બાજુ આખી દુનિયા ઘોર અંધકારમાં છે. ત્યારે બીજી બાજુ સાચા પરમેશ્વર પોતાના લોકોને સતત અજવાળું આપી રહ્યાં છે. એનાથી શું લાભ થયો છે? બાઇબલ જવાબ આપે છે: “પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્ન થતાં સુધી વધતો ને વધતો જાય છે.” (નીતિવચનો ૪:૧૮) દિવસે દિવસે વધતો આ પ્રકાશ યહોવાહના લોકોના માર્ગમાં અજવાળું ફેલાવે છે. એનાથી સંગઠનની કામ કરવાની રીતોમાં, બાઇબલના શિક્ષણને સ્પષ્ટ સમજવામાં અને આપણા વાણી-વર્તનમાં સુધારો આવ્યો છે.
વધતા અજવાળાને લીધે સંગઠનમાં સુધારો
૩. યશાયાહ ૬૦:૧૭માં શું વચન આપવામાં આવ્યું છે?
૩ ઈશ્વરભક્ત યશાયાહ દ્વારા યહોવાહે ભાખ્યું: “હું પિત્તળને બદલે સોનું આણીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું આણીશ.” (યશાયાહ ૬૦:૧૭) કોઈ સસ્તી ધાતુને બદલે કીમતી ધાતુનો ઉપયોગ કરવો એ સુધારો બતાવે છે. એવી જ રીતે, “જગતના અંતના” કે ‘છેલ્લા દિવસો’ દરમિયાન યહોવાહના સાક્ષીઓએ સંગઠનની ગોઠવણમાં ઘણો સુધારો જોયો છે.—માત્થી ૨૪:૩; ૨ તીમોથી ૩:૧.
૪. ૧૯૧૯થી કઈ ગોઠવણ કરવામાં આવી? એનાથી શું લાભ થયો?
૪ છેલ્લા દિવસોની શરૂઆતમાં યહોવાહના સાક્ષીઓ બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા. એ વખતે બાઇબલ વિદ્યાર્થીઓ મંડળમાં વોટ નાખીને વડીલો અને સેવકાઈ ચાકરોની (ડીકોનની) પસંદગી કરતા હતા. જો કે, અમુક વડીલો સાચા દિલથી પ્રચાર કરતા ન હતા. કેટલાક વડીલો પોતે પ્રચારમાં જતા ન હતા અને બીજાઓને પણ પ્રચાર ન કરવાનું ઉત્તેજન આપતા હતા. તેથી ૧૯૧૯માં દરેક મંડળમાં સર્વિસ ડાયરેક્ટરની ગોઠવણ કરવામાં આવી. કોણે તેમને એ જવાબદારી સોંપી? શું મંડળ વોટ નાખીને સર્વિસ ડાયરેકટરને પસંદ કરતા હતા? ના, બ્રાંચ ઑફિસ યહોવાહની શક્તિ દ્વારા તેઓને એ જવાબદારી સોંપતા હતા. સર્વિસ ડાયરેક્ટરની જવાબદારી હતી કે તે પ્રચારની ગોઠવણ કરે, એ માટે ટેરેટરી સોંપે. તેમ જ, ભાઈ-બહેનોને પ્રચાર કરવા માટે ઉત્તેજન આપે. એ પછીના વર્ષોમાં રાજ્યના પ્રચાર કામમાં ગજબનો વધારો થયો.
૫. ૧૯૨૦ના દાયકામાં કયો સુધારો થયો?
૫ ૧૯૨૨માં અમેરિકાના ઓહાયો, સીદાર પૉઇન્ટ શહેરમાં મહાસંમેલન ભરવામાં આવ્યું. એમાં મંડળના ભાઈ-બહેનોને જોશથી પ્રચાર કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. એમાં બધાને વિનંતી કરવામાં આવી કે, “રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો.” ૧૯૨૭ સુધીમાં એ નક્કી કરવામાં આવ્યું કે પ્રચાર કરવા માટે રવિવારનો દિવસ સૌથી સારો છે. શા માટે? કેમ કે, રવિવારે મોટા ભાગના લોકો ઘરે હોય છે. આજે પણ યહોવાહના સાક્ષીઓ એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખે છે, અને એવા સમયે પ્રચાર કરે છે જ્યારે મોટા ભાગના લોકો ઘરે હોય. જેમ કે સાંજના સમયે અથવા શનિ-રવિના દિવસે.
૬. ૧૯૩૧માં શું ઠરાવ કરવામાં આવ્યો? એની રાજ્યનો પ્રચાર કરનારા પર કેવી અસર થઈ?
૬ જુલાઈ ૨૬ ૧૯૩૧માં અમેરિકાના ઓહાયો, કોલંબસ શહેરમાં એક મહાસંમેલન ભરવામાં આવ્યું. એક બપોરે ઠરાવ કરવામાં આવ્યો જેનાથી રાજ્યના પ્રચાર કામમાં ગજબનો જોશ ઉભરાયો. પછી એ ઠરાવ આખી દુનિયામાં પસાર કરવામાં આવ્યો. ઠરાવનો થોડો ભાગ આ મુજબ છે: ‘આપણે યહોવાહના ભક્તો છીએ. યહોવાહે આપણને જવાબદારી સોંપી છે. એ જવાબદારી ઉપાડવાથી આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ. જેમ કે ઈસુએ પ્રચાર કર્યો હતો એ સંદેશ આપણે લોકોને સંભળાવીએ છીએ. આપણે લોકોને જણાવીએ છીએ કે યહોવાહ જ સાચા અને સર્વશક્તિમાન પરમેશ્વર છે. તેથી આપણા પરમેશ્વરે આપેલું નામ આપણે ખુશી ખુશી સ્વીકારીએ છીએ. આપણે આ નવું નામ એટલે કે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાવા ચાહીએ છીએ.’ (યશાયાહ ૪૩:૧૦) ખરેખર એ નામથી લોકોને તરત જ ખબર પડે છે કે યહોવાહના ભક્તોનું સૌથી મહત્ત્વનું કામ શું છે. યહોવાહે પોતાના બધા ભક્તોને પ્રચાર કરવાનું કામ સોંપ્યું છે. સંમેલનમાં આ નામ પોકારવાથી લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો!
૭. ૧૯૩૨માં કયો ફેરફાર થયો અને શા માટે?
૭ ઘણા વડીલો એ સાંભળીને નમ્ર બન્યા. તેઓ પ્રચાર કામમાં લાગી ગયા. પરંતુ, અમુક જગ્યાઓએ વોટથી પસંદ કરેલા વડીલ હજી વિચારતા હતા કે બધા લોકોએ પ્રચારમાં ભાગ લેવો જરૂરી નથી. પરંતુ એ વિચાર લાંબો ટક્યો નહિ. જલદી જ સુધારો થયો. કેવી રીતે? ૧૯૩૨માં ચોકીબુરજ મૅગેઝિન દ્વારા મંડળોને માર્ગદર્શન મળ્યું કે વોટ આપીને વડીલો અને સેવકાઈ ચાકરોની પસંદગી ન કરે. એના બદલે તેઓએ સેવા સમિતિની (સર્વિસ કમિટી) પસંદગી કરવાની હતી. આ સમિતિમાં એવા ભાઈઓ હોય જેઓ પરમેશ્વરની સેવામાં મજબૂત હોય. અને પ્રચારમાં ઉત્સાહી હોય. આમ મંડળની જવાબદારી એવા લોકોને સોંપવામાં આવી જેઓ પ્રચારમાં વધારે ભાગ લેતા હોય. એનાથી પ્રચાર કામમાં પ્રગતિ થઈ.
વધતો પ્રકાશ એટલે વધારે સુધારો
૮. ૧૯૩૮માં શું ફેરફાર આવ્યો?
૮ આ પ્રકાશ “વધતો ને વધતો જ” ગયો. ૧૯૩૮માં મંડળમાં વોટ નાખીને વડીલોની પસંદગી કરવાનું પૂરેપૂરું બંધ કરવામાં આવ્યું. એના બદલે દરેક જવાબદાર ભાઈઓને બાઇબલ પ્રમાણે અને ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરના’ માર્ગદર્શન પ્રમાણે પસંદ કરવામાં આવ્યા. (માત્થી ૨૪:૪૫-૪૭) યહોવાહના સાક્ષીઓના મંડળોએ આ ફેરફારને સ્વીકાર્યો. અને તેઓને પ્રચાર કામની મહેનતના સારાં ફળ મળ્યા.
૯. ૧૯૭૨માં કઈ ગોઠવણ કરવામાં આવી? એનાથી શું ફાયદો થયો?
૯ ઑક્ટોબર ૧, ૧૯૭૨માં મંડળની સંભાળ રાખવા વિષે ફેરફાર કરવામાં આવ્યો. પહેલાં મંડળની સંભાળ ફક્ત એક ઓવરસિયર રાખતા હતા. પણ હવે યહોવાહના સાક્ષીઓના મંડળની સંભાળ રાખવા માટે વડીલો ભેગા થઈને એ જવાબદારી ઉપાડે છે. આ નવી ગોઠવણથી અનુભવી ભાઈઓને ઉત્તેજન મળ્યું કે તેઓ મંડળમાં આગેવાની લેવા પોતાને યોગ્ય બનાવે. (૧ તીમોથી ૩:૧-૭) આ ફેરફારને લીધે ઘણા ભાઈઓને મંડળની જવાબદારી સંભાળવાનો મોકો મળ્યો. આ ભાઈઓએ નવા લોકોને મદદ કરી, જેથી તેઓ બાઇબલમાંથી સત્ય સ્વીકારીને સંગઠનમાં આવ્યા.
૧૦. ૧૯૭૬થી કયો સુધારો જોવા મળ્યો
૧૦ જાન્યુઆરી ૧, ૧૯૭૬થી ગવર્નિંગ બૉડીના સભ્યોની છ કમિટી બનાવવામાં આવી. આ કમિટીએ દુનિયાભરના મંડળો અને સંગઠનનું કામ સંભાળી લીધું. ‘વધારે સલાહકારોની સલાહથી’ પરમેશ્વરના રાજ્યના દરેક કામની સંભાળ રાખવી આશીર્વાદ સાબિત થઈ.—નીતિવચનો ૧૫:૨૨; ૨૪:૬.
૧૧. ૧૯૯૨માં કેવો સુધારો થયો અને શા માટે?
૧૧ ૧૯૯૨થી બીજો એક સુધારો થયો. આ ઘટના ઈસ્રાએલીઓ બાબેલોનમાંથી છૂટ્યા એની સાથે મળતી આવે છે. એ વખતે મંદિરમાં સેવા કરવા ઓછા લેવીઓ હતા. તેથી નથીનીમ ઈસ્રાએલીઓ ન હતા તોપણ તેઓને લેવીઓની મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી. એવી જ રીતે, પૃથ્વી પરના વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર વર્ગની જવાબદારીઓ વધી રહી હતી. તેથી તેઓની મદદ કરવા ૧૯૯૨માં ‘બીજાં ઘેટાંના’ અમુક લોકોને જવાબદારી સોંપવામાં આવી. આ લોકોને ગવર્નિંગ બૉડીની કમિટીને મદદ કરવા માટે પસંદ કરવામાં આવ્યા.—યોહાન ૧૦:૧૬.
૧૨. યહોવાહ કઈ રીતે વડીલો પસંદ કરે છે?
૧૨ ગવર્નિંગ બૉડી અને વડીલોની ગોઠવણ વિષે જે ફેરફારો થયા એનાથી કયા લાભો થયા? એ વિષે યહોવાહ કહે છે કે “હું શાંતિને તારો શાસક અને ન્યાયીપણાને તારો રાજકર્તા બનાવીશ.” (યશાયાહ ૬૦:૧૭, કોમન લેંગ્વેજ) શું આજે આ જોવા મળે છે? હા ચોક્કસ, ન્યાયને લીધે તેઓ યહોવાહની ભક્તિ કરે છે. અને “રાજકર્તા” ‘ન્યાયી’ બાબતો કરે છે. એના લીધે યહોવાહના સેવકોમાં શાંતિ જોવા મળે છે. અને તેઓ રાજ્યનો પ્રચાર કરવા તથા શિષ્યો બનાવવાના કાર્યમાં સારી ગોઠવણ કરે છે.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
બાઇબલ શિક્ષણ માટે યહોવાહનો પ્રકાશ
૧૩. ૧૯૨૦ના દાયકામાં બાઇબલ શિક્ષણની સમજ વધારવા યહોવાહે કેવો પ્રકાશ આપ્યો?
૧૩ યહોવાહ બાઇબલ શિક્ષણની સમજ વધારવા પણ લોકોને પ્રકાશ આપે છે. પ્રકટીકરણ ૧૨:૧-૯નો જ દાખલો લો. એમાં જન્મ આપનાર ગર્ભવતી “સ્ત્રી,” “અજગર” અને “પુત્ર, નરબાળક” વિષે જોવા મળે છે. શું તમે જાણો છે કે આ કોને રજૂ કરે છે? એનો જવાબ માર્ચ ૧, ૧૯૨૫ના ધ વૉચટાવર મૅગેઝિનમાં જોવા મળે છે. એનો વિષય છે, “રાષ્ટ્રનો જન્મ.” એમાં પરમેશ્વરનું રાજ્ય ક્યારે શરૂ થયું એ ભવિષ્યવાણીની વાત કરી છે. ભાઈ-બહેનો એ વાંચીને એના વિષે વધારે જાણકાર થયા. દાખલા તરીકે તેઓને સમજણ મળી કે વિશ્વમાં બે સંગઠન છે. એક યહોવાહનું અને બીજું શેતાનનું. ૧૯૨૭/૨૮માં પરમેશ્વરના લોકોએ જાણ્યું કે ક્રિસમસ અને જન્મદિવસની ઉજવણી બાઇબલના શિક્ષણની વિરુદ્ધ છે. તેથી તેઓએ એને ઊજવવાનું છોડી દીધું.
૧૪. ૧૯૩૦માં બાઇબલના કયા શિક્ષણની સાચી સમજણ આપવામાં આવી?
૧૪ ૧૯૩૦ના દાયકામાં બાઇબલના ત્રણ શિક્ષણ પર વધારે સમજણ આપવામાં આવી. વર્ષોથી બાઇબલ વિદ્યાર્થીઓ જાણતા હતા કે પ્રકટીકરણ ૭:૯-૧૭ની “મોટી સભા” અથવા મોટું ટોળું એ ૧,૪૪,૦૦૦થી અલગ છે. તેમ જ, ૧,૪૪,૦૦૦ને રાજા અને યાજક તરીકે ઈસુ સાથે રાજ કરવાનો લહાવો છે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧-૫) જો કે, મોટું ટોળું કોણ છે એની ચોખ્ખી સમજણ ન હતી. જેમ સવારના ધુમ્મસમાં આપણને ધીરે ધીરે વસ્તુઓનો આકાર અને રંગ દેખાય છે તેમ, ૧૯૩૫માં મોટા ટોળાંની ઓળખાણ દેખાઈ આવી. એ પણ સમજ મળી કે આ મોટું ટોળું “મહાન વિપત્તિમાંથી” બચી જશે. અને તેઓને પૃથ્વી પર કાયમ સુખ-શાંતિમાં જીવવાની આશા છે. એ જ વર્ષે બીજા એક શિક્ષણ પર પણ સમજણ મળી. એની અસર યહોવાહના સાક્ષીઓના સ્કૂલમાં જતા બાળકો પર પડી. એક બાજુ આખી દુનિયામાં દેશભક્તિનું જોર હતું. ત્યારે યહોવાહના સાક્ષીઓ સમજ્યા કે ઝંડાને સલામી આપવી એ દેશને આદર આપવાનો રિવાજ નથી, પણ એ જૂઠી ભક્તિ સાથે સંકળાયેલા છે. પછીના વર્ષે બાઇબલના બીજા એક શિક્ષણની પણ સમજ આપવામાં આવી. એ કે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર નહિ પણ લાકડાંનાં થાંભલા પર મારી નાખવામાં આવ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૯.
૧૫. લોહીની પવિત્રતા વિષે ક્યારે અને કઈ રીતે એ સમજણ સ્પષ્ટ થઈ?
૧૫ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોને લોહી ચઢાવવું એકદમ સામાન્ય થઈ ગયુ હતું. યુદ્ધ પૂરું થતા જ પરમેશ્વરના લોકોને લોહી કેટલુ પવિત્ર છે એ વિષે માહિતી આપવામાં આવી. જુલાઈ ૧, ૧૯૪૫ના ધ વૉચટાવરમાં ઉત્તેજન આપવામાં આવ્યું કે “યહોવાહના ભક્તો જેઓ ન્યાયી નવી દુનિયામાં હંમેશા જીવવા ચાહે છે તેઓએ લોહીની પવિત્રતાનો આદર કરવો જોઈએ. તેમ જ આ મહત્ત્વની બાબતમાં પરમેશ્વરના ન્યાયી નિયમોનું પાલન કરવું જોઈએ.”
૧૬. ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ ક્યારે બહાર પડ્યું? એની બે ઉપયોગી બાબતો કઈ છે?
૧૬ ૧૯૪૬માં બાઇબલનું ભાષાંતર કરવાનું જરૂરી લાગ્યું. એ બાઇબલ ખરા જ્ઞાનને આધારે તૈયાર કરવાનું હતું. જેમાં ચર્ચના શિક્ષણની કોઈ છાપ ન હોય. ડિસેમ્બર ૧૯૪૭થી એવું ભાષાંતર કરવાની શરૂઆત થઈ. વર્ષ ૧૯૫૦માં ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ અંગ્રેજીમાં બહાર પડ્યું. અંગ્રેજીમાં હેબ્રી શાસ્ત્રવચનના પાંચ વૉલ્યૂમ તૈયાર કરવામાં આવ્યા. ૧૯૫૩થી ધીરે ધીરે દરેક વૉલ્યૂમ બહાર પડ્યા. છેલ્લું વૉલ્યૂમ ૧૯૬૦માં બહાર પડ્યું એટલે કે ભાષાંતર કરવાનું શરૂ કર્યું એના ૧૨ વર્ષ પછી પૂરું થયું. ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સનું આખું બાઇબલ ૧૯૬૧માં બહાર પડ્યું. આ બાઇબલ હવે ઘણી ભાષામાં છે. અને એમાં ઘણી બાબતો છે જે બહુ ઉપયોગી છે. એક તો, પરમેશ્વરનું નામ યહોવાહ આ બાઇબલમાં જોવા મળે છે. બીજું કે એને મૂળ ભાષામાંથી ભાષાંતર કરવામાં આવ્યું છે. તેથી એમાંથી પરમેશ્વરના વચનની સારી સમજણ મળે છે.
૧૭. ૧૯૬૨માં કઈ સમજણ મળી?
૧૭ ૧૯૬૨માં રૂમી ૧૩:૧માં ઉલ્લેખ કરવામાં આવેલા ‘મુખ્ય અધિકારીઓ’ વિષે સમજણ મળી. તેમ જ આપણે એને કેટલી હદ સુધી આધીન રહેવું જોઈએ એની સમજણ પણ આપવામાં આવી. એના માટે રૂમીના ૧૩માં અધ્યાયનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો, અને તીતસ ૩:૧, ૨ તથા ૧ પીતર ૨:૧૩, ૧૭ જેવી કલમોની તપાસ કરી. એમ કરવાથી સમજણ મળી કે ‘મુખ્ય અધિકારીઓ’ પરમેશ્વર કે ઈસુને નહિ પણ માણસોની સરકારને લાગુ પડે છે.
૧૮. ૧૯૮૦માં કયા શિક્ષણની સ્પષ્ટ સમજણ આપવામાં આવી?
૧૮ એ પછીના વર્ષોમાં પ્રકાશ વધતો ને વધતો જ ગયો. ૧૯૮૫માં વધારે સમજણ મળી કે ‘જીવનરૂપ ન્યાયીકરણ’ અને પરમેશ્વરના મિત્રને નાતે ન્યાયી ઠરાવવાનો શું અર્થ થાય છે. (રૂમી ૫:૧૮; યાકૂબ ૨:૨૩) ૧૯૮૭માં જ્યુબિલી વિષે વધારે સમજણ આપવામાં આવી.
૧૯. હાલના વર્ષોમાં યહોવાહે કઈ રીતે પોતાના ભક્તો પર પ્રકાશ ફેંક્યો?
૧૯ ૧૯૯૫માં ‘ઘેટાંમાંથી બકરાંને’ જુદા પાડવા વિષે સમજણ આપવામાં આવી. ૧૯૯૮માં હઝકીએલના મંદિરના દર્શન વિષે વિગતવાર સમજાવવામાં આવ્યું. આ ભવિષ્યવાણી આપણા સમયમાં પૂરી થઈ રહી છે. ૧૯૯૯માં સમજાવવામાં આવ્યું કે ‘ધિક્કારપાત્ર વસ્તુ’ ક્યારે અને કઈ રીતે “પવિત્રસ્થાનમાં ઊભેલી” દેખાશે. (માથ્થી ૨૪:૧૫, ૧૬, IBSI; ૨૫:૩૨) ૨૦૦૨માં વધારે જાણવા મળ્યું કે “આત્માથી તથા સત્યતાથી” પરમેશ્વરની ભક્તિ કરવાનો શું અર્થ થાય છે.—યોહાન ૪:૨૪.
૨૦. બીજી કઈ બાબતે પરમેશ્વરના ભક્તોએ સુધારો જોયો?
૨૦ સંગઠનમાં કામ કરવાની રીત અને બાઇબલ શિક્ષણમાં સુધારો આવ્યો. સાથે સાથે ખ્રિસ્તીઓનું વર્તન કેવું હોવું જોઈએ એ વિષે પણ સમજણ આપવામાં આવી. દાખલા તરીકે, ૧૯૭૩માં સમજાવવામાં આવ્યું કે તમાકુ શરીરને ‘મલિન’ કરે છે. અને એને વાપરવું ગંભીર પાપ ગણાય. (૨ કોરીંથી ૭:૧) જુલાઈ ૧૫, ૧૯૮૩ના વૉચટાવરમાં જણાવ્યું કે બંદૂક, પિસ્તોલ જેવા હથિયાર વાપરવાને આપણે કઈ દ્રષ્ટિથી જોવું જોઈએ. આ અમુક દાખલાઓ બતાવે છે કે આપણા સમયમાં કઈ રીતે પ્રકાશ વધ્યો.
પ્રકાશના માર્ગે ચાલતા રહો
૨૧. કેવું વલણ રાખવાથી આપણે પ્રકાશના માર્ગે ચાલતા રહીશું?
૨૧ એક ભાઈ લાંબા સમયથી વડીલ છે. તે કહે છે કે “કોઈ ફેરફારને સ્વીકારવો અને એ પ્રમાણે પોતાને બદલવું ખરેખર બહુ મુશ્કેલ છે.” આ વડીલ ૪૮ વર્ષથી પ્રચાર કરી રહ્યા છે. એ વર્ષો દરમિયાન થયેલા સુધારાને સ્વીકારવા કઈ બાબતે તેમને મદદ કરી? તે કહે છે, “યોગ્ય વલણ રાખવું બહુ જરૂરી છે. આપણે કોઈ ફેરફારને સ્વીકારવાની ના પાડીએ તો, પરમેશ્વરનું સંગઠન આપણને છોડીને ક્યાંય આગળ જતું રહેશે. મને કોઈ સુધારાને સ્વીકારવો અઘરો લાગે છે ત્યારે હું પીતરે ઈસુને કહેલા શબ્દોનો વિચાર કરું છું: ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે.’ પછી હું પોતાને પૂછું છું કે ‘આખી દુનિયામાં તો અંધકાર છે, યહોવાહના સંગઠનને છોડીને હું ક્યાં જઉં?’ એનાથી મને મદદ મળે છે કે પરમેશ્વરના સંગઠન સાથે મજબૂત નાતો બનાવી રાખું.”—યોહાન ૬:૬૮.
૨૨. પ્રકાશમાં ચાલવાથી આપણને શું ફાયદો થાય છે?
૨૨ એમાં કોઈ શક નથી કે આપણી ચારેબાજુની દુનિયા ઘોર અંધકારમાં છે. પણ યહોવાહ પોતાના ભક્તોને પ્રકાશ આપી રહ્યા છે. તેથી આ દુનિયા અને યહોવાહના લોકો વચ્ચે બહુ જ ફરક છે. આ પ્રકાશથી આપણને શું ફાયદો થાય છે? દાખલા તરીકે આપણે અંધારામાં ટોર્ચ ચાલુ રાખીને જઈએ છીએ. શું ટોર્ચ રાખવાથી ખાડો પૂરાઈ જશે? બિલકુલ નહીં! પણ એનાથી આપણને ખાડો દેખાશે. એવી જ રીતે, પરમેશ્વરના વચનથી મળતો પ્રકાશ મુશ્કેલીઓ દૂર નથી કરતો. પણ એને ઓળખવા અને એનાથી દૂર રહેવા મદદ કરે છે, જેથી આપણે વધતા પ્રકાશના માર્ગે ચાલતા રહીએ. તો જેમ અંધારામાં ‘પ્રકાશ આપનાર દીવાને’ ધ્યાન આપીશું તેમ, ચાલો આપણે યહોવાહની ભવિષ્યવાણીના વચનો પર ધ્યાન આપીએ.—૨ પીતર ૧:૧૯. (w06 2/15)
શું તમને યાદ છે?
• યહોવાહ પોતાના સંગઠનમાં કેવા કેવા ફેરફાર લાવ્યા?
• વધતા પ્રકાશથી યહોવાહના શિક્ષણમાં કેવો સુધારો થયો?
• તમે પોતે કયો સુધારો અનુભવ્યો છે? અને એને સ્વીકારવા તમને શામાંથી મદદ મળી?
• શા માટે તમે વધતા પ્રકાશના માર્ગે ચાલવા ચાહો છો?
[પાન ૧૯ પર ચિત્ર]
૧૯૨૨માં ઓહાયોના, સીદાર પૉઇન્ટ શહેરમાં થયેલા સંમેલને બાઇબલ વિદ્યાર્થીઓમાં પરમેશ્વરનું કામ કરવાનો નવો જોશ ભરી દીધો
[પાન ૨૦ પર ચિત્ર]
“ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ” ૧૯૫૦માં એન.એચ. નોરે બહાર પાડ્યું
[પાન ૧૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© 2003 BiblePlaces.com